દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા – પરિણામ 18


દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધાનું પરિણામ જાણવાની પ્રતીક્ષા અનેક સ્પર્ધકો અને વાચક મિત્રો કરી રહ્યાં છે એ તેમની સતત પૃચ્છા, વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પરના મેસેજીસ બતાવે છે. ગુણાંકનમાં પોઈન્ટની મારામારી જોઈને મને ખરેખર આનંદ થાય છે, આ મુકાબલો કટોકટીનો રહ્યો.. અને હવે પરિણામો અને પારિતોષિક વહેંચણીનો સમય એટલે આનંદ..

પણ એ પહેલા, સૌપ્રથમ, આભાર સૌ સ્પર્ધક મિત્રોનો.. ઓછામાં ઓછી ચાર માઈક્રોફિક્શન સ્પર્ધા માટે જરૂરી હતી, છતાં કોઈએ એક, કોઈએ બે તો કોઈએ દસ ને કોઈએ બાર માઈક્રોફિક્શન મોકલી. અક્ષરનાદે ખંતથી ઉછેરેલા વાર્તાના આ તદ્દન અનોખા અને નવલા સ્વરૂપને સ્પર્ધાના બંધનમાં નાખ્યા વગર સૌએ પોતાના સર્જનને વધુ મહત્વ આપ્યું, પાઠવ્યું.. એ જ આ સ્પર્ધાની ફળશ્રુતિ. આપની કલમથી નિપજેલી કૃતિ કદીય કોઈ નિર્ણયના ચોકઠામાં બંધાય – ઢબૂરાય નહીં તેનું ધ્યાન આપે રાખવાનું છે, સર્જન ખૂબ સમર્પણ માગતી વસ્તુ છે, અને છતાંય એ સફળ હશે એની કોઈ ખાત્રી નથી. મને આપણા એક પ્રસ્થાપિત વડીલ સાહિત્યકારે કહેલી વાત યાદ આવે, ‘જો તને તારું લખેલું ગમે, હ્રદયના ઉંડાણથી તને એમ થાય કે એ સર્વથા ઉચિત છે, તો પછી કોઈ ઈનામ તેને તારા આનંદ અને વિશ્વાસ જેટલો ન્યાય આપી શક્તું નથી.’ આ કહેવાનું કારણ ફક્ત એ જ કે જે મિત્રોએ ખંતથી, સમય આપીને તેમની કૃતિઓ મોકલી છે, તેમને નિરાશ થવાને કોઈ કારણ નથી. નિર્ણાયકોએ તેમના પ્રતિભાવમાં માર્ગદર્શન આપ્યું જ છે, જ્યાં અવકાશ છે ત્યાં તેને પૂરવાનો યત્ન કરશો તો આવતા વર્ષની માઈક્રોફિક્શન સ્પર્ધામાં ચોક્કસ અગ્રસ્થ રહેશો, અને એ સિવાય આપના સર્જનો અક્ષરનાદ પર તો આવશે જ.. એ સર્વે કૃતિઓ – જી હા, એકે એક કૃતિઓ આવનારા મહીનામાં અક્ષરનાદ પર તથા ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થશે જ! તેના પર વાચકમિત્રોના પ્રતિભાવો પણ મળશે..

ગત સ્પર્ધાનું ઈ-પુસ્તક વાચક મિત્રો માટે ૨૦/- રૂ. અને સર્જક મિત્રો માટે નિઃશુલ્ક સોમવારથી ડેઈલીહન્ટ પર પ્રસ્તુત થઈ રહ્યું છે એ સર્વેની જાણ ખાતર.. એ રકમનો ઉપયોગ અક્ષરનાદની આવનારી માઈક્રોફિક્શન સ્પર્ધાને વધુ મોટા વર્ગ સુધી લઈ જવામાં મદદ કરશે..

તો વધુ રાહ ન જોવડાવતા પ્રસ્તુત છે પરિણામો..

 પ્રથમ વિજેતા – ધર્મેશ ગાંધી
દ્વિતિય વિજેતા – એન્જલ ધોળકીયા
તૃતિય વિજેતા – વિષ્ણુ ભાલિયા
પ્રથમ આશ્વાસન ઈનામ – સમીરા પત્રાવાલા
દ્વિતિય આશ્વાસન ઈનામ – તુમુલ બૂચ
તૃતિય આશ્વાસન ઈનામ – શૈલેષ પંડ્યા

સર્વે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન.

પરિણામ માટે નિર્ણાયકોને સર્વે સ્પર્ધકોની રચનાઓ મોકલતી વખતે મેઁ મારી મતિ મુજબ તેમને સૂચન કર્યા હતાં. જો કે ગુણાંકનની સમગ્ર પદ્ધતિ અને રીત તેમણે જાતે જ નક્કી કરવાની હતી, પણ મેઁ સૂચવી હતી એ બાબતો શબ્દશઃ આ મુજબ હતી..
મને લાગે છે કે માઈક્રોફિક્શન માટે અગત્યની બાબતો જેવી કે,
– ટૂંકાણમાં ઘણું બધું કહી શકવાની ક્ષમતા
– વાર્તાની વિભાવના
– વાર્તાતત્વ અને તેનો વિકાસ
– નાવિન્ય
– વાર્તાની સર્વાંગ અસર
જેવી કેટલીક બાબતો તમારે ધ્યાનમાં લેવી જોઇએ. જો કે આ ફક્ત એક સલાહ છે અને અંતિમ નિર્ણય ફક્ત આપે જ કરવાનો રહેશે.

આ વખતના નિર્ણાયક મિત્રોએ કદાચ સર્જકોથી પણ વધુ મહેનત કરી છે.. કૃતિને મૂલવવામાં.. સાક્ષરભાઈ ઠક્કર અને હેમલભાઈ વૈષ્ણવ દ્વારા જે ખંત અને ચીવટથી આ પરિણામો તૈયાર કર્યા છે, માઈક્રોફિક્શનની નાની નાની બાબતોનું ધ્યાન રાખીને સચોટ નિરીક્ષણ અને વિશદ અભ્યાસથી ખૂબ સમય આપીને આ વાર્તાઓનું મૂલ્યાંકન કરાયું છે એ ખરેખર કાબિલે દાદ છે.. એ માટે બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. પરિણામો વિશેની મારી બધી જ ચિંતાઓ આપની એક્સેલ શીટ્સ દૂર કરી ચૂકી છે.. મને આનંદ છે કે આપ બંનેને નિર્ણાયક તરીકે લેવાનો મારો નિર્ણય સર્વથા યોગ્ય સાબિત થયો.

શ્રી હેમલભાઈ વૈષ્ણવને હવે કોઈ જ પરિચયની જરૂર નથી, અક્ષરનાદની પ્રથમ માઈક્રોફિક્શન સ્પર્ધાના વિજેતા અને પછીથી જેમને વર્તમાનપત્રમાં પણ માઈક્રોફિક્શન લખવાનું સદભાગ્ય મળ્યું એવા હેમલભાઈની સર્જનપ્રસાદી અક્ષરનાદ પર આપણે માણી જ છે. આ સ્પર્ધા માટે તેમણે મોકલેલી વાર્તાઓને સ્પર્ધામાં ન ગણીને મેં તેમને નિર્ણાયક માટે આમંત્રણ આપ્યું હતું, અને તેમણે એ ફરજ બખૂબી નિભાવી છે એ વાતનો અપાર આનંદ છે, હેમલભાઈ અક્ષરનાદ પર સતત તેમના સર્જનોથી ઉપસ્થિત રહ્યાં છે.

શ્રી સાક્ષરભાઈ ઠક્કર, અદના ગુજરાતી બ્લોગર અને અક્ષરનાદની પ્રથમ માઈક્રોફિક્શન સ્પર્ધાના વિજેતા તથા અનોખા સર્જક છે. તેમના સર્જનોની ખાસિયતે તેમને ગુજરાતી બ્લોગજગતમાં ખૂબ માનભર્યું સ્થાન અપાવ્યું છે.

અતિશય વ્યસ્તતા વચ્ચે પણ શ્રી કૃષ્ણકાંત ઉનડકટ સાહેબે સમય કાઢવાનો અને ગુણાંકન માટેનો પ્રયત્ન કર્યો એ બદલ તેમનો ખૂબ આભાર, જો કે સમયાવધિની સમસ્યાઓને લીધે તેઓ એમ કરી શક્યા નહીં એ આપણા સૌને માટે તેમના ગુણાંકન અને પ્રતિભાવોથી વંચિત રહી જવા જેવું મોટું નુકસાન છે.. પણ તેમની સહ્રદયતા અને સરળતા ઉંડે સુધી સ્પર્શી ગઈ.

આ પરિણામની સાથે સાથે બંને નિર્ણાયકોએ આપેલ માઈક્રોફિક્શન વિશેના તેમના પ્રતિભાવ આ મુજબ છે.

શ્રી સાક્ષર ઠક્કર

– વિશ્વના વિવિધ પ્રદેશોમાંથી ઘણા બધા લોકોએ ભાગ લીધો એ જોઈને ઘણું સારું લાગ્યું. અમુક લોકોએ તો ૪થી પણ વધુ કૃતિઓ મોકલાવી, એ ઉત્સાહ જોઈને સારું લાગ્યું.
– વિષયો (ઉ.ત. ઘરડાઘરમાં રહેતા મા-બાપ, ગરીબી) અને પાત્રોમાં (ઉ.ત. લાલચી શ્રીમંત શેઠ) ઘણું બધું પુનરાવર્તન થતું જણાયું, ઘણી ઓછી વાર્તાઓમાં નાવીન્ય જોવા મળ્યું.
– અમુક વાર્તાઓમાં વાર્તાનું મૂળ તત્વ ઘણું ઓછું જણાયું પણ એમાં દ્રશ્ય ઉભું કરવાનું વર્ણન વધારે જણાયું જે માઈક્રોફિક્શન વાર્તા પ્રકાર માટે જરૂરી નથી.
– ટુચકા (જોક), વન લાઈનર અને માઈક્રોફિક્શન વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. આવેલી અમુક એન્ટ્રીઓ જોક અને વન લાઈનરની કક્ષામાં સમાવેશ થતી હતી. માઈક્રોફિક્શન શું છે અને શું નથી એ સમજાવતો સરસ લેખ જીગ્નેશભાઈએ આ જ વેબસાઈટ પર મુક્યો છે. http://www.aksharnaad.com/2014/07/29/microfiction-12/
– મોટા ભાગની વાર્તાઓમાં અંત પર વધારે ધ્યાન અપાયું છે. માઈક્રો ફિક્શનમાં સારો અંત એ ચોક્કસપણે ખુબ જ જરૂરી છે પણ એટલી જ અનિવાર્ય વાર્તાની શરુઆત છે. શરૂઆતના વાક્યોનો ઉપયોગ વાચકને પહેલેથી જ સાંકળવા માટે થઇ શકે.

નીચેની વાર્તા કયા વાક્યથી શરુ થઇ હોય તો વધારે અસરકારક બને? પહેલા વાક્યથી કે આઠમા વાક્યથી?
૧. એક ધનાઢ્ય અને લાલચુ શેઠ હતા.
૨. તેમનું નામ શેઠ લોભીચંદ હતું.
૩. શિયાળાની સવારનો સમય હતો.
૪. કુકડાને પણ બાંગ પોકારવાનો કંટાળો આવતો હતો.
૫. શેઠ સવારે જોગીગ પાર્ક પર જવા માટે ગાડીમાં નીકળ્યા હતા.
૬. સિગ્નલ પર ગાડી ઉભી રહી, એક ગરીબ ગાડી પાસે આવ્યો.
૭. બારીનો કાચ ખખડ્યો, શેઠ લોભીચંદએ કાચ ખોલ્યો.
૮. “શેઠ, ઓળખાણ પડી?” ગરીબ બોલ્યો.

એકંદરે નિર્ણાયકની ભૂમિકા નિભાવવાનો અનુભવ સારો રહ્યો, બધી વાર્તાઓ એ ઘણી બધી લાગણીઓનો (ખુશી, દુઃખ, આઘાત, આશ્ચર્ય)નો અનુભવ કરાવ્યો અને ઘણું બધું શીખવા મળ્યું એ માટે અક્ષરનાદ અને જીગ્નેશભાઈનો આભાર વ્યક્ત કરું છું.

શ્રી હેમલ વૈષ્ણવ

કોઈ પણ લાંબી મંજિલ તય કરવાની શરૂઆત એક નાના પગલાથી શરુ થતી હોય છે, અને તમામ નવા સ્પર્ધકોને આ પ્રથમ પગલું ભરવા બદલ દિલથી ધન્યવાદ. માઇક્રોફિક્શન વાર્તા જેટલી વાંચવી સહેલી છે, એટલી જ લખવામાં અઘરી છે, એ તો હવે દરેક સ્પર્ધકની સમજમાં આવી જ ગયું હશે. મારી દ્રષ્ટીએ આ બહુ નજાકત ભર્યું કામ છે, આરસ પર કોતરણી કરવા જેવું કે સોનાનાં ઘરેણા ઘડવા જેવું જ. ગુજરાતી સાહિત્ય માટે તો હજી આ ઉગતી શાખા જ છે, અને એની કોઈ વિધિસરતાલીમ પણ પ્રાપ્ય નથી. એ સંજોગોમાં આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ પાયાનું પ્રદાન કર્યું છે એમ કહી શકાય.

કેટલીક હકીકતો ઉડીને આંખે વળગી. સૌ પ્રથમ તો ભાષા શુદ્ધિ. કોઈ પણ વાર્તા લખતી વખતે કયા કાળમાં વાર્તા લખાઈ રહી છે, જેમકે ભૂતકાળની વાત હોય તો “રમેશ સાહેબને કહે છે” ની જગ્યાએ “રમેશે સાહેબને કહ્યું” એમ લખાય. આ ભૂલ ઘણી વાર્તાઓમાં થયેલી, અને અમુક નીવડેલા સ્પર્ધકોએ પણ કરેલી જોવા મળી.

ટકીલાના શોટ જેવી માઇક્રોફિક્શન વાર્તાની લંબાઈ જેટલી ઘટાડી શકાય, એટલી જ વાર્તા વધુ અસરકારક બને છે. આપણે આપણી માતાને “મા” કહીને પણ બોલાવી શકીએ અને “પિતાની પત્ની” કહીને પણ બોલાવી શકીએ. ટૂંકુ ટચ “મા”, કહેવામાં જે મીઠાશ છે, એ મીઠાશ માઇક્રોફિક્શન વાર્તાના ટૂંકાણમાં જળવાઈ રહેવી જોઈએ.

મારા સહ નિર્ણાયકોનો અને જીજ્ઞેશભાઈનો હૃદયપૂર્વક આભાર. અક્ષરનાદ મારા માટે એ શેરીનું ફળિયું છે, જ્યાં મારું લેખક તરીકેનું બચપણ નિર્દોષતા અને બાળસહજ પ્રગલ્ભતાથી ભર્યું ભર્યું અકબંધ છે. આપ સૌને આજે “ગૂડ બાય” માઇક્રોફિક્શન વાર્તાથી જ કરું એ યોગ્ય રહેશે.

એન્ટી માઈક્રોફિક્શન

પ્રખ્યાત નવલકથાકારે સાહિત્ય સમારોહમાં, માઈક્રોફિકશન વાર્તાઓ ગુજરાતી સાહિત્યનો ભાગ શું કરવા ન હોવી જોઈએ અને શબ્દો ઓછા વાપરવાથી કથાવસ્તુને કેવી હાનિ પહોંચે છે તેના વિશે જોરશોરથી દલીલો કરી. મંચ પરથી નીચે ઉતરતા સંચાલકને બાજુએ લઇ જઈને ફક્ત ત્રણ શબ્દોમાં તેઓશ્રીએ પોતાનો હેતુ સ્પષ્ટ કરતા કહ્યું.. “ચેક તૈયાર છે?”

* * *

વિજેતાઓને તેમના પુરસ્કારના પુસ્તકો અને સર્ટિફિકેટ મોકલવા માટે વોટ્સએપ નંબર ૯૯૭૪૪૧૦૮૬૮ પર સરનામું અને ઈ-મેલ એડ્રેસ મોકલવા વિનંતિ. વિજેતાઓ અને નિર્ણાયકોને ધૂમખરીદી.કોમના ઈ-પુસ્તક ખરીદી માટેના વાઉચર્સ ઈ-મેલ દ્વારા વ્યવસ્થા પૂર્ણ થયે ચારેક દિવસ પછી મોકલવામાં આવશે.

માઈક્રોફિક્શનની શરૂઆત કરવાનું, માઈક્રોફિક્શનના પહેલા પુસ્તકને પ્રકાશિત કરવાનું સૌભાગ્ય જેમ અક્ષરનાદને મળ્યું છે તેમ જ હાર્દિકભાઈ યાજ્ઞિક અને અન્ય વિદ્વાન મિત્રોની સહાયતાથી માઈક્રોફિક્શનનો એક દિવસનો વર્કશોપ કરવાનો અમે વિચાર કર્યો છે, જેની વિગતો ટૂંક સમયમાં પ્રસ્તુત થશે.

 દરમ્યાનમાં માઈક્રોફિક્શન માટેના જ વિશેષ વોટ્સએપ ગૃપ ‘સર્જન’ સાથે, અઠવાડીક માઈક્રોફિક્શન સર્જન વિશેની અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાવા આપને આમંત્રણ છે, વોટ્સએપ નંબર છે ૯૯૭૪૪૧૦૮૬૮. આપનું નામ અને પરિચય આ નંબર પર વોટ્સએપ કરી આ ગૃપમાં જોડાઈ શક્શો. માઈક્રોફિક્શન સિવાયની કોઈ પણ વાત, ગુડમોર્નિંગ કે ગુડનાઈટ, ક્વોટ્સ કે જોક્સ, કવિતા કે ગઝલ, ફોર્વર્ડેડ મેસેજીસ કે રાજકીય વાતો અહીં સર્વથા વર્જ્ય છે.. ફક્ત માઈક્રોફિક્શન અને એ વિશેની ચર્ચા જ અહીં થઈ શક્શે.

તો આવી જ નવી સ્પર્ધા આપની રાહ જોઈ રહી છે ‘રીડગુજરાતી.કોમ’ પર, જ્યાં તા. ૧૫ મે ના રોજ ઉઘડશે એક નવી સ્પર્ધાનું આકાશ…

સૌને શુભકામનાઓ અને નમસ્કાર..

– જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા – પરિણામ

 • Kalidas V. Patel {Vagosana}

  સૌ વિજેતાઓને હાર્દિક ધન્યવાદ. ભાગ લેનાર સૌ મિત્રોને અભિનંદન. … અને, જીજ્ઞેશભાઈને આભાર પૂર્વક નમસ્કાર.
  પરિણામની એક્સલ શીટ મૂકવા વિનંતી. જેમાંથી બાકીનાઓનું મૂલ્યાંકન પણ જાણવા મળે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • Angel Dholakia

  Thanks a lot judges! Congratulations to Participants as well as winners.

  Big Thanks to Jigneshbhai for excellent opportunity! 🙂

 • DHARMESH GANDHI

  Thank you all honourable judges… all the participants/friends.. last but not least.. especially Shri Jigneshbhai!!!

 • Sameera

  Thank you so much judges. Congratulations to all winners and participants. Waiting is still on. Want to read all the stories.

 • Sanjay Thorat

  ભાગ લેનાર સૌ મિત્રો ને અનેક અભિનન્દન… વિજેતા મિત્રો માટે તો આજની ઘડી રોમાન્ચક રહેવાની… એમને તો દિલથી શુભેચ્ચ્હઓ.. પરિણામ માટે લગભગ રોજ વેબ સાઇટ પર આટો માર્યો હશે… પોતાને આનન્દ મળે એથી વિશેશ પુરસ્કાર કોઇ નથી…જીગ્નેશ ભાઇ ને ગુજરાતી સાહિત્ય નો નવો વિભાગ શોધવા અને પ્રસિધ્ધ કરવા આપણે સૌ એ બિરદાવવા જોઇએ… સફર નો આનન્દ અનેરો રહ્યો… વાર્તા વાન્ચવાનિ અને સુચનો જોવાની તાલાવેલી તો ખરીજ… congratulations to all lovely participants and winners… Jignesh bhai and judges you have done great job… love to read all stories and comments complements from your end…

 • Natubhai Modha

  માઈક્રોફિકશન વાર્તાનો બીજી કોઈ ભાષામાં અનુવાદ ટકીલાના શૉટ જેવી અસર કરી શકે કે કેમ એ મારે જાણવું છે. મને અંગ્રેજીમાં અનુવાદ કરવામાં રસ છે. જાણકારોની સલાહ મદદરૂપ થશે.

 • gopalkhetani

  ધર્મેશ ગાંધી, એન્જલ ધોળકીયા, વિષ્ણુ ભાલિયા, સમીરા પત્રાવાલા, તુમુલ બુચ તથા શૈલેષ પંડ્યા ને ખુબ ખુબ અભિનંદન. શ્રી હેમલ વૈષ્ણવ, શ્રી સાક્ષર ઠક્કર તથા શ્રી ક્રુષ્ણકાંત ઉનડકટ નો પણ ખુબ ખુબ આભાર. જિગ્નેશભાઇ ને ફરી એક વાર અભિનંદન સ્પર્ધા નુ સફળતા પુર્વક આયોજન કરવા બદલ. જય જય ગરવી ગુજરાત.

 • Vishnu bhaliya

  સવારે ઉઠી, ભગવાન ને પ્રાર્થના કરી સીધો પહોચ્યો અક્ષરનાદ પર. કેટલાય દિવસ ની ઉત્સુકતા નો આજે અંત આવવા નો હતો.પરિણામો પર નજર પડી અને આંખ ચમકી ગઈ !!!!!! મારી વાર્તા ત્રીજા નંબર પર આવી છે તે જાણી ને ખુશી ની એક લહેર સમગ્ર શરીર માં દોડી ગઈ. મેં ફરી ફરી ને જોયું..!! આજે એટલી ખુશી મળી કે તેની કલ્પના કરવી તો, તે વિદ્યાર્થી ને પૂછજો જે દરેક પરીક્ષામાં એકાદ- બે માર્ક માટે નાપાસ થતો હોય અને અચાનક એકવાર સ્કૂલ ફસ્ટ આવી જાય !!!નવાઈ સાથે અનહદ ખુશી પણ……..
  અક્ષરનાદ ની સંપૂર્ણ ટીમ નો અને ખાસ કરી ને જીગ્નેશ ભાઈ ને ખુબ ખુબ આભાર કે જેમના થકી આવું સરસ પ્લેટફોર્મ મને મળ્યું….ભવિષ્ય માં પણ આવા કર્યો થતા રહે અને ગુજરાતી ભાષા નું ગૌરવ વધતું રહે તેવી ભગવાન ને પ્રાર્થના…….ધન્યવાદ

 • Vishal Parekh

  વિજેતાઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. હવે વાર્તાઓ વાંચવાની ઉત્સુકતા વધી રહી છે☺.