યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૪)


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

એક દિવસ સવારના પહોરમાં હું પ્લાંટમાં જઈ રહ્યો હતો. રસ્તાની બરાબર વચ્ચે એક ટોળું દેખાયું. ટોળાની બરાબર વચ્ચે ઊભો રહીને વિસેંટ જુસ્સાદાર ભાષણ આપી રહ્યો હતો. હું ટોળા પાસે પહોંચ્યો ત્યારે થોડા માણસોની સાથે પાંચ-છ ખસુડિયાં કુતરાં પણ દેખાયાં. ટોળું ધીમે-ધીમે મોટું થતું ગયું. એક નારો કાને પડ્યો, “ગોરાઓની સત્તાને કચડી નાખો…” એ સાંભળીને મારા દાંત ભીંસાઈ ગયા. મન તો થઈ આવ્યું કે ટોળાની વચ્ચે ધસી જઈને એની બોચી દબાવી લઉં! મહામહેનતે મેં મારી જાતને રોકી રાખી. ચુપચાપ હું ટોળા પાસેથી પસાર થઈ ગયો. કોનોરાડો મિંગેલ ઝડપથી મારી તરફ આવી રહ્યો હતો. એ અમારા માછીમારોમાંનો એક હતો. થોડો માથાફરેલો હતો, પણ એક કામદાર તરીકે એ બહુ જ સારો હતો.

“મિ. નેડ, મને થોડી મદદ કરશો કે તમે?”

“ચોક્કસ કરીશ, કોનરાડો. બોલ, શું કામ છે?”

“આજે મારે અદાલતમાં જવું પડશે. માર્સિયાનો સેન્ટેઝે મારી સામે ફરિયાદ કરી છે.”

“કેવી ફરિયાદ?”

“મિ. નેડ. બધું કહેવાનો અત્યારે સમય નથી. મર્સિયાનો આવે એ પહેલાં અદાલતમાં પહોંચવું હોય તો આપણે જલદી જવું પડશે.”

અમારી વસાહતમાં લગભગ સ્વાયત્ત કાયદો અમલમાં હતો. કોલોનીના અધ્યક્ષ સરકારના પ્રતિનિધિ ગણાતા હતા. સ્થાનિક કાયદા ઘડવાનું અને વ્યવસ્થાપાલન કરવાનું મોટાભાગે વસાહતના દરદીઓના હાથમાં જ રહેતું હતું. અમારા વહીવટીમંડળ અને પોલિસદળને પણ અમે જ ચૂંટી કાઢતા હતા.

વસાહતના સાર્વજનિક સભાગૃહના ઉપરના માળે રક્તપિત્ત વસાહતની દીવાની અદાલત બેસતી હતી. અદાલતમાં ઘણા કેસ આવતા, પણ દરદીઓને એમાંથી ઘણું મનોરંજન મળી રહેતું હતું, ખાસ કરીને જ્યારે કોઈ વકીલ કોર્ટમાં ગેરહાજર હોય ત્યારે! આજે સવારમાં પણ એવું જ થયું! એક પણ વકીલ હાજર ન હતા, પણ અદાલત ખીચોખીચ ભરેલી હતી! કંઈક સંકોચસહ કોનરાડોની પાછળ-પાછળ કમરામાં છેક આગળ જઈને હું બેસી ગયો.

હાલમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે સેવા આપી રહેલા ડૉ. મોરાલ્સે કઠોડા પાછળથી મારી સામે જોઈને સ્મિત આપ્યું. કોઈ ધોબણના દાવાનો એ નિકાલ કરી રહ્યા હતા. છેવટે એમણે એ ધોબણ અને જેના માટે એ કામ કરતી હતી તે વ્યક્તિ વચ્ચે સમાધાન કરાવ્યું. એ પછી એમણે જાહેરાત કરી,

“કોનરાડો મિગેલ સામે માર્સિયાનો સેન્ટેઝ. મુખ્ય પક્ષકારો, મહેરબાની કરીને તમે આગળ આવી જશો?”

“એક ભુંડ માટેનો આ દાવો છે, નામદાર.” કોર્ટરૂમમાં ન્યાયાધીશની ખુરશી અને કમરા વચ્ચેના કઠોડા તરફ કદમ માંડતાં માર્સિયાનોએ શરૂ કર્યું. “નામદાર, મારી પાસે એક બહુ ઉત્તમ નર ભુંડ છે. મારી આવકના સાધન તરીકે હું એની બહુ જ કાળજી લઉં છું. વસાહતમાં જે કોઈ પાસે મારા આ ભુંડને લાયક માદા હોય, તો તેને એની સાથે સંબંધ બાંધવાની સેવા પણ હું આપું છું. અને એ સેવા બદલ હું કોઈ જ રોકડ રકમ વસૂલ કરતો નથી. હા, આ સેવાના બદલામાં હું એટલી ખાતરી જરૂર માગું છું, કે આ ભુંડના માલિક તરીકે, માદાને થતાં બચ્ચાંમાંથી અડધા બચ્ચાં મને મળે! હવે થયું એવું નામદાર, કે કોનરાડો મિંગેલ પાસે જે માદા ભુંડ છે તેને મારા ભુંડથી નવ બચ્ચાં થયાં. એ બચ્ચાં માતાથી સુરક્ષિત રીતે થોડાં મોટાં થાય ત્યાં સુધી તો એની માતા પાસે જ રહ્યાં. આગળ જતાં કોનરાડો મિંગેલ એની માદા ભુંડને મારા નર ભુંડ વડે થયેલા ચાર બચ્ચાં લઈને મારે ઘેર આવ્યો. મેં જ્યારે પાંચમા બચ્ચા વિશે પૂછ્યું, તો મને એ પાંચમું બચ્ચું મને આપવાની ના પાડે છે.

ડૉ. મોરેલ્સે ગળું ખંખોર્યું.

“તમારી પાસે કોઈ કરારપત્ર છે, માર્સિયાનો, બચ્ચાંના માલિકીહક્ક બાબતે, કે જેમાં લખ્યું હોય, કે એકી સંખ્યામાં બચ્ચાં થાય તો શું કરવું?”

“અમારી વચ્ચે કોઈ કરાર થયો જ ન હતો.” આવેશમાં આવીને કોનરાડો બોલ્યો. “પણ પૃથ્વી પરના બધા જ દેશો, સંતતિ પર પિતા કરતાં માતાનો ચડિયાતો હક્ક માન્ય રાખે છે. છેલ્લું બચ્ચું ઘણું નબળું હતું. માતાની સંભાળને કારણે જ એ બચી ગયું અને એ ઉછર્યું…”

“પિતાનો હક્ક પણ બને જ છે.”માર્સિયાનો વચ્ચે કૂદી પડ્યો. “નેપોલિયનના કાયદા મુજબ પહેલો હક્ક પિતાનો બને છે, એ તમે પણ જાણો જ છો, નામદાર.”

માંડ-માંડ હસવું ખાળતાં હું બેવડ વળી ગયો! અદાલતના આ દૃશ્ય માટે એ લોકોએ ખાસ્સી તૈયારી કરી હશે.  મોરેલ્સ પણ માંડ-માંડ પોતાનું મોં ગંભીર રાખી શકતા હતા.

“ધારો કે એ બચેલા બચ્ચાનું મૂલ્ય અદાલત નક્કી કરે,” ડૉ. મોરેલ્સે છેવટે ચુકાદો આપ્યો.”અને બચ્ચાની બદલીમાં અડધા બચ્ચાની કિંમત કોનરાડોને માર્સિયાનો તરફથી આપવામાં આવે.”

“પણ મારી પાસે તો પૈસા છે જ નહીં, નામદાર!” માર્સિયાનોએ તરત જ જવાબ આપ્યો.

“તો પછી કોનરાડો, તું અડધું બચ્ચું માર્સિયાનો પાસેથી ખરીદી લે.”

“પણ નામદાર, માતાના આ બચ્ચા પરના હક્ક બાબતે મારી જે માન્યતા છે, એનો ત્યાગ તો હું કઈ રીતે કરી શકું, નામદાર?” કોનરાડોએ મક્કમતાથી કહ્યું.

અદાલતમાં થોડો ગૂંચવાડો ઊભો થઈ ગયો. કમરામાં હાજર બધા જ દરદીઓ માદા ભુંડના માતૃત્વહક્ક અને નેપોલિયનના કાયદા અંગે વાતો કરવા લાગ્યા હતા. કંઈક નવું શીખવા મળે ત્યારે ફિલિપિનો લોકો બહુ જ પ્રભાવિત થઈ જતા હોય છે. વસાહતમાં હવે જરૂર કોનરાડો અને માર્સિયાનોને નવી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ જશે. બંનેને આ બાબતની જાણ હતી. બંનેના મોં પરથી યુદ્ધની ભાવના જાણે હવે ખતમ થઈ ચૂકી હતી, અને સમાધાની સંતોષ છલકાઇ રહ્યો હતો.

જજ મોરેલ્સે શાંતિ સ્થાપવા માટે જોરથી હથોડી પછાડી.

“આ કેસ મેં ભલામણથી હાથ પર લીધો છે.” ખૂબ જ ગંભીરતાથી એ બોલ્યા. “ખૂબ જ ન્યાયી ઉકેલ હું સૂચવી રહ્યો છું. મારી સલાહ છે, આના ઉકેલ તરીકે માર્સિયાનો અને કોનરાડો બંને એકબીજાના કુટુંબ સાથે મિજબાની માણે.”

કોનરાડો અને માર્સિયાનોની નજર, આતુરતાથી રાહ જોઈ રહેલા લોકોના ચહેરા પર ફરી વળી. દેખીતી રીતે જ એ બધા પોતાની પત્નીઓ સાથે સલાહ-મશવરા કરતા હતા. અચાનક, કોનરાડોના ચહેરા પર સ્વસ્થતા ચમકી ગઈ.

“મને મંજૂર છે, નામદાર.”

“અને મને પણ, નામદાર.” માર્સિયાનોએ ઉમેર્યું.

“અદાલત હવે વિરામ જાહેર કરે છે.” ડૉ. મોરેલ્સે ઝડપથી કહ્યું.

અમે બધા બહાર નીકળ્યા. કોનરાડો મારી બાજુમાં રાહ જોતો ઊભો રહ્યો, અને હું હાજર રહ્યો એ બદલ મારો આભાર માનવા લાગ્યો.

“તમારી મિજબાની માટે મારી શુભેચ્છાઓ” મેં પ્રતિક્રિયા આપી.

એ પછી હું ડૉ. મોરેલ્સને મળ્યો. પેટ દુખી જાય ત્યાં સુધી અમે હસતા રહ્યા.

“ભૂંડ, નેપોલિયનનો કાયદો, માતૃત્વનો અધિકાર,” એમણે કહ્યું. “ઓહ, આજની સવાર તો બહુ જબરદસ્ત છે! મારા દેશના લોકોના ભવિષ્ય અંગે હું જરા પણ ચિંતિત નથી.”

“પણ જજનું શું?” મેં એમને પૂછ્યું. “તમારી સરખામણીમાં સોલોમન તો કંઈ જ નથી, ડૉક્ટર. મારા મનમાં એ બચ્ચું ખરીદી લેવાનો વિચાર આવ્યો હતો, પણ તમારો ચુકાદો વધારે યોગ્ય હતો.”

અમે મિજબાની માણી. હું ‘અમે’ શબ્દ જાણી જોઈને વાપરું છું, કારણ કે એ જ સાંજે કોનરાડો અને માર્સિયાની મિત્રતા ફરીથી જામી ગઈ. એમણે એમની મિજબાનીમાં મને આમંત્રણ આપ્યું. દરિયા કિનારે એમની મિજબાની ગોઠવાઈ હતી. રસોઈ બની રહી હતી એ સમયે જ હું પહોંચી ગયો. બંને સાથે મળીને હસતા-હસતા ટેબલ સજાવતા હતા. સ્વાદિષ્ટ જમણ શરૂ થાય એ પહેલાં ભૂખ ઉઘાડવા માટેની વાનગીઓ પણ હાજર હતી. ફિલિપાઇનની સ્વાદિષ્ટ રસોઈની તો શું વાત કરવી! અને એમાં પણ અમારા બંને રસોયા નિષ્ણાત પાકશાસ્ત્રી હતા. સ્ત્રીઓએ પણ બહુ સ્વાદિષ્ટ બટાકા અને શાકભાજીની સાથે કેક પણ બનાવી હતી.

મેં મનોમન નોંધ કરી “ડૉ. મોરેલ્સ તો સોલોમનથી પણ ઉચ્ચ કક્ષાના જજ છે!”

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....