છ પદ્યરચનાઓ – શૈલેષ પંડ્યા, સરયૂ પરીખ, ડૉ. હેમાલી સંંઘવી, શૈલા મુન્શા 7


૧. પગરવ

રોજ રોજ દ્વાર પર આવે છે પગરવ
ને અટકળ આપીને સતાવે છે પગરવ

સુનકાર અને સન્નાટાના ગાઢ જંગલમાં
ટહુકો એક રોજ સંભળાવે છે પગરવ

બારીઓ જીવતી કલશોર થઇ જતી
ચાંચમાં ભરી ને પંખી લાવે પગરવ

વાદળી પ્રતીક્ષાની સંતાકુકડી રમે આંખમાં
ને છાતીએ તરસ ચીતરાવે છે પગરવ

હું વાસંતી ફૂલ થઇ ખીલતી રોજ ઝાકળમાં
ને કમખે પાનખર પાળીને આવે છે પગરવ

૨. દોસ્તો

સૌ કોઈની આંખોમાં જામ છે દોસ્તો
એટલે સૌ દુનિયામાં બેફામ છે દોસ્તો

એ જ પાર થઇ શક્યા દુનિયાનો દરિયો
આંખે જેની અશ્રુનો મુકામ છે દોસ્તો

છે વ્હાલપના ઝરણા દિલમાં સલામત
પણ કંઠે ડૂમોને હોઠે લગામ છે દોસ્તો

નાદાન લોક શેર, ગઝલ સમજ્યા જેને
હિસાબ જીવેલી ક્ષણનો તમામ છે દોસ્તો

ભાવ સીંચો તો શબ્દ જ ઈશ્વર છે દોસ્તો
બાકી પાળેલા પોપટના મુખે રામ છે દોસ્તો

– શૈલેષ પંડ્યા

૩. પ્રણયના મોતી

સ્વરોના મોતી સરે પ્રણયમાં
ને હું સૂર બની ને સાંધુ
તુજ સ્મિત રમે રમણમાં
ને હું નૂર બનીને બાંધુ

તું ઝીણો ઝરમર વરસે
ને હું પાન બનીને ઝીલું
તું પવન બનીને લહેરે
ને હું કમળ બનીને ખીલું

તું કિરણ બનીને આવે
ને હું સુરખીમાં રંગાવું
તું ઘટમાં વાદળ ઊમટે
ને હું વીજ બનીને નાચું

તું શ્વાસ બનીને આવે
ને હું ધડકન થઈને જાગું
વિશ્વાસ બનીને આવે
ને હું સખી બનીને ચાહું

તું પ્રીત લઈને આવે
ને હું ગુંજન ગાણું ગાવું
મુજમાં તું, ને તુજમાં હું
બસ ઓતપ્રોત થઈ જાવું

૪. મને સાથે લઈ જાવા દો

ભંડારો ઊંડા ખોદાવી ઠાંસી ઠાંસી ભર્યા કર્યું,
કરી મંત્રણા લાભ લાલચે, સંતાડીને હર્યા કર્યું.

મને થાય કે આવો માણસ હતો કદીયે નાનો બાળ?
નિર્મમ નિર્મળ હતી કદીયે એની આંખે અશ્રુ ધાર?

કપટી લંપટ અંધાપો જે નથી દેખતો પરનું દુઃખ.
અનુભવ તેણે કર્યો હશે શું દિલસોજી દેવાનું સુખ?

કરી લે, ભરી લે, સોદા કરી લે, લૂંટીને કો મુખનું નૂર
કટાક્ષ કરતી કુદરત દેખે, ભુલી ગયો મૈયત દસ્તૂર

જાવાનું છે નક્કી, ના લઈ જાશે જોડે પૈસો એક
વીજળીના ઝબકારા જેવો કાળ હુંકાર અજાણ્યો છેક

ચાલબાજ શું યમને પૂછશે! “નગદ મને લઈ જાવા દો-
ત્રીશ ટકા હું આપીશ તમને, મને સ્વર્ગમાં રહેવા દો.”

– સરયૂ પરીખ

૫. દીકરી

તું આવી મારા જીવનમાં
નાની નાની પગલીઓ લઇને
જાણે રંગોની મહેફિલ લઈને
ક્યાં હતા આ બધા રંગ ?
અત્યાર સુધી જાણે હું હતો અપંગ
કેટકેટલાયે રંગો
વાતો, ગીતો, ઢીંગલીઓ,
સપનાઓ અને પરીઓ
જાણે
કોઈ ખાલી જગ્યા ભરચક ભરાઈ ગઈ.
સમજાતું નથી કે
મારામાંથી કાંઈક delete થઈ રહ્યું છે
કે રોજ કંઈક update થઈ રહ્યું છે.
પણ રહી રહીને સંભળાતા
એ જ અવાજો
તું તો પારકું ધન છો.
તું દીકરો નથી.
તું ક્માઉ દીકરો નથી.
તું ન દઈ શકે મારા શબને દાહ
પણ
તું જ છે જેણે આપી છે મારા જીવનને રાહ
મારા માટૅ એ જ કાફી છે
તું છો મારી દીકરી….
પર્વતો વચ્ચે ખળખળતી નદી
તોફાનો વચ્ચે ઝળહળતી દીવડી
મારા જીવનનો ખૂબસૂરત અહેસાસ… દીકરી.

– ડૉ. હેમાલી સંઘવી

૬. કોઈ ભીંતેથી આયના ઉતારો..

કોઈ ભીંતેથી આયના ઉતારો,
કે નજરૂં ના નુર આ ઝાંખા પડે!

કોઈ ટોડલે થી તોરણ ઉતારો,
કે શરણાઈના સુર આ ધીમા પડે!

કોઈ મેડીએ થી માણને ઉતારો,
કે તાલ, મંજીરા ના ઓછા પડે!

કોઈ ડેલીએ ધ્રબંકતા ઢોલને ઉતારો,
કે થાપ તબલાના આ સુના પડે!

કોઇ હૈયા ના ગુમાન ઉતારો,
કે જીવતર ના ઝેર જરા ઉણા પડે!

કોઈ ભીંતેથી આયના ઉતારો,
કે ઓરતા જુવાની ના હેઠા પડે!

– શૈલા મુન્શા

આજે પ્રસ્તુત છે શૈલેષ પંડ્યાની બે કૃતિઓ, સરયૂ પરીખની બે પદ્યરચનાઓ, ડૉ. હેમાલી સંઘવી અને શૈલા મુન્શાની એક એવી સુંદર પદ્યરચનાઓ. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા બદલ ચારેય સર્જકોનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

7 thoughts on “છ પદ્યરચનાઓ – શૈલેષ પંડ્યા, સરયૂ પરીખ, ડૉ. હેમાલી સંંઘવી, શૈલા મુન્શા

  • SHIRISH O.SHAH

    આ કવિતા ને ગઝલમાં રસ ક્યાં ઓછો થાય છે ?
    જામ તો પીધા ઘણાંયે તરસ ક્યાં છીપાય છે ?
    ————શિરીષ ઓ. શાહ,વડોદરા———-

  • Hemali sanghavi

    મારી કવિતા અક્ષ્રરનાદમાં મૂક્વા માટે આનંદ સાથે આભાર.

  • Shaila Munshaw

    મારી રચનાને અક્ષરનાદમા બીજા ઉમદા કવિઓની રચના સાથે સ્થાન મળ્યુ એનો વિશેષ આનંદ છે મને.
    આપનો ખુબ આભાર.
    શૈલા મુન્શા

  • Saryu Parikh

    મારી કવિતાઓ અક્ષરનાદમાં, બીજી સુંદર રચનાઓની જોડમાં, મુકવા માટે આનંદ સાથ આભાર.
    સરયૂ પરીખ.