ત્રણ પદ્યરચનાઓ – દેવિકા ધ્રુવ 5


૧.

સમંદરને અંદર સમાવી દીધો છે.
ને અંગાર રાખે દબાવી દીધો છે.

હતો ભાર એને કળીનો હ્રદય પર,
મૂકી એક પથ્થર હટાવી દીધો છે.

કહ્યું પાંખ કાપી હવે ઉડ આભે,
વફાનો શિરસ્તો નિભાવી દીધો છે.

હતું અશ્રુ પાંપણની કોરે લટકતું,
ન ખાળ્યું તો દરિયો વહાવી દીધો છે.

જરા કળ વળી ત્યાં પૂછે લોક આવી,
‘ખુશી છે’ કહી ગમ છુપાવી દીધો છે.

વળી જઇને પાછા કાં ઉછળે છે મોજાં?
હતો જે મિનારો ઉડાવી દીધો છે.

ખુશી દે કે લઇ લે, ફિકર ક્યાં હવે છે?
કહી દો કે ગમને વધાવી દીધો છે.

૨.

ખુલ્લી આંખે ક્યાં કશું દેખાય છે?
બંધ આંખે તો બધું જોવાય છે!

ચાલી આવ્યું છે સદીઓથી અહીં,
ધૃતરાષ્ટ્રને જ સત્તા સોંપાય છે !

પૂછવા પૂરતું જ પૂછે છે સહુ,
બાકી મન-માન્યું જ બધે થાય છે.

‘ઝીણી દ્રષ્ટિ,કામ લાગે’ સાચું છે,
તેલ જુઓ,ધાર જુઓ, પીલાય છે.

અક્ષરો ને શબ્દ સૌ અફળાય છે,
સાહિત્યમાંથી સત્વ શેં ખોવાય છે ?

નીર સૌને રાખવા છે સ્વચ્છ આ,
લીલ ચોંટી,સાથમાં ધોવાય છે.

કામ વિના નામની છે ઘેલછા,
જાગી જુઓ,સત્ય કો’ જોખ્માય છે.

3.

જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે.
ઘણી વિતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે.

જમાનો કેટલો સારો, બધું સમજાવતો રે’છે!
દિવા જેવું બતાવે લો, કહો ક્યાં, શર્મ બાકી છે!

સદા તૂટ્યાં કરે છે આમ તો શ્રદ્ધાની દીવાલો.
સતત મંદિરની ભીંતો, કહે છે, ધર્મ બાકી છે.

ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે,
મથે છે રોજ તો ઈન્સાન, પણ હાયે,દર્દ બાકી છે.

જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ,
ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે.

– દેવિકા ધ્રુવ

આજે પ્રસ્તુત છે શ્રી દેવિકાબેન ધ્રુવની ત્રણ સુંદર પદ્યરચનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ત્રણ પદ્યરચનાઓ – દેવિકા ધ્રુવ