યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૩)


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

ક્યુલિઅન ટાપુ છોડીને ગયા, એ પહેલાં વિંટન અમેરિકન ભંડોળની સહાયથી પ્રોટેસ્ટંટ દેવળના મકાનની દેખરેખ રાખતા. દેવળમાં એ પોતે પ્રવચનો પણ આપતા. ઊંડે-ઊંડે એમને આશા હતી, કે આજે નહીં તો કાલે, પણ ક્યારેક દેવળમાં કાયમી પાદરીની વ્યવસ્થા થશે! એમની એ આશા હવે પૂરી થવામાં હતી. રેવરેન્ડ હડસનની ટાપુઓ પરથી બદલી થઈ ગઈ હતી, અને એમની જગ્યાએ બીજા લોકોની વ્યવસ્થા થઈ ગઈ હતી. ઉપરાંતમાં પાદરી મેન્સનને મનિલાથી અહીં મોકલવામાં આવ્યા હતા. એ વસાહતમાં આવ્યા, એના એક મહિનામાં તો અમે ગાઢ મિત્રો બની ગયા હતા. સાથે મળીને અમે બીમારોના પ્રશ્નો વિશે ચર્ચા કરી લેતા થયા હતા. ક્યુલિઅન ખાતે તો એવું હતું, કે ધાર્મિક પ્રવચનો અને વિધી-વિધાનો તો પાદરીની ફરજનો એક નાનકડો ભાગ માત્ર જ હતા! વસાહતના રહીશો શારીરિક તકલીફો માટે ડૉક્ટરોની સલાહ લેવા જરૂર જતા હતા, પણ પોતાના અંગત પ્રશ્નો વિશે તો એ લોકો અમારા એ બે આધ્યાત્મિક ગુરૂઓ પાસે જ જતા!

નવા ગવર્નર જનરલ સાથે થયેલી મુલાકાતની અસર થવી શરૂ થઈ ગઈ હતી. એક ડૉક્ટર તરીકે લિયોનાર્ડ વૂડે કામ શરૂ કરી દીધું હતું. વસાહતને વધારે કાર્યદક્ષ બનાવવા માટે શું-શું કરી શકાય એમ છે એનો અભ્યાસ કરવા માટે એક અમેરિકન વૈજ્ઞાનિકને એ અમારી પાસે મોકલવાના હતા. એ વૈજ્ઞાનિકના આવવાથી અમને ખૂબ જ આનંદ થયો. એ એક બહુ જ અલગ પ્રકારના માણસ હતા. ફિલિપાઇન્સના મેડિકલ સ્કૂલની યુનિવર્સિટી સાથે એ વર્ષો સુધી સંકળાયેલા રહ્યા હતા.

એમની સાથે મારી મુલાકાત આકસ્મિક રીતે જ થયેલી. હું દવાખાનામાં પ્રવેશ કરતો હતો, ત્યાં જ ડૉ. પોન્સ એક નવી વ્યક્તિને લઈને બહાર આવ્યા. “નેડ, આવ. ડૉ. બોંડને તારો પરિચય કરાવું. આ નેડ ફર્ગ્યુસન છે, ડૉક્ટર!” એમનો ચહેરો પ્રફુલ્લિત થઈ ગયો. “તો તમે જ છો જેણે ટેમારુનો શિકાર કર્યો હતો.”

“એવું લોકો કહે છે,” મેં સંકોચપૂર્વક જવાબ આપ્યો. આટલા સમય પછી મને મારા તોફાન બદલ દંડ દેવાનો ઇરાદો હતો કે શું!

“તમે રજા આપો, તો મારે એનું માથું અને ચામડું જોવાં છે. કેવો દમદાર શિકાર હશે એ! બ્રાન્ટે એના વિશે થોડી વાત કરી હતી મને!”

અમે વાતો કરતા રહ્યા. મૂળ વાત એમ હતી, કે એ પોતે પણ શિકારના બહુ રસિયા હતા. ટેમારુનો શિકાર કરવાનું એમનું પણ સપનું હતું! દેખાવમાં એમની સરખામણી જનરલ વૂડ સાથે કરી શકાય. હા, ઉંમરમાં એમનાથી થોડા નાના અને થોડા નીચા પણ ખરા! મૂછ પણ એમણે જનરલ વૂડ જેવી જ રાખી હતી.

“થોડા દિવસોમાં જ હું તમને મળવા આવીશ.” એમણે મને કહ્યું.

*

ત્રણ દિવસો પછી મારે ઘેર એ આવ્યા ત્યારે એ ખૂબ થાકેલા દેખાતા હતા.

“એકાદ ડ્રિંક થઈ જાય? વિંટને મને કહેલું કે તમે મહેમાનનું સ્વાગત બહુ સરસ રીતે કરો છો.”

“ભલે, થઈ જાય! પણ એ પહેલાં, આવો આપણે પેલા ઝાડ નીચે જઈએ. ત્યાં ખાસ્સી ઠંડક છે.

બોંડે પોતાની પ્યાલી ઊંચકીને “ચિયર્સ” કર્યું. એમણે નાળિયેરી અને સમુદ્ર ભણી નજર કરી. પછી ફૂલો અને પછી દ્રાક્ષના વેલા તરફ જોયું. “આવી સુંદર જગ્યા મેં પહેલી વખત જોઈ આજે. બધા આવું કરી શકે તો કેટલું સરસ બની જાય! સુંદરતા માટે ક્યુલિઅનમાં કેટકેટલી શક્યતાઓ પડેલી છે! પોર્ચમાં મેં ટેમારુનું માથું જોયું. કેવું ભયાનક દેખાતું હશે એ! શિકાર માટે આથી વિશેષ શું જોઈએ આ ટાપુ ઉપર! હું તમને કહું, કે ક્યારેક આ ટાપુ પર હું ચોક્કસ સ્થાયી થઈશ. અને ત્યારે આપણે જરૂર સાથે શિકાર પર નીકળીશું!”

“ચોક્કસ જઈશું આપણે. અહીં હરણ અને જંગલી રીંછ છે.”

વસાહતની બાબતો અંગે એણે વાતો શરૂ કરી. મેં એને શારીરિક રીતે સ્વસ્થ લોકો માટે યોગ્ય કામ શોધવાની મારી મનગમતી પ્રવૃત્તિ, અને બાળકો વગરના ગૃહસ્થ જીવન અંગે વાતો કરી. એમણે મારી વાતો અંગે કોઈ પ્રતિભાવ ન આપ્યો. એ વિદાય થાય એ પહેલાં, એ અહીંયાં મુખ્ય અધિકારી તરીકે નિમાય એવી મારી ઇચ્છા મેં એમની સામે વ્યક્ત કરી.

“એ બાબતે મને કંઈ ખબર તો નથી, પણ વહીવટી કામોમાં મને જરા પણ રસ પડતો નથી! હા, જનરલ વૂડ રિસર્ચ કરવા માટે જો ભંડોળ એકઠું કરી શકે, તો એમાં જરૂર હું હાથ નાખીશ.”

એમની એ વાતને મેં ટેકો આપ્યો, એ જાણીને એમને થોડું આશ્ચર્ય અને ખુશી બંને થયાં. મારાં ‘યુદ્ધવિરામ’ પછી, મેં આ બાબતે ઊંડો વિચાર અને વાંચન કર્યાં હતાં, અને એનાથી રક્તપિત્ત બાબતે મને એક તદ્દન બિનઅંગત એવો રસ પડ્યો હતો.

“તમે એક અસાધારણ દરદી છો. મોટા ભાગના દરદીઓ તો રક્તપિત્ત અંગેની જાણકારીથી જ દૂર ભાગતા હોય છે!”

“એવું છે, કે વાસ્તવિકતાથી દૂર ભાગી જવાના ઉભરા તો મારામાં પણ આવેલા, અનેક વખત! પણ હવે એ બધું જ પૂરું થઈ ગયું છે. મને મારા જવાબો મળી ગયા છે; છેવટે, મને અંદરથી તો એવું જ લાગી રહ્યું છે. હવે હું રક્તપિત્ત અંગે વાંચી શકું છું, એના વિશે વાતો કરી શકું છું, અને રક્તપિત્તને જોઈ પણ શકું છું, એ પણ ગભરાયા વિના! અને એનું ફળ મને એ મળ્યું છે, કે હું સમસ્યાના મૂળમાં હવે રસ લઈ શકું છું. તમે મને કહેશો જરા, કે ચૌલમોગરાનો ઉપયોગ રક્તપિત્તની સારવાર માટે કઈ રીતે શરૂ થયો? અને ક્યારથી?… હા, ટોમસ, શું કામ હતું તારે?”

“જેસિલ્ડો આવ્યા છે, સાહેબ. જાળ બનાવવાની નવી યોજના લઈને એ આવ્યા છે.”

“એમને બોલાવી લો, ફર્ગ્યુસન. ચૌલમોગરાની વાત ઘણી લાંબી છે. થોડા દિવસોમાં જ ફરીથી હું આવી જઈશ. અત્યારે તો મને પણ તમારી આ નવી જાળની યોજના જોવી ગમશે.”

અમે જેસિલ્ડોને અંદર બોલાવ્યા. એ સાથે અમારી વાતો કામચલાઉ રીતે પૂરી થઈ ગઈ. એ પછી તો બહુ જલદી બોંડ મનિલા ચાલ્યા ગયા. એમને ફરી ક્યારે મળાશે એ કંઈ કહી શકાય એમ ન હતું, પણ ઊંડે-ઊંડે, એમને ફરીથી મળાશે કે કેમ એવી લાગણી મને થઈ રહી હતી.

*

વચ્ચે એક અઘટિત ઘટના બની ગઈ. કારમનના ભાઈને સેબુથી અહીં લાવવામાં આવ્યો. અમે સાંભળ્યું હતું કે એ એક અસંતુષ્ટ રાજકીય ચળવળકાર હતો. પોતાને જ્ઞાન ન હોય એવી બાબતોમાં પણ દરદીઓને એ ઉશ્કેરતો રહેતો હતો. ટાપુ પર બધા સાથે સરળતાથી એ ભળી શકે એમ લાગતું ન હતું. એની ભાળ મળે, એ પહેલાં જ એના શરીરમાં રોગ એટલો ફેલાઈ ચૂક્યો હતો, કે ફરીથી સંપૂર્ણ પણે મટી જવાની કોઈ ઉમ્મીદ રહી ન હતી.

કારમન પોતે પણ હવે તો સત્તર વર્ષની સુંદર યુવતી બની ગઈ હતી. બસ, એના બે હાથ બેડોળ બની ગયા હતા! વિંટનના કહેવા મુજબ તો એનામાં સુધારો થઈ રહ્યો હતો, અને એને અહીંથી રજા પણ મળી જાય એમ હતું. ભાઈના આવવાના સમાચારે એ ખૂબ જ ખુશ હતી. ભાઈના ભોમિયા તરીકે રહેવાનું પણ એણે ટોમસને કહી દીધું હતું.

એકાદ-બે અઠવાડિયા સુધી વિસેંટ સાથે દોસ્તી કરવાના પ્રયાસો પછી કંટાળીને ટોમસે પ્રયત્નો છોડી દીધા.

મેં પૂછ્યું તો ટૂંકમાં એ કહે, “વિસેંટ મૂર્ખ છે.”

“એ મૂર્ખ હશે કદાચ, ટોમસ, પણ એની બહેન બહુ સુંદર છે હં કે!”

ટોમસે હકારમાં માથું હલાવ્યું. “બહેનને કારણે વિસેંટ કંઈ બદલાવાનો નથી.” એણે ભારેખમ અવાજે કહ્યું.

બે અઠવાડિયામાં તો વિસેંટ આઝાદીના નારા ગજવતો આખી વસાહતમાં ફરી વળ્યો. મને લાગ્યું, ડૉ. બોંડ અને જનરલ વૂડ જેવા લોકો, જે ટાપુને રહેવા લાયક બનાવવા માટે મથી રહ્યા હતા, અને ક્યુલિઅન માટે ભંડોળ એકઠું કરવા માટે મથામણ કરી રહ્યા હતા, એમને ટાપુ પરથી હાંકી કાઢવામાં વિસેંટને જરૂર રસ પડશે!

હું બે-એક વખત એને મળ્યો હોઈશ, પણ મને એના તરફ સખત અણગમો થઈ આવ્યો હતો. જ્યારે જુઓ ત્યારે એ બીજા લોકો સામે તોછડાઈ કરતો રહેતો, અને સહુની ટીકા જ કરતો રહેતો! ડૉક્ટરોના કહેવા મુજબ તો એને ‘સિંહ મુદ્રા’ નામનો રોગ થયો હતો. ચહેરા પર નાની-નાની ફોડલીઓ ઊઠી આવી હતી. કપાળ પર ઊંડી-ઊંડી કરચલીઓ, ફૂલી ગયેલા ગાલ અને કાન તો જાડા-જાડા અને લાંબા થઈ ગયેલા!

*

એક દિવસ, ડૉ. પોન્સે મને સમાચાર આપ્યા, કે ડૉ. બોંડે મુખ્ય પેથૉલૉજિસ્ટ અને ક્યુલિઅનના કાર્યકારી મુખ્ય અધિકારીની સંયુક્ત નિમણૂક સ્વીકારી લીધી હતી. મારી ખુશીનો પાર ન હતો, કારણ કે આનો અર્થ તો એ હતો, કે ગવર્નર જનરલે કોલોની વિશેનાં ડૉ. બોંડનાં સૂચનોનો સ્વીકાર કરી લીધો હતો, અને મલકેનન પેલેસના રક્તપિત્તિયા નાગરિકોમાં સાચો રસ લેવાઈ રહ્યો હતો.

અને ખરેખર, બોંડના પાછા આવવાથી આ જગ્યાના મિજાજમાં ખરું પરિવર્તન નોંધાયું. દરદીઓની સારવાર માટે અને નવા ઉમેરાયેલા મેડિકલ કર્મચારીઓના રહેણાક માટે કેટલાયે નવા મકાનો બનાવવા માટેનું આયોજન થયું. મેડિકલ કોલેજના પ્રોફેસર તરીકે એમને એક ફાયદો એ મળ્યો હતો, કે પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થિઓની ક્ષમતાથી એ સારી પેઠે પરિચિત હતા! મનિલાથી ડૉ. ડોમિંગ્ઝ અને બીજા થોડા યુવાન ફિલિપિનો ડૉક્ટરને મેડિકલ સમુદાયના સભ્ય તરીકે ક્યુલિઅન ખાતે એ લઈ આવ્યા.

મેં કામ પર રાખેલા કેટલાક દરદીઓની કાર્ય કરી શકવાની ક્ષમતા અંગે મસલત કરવા માટે નવા મુખ્ય અધિકારી ડૉ. બોંડ મને ઘણી વખત બોલાવી લેતા. મેડિકલ કર્મચારીઓ માટે બનતા મકાનો પર કામ કરવા માટે દરદીઓને બોલાવી શકાતા ન હતા, પણ નવા સામુહિક રહેઠાણો, નવા વૉર્ડ અને દવાખાના બનાવવાનું પણ આયોજન હતું, જેમા એ લોકો કામ કરી શકે એમ હતા. થોડા એવા દરદીઓ હતા, જે શરીરથી સ્વસ્થ હોવા છતાં કામકાજથી આજ સુધી અળગા રહ્યા હતા. એ લોકોને પણ મેં કામ કરવા માટે સહમત કરી લીધા; એમ સમજાવીને, કે ક્યુલિઅનની શકલ બદલાઈ રહી છે, અને એમાં હર એક વ્યક્તિ માટે પોતાનો ફાળો આપવાની તક હતી.

ડૉ. બોંડને ક્યુલિઅન આવ્યાને એક મહિનો થયો હશે, કે એક દિવસ એ મારે ઘેર આવી પહોંચ્યા, અને અમે બંને શિકાર પર જઈએ એવો પ્રસ્તાવ એમણે મારી પાસે મૂક્યો. ક્યુલિઅનના નાનકડા હરણનો શિકાર રાત્રીના સમયે પ્રકાશ કરીને કરવામાં આવતો હતો. કોગોનની ઊંચી ટેકરીઓને પગપાળા ખૂંદતા જઈને, પોતાના માથે બાંધેલી બત્તીના, હરણની આંખમાંથી પરાવર્તિત થતા પ્રકાશની મદદથી શિકારી એને પકડી પાડે! આ રીતે શિકાર કરવાનું મને જરા પણ પસંદ ન હતું. પણ દિવસના સમયે, ઊંચા-ઊંચા ઘાસ વચ્ચે હરણને શોધવું અશક્ય હોવાને કારણે ક્યારેક-ક્યારેક હું પણ મારા ખોરાક માટે આ રીતે શિકાર કરી લેતો હતો. એમાં ક્યારેક હરણની જગ્યાએ ભૂંડ પણ હાથ લાગી જતું, પણ ભુંડનો શિકાર અમે સામાન્ય રીતે દિવસના સમયે કરતા હતા. અને ટાપુ પરની જંગલી ભેંસની વાત કરીએ, તો જંગલમાં ભટાકતા એ ભયાનક પ્રાણીની સામાન્ય ઝલક સિવાય કોઈને હાથ કંઈ જ લાગ્યું ન હતું! એ ત્યાં સુધી, કે કોઈને એ પણ ખબર ન હતી, કે ખરેખર એ જંગલી ભેંસ છે, કે પછી ક્યુલિઅન ટાપુ પર રક્તપિત્તની વસાહત સ્થપાઈ એ પહેલાંથી જ અહીં લવાયેલાં પાલતુ પ્રાણીઓના એ વંશજ છે! એની સાથે મારો સામનો તો ક્યારેય થયો ન હતો, અને એનો સામનો થાય એવી મારી ઇચ્છા પણ ન હતી! મારા માટે ટેમારુ જ પૂરતું હતું!

એ રાત્રે હું અને બોંડ સાથે નીકળ્યા. કલાકો સુધી કોગોનની ઊંચી અને ચઢાણ માટે અઘરી પડે એવી પહાડીઓ પર ઝાંખરાં વચ્ચે અમે ભટકતા રહ્યા. એકાદ-બે વાંદરા અમારી સામેથી ચિચિયારી પાડતા નીકળી ગયા. એક મોટી ગરોળી મુંઝવણમાં અમારી સામે જાણે મૈત્રીભાવે ઘૂરકીને ચાલી ગઈ. એ સિવાય કોઈ પ્રાણીનો ભેટો અમને થયો નહીં. છેવટે કંટાળીને અમે પાછા ફરી ગયા. બલાલા પાછા ફરતી વખતે બોંડ મારા ઘરની પાસેથી જ પસાર થતા હતા, એટલે મેં એમને એકાદ ડ્રિંક લેવા માટે બોલાવ્યા.

“આવો, બીચ પર જ જઈએ. રાત્રે રેતી પર બેઠાં-બેઠાં સમુદ્રની લહેરો જોવાનું મને બહુ ગમે છે.”

*

ઘણી વાર સુધી અમે ચુપચાપ બેઠા રહ્યા. રાતનું આકાશ ચોખ્ખું હતું. વાતાવરણમાં ગરમાટો હતો. ભેજવાળી એ હવામાં કુમાશ ભળેલી હતી. કોઈ વાજિંત્રોનો અવાજ પણ ન હતો. વસાહતના કુતરાં પણ શાંત થઈ ગયાં હતાં.

“આવી રાત્રીઓ મને બહુ પસંદ છે,” બોંડે કહ્યું. “મૂળ તો હું ઉત્તરીય પ્રદેશનો માણસ. દક્ષિણની મેડિકલ સ્કૂલમાં અભ્યાસ માટે ગયો, ત્યારે હું તો દક્ષિણ પ્રદેશના પ્રેમમાં જ પડી ગયેલો! ત્યાં જ હું મારી પત્નીને મળેલો. આજે રાત્રે એ પોતાના કુટુંબ સાથે રહેવા ત્યાં જ ગઈ છે. અમારું ઘર બંધાઈ જશે એટલે એ મારી સાથે રહેવા આવી જશે.”

મેં કોઈ પ્રત્યુત્તર ન વાળ્યો. મને ખબર હતી કે એમને પ્રત્યુત્તરની અપેક્ષા પણ ન હતી.

થોડી વાર ચૂપ રહ્યા પછી એણે કહ્યું. “યાદ છે, એક વખત તમે મને ચૌલમોગરાના તેલ વિશે પૂછ્યું હતું? એ વખતે તો આપણે વાત થઈ શકી ન હતી. આજે પણ મોડું થઈ ગયું છે, પણ મને લાગે છે કે આજે સારો યોગ્ય સમય છે. છેવટે, આજે આપણને પરેશાન કરનાર કોઈ નથી!”

“મારા માટે તો બધું સરખું જ છે. વાસ્તવિક દુનિયાથી દૂર-દૂર એક એવી નાનકડી જગ્યાએ, એક પ્રકારે જીવનની અનિર્ણીત અવસ્થામાં અમે જીવી રહ્યા છીએ. અહીં અમારે સમયનો કોઈ જ હિસાબ નથી હોતો!”

એણે એક સિગારેટ કાઢી, એને કાળા હોલ્ડરમાં ભરાવીને રૂપેરી લાઈટર વડે સળગાવી.

“મારી પત્નીએ આ મોકલ્યું છે. સરસ છે, નહીં?”

“બહુ જ સુંદર છે.”

“આ ચૌલમોગરાનો વ્યવસાય બહુ જુનો છે. એક લોકકથાની અંદર એનાં મૂળ પડેલાં છે. અત્યંત આ અ‌દ્‌ભૂત કથા સદીઓથી કહેવાતી આવી છે. વાર્તા કંઈક એમ છે કે, બર્માનો કોઈ રાજકુમાર રક્તપિત્તનો ભોગ બની ગયો હતો. વાત બહાર આવી ગઈ, એટલે એને જંગલમાં મોકલી આપવામાં આવ્યો. પરંતુ, જીવન તરફનો એનો પ્રેમ ખૂબ બળવાન હતો, અને એને કારણે જ, ફળફળાદી કે અન્ય જે કાંઈ ખાદ્યસામગ્રી હાથ લાગે તે ખાઈને એ બચી ગયો. આમ કરતાં, માત્ર બર્મામાં જ ઊગે છે એવા ચૌલમોગરાના વૃક્ષના સંપર્કમાં એ આવ્યો. એનાં ફળ શોધીને એણે ખાધાં. જો કે એનો સ્વાદ બહુ સારો હોય એવું મને નથી લાગ્યું. તમને કદાચ એના સ્વાદનો અનુભવ હોય!”

ન્યુયોર્કમાં ચૌલમોગરાનો મને જે અનુભવ થયેલો એનું વર્ણન કરતાં-કરતાં મને કંપારી છૂટી ગઈ. “બહુ જ ભયંકર સ્વાદ હતો એનો, જેક. તમે મારી વાત માની જ લો, કે રાજકુમાર ભૂખ્યો જ રહ્યો હશે.”

“તો તમે પણ સાંભળી લો, કે તમને સાચા ચૌલમોગરા મળ્યા જ ન હતા. અમેરિકા અને અહીંયાં પણ જે વપરાય છે એ તો હાય્ડ્નોકાર્પસ છે, ચૌલમોગરાની એક બીજી જાતી, જે ઘણી જગ્યાએ ઊગે છે. આપણે રાજકુમારની વાત પર પાછા આવીએ. એણે તો એ ફળો ઘણી માત્રામાં ખાધાં હતાં. સમય જતાં એનો રક્તપિત્ત મટી ગયો અને પોતાના રાજ્યમાં એ પાછો ફર્યો. બસ, ત્યારથી એણે ચૌલમોગરાને રક્તપિત્તની દવા તરીકે જાહેર કર્યો.

તમે આ વાતને સાચી માનો કે ખોટી. આખી વાતનો સાર એ છે, કે ચૌલમોગરાને સેંકડો વર્ષોથી રક્તપિત્તની દવા તરીકે માન્યતા મળી છે.  હકીકત એ છે, કે આપણે તો એના બીજમાંથી નીકળતું તેલ વાપરીએ છીએ, એનાં ફળો નહીં!

ફિલિપાઇન આવતાં રસ્તામાં હું ભારત અને ચીનની મુલાકાતે ગયેલો. ત્યાં અંગકોરવાટનાં મંદિરો પાસે ખ્મેર રાજાઓના, જંગલોમાં દટાઈ ગયેલા પ્રાચીન શહેર અંગકોર ટોમ જોવા હું ગયો હતો. ખ્મેર રાજાઓ ઈસ્વીસન પૂર્વે પહેલી સદીમા થઈ ગયા. અંગકોર ટોમ શહેરની વસ્તી દસ લાખની હતી. ભવ્ય મંદિરો અને રજવાડી મહેલોવાળા એ શહેર માટે એવું કહેવાય છે કે એના રાજાને રક્તપિત્ત થયો હતો. આજે તો એ શહેર ખંડિયેર જેવી હાલતમાં છે. બસ, એવા બહુ થોડા મંદિરો અને રાજમહેલ બચ્યાં છે, જે થોડી સારી અવસ્થામાં સચવાયાં છે. રાજમહેલની બાજુમાં જ રક્તપિત્તિયા રાજાની હવેલી છે, જેમાં કદાચ એ બીમાર રાજાને પૂરી દેવામાં આવ્યો હતો. હવેલીની ચારે તરફ પત્થરની એક રાંગ છે જેના પર દીપડા, હાથી, વાઘ અને યુદ્ધનાં દૃશ્યો કોતરીને એને શણગારવામાં આવી છે. અને આ બધામાં ભળી જાય એ રીતે કોતરેલું છે એક વૃક્ષ! આજે ત્યાંના લોકો કહે છે કે એ ચૌલમોગરાનું વૃક્ષ છે, રક્તપિત્તિયાં માટે આશાનું એક પ્રતીક!

આમ, ચૌલમોગરો તો પ્રાચીન કાળના અવશેષોના ધુમ્મસમાં ખોવાઈ ગયો છે, અને આપણે હજુ આજે પણ, આ આધુનિક યુગમાં સારવાર માટે એનાથી વિશેષ કંઈ જ શોધી શક્યા નથી! દવા આપવાની પદ્ધતિમાં આપણે ફેરફારો કર્યા છે, પણ એના મૂળમાં તો પેલી એ જ જૂની દવા જ પડેલી છે! કંઈક સારું શોધવાના પ્રયોગો દરમ્યાન ક્યારેક ચિત્રવિચિત્ર પરિણામો પણ મળ્યાં છે. એનિલાઇન ડાઈ ઉપર પ્રયોગો કરવામાં આવ્યા છે. કેટલાક ડૉક્ટરો ઇથીલિન બ્લુ પસંદ કરે છે.  કમનસીબે એ દવા લેવાથી દરદીનો રંગ લાંબા સમય સુધી વાદળી થઈ જાય છે. જ્યારે-જ્યારે કોઈ નવી સારવાર નિષ્ફળ જાય છે, ત્યારે દરેક વખતે આ પ્રાચીન નુસખા ભણી અમે પાછા જઈએ છીએ… તમે મારાથી કંટાળતા તો નથીને!”

“અરે, ઊલટાનું મને ઘણું જાણવા મળે છે તમારી પાસેથી! તમે આગળ કહો…”

અમારી સૌથી મોટી સમસ્યા આનો ઉપાય શોધવાની છે. રક્તપિત્તના દરદીઓ માટે કામ કરવું અને રક્તપિત્તની સામે કામ કરવું એ બંને તદ્દન જુદી બાબતો છે. રક્તપિત્તની સામે કામ કરવામાં સંશોધન અગત્યની ભૂમિકા ભજવે છે. માનવજાત આ પ્રાચીન શ્રાપથી મુક્ત થઈ જાય, એ જ હું જોવા ઇચ્છું છું. આનો ભોગ બનેલા લોકોની આપણે કાળજી તો લેવી જ પડશે! એ જ તો માનવતાનું પરિમાણ છે! પરંતુ સાથે-સાથે રક્તપિત્તનો અંત પણ લાવવો પડશે. એક અંદાજ પ્રમાણે આજે દુનિયામાં રક્તપિત્તના ત્રીસ લાખ દરદીઓ છે. એમાંથી માત્ર ત્રણ ટકા લોકોને જ એના માટે કોઈ પણ પ્રકારની સારવાર મળી રહી છે! જગતના લગભગ બધા જ દેશોમાં રક્તપિત્તના દરદીઓ મળી આવશે. આઇસલેંડ, નોર્વે, ભારત અને આફ્રિકામાં રક્તપિત્ત ખૂબ જ ફેલાયેલો છે. જેને આ રોગ વળગે છે, એને તો એ નિરાશાની ખાઈમાં જ ધકેલી દે છે. પણ જેને એ લાગુ નથી પડ્યો, એને પણ એ બહુ જ મોટું નુકસાન પહોંચાડી જાય છે. ધારો કે, એક પુરૂષને રક્તપિત્ત લાગુ પડે છે. એને પત્ની છે, બાળકો છે. કોઈ જ જાતની આગોતરી ચેતવણી વગર એ પુરૂષને ઉઠાવી લેવામાં આવે છે, અને પાછળ રહી ગયેલા સાવ નિસહાય બની જાય છે.”

મને મારી સાથે કામ કરતો હતો એ ફેડરિકો આરંગ, પેલો વકીલ, યાદ આવી ગયો. આવતા જૂથમાં એ છૂટીને જશે. આરંગે પોતાની બધી જ કમાણી પોતાના કુટુંબ માટે મોકલી આપી હતી, પણ એ રકમ શું પૂરતી હતી કે? અને એ પાછો ક્યાં જઈ રહ્યો હતો?

બોંડ આગળ કહી રહ્યા હતા. “આ સમસ્યામાં હું મારી ફરજ કરતાં ઘણો ઊંડો ઊતરી ચૂક્યો છું, નેડ! પાછળ રહી ગયેલા કુટુંબીજનોની સહાય માટે જે કરવાનું છે, કે પછી જે કરવું પડે એમ છે, એ તો એ સરકારે કરવાનું છે જેણે એમના રોટલાના રળનારને છીનવી લીધા છે. રક્તપિત્તને અટકાવવો, એની સારવાર કરવી એ મારી ફરજ છે. નવા સાધનો અને ઊંડા સંશોધનની મદદથી આપણે આ સમસ્યાને એક નવા સ્તરે લઈ જઈને સંબોધવી પડશે. આપણું જ્ઞાન બહુ જ સીમિત છે. ઘરના એક સભ્યને રક્તપિત્ત વળગે, અને બીજા મોટાભાગે બચી જાય; એવું કેમ બને છે, એ આપણે જાણતા નથી! આપણને ખબર જ છે, કે આ સારવાર એ તો માત્ર એક આકસ્મિક ઘટના જ છે! અને એને સારવાર પણ કહેવી કે કેમ એ પણ એક સવાલ છે! આપણે જાણીએ છીએ કે કેટલાક ગણ્યાગાંઠ્યા કિસ્સામાં આ રોગ એની જાતે જ મટી જાય છે. એટલે કે દરદી કોઈ પ્રકારની સારવાર વગર પણ સાજો થઈ જાય છે! રોગના એક સરખા તબક્કે હોય એવા બે દરદીઓને એક સરખી સારવાર આપીએ, છતાં એમાંથી એક દરદી સારવારને સારી પ્રતિક્રિયા આપીને સાજો થઈ જાય છે એટલું જ આપણે તો જાણીએ છીએ. જ્યારે બીજો દરદી, આપણી સલાહનું એટલી જ વફાદારીપૂર્વક પાલન કરે છે, સારવાર પણ નિયમિતપણે લે છે, અને છતાં એના પર સારવારની કોઈ અસર જણાતી નથી! અને એ ગંભીર કેસ બની જાય છે!”

“હા જેક, હું જાણું છું કે આ જ સત્ય છે.”

“મને માફ કરજો, નેડ! તમે અહીં મારી સાથે છો, એ હું ભૂલી જ ગયો હતો. આપણે હજુ લાંબી મજલ કાપવાની છે. હકીકતમાં આ તો હજુ શરૂઆત જ થઈ છે. અને એ ત્યાં સુધી કે, રોગ કાબુમાં આવી ગયો છે એમ માનીને આપણે જેમને બહાર મોકલીએ છીએ, એમાંથી અડધા કિસ્સામાં તો એ લોકોએ અહીં પાછા નહીં જ આવવું પડે, એવું કહી શકાતું નથી! આ સમસ્યાનો હલ નહીં મળે ત્યાં સુધી આપણે અટકવાના નથી.”

એમના ચાલ્યા ગયા પછી પણ હું ક્યાંય સુધી ત્યાં જ બેઠો રહ્યો, એમણે જે કહ્યું એને જ વાગોળતો રહ્યો. શું એની વાત સાચી હતી? આ યાતનાનો શું ક્યારેય અંત આવશે ખરો કે?

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....