ગતાંકથી આગળ…
૧૯૧૭ સુધીમાં અમારો મત્સ્યોદ્યોગ પૂરપાટ ચાલવા લાગ્યો હતો. એક સહકારી સંસ્થા અમે સ્થાપી હતી; કામ કરનાર દરેક માણસને પગાર ચૂકવવામાં આવતો હતો. મહિને દસ પેસોથી શરૂ કરીને ધીમે-ધીમે વીસ પેસો સુધી પગાર અપાતો હતો. પગાર ચૂકવતાં જે કંઈ બચતું એ ડિવિડન્ડ તરીકે ચૂકવી આપવામાં આવતું. પહેલાં તો સાધનસામગ્રી માટે મોટા ભાગનું રોકાણ મેં જ કરેલું, પણ જેમ-જેમ લોકો પાસે રકમ એકઠી થતી ગઈ, તેમ-તેમ એ લોકો પણ ખુશીથી પોતાની રકમ રોકવા લાગ્યા. ડિવિડન્ડ ચૂકવતાં પણ જે રકમ બચતી એના ચાલીસ ટકા મને મળતા. હું કોઈ પગાર લેતો ન હતો, એટલે એ રકમ વ્યવસ્થાપકના ભાગ તરીકે મને મળતી. બાકીની સાઠ ટકા રકમ, દરેકે કુલ જેટલા કલાક કામ કર્યું હોય, તેના પ્રમાણમાં કર્મચારીઓમાં વહેંચી દેવામાં આવતી હતી. જેમ-જેમ વર્ષો વીતતાં ગયાં, તેમ-તેમ મેં ચાલીસમાંથી ત્રીસ ટકા, અને પછી તો વીસ ટકા રકમ જ લેવાનું રાખ્યું. પૈસો કમાઈ શકવાનો મને ગર્વ પણ થતો હતો, પણ મારે પૈસાનો ભાગ્યે જ કંઈ ઉપયોગ હતો. કારણ કે મારા ઘર અને ભરણપોષણ માટે તો મારુ પેન્શન જ પૂરતું થઈ જતું હતું. આ નફો તો સાવ એક તરફ પડી જ રહેતો હતો.
જેણે પોતે બોટ બનાવવામાં મદદ કરી હોવાનું નમ્રતાપૂર્વક કહેલું, એ જોઝ ક્રૂઝ તો અમારી કંપની માટે એક મોટી અસ્ક્યામત સાબિત થયો હતો. અમારા માટે માછીમારીની પહેલી બોટ મનિલાથી મોકલવામાં આવી હતી, પણ એ પછીની બધી જ બોટ બનાવવામાં દેખરેખ રાખવાની જવાબદારી જોઝે પોતાના માથે લઈ લીધી હતી. એક ખાસ્સી મોટી મોટરબોટ, અને બીજી કેટલીયે હલેસાવાળી નાની-નાની બોટ અમે બનાવી હતી. નાની બોટ મારા ઘરની નજીકના અખાતમાં ગોઠવેલી મોટી-મોટી જાળ સુધી પહોંચવા માટે અમે વાપરતા હતા.
અહીં ટાપુ પર માછલી પકડવી બહુ આસાન હતી. વાંસમાંથી બનાવેલી જાળ, ગોળાકાર તારની જાળની જેમ પાણી પર ગોઠવાઈ જતી. જાળને એક છેડે, અંદર પ્રવેશવા માટેની જગ્યા રાખવામાં આવતી હતી. માછલી એમાંથી અંદર પ્રવેશ કરતી. એક ગળણી જેવા સાંકડા ભાગમાંથી પસાર થઈને આગળ જતાં વાંસના માળખામાં ફસાઈ જતી, જેમાંથી છટકવું મુશ્કેલ હતું. હાથની જાળ વાપરીને અંદરના માળખામાંથી બહાર કાઢી, માછલીને બોટ પર લઈ લેવામાં આવતી.
કામ પરના એક-એક માણસને હું ઓળખતો થઈ ગયો હતો. એમની તાગાલોગ ભાષા તો હું કડકડાટ બોલી લેતો હતો. ખપ પૂરતી વિસાયન ભાષા પણ મેં શીખી લીધી હતી. યુવાનો તો અંગ્રેજી ભાષામાં જ બોલતા હતા, કારણ કે અમેરિકન કબજા પછી શાળાઓમાં અંગ્રેજી જ શીખવવામાં આવતી હતી.
જોઝ ક્રૂઝ અને એની દિકરી મારીયા મારા ઘરની નજીક જ એક નાનકડા ઘરમાં રહેતાં હતાં. અહીં આવતા પહેલાં જ જોઝની પત્ની મૃત્યુ પામી હતી. જોઝને મારીયાની બહુ જ ચિંતા રહેતી હતી. જો કે સારવારની મારીયા પર સાનુકૂળ અસર થઈ રહી હતી, અને એને ટાપુ પરથી બહાર જવા મળે એવી તજવીજ જોઝ કરી રહ્યો હતો. પછી ભલેને એ પોતે અહીં એકલો જ રહી જાય!
સેન્ટિઆગો બ્રિલાસ, વિક્ટર કેબિઝન અને રિકાર્ડો જેસિલ્ડો તો હજુ યુવાન હતા. ત્રણેય અપરિણીત હતા. એમનો રોગ પણ હજુ પ્રાથમિક અવસ્થામાં જ હતો. એ બધા જ ઉત્તમ કર્મચારીઓ હતા, પણ ક્યુલિઅનની બજારમાં આખો દિવસ રખડતા રહેવાને કારણે કંઈક નવું શરૂ કરવાની વૃત્તિનો એમનામાં અભાવ હતો. એમાંથી જેસિલ્ડો અને બ્રિલાસ તો વ્યવસાયે માછીમાર જ હતા. અમારી કંપનીમાં એ લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ ગયા. જાળ ગોઠવવા માટે સારી જગ્યા શોધી કાઢવામાં એ લોકો બહુ ખપમાં આવ્યા.જાળ પાથરવાના કામમાં પણ એ લોકો માહેર હતા.
ફ્રાન્સિસ્કો ઉમાલી ચાળીસીમાં હશે! એ અને એની પત્ની બંને રક્તપિત્તના દરદી હતાં. રોગે એના પર બહુ જ ઝડપી અસર કરી હતી. એટલે જ જાળની જવાબદારી અમે તેને સોંપી હતી. એની પત્ની પણ કામમાં જોડાઈ ગઈ હતી, અને બંને મળીને જાળની સારી સારસંભાળ રાખતાં હતાં. અને ક્યારેક માછલીઓનો મોટો જથ્થો હાથ લાગી ગયો હોય, તો એને સાફ કરવા પણ લાગી પડતાં.
અમારો બહુ જ મહત્વનો સભ્ય તો હતો ફેડરિકો આરંગ. એકદમ શુદ્ધ દાનતનો, અને શક્તિશાળી માણસ! પૂરી લગનથી એ કામમાં લાગી પડતો. કામે લાગવાની સાથે જ આશ્ચર્યજનક રીતે સારવાર એના પર કામ આપવા માંડી હતી. ડૉક્ટરો પણ એને અહીંથી છૂટવા મળશે એવો સધિયારો આપતા રહેતા. એની પણ આરંગ પર સારી અસર થઈ. એ ટાપુ છોડીને જાય તો અમને ઘણું નુકસાન થઈ શકે એમ હોવા છતાં, એને બહાર જવા મળે એની અમે કાગડોળે રાહ જોતા હતા.
આપઘાતના વિચારોથી, પાગલપણાથી, કે પછી ક્ષીણ થવાથી બચી જવાય એ માટે મેં તો આ વ્યવસાય શરૂ કર્યો હતો. આ ત્રણ જ વાસ્તવિક શક્યતાઓ મારી પાસે બચી હતી, અને વિંટન પણ એ જાણતા હતા. કદાચ આ વ્યવસાયમાં જોડાયેલા બીજા માટે પણ આ જ ખરી વાસ્તવિકતા હતી. લગભગ પચાસેક લોકો માટે પૂર્ણકાલીન, કે પછી અંશકાલીન કામ હતું અમારા વ્યવસાયમાં, અને આવકની રકમ મોટાભાગે કોલોનીની બહાર પત્ની કે બાળકો સુધી પહોંચતી હતી. પેલા ત્રણેય અપરિણીત કર્મચારીઓએ એમના ઘરમાં ભોજન બનાવનાર, કપડાં ધોનાર અને સફાઈકામ કરનાર બીજા લોકો અને તેમની પત્નીને પૂર્ણકાલીન કામ આપ્યું હતું. આ તો હજુ પાશેરામાં પહેલી પૂણી હતી, પણ એનાં સારાં પરિણામો બહાર આવવા લાગ્યાં હતાં. બધા ડૉક્ટરો એક અવાજે કહેતા હતા, કે અમારી સફળતા જોઈને સ્ટોર અને બીજા વિભાગોમાં, અને દરદીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા બીજા વ્યવસાયોમાં પણ સ્ફૂર્તિ આવી ગઈ હતી.
મારા માનવા મુજબ આ બધી જ સફળતાનું શ્રેય કેરિટાને મળવું જોઈએ. અમારી જાળ જોવા માટે, માછલીઓનો જથ્થો આવે તેને, અને એ માછલીઓને સાફ થતી જોવા માટે પોતાના વિદ્યાર્થીઓને એ લઈ આવતી. શાળામાં જઈને એ બીજા અધ્યાપકોને વાત કરતી, એટલે બીજા અધ્યાપકો પણ પોતાના વિદ્યાર્થીઓને લઈને આવતા! ફિલિપાઇન્સના મત્સ્યોદ્યોગ અંગે શાળામાં વિદ્યાર્થીઓને શીખવવાનું આવે ત્યારે અમારી કંપની જ એમનો વર્ગ ખંડ બની જતી હતી!
બાળકોને તો અહીં આવીને એટલી બધી મજા પડી જતી હતી! બાળકો આવે ત્યારે એમની મુલાકાતની યાદગીરી લેખે એમને કંઈક આપવાની મારી ઇચ્છા હતી, એટલે લાકડામાં કોતરણી કરનાર બ્રૂનો ઇન્ટોંગ નામના કારીગર પાસે મેં વહાણની નાની-નાની પ્રતિકૃતિઓ તૈયાર કરાવી હતી. અહીં આવતાં છોકરા-છોકરીઓને હું એ ઈનામમાં આપતો. બાળકો અહીંની મુલાકાત વિશે નિબંધ લખતાં, અને શિક્ષકો એમાંના શ્રેષ્ઠ નિબંધને એ બોટ ઈનામમાં આપતા. આમ આ રીતે પણ વસાહતમાં અમારા કામની જાણ થતી રહેતી, અને સફળતાની સાથે-સાથે નવા-નવા લોકો કામ માટે અરજી કરતા થયા. એ બધાનો સમાવેશ તો અમે કરી શકતા નહોતા, પણ એમનાં નામ અને લાયકાતની એક યાદી મેં બનાવી રાખી હતી. ડો. વિંટન પાસે એ યાદી રજુ કરવામાં આવતી. વસાહતમાં જ્યાં જરૂર હોય ત્યાં એ યાદીમાંથી લોકોને કામ પર રાખવામાં આવતા. લોકોને કામનું વળતર આપવામાં આવે એની પણ ડૉ. વિંટન કાળજી રાખતા.
નિયમિત સારવાર લેતા લોકોમાં એક ખાસિયત મેં જોઈ હતી. કામ વિના બેઠેલા લોકોમાં નિરાશા બહુ આસાનીથી વ્યાપી જતી હોય છે. એની સામે મેં એ પણ અનુભવ્યું હતું, કે ઉત્સાહપૂર્વક કામ પર લાગી ગયેલા લોકોનું શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું.
અને એ સમયગાળામાં જ, અમને પહેલવહેલી ‘શરતી-મુક્તિ’ મળી. વસાહતના ત્રીસ લોકોને ‘નેગેટિવ’ ઘોષિત કરવામાં આવ્યા! એટલે કે એમનો રોગ આગળ વધતો અટકી ગયો હતો, અને એ લોકો હવે જોખમી ન હતા! આ ત્રીસેય લોકોને જૂના દેવળની નીચેના ‘નેગેટિવ હાઉસ’મા અલગ રાખવામાં આવ્યા હતા. વિંટને મને કહ્યું, કે એ લોકોના સાજા થવાનું શ્રેય એ પોતે નથી લેતા, કારણ કે એમાંના મોટાભાગના લોકો તો અચાનક જ સાજા થઈ ગયા હતા. બીજા રોગોની માફક, રક્તપિત્ત પણ કેટલીક વખત આપમેળે જ ગાયબ થઈ જતો હોય છે. એટલે વૈદ્યકીય દૃષ્ટિકોણથી આ શરત-મુક્તિનું કોઈ મહત્વ ન હતું. હા, રક્તપિત્તના દરદીના દૃષ્ટિકોણથી આ બાબતનું જરૂર મહત્વ હતું! પહેલી વખત આટલું મોટું જૂથ એકસાથે મુક્ત થઈ રહ્યું હતું. આનાથી અમને એક વાતની ખબર પડી, કે એવું નથી કે રક્તપિત્તનો દરદી એક વખત અહીં આવે, એટલે હંમેશ માટે એણે અહીં જ રહેવું પડે! એ દરદી પણ રક્તપિત્તમાંથી મુક્ત થઈને પોતાને ઘેર પરત જવાની આશા રાખી શકે છે. અને બહારના જગતમાં પાછો ફરેલો માણસ, પોતાની સાથે એક સંદેશ પણ લઈ જઈ જાય છે, જેને કારણે બીજા દરદીઓ પણ ફરજ પાડ્યા વગર સારવાર માટે અહીં આવવા માટે પ્રેરાશે! આવું થાય, એ ખૂબ જ જરૂરી હતું, કારણ કે મોટાભાગે એવું બનતું હતું, આરોગ્ય અધિકારીઓએ દરદીઓને બળજબરીપૂર્વક જ લાવવા પડતા હતા. અને એવા સમયે કેટલાયે અધિકારીઓ ગંભીર રીતે જખ્મી પણ થતા હોય છે.
આવા ખુશીના પ્રસંગે વસાહતીઓને ઉજવણી કરતા રોકી પણ કેમ શકાય! વસાહતીઓ દ્વારા એ ત્રીસેય ભાગ્યશાળીને ખૂબ ધામધૂમથી વિદાય આપવામાં આવી!
*
એમને લઈને ગયેલી બોટ પાછી ફરી ત્યારે એમાં બેસીને એક નવો માણસ ક્યુલિઅન આવ્યો હતો. વૉલ્ટર સિમ્પસન નામનો એ અમેરિકન, સ્પેનિશ યુદ્ધમાં ભાગ લઈ ચૂક્યો હતો. મારા માટે તો આ એક આનંદની વાત હતી. એ ટાપુ પર બરાબર સ્થાયી થયો, એટલે હું એને મળવા પહોંચી ગયો. મારા કરતાં ઉંમરમાં એ મોટો હતો. એના વાળ રેતી જેવા પીળા રંગના હતા. શરીરે તો એ સ્વસ્થ દેખાતો હતો, પણ મનથી એ ખૂબ જ હતોત્સાહ થઈ ગયો હતો. એને ઉત્સાહમાં લાવવા મારાથી બનતું બધું જ હું કરી છૂટ્યો, પણ એ કેમેય કરીને મારી સાથે ખૂલીને વાત કરવા તૈયાર ન થયો. એ પેન્સિલ્વેનિયાનો હતો, રોગ દેખાયા પહેલાં સાત વર્ષ સુધી એ અમેરિકામાં રહ્યો, અને અહીં આવતા પહેલાં એ સેબુમાં હતો! બસ એના વિશે આટલી જ ભાળ મને મળી શકી! એક બીજી બાબત પણ અમારી વચ્ચે સરખી હતી. અમે બંને ઇજનેરીનું ભણ્યા હતા, પણ અમે ભાગ્યે જ કોઈપણ બાબત પર હૃદયપૂર્વક સહમત થઈ શકતા, અને બંને એકબીજા કરતાં બીજા ફિલિપિનો મિત્રોને વધારે પસંદ કરતા હતા!
થોડા સમય સુધી તો સિમ્પસને કોઈ જ કામમાં રસ ન લીધો. એમાં એનો કોઈ વાંક હોય, એવું પણ મને લાગતું ન હતું. માછીમારીના ઉદ્યોગમાં એને સોંપી શકાય એવાં કામ હતાં તો ખરાં, પણ એ કામ ખાસ કોઈને આકર્ષિત કરી શકે એવાં ન હતાં. તે ઉપરાંત, અમારા સ્વભાવ પણ ઘણા જુદા હતા. થોડા સમય સુધી તો મેં એનો સંપર્ક ન કર્યો. પણ એ એક અમેરિકન હતો, એટલે થોડા-થોડા દિવસે ટોમસ સાથે કોઈ વાનગી હું એને મોકલાવતો. ધીરે-ધીરે એ વધુને વધુ મૈત્રીભાવ બતાવતો થયો. મને લાગે છે કે, કોઈની સાથે મૈત્રી કેળવવી એ એના સ્વભાવમાં જ ન હતું.
*
બલાલા ટાપુ પર સ્થાપેલા વાયરલેસ સ્ટેશન દ્વારા કોઈપણ સમાચાર અમારા સુધી બહુ ઝડપથી પહોંચી જતા હતા. ૧૯૧૭ સુધીમાં અમને ખબર પડી ગઈ હતી, કે અમેરિકા યુરોપિયન યુદ્ધમાં સામેલ થવાની તૈયારીમાં હતું.
એક દિવસ હું અને જેસિલ્ડો માછલી સાફ કરતા હતા. લાંબી ચૂપકી પછી અચાનક એણે પોતાની સામે ટેબલ પર પડેલી પોમ્પેનો માછલી ઉપર પોતાના હાથમાં રહેલા ભારેખમ ચાકુથી જોરદાર વાર કર્યો. માછલીના શરીરમાંથી આરપાર થઈને ચાકુની ધાર ટેબલમાં ઊંડે સુધી ઘૂસી ગઈ.
“હું સાજોસમો હોત તો કેટલું સારું થાત! જો અમેરિકા યુદ્ધમાં સામેલ થવાનું જ હોય, તો મારે પણ ભાગ લેવો છે એમાં!”
થોડા દિવસો પછી હું વસાહતના સાર્વજનિક સભાગૃહમાંથી બહાર નીકળવા જતો હતો, ત્યાં જ નીચેના રસ્તા પરથી બૂમો સંભળાઈ. કતારબંધ લોકો મોટાં-મોટાં પગથિયાં પર હાંફતાં-હાંફતાં ફલાંગો ભરીને ઉપર આવી રહ્યા હતા. કતારની મોખરે હતો એક યુવાન, ઉપર આવીને એ ઊંડા-ઊંડા શ્વાસ લેવા લાગ્યો.
“અમેરિકાએ જર્મની વિરુદ્ધ યુદ્ધ જાહેર કરી દીધું છે!”
એની વાત સાંભળીને માથે પહેરેલી ટોપીઓ ઉછાળીને લોકો દેકારો કરવા લાગ્યા. સામેની શેરી ચીરતાં પોલ રેવર નામના એક છોકરાએ સાઇકલ પર આવીને ‘પ્રેસિડેન્ટના હુકમથી’ જાહેર કર્યું કે…” અડધા કલાકમાં નાટયગૃહ પાસે રેલી નીકળશે.” રસ્તાઓ પર ઝંડા દેખાવા લાગ્યા હતા. લાઇબરટેડ બજાર જતા ટોળા સાથે હું પણ ભળી ગયો. એક ખુલ્લા સભાગૃહમાં અમે આવી પહોંચ્યા. સભાના એક ખુણે મંચ બનાવવામાં આવ્યો હતો. મંચની સામે મૂકેલા લાકડાના બાંકડા ભરાઈ ગયા હતા. બાંકડાની બાજુમાં પણ લોકો ખીચોખીચ ઊભા હતા. પાદરી કેનિટ, રક્તપિત્ત મંડળના પ્રમુખ, ફાધર મેરિલો અને મંડળના અન્ય કેટલાક સભ્યો મંચ પર ઉપસ્થિત હતા. ડૉ. વિંટન એમની સાથે જોડાયા એટલે લોકોએ એમનું જોરદાર તાળીઓ સાથે સ્વાગત કર્યું. વસાહતનું બેંડ વાગવું શરૂ થઈ ગયું. પ્રમુખે નેતાને ઇશારો કર્યો, અને બધાએ “ધ સ્ટાર સ્પેંગલ્ડ બેનર” ગાવું શરૂ કર્યું. હું, રક્તપિત્તનો એક દરદી, વતનથી દસ હજાર માઇલ દૂર અહીં ઊભો રહીને મારું રાષ્ટ્રગીત ગાતો હતો! મારા ગળે ડૂમો ભરાઈ આવ્યો!
હું એ વિચારી રહ્યો હતો, કે આખા અમેરિકામાં આનાથી વધારે મહત્વની કોઈ સભા અત્યારે ભરાઈ હશે ખરી કે!
અમે ફિલિપાઇનનું રાષ્ટ્રગીત ગાયું. ફાધર મેરિલોએ પ્રાર્થના કરી. પછી પ્રમુખ ઊભા થયા. ફિલિપિનો લોકો જન્મજાત વક્તા હોય છે. એમને ભાષણ આપવા મળે એટલે બીજું કંઈ ન જોઈએ! પાદરી કેનિટે બહુ જ ધીમા અવાજે અને ટૂંકમાં, પરંતુ પ્રભાવશાળી ભાષણ આપ્યું.
“આપણે હદપાર લોકો, આપણી આ પરિસ્થિતિમાં આપણા પાલક દેશને કસોટીની આ ઘડીમાં બીજું તો શું આપી શકીએ! પણ સદભાવનાનાપ્રતીક રૂપે, અને અમારી જાતને મદદ કરવા માટે પણ, આપણી સેવામાં અત્યારે કાર્યરત છે એવા થોડા ડોક્ટર અને નર્સને અમેરિકાની સેવામાં આપવા માટે આપણે મુક્ત કરી શકીએ.”
ઉત્સાહની એ ઘડી પૂરતા અમે બધા જ, દુશ્મનને હરાવવા કટીબદ્ધ એવા અમેરિકન લશ્કરના એક ભાગ બની રહ્યા! પણ પછી એ પૂર તો ઓસરી ગયું, અને શરૂ થઈ એ અવશ્યંભાવી પ્રતિક્રિયા! હું તો હિંમત જ હારી ગયો! લોકો મારી આસપાસ એકઠા થઈને જાતજાતના સવાલો પૂછતા હતા, -તમે અમેરિકન છોને? જર્મનીને હરાવવામાં અમેરિકાને કેટલો સમય લાગશે? અમેરિકન સૈન્યમાં અત્યારે કેટલા સૈનિકો હશે? બીજા કેટલા નવા સૈનિકો ઉમેરાવાની આશા છે? જર્મનીની સબમરીન, જળસેના અને વાયુસેના કેવી છે? એમનો સામનો કરવા માટે અમેરિકા પાસે કયા હથિયારો છે? હું શક્ય એટલા જવાબો આપતો જતો હતો. પણ મને આશ્ચર્ય તો એ વાતનું થતું હતું, કે આ લોકો પાસે કેટલી અધધ માહિતી હતી! દુનિયા એમને માટે સાવ ખતમ નહોતી થઈ ગઈ! એવો એક પણ માણસ અહીં મોજુદ ન હતો, જેને આ યુદ્ધમાં અમારા વિજય થવા અંગે એક તસુ જેટલી પણ શંકા હોય! સવાલ માત્ર એટલો જ હતો કે કેટલો સમય લાગશે વિજય મળતાં!
*
સાવ અજાગ્રતપણે જ, મારા મન પરનો ભાર ઓછો થતો ગયો. સભામાંથી પાછા વળીને ઘર તરફના રસ્તે ચાલતાં હું વિચારતો હતો, કે ફિલિપિનો લોકોનો આ મિજાજ કેવો અદ્ભૂત છે! સોળ વર્ષો પહેલાં અમે એમની સામે લડી રહ્યા હતા; અને આજે અમે એમના જ દેશમાં રહીને એમના પર રાજ કરી રહ્યા છીએ. અને છતાં, આજે કસોટીના સમયે અમે એકબીજાના સાથીદાર હતા!
પહેલી વખત મુક્તિ-કરારનું વેચાણ જાહેર થયું, ત્યારે બધાની સાથે મેં પણ એ ખરીદવાનું નક્કી કર્યું હતું. મને જાણવા મળ્યું હતું, કે સો પેસો એકઠા કરી શકે એમ હોય એ બધા જ લોકો મુક્તિ-કરાર ખરીદી રહ્યા હતા. એ પોસાય એવું ન લાગે તો એકથી વધારે લોકો ભેગા થઈને સો પેસો ભેગા કરીને પણ મુક્તિ-કરાર ખરીદતા હતા. કરાર એક વ્યક્તિના નામે આપવામાં આવે, અને અન્ય લોકોને એમના ભાગની રકમની પહોંચ મળે! ક્યુલિઅનના રક્તપિત્તિયા પણ વિશ્વયુદ્ધમાં પોતાનો ફાળો નોંધાવી રહ્યા હતા!
*
રાષ્ટ્રીય સુરક્ષાના અધિકારી હોવાના નાતે ટોમને લશ્કરમાં ભરતી વેળાએ થોડી અગ્રતા મળતી હતી. અને ભરતીની સાથે જ એને લેફ્ટેનન્ટનો હોદ્દો પણ મળી ગયો હતો. પત્ર દ્વારા મને એની જાણ થાય એ પહેલાં તો એ સમુદ્ર પર સવાર થઈ ચૂક્યો હતો.
“આપણે સાથે લશ્કરમાં જઈ શક્યા હોત તો કેટલું સારું થાત, નેડ! આપણા કુટુંબને ગર્વ મળે એ રીતે હું મારા હાથમાં ધ્વજ ઊંચો પકડી રાખીશ! જેમ બીજા પાછા ફરે છે, એમ યુદ્ધ જીતીને હું ચોક્કસ પાછો ફરીશ! અને ન ફરું, તો પણ જેનની તારે ચિંતા નહીં કરવી પડે, એટલો વિશ્વાસ રાખજે. શિકાગોની સંગીત શાળામાં એ મુખ્યશિક્ષિકા છે, અને હું ધારું છું કે સારું કમાય છે. મને કંઈ થઈ જશે, તો તને જાણ કરવામાં આવશે. મેજર થોમ્પસન સાથે મેં એની ગોઠવણ કરી લીધી છે. બીલ પણ બીજા લોકોની જેમ ખુશ છે. એ પણ લશ્કરના મેડિકલ એકમમાં પાછો જોડાઈ ગયો છે.”
એ પછી કેટલાયે સમય પછી એક નાનકડી ચિઠ્ઠી ફરીથી મળી. ટોમ ફ્રાન્સમાં હતો. એની રેજિમેન્ટ થોડા સમયમાં જ લડાઈમાં જોડાવાની હતી.
ફરી એક લાંબા સમય સુધી શાંતિ, અને પછી બીલ તરફથી એક ચિઠ્ઠી મળે છે. ટોમ પહેલી લડાઈમાં જ મૃત્યુ પામ્યો છે.
મારા પર તો જાણે આભ તૂટી પડ્યું! ટોમના મૃત્યુને કારણે મારા વિચારો ફરી-ફરીને ઘર તરફ વળતા હતા. મારાં અહીંના છેલ્લા કેટલાંક વર્ષો તો એટલાં વ્યસ્તતામાં વીતેલાં, કે મારી પહેલાંની જિંદગી વિશે વિચારવાનો મને કોઈ અવકાશ જ રહ્યો ન હતો! હવે અચાનક જ ઘરના વિચારો મને સતાવી રહ્યા હતા! કલાકો સુધી હું પહેલાંનાં વર્ષોને યાદ કરતો બેઠો રહેતો, ત્યારે હું એક વાત તો સાવ ભૂલી જ જતો હતો, કે ત્યાં બધું કેટલું બદલાઈ ગયું હશે! ટોમ, મારી મા, જેન, મેબલ, અરે ત્યાં સુધી કે મારા પિતાજીને પણ મળવાના દિવા સ્વપ્નમાં હું રાચતો રહેતો! એ સ્વપ્નો ભૂતાવળની જેમ મારો પીછો છોડતાં ન હતાં, કારણ કે જેન અમે મેબલને બાદ કરતાં, બીજાં બધાં તો મૃત્યુનો અંચળો ઓઢીને પોઢી ગયાં હતાં!
એ દિવસોમાં કેરિટા જ મારો એક માત્ર સહારો બની રહેતી હતી. મોટાભાગનો સમય અમે સાથે જ વિતાવતાં હતાં.
ધીરે-ધીરે એણે મારા વિચારોને ક્યુલિઅન તરફ પાછા વાળ્યા. આ ક્યુલિઅન હવે મારા માટે ઘરથી પણ વિશેષ હતું.
(ક્રમશઃ)
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.