ગતાંકથી આગળ…
ભાનમાં આવીને મેં મારા જીવનનું સહુથી ડહાપણભર્યું કામ કર્યું. મારા જીવનનો એક નકશો, એક રૂપરેખા હોવી જ જોઈશે! નહીં તો આંધળીભીંત થઈને આમ દોડ્યા કરવાથી તો મારો અંત જ આવી જવાનો હતો! અને મારો એવો અંત આવે, એ મને જરા પણ મંજૂર ન હતું. આખી સવાર હું આ જ વિચારો લઈને ઘરની આસપાસ રખડતો રહ્યો, બેચેનીવશ અને અસંતુષ્ટ! પણ હવે હું જરાયે ભયત્રસ્ત ન હતો. જે કાંઈ પણ મેં જોયું હતું, એનો સ્વીકાર મેં કરી લીધો હતો. હજુ હું હિંમત હાર્યો ન હતો, અને મારા મનને વશ કરવા માટે મારે કોઈક પ્રવૃત્તિમાં જોડાઈ જવું ખાસ જરૂરી હતું.
પણ આવી જગ્યાએ કરવા માટે કોઈ પ્રવૃત્તિ મળે પણ ક્યાંથી? ભોજન, કપડાં, દવા… બધું જ તો બેઠા-બેઠા મળી જતું હતું! કામ કરવા માટે કોઈ કારણ, કે પછી કોઈ તક પણ મળવી તો જોઈએને!
મનિલાથી બોટ આવી ગઈ હતી. મારો કે એનો પોતાનો કોઈ પત્ર આવ્યો હોય એની લાલચે ટોમસ ટાઉનહોલમાં તપાસ કરવા ગયો હતો. એ પાછો આવ્યો ત્યારે હું બીચ પર હતો. એની સાથે એક અજાણી વ્યક્તિ હતી. એમનું નામ મિ. હડસન હતું. એ પ્રોટેસ્ટન્ટ પંથના એક પાદરી હતા. ક્યુલિઅનમાં એ હમણાં જ આવ્યા હતા, અને મનિલા જતા પહેલાં થોડા દિવસ અહીં રોકાવાના હતા. કંઈક ચિંતાના ભાવ સાથે એ આવ્યા અને મારી સામે તાકી રહ્યા. મને લાગ્યું કે ફાધર મેરિલોએ મારી સાંચો સાથેની મુલાકાત વિશે એમને કંઈક કહ્યું હશે.
“આપને મળીને મને ખૂબ આનંદ થયો.” મેં એમને કહ્યું.
અમે થોડી વાર વાતો કરતા રહ્યા. એ કેન્સાસથી આવ્યા હતા. અમારી વચ્ચે જાણે અચાનક જ ગાઢ પરિચય બની ગયો.
“આવતી કાલે મારી સાથે મોટરબોટમાં ટાપુ ફરતે એક નાનકડી સફરે આવવાનું ફાવશે કે તમને?”
“જરૂર ગમશે મને.” મેં જવાબ આપ્યો.
“તો ભલે, કાલે બપોરે ભોજન બાદ મળીએ આપણે, ધક્કા પર મળીએ.”
બીજા દિવસે હું ધક્કે પહોંચ્યો ત્યારે એ મારી જ વાટ જોતા હતા. બલાલાથી એમણે એક બોટ મંગાવી હતી.
અખાતની અંદરના ભાગેથી અમે નીકળ્યા. અમારી સામે નાન-નાના ટાપુઓનો એક સમુહ દેખાતો હતો. ટાપુઓની વચ્ચે થઈને આમ-તેમ ફરતાં આખરે અમે ખુલ્લા ચાઇના-સીની અંદર પહોંચ્યા. કિનારા પર હવે બહુ જૂજ નીપા રહેઠાણો દેખાતાં હતાં. એ રહેઠાણો રક્તપિત્તના દરદીઓની વસાહતનો જ એક ભાગ હતાં. થોડા રહેવાસીઓ ત્યાં રહેતા હતા. અઠવાડિયે એકાદ વખત સારવાર અને ભોજનસામગ્રી માટે તેઓ વસાહતમાં આવી જતા. ઘરની બાજુમાં જ માછલી પકડવા માટે એકાદ નાનકડી જાળ એમણે બાંધી રાખી હતી.
વળતી વેળાએ કોરોન ટાપુની અસાધારણ સુંદરતા જોઈને હું ખૂબ જ પ્રભાવિત થઈ ગયો.
ટેકરીઓની કરાડમાં છેક આખી લંબાઈ સુધી ઊંડી ધારીઓ દેખાતી હતી. દરિયાના પાણી અને હવાના સતત ઘસારા ક્ષણે-ક્ષણે પત્થરોનો આકાર બદલવામાં વ્યસ્ત દેખાતા હતા. જાડી-જાડી ડાળીઓવાળા વૃક્ષોએ પાંખી માટીમાં પણ પોતાના મૂળ પૂરતી જગ્યા શોધી લીધી હતી. વિરાટ ખડકોનું વિઘટન કરીને લીલીછમ વનરાજીમાં તેના પરિવર્તન દ્વારા આ ટાપુનું સ્વરૂપ સતત બદલાતું રહ્યું હતું. નવા ખૂણેથી પ્રવેશતું સૂર્ય કે ચંદ્રનું દરેક કિરણ, એના પરથી પસાર થતું એક-એક વાદળ કે પ્રત્યેક નવો વંટોળ એના ખડકાળ આકારને નવું રૂપ બક્ષતા હતા!
“તમને મન છે કોરોન પર જવાનું?” હડસને પૂછ્યું.
“જવાશે આપણાથી? મને તો બહુ જ ગમશે જવું. પણ ત્યાં જવું શક્ય છે ખરું?”
“એક જગ્યા છે,” એમણે કહ્યું. “કે જ્યાંથી બહુ મુશ્કેલી વગર આપણાથી ચડી શકાશે.”
થોડીવાર સુધી અમે ટાપુની સમાંતરે પસાર થતા રહ્યા. નજર પહોંચી શકે ત્યાં સુધી, પાણીમાંથી નીકળીને સેંકડો ફૂટની ઊંચાઈ સુધી પહોંચતા ખડકો વચ્ચે એવી કોઈ જગ્યા નજરે પડતી ન હતી, જ્યાં કોઈ કાળા માથાનો માનવી પત્થરો કોતરીને પગથિયાં જેવું બનાવી શક્યો હોય!
“આ લો, આપણે પહોંચી ગયા.”
ખડકમાં એક જગ્યાએ અમારી નાનકડી બોટ જ પસાર થઈ શકે એટલી સાંકડી જગ્યા હતી. બંને બાજુએ ઉપર ઝળુંબતા ખડકો વચ્ચે ગોળ-ગોળ ફરતાં અમે પસાર થયા. એ તડ સિવાય ચારે બાજુ ઊંચા-ઊંચા ભયાનક ખડકો જ દેખાતા હતા. એ સાંકડી જગ્યા વચ્ચે લગભગ પચાસેક વાર મુસાફરી કરીને અમે ખડકોથી ઘેરાયેલા એક અખાતમાં અમે પ્રવેશ્યા.
મારો શ્વાસ રોકાઈ ગયો. હડસને મોટરબોટ બંધ કરીને એને આપમેળે ચાલે એટલી ચાલવા દીધી. એક સ્મિત સાથે એ મને જોતા રહ્યા. મારા આશ્ચર્યને એ સમજી શકતા હતા!
“માનવું અશક્ય લાગે છે, નહીં?”
“હા,” મેં જવાબ વાળ્યો. “આટલા અપ્રતિમ સૌંદર્યની હું કલ્પના પણ કરી શક્યો ન હોત!”
અત્યંત નિર્મળ અને શાંત જળ! ઊંચા ખડકો વચ્ચે ઉપર નજર કરતાં દેખાતા આકાશ જેવા નીલા રંગનું પારદર્શી જળ! જળરાશીમાં નજર કરીએ તો કાળા-ધોળા-લાલ રંગના પરવાળાંનું નાનકડું એક જંગલ જેવું નજરે પડે! પરવાળાંની રંગબેરંગી શાખાઓ વચ્ચેથી ગરમ પ્રવાહોની માછલીઓની અંદર-બહાર થઈ રહેલી આવ-જા! જાણે કાળા અને સોનેરી અને વાદળી અને લાલ રંગનાં હરતાં-ફરતાં મેઘધનુષ જ જોઈ લો!
એક મોટા વૃક્ષની લટકતી ડાળીઓ નીચે થઈને અમે આગળ વધ્યા. જ્યાં જગ્યા મળે ત્યાં ખડકો ઉપર વૃક્ષનાં મૂળીયાંએ સ્થાન જમાવ્યું હતું.
“ત્યાં ઉપર જુઓ.”
શોધતાં મને થોડી ક્ષણો થઈ. વૃક્ષની એક ડાળી સાથે મજબુત રીતે ચોંટેલું એક મોટું ઑર્કિડ!
“આ… આ હકીકત નથી જ!” મેં કહ્યું. “સ્વર્ગનું વર્ણન કરવું હોય તો બસ આ જ હોઈ શકે, ઓ મહાપુરુષ!”
“હજુ બીજું પણ કંઈક હું બતાવવાનો છું.”
અમારી બોટ કિનારાથી દસ ફૂટ દૂર જ હશે! ખડકોને કારણે વધારે નજીક જવું શક્ય ન હતું.
“થોડું પગે ચાલવું ગમશે કે?”
“ચોક્કસ!”
“તો પછી જૂતાં ઉતારી નાખો, અને સાથે લઈ લો. ત્યાં ધારદાર પત્થરો પર એના વગર ચાલી નહીં શકાય.”
બોટનું નાનકડું લંગર નાખીને એ પાણીમાં ઉતર્યા. હું એમને અનુસર્યો.
અમે કિનારે પહોંચ્યા. કિનારો શું કહીએ એને! પેલી સાંકડી જગ્યા ફેલાઈને અહીંયાં કિનારા સ્વરૂપે ઊભરી આવી હતી. અહીંથી ચઢાણ શરૂ થતું હતું. ચઢાણ કપરું હતું, પણ એ મને ઉપર અને ઉપર દોરતા ગયા. જમીન પર હાથ ટેકવતાં-ટેકવતાં અમે ઉપર ચડતા ગયા. વચ્ચે થોડી-થોડી વારે સપાટ જગ્યા આવતી રહેતી હતી.
“આ સપાટ જગ્યાએ સાચવીને પગ મૂકજો,” એમણે મને ચેતવ્યો. “આ ધોવાણ છેક જમીનની અંદર સુધી ફેલાયેલું છે. તમારું વજન ટેકવતા પહેલાં બરાબર ચકાસજો. જમીન તૂટશે તો ખબર નહીં તમે ક્યાં જઈ પહોંચશો. એક લોકવાયકા મુજબ અમેરિકન યુદ્ધજહાજ પરથી કેટલાક માણસો અહીં કોરોન પર ઉતર્યા હતા, અને રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. ફરી ક્યારેય હાથ ન લાગ્યા! છાપાંમાં એના વિશે બહુ વિગતવાર છપાયું હતું. એ જહાજ પર એ સમયે મોજુદ હતો એવો એક માણસ પણ મને મળ્યો હતો. એના કહેવા મુજબ આ એક સત્યઘટના હતી. એ ઘટના બની પણ હોય, અને ન પણ બની હોય! પણ તમે પગ મુકતા પહેલાં જરા ધ્યાન રાખજો. એ લોકો ખરેખર જો અદૃશ્ય થઈ ગયા હોય તો આવું જ કંઈક બન્યું હશે.”
એ મને ખડક પર દોરી રહ્યા હતા. પંદર-વીસ મિનિટ સુધી ચડ્યા પછી સીધા થઈને મેં સામે નજર કરી. વાદળી રંગનો એક મોટો ટુકડો, આકાશમાંથી ખરી પડ્યો હોય, અને કોરોનના ખડકોએ એને ઝીલી લીધો હોય એવું અદ્ભૂત દૃશ્ય મારી સામે દેખાતું હતું.હડસનના મોં પર ફરીથી સ્મિત ફરી વળ્યું.
“હું તમને આ જ બતાવવા ઇચ્છતો હતો. આટલી ઊંચાઈએ આવું સરોવર જોવા મળવું એ ખરેખર આશ્ચર્યજનક છે, નહીં! આ સરોવરની ઊંડાઈ કોઈએ માપી નથી હજુ સુધી. અને આ ટાપુ પર આવા ત્રણ સરોવર છે!”
અમે ચાલતા-ચાલતા સરોવરની પાળ સુધી પહોંચ્યા. એક મોટા ખડક પર બેસીને કોરોન ટાપુના આ ખડકોના શિખરે બિરાજમાન આ જળાશયને નિહાળી રહ્યા. અમાપ ઊંડા આ ઘેરા નીલા રહસ્યમય જળરાશીમાં કંઈક ભયપ્રેરક તત્વ મોજુદ હતું. એ પથરાળ વેરાન પ્રદેશ પર નજર દોડાવતાં મારા શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું.
*
બોટ તરફ પાછા ફરતી વેળાએ અડધા રસ્તે અમે પહોંચ્યા હોઇશું, ત્યાં એક દૃશ્ય જોઈને હું ઊભો રહી ગયો. મારી નજર ખડકની કરાડમાં ઊગી નીકળેલા એક વિશાળ વૃક્ષની ડાળીઓ પર પડી. કરાડ પર ઊગી નીકળેલું એ વૃક્ષ નીચેની ખીણ પર ઝળૂંબી રહ્યું હતું.
“શું છે ત્યાં?” હડસને પૂછ્યું.
“એક વાદળી રંગનું ઑર્કિડ. અત્યાર સુધીમાં મેં જોયેલામાં સૌથી નાનું ઑર્કિડ છે આ!” આંગળી ચીંધીને મેં એમને ઑર્કિડ બતાવ્યું.” મારે એ મેળવવું જ રહ્યું.
“એવી હિંમત ન કરો તો સારું. ડાળી એટલી જૂની છે, કે જો એ તૂટી તો તમે બચશો નહીં…!”
“પણ ગમે તેમ કરીને મારે એ મેળવવું જ રહ્યું!”
હું વૃક્ષ પર ચડીને એ નાજુક ફૂલ સુધી પહોંચી શકાય એટલે દૂર સુધી ડાળી પર પહોંચી ગયો. એના સૌંદર્યની નજાકતે મારો શ્વાસ ચડાવી દીધો હતો.
નીચે આવીને મેં એ ફૂલ હડસનના હાથમાં મૂક્યું. એમણે હથેળીમાં આમતેમ ફેરવીને ફૂલનું ઉત્સુક્તાથી બરાબર નિરીક્ષણ કર્યું.
“મને લાગે છે કે કોઈક નવી જ જાતિ છે, નેડ. હું પોતે એક વનસ્પતિશાસ્ત્રી છું, પણ મેં આ પ્રજાતિ ક્યારેય જોઈ નથી. મને મનિલા લઈ જવા માટે તમે આપશો આ? કદાચ આપણે તમારું નામ પણ આની સાથે જોડી શકીએ!”
મેં નીચે નજર કરી. ખડક વચ્ચેની તિરાડમાંથી નીચે નીલરંગી દરિયાકિનારા પાસે લાંગરેલી અમારી બોટ દેખાતી હતી. મારી અંદર કોઈક પ્રકારનો ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો. સૌંદર્ય… ચારે તરફ પથરાયેલું અસીમ સૌંદર્ય… ક્યુલિઅન ટાપુ પર ફેલાયેલી યાતનાઓની પશ્ચાદભૂમાં ફેલાયેલું આ સૌંદર્ય…!
દરિયાની વચ્ચોવચ પહાડની ઘસાઇ ગયેલી સપાટીઓને કારણે આ ઊભરી આવેલું સૌંદર્ય શક્ય બન્યું હતું! ઘસાયેલા પત્થરો દિવસે પ્રકાશના કિરણોને શોષીને એને વિવિધ રંગે પરાવર્તિત કરીને એક જાદુઈ સૃષ્ટિનું નિર્માણ કરતા હતા.
અચાનક મને યાદ આવી ગયાં મેં જોયેલાં એ દેવળો, મંદિરો અને રાજમહેલો… વિધ્વંસ થયેલી એ ઇમારતોના અવશેષો ભગ્નતામાંથી પણ કેવું સૌંદર્ય પ્રગટાવી રહ્યા હતા! તો પછી, માણસ પણ શા માટે પોતાના વિનાશમાંથી એક નવું સર્જન ન કરી શકે!? માનવીય ભગ્નાવશેષોમાંથી શા માટે હંમેશા કુરૂપતાનું જ સર્જન થાય? મને સતત પીડી રહેલા, મારા જ સવાલોના જવાબો આપમેળે મને મળી રહ્યા હતા!
હું જરૂર કંઈક શોધી કાઢીશ, કોઈક પ્રવૃત્તિ! ખાલીપાથી ભરેલા દિવસોને છેતરીને ચોક્કસ હું કંઈક કરીશ! હું સૌંદર્ય પ્રગટાવીશ! મારા આ નીલરંગી ઑર્કિડને સ્થાન આપી શકે એવું એક ઉદ્યાન હું જરૂર ખીલવીશ!
*
નવા વિચારોમાં વ્યસ્ત મન લઈને હું ક્યુલિઅન પાછો ફર્યો. આજ સુધી મેં માત્ર મારા ઘરની ચોખ્ખાઈ અને સુખસગવડ, કે પછી ફળિયાની સાફસફાઈ સુધીનું સીમિત કાર્ય જ નક્કી કર્યું હતું. પણ હવે મેં મારા એ બંને કાર્યોને કઈ રીતે વિકસાવી શકાય, એનો વિસ્તાર કઈ રીતે વધારી શકાય એ વિશે ધ્યાન આપવાનું શરૂ કર્યું. છેક દરિયાકિનારા સુધી જઈને મેં જમીન પર લીટીઓ દોરવાનું શરૂ કર્યું. અહીં, આ કિનારા પર હું નાળિયેરીની ઊંચી હારમાળા રોપીશ. એવી રીતે, કે જેથી એમનાં સીધાં અને પાતળાં થડ વચ્ચેથી હું આ અખાત અને ક્યુલિઅનથી પણ આગળના ટાપુઓને જોઈ શકું! સવારના આકરા તડકા, કે પછી દરિયાઈ વંટોળિયાના પ્રકોપ સામે એ વૃક્ષો અમારું રક્ષણ કરશે! ઝાડી-ઝાંખરાં સાફ કરીને અમે એ કામની શરૂઆત તો કરી દીધી જ હતી. હવે બીજા ઝાડી-ઝાંખરાંની પણ સફાઈ કરી દઈશું.
મારા નકશામાં લોનની વચ્ચોવચ મેં એક ફ્લેમ ટ્રી માટે નિશાની કરી. રોજ સવારે ઊઠતાંવેંત એની અગ્નિજ્વાળા જેવી ટોચને હું જોઈ શકું, એવું દૃશ્ય મેં કલ્પ્યું હતું. ઘર અને દરિયાકિનારા વચ્ચેના બે આંબા તો હવે રાખવા જ પડશે! વાડને તો હું એવી રીતે ઉપરથી ઢાંકી દઈશ કે જાણે લાલ-પીળાં જાસૂદની જ વાડ ન હોય! અને ફળિયાના ખૂણામાં તો હું જૂના હાથીદાંત જેવા સુંવાળા અને ખુશબુથી તરબતર ફ્રેંગીપની જ વાવીશ! હું અને ટોમસ જંગલી ઑર્કિડ શોધવા માટે ટેકરીઓ પાછળના જંગલોમાં ફરી વળીશું. આગળના વરંડામાં લટકાવેલાં કૂંડાંમાં એને વાવીશું. અને એ બધાની વચ્ચે વાવીશું મારું વાદળી વાદળી ઑર્કિડ! વરંડાની કિનારીએ એર-પ્લાંટની જાડી-જાડી ડાળીઓ લટકશે, એની જિજીવિષા તો જુઓ, કે વળગવા માટે એને જમીન પણ ન જોઈએ! કોઈ વૃક્ષના થડના આધારે પણ લટકી રહે! સાવ નાજુક, અને છતાં પણ કેટલી તાકાત, એક જરા જેટલો આધાર જોઈએ બસ! થોડા તારના આધારે એ લટકી રહેશે, અને એના ઘાટ્ટાં લીલાં પાંદડાં ઠંડકનો કેવો આભાસ ઊભો કરશે!
પાછળના ગ્રામ્ય વિસ્તારોમાં તાડનાં વૃક્ષોની ઘણી પ્રજાતિઓ ઊગતી હશે. અમે બંને ટેકરીઓની પેલે પાર જઈને નાનાં-નાનાં છોડ લઈ આવીને અમારા શયનખંડની બારી પાસે રોપી દઈશું. સૂકી ઋતુમાં ગરમીભરી રાતે એનાં પાંદડાં હલશે અને ધરતી જ્યારે શેકાઈને પાણી-પાણીના પોકારો કરતી હશે ત્યારે એ પાંદડાં વરસાદના અવાજનો આભાસ ઊભો કરી દેશે! છાપરા ઉપર અને વરંડામાં પેલી ચમકતી બોગનવેલ… અહીંના વર્ષાવનમાં તો એ વૈભવી વસ્તુ ગણાય! એના જાંબલી અને લાલ, અને વળી પેલા સિંગાપોરથી આવેલાં કહેવાય છે એ કાંસાના રંગનાં ફૂલોની ભભક! પેલા પૂરા પાંચ ફૂટ ઊંચા પોઇન્સેટિઆ લાલ ભડક રંગના ફૂલો ખીલવશે!
અને આ મકાનને પણ થોડું ફેરવવું પડશે, જો કે ખરેખર ફેરવવાનું નથી! રસ્તા તરફ પડતી આ બાજુને હું ઘરનો પાછળનો હિસ્સો બનાવી દઈશ. અને અહીં, ફૂલોની ક્યારી કરીને એમાં શાકભાજી ઉગાડીશ!
આટલું આયોજન કર્યું ત્યાં તો ટોમસ ભોજન પીરસવા આવી ગયો. બપોર કંઈ ખાસ બન્યા વગર પસાર થઈ ગઈ.
“જો, અહીં આવ ટોમસ. મારી ઇચ્છા છે કે, આપણા ઘરને હજુ વધારે સારું બનાવવું. એના માટે શું કરવું પડશે એ તું સાંભળ.”
ઉત્સાહપૂર્વક સામે ઊભા રહીને એકેક વૃક્ષ અને છોડની વાત એણે સાંભળી. હું બોલતો જ રહ્યો, બોલતો જ રહ્યો. એને વારાફરતી પગ બદલતો જોઈને મને એની વધતી જતી ચિંતાનો ખ્યાલ આવ્યો, એટલે હું ચૂપ થઈ ગયો.
“હા, સાહેબ, પણ મને લાગે છે કે મગ કદાચ સાવ જ બળી જશે!” એના નમણા ચહેરા પર દુઃખના ભાવો છલકતા હતા. હું ગુસ્સામાં બરાડ્યો. મગ બળી જશે…! જેમ મારી હાજરીમાં મારા પિતાએ એક નાનકડું રજવાડું બાંધેલું, એમ અહીં હું મારું રજવાડું બનાવી રહ્યો છું, અને આ ટોમસ એના રજવાડામાં મગ બળી જવાની ફરિયાદ કરી રહ્યો છે…
“હે ભગવાન! આ મારા આખા બકવાસ સુધી તું મગ બાફવા મૂકીને ઊભો છે?”
“હા સાહેબ, મગ તો એની પણ પહેલા બાફવા મૂકી દીધા હતા.”
“અરે ભાગ, ટોમસ! મગ સંભાળ પહેલાં.” મગ કોરા થઈ ગયા હતા, પણ બળ્યા ન હતા એ જોઈને ટોમસ ખૂબ જ ખુશ થઈ ગયો. હું પાછો મારી રમતો, મારા કામ અને મારા સપનાઓમાં ખોવાઈ ગયો. મારી જાત એ ત્રણેય વચ્ચે વહેંચાઈ ગઈ હતી.
*
ઘરમાં મારે જે ફેરફારો કરવા હતા, એમાં બેઠકખંડ દરિયાની બરાબર સામે આવે એવું મારું આયોજન હતું. ઘર અને દરિયાની વચ્ચે લોન બનાવવાની હતી. ધરમૂળથી ફેરફાર કરવાનું આયોજન હતું. મોડી રાત સુધી હું કામ કરતો રહેતો. દીવાલો તોડતો રહેતો અને નવી ઊભી કરતો રહેતો! અલબત્ત, કાગળ ઉપર અને મારા સપનાઓમાં જ! મારા મગજમાં એક આયોજન એવું હતું, કે બારીઓ ખોલ્યા પછી બચતો દીવાલનો ભાગ પણ નીચે ઊતરી જાય! જેથી કરીને બારીઓ જ્યારે પૂરેપૂરી ખોલી નાખીએ, ત્યારે કમરાની ત્રણ બાજુઓ સાવ ખુલ્લી થઈ જાય! ઘરના આગળના ભાગમાંથી છેક પાછળ સુધીનો એક વિશાળ દિવાનખંડ, અને આ ખંડમાં અમારા શયનખંડનું બારણું ખૂલે એવું આયોજન! ટોમસ માટે ઘરની નીચેના ભાગે એક અલગ કમરો બનાવીશું. પોતાનો આગવો અંગત કમરો મળવાની વાતે ટોમસ તો બહુ જ ઉત્સાહમાં આવી ગયો, ખુશ થઈ ગયો હતો! એના કમરામાં માટીની નક્કર ભોંય રાખીશું, એથી ફિલિપાઇનની સ્વચ્છતાની સહજવૃત્તિને પણ એમાં અવકાશ રહેશે. ઘરની અંદરના ભાગ કરતાં એનો કમરો વધારે ઠંડો હશે. કપડાં ધોવા માટે લઈ જવાનું ધોબણને કહી દઈશું, એટલે સામાન ભરવા સિવાયના આખા ઘરને ટોમસ પોતાની મરજી મુજબ ગોઠવી શકશે!
મારા શયનખંડની સામે મેં એક બાથરૂમનું પણ આયોજન કર્યું. અત્યારે તો એ એક કલ્પનાથી વિશેષ ભાસતું ન હતું, પણ તે છતાંયે મેં એને આયોજનમાં રાખ્યું. થોડે આગળ, શયનખંડની પાછળના ભાગે વિશાળ પરસાળની પાસે એક બારણું છેક રસોડામાં ખૂલે!
મકાનનો નકશો પૂરો થયો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું, પણ મારો આત્મવિશ્વાસ વધી ગયો હતો. આખો ટાપુ ગર્વ લઈ શકે એવું એક મકાન હું બનાવવાનો હતો!
બીજા દિવસની સવારથી જ અમે કામ શરૂ કરી દીધું. ફળિયાને લોન અને વૃક્ષોથી ભરી દેવામાં ટોમસને ખાસ કંઈ રસ પડતો ન હતો! ફિલિપાઇનના મૂળ વતનીની જેમ એને તો મેદાન સાફ કરી નાખવામાં જ રસ હતો! અને તે છતાં, એનાથી બનતી બધી જ મદદ કરવા એ તૈયાર હતો.
અમે સાફસૂફી શરૂ કરી. રાત ટુંકી અને વેશ ઝાઝા જેવો ઘાટ હતો. કચરો વધારે હતો અને કામ ધીમે થતું હતું. જમીન ખૂબ જ કઠણ હતી. અને તે છતાં પરિણામ મેળવવા સુધી પહોંચવાની મેં કમર કસી હતી.
ડૉ. વિંટન તરફથી ચિઠ્ઠી આવી હતી. એ કામકાજમાં ડૂબેલા હતા, પણ થોડા દિવસમાં આવવાના હતા. ચિઠ્ઠી આવ્યાને એકાદ અઠવાડિયું વીતી ગયા પછી એ આવ્યા. ફળિયામાંનું ઘણુંખરું ઘાસ હવે સાફ થઈ ગયું હતું. જમીન સ્પષ્ટ જોઈ શકાતી હતી. ઘર પાસે ઊભા રહીએ તો દરિયો અને કિનારો પણ હવે તો સ્પષ્ટ દેખાતા હતા.
“અરે વાહ, આ તો બહુ સરસ થઈ ગયુંને!” આશ્ચર્યથી એ બોલી ઊઠ્યા.”બહુ કામ કર્યું છે તમે તો, નહીં!”
મેં એમને મારી યોજનાની વાત કરી. પણ મારી વાતો સાંભળીને એ સંતુષ્ટ ન થયા. એમને તો પોતાની આંખે મારા નકશા જોવા હતા. એ નકશા તપાસતા હતા ત્યારે મનોમન પ્રાર્થના કરતો હું એમની સામે જોઈ રહ્યો હતો. આયોજન મુજબ આગળ વધવું મારા માટે ખૂબ જરૂરી હતું, અને એમાં એમની મદદની મારે ખાસ જરૂર હતી.
“બહુ જ સરસ છે આ! તમારી આ જગ્યા તો ભાઈ, ટાપુ પરનું જોવા લાયક સ્થળ બની જશે! મને આમાં કોઈ મુશ્કેલી નથી દેખાતી. તમે આ કરી જ શકશો. કામકાજ પૂરું થઈ જાય પછી આપણે બંને ઘરની અદલાબદલી કરી લઈએ તો કેવું!”
“બાથરૂમ…” હું પૂછતાં અચકાતો હતો, કારણ કે મને લાગતું હતુંકે કદાચ આ શક્ય નહીં બને. પણ છેવટે મેં હિંમત કરી. “બાથરૂમ માટે નજીકમાં પાણીની વ્યવસ્થા છે ખરી કે? તમને શક્ય લાગે છે ખરું કે?”
“ચોક્કસ! પ્લાનમાં નજર નાખતાંવેંત મેં વિચારી લીધું હતું. તમને એની ખબર નથી એવું તો તમે નથી કહેતાને ક્યાંક! રસ્તાના કિનારે-કિનારે બસ, થોડે ઉપર જતાં એક મોટું ઝરણું આવેલું છે. તમે વાપરો છો એ પાણી કદાચ ટોમસ ત્યાંથી જ લાવતો હશે! એ ઝરણા સાથે જોડીને તમે પાઇપ અહીં સુધી ખેંચી શકો. થોડું નીચેથી પાણી લાવવું સુરક્ષિત નહીં હોય, કારણ કે ત્યાં સ્ત્રીઓ કપડાં ધોવે છે. મારી સાથે આવો, આપણે જઈને જોઈ લઈએ.”
ઝરણું તો અમને મળી ગયું; નદીનો જ એક પ્રવાહ એ હતો. અને એની નીચેના ભાગમાં ડૉ. વિંટને કહ્યું એ પ્રમાણે ધોબણો કપડાં ધોતી હતી.
“જુઓ, છેને અઢળક પાણી. હવે રહી વાત તમારી લોનની. એ જો સૂકાઈ જશે તો પછી ફરીથી લીલીછમ નહીં થાય. એના માટે ઝરણાની નીચેના ભાગેથી બીજી પાઇપ દોડાવીને તમે ફૂલ-છોડને સીંચવા માટે પાણી મેળવીને વાપરી શકશો. ત્યાં પ્રવાહ પણ સારો છે. કપડા પણ ધોવાશે, અને તમારા બગીચા માટે પણ પૂરતો થઈ રહેશે.”
રોબિન્સન ક્રૂઝો તો મારી પાસેથી કોઈ પ્રેરણા લઈ શકે એમ ન હતો. હા, મને તેના તરફથી ઘણી પ્રેરણા મળી શકે એમ હતી. મારા આ નવા અવતારમાં હું અંદરથી જાણે રોબિન્સન ક્રુઝો હોવાનો અનુભવ કરી રહ્યો હતો, અને ટોમસ અહીં મારો ‘મેન ફ્રાઇડે’ની માફક જમણો હાથ બની રહ્યો હતો. અમે બંને સખત મહેનત કરવા લાગ્યા હતા. કેટલીયે વાર અમને નિરાશા પણ સાંપડી! પાર્ટીશન ઉતારતી વખતે અમને ખબર પડી, કે અહીં ટાપુ ઉપર જેનો બહુ જ ઉપદ્રવ હતો એ સફેદ ઊધઈને કારણે લાકડું તો ખવાઈને સાવ તૂટવા જેવું થઈ ગયું હતું! ઊધઈનો ત્રાસ અહીં એટલો હતો કે લગભગ બધી જ વસ્તુ એ ખાઈ જતી હતી. મજબૂતમાં મજબૂત લાકડાને પણ ફોલીને એ સાવ ખોખલું બનાવી દેતી! જરા હાથ લાગે અને ભરરર ભૂકો બનીને ખરી જાય! હા, નસીબજોગે નીપાના પાન ઉધઈને ભાવતા ન હતા, એટલે છાપરું સાજુસમું હોવાની મને ખાતરી હતી!
અમે ગુંથવાનું પણ શીખી ગયા. તાડીના પાંદડાંને ગૂંથવાની એ કળા ટોમસ થોડી ઘણી જાણતો હતો. આ કળામાં માહેર એવા થોડાં સ્ત્રી-પુરુષોને પણ હું મળ્યો. એમણે બહુ રાજીખુશીથી એમની કળા અમને શીખવી. શીખવવાના બદલામાં પૈસા લેવામાં પહેલાં તો એ લોકો અચકાતાં હતાં, પણ હું એમને આપી શકું એમ હતો એ જાણ્યા પછી ખુશીપૂર્વક એમણે થોડી કમાણી કરી લીધી.
અઠવાડિયાં ધીરે-ધીરે મહિનાઓમાં બદલાતાં જતાં હતાં. અમારા જીવનમાં ભાગ્યે જ કઈં ફેરફાર દેખાતો હતો. બહુ સરળ નિત્યક્રમ પ્રમાણે અમે જીવી રહ્યા હતા. મનિલાથી મારા માટે માલસામાન આવતો રહેતો. ડૉ. વિંટનની ધારણા મુજબ ટોમસ બહુ જ સારો મદદનીશ બની ગયો હતો. થોડું અહીંની સ્ત્રીઓ પાસેથી, અને થોડું, ખાસ કરીને અમેરિકન વાનગીઓ મારી પાસેથી, શીખીને એ રસોઈમાં નિપૂણ બની ગયો હતો. હંમેશા કોઈ ને કોઈ વાનગીના પ્રયોગો એ મારા પર કરતો રહેતો. ધીમે-ધીમે અમારું ભોજન અમેરિકન અને ફિલિપાઇન ભોજનનું મિશ્રણ બનતું જતું હતું. અમારા કપડાં ધોવાનું કામ મેં એક ધોબણને સોંપી દીધું હતું. ડૉ. વિંટન મને પેન્શન અપાવવામાં સફળ રહ્યા, એટલે આમાંનું મોટા ભાગનું શક્ય બન્યું હતું. ટોમને પત્ર લખીને મેં જણાવી દીધું હતું કે મારે હવે વધારે પૈસાની જરૂર નહીં પડે. (અમારા પત્રો ટાપુ પરથી બહાર જાય, એ પહેલા એને જંતુ રહીત કરી દેવામાં આવતા હતા.) અને છતાં, ક્રિસમસના ટાણે ટોમે બસ્સો ડૉલર મોકલી જ આપ્યા! એમાંથી મેં થોડું નવું ફર્નિચર અને બાથરૂમનાં સાધનો મગાવ્યાં, રસોડામાં અમે સિંક અને બાથરૂમમાં ફુવારો મુકાવ્યો. અમારી પોતાની જંતુનાશક ટાંકી બનાવી, જેથી પાણી ઉકાળ્યા વગર જ અમે વાપરી શકીએ. ટાંકીનું ઉષ્ણતામાન જ એ કામ કરી આપતું!
ફળિયાનું કામ ધીમે થતું હતું. અને છતાં પહેલા વર્ષના અંતે અમે ઘણું કામ કરી નાખ્યું હતું. પાછળના ભાગે આવેલા જંગલમાં મેં અને ટોમસે દિવસોના દિવસો ગાળ્યા હતા. વૃક્ષો અને બીજી વનસ્પતિનાં નાનાં-નાનાં છોડવાં અમે ઘેર લઈ આવતા. માટીમાં ખાડા ખોદીને ખભે ભરાવેલી કાવડમાં બબ્બે ડોલ ભરીને છોડવાં ઘેર લાવીને વાવી દેતા. કામ ધીમું થતું હતું, પણ અમારે ક્યાં કોઈ ઉતાવળ હતી! ખાતર અને અમારી માટીને અનુકૂળ હોય એવા ઘાસનાં બી અમે મનિલાથી મગાવતા. વરંડાથી શરૂ કરીને નાળિયેરીના પડછાયા સુધી લીલાછમ ઘાસની જાજમ છવાવી શરુ થઈ ગઈ હતી. નાળિયેરીનાં વૃક્ષો હજુ સાવ નાનાં જ હતાં, પણ એકદમ સ્વસ્થ દેખાતાં એ વૃક્ષોનાં મૂળ બરાબર જામી ગયાં હતાં. જાસૂદ તૈયાર થઈ ગયાંહતાં, અને વરંડાની બંને બાજુએ વાવેલી બોગનવેલ થાંભલીઓને વળગીને ઉપર ચડી રહી હતી. મારું ફ્લેમ ટ્રી જામી ગયું હતું. મા-બાપ પોતાના બાળકને ઉછેરે એટલાં જતનથી મેં એને ઉછેર્યું હતું. અને વરંડામાં સવારનો નાસ્તો કરવા બેસું ત્યારે ઊગતા સૂર્યનાં કિરણોને મારા મોં પર પડતાં રોકી શકે એટલી હદે ઊંચા એર-પ્લાંટ તો ઊગી ગયા જ હતા!
અને પેલા શાનદાર આંબા તો જુઓ! એની નીચેની કચરાપટ્ટી સાફ થઈ ગઈ એટલે જુઓ તો ખરા, ઘરમાંથી જોતાં દરિયાકિનારાનું કેવું ભવ્ય દૃશ્ય એ ઊભું કરી રહ્યા છે! મારા બગીચાની આ તો એક ગર્વ લેવા જેવી બાબત હતી. એના શીળા છાંયે અમે અમારા હાથે સફેદ રંગે રંગેલી થોડી ખુરશીઓ ગોઠવી હતી. ડૉ. વિંટલે એ ખુરશીઓ પર જંતુનાશક દવાનો છંટકાવ કરાવી આપ્યો હતો. મુલાકાતીઓ આવીને એમને માટે આરક્ષિત કરેલી એ ખુરશીઓમાંથી લઈ લે! હું અને ટોમસ ફરી એ ખુરશીઓને ક્યારેય સ્પર્શ્યા નહીં! વસાહતના અન્ય રહેવાસીઓ આવે તેમને પણ અમે એ ખુરશીઓ વાપરવાની ના પાડતા!
દરિયાકિનારે થોડા બાંકડા અમે ગોઠવ્યા હતા. સાંજે જમી-પરવારીને એ બાંકડે બેસીને હું તારા નિહાળતો રહેતો. કોરોનની ટેકરી ઉપર થઈને આકાશે ચડતો ચંદ્ર જોવો મને બહુ જ ગમતો. આજુબાજુના ખડકો ઉપર ચંદ્રપ્રકાશ ચાંદની બનીને ઓગળી જતો. હું એક નવી જ દુનિયામાં શ્વાસ લઈ રહ્યો હતો, ધીરે-ધીરે જીવતા શીખી રહ્યો હતો! આદિમાનવ જે રીતે ધીરે-ધીરે જીવન જીવતા શીખ્યો હશે, બસ એ જ રીતે કાંઈક! રાત અને દિવસ, રાત અને દિવસ… અને મહિનાઓના મહિનાઓ એમ જ પસાર થઈ રહ્યા હતા.
(ક્રમશઃ)
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.