ગતાંકથી આગળ…
ઝાંપો ખૂલ્યો હોય એવું લાગ્યું. ઘર આગળ રસ્તા પરથી કોઈનો પગરવ પણ સંભળાયો. હું વરંડાના ખુણા પાસે ગયો, તો બે અજાણ્યા માણસો ઘર તરફ આવતા દેખાયા. બંને અમેરિકન હતા. લાલચોળ ચહેરાવાળા એક માણસે એકદમ ઘટ્ટ કાળા વાળ ઉપર મેલીઘેલી, ચોળાઈ ગયેલી જુની ટેનિસ હેટ પહેરી હતી. મેલખાયા સફેદ શર્ટની ઉપર એવો જ મેલોઘેલો અને ચોળાઈ ગયેલો સૂટ એણે પહેર્યો હતો. એની સાથે એનાથી ખાસ્સો યુવાન, ઊંચો અને પાતળિયો એવો બીજો માણસ ખુલ્લા માથે હતો. ખુલ્લા ગળાના સ્વચ્છ સફેદ શર્ટમાં સજ્જ એ માણસે એવી જ ઘોડેસવારીની સ્વચ્છ સફેદ રંગની ઇસ્ત્રીબંધ તંગ ચોરણી અને ગોઠણ સુધીનાં, રતાશ પડતાં અને અરિસાની માફક ચમકતાં જૂતાં પહેર્યાં હતાં. એનો ચહેરો અને હાથ પણ જૂતાં સાથે લગભગ મેળ ખાય એવા રતાશ પડતા થઈ ગયા હતા. જોતાં જ કોઈને પણ સ્પર્શી જાય એવું મોહક સ્મિત એના ચહેરા પર ફરકતું હતું.
લાલઘૂમ ચહેરાવાળો એ માણસ પહેલાં તો મારી સામે તાકી રહ્યો. પછી ગોળ ફરીને આખા ફળિયાની ઝીણવટભરી નજરે એણે તપાસ આદરી.
એની સાથેના યુવાન માણસે કહ્યું, “કેમ છો! તમે જ મિ. ફર્ગ્યુસન છો?”
“જી હા.”
“મારું નામ લેમ્બાર્ટ. રિચાર્ડ લેમ્બાર્ટ. મારી સાથે આ પીટ બ્રાન્ટ છે. પીટ મનિલામાં મકાનો અને રસ્તાનું બાંધકામ કરે છે. હું થોડા સમયમાં ફિલાડેલ્ફિયામાં વકીલાત શરૂ કરવાનો છું. હમણાં અમે જોલો અને મિન્ડેનો તરફથી માછલી પકડવા માટે અને શિકાર કરવા માટે નીકળ્યા છીએ. હજુ ગઈકાલે રાત્રે જ અમે અહીં પહોંચ્યા. એક-બે ડૉક્ટરોએ અમને તમારા વિશે વાત કરી, એટલે અમને થયું કે ચાલો, આવીને તમને અમારો પરિચય આપીએ. અમે તમને ખલેલ તો નથી પહોંચાડીને?”
“અરે હોય કાંઈ! તમારા જેવા સદ્ગૃહસ્થોનું તો હંમેશા સ્વાગત છે મારે ઘેર! જુઓ, ત્યાં તમારા માટે ખાસ નિશાની કરેલી ખુરશી મૂકી છે, તેના પર આરામથી બેસો. બીજી ખુરશીઓને અડકશો નહીં.”
“કંઈ વાંધો નહીં!” કોઈ બળદ જેવા ઘેરા અવાજે બોલતાં પેલા લાલઘૂમ ચહેરાવાળા માણસે નિષિદ્ધ ખુરશીમાં જ જમાવ્યું. મારી સામે એક તીખી નજરે જોઈને જોરથી ઉચ્છ્વાસ બહાર કાઢ્યો.
“મને કોઈ વાતનો ડર નથી. લડાઇથી લઈને આજના દિવસ સુધી આ ટાપુ પર બહુ રખડ્યો છું હું. રક્તપિત્ત, કોલેરા, આછબડાં, અને બીજા કેટલાયે રોગો જોઈ લીધા છે મેં. અહીંની સ્થાનિક સ્ત્રીઓ સાથે પણ મેં તો સંબંધ બાંધ્યો છે. કોઈ ચેપ લાગ્યો નથી મને તો! કોઈને પણ જો ચેપ લાગે એમ હોત, તો મને તો લાગ્યો જ હોત!”
“મને ચેપ લાગેલો છે.” મેં તરત જ એમને જવાબ આપ્યો. અત્યાર સુધી ચુપચાપ ઊભેલા લેમ્બાર્ટે, મારો જવાબ સાંભળીને તરત જ મુલાકાતીઓની ખુરસી સામે જોયું. બ્રાંટ મને જોઈ રહ્યો હતો. એના ધ્યાન બહાર કંઈ જ ન હતું.
“અરે ભગવાન! તમારી વાત સાચી છે, તમને તો ચેપ લાગ્યો છે. ખેર, મને લાગે છે કે હું શરીરે જરા વધારે ખડતલ છું. આવી મુસાફરી દરમ્યાન ખડતલ હોવું ઉપયોગી થાય છે. ટેમારુ સાથે બાથ ભીડવા માટે આવું ખડતલ શરીર જ જોઈએ.”
“ટેમારુ?” હું ફરીથી એ શબ્દ બોલી ઊઠ્યો. “તમે ક્યાંક એ જંગલી પ્રાણીના શિકારે તો નથી નીકળ્યાને! એ બધી તો દંતકથાની વાતો છે. અહીં આજ સુધીમાં કોઈ એને જોઈ પણ શક્યું નથી!”
“જુઓ, ટેમારુ અહીં હોતાં જ નથી. એ તો મિન્ડોરોમાં હોય છે. આખા જગતમાં એક માત્ર મિન્ડોરો જ એવી જગ્યા છે, જ્યાં ટેમારુ જોવા મળે છે.” કહીને એ શાંત થઈ ગયા.
“ચારપગાળા રાક્ષસ જેવું એ હોય છે, એવું મારું તો માનવું છે.” લેમ્બાર્ટે કહ્યું. “બસ એકાદ હાથમાં આવી જાય… તો એનું શિંગડું નિશાનીરૂપે ઘેર લઈ જવા મળે! એનો સામનો થાય અને આપણે બચી જઈએ તો ભાગ્યશાળી જ ગણવાના આપણને!”
અમારી વચ્ચે ટેમારુની કહાણીઓની આપ-લે શરૂ થઈ ગઈ. -એ બહુ જંગલી હોય છે, એમનો ભરોસો કરાય જ નહીં. એમની વાતો પરથી તો ટેમારુ ઘોડાનું શરીર અને કપાળ પર એક લાંબા સીધા શિંગડાવાળું યૂનિકોર્ન નામે ઓળખાતું એ કલ્પિત પ્રાણી, કોઈ રાક્ષસ અને સમુદ્રી વંટોળિયાના સંયોગ જેવું લાગતું હતું… કોઈનાયે કાબુમાં ન આવે એવું એક આક્રમક પ્રાણી!
“હિંમત જોઈએ હિંમત, ભાઈઓ!,” મારી સામે ઉપરથી નીચે સુધી જોતાં બ્રાન્ટે પોતાનો અભિપ્રાય આપ્યો. “બોલો.” લેમ્બાર્ટ તરફ એ ફર્યા. “ચાલો, આપણી સાથે મિન્ડોરો સુધી નેડને પણ લઈ જઈશું. છે ઇચ્છા જવાની?” જવાબની રાહ જોયા વગર એ મારા તરફ ફર્યા.
મારું હૃદય ઉછાળા મારવા લાગ્યું.
“કેમ નહીં?” લેમ્બાર્ડે દલીલ કરતાં કહ્યું. “જોરદાર કામ થઈ જાય તો-તો! નેડ, તમે કંઈ સગવડ કરી શકશો કે?”
ક્ષણભરમાં જ મેં ઝડપથી વિચાર કરી લીધો. એક આદર્શ દરદી તરીકે મારા નામના દાખલા દેવાય છે, છેલ્લા દસ વરસથી! એકાદ વખત મહેફિલમાં દારુ પીવા સિવાય એક સાવ સ્વચ્છ માણસ તરીકેની મારી છાપ છે. ચાલ જીવ, ભલે થઈ જાય એકાદ વખત નિયમભંગ, એકાદ વખત? થોડાં વર્ષોમાં તો કદાચ બંદુક પણ નહીં પકડી શકું હું… વિંટન તો ચાલ્યા ગયા છે. મારા તોફાની વર્તનથી એમની છબી હવે કોઈ રીતે ખરડાવાની ન હતી; નવો માણસ જે હોય તે, એ હજુ સુધી આવ્યો ન હતો. મારા માટે તો આ અત્યારે નહીં તો ક્યારેય નહીં જેવો ઘાટ હતો!
“તમારે મને ચોરીછૂપીથી જહાજ પર ચડાવી દેવો પડશે.”
“એ તો મારા ડાબા હાથનો ખેલ છે,” લેમ્બર્ટ બોલી ઊઠ્યો. “આજે રાત્રે તમારા કોઈ માણસ સાથે બહાર આવી જજો. અખાત પરથી અમે તમને ઉઠાવી લઈશું. પછી એમની ઇચ્છા હશે તો પણ આપણી ભાળ કાઢતાં એમને નાકે દમ આવી જશે, અને આપણે દૂર પહોંચી જઈશું. અમારી પાસે બબ્બે ડીઝલ બોટ છે, એટલે બહુ ઝડપથી આપણે બહાર નીકળી શકીશું. ચાર દિવસમાં તો તમે પાછા આવી જશો, કદાચ પાંચ પણ થાય! અને કોણ ચાડી ખાવાનું છે આપણી?”
“આ નાનકડા ટાપુ પરનો એક્કેક માણસ!” હું વ્યંગ્યમાં બોલ્યો. “આ વસાહતમાં કોઈ વાત અડધા કલાકથી વધારે સમય છુપી રહેતી નથી. પણ જાણ થશે તોયે એ લોકો શું કરી શકશે? હું જેલમાં તો છું જ, અને ફરીથી જેલમાં જ પાછો આવવાનો છું. અહીં કોઈ ફાંસીએ તો ચડાવવાનું નથી મને! મારે મારી થાળીઓ અને ખોરાક સાથે લઈ લેવા પડશે. અને હા, મારે મારા હાઉસબોય ટોમસને પણ સાથે લેવો પડશે, મારું ભોજન બનાવવા માટે.”
“અમારી પાસે બે પ્રાઇમસ સ્ટવ છે જ, એક તમે વાપરજો. બંદુકનો કંઈ બંદોબસ્ત થઈ શકશે?”
સદ્ભાગ્યે મારી પાસે ટોમે મોકલેલી રાઈફલ હતી.
“મારી પાસે એક જોરદાર બંદુક છે, બહુ જ શક્તિશાળી રાઈફલ!”
“સારું, તો અમે તમારી રાહ જોઈશું.” એમના ગયા પછી મેં મારી રાઈફલ ચકાસી લીધી, અને ઉપરાંતમાં એક રિપીટિંગ શોટગન, અને હુમલો થાય તો નજીકથી વાર કરવા માટે મારી રિવોલ્વર પણ સાથે લઈ લીધાં.
સાધનસામગ્રી ભેગી કરવામાં અને સિમ્પસન અને જોઝ ક્રુઝને સૂચનાઓ લખવામાં જ સમય વીતી ગયો. મારા આ તોફાનને અધિકારીઓની નજરે ગંભીર ગણવામાં આવે, તો આ લોકો મારા આ પ્રવાસ અંગે કંઈ જ જાણતા ન હતા એ આ લખાણથી પુરવાર કરી શકાય.
જોઝને એટલી જાણ હતી, કે અમે ક્યાંક ફરવા જઈ રહ્યા હતા, કારણ કે એ જ તો અમને અમારી બોટની કૅબિન સુધી મૂકવા આવ્યો હતો. પણ અમે ક્યાં જઈ રહ્યા હતા, એની એને જાણ ન હતી, અને એટલે જ એ ગુનેગાર ગણાવાનો ન હતો.
*
ગજબની સુંદર એ રાત હતી. ક્યુલિઅન આખું જાણે હતી એટલી બધી જ ગીટાર વગાડીને અમને વિદાયમાન આપી રહ્યું હતું. નાનકડી પાતળી ક્રૂઝર બોટ પર અમે સવાર થઈ ગયા હતા. કોરોનના પશ્ચિમ કિનારા તરફ ક્રૂઝરે વળાંક લીધો. તુતકના પાછળના ભાગે નાનકડી જગ્યામાં મેં અને ટોમસે ધામા નાખ્યા હતા. બીજા લોકો આગળના બ્રિજ સાથે જોડાયેલા ખાસ્સા પહોળા તૂતક પર હતા.
કોઈ રખડું છોકરાની માફક હું તુતક પર ઊભો હતો. ધસમસતા પાણીના રૂપેરી પ્રવાહ સામે જોતાં મારું હૃદય જાણે ગીતો ગણગણી રહ્યું હતું.
“બીજા કેટલા માણસો આપણી સાથે છે, ટોમસ?”
“ચાર માણસો છે, સાહેબ. મને લાગે છે કે મિ. બ્રાંટ અને મિ. લેમ્બર્ટે એમને કહી દીધું છે, એટલે એ લોકો આપણી તરફ નહીં આવે.”
બીજા દિવસની બપોર સુધીમાં તો અમે અમારાથી પણ ઊંચી-ઊંચી કરાડો વચ્ચે આવેલા સાંકડા અને વાંકાચૂકા બંદરે પહોંચી ગયા હતા. કિનારાથી થોડે દૂર અમે લંગર નાખ્યું. મેટો નામનો અમારો ભોમિયો ટાગાલોગ જાતિનો હતો. એ મિન્ડોરોનો વતની હતો. અમે જેને શોધતા હતા એ જાનવરના હોવાની શક્યતા જ્યાં હોય એવા સ્થળોથી એ પરિચિત હતો. ઉતરાણ કરી શકાય એવી એક પણ જગ્યા મને દેખાતી ન હતી. કિનારે છૂટાંછવાયાં ગામડાં હતાં, અને ફિલિપિનો અને અમેરિકનો માટે જંગલનો અંદરનો ભાગ તો સાવ વણસ્પર્શ્યો જ હતો. મલય અને નેગ્રિટો લોહીની મિશ્ર પ્રાચીન જાતીના લોકો પહાડીઓમાં વિચરતા હતા, જ્યારે કિનારા પર પ્રગતિશીલ ટાગાલોગ જાતિના લોકો રહેતા હતા.
બપોરના સમયે બ્રાન્ટ અને લેમ્બર્ટ એક નાનકડી બોટ લઈને માછલી પકડવા જઈ આવ્યા. ટોમસ અને હું તૂતક પર જ રહીને એમની રાહ જોતા રહ્યા. રાત પડતાં જ લેમ્બર્ટે જંગલના કિનારા સુધી જઈને એકાદ વૃક્ષ પર ચડીને સવાર સુધી રાહ જોવાનું આયોજન કર્યું. એમની ગણતરી મુજબ સવારે ટેમારુ એ સમયે જ અમારી ગોળીનો શિકાર બનવા માટે આવવાની સંભાવના હતી. લેમ્બર્ટે ટેમારુ વિશે ખૂબ જ વાંચ્યું હોય એવું લાગતું હતું.
અમારો ભોમિયો મેટો આ માહિતી સાથે સહમત ન હતોઃ “આ બરાબર નથી, સાહેબ,” એણે વિરોધ નોંધાવ્યો. “ટેમારુનો શિકાર આમ નહીં થઈ શકે. મચ્છરો તમને ફોલી ખાશે, અને તોયે ટેમારું તો નહીં જ મળે તમને! ટેમારુને શોધવું બહુ અઘરું છે. અત્યારે તમે બોટ પર જ રહો, એ જ બરાબર છે. ટેમારુ રાત્રે પાણી પીવા આવે છે એવી એક સરસ જગ્યાએ કાલે સવાર પડે કે તરત જ આપણે જઈશું, અને પછી છેક કોગોન (કમરથી ખભા સુધી ઊંચું ઊગતું કોગોન ઘાસ) સુધી એનો પીછો કરીશું. મેટોના નિર્ણય સાથે હું સંપૂર્ણ સહમત હતો, પણ લેમ્બાર્ટનો પોતાનો અભિપ્રાય અલગ હતો. “શું કરવું એની મેટોને બરાબર ખબર છે, ડીક! તું ઝાડ પર ચકલાની માફક ઝુલતો રહે!” ગરબડિયા અવાજે કહીને બ્રાંટ ચાલ્યો ગયો.
“તને શું લાગે છે, નેડ?” લેમ્બાર્ટે પડકાર ફેંકતાં કહ્યું. એક તો લેમ્બાર્ટ મારો યજમાન હતો, અને એ જ તો મને અહીં લઈ આવ્યો હતો. અને બીજું એ, કે બ્રાંટ જેટલી પ્રચંડ હિંમત મારામાં ન હતી. હું લેમ્બાર્ટ સાથે જવા માટે તૈયાર થઈ ગયો. અમને તૈયાર થયેલા જોઈને, તીવ્ર અનિચ્છા છતાં મેટો પણ તૈયાર થઈ ગયો. નાવમાં બેસીને અમે રવાના થયા અને એક ખડકાળ કિનારે ઊતર્યા. ખીણ તરફ જતા એક ઝરણાની પાછળ-પાછળ અમે ચાલવા લાગ્યા. ચારે બાજુ ગાઢ જંગલ ફેલાયેલું હતું. એકાદ કલાક ચાલ્યા પછી અમે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા. મેદાનની ચારે તરફ કમરથી ખભા સુધી ઊંચું કોગોન નામનું મિશ્ર ઘાસ ઊગી નીકળ્યું હતું. મેટોએ અમારા માટે વૃક્ષોની પસંદગી કરી, અને એ વૃક્ષ પર મજબુત ડાળી શોધીને શક્ય એટલા આરામથી અમે ગોઠવાઈ ગયા. એકદમ ચૂપચાપ બેઠા રહેવું હવે જરૂરી હતું. બેઠાંની પાંચ મિનિટમાં જ મચ્છરોએ મારી જગ્યા શોધી કાઢી, અને મારું લોહી પીવાની મજા લેવાનું શરૂ કરી દીધું. ચારે બાજુથી જાતજાતના ભયાનક અવાજો આવી રહ્યા હતા. જંગલ જાગી રહ્યું હતું. ચંદ્ર છુપાઈ ગયો, અને અમે ઘેરા અંધકારથી ઘેરાઈ ગયા. આમ તેમ અમળાતો, જગ્યા બદલાતો હું ઊંહકારા કરતો રહ્યો. થોડા સમય પછી મારા ઝાડની નીચેથી લેમ્બાર્ટે બૂમ પાડીને મને બોલાવ્યોઃ
“એય, નેડ, નીચે આવ. અહીં તો હેરાન થઈ ગયા છીએ.” હું ઉતાવળે નીચે ઉતરી આવ્યો. ઉપર રહેવાની પીડામાંથી છુટકારો મળતાં હું ખુશીની અને રાહતની લાગણી અનુભવી રહ્યો હતો. માથું સતત ઊંચું રાખીને ચાલતો મેટો અમને બોટ પાસે લઈ આવ્યો. એ કંઈ જ બોલ્યો નહીં. લેમ્બાર્ટ પણ અસાધારણ રીતે શાંત હતો. હું સખત થાકી ગયો હતો. બોટ પરથી જહાજ પર પહોંચીને એક કોથળા પર લાંબો થઈને માત્ર બે જ મિનિટમાં હું તો ઊંઘી ગયો.
*
ટેમારુનું દર્શન થાય એ પહેલાં એ જગ્યાએ અમારે ત્રણ દિવસ સુધી તપ કરવું પડ્યું. બ્રાંટ અને લેમ્બાર્ડ અધીરા થઈને ત્યાંથી આગળ જવા માગતા હતા, પણ મેટો અડગ રહ્યો. અમેરિકનોને ટેમારુ જોઈતું હતું, અને એ આ જગ્યાએ જ મળવાનું હતું. મેટોમાં દયાનો છાંટોયે ન હતો! વહેલી સવારે અચૂકપણે એ અમને પથારીમાંથી બેઠા કરી દેતો. સવારમાં એણે બ્રાંટ અને લેમ્બાર્ડ માટે નાસ્તો બનાવી નાખ્યો હતો અને ટોમસે મારા માટે! નાસ્તા પછી અમે આગળ પાણીના વહેણની જોડાજોડ ચાલતા રહ્યા અને જેના પરથી ટેમારું આગલી રાત્રે જ પાણી પીવા આવ્યું હોવાના અણસાર મળે, એવા ચિહ્નો ખોળતા રહ્યા. પગેરું મળવા જેટલી સફળતા તો અમને એક કે બે વખત જ મળી! એ પગેરાનો પીછો કરતા-કરતા અમે માઇલો સુધી રખડ્યા હોઇશું. એક તાજા પગેરા પાછળ તો અમે દિવસનો મોટો ભાગ વેડફી નાખ્યો. લગભગ પંદરેક માઇલ સુધી ઊંચા ઘાસને ખસેડતા-ખસેડતા, જમીન પર ઊગી નીકળેલી જંગલી વનસ્પતિ વચ્ચેથી રસ્તો કરતા રહ્યા. શિકાર હાથવેંતમાં જ છે એમ લાગે, તો સેંકડો વાર હાથ-પગે ભાંખોડિયાં ભરતા રહ્યા. શ્વાસ રૂંધાઈ જાય એવો પરિશ્રમ પડતો હતો. કોગોન ઘાસ વચ્ચેથી પસાર થતી વખતે બંદુકની નાળ તો સ્પર્શી પણ ન શકાય એટલી ગરમ થઈ ગઈ હતી. હાથ આજુબાજુના થોર સાથે ઘસાઈ-ઘસાઈને છોલાઈ ગયા હતા. પત્થરો સાથે ઘસાઈને એના પર છરકા પડી ગયા હતા. મચ્છરોએ તો મારી ચામડી પર એક ઇંચ જગ્યા બાકી રાખી હોય એવું લાગતું ન હતું. ક્યારેક તો એવું લાગતું હતું, કે અમે સાવ મૂર્ખતાભરી રમત તો નથી કરી રહ્યાને! મને તો હૃદય પર ભાર જેવું લાગી રહ્યું હતું. હાથ પર પડેલા જખ્મો આગળ જતાં કોઈ તકલીફ તો ઊભી નહી કરેને, એવા વિચારો પણ મને આવી ગયા!
અમે શોધ પડતી મૂકવાનો વિચાર જ કરતા હતા, ત્યાં જ એની ભાળ મળી. ટોમસ દરરોજ આતુરતાથી અમને જતા જોઈ રહેતો હતો, એટલે આજે મેં એને પણ સાથે આવવું હોય તો પૂછ્યું. મારી રિપીટિંગ ગન મેં એના હાથમાં આપી દીધી. જરૂર લાગે તો વાપરવા માટે એમાં ગોળી ભરી રાખી હતી. મેટો માટે તો એ કોઈ રીતે ઉપયોગી ન હતી.
“ટેમારુ સામે એ કંઈ કામ નહીં લાગે, સાહેબ!” એણે કહેલું, તે છતાં મેં એને સાથે લઈ લીધેલી.
જમીન પરની વનસ્પતિને થોડી બેપરવાઈથી આડીઅવળી કરતાં અમે જંગલમાંથી બહાર આવી રહ્યા હતા. લેમ્બર્ટ મારી ડાબી બાજુએ સોએક વાર દૂર હશે. જમીન પોચી હતી, અને અમારાથી થોડો અવાજ થઈ ગયો. અચાનક લેમ્બર્ટની બરાબર સામેથી જ ત્રણ ટેમારુ ભયાનક ઝડપે દોડીને પસાર થઈ ગયા. અમે એમને જોયા પણ ખરા. બે ટેમારુનો રંગ ભેંસની જેમ ભૂખરો હતો, અને એક નાના ટેમારુનો રંગ લાલાશ પડતો હતો. કદાચ નર, માદા અને એમનું બચ્ચું હતાં. લેમ્બાર્ટે એક આંચકો મારીને પોતાની બંદુક ખભે ગોઠવી લીધી, અને નર ટેમારુ તરફ ગોળીબાર પણ કર્યો ખરો. દોડીને અમે એ જગ્યાએ પહોંચી ગયા. ઘાસ અને ઝાડીઝાંખરાં પર લોહીનાં નિશાન જોવા મળ્યાં. જાનવર ઘાયલ થયું ચૂક્યું હતું, અને લેમ્બાર્ટ ઉત્તેજનાથી પાગલ થઈ ગયો હતો.
“તમે જોયું, કેવું વિલક્ષણ પ્રાણી હતું એ! માદા પેલા બચ્ચાની નીચે પોતાનું માથું નાખીને એને સાથે લઈ ગઈ, પોતાના ગળા પર લટકાવીને! બહુ તાકાતવાન માદા છે! આવું તો મેં ક્યારેય જોયું નથી!”
મેટો અધીરો થઈ રહ્યો હતોઃ “ઘાયલ ટેમારુ બહુ ભયાનક હોય છે. આપણે પગેરું તો પકડીએ, પણ બહુ સાવધાન રહેવું પડશે આપણે બધાએ! ટેમારુ સીધી દિશામાં બહુ દૂર સુધી જતા હોય છે. દૂર જઈને એ વળીને પાછા આવશે. ઘાયલ થાય એટલે ટેમારુ કાયમ વળતો હુમલો કરે છે. એ ચોક્કસ પાછું આવશે. બંને બાજુએ અને આગળ-પાછળ નજર રાખજો!”
બ્રાંટ પણ પ્રભાવિત થઈ ગયો હતો. “ટેમારુ એમ સરળતાથી મરશે નહીં,” એણે અમને ચેતવ્યા. “શિકાર માટે આખા વિશ્વમાં એ બહુ જોરાવર પ્રાણી ગણાય છે. કેટલીયે ગોળીઓ મારો ત્યારે મરે! ભ્લેચૂકેય જો સામે આવી ચડે, તો એના પર ગોળીઓનો મારો વરસાવવો પડશે. પણ એ બહુ દૂર હોય ત્યારે એના પર ગોળીબાર ન કરશો. અને ગોળી ખાઈને એ નીચે પડી જાય તો પણ, એ મર્યું છે કે નહીં એની હું આવીને ખાતરી ન કરું ત્યાં સુધી તમે કોઈ એની નજીક ન જશો.”
આજ્ઞાંકિત થઈને અમે એની સૂચનાઓ પર અમલ કરવા લાગ્યા. જંગલમાં જતાં પહેલાં એણે અમને અલગ-અલગ વહેંચી દીધા. નર અને માદા બંને જુદા પડી ગયા હતા, એટલે અમારે ખાસ્સા અંતરે પડેલા બે ફાંટા પર અલગ-અલગ પીછો કરવાનો હતો. હું જમણી તરફના ચીલા પર ચાલતો હતો. અડધોએક કલાક ચાલ્યા પછી જોયું તો હું અને ટોમસ બીજા લોકોથી દૂર સોએક વારના અંતરે હતા. ઘટાટોપ જંગલ કરતાં અહીં ખુલ્લા મેદાનમાં મને થોડી વધારે સલામતી લાગતી હતી. માથે સૂર્ય ધગધગતો હતો. મારી ઝડપ ઘટી ગઈ હતી. ટેમારુનું પગેરું ઝાંખું થતાં-થતાં છેવટે ઘાસમાં ગુમ થઈ ગયું હતું. ગોળાકારે ફરીને હું પગેરું પકડવા માટે મથવા લાગ્યો. મારી પાછળ-પાછળ ટોમસ પણ ચક્કર કાપતો હતો.
અચાનક એણે ચીસ પાડી, “જુઓ, એ આવે છે!” હું ગોળ ફરી ગયો. નર જાનવરે અમારી ફરતે ચક્કર ફરી લીધું હતું. અમને જોતાં જ એ ત્રાટક્યું. મને તો એના ત્રિકોણાકાર સપાટીવાળા માથા ઉપરના અણીદાર શિંગડાંની ઝલક માત્ર જોવા મળી. ઘાસ વચ્ચેથી સીધા દોડતા આવીને સીધું જ એ મારા તરફ ત્રાટક્યું. મારા મનમાં વિચાર ઝબકી ગયો,”મારે એને રોકવાનું છે! મારે એને રોકવાનું છે!”
એક ઘૂંટણ પર હું બેસી ગયો. મૂઠ ખેંચવા છતાં બંદુકનું નાળચું સ્થિર જ રહ્યું. ધીરે રહીને મેં ટ્રિગર દબાવ્યું. મનમાં એકદમ શાંતિ જાળવીને હું વર્તી રહ્યો હતો. પહેલી ગોળીએ એના પર કોઈ અસર ન થઈ. ગોળી એને વાગી હતી તો ખરી, પણ એનું માથું જરા પણ ડગ્યું નહીં. અરે, એ તો આવી પહોંચ્યું! મેં ફરીથી ગોળી છોડી, ફરીથી, ફરીથી… ભારેખમ રાઇફલમાંથી છૂટીને ચાર-ચાર ગોળીઓ એની ખોપરીમાં ઊતરી ગઈ હતી અને છતાં એ ધસમસતું સામે આવી રહ્યું હતું. ટોમસની ચીસ મને સંભળાઈ, પણ હું જોઈએ એટલી ઝડપ કરી શક્યો નહીં. એ લગભગ મારી ઉપર જ ઝળૂંબી રહ્યું હતું, અને મેં છેલ્લો વાર કર્યો! ચારે પગ ફેલાવીને જમીન પર એને ધસી પડતું હું જોઈ રહ્યો. જમીન પરનું ખાસ્સું એવું ઘાસ એની નીચે દબાઈ જાય, એટલા જોરદાર ઝાટકા સાથે એનું ભૂખરા રંગનું મૃત શરીર મારા ઉપર એવી રીતે ફેંકાયું, કે હું પીઠવશ જમીન પર ગબડી જ ગયો.
જેમ તેમ કરીને હું ઊભો થયો. એટલામાં બીજા બધા મારી પાસે પહોંચી ગયા. મેટોએ ટેમારુના મૃત્યુની ખાતરી મને આપવી ન પડી. એની ચોથા ભાગની ખોપરી ફાટી ગઈ હતી. મેટોની વાત ખરેખર સાચી હતી. બીજા કોઈ જાનવરને મારવા માટે આટલા બળપ્રયોગની જરૂર ન જ પડી હોત!
*
વસાહતના કિનારે નાનકડી બોટમાંથી અમે ઉતર્યા ત્યારે વસાહતના એકેક પુરુષ, સ્ત્રી અને બાળક મારા સ્વાગતમાં કિનારા પર હાજર હતાં. અમે પાછા આવીએ એ પહેલાં ટેમારુના શિકારના સમાચાર ફેલાઈ ચૂક્યા હતા. કૅબિનક્રૂઝરમાંથી ટેમારુનું શરીર ઉતારવાનું દૃશ્ય એક વ્યક્તિએ જોઈ લીધું હતું. સાઈકલ લઈને આ અવિશ્વસનીય વાત બધાને કહેવા એ આખી વસાહતમાં ફરી વળ્યો હતો! મેટોએ એ જાનવરની ચામડી ઉતરડી નાખી હતી. એનું ચામડું, સાફ કરેલું માથું અને એના શિંગડાં મેં લઈ લીધાં હતાં. પુરુષો અને બાળકો મારી આજુબાજુ ભેગા થઈ ગયા હતાં, શિંગડાંને સ્પર્શ કરવા દેવાની રજા માગતા હતા. ટોમસ એની ચોકી કરવામાં વ્યસ્ત થઈ ગયો હતો. શિકાર ક્યાં કર્યો, ક્યારે કર્યો અને કેવી રીતે કર્યો, એ વિશે અગણિત પ્રશ્નોના જવાબો આપવાનો પ્રયત્ન અમે બંને કરતા રહ્યા. મોટાભાગના લોકો તો બસ એટલું જ જાણતા હતા, કે શેતાનનો વધ થઈ ગયો હતો! એનું શરીર, શિંગડાં, પૂછડું પુરાવા માટે આટલી ચીજો બસ હતી એમના માટે!
ટોમસની વાતો પરથી મને જાણવા મળ્યું, કે મારી ગણના તો એક વીર પુરુષ તરીકે થઈ રહી હતી. જાનવરનાં અંગો અમે પાદરી રામોસને સોંપ્યાં. પાદરી પોતે એક પ્રાણીઓના અંગોની ઔષધો ભરીને જાળવણી કરવાના નિષ્ણાત હતા, અને વસાહતમાં આ પ્રકારનું કામ કરી આપતા હતા. એકાદ અઠવાડિયામાં એ ટેમારુંનું મોં અને શિંગડામાં મસાલા ભરીને લાકડાના પાયા પર બેસાડીને લઈ આવ્યા. ચામડાને રિસ્ટૉર કરવામાં એમને ઠીક-ઠીક સમય લાગ્યો, પણ છેવટે એ સરસ કામ કરીને લઈ આવ્યા. ચામડાને મેં મારા પલંગની બાજુમાં પાથર્યું. માથું કે પછી ચામડું, બે માંથી કંઈ પણ જીવાતને લીધે વધારે વર્ષો સુધી ટકવાનાં ન હતાં. ચામડાની ઉપર પગ દઈને રોજ સવારે ચાલતી વખતે હું એક અજબ પ્રકારનો રોમાંચ અનુભવતો હતો. ટેમારુંનું માથું મેં ઘરના વરંડાની દિવાલ પર લટકાવી દીધું.
*
અમારી ગેરહાજરીની કોઈ આધિકારિક નોંધ લેવાઈ ન હતી, એટલે અમે તો એમ જ માની લીધું હતું, કે બધા એને ભૂલી જ જશે! ત્યાં જ એક સવારે ટોમસ આશ્ચર્યના માર્યા મોં પહોળું કરતો દોડી આવ્યો.
“ડૉ. પલાઓ મને બોલાવે છે.” એણે જણાવ્યું.
વિંટનના ગયા પછી ડૉ. પલાઓ કાર્યકારી નિયામક બન્યા હતા. એમણે મોકલેલું તેડું અમારી પેલી ધમાલને અનુલક્ષીને પણ હોય! પણ મને તો લાગતું હતું, કે નવી બોટ આવી હતી એમાં ટોમસ માટે કંઈ આવ્યું હશે, એટલે પણ એ ટોમસને બોલાવતા હોય! કુટુંબમાં કોઈનું મૃત્યું થયું હોય એવા સમયે જ મોટાભાગે આવું તેડું આવતું હોય છે. મેં ટોમસને ઝડપથી જવા કહ્યું, અને એ એકાદ કલાક માટે ત્યાં ગયો. એ પાછો આવ્યો ત્યારે એને જોઈને લટકતા જડબે મારું મોં ખુલ્લું જ રહી ગયું. બે સુંદર જર્મન શેફર્ડ કુતરાંની આગળ ધકેલાતો ટોમસ આવી રહ્યો હતો. ક્યારેક એ આગળ થઈ જાય, તો ક્યારેક કુતરાં આગળ થઈ જતાં હતાં! એની પાછળ-પાછળ શિસ્તબદ્ધ રીતે પચાસેક બાળકો અને પુરુષોનું ટોળું આવી રહ્યું હતું! હાથમાં કુતરાંની દોરી ઝાલીને ટોમસ ગૌરવથી થોડીવાર એક કુતરા સામે તો ઘડીક બીજા કુતરા સામે જોઈ લેતો હતો. એમને આવતાં જોઈને હું ઝાંપા સુધી પહોંચ્યો. ટોમસના હાથમાંથી મેં દોરી લઈ લીધી. બંને કુતરાં પોતાના બે ‘ને બે ચાર પંજા મારા ખભે મુકીને મારી ઉપર સવાર થઈ ગયાં! બધા લોકોને ઝાંપાની બહાર જ રહેવાની વિનંતી કરીને ટોમસે ફાટક બંધ કરી દીધું. કુતરાંને લઈને હું ઘરની અંદર આવ્યો. નર-માદાની શુદ્ધ નસલની જોડી ભૂખી-તરસી લાગતી હતી. બિલાડીનાં નાનકડાં બચ્ચાં જેવી એ બહુ જ સૌમ્ય જોડી હતી!
ખવડાવી-પિવડાવીને એમને તાજાં-માજાં કર્યાં પછી ટોમસે ખિસ્સામાંથી એક પત્ર કાઢ્યો. પીટ બ્રાન્ટે એ પત્ર લખ્યો હતો.
પ્રિય નેડ,
હું નહોતો કહેતો, કે તું બહુ હિંમતવાન છે! દરેક માણસ પાસે એક કૂતરો તો હોવો જ જોઈએ. શેગ અને મેમ બહુ સરસ જાતનાં કુતરાં છે. એના વંશની વિગતો આ સાથે સામેલ કરેલ છે. ફરી મળીશું ક્યારેક.
-પીટ
(ક્રમશઃ)
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.
આત્મકથા એક રોમાંચક નવલકથા કરતા જરા પણ ઉણી ઉતરતી નથી.