યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૬) 2


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

ડૉ. બોંડનું ઘર તૈયાર થઈ રહ્યું કે તરત જ એમના પત્ની ક્યુલિઅનમાં રહેવા આવી ગયાં. એ યુવાન અને ખૂબ જ દેખાવડાં હતાં. એ એક લેખિકા પણ હતાં. વસાહતમાંના જીવન પરની એમની હૃદય હચમચાવી મૂકે એવી વાર્તાઓ અમેરિકાના કેટલાંક સામયિકોમાં છપાઈ હતી. રક્તપિત્તના દરદીઓ અને રક્તપિત્ત સાથે જોડાયેલા કામને આગળ વધારવા મદદ કરવા માટે અમેરિકાને વિનંતી કરવાનું ગવર્નર જનરલે નક્કી કર્યું. આ કામ માટે એમણે શ્રીમતી બોંડને બોલાવ્યાં. મનિલા જઈને એ જનરલ વૂડને મળ્યાં. જનરલે એમને અમેરિકા જઈને પોતાના વતી વિનંતી રજુ કરવાનું કામ સોંપ્યું. શ્રીમતી બોંડે એ કામ કરવાની સંમતી આપી, એટલે વસાહતમાં આનંદ છવાઈ ગયો.

૧૯૨૭માં વૂડ અમેરિકા રજા પર ગયા, એ પછી એ ક્યારેય ક્યુલિઅન પાછા ન ફર્યા. ક્યુબામાં એમને થયેલી એક જુની ઈજા જીવલેણ નીવડી હતી. એમના મૃત્યુ પછી રક્તપિત્તને સંલગ્ન કાર્યો એ મહાન માણસને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આગળ ધપાવવામાં આવ્યું. પહેલા ધીમી ગતિએ, અને પછી પ્રવેગી ગતિથી અમેરિકા તરફથી વિનંતીના પ્રતિસાદ રૂપે મદદ આવવા લાગી. પહાડી પર ચડવા માટે પાક્કો રસ્તો બનાવવા માટે કેટલાયે દરદીઓને કામે લગાડવામાં આવ્યા. એ રસ્તો જંગલમાંથી પસાર થઈને ટાપુના અંદરના ભાગમાંની ખેતીલાયક જમીન સુધી પહોંચવા માટે બનાવવાનો હતો. જેમને ખેતી કરવામાં રસ હોય એવા લોકો માટે જમીન ઉપલબ્ધ કરવાની યોજના ઘડાઈ હતી. ખેતી કરવાની સાથોસાથ વસાહતમાં આવીને સારવાર લેવા અને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ ખરીદવા માટે આવી શકાય એ માટે એ રસ્તો બનાવવો જરૂરી હતો. ઊંડા વૈજ્ઞાનિક સંશોધનો માટે ક્યુલિઅન આવી રહેલા ડૉક્ટરો માટે બલાલામાં નવાં આવાસ બંધાઈ રહ્યાં હતાં. પ્રયોગશાળામાં કાર્ય માટે આવનારા ટેકનિકલ કર્મચારીઓ માટે પણ મકાનો બંધાઈ રહ્યાં હતાં. નર્સો માટે ખૂબ જ જરૂરી એવા મકાનો પણ બંધાઈ રહ્યાં હતાં. નર્સ તરીકે કામ કરવા ઇચ્છતા દરદીઓ માટે પહેલી વખત કહેણ બહાર પાડવામાં આવ્યું. નર્સ તરીકે નિયમિત કર્મચારીઓ કામ કરીને થાકી ચૂક્યા હતા. વસાહત હજુ પણ વિકસી રહી હતી. ૧૯૨૬માં દરદીઓની સંખ્યા પાંચ હજારને વટાવી ગઈ હતી. નવા ભંડોળમાંથી કેટલીક રકમ આ નવા કર્મચારીઓને ચૂકવવામાં ખર્ચાઈ રહી હતી, અને આનો સીધો અર્થ એ હતો, કે વસાહતીઓમાં રોજગારી વધી રહી હતી. આ રીતે એક સો જેટલા દરદીઓને કામ આપી શકાયું હતું.

મુખ્ય દવાખાનાની પાછળ ટેકરીની ઉપરના ભાગે નવી પ્રયોગશાળા બાંધવા માટે જમીન સાફ કરવામાં આવી રહી હતી. ખભે ખભા મિલાવીને કામ કરતા અમેરિકન અને ફિલિપિનો ડૉક્ટરોથી ભરચક પ્રયોગશાળાની હું કલ્પના કરી રહ્યો હતો. આવનારા ભવિષ્યના એક મહાન દિવસે એ લોકો ગર્વથી માથું ઊંચું રાખીને આ ભયભીત જગતને કહી શકશે, કે “અમે જીતી ગયા છીએ! રક્તપિત્તનો હવે વિનાશ થઈ ગયો છે!”

* * *

એક શનિવારની રાત્રે હું મારા ચોકિયાત કુતરાં શેગ અને મેમ સાથે ફળિયામાં ટહેલી રહ્યો હતો. કેરિટા શું કરતી હશે, એ બાબતે મને વિચારો આવી રહ્યા હતા. એવામાં બોંડ હાંફતા-હાંફતા આવી ચડ્યા. શ્રીમતી બોંડ તરફથી આવેલો તાર એમના હાથમાં હતો. એણે મારી સામે એ તાર ધર્યોઃ

“વૂડના એક મિત્ર તરફથી સેબુના દવખાનાને યાદગીરી તરીકે એક લાખ એંશી હજાર કામ શરુ થાય ત્યારે, તાર.”

બોંડે ઘણી વખત સેબુની વાતો કરી હતી. અમારાથી દક્ષિણે આવેલા એ ટાપુ પર સેબુ નામથી જ એક શહેર આવેલું હતું. ફિલિપાઇનનું એ બીજું સૌથી મોટું શહેર હતું. ફિલિપાઇનના એ સૌથી ગીચ શહેરમાં રક્તપિત્તનું એક ઉત્તમ દવાખાનું બનાવવાની એમની મંછા હતી. સેબુમાં રક્તપિત્તનો ફેલાવો ભયાનક હતો, અને મોટાભાગના દરદીઓને ત્યાંથી ક્યુલિઅનમાં મોકલવામાં આવતા હતા.

“નેડ, અહીંથી છૂટીને ગયેલા દરદીઓની જેમ, સેબુનું આ દવાખાનું પણ રક્તપિત્તિયા તરીકે ઓળખાવા સાથે સંકળાયેલા જબરદસ્ત ભયમાંથી મુક્ત થવામાં બહુ જ ઉપયોગી થશે. તમે એ જોઈ શકશો. આજે રક્તપિત્તના દરદીઓને શોધીને એમને સારવાર માટે પરાણે પકડીને લાવવા પડે છે, એને બદલે એ લોકો સામે ચાલીને સારવાર લેવા માટે તૈયાર થઈ જશે! આરોગ્ય અધિકારીઓને રક્તપિત્તના ઝનૂની દરદીઓ દ્વારા ચાકુથી રહેંસી નાખીને એમના ટુકડેટુકડા કરી નાખવાની જે વાતો સાંભળવા મળે છે, એ ભયાનક વાતો ખરેખર સાચી છે! પણ હવે એવી કોઈ વાતો આપણે સાંભળવી નહીં પડે! પોતાના ઘરમાં છુપાવીને રાખેલા રક્તપિત્તના દરદીની બાતમી આપી દેવાની શંકાથી પડોશમાં રહેતા નિર્દોષ લોકોને હવે ચાકુથી કોઈ નહીં મારી નાખે! આ બધું જ આપણે બદલી નાખીશું!

સેબુનું દવાખાનું બિમાર લોકોના ઘરની નજીક જ હશે. એમના કુટુંબીઓ દવાખાનામાં શું થઈ રહ્યું છે એ નજીકથી જોઈ શકશે. અહીં સુધી આવવામાં જે અગવડ પડે છે, તેને કારણે દરદી અહીં એકલો પડી જાય છે. એનો પણ હવે અંત લાવી શકાશે.”

એ ક્ષણે મારા મનમાં વિચાર આવી ગયો, કે કાશ, એવો પણ દિવસ આવે, કે જ્યારે રક્તપિત્તના દરદીને ગુનેગાર ગણીને આવી દૂર-દૂરની જગ્યાએ તડી પાર કરી દેવાનું જ બંધ કરી દેવાય!

“મને તો એમ હતું કે,” મેં એમને કહ્યું,”તમને વહીવટ કરવાની કોઈ જ ઇચ્છા નથી?”

પણ બોંડ એટલી ખુશીમાં હતા કે એમણે મારી વાત જાણે સાંભળી જ નહીં.”આપણે બીજું પણ થોડું કરવાના છીએ. સેબુના જુના દવાખાનામાં થોડા નીપા ઘરો છે, પણ એ ખૂબ અપૂરતાં છે. નવું દવાખાનું બની જશે, એ પછી એ જુના ઘરોને આપણે તોડી નાખીશું. એની જગ્યાએ ચામડીના બીજા કોઈ પણ પ્રકારના રોગો માટેનું એક આધુનિક દવાખાનું ત્યાં બનાવીશું. એનાથી રક્તપિત્તને શરૂઆતમાં જ પકડી પાડવામાં આપણને મદદ મળી રહેશે. શરૂઆતમાં ભાળ મળે તો કદાચ એનો કોઈ ઉપાય પણ થઈ શકે.”

મારા મનમાં મારાં શરૂઆતનાં ચાઠાંનો વિચાર ઝબકી ગયો. રક્તપિત્તનું નિદાન થયું એના કેટલા લાંબા સમય પહેલાંથી એ દેખાયાં હતાં! વહેલું નિદાન થયું હોત તો…

“હું સમજી શકું છું.” મેં સ્વસ્થતાથી જવાબ વાળ્યો.

ભળભાંખરું થઈ રહ્યું હતું. પોતાને ઘેર જવા માટે બોંડ ઊભા થયા ત્યારે કૂકડાએ સવારનો કકળાટ આદરી દીધો હતો. હજુ માંડ આંખ મીંચી હશે, કે બારી બહારથી કોઈએ મારા નામની બૂમ પાડી. બારી પાસે જેક બોંડનો કર્મચારી સોકોર્રો હાથમાં એક ચિઠ્ઠી લઈને ઊભો હતો.

નેડઃ હું ઘેર પાછો ફર્યો ત્યારે ગવર્નર જનરલ સ્ટિમ્સનનો સંદેશો મારી રાહ જોતો હતો. એમને જાણ થઈ ચૂકી છે, અને મને લેવા માટે આર્મિના બે વિમાનો એ મોકલી રહ્યા છે. ખરેખર આ હકીકત છે, કે પછી હું પાગલ થઈ ગયો છું?

“સોકોર્રો,” મેં બૂમ પાડી. “ડૉ. બોંડને કહેજે, કે તમે બહુ જ ભાગ્યશાળી છો. હું એમને વિદાય આપવા જરૂર આવીશ, સમજ્યો કે?”

“હા, સાહેબ. હું એમને કહીશ મિ. ફર્ગ્યુસન, કે તમે કહેવડાવ્યું છે કે તમે બહુ બદમાશ ભાગ્યશાળી છો, અને એ તમને જરૂર મળવા આવશે.” છેવટે મેં એને સમજાવીને ભગાડ્યો. આજનો દિવસ બહુ જ સંતોષકારક વીત્યો હતો.

* * *

એક ઊંચી જગ્યાએ જઈને હું ઊભો હતો. સામે સમુદ્રકિનારો દેખાતો હતો. ઉત્તરેથી આવીને બલાલાના કિનારે ઊતરતાં બે આકર્ષક આર્મિ હવાઈજહાજોને ક્યુલિઅનના બીજા હજારો લોકોની સાથે ઊભો રહીને હું જોઈ રહ્યો. સ્વચ્છ સફેદ પોષાકમાં સજ્જ ડૉ. બોંડ અને ડૉ. ડોમિનીગ્ઝ ઝડપથી ચાલતાં હવાઈજહાજ સુધી પહોંચ્યા. કિનારે ઊભેલા અધિકારીઓએ એમને સલામી આપી. ડૉ. બોંડ અને ડૉ. ડોમિનીગ્ઝ હવાઈજહાજમાં ચડી ગયા. હવાઈજહાજ કિનારા પર સરકવા લાગ્યાં અને કોરોનના વહેલી સવારના પડછાયા નીચે આવ્યાં, એ સાથે જ હળવેકથી હવામાં ઊંચકાયાં, અને ટાપુના ઊંચા ઊછળતાં મોજાં પર થઈને અલોપ થઈ ગયા. ગર્વથી હું ફૂલાતો હતો. છેવટે આર્મિ પણ આ રમતમાં જોડાઈ જ ગઈ હતી!

બોંડને ગયે કેટલાક મહિનાઓ થયા હશે. પાનખરના અંતે એ પરત આવ્યા, ત્યારે ખૂબ જ ઉત્સાહ સાથે એ કેટલાયે સમાચારો લઈને આવ્યા હતા. એ અને ડૉ. ડોમિનીગ્ઝ નવા દવાખાના માટે જગ્યા શોધવા માટે ટેકરીઓ, ખીણો અને જંગલોમાં માઇલો સુધી રખડી ચૂક્યા હતા, અને છેવટે સેબુ શહેરથી દસ-બાર કિલોમિટર દૂર એક જગ્યા નક્કી લીધી હતી. કામકાજ શરૂ થઈ ગયું હતું. પીટ બ્રાંટે મારા ખબરઅંતર પૂછાવ્યા હતા. સેબુમાં બાંધકામની દેખરેખ રાખવાનું કામ એમણે સંભાળી લીધું હતું.

પ્લાંટ અને ઘર અને સભાગૃહની વચ્ચે સતત ધક્કા ખાઈને હવે હું કંટાળી ચૂક્યો હતો. મારે એક કારની જરૂર હતી. એ દિવસોમાં ઓટોમોબાઇલની પસંદગીમાં અનેક વિવિધતાઓ વચ્ચે કારની ખરીદી મારા માટે કોયડા જેવી બની ગઈ હતી. એટલે મેં તરત જ પીટ બ્રાંટને મારા માટે એક નાનકડી, સસ્તી કાર એની પોતાની પસંદગીથી ખરીદી લેવા માટે પત્રમાં લખ્યું. થોડા મહિનાઓમાં યુનિવર્સલ કંપનીની આધુનિક મોડેલની કાર મારી પાસે પહોંચી પણ ગઈ! સાધારણ રીતે પસંદ કરાતા કાળા રંગને બદલે પીટે પોતે જ ઘેરા કથ્થઈ રંગની કાર પસંદ કરી હતી. મારે પોતાને ઘેર પણ આવી ઘેરા કથ્થઈને મળતા આવતા રંગની કાર જ હતી. ન્યુયોર્કમાં પાણીમાંથી જે પાછળથી મળી આવી હતી એ! ક્યુલિઅનમાં કાર એ નવાઈનીવસ્તુ હતી. ડૉક્ટરોમાં પણ બોંડ પહેલા જ હતા જેમણે કાર વસાવી હતી.

* * * *

ટાપુ પરના મારા રોકાણ દરમ્યાન સારવાર માટે હું એકદમ નિયમિતપણે હાજરી આપતો હતો. આમ કરવા માટે મારી પાસે બે કારણો હતાં. ડૉક્ટરોનું કહેવું હતું, કે સારવારના થોડા દિવસો પછી સંઘર્ષ સામે હારીને સારવાર છોડી દેવાનું વિચારતા દરદીઓ પર આની બહુ જ સારી અસર થતી હતી. અને ઊંડે-ઊંડે મને એક શંકા એ હતી, કે ભલે મારું દરદ આગળ વધી રહ્યું હતું, પરંતુ સારવારને કારણે જ કદાચ એની ઝડપ ઓછી થઈ ગઈ હતી. સારવારના કેટલાક તબક્કાઓમાંથી અમે પસાર થઈ ચૂક્યા હતા. શુદ્ધ ચૌલમોગરાના તેલના ઇંજેક્શનો, એ પછી કપૂર સાથેનું એનું મિશ્રણ અને છેલ્લે નવા ઈસ્ટર પણ હું લઈ ચૂક્યો હતો. ઈસ્ટરની આડઅસરો બહુ જ ઓછી હતી. અને હવે તો હું કોઈ પણ પ્રકારની દવા લેવા માટે તૈયાર થઈ ગયો હતો, અને નોંધવા લાયક હોય એવી કોઈ આડઅસર ભાગ્યે જ મારા પર દેખાતી હતી. ક્યારેક કલાકેક માટે ચક્કર આવી જાય એવું બનતું, પણ થોડા સમયમાં જ હું એમાંથી પણ બહાર આવી ગયો હતો.

એક દિવસ સવારમાં હું સારવાર માટે જતો હતો, ત્યારે દવાખાનાની પરસાળમાં ડૉ. પોન્સ સાથે એક છોકરીને વાત કરતાં મેં જોઈ. હું દૂર હતો, છતાંયે એ કોઈ પરીચિત છોકરી હોય એવું મને લાગ્યું. એના હાથમાં ફૂલોનો ગુલદસ્તો એણે પકડેલો દેખાતો હતો. એની સાથે વાત કરવા માટે મેં થોડાં ઉતાવળે પગલાં ભર્યાં, પણ એ મારા તરફ ફરી, એણે મને જોયો, અને કંઈક મુંઝવણમાં હોય એમ બહાર સરકી ગઈ. મેં ડૉ. પોન્સ સાથે એ બાબતે વાત કરી.

“એ કારમન તો ન હતી, ડૉક્ટર?”

“હા, નેડ.”

“અરે! એ અહીં શું કરે છે? એને ફરીથી રક્તપિત્ત તો નથી થયો, નહીં?”

“નારે, એવું ખરેખર કંઈ નથી. થોડા દિવસો પહેલાં મેં જાતે એને તપાસી હતી. બહુ જ સંતોષ થાય એવી પરિસ્થિતિ છે એની તો. એ તો… અહીં તો એ કોઈક અંગત કામે આવી હોય એવું લાગે છે મને તો! એના પિતાનું અવસાન થયું છે. અને તમને તો ખબર છે, કે એનો ભાઈ વિસેન્ટ અહીં છે. તો, રજા લઉં હું? દવાખાનામાં મારી રાહ જોવાઈ રહી હશે.”

ડૉ. પોન્સ મને ટાળી રહ્યા હતા. અહીં કંઈક ન સમજાય એવું બની રહ્યું હતું. કેરિટાએ મને કારમન બાબતે કેમ કંઈ લખી જણાવ્યું ન હતું? હું પોસ્ટ-ઓફિસે પહોંચી ગયો. મારા નામે બે પત્રો આવ્યા હતા. એક પત્ર કેરિટાનો હતો, બહુ આનંદમાં લખાયેલી નાનકડી ચિઠ્ઠી હતી એ! મારો વ્યવસાય કેમ ચાલી રહ્યો છે? ટોમસ શેગ અને મેમ કેમ છે? અમને મળવા આવવાનું એને બહુ જ મન હતું, પણ એ બહુ વ્યસ્ત હતી… બસ, પોતાના વિશે એટલું જ લખ્યું હતું એણે. કારમન અંગે એક શબ્દ પણ લખ્યો ન હતો.

બીજો પત્ર બોબ સેલાર્સનો હતો.

“હમણાં પીટ બ્રાંટ નામનો એક અમેરિકન અહીં આવ્યો હતો. તેં ટેમારુનો શિકાર કરેલો એની અદ્ભૂત વાત એણે મને કહી સંભળાવી. હું માનું છું કે એ એક સત્ય હકીકત જ કહેતા હતા. મારા અભિનંદન તમને. નેડ, આપણે છેલ્લે મળ્યા ત્યારે હું બહુ જ નિરાશ હતો, પણ એ પછી મારા જીવનમાં ઘણું જ બની ગયું છે. બેંગ્વેટમાં મને સારું કામ મળી ગયું છે. મારી પત્ની અને બાળકો પણ મારી સાથે રહેવા આવી ગયા છે. મારી પત્નીને પણ અહીં ખૂબ જ ગમે છે. તેં મને ઘણી હિંમત આપી હતી, અને એ હું ક્યારેય નહીં ભૂલીશ નહીં. આ સાથે તેં મને આપેલી રકમનો પોસ્ટલ ઓર્ડર મોકલી આપું છું. પરત કરવામાં આટલું મોડું થયું છે એ બદલ હું દિલગીર છું, પણ એણે ખરેખર મારી જિંદગી બચાવી લીધી હતી.”

મારો જુનો મિત્ર બોબ… છેવટે એને સારા દિવસો જોવા મળ્યા, એનો મને આનંદ હતો. હું ઘેર પાછો ફર્યો ત્યારે ટોમસ જોવામાં ન આવ્યો. ઘરના ભોંયતળિયે એ દેખાયો. એની બાજુમાં એક ટેબલ પર કેટલાંયે પુસ્તકો અને કાગળો પડ્યા હતા. એ ખૂબ કામમાં લાગતો હતો. મારા પર નજર પડતાં એ સંકોચ અનુભવતો હોય એવું લાગ્યું.

“મિ. ફર્ગ્યુસન, થોડી મદદ કરો. આ વ્યવસાય તમે કઈ રીતે ચલાવો છો, અને એનો હિસાબ કેવી રીતે જાળવો છો, એ મારે શીખવું છે. મુખ્ય કારકુને મને આ આંકડા અને હિસાબો અંગેના પુસ્તકો આપ્યાં છે. હું તો આખો દિવસ વાંચ્યા જ કરું છું. તમને કંઈ વાંધો તો નથીને!”

“વાંધો? હોય કાંઈ! એથી ઉલટું, તું તો મારો એક ઉત્તમ મેનેજર છે, ટોમસ. મને તો લાગે છે કે તું એક બહુ સારો હિસાબનીશ થઈ શકે છે. આવા સારા કામમાં તો હું તને ચોક્કસ શીખવીશ.”

“તમારો ખૂબ-ખૂબ આભાર, સાહેબ. તમે શીખવશો તો મને બહુ જ ગમશે. આભાર તમારો! અરે, મારી ફરજ હું સાવ ચૂકી જ ગયો. જોઝ ક્રૂઝ આવ્યા છે. તમારી સાથે પ્લાંટ બાબતે વાત કરવા માગે છે. હું દિલગીર છું. મને માફ કરજો.”

નીચે બોટ લાંગરવાની જગ્યાએ જોઝ મને મળી ગયો. માછીમારી માટેની એક બોટ કાણી થઈ ગઈ હતી, અને તાત્કાલિક સમારકામ માગી રહી હતી. એની વ્યવસ્થા કરવામાં કારમનની વાત મારા મનમાંથી સાવ ભૂલાઈ જ ગઈ!

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૬)