આનું નામ નવલકથા..
માનવજીવનની સર્વોચ્ચતા અને અને અધમતા વિશે જગતનો ઇતિહાસ ભર્યો પડયો છે. માનવહ્રદયની બે સર્વોચ્ચ વિભાવનાઓ.. એક પ્રેમની અને બીજી ધિક્કારની.. મુઠ્ઠીભર હ્રદયમાં ધબકતી આ બે લાગણીઓએ છેક આદમ અને ઇવથી માંડીને જગતભરની પ્રજાઓના હજારો સંબંધોના ઉત્તમ અને અધમાધમ, પાવિત્ર્ય અને પૈશાચિકતા, પયંગબરી અને રાક્ષસી બધા જ પ્રકારો પ્રગટાવ્યા છે. જયભિખ્ખુ તેથી જ કહે છે, “આદમી છે દેવ, શેતાનનો ચેલો.” આ મુઠ્ઠીભર હ્રદયમાં પ્રેમ પ્રગટે છે ત્યારે મનુષ્યનું ઇશ્વરીપણું પ્રગટે છે. અને ધિક્કાર પ્રગટે છે ત્યારે સ્વનાશ અને સર્વનાશની બધી જ રીતરસમો પ્રગટ થાય છે. આશ્ચર્યની વાત કેવી છે કે પ્રેમની સર્વોચ્ચ લાગણીના શિખર પર પણ વેર અને ધિક્કાર બિરાજે છે.. તો વેરના સર્વોચ્ચ શિખરે પ્રેમ બિરાજે છે. આપણા મહાકાવ્યો.. રામાયણ અને મહાભારત એના જવલંત ઉદાહરણો છે.
પ્રેમ ઇશ્વર સમો અવ્યાખ્યેય છે. માનવહ્રદયને અને જીવનને અજવાળતો પ્રેમ શબ્દાતીત અને અર્થાતીત છે. પ્રેમ જાગે છે ત્યારે જીવનના મધુર અને પવિત્ર અર્થો પ્રગટે છે.. પણ એ જ પ્રેમ જયારે અધિકાર માગે છે ત્યારે એ એનું સત્વ ગુમાવે છે.
પ્રેમ અને નફરતની બંને વિભાવનાનું “દોસ્ત, મને માફ કરીશ ને?” નવલકથામાં નીલમબેને ઉકૃષ્ટ અને ભાવવાહી શૈલીમાં આલેખન કર્યું છે. લોકસત્તા, જનસત્તાની રવિવારીય પૂર્તિ “મહેફિલ”માં તેના આરંભથી અંત સુધી પ્રત્યક્ષ થવાનું બન્યું. તે સમયે સાપ્તાહિક એડીટોરીલ કાર્યમાં તેના સત્વ સુધી પૂર્ણતયા ન પહોંચી શકાય તે સ્વાભાવિક છે. પરંતુ આ નવલકથા વિશે લખવાનું આવ્યું ત્યારે ફરી એકવાર આખી નવલકથા ભાવક તથા અવલોકનકાર તરીકે અભ્યાસદ્રષ્ટિથી વાંચી ગયો. આ અનુભવ ઉમદા અને નવો નીકળ્યો. સમગ્ર નવલકથા અંંગે જે તારણો નીકળ્યા તેની નોંધ પણ કરતો ગયો. ત્યારે ફરીથી આ સંવેદનરસી નવલકથામાંથી ઋજુલ પ્રતિભાવો અને તેની બળકટતા પ્રગટ થતા ગયા તે પણ અનુભવાયું..
નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. પ્રેમની પવિત્રતા શિશુવયમાં પ્રગટે તેની નિર્મળતા અલૌકિક હોય છે.
નવલકથાનો ઉઘાડ નિસર્ગ અને ઇતિના નિર્મળ વ્યક્તિત્વ સાથે થાય છે. નાનપણમાં ઉછરેલો પ્રેમ કિશોરવય સહજ મસ્તી, તોફાનની નિર્દોષતામાં વિકસતો જાય છે. ઇતિના આરંગેત્રમ વખતે અનિકેતે ઇતિને એક મ્યુઝીકલ ઘડીયાળ ભેટ આપ્યું..
“આપણો સંબંધ આ ઘડિયાળના કાંટાથી પર, સમયથી પર હશે એવા કોઇ શબ્દો વિના જ…”
અનિકેતની બહેન અમેરિકામાં હતી. તેણે તેના કુટુંબને અમેરિકા બોલાવી લીધું. અનિકેતની વિદાયના એ પ્રસંગે ઇતિ અને અનિકેતના પ્રબળ ભાવવાહી પ્રસંગનું કરૂણમંગલ સ્થિતિનું હ્રદયસ્પર્શી વર્ણન વાર્તાના પ્રવાહને વેગ આપે છે. એ કાવ્યમય ક્ષણો ભાવકને અચૂક ભીંજવી રહે છે.
કાળનું ચક્ર ફરે છે. અને ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અનિકેતને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી. ઇતિને અનિકેતથી દૂર કરવાના પેંતરા કરતો અરૂપ હકીકતે અસુરક્ષાની ભાવનાથી પીડાય છે. અરૂપના પ્રેમભર્યા હ્રદયમાં અનિકેત માટે નફરત, ધિક્કાર, વેરની આગ ભભૂકે છે. અને આ આગ માનવીને સારાસારનું ભાન ન ભૂલાવે તો જ નવાઇ.. અનિકેત મરી જાય છે.. એ વાત પણ અરૂપ ઇતિથે છૂપાવે છે. મૃત્યુને આંગણે ઉભેલા અનિકેતને અંતિમ ક્ષણોએ પણ ઇતિ મળી ન શકે એ માટે મથતો રહે છે.
અનિકેત હવે આ દુનિયામાં નથી.. એ સમાચાર ઇતિને મળતા તે આઘાતથી મૂઢ બને છે. પણ એ આઘાત કંઇ ફકત અનિકેતના મૃત્યુનો નથી. એ આઘાત અરૂપે તેની સાથે કરેલા આવા વર્તનનો.. અરૂપના આ હીન કક્ષાના સ્વરૂપનો પરિચય સરળ ઇતિના ચિતત્તંત્રને આંચકો આપી ગયું. ઇતિ કોઇ પણ સંવેદન રહિત, જડ બની ગઇ.. ઇતિની આ સંગદિલ સ્થિતિથી હચમચી ગયેલા અરૂપના હૈયામાં પસ્તાવાનું પાવક ઝરણું પ્રગટયું. તે રાત દિવસ રડીને ઇતિની માફી માગતો રહ્યો. શબવત બની ગયેલી ઇતિ સમક્ષ પોતાના પાપનો.. પોતાની ભૂલોનો એકરાર દિલની પૂરી સચ્ચાઇથી કરતો રહ્યો.. માફી કે સજા માગતો રહ્યો. પરંતુ હવે મૂઢ બની ગયેલી ઇતિ એ સમજી શકે.. સાંભળી શકે એવી ચેતના ગુમાવી બેઠી હતી. અરૂપ પ્રેમનો સાચો અર્થ પામ્યો હતો. પણ કયા ભોગે?
એવા સમયે અરૂપનો મિત્ર અંકુર, તેની પત્ની વૈશાલી અને તેના બે નાનકડાં બાળકો.. પરમ, પરિનિ તેમને ઘેર આવે છે. નિસંતાન ઇતિના હ્રદયમાં એ બંને બાળકો કેવી રીતે વાત્સલ્યનું ઝરણું ફરીથી વહેતું કરે છે.. મુરઝાઇ ગયેલી ઇતિમાં કેવી રીતે નવજીવનનો સંચાર થાય છે. અરૂપનો સ્નેહ કઇ ઉંચાઇએ પહોંચે છે..એ નું હ્રદયસ્પર્શી આલેખન મનને રણઝણાવી રહે છે. અરૂપ મનોમન પોતાના દોસ્ત અનિકેતની માફી માગતો રહે છે. અને અંતમાં ઇતિ અને અરૂપ કેવી રીતે બે બાળકોને અનાથાશ્રમમાંથી દત્તક લાવે છે.. એ પ્રસંગોનું ભાવવાહી ચિત્રણ સહ્દયી ભાવકોની આંખો અવશ્ય ભીંજવી જશે. અંતે આકાશના તારામાં જાણે અનિકેતને નીરખી રહ્યો હોય તેમ અરૂપ તારો બની ગયેલા દોસ્તની મનોમન માફી માગતા બોલી ઉઠે છે.. “દોસ્ત, મને માફ કરીશ ને?” શીર્ષકના આ શબ્દો સાથે નવલકથા પૂરી થાય છે.
અરૂપ.. નામ પ્રમાણે જ રૂપ, અરૂપભરી લાગણીઓ અનુભવી. ઇતિનો ગુનેગાર થયો. પરંતુ ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે. પ્રેમના ફરિશ્તા સમા ઇતિ અને અનિકેતનું પાત્રાલેખન સંવેદનાની નિર્મળતા સાથે જે રીતે આલેખાયેલું છે તે સર્જકચિત્તની અનાયાસ શક્તિનું સ્વયંભૂ નિર્વહણ કેવું હોય તેનો સતત ભાવાનુભવ કરાવે છે. સમય નિરવધિ છે. (ભવભૂતિ કહે છે.. કાલો હ્યયં નિરવધિ વિપુલા ચ પૃથિવિ.) કાળ યુગોથી અપ્રતિમ વિજેતા રહ્યો છે. એણે સર્જેલી ક્ષણોના પરિતાપ વેઠવા જ રહ્યા. ઇતિ, અનિકેત અને અરૂપ કાળના હાથના રમકડાં.. કાળ મહાન છે એની પ્રતીતિ નવલકથામાં સતત થતી રહે છે.
નવલકથામાં પાત્રોના અતીત અને વર્તમાનનું ખૂબ સરસ ગૂંફન થયું છે. પ્રસંગાનુરૂપ વાર્તાના કલાત્મક આયામ નિખરતા રહે છે. પાત્રાલેખનમાં એક સર્જક તરીકે જે ધીરતા, પ્રસંગોના આકલનમાંથી તેમના જે મનોભાવો, લાગણીઓ, અને મથામણ પ્રગટવા જોઇએ તે તે કૌશલ લેખિકાની કલમમાંથી સંગોપાંગ ઉતર્યા છે. પ્રકૃતિના મનોરમ વર્ણનો પાત્રોની ભાવ સૃષ્ટિને પ્રગટ કરે છે. ભાષા કે વિદ્વતાની કોઇ ભભક નહીં.. ઓછા પાત્રોની અંતરંગ જીવનની લીલાના આવર્તનો બહું સરળ અને સહજ રીતે નિર્માતા રહ્યા છે. પ્રેમ, અહંકાર અને ધિક્કારની લડાઇમાં પ્રેમનો વિજયધ્વજ ફરકાવતી આ કથાનો આનંદ સાત્વિક આનંદ છે. કાલના ફલક પર માનવી પ્રેમથી જ જીવી શકે અને જીતી શકે..
આજના કોર્પોરેટ યુગમાં સમાજ, માણસો, સંબંધો વગેરે સંકુલ અને સંકીર્ણતામાં ઉઝરડાઇ રહ્યા છે તેવે સમયે માનવહ્રદયની ઉદાત્તતા, ઉત્કૃષ્ટતા વ્યવહાર જગતની ભીડમાં પણ પ્રગટી શકે છે. જીવનની કવિતાનું મધુર અને પવિત્ર ગાન ગૂંજી શકે છે તે તરફ આ નવલકથા નિર્દેશ કરે છે. નવલકથાનું કથા વસ્તુ અને ઘટના તત્વ મજબૂત છે. સાચી સંવેદનશીલતાથી ખળભળતી આ નવલકથા સંઘેડાઉતાર બની છે. દરેક પ્રકરણની કાવ્યાત્મકતા પણ સ્પર્શ્ય બની રહે છે. નવલકથાનું સમગ્રતયા પોત કસબના તાણાવાણા સાથે સુધડ રીતે વણાયું છે. જીવન પ્રેમ અને ધિક્કાર.. બંનેને સ્પર્શે છે ત્યારે કેવા કરૂણમંગલ ચડાવ ઉતાર વેઠવા પડે છે.. જીવન કેવું આજાર બની જાય છે તેની કરૂણગાથા આ નવલકથામાં સુપેરે પારગામી બની રહે છે.
સર્જનકલાની એક ખૂબી નોંધવાનું પણ મન થાય છે. કરૂણતા આલેખતી જગતની ઉત્તમ કૃતિઓ વાંચીને ભાવક છેવટે આનંદ અને પરિતોષ પામે છે. પીડા શેષમાં આનંદ મૂકતી જાય તે પણ સર્જનલીલાનો કેવો ગૂઢ ચમત્કાર..!
આથી જ આ કૃતિ વાંચ્યા, સમજયા અને માણ્યા પછીનો મારો હર્ષોદગાર આ છે.. “આનું નામ નવલકથા.”
અ.સૌ. નીલમબેનને અંત:કરણની શુભેચ્છાઓ, શુભાશિષો, અને આવી અનન્ય કૃતિઓ દ્વારા ગુજરાતી ભાષાને જીવાડવાના સર્વે પ્રયાસો થતા રહે એવી શુભ કામના.. આ પ્રતિભાવનો નીલમબેન આભાર ન માને તેવી વિનંતિ છે.
“દેવહુમા” (રણછોડભાઈ પંચાલ)
(સંપાદક – જનસત્તા.. લોકસત્તા)
તા. ૧૮/૦૨/૨૦૧૧
આવકાર
નીલમબહેન દોશીની પ્રથમ નવલકથા “દોસ્ત મને માફ કરીશ ને?” પુસ્તક રૂપે પ્રકાશિત થાય છે ત્યારે એમને આવકાર અને અભિનંદન આપું છું. નીલમબહેને બાળનાટક, નવલિકા, લઘુકથા જેવા સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં સર્જન કર્યું છે. એમના બાળનાટ્યસંગ્રહ.. “ગમતાના ગુલાલ” ને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાધીનગર દ્વારા તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક માટે દ્વિતીય ઈનામ પ્રાપ્ત થયું છે. એમણે ડાયરીના સ્વરૂપમાં લખેલું પુસ્તક “દીકરી, મારી દોસ્ત” વાંચકોનો પ્રેમ મેળવી ચૂક્યું છે. એનો અંગ્રેજીમાં.. “ડોટર માય ફ્રેંડ” નામે અનુવાદ પણ પ્રકાશિત થયો છે. ‘કવિતા’ તેમનો પ્રથમ પ્રેમ છે. તેઓ વિવિધ સામયિકો અને અખબરોમાં નિયમિત રીતે કટાર લખીને માણસના જીવનમાં બનતી નાની નાની વાતો અને માનવસંબંધો પર ઉજાસ પાડે છે. તેઓ પોતાની સર્જનપ્રક્રિયા માટે માને છે: “ભીતરમાં જે કાંઈ સંઘરાયેલું છે તે અનાયાસે શબ્દરૂપે બહાર આવતું હશે. મારા લખાણમાં સંવેદના ચોક્કસ હોય જ. જે લખું તે ફીલ કરીને દિલથી જ લખું છું.”
નીલમબહેન છેલ્લા પાંચેક વરસથી સાહિત્યસર્જન પરત્વે વિશેષ સક્રિય થયાં છે. તેઓ કહે છે: “મારું શમણું મોટા સાહિત્યકાર થવાનું નથી. મારું સાચું શમણું તો છે અનાથ બાળકો માટે કામ કરવાનું.” સાહિત્યના સેવનથી વિકસેલી સંવેદનશીલતા અને જીવન પ્રત્યેની સમજ એમને સમાજસેવાનાં કામ તરફ ખેંચી જાય એમાં નવાઈ નથી.
પોરબંદરમાં જન્મેલાં નીલમ દોશીએ એમનું લખેલું પોતાના નામે છપાવવાનું શરૂ કર્યું એ પહેલાં તેઓ પોતાની રચનાઓ અન્ય સગાંવહાલાંઓનાં નામે છપાવતાં હતાં. એની શરૂઆત મોટી બહેનના લગ્નપ્રસંગે એમને કશીક અદ્વિતીય ભેટ આપવાના ઉત્સાહમાંથી થઈ હતી. એ ભેટ રૂપે એમણે એમની એક કવિતા બહેનના નામે છપાવી. ત્યાર પછી અન્ય સગાંવહાલાં પણ એમના નામે કોઈ ને કોઈ રચના છપાવવાનો આગ્રહ રાખવા માંડ્યાં. એક વાર નીલમબહેનની એક વાર્તા એમના પોતાના નામે છપાઈ ત્યારે કેટલાંક સગાંવહાલાં નારાજ થઈ ઊઠ્યાં હતાં એવું નીલમબહેન રમૂજપૂર્વક યાદ કરે છે. તેઓ છેલ્લાં દસેક વર્ષોથી ગુજરાતની બહાર વસે છે. નિજાનંદ માટે પ્રવાસ કરવો ગમે છે. બંને સંતાનો અમેરિકામાં સ્થિર થયાં હોવાથી ભારત અને અમેરિકાની વચ્ચે એમની આવનજાવન ચાલતી રહે છે. એ કારણે એમને વિવિધ સ્થળો અને જુદા જુદા પ્રકારના લોકોનો પરિચય થતો રહ્યો છે. નીલમબહેનને માણસો ગમે છે. માણસ પર અવિશ્વાસ કરવા કરતા વિશ્વાસ મૂકીને કદીક છેતરાવું પડે તો તે પણ તેઓ વધારે પસંદ કરે છે. સંબંધો એમને મન બહુમૂલ્ય મૂડી છે. લાગણીનું મહત્ત્વ એટલું બધું કે જાણે એમનું મન લાગણીનાં એક ટીપાંને મેગ્નિફાય કરીને સાગર જેવડું કરી નાખતું હોય એવું નજીકના મિત્રોનું નિરીક્ષણ છે. તેઓ જીવન પ્રત્યે ભરપૂર સકારાત્મક અભિગમ ધરાવે છે.
આ બધું જ એક વ્યક્તિને સર્જક બનવા માટે ઘણું બધું ભાથું પૂરું પાડે છે. સંવેદનશીલ મન, બીજા લોકો તરફ સમભાવ, સંબંધોમાં ઊંડી શ્રદ્ધા, ચિત્તને સદા ઊર્ધ્વગામી રાખવાની ખેવના વગરે ગુણો એમના વ્યક્તિત્વને પ્રગટાવે છે. નીલમબહેનની પ્રથમ નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ના વિષયવસ્તુ, એનાં પાત્રોમાં દેખાતી સંવેદનશીલતા, જીવન પ્રત્યેની સમજ, સંબંધોની નવી ભૂમિકાની ખોજ જેવી વિવિધતાનાં મૂળ એના સર્જકના ચિત્તમાં જ પડેલાં જોઈ શકાશે.
આ પ્રથમ નવલકથા સાથે ગુજરાતી નવલકથાના પ્રવાહમાં પ્રવેશ કરી રહેલાં નીલમબહેનને હું શુભેચ્છા સાથે આવકાર આપતાં આનંદ અનુભવું છું.
– વીનેશ અંતાણી
કંઈક કહેવું છે..
શબ્દોના સથવારે એકલતાને અકાંતમાં પરિણમવાની મથામણ એટલે મારી આ શબ્દયાત્રા…. પતિ તેના કામમાં અતિ વ્યસ્ત અને બાળકો સાત સાગર પાર… ત્યારે હમેશની જેમ મારા never failing friends પુસ્તકોનો સથવારો જ રહ્યો. પહેલી વાર જયારે ડી.બી. ગોલ્ડમાંથી બાર હપ્તાની લઘુનવલ લખવાનું આમંત્રણ આવ્યું ત્યારે શું કહેવું તે ખબર નહોતી પડી. નવલકથા… અને હું?
આજ સુધી અનેક નવલકથાઓ વાંચી છે. અશ્વિની ભટ્ટ, દર્શક, ક.મા. મુનશીથી માંડીને રઘુવીર ચૌધરી, વીનેશ અંતાણી.. આ બધા મારા પ્રિય લેખકો.. એમની નવલકથાઓ એક વાર નહીં અનેક વાર વાંચી છે અને ત્યારે હમેશા મારા મનમાં પ્રશ્ન અચૂક ઉઠતો કે બાપ રે..! આટલું બધું કેમ લખી શકાતું હશે? મારો પ્રથમ પ્રેમ તો કાવ્ય જ.. પરંતુ છંદની ગાડી પકડી શકાઇ નહીં. કદાચ એ માટે જરૂરી ધીરજનો મારામાં અભાવ. અતિશય ઉતાવળિયો સ્વભાવ.. તેથી છંદની ગાડી છૂટી ગઈ અને પદ્યને બદલે ગદ્યના કુછંદે ચડી ગઈ.
નવલિકાઓ, નાટકો, લલિત નિબંધો લખાતા હતા.. છપાતા હતા.. ક્યારેક ઇનામ પણ મળતા હતા… અછાંદસ કાવ્યો પણ કયારેક સાવ અચાનક ઉતરી આવતા. પણ નવલકથાઅનું તો સપનું યે નહોતું આવતું. પણ જયારે સામેથી આમંત્રણ આવ્યું ત્યારે હિંમત કરી શરૂ કર્યું. અને મને પોતાને પણ ખબર ન પડી કે બાર પ્રકરણ કયારે કેમ લખાઇ ગયા. એ લઘુનવલ “ખંડિત મૂર્તિ” છપાણી.. ઘણાં વાચકોએ સરસ પ્રતિભાવ આપ્યા… ઉત્સાહ વધ્યો. અને એ જ મૂડમાં “દોસ્ત, મને માફ કરીશ ને?” ના ચાર હપ્તા લઇને શુક્રવારે જનસત્તામાં મળવા ગઈ કેમકે જનસત્તા પ્રેસ ઘરની સામે જ હતું. તરુણભાઇએ કહ્યું.. તમે મૂકી જાવ.. અમારા દેવહુમા સાહેબ વાંચશે ને એમને પસંદ આવશે તો છાપીશું. મારા આશ્ર્વર્ય વચ્ચે બીજે જ દિવસે શનિવારે જનસતામાંથી ફોન આવ્યો કે દેવહુમા સાહેબે કહ્યું છે કે આ નવલકથા તો છોડાય જ નહીં… પહેલા પ્રકરણથી જ તેમને સ્પર્શી ગઈ અને તે જ રવિવારથી છપાવાનું ચાલું થયું. હું તો મનમાં ગભરાઇ કે મેં તો ચાર જ પ્રકરણ લખ્યા છે.. આગળ શું કરીશ એ તો વિચાર્યું પણ નથી. આટલું જલદી છપાવાનું ચાલું થઇ જશે એવી તો કલ્પના કયાં હતી?
પરંતુ પછી તો લખ્યે જ છૂટકો હતો ને?
જનસત્તાના તંત્રી તરુણભાઇ અને દેવહુમા સાહેબના સુંદર પ્રતિભાવ મારો ઉત્સાહ વધારતા રહ્યાં.
છવ્વીસ રવિવાર સુધી ચાલેલ આ વાર્તાનો સુંદર પ્રતિભાવ બીજા પણ અનેક મિત્રો તરફથી મળતો રહ્યો. ઇતિ, અરૂપ અને અનિકેતમાં હું ખોવાતી રહી. બે નાટયસંગ્રહ, દીકરી મારી દોસ્ત ડાયરી સ્વરૂપ, લઘુકથા સંગ્રહ, બે નવલિકા સંગ્રહ અને હવે આ નવલકથા.. ઉપરાંત બીજા બે પુસ્તકો પણ લાઇનમાં તૈયાર છે.
હજુ એક નવલકથા અધૂરી છે.. કદાચ એ છેલ્લી જ હશે. “ઝિલમિલ” નામ લખાયા પહેલા જ નક્કી છે.. એની પાછળનું કારણ તો એ લખાશે ત્યારે જ.. પ્રબોધભાઇ જોશીએ સમય કાઢીને આખી નવલકથા વાંચી અને ગમી છે એવો પ્રતિભાવ આપ્યો ત્યારે ખરેખર આનંદ થયો. કેમકે એમના શબ્દોમાં મને પૂરી શ્રધ્ધા છે. કહેવા ખાતર એ મને ન જ કહે એ વિશ્વાસ છે. હંમેશની માફક તરૂબેન કજારિયા પાસેથી મારો લાગો લેવાનું કેમ ચૂકાય? અનેક મિત્રોના સાથ, સહકાર વિના તો આ શબ્દયાત્રા આગળ ચાલી જ ન શકે ને? પણ મિત્રોનો કંઇ આભાર થોડો હોય? અને એ બધાની મૈત્રી કોઇ નામની મોહતાજ રહી નથી.
જનસત્તાના તંત્રી તરુણભાઇ દત્તાણી, રણછોડભાઇ પંચાલ (“દેવહુમા”) હર્ષદભાઇ પંડયાના પ્રોત્સાહન બદલ આભારી છું. ડિવાઇન પ્રકાશનના અમૃતભાઇ ચૌધરીના ત્વરિત સાથ, સહકાર બદલ ખાસ આભાર માનું છું.
મારા પરિવાર હરીશ, પૂજા, હાર્દિક, જીતેન ,ગતિ.. અને નાનકી જિયા બધાનો હૂંફાળો સાથ મારી શબ્દયાત્રાનું ચાલકબળ છે.
અર્પણ.. “દોસ્ત, મને માફ કરીશ ને?” એવું જેને કદી કહેવું નથી પડયું એવા દોસ્ત અને જીવનસાથી હરીશને..
– નીલમ દોશી
કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ અક્ષરનાદ પર શરૂ થઈ રહી છે ત્યારે આ સુંંદર કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો આભાર માનવાની મારી હિંમત નથી, કારણ નીલમબેન સદાય મને તેમના નાના ભાઈની જેમ વહાલ કરે છે, સાહિત્ય વહેંચવાની આ અક્ષરનાદી યાત્રામાં સતત પ્રોત્સાહન આપે છે. આવતા રવિવારથી દર રવિવારે અક્ષરનાદ પર આ નવલકથા હપ્તાવાર પ્રસ્તુત થશે.
આભાર ચીમન ભાઇ, મીરાબેન,સુધીરભાઇ, ગોપાલભાઇ..આપને ગમ્યું એ મને ગમ્યું. એનો આનંદ …યેસ..ચીમનભાઇ, આપે આપેલી સુંદર ભેટ, યાદગીરી આજે પણ તમારી યાદ આપે છે. વાર્તા વાંચતા રહેશો..અને પ્ર્તિભાવ જાણવા તો ગમે જ ને ?
આભાર આપ સૌનો. જિગ્નેશભાઇનો આભાર નહીં માનું. એ બધી ફોર્માલીટીથી પર એક સરસ મજાના સંબંધનો આભાર શબ્દોમાં ? એ પણ નાના ભાઇનો ?.
વાહ જિગ્નેશભાઇ, યાતનાઓ નુ અભ્યારણ્ય અને વેર વિરાસત પછી આ ખાલિપો આપ આટલો જલ્દી ભરી આપશો ત્વી આશા નહોતી. નીલમબેન તથા આપ નો આભાર.
keenly awaiting on line stories which reflects our Indian – Gujarati culture, thoughts and behaviour from wellknown and or upcoming or hidden authors of our society.
આજે અચાનક નીલમબેનનું નામ વાંચી ઉપરનું વાંચતાં જાણું કે એમની આ નવલકથા અહિ આવી રહી છે. એનો આન્ંદ અહિ આ બે શબ્દો મૂકી માણી રહ્યો છું .એમને હ્યુસ્ટનમાં(યુ.એસ.એ.)બે વાર મળવાનું થયેલ.
સંપાદક શ્રી,
તમારી જાણ માટેઃ
આશબ્દ “છ” English પર ટીક કર્યા પછી જ શબ્દ દેહ મળે છે! આમ કેમ? આ બધુ લખાણ પણ એમ આવ્યા કરે છે! જરા ચેક કરી લેવા વિનંતિ છે.
congratulations Nilam ben..! Tamari navalkatha vanchva mate aatur chiye. Best of Luck…