એકલતા એટલે…
ભડકા વગરનો ધુમાડો,
ઓરડાની દીવાલો ઉપર લીપાયેલો,
દેખાય નહિ
પણ પળે પળે હાજરી પૂરાવે.
એ ન બળે પણ આંખ બાળે
એ છોડો ને છૂટો પણ આંસુઓને પાળે.
એકલતા એટલે…
ગયેલાંની લીલીછમ યાદોનો ડૂમો
મૌન રહેતી ન સંભળાતી બૂમો
ડૂમો તો ડૂસકે ડૂસકે વરસે,
પણ બૂમો!
એ તો બોલાશના પડઘાને તરસે.
એકલતા એટલે…
ભર ચોમાસે ભડભડ બળતું ખેતર
અષાઢમાં પણ આગ ઓકતો ચૈતર.
જેમ ઠારો તેમ વધારે ભડકો
ચાંદની રાતે વરસતો ભર બપોરનો તડકો.
એકલતા એટલે…
આપણાં પાળેલાં આપણને ટાળે તે.
આપણાં સીંચેલાં આપણને બાળે તે.
આપણે વાવેલાં વર્ષોને પાછાં ન વાળે તે.
એમના જીવનની ચાળણીમાંથી
આપણને ચાળે તે.
એમના સમયની ગળણીમાંથી
આપણને ગાળે તે.
એકલતા એટલે…
પોતીકા વચ્ચે
સાવ અજાણ્યા થઈને રહેવું,
ખળખળતી નદી મટી જઈ
બળબળતા રણ થઇ વહેવું,
ફરરર ફર્ર વર્ષો વીત્યાં પછી
એક એક શ્વાસનું ગણવું,
એકલા અટૂલા તાણા વડે
આયખાના શેષ જીર્ણ વસ્ત્રને વણવું.
એકલતા એટલે…
જીવતરની મટુકીમાંથી
“હોવાપણા”નાં માખણનું ઝૂંટાવું,
અમરતની ખાલી કુપ્પીમાં
વેદનાના વખનું ઘૂંટાવું.
એકલતા એટલે…
આંસુથી લથબથ થયેલાં ઓશીકાને વળગીને
વિતાવેલી લાંબી અંધારી રાત.
સાવ સમેટાઈને હાંસિયામાં ધકેલાઈ ગયેલી
કોઈ ફૂલગુલાબી વાત
એકલતા એટલે…
All is well ની છીપમાં
Nothing is good નું બંધાતું મોટી
ઊજળું ચિતરવાની મથામણમાં
બેરંગ થઇ ગયેલી જિંદગીની ધોતી.
એકલતા એટલે…
એક નવા નકોર દિવસને
ધૂંધળી થતી જતી સ્મૃતિઓથી ભરવો,
ધ્રૂજતા પગે. તૂટતા શ્વાસે,
એકલપંડે આયખાના દરિયાને તરવો.
એકલતા એટલે…
સમય પહેલાં જ ખાલી ભીંત પર
હાર પહેરેલી છબિ થઇ લટકી જવું,
ઓગળતી જતી કાયામાં,
ધમણની જેમ ધબકતા અસ્તિત્વનું બટકી જવું.
વ્હાલાંથી વીંધાવું
આંગળી વગર ચીંધાવું.
૬ x ૩ ની જગ્યામાં
સ્થિર થઇ જવાની ઘટનાનું
જિંદગીના રંગમંચ પર
રોજે રોજ ભજવાવું!
એકલતા!
– અરુણા ચોકસી
વડોદરામાં એક પ્રતિષ્ઠિત નાગરિક અને કવયિત્રી સુશ્રી અરુણાબેન ચોકસીની એક અછાંદસ રચના પ્રસ્તુત કરી રહ્યો છું, વિષય છે એકલતા. એકલતાની અનુભૂતિ સહુએ કોઈને કોઈ સમયે મેળવી હોય છે. લોકો એકાંત ઝંખે અને એકલતાથી દૂર ભાગતા હોય છે. એકલતા ખાસ કરીને વૃદ્ધોને બહુ સાલતી હોય છે અને તેમાં પણ જયારે તેમને તેમના સંતાનો ભગવાન કે વૃદ્ધાશ્રમને સહારે છોડી દે ત્યારે એકલતાની ભાવશૂન્યતા જીવતરને જાકારો આપવા લાગે છે. આ વર્તમાન સમયની એક ગંભીર સમસ્યા છે જેની માર્મિક રજૂઆત અરુણાબેને પ્રસ્તુત રચનામાં કરી છે. અક્ષરનાદને આ રચના પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો આભાર.
આપના સબ્દો મારા હ્ર્દય ને સ્પર્શિ ગયા. આપે લખેલા એક્લતા વિશે ના વાક્યો ખુબ ગમ્યા …….
‘એકલતા’ વાંચતા વાંચતા એકલતાને અનુભવી લીધી. ખુબ સુંદર રચના!
રક્ષા પટેલ
હ્યુસ્ટન, ટેક્સાસ
Really a heart touching poem.
“एकलता “,…..सरस ! वातो,मुद्दा, हकीकत कोई पोताना के अन्यना अनुभवों पर आधारित होई शके ! संवेदना माणवी….. एक ल्हावो …. बनी शके! सवाल अने फरक मात्र दृष्टिनो ….
एकांत … बनावी शकाय ….. प्रारब्धगत साधन,साधना ,संसाधनो उपलब्ध होय तो …
ખુબ જ સુંદર કાવ્ય. એકલતા નો સુંદર અહેસાસ કરાવે છે. ધન્યવાદ.
બહુ જ સુંદર ઊર્મિ કાવ્ય એકલતાની સુંદર મીમાંસા ખૂબ ખૂબ ધન્યવાદ સાથે અભિનંદન
ઉમાકાન્ત વિ મહેતા ( ન્યુ જર્સી)
સુન્દર રચના! અભિનન્દન અરુનાબેન .
સરસ કવિતા એકલતાનો અહેસાસ કરાવી જઈને મનની હળવાસ પ્રાપ્ત કરાવ જાય છે………
This is too much! Heart touching words and theme. I can understand this situation as I have spent many years as alone in life. Hopefully the Writer herself is not alone!
સરસ કાવ્ય.
“એકલતા”નો નિવારણ માર્ગ માનન્ય સુરેશ ભાઈએ
બતાવ્યો તે ખરેજ યોગ્ય ઉકેલ છે. જો એ માર્ગે જતા થઈએ તો
કહી શકીએ કેઃ”એકલતા” એ વળી કઈ બલા છે?.
ઍકલતાને વાચા આપતેી ર્હ્દય સ્પર્શેી રચના….વ્રુધ્ધોનેી અકળ એકલતાનેી અવ્યક્ત વેદનાને શબ્દરુપ આપતેી એક સમ્વેદનશેીલ ભાવનાત્મક કાવ્ય રચના…..
અરૂણાબેન,
એકલતાનું સચોટ અને હૃદયસ્પર્શી વર્ણન કરી એકલતાની સાચી વ્યાખ્યા કરવા બદલ આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
બહુજ સચોટ હ્રદય સોસરવુ નિકલિ જાય તેવુ અહિ એકલતનુ વર્ણન વાચવા મલ્યુ.
‘એકલતા’ કાવ્યના થોડાક શબ્દોમાં એક આખું મહાકાવ્ય ડુસકાય છે. સાગરની સપાટી પર દેખાતા થોડાક બરફ પરથી નીચેની મહાકાય હિમશીલાનો અંદાજ થઇ શકે છે. થીજેલું થોડું ક જળ અગાધ જળરાશીમાં કેટલું બધું એકલું અને અટુલું!? સમુદ્રજળ કરતાં થોડી હલકી પણ વધુ ઠંડી થઈ જાત સંકોરીને હિમશીલાને ડૂબવા તરવાનું એક સાથે થાય છે. અવ્યક્ત એકલતા જીરવતી ને જીવતી એવી કોઈ વ્યક્તિની વેદના સંસારમાં અન્ય શું જાણે!? અંગતની આગ અંતરમાં થીજે પછી એ જીવતરમાં જીવન ક્યાં? એકલતાની અનુભૂતિ અકળ છે; ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે’.
‘અરુણ’ શબ્દ સવારના સૂર્ય(અરુણ)ની કુમળી આગનો દ્યોતક છે. એવા નામધારી કવયિત્રી ‘અરુણા’ બેનને મેં તો વડોદરામાં ‘કરુણા’ રૂપે જ જોયાં છે. સુંદર ભાવવાહી આછંદાસ માટે અરુણાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ.
એકલતા… દેશ બહાર અને અટૂલી જગ્યાએ રહેતા વયસ્કોને કનડતો રોગ.
પણ બહેને વર્ણન કર્યું – એ જરી પુરાણી વાત્યું છે!
ઈન્ટરનેટ અને હોબી આ બે એના સરસ, આધુનિક ઉકેલ છે.
બ્લોગો / ગુજરાતી વેબ સાઈટો તો હવે ગોતવા જવું પડે તેમ નથી. પણ… હોબીઓનો ઢગલો અહીં.
http://evidyalay.net/hobbylobby/
માણતા થાકો એટલો મોટો ખજાનો મળશે !
એકલતા અને તે અરુણાથી અહીં સુંદર્ રીતે વર્ણવાયું! અરુણાબેનની ઓળખ એમના એક સ્નેહી રક્ષાબેન પટેલ દ્વારા થઈ અને એમના કેટલાક કાવ્યો વાંચવાનો મોકો પણ મળ્યો. સુંદ કાવ્ય.-‘ચમન’