કોઈ અંગ્રેજી શબ્દનો સાચો સ્પેલિંગ કે અર્થ જાણવો હોય તો તમે શું કરશો? અંગ્રેજી ડિક્શનરીના પાનાં ઉથલાવશો. ભારત કે અમેરિકા કે ટિમ્બકડુ વિષે કોઈ માહિતી જોઈતી હોય તો તમે શું કરશો? જરૂરી રેફરન્સ બુક હાથમાં લેશો. ડિક્શનરી, એનસાઇક્લોપીડિયા, થિસોરસ, ડિરેક્ટરી જેવા ગ્રંથો મુદ્રણની શોધ થઈ તે પહેલાં પણ હયાત હતા જ. પણ ત્યારે એમનું સ્વરૂપ હસ્તલિખિત હોવાને કારણે એમનો પ્રચાર બહુ ઓછો હતો. મુદ્રણ આવ્યું અને સાથોસાથ આ પ્રકારનાં પુસ્તકોનો પ્રસાર-પ્રચાર વધતો ગયો એટલું જ નહીં તેનું વૈવિધ્ય પણ વધતું ગયું. મોટા ભાગનાં પુસ્તકો સળંગ વાંચવા માટે હોય છે, જ્યારે રેફરન્સ બુક્સ – સંદર્ભ ગ્રંથો સળંગ વાંચવાં માટે સામાન્ય રીતે નથી હોતા, પણ જ્યારે જરૂર ઊભી થાય ત્યારે માહિતિ મેળવવા માટે ઉપયોગમાં લેવાતાં હોય છે.
શબ્દકોશ, વિશ્વકોશ, સૂચિઓ, જીવનચરિત્રાત્મક સૂચિઓ, ભૌગોલિક સંદર્ભ ગ્રંથો, વાર્ષિકી પંચાગ, વ્યવસાયિક માહિતી આપતાં પુસ્તકો, નક્શાપોથીઓ, આંકડાકીય પુસ્તકો વગેરે પ્રકારનાં પુસ્તકોને સાધારણ રીતે સંદર્ભગ્રંથો – રેફરન્સ બુક્સ – તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ મુદ્રણની પ્રગતિ થતિ ગઈ તેમ તેમ રેફરન્સ બુક્સનો પણ વિકાસ થતો ગયો. લખાણ ઉપરાંત આકૃતિ, ફોટા, નકશા વગેરે ઉમેરાયાં, બહુરંગી મુદ્રણ થવા લાગ્યું, બહુ વપરાતા હોય અને જ્યાં માહિતી વખતોવખત બદલાતી હોય ત્યાં દર બે – ચાર વર્ષે નવી નવી આવૃતિઓ પ્રગટ થવા લાગી. વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો, સંશોધકો, સંપાદકો, લેખકો, પત્રકારો વગેરેને કોઈને કોઈ રેફરન્સ બુકની મદદ લીધા વગર નહીં ચાલે એવું બન્યું. બધા સંદર્ભ ગ્રંથો ઘરમાં વસાવવાનું શક્ય ન હોય એટલે પુસ્તકાલયોમાં રેફરન્સ બુકસના અલગ વિભાગો થયા. કૈ માહિતિ ક્યા સંદર્ભ પુસ્તકોમાંથી મળી શકે એની જાણકારી ધરાવતા રેફરન્સ લાઈબ્રેરિયનનો અલગ વર્ગ ઊભો થયો.
પણ છેલ્લાં થોડાં વર્ષથી આ બધું ઝડપથી બદલાવા લાગ્યું છે. છાપેલી રેફરન્સ બુકનાં વપરાશ અને વેચાણ ઘટતાં જાય છે. કેમ? લોકો હવે માહિતીની ચોકસાઈ નથી કરતા? કરે છે, પણ તે માટે ઇલેકટ્રોનિક અને ડિજિટલ સાધનોનો ઉપયોગ વધતો જાય છે. કંઇ નહીં તો ત્રીસ વર્ષની નીચેની ઉંમરની પેઢી તો છાપેલ ડિક્શનરી કે એનસાઈક્લોપીડિયા વાપરવા કરતાં કમ્પ્યુટર પર જ તે જોઈ લેવાનું પસંદ કરે છે. ખાસ કરીને અંગ્રેજીમાં તો અનેક ડિક્શનરી, એનસાઈક્લોપીડિયા, સૂચીઓ વગેરે વીજાણુ માધ્યમમાં સહેલાઈથી મળે છે, આ લખનાર પાસે એકથી વધારે અંગ્રેજી ડિક્શનરી છે, પણ હવે સ્પેલિંગ કે અર્થ માટે તે ઉથલાવવા કરતાં ઓનલાઈન ડિક્શનરીનો જ ઉપયોગ કરવાનું બને છે.
ડિક્શનરી ડૉટ કોમની વેબસાઈટ પર જઈ ‘વોટર’ શબ્દ સર્ચના બોક્સમાં ટાઈપ કરતાં જ જુદી જુદી દસ ડિક્શનરીઓમાં આપેલી ‘વોટર’ શબ્દવિષેની માહિતી પલકારામાં સ્ક્રીન પર આવી જાય છે. તેમા સર્વસામાન્ય – જનરલ – ડિક્શનરીઓ ઉપરાંત મેડિકલ અને સાયન્સ ડિક્શનરીમાં આપેલા અર્થો, ઉપયોગ વગેરે પણ આવી જાય છે. શબ્દોનો ઉચ્ચાર સાંભળવાની સગવડ પણ છે જ. ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટમાં પણ ઉચ્ચાર આપ્યો હોય છે.જ્યાં સુધી માત્ર પી.સી.- પર્સનલ કમ્પ્યુટર હતું ત્યાં સુધી આવાં સાધનોના ઉપયોગને મર્યાદા નડતી હતી. પણ હવે લેપટોપથી માંડીને કિન્ડલ સુધીમાં સાધનો સુલભ થતાં છાપેલી રેફરન્સ બુક્સનો ઉપયોગ ઝડપથી ઘટતો જાય છે. કેટલાંક હેન્ડ હેલ્ડ સાધનોમાં તો બે હજાર જેટલાં પુસ્તકો સમાય છે જે તમે જ્યાં જાવ ત્યાં સાથે લઈ જઈ શકો છો અને ઈન્ટરનેટ દ્રારા ઓનલાઈન સાધનો તો મળી જ રહે. એટલે બનવાજોગ છે કે વકહ્ત જતાં છાપેલાં સંદર્ભગ્રંથો માત્ર મ્યુઝિયમમાં જોવા મળે. રેફરન્સ બુક્સની આવતી કાલ ઉજળી નથી, રેફરન્સ ટૂલ્સની આવતી કાલ સોનેરી છે.
– દીપક મહેતા
ગુજરાતિ ઇ-બુક્સ વધુ સુલભ બનવિ જોઇયે
સરસ વિષય…વાસ્તવિક હકીકત કહી શકાય….ખુબ સરસ રજૂઆત.અભિનંદન
સંદર્ભસુચી કે ગ્રંથમાં મૂખ્ય અગત્યતા ‘સંદર્ભ’ (રેફરંસ)ની છે.
પછી તે હસ્તલિખીત, છપાયેલ કે પછી આધુનિક ડિજિટલ
સાધનો દ્વારા પ્રાપ્ત હોય, સંદર્ભ (રેફરંસ) ની આવશ્યકતા
રહેવાની.
ડિજિટલ ક્રાંતિ આપણા જીવનમાં બહુ મોટા ફેરફાર લાવશે.
ભવિષ્યમાં કદાચ છપાયેલા છાપાં-મેગેઝીનો, પુસ્તકો, વ.
મ્યુઝીયમમાં જ જોવા મળે.
સંદર્ભ (રેફરંસ)ની ચર્ચા થાય ત્યારે પ્રકાશ વેગડ યાદ આવે.
બહુ અગત્યનો સુંદર વિષય લીધો.
અભિનંદન!
દિનેશ પંડ્યા
એક નવો જ વિષય ,, અને સરળ શબ્દોમાં આપનો લેખ ગમ્યો… હજેી પણ ઊંડાણપૂર્વકનું લખી શકાયું હોત..