યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૦) 1


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

ઘણા સમયથી મારા મનમાં વસાહતના રેફ્રિજરેટિંગ પ્લાંટના વિસ્તરણની યોજના ઘૂમરાતી હતી. એને જો અમલમાં મૂકી શકાય, તો ટાપુના રહેવાસીઓને વીજળી અને અન્ય બીજી સુવિધાઓ પૂરી પાડી શકાય એવી શક્યતાઓ હતી. એ માટે અમે એક સ્ટૉક કંપનીની ઊભી કરી, અને એના શેર વસાહતના ખમતીધર લોકોને વેંચ્યા.

પાવર પ્લાંટની સંભાવનાએ સિમ્પસનને જાગૃત કરી દીધો. મેં એને સહાયક સંચાલકનો હોદ્દો સોંપવાની તૈયારી બતાવી, અને એણે એ તક ઝડપી લીધી. શક્ય એટલી ઝડપથી અમે તાર લટકાવવાનું કામ પૂરું કરી નાખ્યું. ગ્યાસતેલના દીવાઓની જગ્યાએ ધીરે-ધીરે લાઇટના ગોળા અને ફિક્સ્ચરો લટકવા લાગ્યાં. આ સુવિધાને કારણે બીજા ધંધાને વિકસવાની પણ પ્રેરણા મળવા લાગી. જેમ-જેમ વીજળી આધારિત સાધનોની શોધ થતી ગઈ, તેમ-તેમ વસાહતની બજારમાં એ સાધનો વેંચાવા પણ લાગ્યા. દુકાનોની સંખ્યા પણ એને કારણે વધવા લાગી. જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ માટે પૂરતો થઈ રહે એટલા પાવરનું ઉત્પાદન થવાને તો હજુ થોડો સમય લાગે એમ હતો, પરંતુ આટલા નાનકડા પ્લાંટમાંથી પણ ઘણી વીજળી મળી રહેતી હતી.

મારા અંગત ઉપયોગ માટે મેં એક નાનકડી મોટરબોટ પણ ખરીદી હતી. ટોમસ એ ચલાવતા શીખી ગયો હતો, એટલે ક્યારેક નવરાશ કાઢીને અમે ફરવા નીકળી પડતા હતા. માછલી પકડવા માટેના સાધનો અમે સાથે લઈ લેતા અને ક્યારેક મુલાયમ લાપુલાપુ, રેડ સ્નેપર કે પોમ્પેનો માછલી અમારા ભોજનમાં ઉમેરાતી. ક્યારેક નસીબ હોય તો ટેંગ્વિનગાઈ કે બારાક્યુડાનો સામનો પણ થઈ જતો! એ સમુદ્રી વરુ સામે તો એવી જોરદાર લડાઈ જામી પડતી!

એક સાંજે અમે બંને ક્યુલિઅનના અખાતમાં કોરોનથી થોડે દૂર હતા, ત્યારે અમને એક આગબોટ નજરે પડી. સેબુ અને ઇલિઈલોથી એ આગબોટમાં રક્તપિત્તના નવા દરદીઓ આવી રહ્યા હતા. બોટના સઢ જેવા સંકેલાયા, એ સાથે જ તૂતક પર જોરદાર ખળભળાટ થવા લાગ્યો. કઠોડા પાસે એકઠા થઈને લોકો નીચે પાણીમાં જોતા હતા. તૂતક ઉપરથી કોઈ પાણીમાં પડી ગયું હોય, અથવા કૂદી પડ્યું હોય એવું લાગતું હતું. સુકાન પર હું બેઠો હતો, એટલે મેં એ આગબોટ તરફ અમારી બોટ હંકારી મૂકી. એ દરમ્યાન આગબોટે વળાંક લઈને એક બોટ નીચે ઉતારી. અમે એ જગ્યાથી ઘણા નજીક હતા. એટલે અમે જેવા પહોંચ્યા, કે તરત જ અઠંગ તરવૈયા ટોમસે પાણીમાં છલાંગ લગાવી, અને પાણીમાં તરફડિયાં મારતા કોઈકને ઝડપી પાડ્યું. થોડી મિનિટોમાં જ પેલી બોટ આવી પહોંચી એટલે એને એ બોટમાં ચડાવીને ટોમસ તરતાં-તરતાં અમારી બોટમાં પાછો ફર્યો.

“એક છોકરી હતી, સાહેબ. એણે જાતે જ કૂદકો મારેલો, ડૂબી જવા માટે. બોટમાંના લોકો કહેતા હતા કે અહીં આવતાં એ બહુ ગભરાતી હતી.”

અમે પહેલી વખત ક્યુલિઅન આવ્યા એ ફેરામાં પણ મારી સાથેના કેટલાયે લોકો ડરતા હતા, એ ઘટના મને યાદ આવી ગઈ. એ પછી તો ક્યુલિઅન વિશે ઘણી જાણકારી ફેલાઈ ચૂકી હતી, એટલે આપઘાતની કોશિશ કરવાની ઘટના ખાસ બનતી ન હતી! અને ટોમસે જે કહ્યું એ પ્રમાણે કોઈ બાળક દ્વારા આવો પ્રયાસ તો ભાગ્યે જ થતો!

*

ખાસ્સા સમય પછી, કેરિટા એ છોકરીને મળી કે નહીં એ મેં કેરિટાને પૂછેલું.

“એટલી નાની પણ નથી એ!” હસતાં-હસતાં એ બોલી. “ખાસ્સી બારેક વર્ષની તો હશે જ! ટોમસે એની જિંદગી બચાવી છે, એટલે ટોમસને પણ બોલાવીએ. એ પણ ભલે આખી વાત સાંભળે!”

રસોડામાં વ્યસ્ત ટોમસને હું જઈને બોલાવી લાવ્યો. આનાકાની કરતો એ અમારી વાત સાંભળવા આવ્યો. પેલી છોકરીને ડૂબતી બચાવ્યા પછી એના મિત્રો એની ખૂબ જ મજાક ઉડાવતા હતા. એને ખબર પણ ન પડી અને એ આ સાહસનો નાયક બની ગયો હતો. હંમેશાની જેમ કેરિટાની ઠાવકાઈએ એનો સંકોચ દુર કરી દીધો.

“છોકરીનું નામ છે કારમન તોલીનો, કોર્ડોવા શહેરથી થોડા કિલોમીટર દૂર આવેલ મેક્તન ટાપુ પરથી એ આવી છે. મેક્તન ટાપુની ખબર છે તને, ટોમસ?”

“અરે, હા, મેડમ! પેલા ખોદકામ કરનાર અને સંશોધક મેગેલાન ત્યાં જ તો રહેતા હતા. ત્યાં જ એ મૃત્યુ પામેલા, અને એમનું સ્મારક પણ ત્યાં બનાવ્યું છે!”

“હા, ત્યાં જ કારમનનું ઘર છે. એની વાત પણ કેવો વિચિત્ર છે! બોટ પરથી એને નીચે ઉતારી ત્યારે પણ એ છૂટવા માટે પાગલની જેમ છટપટતી હતી, ચીસો પાડતી હતી. ડૉક્ટરો અને નર્સ પણ એને સાચવી શકતાં ન હતાં! છેવટે પ્રોટેસ્ટંટ નર્સ વિલારીસોવાએ એને શાંત પાડી. એનો એકાંતવાસ પૂરો થયો, ત્યારે એ જ નર્સ એને સાર્વજનિક રહેઠાણે મૂકવા ગયાં હતાં. એ નર્સ પાસેથી, અને થોડું કારમનની પોતાની પાસેથી, એમ કરીને માંડ હું કારમનની પૂરી વાત હું જાણી શકી!”

“કારમનના પિતા પાસે પાઇનેપલની નાનકડી વાડી છે. જમીન ફળદ્રુપ નથી, એટલે ખેતીમાંથી ખાસ કંઈ આવક થતી નથી! કારમનના મોટાભાઈ વિસેન્ટને રક્તપિત્ત થયો છે. કારમનને તો જન્મથી જ રક્તપિત્ત હતો! પણ વિસેન્ટ અને એનાં માતા-પિતાએ ક્યુલિઅન વિશે ઊડતી બિહામણી વાતોને સાચી માની લીધેલી. બારેક વર્ષ સુધી આખા કુટુંબે આરોગ્ય ખાતાથી એને છુપાવી રાખ્યો. એ સમયે તો દરદીને આમ છુપાવીને રાખવો એ એટલું મુશ્કેલ કામ ન હતું, કારણકે એમના નાનકડા ઘરની પાછળ નાળિયેરી અને તાડીનું મોટું વન હતું. વનની પાછળની ખાલી જગ્યામાં ચારે બાજુ પરવાળાં ફેલાયેલાં હતાં. દૂર-દૂર પરવાળાંને છેડે, એક ભાંગી-તૂટી અને વાંકીચુંકી ટેકરી હતી. એ ટેકરી પર ભાંખોડિયાં ભર્યા સિવાય ચડી પણ શકાય એમ જ નથી! ટેકરીની ઉપર ખડકો વચ્ચે એક સાંકડી ખીણ આવેલી છે, અને એ પણ ઝાડી-ઝાંખરાં પાછળ દબાયેલી! અને એની પાછળ છુપાઈ શકાય એવી કુદરતી ગુફા આવેલી છે. આટઆટલાં વર્ષો સુધી, નેડ, ડરના માર્યા આટલાં વર્ષો સુધી પકડાઈ જવાથી બચવા માટે વિસેન્ટ એ ગુફામાં છુપાઈ રહ્યો! આરોગ્યખાતાના અધિકારીઓ આવવાની ખબર પડે, એટલે વિસેન્ટ થોડું ખાવાનું લઈને એ જંગલોમાં ચૂપચાપ સરકી જતો. ધડકતા હૃદયે ટેકરી ચડીને એ ગુફામાં પડ્યો રહેતો. એક જરા સરખા અજાણ્યા અવાજે પણ એના સ્નાયુઓ તંગ બની જતા! ઇન્સપેક્ટર એ વિસ્તારમાં આમતેમ ફરતા હોય અને વિસેન્ટ પાસે ખોરાક ખૂટી જાય, ત્યારે રાત માથે લઈને કોઈને કોઈ બાળક એને ખાવાનું પહોંચાડે! મોટા ભાગે તો એ કામ કારમનના માથે જ આવતું! અધિકારી પાછા જાય, એટલે વિસેન્ટ પાછો ઘરમાં આવી જાય! એક વખત તો અધિકારી એમના ઘરની નજીક જ ઊતરેલા, એટલે કારમન ઘરની બહાર નીકળવાની હિંમત પણ કરી શકી નહી! ત્યારે વિસેન્ટ સાવ અધમૂંઓ થઈ ગયેલો! ભાઈ વિશે કોઈને ખબર ન પડી ત્યાં સુધી તો કારમને અમને આ વાત કરી પણ નહીં! સૌથી પહેલી વખત કારમનને સારવાર માટે લઈને આવ્યા, અને દવાખાનામાં કતારબંધ ઊભેલા દરદી, અને હાથમાં ઇન્જેકશન લઈને ઊભેલા ડૉક્ટરને એણે જોયા, એટલે ફરીથી એ આવેશમાં આવી ગયેલી! હવે તો એ સ્વસ્થ છે. વિસેન્ટની ભાળ પણ મળી ગઈ છે, અને અત્યારે એ સેબુના દવાખાનામાં છે. એને પણ અહીં મોકલવાના છે. ટોમસ, એ અહીં આવે, ત્યારે એ કદાચ સાવ એકલો પડી જશે! તેં એની બહેનને બચાવી હતી, એટલે કદાચ એ તારી સાથે સારી રીતે વર્તશે. એને મળવા જતી વખતે તું અમારી સાથે આવશે? અમને થોડી મદદ મળી રહેશે એનાથી…”

“સાવ મુર્ખ જ છેને એ! આમ છુપાઈને કંઈ રહેવાતું હશે?,” ટોમસ તરત જ બોલી ઊઠ્યો. “મને તો એવું લાગે છે કે એ મારી વાત પણ નહીં સાંભળે. પણ હું એને એક વાત ચોક્કસ કહીશ, કે અહીંયાં ડૉક્ટર આપણા ભલા માટે જ કામ કરે છે. હું એને મારો દાખલો આપીને કહીશ, કે મારી સામે જો, હું અહીં આવ્યો ત્યારે કેવો હતો! અને હવે મારી પરિસ્થિતિ જો. હું તો એ જ છું! હવે, હું થોડી ચા લઈ આવું આપણાં બધાં માટે.”

અમે ટોમસનો આભાર ન માનીએ એ માટેની એની આ રીત હતી. એ ચાલ્યો ગયો.

“કેરિટા, એ છોકરીની પરિસ્થિતિ શું બહુ ગંભીર છે?”

“એટલી બધી ગંભીર પણ નથી, પણ એના હાથ પર રોગની બહુ માઠી અસર થઈ છે. અડધીપડધી આંગળીઓ ખવાઇ ગઈ છે, છતાં શું ભરતકામ કરે છે એ! લોકો એટલા બધા પૂર્વગ્રહવાળા થઈ ગયા છે, નેડ! નહીં તો એના ભરતકામને જંતુમુક્ત કરીને બહાર વેચાણ માટે કેમ ન મોકલી શકાય! જાણે કોઈ ખરીદવાવાળું હોય જ નહીં!”

ટોમસ ચા લઈને આવ્યો, અને એ સાથે અમારી વાત પણ બંધ થઈ ગઈ. કેરિટા સાથે રહેવાની આ જ તો મજા હતી! અમે કોઈ જ વાતચીત કર્યા વિના પણ સાથે બેસી શકતા હતા. સૂર્ય આથમી રહ્યો હતો, ત્યારે એ બોલી, “નેડ, એક અંગત સમાચાર મારે તને જણાવવાના છે. હું… એ લોકો કહે છે કે, હું હવે નેગેટિવ છું.”

“કેરિટા!” હું બૂમ પાડી ઊઠ્યો. “મતલબ કે તું સાજી થઈ ગઈ છે. તું હવે મનિલા પાછી જઈ શકશે.”

“હમણાં તો નહીં જ જઈ શકાય. મારે થોડી રાહ જોવી પડશે. પણ, નેડ, મેં એક વખત તને કહેલું, કે હું પાછી જવા નથી માગતી, ક્યારેય નહીં. એ બહુ મુશ્કેલ છે. અહીં હું રક્તપિત્તના એક દરદી તરીકે રહું છું. અહિં હું કામ કરી શકું છું, તને મળી પણ શકું છું.”

એ રડી પડવાની તૈયારીમાં જ હતી, અને હું જાણતો હતો, કે મારાથી એનું રૂદન સહન નહીં થઈ શકે. એટલે મેં ઉતાવળે જવાબ આપ્યો,

“મને તો એ જ ગમશે, કેરિટા!”

એ સાંજે હું બેઠાં-બેઠાં સિગાર પીતો હતો. મેં નક્કી કરી લીધું, કે જો કેરિટા એનો આ પ્રાયોગિક સમય પસાર કરી લીધા પછી પણ નેગેટિવ રહે, તો કોઈ પણ રીતે હું એને એની દુનિયામાં પાછી મોકલી આપીશ. હજુ તો એ નાની છે, બહુ લાંબી જિંદગી જીવવાની બાકી છે એને, એણે પાછા ફરવું જ રહ્યું!

*

એકાદ વર્ષ પછી ડૉ. વિંટને મને જણાવ્યું કે એક બીજું જુથ પણ ટાપુ પરથી પરત જઈ રહ્યું છે.

“કેરિટા હજુ પણ નેગેટિવ રહી છે?” મેં એમને પૂછ્યું.

“હા. મને લાગે છે કે એનો રોગ હવે સંપૂર્ણપણે કાબુમાં છે.”

થોડી વારમાં જ કેરિટા ચા પીવા આવી પહોંચી. ડૉ. વિંટને મને કહેલી વાત મેં એને કહી.

“તારે હવે અહીં ન રહેવું જોઈએ. તું હવે સાજી થઈ ગઈ છે. તારે તારી દુનિયામાં પાછાં જવું જોઈએ.”

“હું નથી જવાની, નેડ! મેં તને વારંવાર કહ્યું છે કે બહારની દુનિયાની શંકા અને ભયનો સામનો હું નહીં કરી શકું. અને અહીં મારી પાસે કામ પણ છે. બહાર જઈને સાજા-નરવા લોકોની વચ્ચે તો મને કોઈ કામ પણ નહીં મળે.”

“તારા માટે જો આ એટલું અઘરું હોય, કેરિટા, તો વિચાર કર, કે બીજાની શી હાલત થતી હશે? એમણે પણ એ પરિસ્થિતિનો સામનો તો કરવાનો જ છે. તું તારા માટે તો અહીં સગવડ કરી લઈશ, પણ બધા નેગેટિવ લોકોને ક્યુલિઅન નહીં સંઘરી શકે. એમાંના કેટલાકે અહીં પાછા આવવું જ પડશે, કારણ કે એમને ત્યાં કામ નહીં મળે, અને એમની સંભાળ લેનાર કોઈ નહીં હોય. પણ તારા પતિનું અને તારું પોતાનું કુટુંબ, બંને છે. કેરિટા, તારી સારવાર કરનાર લોકોનું એટલું તો ઋણ છે તારા પર, કે તું તારે ઘેર પાછી ફરે, અને તારી સાથે બીજા જે લોકો પાછા ફરી રહ્યા છે એમને માટે તું કંઈક કરે! સામાન્ય  દુનિયામાં એમના પુનર્વસન માટે પણ કોઈએ તો રસ્તો શોધવો જ પડશે. તું આ કામ કરવા માટે સક્ષમ છે!”

એણે કોઈ જવાબ ન આપ્યો. એના મનમાં ચાલતો આંતરિક સંઘર્ષ એના રૂપાળા ચહેરા પર પરાવર્તિત થઈ જતો હતો. એના મનમાં પણ આ વિચાર ઊગ્યો હતો એ દેખીતું હતું, પણ એ વિચારને એ અવગણી રહી હતી. અમે ચૂપચાપ બેઠાં હતાં, ત્યાં ફાધર મેરિલો મારે ઘેર આવી ચડ્યા. એમને આવકારવા હું ઊભો થઈ ગયો. અમે ત્રણેય થોડી વાર આમતેમ વાતો કરતાં બેઠાં, પછી મેં ક્યુલિઅન છોડીને જનારા લોકોની વાત ઉપાડી.

“ફાધર, તમે આવ્યા એ મને બહુ ગમ્યું. જુઓને, હું ક્યારનોયે કેરિટાને એ સમજાવી રહ્યો છું, કે એણે ક્યુલિઅનમાંથી જવું જ જોઈએ.” મારી વાત સાંભળીને એમના સુકુમાર વયોવૃદ્ધ ચહેરા પર ચિંતાના વાદળો ધસી આવ્યાં.

“કેરિટા તો મારો જમણો હાથ છે, નેડ! વસાહતનું કેટલું ઉમદા કામ એ કરી રહી છે.”

“કેરિટા જો સિસ્ટર વિક્ટોઇરની માફક અહીં આવી હોત તો મારી વાતને કોઈ આધાર ન મળત, ફાધર! સિસ્ટર વિક્ટોઇર એક સ્વસ્થ વ્યક્તિ તરીકે રક્તપિત્તના દરદીઓની સેવા માટે અહીં આવ્યાં હતાં. જ્યારે કેરિટાએ અહીં આવવું પડ્યું હતું! બધા રક્તપિત્તિયાંની સાથે-સાથે એણે પણ નાઉમેદી, નિરાશા અને ભય વેઠ્યાં છે. એ આ રોગમાંથી પસાર થઈ ચૂકી છે, અને હવે સાજી થઈ ગઈ છે. શંકાશીલ જગતની સામે એ તો આપણી આશાની પ્રતિનિધિ છે, આપણા ભરોસાના પ્રતીકરૂપે છે. કેરિટા જેવી સ્ત્રી ક્યુલિઅન છોડીને બહારના જગતમાં જતા લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે! એવું નથી, કે કેરિટાએ અહીં જે કર્યું છે, એની મને કદર નથી. હું એની કદર કરું જ છું, અને એટલે જ તો એને અહીંથી જવા માટે કહું છું.”

ફાધર મેરિલો માટે આ કસોટીની ઘડી હતી.

“પણ નેડ, અહીંના એના કામનો વિચાર કર. પતિથી વિખૂટી પડી ગયેલી સ્ત્રીઓને એણે જે સધિયારો આપ્યો છે, એનો વિચાર કર! મા-બાપથી વિખૂટાં પડી ગયેલા બાળકોને સહારો આપીને એણે વર્જિન મેરીની નિશ્રામાં મૂક્યા છે, એનો જરા વિચાર કર! રોતાં બાળકો પાસેથી જેમને આંચકી લેવામાં આવી છે એ માતાઓને એ અનાથ શિશુઓની પાસે દોરી ગઈ છે.” ફાધર મેરિલો દેવળના પગથારે ઊભા રહીને જાણે ઉપદેશ આપતા હોય એવું લાગતું હતું. ઘડીભર થાક ખાઈને એ ફરીથી બોલ્યા, “હું તો હવે ઘરડો થઈ રહ્યો છું. એવું પણ બની શકે, કેરિટા, કે હું સ્વાર્થી થઈ ગયો હોઉં! તારી સ્નેહાળ મદદ અને હાજરી હું એ સમયે ઇચ્છતો હોઉં, જ્યારે તારી બીજે પણ ક્યાંક જરૂર હોય!” એમણે માથું નમાવી દીધું. કેટલીક ક્ષણો સુધી અમારામાંથી કોઈ બોલ્યું નહીં.

ફરીથી ફાધર મેરિલોએ જ મૌન તોડ્યું.

“તું જશે કેરિટા! મારી જરૂરિયાતોએ મને અંધ બનાવી દીધો હતો. પરમકૃપાળુ પરમાત્મા મને માફ કરી દે… તારો ખૂબ-ખૂબ આભાર, નેડ!”

કેરિટા હજુ પણ ચૂપચાપ ઊભી હતી. માથું એક તરફ ઢળેલું હતું. એના ચડી ગયેલા ટૂંકા-ટૂંકા શ્વાસે હાંફતી છાતી ઉપર-નીચે થઈ રહી હતી. એના બાવડાને મેં સ્પર્શ કર્યો.

“તને પેલો બર્નાબ ક્રિસોલયા યાદ છે, કેરિટા? સાજો થયા પછી પોતાને ઘેર પાછો ફરતી વખતે એ કેવો ખુશખુશાલ હતો! એક બુઢ્ઢી માને છોડીને બીજું કોઈ જ બચ્યું ન હતું એનું તો! એ ઘેર પહોંચ્યો એના થોડા સમયમાં જ એની મા પણ મૃત્યુ પામી. મનિલાની સડકો પરથી એને રખડુ તરીકે પકડી લેવામાં આવેલો. જીવવા માટે એને અહીં પાછા ફરવું પડેલું. અહીં રહેવાનો એને કોઈ જ અધિકાર ન હતો! પણ અમે ક્યુલિઅનવાસીઓ, અહીં બેઠાં મનિલામાં એની કોઈ મદદ કરી શક્યા નહીં! તું ત્યાં હોત તો એને મદદ કરી શકી હોત. ફેડરિકો આરંગ એના કુટુંબમાં પાછો ફરી રહ્યો છે.  તું જઈશ એ પછી કારમન પણ તારી પાછળ-પાછળ જ આવી રહી છે. એના ઠૂંઠા હાથ સાથે એ કઈ રીતે જીવશે ત્યાં? અહીં તું જે કરી રહી છે, એના જેટલું જ મહત્વનું એ કામ પણ છે, કેરિટા.”

એણે પોતાનું રૂપાળું મોં ઊંચું કર્યું. એની આંખમાં આંસુ ધસી આવ્યાં હતાં.

“તું… તું ઇચ્છે છે કે હું જતી રહું?”

મારા અસ્તિત્વનું એક-એક બુંદ ઇચ્છતું હતું કે એ અહીં જ રહે! પણ એ વિચારમાંથી હું હવે બહાર આવી ચૂક્યો હતો.

“હું ઇચ્છું છું કે તું જાય. અહીં અમે જે બાકી રહી ગયેલા છીએ, એ લોકોની પોતપોતાને ઘેર પાછા ફરવાની આશાના સપનાને જીવતું રાખવા માટે તું અમને મદદ કરે, એ જ હું ઇચ્છું છું. આ બધા જ, જે અહીંથી જઈ રહ્યા છે, એમને ત્યાં પહોંચ્યા બાદ સમાજ તરફથી જાકારો જ મળશે, તો આપણે એ બધાને કઈ રીતે સાચવી શકીશું અહીં? આ જગ્યાને, પ્રવેશદ્વારે જ જ્યાં આશાનું બલિદાન ચડાવી દેવામાં આવે એવો શેતાનનો ટાપુ બનાવી દેવો ન હોય, તો પોતાને ઘેર પાછા ફરવાની આશાને આપણે જીવતી રાખવી જ પડશે! અહીં પાછી આવતી દરેક વ્યક્તિ, આપણી એ આશા પર એક ઘા સમાન છે.”

“મારા દીકરા…” ફાધર મેરિલો બોલી ઊઠ્યા. “આટલાં વર્ષો સુધી અહીં બંધાયેલા રહીને પણ તું તો આધ્યાત્મિકતાના આ શિખરે પહોંચી ગયો છે. અને કેરિટા, તું જે સમર્પણ કરી રહી છે એના આનંદથી તારા આ મિત્રને તું વંચિત ન રાખી શકે! એ તદ્દન નિસ્વાર્થ ભાવે આ કરી રહ્યો છે, એટલે એ આનંદનો એ પણ હકદાર કહેવાય.” એ અટક્યા. કેરિટા મારા સામે જોતાં અચકાઈને બોલી,

“હું જઈશ, ફાધર!”

ફાધર મેરિલો ઊભા થયા.

“બાકીનું હવે હું તમારા બંને પર છોડું છું, મારા બાળકો!”

થોડા સમય સુધી અમે બોલ્યા નહીં.

“તુ ક્યાં જશે, કેરિટા?”

“મારા પતિને ઘેર નહીં, નેડ. ત્યાં મને કોઈ નહીં આવકારે. હું મારે ઘેર જ પાછી જઈશ. મારા પિતા એમના વિસ્તારમાં એક જાહેર સેવાની ઓફિસ સંભાળે છે. એ મારામાં ભરોસો રાખીને મને પ્રેમથી સ્વીકારશે. પણ મને સમજાતું નથી કે બીજા માટે હું શું કામ કરી શકીશ. મને તો લાગે છે કે પાછા ફરેલા એ બીજા રક્તપિત્તિયાની જેમ મને પણ ધુત્કારવામાં આવશે, લોકો મારાથી દૂર-દૂર જ રહેશે… ઠીક છે, સોમવારે સાંજે તારે ઘેર હું જમવા આવીશ. અત્યારે હું બહુ જ થાકી ગઈ છું.”

રસ્તા પર એને જતી હું જોઈ રહ્યો. કેરિટાના વિયોગમાં જે નિસહાય અને એકાકી વર્ષો મારે અહીં પસાર કરવાનાં હતાં એને પણ એની સાથે-સાથે ચાલતા જતાં હું જોઈ શકતો હતો. એની સાથે હવે કોઈ વાત નહીં થઈ શકે; મારે ઘેર એ ચા પીવા નહીં આવે, સાંજના ભોજનમાં, કે પછી વસાહતમાં થતી મિજબાનીઓમાં એનો સાથ હવે મને નહીં મળે! ક્યુલિઅન છોડીને જવાની સલાહ મેં જરૂર નિસ્વાર્થ ભાવે આપી હશે, પણ એ ત્યાગ મને હવે ભારે પડી રહ્યો હતો.

કેરિટા ગુરૂવારે ચાલી ગઈ. અને એની સાથે જ ચાલ્યું ગયું સુખી થવાનું મારું વધારે એક સપનું!

*

વૉલ્ટર સિમ્પસન અને હું પાવરપ્લાંટમાં હતા. પાવરપ્લાંટની અંદર અમારા નાનકડા રેફ્રિજરેટિંગ પ્લાંટ ઉપરાંત એક લાકડાં વહેરવાનું કારખાનું અને વિજળી-વિભાગ પણ હતો. પ્લાંટ માટે થોડી વસ્તુઓની જરૂરિયાત હતી, એનું લિસ્ટ અમે બનાવી રહ્યા હતા. નજીકના ટાપુઓ પરથી લાકડાના થડ ધક્કા પર ઉતારીને, લાકડાં વહેરવાના કારખાનામાં લઈ આવવા માટે ધક્કાથી કારખાના સુધી પાટા નાખેલા હતા. પ્લાંટની બહાર એ પાટા પાસે અમે બંને ઊભા હતા.

પાંચ-છ લોકો માલવાહક નૌકા ખાલી કરી રહ્યા હતા. અખાતથી થોડે દૂર બલાલા પાસે  ટાપુઓ વચ્ચે ફેરી કરતી બોટ ઊભી હતી. ચોખાનો જથ્થો ખાલી થઈ રહ્યો હતો. બોટ પર કામ કરતા માણસો રોકાઈને અમારી સામે હાથ હલાવતાં બૂમો પાડવા લાગ્યા. આગબોટની વ્હિસલનો કર્ણભેદી અવાજ સંભળાયો. અમે ઊભા હતા ત્યાંથી અમે જોયું કે, એક યુવાન છોકરો સાઈકલ પર મારમાર કરતો વસાહતના નીચેના રસ્તા પરથી પસાર થયો. એ જેવો પસાર થયો, કે તરત જ વસાહતનાં બારણાં ફટાફટ ખૂલવા લાગ્યાં, લોકો રસ્તા પર આવવા લાગ્યા, અને અરાજકતા ફેલાવા લાગી. વસાહતના દરવાજામાંથી એ પસાર થયો એની સાથે જ ત્યાં ઊભેલા લોકો એની પાછળ-પાછળ પ્લાંટ તરફ દોડવા લાગ્યા. ફિલિપિનો લોકો દોડાદોડ શરૂ કરે એટલે બસ, ચારે તરફ જોરદાર ઉત્તેજના ફેલાઈ જાય! બૂમો પાડતાં એ છોકરો અમારી પાસેથી પસાર થયો ત્યાં સુધીમાં તો હાંફી ગયો હતો. શું થયું હતું એની ખબર સિમ્પસનને મારા પહેલાં પડી ગઈ.

“યુદ્ધવિરામ! યુદ્ધવિરામ!”

સિમ્પસન પ્લાંટમાં દોડી ગયો, અને વ્હિસલની દોરી આગળ-પાછળ ખેંચવા લાગ્યો. વરાળનો સિસકારો થયો અને વ્હિસલની તીણી ચીસ આખી વસાહતમાં ફેલાઈને કોરોનના ખડકો સાથે અથડાઈને પડઘાવા લાગી. એણે ત્રણ વખત દોરી ખેંચી, ફરી ત્રણ વખત, અને ફરી ત્રણ વખત… કુલ નવ વખત એણે વ્હિસલ વગાડી. પછી એણે પેલા છોકરાને બોલાવીને એના હાથમાં દોરી પકડાવી દીધી, અને વરાળને ચાલુ જ રાખવાનું કહેવા માટે ફાયરમૅન પાસે પોતે દોડી ગયો. બૉઈલર ચાલુ રહ્યું ત્યાં સુધી ટેકરી અને પાવર પ્લાંટ પરની બત્તીઓ ચાલુ જ રહી. ઉપર તરફ જવા માટે વળાંકોવાળા રસ્તા પર હું ચાલવા લાગ્યો. ઉત્તેજિત થયેલા લોકોના ટોળા વચ્ચે ફાધર મેરિલો ઊભા હતા. ટોળામાંથી ખસીને એ મારી પાસે આવ્યા.

“નેડ, બહુ જ મહાન દિવસ છે આજે. સત્યનો આજે ફરી એક વખત વિજય થયો છે. પણ આ આઝાદી માટે આપણે બહુ ભયાનક કિંમત ચૂકવવી પડી છે. ખેર, કિંમત ચૂકવાઈ ગઈ છે, અને આપણે હવે આઝાદ છીએ.”

હું જાણતો જ હતો, કે સભાગૃહમાં આજે ચોક્કસ મોટી મીજબાની મનાવવામાં આવશે. લોકો તો સભાગૃહ તરફ ચાલવા પણ લાગ્યા હતા. નવાં કપડાં બદલાવીને અમેરિકન ઝંડા લેવા પૂરતાં જ લોકો રોકાયા. હાથમાં ઝંડા લહેરાવતા એ લોકો આનંદભેર ગીતો ગાતા જતા હતા. પણ એ લોકોની પાછળ-પાછળ પ્લાઝા લિબરેટાડ તરફ જવાને બદલે ડાબી તરફ વળીને વસાહતના સભાગૃહની પાછળ થઈને મારા ઘર તરફના રસ્તા પર હું તો ચડી ગયો. ટોમસ ઘરમાં ન હતો. એ પણ આ જશનમાં સામેલ થવા ગયો હતો એ સ્પષ્ટ હતું.

મને કંઈક થઈ ગયું હતું. મારે એકલા પડવું હતું. વ્હિસલની તીણી ચીસની સાથે જ, મારી અંદર-અંદર ધરબાઈ ગયેલું કંઈક જાગૃત થઈ આવ્યું હતું.

નાળિયેરીના લાંબા પડછાયા અખાત પર ફેલાઈ ગયા હતા. પરસાળમાં ઠંડક છવાયેલી હતી. રસોડામાં જઈને હું વ્હિસ્કીની બોટલ, ગ્લાસ અને ઠંડા પાણીનો કુંજો લઈ આવ્યો. હું તો એકલો જ જશન મનાવીશ! મારા મનમાં એક વિચાર જાગૃત થવા તરફડિયાં મારી રહ્યો હતો. પણ એ વિચાર પૂરે પૂરો બહાર આવીને મને એનો ચહેરો સ્પષ્ટ પણે બતાવે, એ પહેલાં મારે ઘણી પ્યાલીઓ ખાલી કરવી પડી. એ ચહેરો નેડ લેંગફર્ડનો હતો. મારી, નેડ ફર્ગ્યુસનની સામે એ તાકી-તાકીને જોઈ રહ્યો હતો. મારી અંદરનો એ જણ મારી સાથે સમાધાન કરવા માટે મને સતત આગ્રહ કરી રહ્યો હતો. બહાર નીકળીને હું આંબા નીચે ચાલ્યો ગયો. મિત્રતા… સથવારો…  પ્રેમ… આ બધાં વિશે હું જે કંઈ પણ જાણતો હતો, એને માટે મારે આ સ્થળને જ શ્રેય દેવાનું હતુ.

ટેબલ પડેલી નાનકડી રૂપેરી ઘંટડી મેં વગાડી, પણ ટોમસ દેખાયો નહીં. એ કદાચ હજુ પણ જશન મનાવતો હતો… યુદ્ધ પૂરું થઈ ગયું હતું. હું ફરીથી મારા વિચારોમાં ડૂબી ગયો. યુદ્ધવિરામમાં સહી થઈ ગઈ હતી અને ટોમ મૃત્યુ પામ્યો હતો. કદાચ બીલ પણ મૃત્યુ પામ્યો હશે. છેલ્લા કેટલાયે મહિનાઓથી બીલના કોઈ સમાચાર ન હતા. ટોમ અને બીલના નામે મેં પ્યાલીઓ ખાલી કરી. એ બંને આ લડાઈમાં લડ્યા હતા અને બંનેએ યુદ્ધની કિંમત પણ ચૂકવી હતી, બહુ શાનદાર રીતે ચૂકવી હતી!

મારી અંદરનો નેડ લેંગફર્ડ હવે ખુલ્લેઆમ બહાર આવી ગયો હતો. મને એ કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ બધું જ કંઈક ભ્રામક લાગી રહ્યું હતું. કદાચ આ ક્યુલિઅન અને એની સાથે જોડાયેલું બધું એક ભ્રમણા જ હતું, અને હું તો પેલી પલટી ખાઈ ગયેલી કારની સાથે ક્યારનોયે નદીમાં તણાઈ ગયો હતો! ધ્રૂજતા શરીરે હું ઊભો થઈ ગયો. એ ભ્રમણાના નામે વધુ એક પ્યાલી પીવા માટે! અને ત્યાં જ નેડ લેંગફર્ડ બોલી ઊઠ્યોઃ

“મારો પણ યુદ્ધવિરામ જાહેર થઈ ગયો છે. મારી લડાઈ હવે ખતમ થઈ ચૂકી છે.”

વાસ્તવિકતાને હવે હું ઓળખતો હતો. આ પહેલાં મેં કોઈની પાસે તો શું, મારી જાત પાસે પણ આ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો ન હતો. ક્યુલિઅનની શેરીઓમાં ફરતો હોઉં કે પછી કોઈ જાહેર સમારંભમાં હાજરી આપતો હોઉં, મારા હાથ પર હું હંમેશા મોજાં ચડાવી રાખતો, અથવા તો મારા હાથને છુપાવીને રાખતો હતો. રે મુર્ખ, અહીં ક્યુલિઅનમાં રહીને આ રીતે કોઈથી કંઈ છુપાવી શકાવાનું હતું! એક વેઢા જેટલી ટૂંકી થઈ ચૂકેલી મારી આંગળીઓને મેં બીજા હાથે પકડી લીધી! હાથમોજાંમાંથી આંગળીઓને બહાર કાઢીને હું એની સામે મજાકભરી નજરે જોતો રહ્યો. નશો ચડતો જતો હતો!

“ભાનમાં આવી જા, રે મુર્ખ! અરે ભગવાન…!” મારી વાત પર હું પોતે જ ખડખડાટ હસવા લાગ્યો. ફરીથી પીવા લાગ્યો, ખુશાલીમાં! હું બૂમ પાડીને બોલ્યો, “વાસ્તવિકતાના નામે વધુ એક પ્યાલી!”

લોકોને મેં જોયા હતા. પહેલા થોડા, પછી થોડા વધારે, પછી સેંકડોની સંખ્યામાં, અહીંથી પાછા જતાં, સાજા થઈને જ તો! અને એ લોકો જ તો અમારા જેવા, પાછળ લટકતા રહી ગયેલા લોકો માટે આશાનો દીપ પ્રજ્વલિત રાખતા હતા. અમારાં બિહામણાં શરીર, અમારી સામે પુરાવા રૂપે મોજુદ હતા, અને છતાં પણ અમે આશાના એક તાંતણે લટકી રહ્યા હતા, એ હું જાણતો હતો! છેવટે મૃત્યુ જ અમને એ તાંતણેથી છોડાવવાનું હતું. આ આશા જ તો છેતરતી રહેતી હતી, અંત સુધી અમને જકડી રાખીને! પણ હવે હું એ ભ્રમણામાંથી બહાર આવી ચૂક્યો હતો, મુક્ત થઈ ચૂક્યો હતો.

આપણે પોતે જ કેવા આપણને છેતરતા હોઇએ છીએ! માત્ર રક્તપિત્તિયા નહીં, બધા જ માણસો! મૃત્યુ આવી પહોંચે ત્યાં સુધી આપણે જીવતા રહેવાની આશા છોડતા નથી! મારા સમયે હું પણ એનો સામનો કરી ચૂક્યો હતો! એક વાત મને ચોક્કસ લાગતી હતી, કે હું ક્યારેય ક્યુલિઅન છોડી શકીશ નહીં. રક્તપિત્તને કારણે તો કદાચ મારું મોત નહીં આવે, પરંતુ મૃત્યુ સમયે હું એક રક્તપિત્તિયો જ હોઈશ એ વાત ચોક્કસ!

શું બાકી રહ્યું હતું મારા માટે આ જીવનમાં હવે!

અખાતના સામા છેડે અમારી માછીમારીની એક બોટનો પડછાયો દેખાતો હતો. બીજી થોડી બોટ પણ લાંગરેલી પડી હતી. નીચેની દિશાએ દરિયાકિનારો અને અમારો પ્લાંટ દેખાતો હતો. એ પ્લાંટ, અમેરિકન નજરે તો એ પ્લાંટ એક નાનકડો ધંધો હતો, પણ અહીં ક્યુલિઅન માટે તો એ બહુ મોટો વ્યવસાય બની ગયો હતો! હું અહીં આવ્યો, ત્યારે મારે કોઈ જ મિત્રો ન હતા, કે કોઈ કામ પણ ન હતું.અહીં આવીને જ તો મેં એ બંને મેળવ્યાં હતાં. હું બંને કમાયો હતો. આવી જગ્યાએ કોઈ કલ્પના પણ ન કરી શકે એટલી સમૃદ્ધિ હું કમાયો હતો! મારા સહકાર્યકરોનો આદર મને મળ્યો હતો. એ લોકો મારી સલાહ માગવા આવતા હતા, અને હું એમને ઉચ્ચતમ ભૌતિક જીવન જીવવામાં મદદરૂપ થતો હતો. અહીં કામનો અર્થ સમય પસાર કરવા અને પૈસા રળવાથી કંઈક વિશેષ હતું! હા, એક રક્તપિત્તિયા માટે પૈસા કમાઈ શકવા એ આનંદની જ વાત હતી! મારી પાસેથી એ જે કંઈ શીખ્યા, એણે એમને એક વ્યવસાય આપ્યો હતો. એક એવો વ્યવસાય, જે એમને બહારની દુનિયામાં પણ ઉપયોગમાં આવવાનો હતો! હા, જો એ અહીંથી છૂટી શકે તો!

ડૉક્ટરોને સફળતા મળી હતી એ પણ એક હકીકત હતી, મારા નહીં તો બીજાના કિસ્સામાં! મારા હાથ તો હવે જઈ રહ્યા હતા. કારમનના હાથની હાલત મારા કરતા પણ ખરાબ હતી! અને આ ડૉક્ટરો કહેતા હતા, કે રોગને નાથી શકાય એમ છે! કારમનના કિસ્સામાં એ સાચું હશે કદાચ, પણ મારા કિસ્સામાં તો નહીં જ! મારા શરીરમાં તો બીજાં ચિહ્નો પણ દેખાતાં હતાં. ‘ઊભો થા, અને લડ, સૈનિક! જીવન તરફ પાછો ફર! આમ નિરાશ થઈને સૂઈ ન જા, હમણાં તો નહીં જ! થોડો વધુ પ્રવૃત્ત થા! આંખો ઉઘાડી રાખ તારી! એક રક્તપિત્તિયા તરીકે તારાથી જે થઈ શકે એ કામ કર! તારો આ હાથ ખવાઇ જાય એ પહેલા સહી કરતો જા!’ હાથ લંબાવીને મેં પેન ઊઠાવી, અને સામે પડેલા લાકડાના ટેબલ પર મેં મારી સહી કોતરી નાખી. એ સહીની ઉપર કોઈ જ લખાણ લખેલું ન હતું. પણ હું જાણતો હતો, મારી જાતમાંથી હું ભરોસો ખોઈ બેઠો હતો. મારી સામે કામ હતું, મારી પાસે શક્તિ પણ હતી. હું જીવતો રહીશ અને કામ કરતો રહીશ!

હવે હું નિશ્ચિંત થઈને બેસી ગયો હતો. છેલ્લે-છેલ્લે પણ જીવવાની લાલચ થઈ આવી હતી! મારી મુક્તિ મેં મેળવી લીધી. “પોતાનું જીવન જેણે ખોયું છે, એણે જ એને શોધવું રહ્યું!” નુકસાન ભરપાઈ કરી આપવાનો એક નિયમ હતો, અને જિસસ એ નિયમ પણ જાણતા હતા.

મોડેથી ટોમસ પાછો આવ્યો.

“તમે આ વિજયોત્સવમાં ન આવ્યા, સાહેબ?”

“આ વિજયોત્સવ તો હતો નહીં, ટોમસ! આ તો એક યુદ્ધવિરામ છે, થોડા સમય માટેનો આરામ છે!”

“પણ એનો અર્થ એ તો ખરોને, કે હવે વધુ લડાઈ નહીં થાય, સાહેબ?”

“હા, હવે વધુ લડાઈ નહીં થાય, ટોમસ. હવે કોઈ જ નાસભાગ નહીં થાય. જીવનની સાથે બસ આગળ ચાલ્યા જવાનું… આ આપણો યુદ્ધવિરામ છે, ટોમસ. જો…” ટેબલ પર કોતરેલી સહી સામે આંગળી ચીંધીને મેં કહ્યું, “મેં તો સહી કરી દીધી છે.”

***

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૦)