સ્મરણકથા.. – હરિશંકર પરસાઈ, અનુ. શાંતિલાલ મેરાઈ 5


(અખંડ આનંદ દિપોત્સવી અંક ઓક્ટોબર – નવેમ્બર ૧૯૯૬ માંથી સાભાર)

મારા ઘરમાં ઘણી ઘણી તકલીફો હતી જે વિશે હું આગળ લખી ગયો. આ તકલીફો હોવા છતાં હું બરાબર ખાતો, રમતો, વાંચતો તેમજ સામાજિક અને રાજકીય કાર્યોમાં ભાગ લેતો. ઘરે જવામાં અવશ્ય ડર લાગતો. ત્યાં બિમાર, દુઃખી અને ચિઢાયેલા રહેતા પિતાજી હતા અને ઉદાસ નાનાં ભાઈબહેનો હતાં. ફોઈ બનાપુરા ચાલી ગયાં હતાં અને ત્યાં તેમણે એક નાનકડું ઘર બનાવી લીધું હતું. મારા લાઠીઘારી કાકા મારા પિતાજી સાથે સતત રહેતા હતા અને તેમની સેવા કરતા હતા. આ બંને ભાઈઓ જેની આવકમાંથી છોકરાંઓ મોટાં થઈ જાય એવો કોઈ ધંધો શરૂ કરવા માટે આપસમાં ચર્ચાવિચારણા કરતા રહેતા. પણ કોઈ ધંધાની યોજના પાકી થતી નહીં અને પાસે હતા તે પૈસા ખવાતા જતા હતા. બધી ચર્ચાવિચારણાને અંતે એક જ પંચવર્ષીય દસવર્ષીય અથવા સ્થાયી યોજના પર તેઓ પહોંચતા અને તે યોજનાનું નામ હતું હરિશંકર. તેઓ વાતો કરતા કે થોડાક જ મહિનામાં શંકર મૅટ્રિક પાસ થઈ જશે. પ્રથમ વર્ગ આવશે અને તરત નોકરી મળી જશે.

હું કોંગ્રેસના કાર્યક્રમોમાં ખૂબ ભાગ લેતો હતો. અમારા સ્થાનિક નેતા હતા – નાના સાહેબ ગદ્રે. તેઓ સભામાં દરેક સંભવિત વક્તાને કહેતા, ‘કંઈક’ તો બોલો, બે શબ્દો. તેઓ પોતે ‘કંઈક’ તો બોલતા પણ બે નહીં હજાર શબ્દો. પરંતુ માણસ સાચા અને કર્મઠ હતા. અમારા બીજા એક નેતા હરદાના મહેશદત્ત મિશ્રા હતા. ઊંચું શરીર, ગોરા, સુંદર, તંદુરસ્ત. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર વિષયમાં પહેલા વર્ગમાં એમ.એ. થયા હતા. તેઓ ગાંધીજીના સચિવ રહ્યા હતા. પછી અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં અધ્યાપક થયા અને થોડાંક વર્ષો પહેલાં જ જબલપુર યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પદેથી નિવૃત થયા. તેઓ વિધાનસભા અને લોકસભાના સભ્ય પણ રહ્યા હતા. આ મહેશ બાબુ એ દિવસોમાં અમારા જેવા કિશોરોના ‘હીરો’ હતા.

અમારા હોશંગાબાદ જિલ્લાના સાચા લોકનેતા લાલા અર્જુનસિંહ હતા. નેતાની કાંઈ બનાવટ તેમનામાં નહોતી. લોકોની ભાષા અર્ધ બુંદેલી અથવા ‘હુશંગાબાદી’માં બહુ જ સારું ભાષણ આપતા. શીધ્ર કવિ હતા. દુહા અને પદ તરત રચીને બોલી દેતા. તેઓ વિધાનસભાના સભ્ય ચૂંટાયા હતા. ત્યાં તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું, ‘અમે નથી સમજતા મૂડીવાદ, નથી સમજતા સમાજવાદ, સમજીએ છીએ કેવળ હોશંગાબાદ જિલ્લાની પ્રગતિ થવી જોઈએ.’

હું સાંભળતો હતો, અંગ્રેજ ભક્તો અફવાઓ પણ ફેલાવતા હતા. કહેતા, ‘આ ગાંધી ભારે ધૂર્ત છે. હરિજનોના નામે ફાળો એકઠો કરે છે અને એ પૈસામાંથી પોતાના છોકરાના નામે કાપડની મિલો ખોલે છે.’

એ જમાનાની રાજનીતિ ત્યાગની રાજનીતિ હતી. ૧૯૪૦ પછી રાજનીતિ પ્રાપ્તિ માટેની થઈ ગઈ. એ વખતે પણ આઝાદીના આંદોલનમાં સામેલ થયેલો દરેક માણસ કંઈ સંત નહોતો. સંગઠનની અંદર પણ હોડ હતી. વિચારધારાના વિવાદો પણ હતા અને પદપ્રાપ્તિ માટેની લડાઈ પણ હતી. કોંગ્રેસીઓ એકબીજાને કરડતા પણ હતા. કોંગ્રેસી દુકાનદાર નફાખોરી પણ કરતો હતો. પરંતુ સાર્વજનિક ભ્રષ્ટાચાર નહોતો. જ્યારે એક જાતિ રાષ્ટ્રીય આઝાદી જેવા મહાન સંઘર્ષમાં પરોવાયેલી હોય ત્યારે વ્યક્તિગત અને સામૂહિક નૈતિકતા ઊંચી હોય છે. ગાંધીજી ત્યારે કેવળ સભાના મેદાનમાં જ નહોતા, તેઓ ઘરેઘરમાં ઘૂસી ગયા હતા. તેમનો પ્રભાવ રસોડા સુધી હતો. ગાંધી દરેક વિષયમાં દખલગીરી કરતા હતા. તેમની એ દખલગીરીનો વ્યાપ વિશ્વ રાજનીતિઅને રાષ્ટ્રીય આઝાદી સંગ્રામથી માંડીને રસોડા ને પાયખાના સુધીનો હતો. સ્ત્રીઓ કહેતી હતી,’ગાંધીજી કહે છે કે સાદાઈથી રહો તેથી જ અમે સાજશણગાર નથી કરતાં, ગાંધીજીને સફાઈ પસંદ છે. આથી પાયખાનામાં સવાર સાંજ એક એક બાલદી પાણી અમે ઉપરથી નાખીએ છીએ.’ કોઈ પ્રશ્નને કેન્દ્રમાં રાખી ગાંધીજી જ્યારે ઉપવાસ પર બેસતા ત્યારે જે ઘરો કોંગ્રેસી નહોતાં એ ઘરોની સ્ત્રીઓ પણ એક દિવસ ભોજન કરતી નહીં. ગાંધી ફિલ્મમાં પણ ઘૂસ્યા હતા. ‘અછૂત કન્યા’ ફિલ્મ ગાંધીના આંદોલનમાંથી બની હતી. જે લોકો એમ સમજે છે કે ગાંધીના નેતૃત્વ વાળું આંદોલન કોંગ્રેસીઓ જ ચલાવતા હતા અને તે કેવળ રાજકીય જ હતું તો એ લોકો ખોટા છે. ગાંધીનું આંદોલન રસોડામાં અને પાયખાનામાં પણ હતું, દાંપત્ય સંબંધોમાં પણ હતું. એ જીવનવ્યાપી આંદોલન હતું. એમાં ખૂબ જ મોટું યોગદાન એ અસંખ્ય સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનું હતું જેમના નામ છાપાંઓમાં ક્યારેય છપાયાં નથી.

આ જ દિવસોમાં લખનૌમાં મુસ્લિમોના સાંપ્રદાયિક સંગઠન ‘ખાકસાર’ ની રચના થઈ. આ સંગઠને કેટલાક ઉપદ્રવો કર્યા. પરંતુ હૈદરાબાદમાં એક ઘણું મોટું ફાસિસ્ટ સંગઠન બની ચૂક્યું હતું – રઝાકાર. તેના ડિક્ટેટર કાસિમ રિઝવી હતી. હૈદરાબાદમાં હિંદુ- મુસ્લિમ રમખાણો ઘણાં થતાં હતાં. હિંદુઓના નેતા રામાનંદ તીર્થ હતા. આર્યસમાજે હિંદુઓમાં જાગૃતિ લાવવા અને તેઓની રક્ષા કરવા ઉત્તર ભારતમાંથી ‘જથ્થા’ઓ મોકલ્યા. એમાં પ્રવચન કરનારાઓ પણ હતા. તેઓ હાર્મોનિયમ રાખતા. જોશ ભરેલા ભાષણો કરતા. વચ્ચ વચ્ચે હાર્મોનિયમ ઉપર ભજન ગાતા. આ લોકો પંજાબ અને પશ્ચિમિ ઉત્તર પ્રદેશના નિવાસી હતા તેથી ઉર્દૂ તેમની માતૃભાષા જેવી હતી. એ લોકો અસ્ખલિત વાણીમાં ભાવસભર ભાષણ કરતા. એમનો એક શેર મને હમણાં પણ યાદ છે.

‘તસવ્વુર ખીંચ વો તસવીર
આંખે હો રસાઈ હો
ઊધર સમશીર ખીંચી હો
ઈધર ગર્દન ઝુકાઈ હો.’

અમારા કસબામાં પણ આ લોકો રોકાતા. ખૂબ જ જોશ ભરેલાં ભાષણો આપતા. રસ્તામાં આવતાં શહેરોમાં, કસબાઓમાં આ લોકો રોકાતા, પ્રવચનો કરતા, ભાડું ભેગું કરતા અને પછી હૈદરાબાદ તરફ ચાલી જતા. આર્યસમાજી પ્રચારકો વિશે ભદંત કોશલ્યાયને ખૂબ જ રોચક વાતો લખી છે. શહેરમાં એક આર્યસમાજી પ્રચારક સ્વામીજીનાં ત્રણ ભાષણ થયાં. મેં એક ભાષણ પછી તેમને પૂછ્યું, ‘સ્વામીજી, હજી કેટલા દિવસ અહીં મુકામ છે?’ સ્વામીજીએ સહજ ભાવે કહ્યું, ‘હું પાંચ ભાષણવાળો છું. ત્રણ થઈ ગયાં, બીજા બે દિવસ ભાષણ આપી ચાલ્યો જઈશ.’ સ્વામીજી પાંચ ભાષણોને આધારે છઠું ભાષણ નહોતા બનાવી શક્તા.

આર્યસમાજનું આંદોલન સુધારાવાદી હતું પણ તે પુનરુત્થાનવાદી અને કટ્ટર સાંપ્રદાયિક હતું. આર્યસમાજીઓની શ્રદ્ધા કંઈક એવી હોય છે કે વૈદિક સાહિત્યની રચના પછીનાં પાંચ હજાર વર્ષોમાં સમગ્ર મનુષ્યજાતિએ કંઈ વિચાર્યું જ નથી. આ એ જ પ્રકારની શ્રદ્ધા છે, જેમાં એમ મનાય છે કે મહંમદ પૈગંબર પછીનાં ૧૩૦૦ વર્ષોમાં મનુષ્યજાતિએ કંઈ વિચાર્યું નથી. આવી શ્રદ્ધા જાતિઓને જડ બનાવે છે. જવાહરલાલ નહેરુએ યોગ્ય જ કહ્યું છેઃ ‘The religion gives static view of things’ (ધર્મ વસ્તુઓ વિશેનો જડ દ્રષ્ટિકોણ આપે છે.)

મને પ્રથમ વર્ગ ન મળ્યો. એનું કારણ હતું મારો અહંકાર. હું માનતો હતો કે અભ્યાસક્રમમાં તો બેવકૂફો ગૂંચવાય છે. આ પાઠ્યપુસ્તકોમાં લખ્યું છે તે અને આ શિક્ષકો બોલે છે તે બધું મને આવડે છે. પહેલો વર્ગ મેળવવા માટેની યોજના હોય છે. સંભવિત પ્રશ્નો શોધવા પડે છે. તેના ‘રેડીમેડ’ જવાબો તૈયાર કરવા પડે છે. આ જવાબોને ગોખવા પડે છે અને પછી પરીક્ષામાં એ લખવા પડે છે. હું એમ જ બેદરકારીપૂર્વક પરીક્ષામાં બેઠો. બહુ જ ઓછા માર્ક માટે પ્રથમ વર્ગ ગયો. ગણિતમાં હું બહું કાચો હતો તેમાં મને ડિસ્ટીંક્શન માર્ક મળ્યા!

એક બે દિવસ દુઃખી રહ્યો. પછી વર્તમાન પત્રોમાંથી સૌથી વધારે આકર્ષક સામગ્રી – ‘વૉન્ટેડ’ સ્તો વાંચવા લાગ્યો. તાત્કાલિક કોઈ પણ નોકરી મળી જવી જોઈએ. નહીંતર કુટુંબ ભૂખે મરી જશે.

હું પોતે શું બનવા ઈચ્છતો હતો? મારી શું મહત્વાકાંક્ષા હતી? વાસ્તવમાં મારી કોઈ મહત્વકાંક્ષા નહોતી. સૌથી પ્રબળ ઈચ્છા શિક્ષક થવાની હતી. લોકો શિક્ષક કામને ‘પાપડ વણવાનું’ કામ કહેતા હતા. હું એમાં એટલો એક વધારો કરવા ઈચ્છતો હતો કે પ્રાઈવેટ એમ.એ. કરી કૉલેજમાં શિક્ષક થઈ જાઉં, જેથી પછી ચોખાના પાપડથી આગળ મગના પાપડ વણી શકું. મારી માત્ર એક ઈચ્છા આદર્શ શિક્ષક થવાની હતી. આ ઈચ્છાને લોકો તે દિવસોમાં મહત્વકાંક્ષી નહોતા માનતા, આજે પણ નથી માનતા. એને બેવકૂફી માને છે.

સાચી વાત એ છે કે મેં ક્યારેય કોઈ મહત્વકાંક્ષા રાખી નથી. હાલમાં પણ કોઈ મહત્વકાંક્ષા નથી. પૂર્ણસમયનું લેખનકાર્ય કરવા માંડ્યું ત્યારે કોઈ મહત્વકાંક્ષા નહોતી. મહેનત કરીને લખતો, બસ. એટલું જ ઈચ્છતો હતો કે લેખન યોગ્ય થાય અને વાચક કહે કે આ બરોબર છે. ગત પાંચ વર્ષોમાં મને માન – સન્માન ઘણાં મળી ચૂક્યાં છે – માનદ ડૉક્ટરેટ, સાહિત્ય અકાદમી પુરસ્કાર. શિખર સન્માન, અન્ય બે પુરસ્કારો – આગ્રાનું સાહિત્ય વાચસ્પતિ વગેરે. મારી પાસે ૧૦ પ્રશસ્તિપત્રો છે પણ તે બધાં કબાટમાં રાખ્યા છે. મારા ઓરડામાં ફક્ત એક જ ચિત્ર ટાંગેલુ છે – ગજાનન માધવ મુક્તિબોધનું. ભાઉ સમર્થ મારું પોટ્રેટ બનાવવા ઈચ્છે છે. મેં અહીં બેઠેલા લોકોને કહ્યું, ‘ઓરડામાં પોતાનું ચિત્ર અથવા પોટ્રેટ ટિંગાડવું એ સંસ્કૃતિ હીનતા છે. હું મારું પોટ્રેટ ઓરડામાં નહીં લગાવું.

કાંઈ મહત્વકાંક્ષા નહોતી તો પછી હંમેશા હાય, હાય, અસંતોષ અને બેચેની શા માટે? એનું કારણ છે – હું ક્યારેય એવું લખી ન શક્યો જેવું લખવા ઈચ્છતો હતો. આ લખી રહ્યો છું ત્યારે પણ આ જ દુઃખ છે. એ લોકો કેટલા સુખી છે જેઓ પોતાનું લખેલું શ્રેષ્ઠ માને છે, ખુશ થાય છે, સંતોષ પામે છે. વારંવાર પોતે વાંચે છે. અને બીજાઓને વંચાવે છે. આ લોકો ‘છગન – મગન’ છે. કસ્તૂરી મૃગ છે આ લોકો જેઓ પોતાની નાભિ વારંવાર સૂંઘે છે અને મસ્ત રહે છે.

નોકરી મેળવવા ઘણી મહેનત કરી. દરેક જગ્યાએ અરજી રવાના કરતો, જેને તેને મળતો. અપમાન સહન કરતો. ક્યારેક ‘ગર્દિશ કે દિન’ નામે એક લેખ લખ્યો હતો, તેના કેટલાંક અંશો અત્રે આપું છુંઃ ‘પાછી નોકરીની તપાસ. મને બીજી એક કળા આવડી ગઈ હતી. વગર ટિકિટે મુસાફરી કરવાની. જબલપુરથી ઈટારસી, ટીમરની, ખંડવા, ઈંદોર, દેવાસ વારંવાર ચક્કર લગાડવા પડતાં. પૈસા હતાં નહીં. હું ખચકાટ વગર ટિકિટ વિના ગાડીમાં બેસી જતો. બચી જવાની ઘણી તરકીબો આવડી ગઈ હતી. પકડાઈ જતો તો સરસ અંગ્રેજીમાં મારી મુસીબતોનું વર્ણન કરતો. અંગ્રેજીના માધ્યમ દ્રારા ટિકિટ ચેકર બાબુઓને પ્રભાવિત કરી દેતો તેઓ કહેતા, ‘લેટ્સ હેલ્પ દ પુઅર બૉય.’

બીજી કળા શીખ્યો હતો ઉધાર માંગવાની. હું સાવ નિઃસંકોચ ભાવે કોઈની પાસેથી પણ ઉધાર માગી લેતો. હાલ પણ એ કળામાં પારંગત છું.

ત્રીજી વસ્તું શીખ્યો, બેફિકરાઈની. જે થવાનું હશે તે થશે. થઈ થઈને શું થશે? સારું જ થશે. મારાં એક ફોઈ હતાં. ગરીબ હતાં મુશ્કેલી ભરેલી જિંદગી હતી પણ તેમનામાં અપાર જીવનશક્તિ હતી. રસોઈ શરૂ થતી તો તેમની પુત્ર વધુ કહેતી, ‘નથી દાળ, નથી શાકભાજી.’ ફોઈ કહેતાં ‘ભલે, ચિંતા નહીં.’ રસ્તે – મહોલ્લામાં નીકળતા અને જ્યાં તેમને કોઈનાં છાપરા પર શાકભાજી દેખાઈ જતી તો તે ઘરની માલકણ પોતાની ઉંમરની સ્ત્રી પાસે જઈ કહેતાં, ‘એ કૌશલ્યા, તારે ત્યાં તૂરિયાં સારા લાગ્યા છે. એક બે મને તોડી આપ.’ અને પછી જાતે જ તોડી લેતાં. પુત્રવધુને કહેતાં, ‘લે બનાવી નાંખ. જરા પાણી વધારે નાખજે.’ હું આમથી તેમ થાકી ક્યારેક તેમના પાસે જતો તો કહેતાં, ‘ચાલ, ચિંતા નહીં, કંઈક ખાઈ લે. નોકરી તો મળી જશે.’

તેમનું આ વાક્ય મારા માટે તાકાત બની ગયું. ‘કોઈ ચિંતા નહી.’ મુશ્કેલી પછી મુશ્કેલી. હોશંગાબાદના શિક્ષણાધિકારી પાસે નોકરી માગવા ગાડી પકડવા બેઠો હતો. પાસે એક રૂપિયો હતો તે ક્યાંક પડી ગયો હતો. ઈટારસી તો વગર ટિકિટે જઈ શકાત પણ ખાવું શું? બીજા વિશ્વયુદ્ધનો સમય. ગાડી ખૂબ મોડી પડતી. પેટ ખાલી હતું તે વારંવાર પાણીથી ભરતો. છેવટે બાંકડા પર સૂઈ ગયો. ૧૪ કલાક થઈ ગયા. એક ખેડૂત કુટુંબ પાસે આવી બેઠું. તેમના ટોપલામાં પોતપોતાના ખેતરની સકરટેટી હતી. હું એ વખતે ચોરી પણ કરી શકતો. ખેડૂત સકરટેટી કાપવા લાગ્યો. મેં કહ્યું, ‘તમારા ખેતરની હશે. ઘણી સારી છે.’ ખેડૂતે કહ્યું, ‘બધી નર્મદામૈયાની કૃપા છે, ભાઈ સાકર જેવી મીઠી છે. લો, ખાઈ જુઓ.’ તેણે મોટી બે ચીરીઓ આપી. મેં ઓછામાં ઓછા છોતરા બાકી રાખી એ ખાઈ લીધી. પાણી પીધું. પછી ગાડી આવી. હું બારીમાંથી ઘૂસી ગયો.’

નોકરી જલદી મળી ગઈ, વનવિભાગમાં ઈટારસી પછી નાગપુર લાઈન પર પહેલું રેલવે સ્ટેશન છે – તાકૂ. અહીં એક મોટો સરકારી લાકડાનો ડેપો છે. અહીં પચીસ રૂપિયાના પગારે કુલ આઠ મહિના માટે મારી નિમણૂક થઈ. મારું પદ ‘જમાદાર’ તરીકેનું હતું. મારો ઉપરી ડેપો ઑફિસર હતો. મારા હાથ નીચે બે ફૉરેસ્ટગાર્ડ હતા. આ ત્રણે મુસલમાન હતા. ડેપો ઑફિસર મારી નિમણૂંકથી નાખુશ હતો. મારા પિતા સાથે તેની જૂની ઓળખાણ-પિછાણ હતી. પરંતુ મારા પિતાએ તેના મુસલમાન હોવાની અને તે માણસ સારો ન હોવાની વાત કોઈને કહી દીધી હતી જે એને ખબર પડી ગઈ હતી. હું નોકરી પર હાજર થયો કે તરત જ તેણે મને કહ્યું, ‘તમારા પિતાએ ફલાણા માણસને કહ્યું કે હું મુસલમાન છું અને તમને પરેશાન કરીશ.’ અને ખરેખર તેણે મને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. તે મારી જગ્યાએ કોઈ મુસલમાનને ઈચ્છતો હતો. મારા હાથ નીચેના બંને ફૉરેસ્ટ ગાર્ડ મારી વિરુદ્ધ ષડયંત્ર કરતા. તેઓ ત્યાં ચાર -પાંચ વર્ષથી હતા. આવા માહોલમાં હું ગભરાઈ જતો અને ઘણી વાર ભૂલો કરી બેસતો.

મારી સાથે મારા લાઠીવાળા કાકા રહેવા આવ્યા હતા. તેઓ એકાદ મહિનો રહ્યા અને પિતાજીની તબિયત વધારે ખરાબ થઈ ગયાના સમાચાર સાંભળી ઘરે ચાલ્યા ગયા. હું એકલો રહી ગયો. જાતે રસોઈ બનાવતો. ત્યાં દૂધ ખૂબ સારું અને સસ્તું મળતું હતું. હું કુલ સાત રૂપિયામાં મારું કામ ચલાવી લેતો અને ૧૮ રૂપિયા ઘરે મોકલી આપતો. ૧૯૪૦માં આટલા રૂપિયા પૂરતા હતા. રેલવે સ્ટેશન ડેપોની લગોલગ હતું. તેનાથી લગભગ દોઢ કિલોમિટર દૂર વસ્તી હતી. દરેક ટ્રેન આ સ્ટેશને થોભતી નહીં. માત્ર પેસેંજર ગાડીઓ જ થોભતી. ગાડી આવવાની ઘંટડી વાગતાં જ હું દોડીને સ્ટેશન પર પહોંચી જતો. હું ત્યાં માણસોને જોવા જતો. તો શું અમે ડેપોના કર્મચારીઓ માણસ્સ નહોતા? ના, અમે ચાવીથી ચાલનારા ઢીંગલા હતા. એના એ જ ચહેરા, એના એ જ અવાજો. ડેપોસાહેબની એ જ દાઢી, અમારી એકબીજા સાથેની સ્મિતની એ જ આપ-લે અને એ જ નફરત. હું સાચા મનુષ્યોને જોવા ટ્રેન પર જતો હતો. જાતજાતના પુરુષો, રંગ-બેરંગી સાડીઓ પહેરેલી સ્ત્રીઓ, પ્યારાં પ્યારાં બાળકો. એ પાંચ મિનિટમાં મારી બધી ઉદાસી ચાલી જતી. હું પ્રફુલ્લિત થઈ જતો. હું દુનિયા સાથે જોડાતો. માણસને માટે સાચા માણસોને જોવાનું કેટલું જરૂરી છે.

બીજી ચીજ જેણે મને દુનિયા સાથે જોડી રાખ્યો હતો એ હતું છાપું. છાપું વાંચવાની મારી ટેવ હતી. હું મારા એ ઓછા વેતનમાંથી પણ છાપું ખરીદતો હતો. નાગપૂરથી નીકળતા દૈનિક વર્તમાનપત્ર ‘હિતવાદ’ને મં પૈસા મોકલી આપ્યા હતા. આ છાપું મને ટપાલ દ્રારા મળી જતું. હું એ છાપું ધ્યાનપૂર્વક આખું વાંચી જતો. બીજા વિશ્વયુદ્ધ વિશે હું જાણકારી મેળવતો અને ઘટનાઓ ડાયરીમાં નોંધતો. બધા મોરચા અને બધી લાઈનો મને ૧૯૪૫ સુધી યાદ હતાં. સિગફ્રિડ લાઈન, મેનિનાર લાઈન, ડંકર્ક, પર્લ હાર્બર. હું યુદ્ધનો એક કુશળ સંચાલક બની ગયો હતો. આજે પણ મને ૧૯૩૯થી ૧૯૪૫ સુધીની યુદ્ધની રોજ વાંચેલી વાતો યાદ છે. મને યાદ છે મ્યુનિક પૅક્ટ પર પંડિત જવાહરલાલ નહેરુ એ તરત ટીકા કરી હતી. ‘The munic pact is diverted against the Soviet Union’ (મ્યુનિક સંધિ રશિયાની વિરુદ્ધ તકાયેલી છે.) ફ્રાંસ અને બ્રિટને હિટલરને સમર્પણ કરી દીધું હતું અને ઘણું ખરું પૂર્વ યુરોપ હિટલરને આપી દીધું હતું. આ રીતે ફાસિસ્ટ મૂડીવાદ અને લોકશાહી મૂડીવાદ રશિયન સામ્યવાદની વિરુદ્ધ થઈ ગયા હતા. બ્રિટન અને ફ્રાંસ સમજ્યા હતાં કે ફાસિસ્ટ હિટલર અમને છોડી દેશે પણ હિટલરે હુમલો કર્યો.

તાકુ ફૉરેસ્ટ ડેપોના જીવન વિશે ‘ગર્દિશ કે દિન’માં લખ્યું છે. ‘મેટ્રીક થયો. જંગલ વિભાગમાં નોકરી મળી. જંગલમાં સરકારી ટપરીમાં રહેતો. ઈંટો ગોઠવી તેના ઉપર પાટિયું મૂકી પથારી કરતો. ઉંદરોએ જમીનને પોલી કરી દીધી હતી. આખી રાત ઉંદરો નીચે ધમાચકડી કરતા રહેતા અને હું સૂઈ રહેતો. ક્યારેજ ઊંદરો ઉપર આવી જતા તો ઊંઘ ઊડી જતી પણ હું ફરી સૂઈ જતો. ધમમચકડી કરતા ઉંદરો પર હું છ મહિના સૂતો.

બિચારો પરસાઈ. ના, ના હું ખૂબ મસ્ત હતો. આખો દિવસ કામ. સાંજે જંગલમાં ફરવા જવાનું પછી હાથે બનાવેલું પેટ ભરીને ખવાયેલું ભોજન – શુદ્ધ ઘી અને દૂધ.

‘અને ઉંદરોએ ઘણો ઉપકાર કર્યો, અવી ટેવ પાડી દીધી કે આગળની જિંદગીમાં જાતજાતના ઉંદરો મારી નીચે ઉધમ કરતા રહ્યા, સાપ સુદ્ધાં સરકતા રહ્યા પણ હું પાટિયાં ગોઠવી તેમના ઉપર સૂતો રહ્યો છું, ઉંદરોએ જ નહીં, મનુષ્યનામી વિંછીઓ અને સર્પોએ પણ મને ડંખ દીધા છે. પણ ‘ઝેરનિવારણ’ મને પહેલેથી જ મળી ગયું હતું. આથી ‘બિચારા પરસાઈ’ ની વેળા જ ન આવવા દીધી. તે જ ઉંમરથી મને દેખાડાની સહાનુભૂતિ પ્રત્યે બેહદ નફરત છે. હમણાં પણ એવા દેખાડાની સહાનુભૂતિવાળાઓને ડંખ મારવાની ઈચ્છા થાય છે પણ અટકી જાઉં છું, નહિં તો કેટલાયે શુભચિંતકો માર ખાઈ જાય.’

અનુ. શાંતિલાલ મેરાઈ

હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ વ્યંગકાર સ્વ. શ્રી હરિશંકર પરસાઈની સ્મરણકથા ‘हम एक उम्र से वाकिफ हैं’ ના છઠ્ઠા પ્રકરણ ‘ગાંધીજી રસોઈ ઘર મેં’ નો અનુવાદ..


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “સ્મરણકથા.. – હરિશંકર પરસાઈ, અનુ. શાંતિલાલ મેરાઈ