રસ્તો – સમીરા પત્રાવાલા 13


(જાન્યુઆરી ૨૦૧૬ ‘મમતા’ સામાયિકમાંથી સાભાર)

સૂરજ આજે એના પૂરા જોશમાં હતો. આજે જાણે જમીનને વીઁધીને પાતાળ સુધી પહોંચવાનું પ્રણ માંડ્યું હોય એમ કાળઝાળ વરસતો હતો. વરસાદ આ વર્ષે ઓછો હતો એમાંય આ મોસમ જ પાણી વગરની હતી! ક્યારે એવું લાગતું જલદી ઊઠીને નદી બનીને વહી જાઉં અને સાગરમાં સમાઈ જાઉં. પણ આવું વરદાન તો મને વેદપુરાણે પણ નથી આપ્યું. માણસોના પ્રતાપે મારા શરીર પર હવે કોઈ આવરણો રહ્યા નહોતાં એટલે તડકો પણ થપાટ મારીને મને અંદરથી વીંધતો હતો. ધરતીનાં પટ પર વિસ્તરાઈને લોકોને ઠેકાણે પહોંચાડવાનું મારું કામ! દુનિયા આખી અને કુદરતનો ભાર વેંઢરવાનું નામ મારી જિંદગી! માણસે મારા ઉપર ડામરના લપેડા એવી રીતે લગાવ્યા હતા જે જાણે બળદને નથ પહેરાવી હળમાં જોડાવા તૈયાર કર્યો હોય.

એક કાચિંડાએ મને વસ્ત્ર બનાવી ધારણ કરેલ છે. અસ્સલ ડામરિયો રંગ. કોઈની નજરે ન ચડે એમ! અહિં ક્યારેક કીડીઓ અને નાના જીવજંતુઓની નાજુક કાયા મનને હળવો રોમાંચ આપી જાય એવા સમયનો ચોખ્ખો લાભ લેવા આ જીવ રાહ જોઈને બેઠેલું છે. ક્યારનું! ઘડી ઘડી બન્ને આંખો અલગ અલગ દિશામાં શિકાર શોધે છે. આજુબાજુ ઊગેલું જંગલી ઘાસ સૂર્યદેવના પ્રતાપે કાચિંડાની જેમ રંગ બદલી બેઠું છે અને ધરતીને પંડે ખંજવાળ ઊભી કરે છે. પણ હવે એ પોતના મૂળ રૂપમાં ક્યારેય નહીં આવે. બસ મારે પંડે છુટાછવાયા ઝાડઝાંખરા ઠંડકના થિગડા મારતા રહે છે. અહું ક્યારેય સાપ નોળિયાની બથ્થંબથ્થી થાય, તો ક્યારેક રોજડા માર્ગ વટી પેલે પાર જાય. પણ રાત્રે જીવજંતુઓના તેજ અવાજ વાતાવરણમાં જાન જગાડી દે. રાતે જાગતા જુગનુઓની કૂદાકૂદ રાતમાં વેરાતી જરીની જેમ ચમકી ઊઠે. ક્યારેક પવનની લ્હેરખી થોડાઘણાં સૂકાં પાનને આ બાજુ આંટો મરાવે. થોડા વખત સુધી ખિલખિલ લહેરાતા વૃક્ષો હવે ઉપવાસે ઊતરી તપ કરતા અધિકારીઓની જેમ ગંભીર મોં પર તડકી ચોપડી બેઠા છે.

પણ વરસાદમાં તો અમે સૌ ખીલીએ. દેડકાઓની ડ્રાઉં ડ્રાઉં અમને આખી રાત જગાડતી. ક્યારેક અહીં ઊગેલા લીલા ઘાસને ચરવા આસપાસના ગામોની ગાયો અને ઘેંટા બકરા આવતાં અને ક્યારેક ઊંટડા લઈને વણજારા પણ તંબુ તાણતા. ક્યારેક રોજડાના ધણ દેખાતા, આમ ધરતીનાં અંગેઅંગથી જીવ ફૂટી નીકળતો. સાપ પેટ ઘસડી કેડીઓને પંપાળતા તો ક્યારેક વળી એકલદોકલ સસલાયે આવી જતા. તો ક્યારેક ભક્ષક અને ભક્ષ્યનાં જીવ સોંસરવા ખેલમાં કુદરત બાજી મારી જતી. અને વળી વરસાદ જાય અને અહીંની માયા સંકેલાઈને બાધકણી બૈરીની જેમ સૂરજ સામે બાથ ભીડતી. માણસની ગેરહાજરીમાં અમે સૌ જીવતા. આ જંગલ, પશુ-પંખી, જીવજંતુ, હું, કેડીઓ, આકાશ અને હવા. પણ સૌથી ઉપર સૂરજનું અસ્તિત્વ રહેતું. ક્યારેક હળવો થઈને અમારા બધાયનાં પંડ ઠારતો અને ક્યારેક અપલખણો થઈને ઊંચે ચડી બધાને દઝાડતો. અહીં જંગલ હતું પણ જંગલી જાનવરો હવે બહુ રહ્યાં ન હતાં. ખાલી પડેલા કલરવમાં ક્યારેક એકલદોકલ પારેવું વિસામો ખાવા રોકાતું અને ઝડપથી વિદાય લઈ લેતું. મને પેલી કોયલ યાદ આવતી. જે આાની શોધમાં અહીં વિસામો ખાવા બેસે ને હળવું સંગીત વેરતી જાય. હવે અહિં કાગડા પણ નથી આવતા. આસપાસની આટલી બધી ચહેલપહેલમાં હવે હું એક જ માણસને કામની વસ્તુ લાગતો. એટલે કાચી કેડીએ ડામર લીંપી નેતાજી ઉદઘાટન કરી ગયેલા. મને લાગેલું કે એને દરરોજ મારી જરૂર પડશે, પણ સાંભળ્યું છે કે એમને હવે પાંખો આવી છે! હવે અહીંથી ભારખટારા, સાઇકલો, બાઈકાને ક્યારેક બિચારો કોઈ ગરીબ પગપાળો પણ જાય છે.

કાચિંડો અચાનકથી પોતાના કાયા પલટી ફરી સૂકા ઘાસમાં ઓઝલ થયો. એક જોડું ધીમી ગતિએ ચાલતું આવતું હતું. કાચિંડો ઝડપથી ઝાડીમાં જતા કહેતો ગયો ‘જોજે ભાઈ, માણસ આવે છે.’

ધરતીના પાલવમાંથી ઊભરાતી મમતા જોઈ લાગ્યું કે કોઈ ગરીબ વટેમાર્ગુ આવે છે. કેડી માથે એ ગરીબડા પગ એવી રીતે ચાલતા હતા કે જાણે પગલે પગલે પૂછતા હોય ‘ચાલું કે નહિં?’

બાઈને માથે અધખુલો ઘુંઘટ. માથે લગભગ ભાથું બાંધેલું, ચડતી બપોરે હાથભરત કરેલા કપડામાં વીંટેલ વાછરડા જેવું લગભગ એકાદ વર્ષનું બાળક તેડીને ચલતો એનો ભરથાર. હાથમાં ઝાલેલો થેલો અને એક નાની સૂટકેસ જેવું. એના ઉપરના ધોળા પહેરણે કાપેલા રરતાની માટી ચોંટેલી હતી.

‘જાણે કેટલાયે વખતથી ચાલી ચાલીને હવે ધીમા પડ્યા હશે.’ ઝાડ તપસ્યા ભંગ કરતું બોલ્યું.

‘ભલે પધાર્યા મારા બાળ’ ધરતી મલકાણી. અમે સૌ ગમે એટલા માણસ જાતને કોસીએ પણ ધરતીની મમતા માણસ માટેય અમારા સૌ જેટલી જ.

થોડી થોડી વારે આવતા છોકરાના રડવાનો અવાજ હવે અકબંધ શરૂ થયો. ‘હવે તો રોકવું જ પડશે. ક્યાં પોરો ખાવા બેસવું?’ બાઈ બોલી ઊઠી, અવાજમાં એવો જ રણકો, મને મારી કોયલ યાદ આવી.

‘પણ તું બેસસે ક્યાં? આ બધાય ઝાડવાની ડાળીઓ તો જુદા થવા માંગતા દીકરાઓની જેમ અળગી થઈને બેઠી છે. તડકો ચળાઈને આવે છે.’ મારાથી ઝાડને મેણુ મરાયું.

બાઈ ઘાંઘી થતી નાના બાળકની ભૂખ મટાડવા પાતળું ઠેકાણું શોધતી સામે પાર જતી હતી. એનો ભરથાર બોલ્યો, ‘તું આંયપા ઊભી રે, હું જાવ સું’ પણ બાઈને હવે ઘડીભર ઊભા રેવાનીયે પરવા નહોતી. પગલાં આગળ વધી ગયાં હતાં. સામે પાર ઝાડ હેઠે થોડી બેસવા જેવી જગ્યા લાગતી હતી. ‘એ તમે આવો પાછળ હું આ હાલીને જગ્યા હમી કરી પાલવ ઢીલો કરી લઉં, મારો લાલિયો હવે એક મિનેટ નો રે.’

બાપ ધીમો પડ્યો, મા ઉતાવળે દોડી. પેલી બાજુ રસ્તો જોઈને થડ પાછળ બાઈ પાલવ ઢીલો કરતી પાછી ઊભી થઈ.

રસ્તાની પેલી બાજુની ધીમા પગલે આવતા ધણીને બોલી ‘એલા ઉતાવળા થાવ ને’ એનો ધણી બોલ્યો, ‘આ બધા સામાનનેય રાણી તમે મને જ આપ્યા સે તો વાર લાગે.’ બાઈ અધીરું હસતી આગળ વધી એ જાણ બહાર કે બીજી બાજુથી કોઈ ભાન ભૂલેલું વાહન આવે છે. એક ઉતાવળે દોડતી ભારેખમ કારનો ટલ્લો બાઈને કચ્ચરઘાણ કરતી ચાલી ગઈ. અચાનકથી લાગેલા ટલ્લામાં બાઈ ઊંચે ફંગોળાઈને હેઠી પડી. એક કારમી ચીસ નીકળી. છેક માર હદયને વીંધતી, પાતાળના પડો ને કોતરતી ચાલી ગઈ.

‘રે મારી બાળ ઊભી થા’ ધરતી ખમ્મા કરતી હતી.

પણ માણસનું શરીર ગતિ કરવા ટેવાયેલું! ફટાફટ માથામાંથી લોહીણી ધાર નીકળીને ચોતરફથી માથાને ફાડતી મારે માથે રક્તતિલક કરતી ગઈ.

‘એ ધીરા ખમો. મારથી આવા અપશુકન ન સહન થાય.’ મારાથી બોલાઈ ગયું. પણ એ તો તારા માણસનું લોહી એના જેવું જ હઠીલું!

ઓઢણીને તારતો બાઈનો બરોડેય સાવ ઊઘાડો થઈ ગયો. કાપડામાં દેખાતો ઉઘાડો બરડો વળ ખાઈને ધરતી પર ચત્તોપાટ થઈ ગયો. માણસજાતનો આવો ભોગ મેં પહેલા ક્યારેય નહોતો જોયો. પુરુષ એને બચાવવાના નિષ્ફળ પ્રસાય કરતો રહ્યો. બાઈ કાચિંડો થઈ ગઈ હતી. એની આંખ બાળકૌપર સ્થિર જડાઈ અને પછી પથ્થર બની ગઈ. નફિકરો ગાડીવાળો તો ક્યારનો ડરનો માર્યો ભાગી ગયો હતો. પાછળ વળી એક નજર જોવાની હિંમત ન કરી. એનો ભરથાર એની પડખે બેસી આક્રંદ કરતો રહ્યો. માની છાતીએ હાથ મારતું નાદાન બાળક નિરંતર રડ્યે જાતું હતું.

ઝાડના મૂળિયામાં તડપ ઊઠી અને ધરતીને કરગરવા લાગ્યા, ‘એ મારી માવડી એ બાઈને થોડીક તો ઓથ આપી જીવાડી હોત. માના ઉભરાયેલા છેલ્લા દૂધ આ અભાગિયા બાળની તલબ ઓછી કરત.’

સૂરજ થોડોક હળવો થયો પણ આકાશ હવે વધુ બળતું હતું. પોતાના તાપે જ આંખો આંધળી કરેલો સૂરજ સૌને પૂછતો હતો, ‘આ માતમ શેનો?’

ઝાડ બોલ્યું ‘મા મરી.’

‘અને બાપ?’ સૂરજે પૂછ્યું.

‘બાપ હજી જીવે છે. નમાયા બાળક સાથે.’ ઝાડે છેલ્લી ખબર સંભળાવી.

મારી ડામરની ચામડીને હળવા ઉઝરડા પડ્યા હતા પણ ઓરમાયા બાપની જેમ સૂરજને મારી પડી નહોતી.

બાઈની સાથે કેટલીય વેદના, બાળકને પેટ ભરાવવાની ઉતાવળ, ધણીને સાથ આપવાના ઓરતા, ચૂડી ચાંદલા અને લૂગડા લત્તાના અભરખા, ક્યાંક ઠેકાણે પહોંચવાના અરમાન અને પોતાના ઉજડતા સંસારની તડપનાં કટકા જ્યાં ત્યાં વેરવિખેર પડ્યા હતા. ભાથું આઘે ઉલળ્યું ક્યાંક. મારે કેટકેટલું સંભાળવું?! મારી ચાદર ટૂંકી પડતી હતી. એનું વેડફાયેલું રક્ત મારી રગેરગમાં ઝેરની જેમ સિંચાતું રહ્યું. અને મને સૂરજના રોજબરોજનાં તાંડવથીયે વધુ દઝાડતું રહ્યું, મને શું ખબર હતી કે પાણીના પ્યાસ લાગેલી તે રક્તજળ સિંચાશે અને દૂધ માંગતું છોકરું બાપના ખારા આંસુ ધાવશે? જંગલમાં ફરીથી પહેલા જેવો સન્નાટો અવાઈ ગયો એના ભરથારના મરસિયા હવામાં ઓગળી ગયાં.

બે દિવસ થૈ ગયા. બધું થાળે પડ્યું હતું. એના શરીરના કચડાયેલા ટુકડાઓ સ્મશાનમાં ક્યાયે ઠેકાણે પડી ગયા હશે. ધણી હશે ક્યાંક નમાયા બાળક સાથે. બાળક પણ મા વગર નિભવતાં શીખતું હશે.

અહીં બધું પેલા જેવું જ થઈ ગયું હતું, પણ બાળકના રોવાના પડઘા અને માની ચીસ હજુએ અમારા બધાયનાં હદયમાં ગુંજતા હતા.

દુનિયા પહેલેથી જેવી જ ચાલે છે. આજે ફરીથી સૂરજ કાળઝાળ વરસતો હતો. પેલા કારચાલક જેવો નફિકરો. મારું મન ફરી એને શાપ આપતું હતું. મેં વિતેલું બધું જ હૈયે સમાવી લીધું હતું. સૂરજ બરાબર માથે ચડ્યો. કાચિંડો ફરીથી રંગ બદલી શિકારની તલાશમાં બેઠો હશે. એક બાઈક પર બે આદમી પોતાની મસ્તીમાં પસાર થયા. ક્યાંક ચોઘડિયા ફરતાં હતા. મારા પંડે અસહ્ય વેદના થઈ, મારા પેટે મા જન્મી. મારા ગર્ભમાં સમાયેલું રક્ત જાણે ઘુંઘટ ઓઢી બાઈક સવારોની સામે ઊભું થયું. કાચિંડાને એક ઊડતો જીવ હાથ લાગ્યો. લપાકથી જીભ પર ચોંટાડીને ઓહિયાં કરતો ગાયબ થયો. આ બાજુ ખબર નહીં કે શું થયું પણ બાઈક સ્લિપ થઈ અને બંને ઊછળતા ધરતી પર પછડાયા.

‘રે મારા વીર!’ ઝાડ બોલ્યું.

‘ખમ્મા તને!’ ધરતી બોલી.

‘જોજે બાપલ્યા.’ કેડીના પથ્થર કડક્યા. મોટા ધડાકાને લીઢે આસપાસના જાનવરો ભાગ્યા.

આકાશે લોહીમાં દૂધ દૂઝતું જોયું.

સૂરજ હળવો થયો એણે પૂછ્યું, ‘આ પાછો માતમ શેનો?’

ઝાડે કીધું ‘બીજાની ચામડીને ચીરતા ઉઝરડા પડ્યા છે, પણ બચ્યો છે.’

અને ‘પહેલો?’ બધાય એક સાથે પૂછવા લાગ્યા.

‘એ મર્યો પીટ્યો.’ ઝાડ કણસ ઊઠ્યું.

‘અને રસ્તો?’ સૂરજે પહેલીવાર મારું પૂછ્યું.

એક ભયંકર અટ્ટહાસ્ય સાથે સૂરજને કોઈ સિંહગર્જના સંભળાઈ.

આ રસ્તો?

આ રસ્તો હજી જીવે છે.’

– સમીરા પત્રાવાલા


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “રસ્તો – સમીરા પત્રાવાલા

 • anisha dekhaiya

  બહુ સરસ લખ્યો ચ્હે રસ્તો રસ્તામા આવ્તા દરેક સુખ દુખ્ને મને ક્મને માન્વાનુ નામ જિન્દગિ

  અનિશા

 • kanu patel

  રસ્તાનુ નિરુપણ બહુ જ સુન્દર …..આવા શુષ્ક વિષયને જીવન્ત બનાવવુ…. એ દીમાગની કરામત………આ સ્ર્ર્ષ્ટી ઊપરના દરેક જીવને મગજ છે.પરન્તુ
  તેને કેમ વાપરવુ ઍ કળાકારનુ કામ છે……….મારુ ને તમારુ કામ નહિ……..સમીરા પત્રાવાલાને …..ધન્યાવાદ…..( અમદાવાદની બાજુમા આવીયુ તે નહિ….. )

  કેસી ( એટલાન્ટા—-યુ. એસ. એ.)

 • Kalidas V. Patel {Vagosana}

  અસરદાર નિરૂપણ. ધારદાર શબ્દો. વાસ્તવિક સજીવારોપણ.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • rasikbhai

  સાદા અને ચિત્તાકર્શક સચોત ધાર્દાર શબ્દો.બહઉ અસર્દાર્.બહુ સુન્દેર .અભિનન્દન્