ગતાંકથી આગળ…
જેવું અમારું જહાજ લાંગર્યું, કે તરત જ કિનારેથી સપાટ તળીયાવાળી મોટી મોટરબોટ ઝપાટાબંધ આવીને જહાજની લગોલગ ગોઠવાઈ ગઈ અને બંને વચ્ચે પાટિયું પણ ગોઠવાઈ ગયું. અમે બલાલાની સામેની બાજુએ હતા. બલાલા એટલે… વસાહતનો એ ભાગ, કે જ્યાં ડૉક્ટરો, નર્સ અને બીજા વહીવટી કામકાજ કરતાં સામાન્ય લોકો રહેતા હતા. અમને દરદીઓને તો જૂના કિલ્લા પાસે જ ઉતારી દેવામાં આવ્યા. ત્યાંથી ગોળ ફેરવીને છેક કૉલોની સૂધી અમને મોટરબોટમાં લઈ જવાના હતા. મુખ્ય અખાત સિવાય મોટા જહાજને લાંગરવા જેટલું ઊંડાણ કોઈ કિનારે ન હતું. દરદીઓ એક પછી એક પોતપોતાનો સામાન લઈને જહાજમાંથી મોટરબોટમાં ઉતરવા લાગ્યા. માર્શલ તૂતક પર જ ઊભા રહ્યા.
“મારું માનો મિ. ફર્ગ્યુસન, તો છેલ્લા ફેરામાં જજો તમે. છેલ્લે જરા પણ ગિરદી નહીં હોય! એમાં હું પણ હોઈશ. આપણે બંને સાથે જ જઈશું. ટોમસને કહી દેજો, કે આપણી રાહ જુએ.”
આમ કહીને એ તો ફરી એક વખત જહાજમાં ચાલ્યા ગયા. દરદીઓ વચ્ચેથી આવતો એમનો અવાજ સંભળાતો હતો. એ તો બધા દરદીઓને મદદ કરવામાં અને એમનો ઉત્સાહ વધારવામાં લાગી ગયા હતા.જેવો પહેલા દરદીએ મોટરબોટમાં પગ મૂક્યો, એ સાથે જ નીચે કિનારેથી ચીસો પાડતાં કેટલાયે લોકોએ હાથ હલાવીને એનું સ્વાગત કર્યું. અમારામાંથી ઘણાંના પરિચિતો પહેલેથી જ ત્યાં હતા, એ જોઈ શકાતું હતું. કિનારેથી આવેલી નાની હોડીઓ અને તરાપા મોટરબોટને વીંટળાઇ વળ્યાં. એમાં બેઠેલા કેટલાક લોકો તો પોતાના મિત્રો અને પરિચિતોને મળવા માટે અધીરા થઈને મોટરબોટ પર ચડવાનો પ્રયત્ન પણ કરવા લાગ્યા. ભરાઈ ગયેલી મોટરબોટ ઊપડી, અને એ સાથે જ બીજી કેટલીક હોડીઓ પણ વળાવિયાની જેમ એની પાછળ-પાછળ ઊપડી. દૂર દેખાતી પેલી ઊંચી ટેકરી ઉપર, થાંભલે લટકાવેલી બત્તી હવે સ્પષ્ટ દેખાતી હતી. મોટરબોટ એ ટેકરી તરફ વળી, ટેકરી ફરતે ચક્કર કાપીને પછી પાછળના ભાગે અદૃશ્ય થઈ ગઈ. એક પછી એક મોટરબોટ ભરાઈ-ભરાઈને એની પાછળ જવા લાગી. છેલ્લે ડૉ. માર્શલ મારી પાસે પાછા આવ્યા.
“હવે પછીનો ફેરો છેલ્લો હશે,” એમણે સૂચના આપી.
“આનો અર્થ એ, કે અહીંના ઘણાં લોકોને આ નવા દરદીઓ ઓળખે છે!” હું ગૂંચવણમાં પડી ગયો હતો.
“હા. રક્તપિત્તની એ ખાસિયત અમારા ધ્યાનમાં આવી છે. જ્યાં-જ્યાં એનો કહેર વરસ્યો છે, ત્યાં એ એક ચોક્કસ વિસ્તારને કેંદ્રમાં રાખીને ફેલાય છે. એવું કેમ થાય છે, એ તો હજુ સુધી સમજાયું નથી! કદાચ એવું બને, કે એક વખત એને આધાર મળ્યા પછી ચેપ લાગવાની સંભાવના વધી જાય છે. પણ કોઈ ચોક્કસ જગ્યાએ કયા કારણોસર એ શરૂ થાય છે, એ હજુ એક રહસ્ય જ રહ્યું છે! આ ટાપુ પર એવા વિસ્તારો છે જ્યાં રક્તપિત્તનો ફેલાવો ખૂબ જ છે, જ્યારે એની નજીકમાં એવા પણ વિસ્તારો છે જ્યાં એનું પ્રમાણ નહીંવત છે! ગામડાંમાં પણ આ જ હાલત છે! યુનાઇટેડ સ્ટેટ્સમાં તો એવા ચારેક રાજ્યોમાં જ રક્તપિત્ત દેખાયો છે, અને ત્યાં પણ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતો જ એ મર્યાદિત રહ્યો છે. જાવામાં મેં જોયું છે કે એક વસાહતમાં એ ખૂબ ફેલાયેલો છે, અને એની બરાબર બાજુની જ એક વસાહત એનાથી તદ્દન મુક્ત છે! પ્યુર્ટો રિકોમાં એ મોટાભાગે કેટલાક ગામોમાં જ દેખાયો છે, અને એમાંના એક ગામમાં તો એ ખાસ કરીને બે શેરીઓમાં જ છે! એટલે એ સ્વાભાવિક છે કે, આ બધી બોટમાંના લોકોને એમનું કોઈક ‘ને કોઈક પરિચિત ક્યુલિઅનમાં મળી જ આવશે! અને એ વાતે હું તો ખુશ છું! નવા આવનાર માટે તો એ આશીર્વાદરૂપ છે, અને અહીંના રહેવાસીઓને એમના ઘરના સંદેશા પણ મળી જાય છે, એ બહાને!”
હું કોઈ દરદી નહીં, પણ જાણે કોઈ મુલાકાતી ડૉક્ટર હોઉં એમ એ મારી સાથે વાત કરતા રહ્યા. એમને લાગતું-વળગતું હતું ત્યાં સુધી એ મારાથી કોઈ જ અંતર રાખતા ન હતા. અમે જાણે જુદા હતા જ નહીં! કોઈ જ જુદારો નહીં! લાખો લોકોનું કલ્યાણ આ ઉદ્યમી માણસના હાથમાં હતું! મનુષ્યજાતને એમણે સમગ્રતયા પિછાણી લીધી હતી. આ પીડિતો એમના માટે માનવજાતનો જ એક હિસ્સો હતા. અને એ બધા જ, જાણે એમના અંગત મિત્રો હોય, એવી અનુકંપાભર્યું એમનું વર્તન હતું. એ ખુશ હતા. “તમારી વાત સાચી છે. આ બધા મારા અંગત તો છે!” એ કહી રહ્યા હતા, અને એમની વાતમાં મને વિશ્વાસ બેસતો હતો.
અમે કિનારાની નજીકથી પસાર થઈ રહ્યા હતા. ડોક્ટરે કહ્યું એટલે અમને ખબર પડી, કે કિનારા પર દેખાતા, નીપા વૃક્ષના પાંદડાંમાંથી બનાવેલા પેલા નાનાં-નાનાં ઘરો રક્તપિત્તના દરદીઓનાં જ હતાં. નાળિયેરી અને આંબા વચ્ચે થઈને નીકળતો એક વાંકોચૂકો રસ્તો મને દેખાયો. એ રસ્તાની પાછળ એકદમ ઊંચી ટેકરીઓ દેખાઈ. ડૉક્ટરે આંગળી ચીંધીને એ રસ્તાના કિનારે આવેલાં મકાનો બતાવ્યાં. એ રસ્તાની ખૂબ પાછળ બીજો એક રસ્તો, અને રસ્તાની કિનારે આવેલાં મકાનો પણ એ બતાવતા હતા, પણ એ બીજો રસ્તો તો કેમે કરીને અમારી નજરે ન ચડ્યો. ખડકોના એક ઊંચા ભાગની ગોળાકારે ફરીને અંદરના ભાગે આવેલા એક નાના બંદર તરફ અમે વળ્યા. જમણી બાજુએ લગભગ અધવચ્ચે એક વહાણ નાંગરવાનો ધક્કો પાણીની બહાર દેખાતો હતો. ધક્કા પર ઊભેલા માણસો અમારી છેલ્લી ફેરીની રાહ જોઈને ઊભા હતા.
“આટલા સમયથી તમે ટાપુ પર છો, એટલે આ લોકોની મહેમાનગતિ તમે જાણો જ છો. આપણા આગમનને વધાવવા માટે આપણું જોરદાર સ્વાગત કરવામાં આવશે, એ વાતમાં મને કોઈ શંકા નથી.”
મને એ વાત બહુ અજુગતી લાગી. અમે તો હદપાર થયેલા! અમારું તે વળી શાનું સ્વાગત! અને એ પણ વળી બીજા હદપાર થયેલા લોકો અમારું સ્વાગત કરશે? આ તે કંઈ મોજમજાનો પ્રસંગ છે? પણ ક્યુલિઅનના આ વતનીઓ કંઈક જુદું જ માનતા હતા. અમે લાકડાના મંચની નજીક આવ્યા, એટલે પોલીસોએ એમને ધક્કા પરથી ઉતારીને એક તરફ ખસેડ્યા. બોટ પરના મુસાફરોને લાંબી લાઈનમાં એક પછી એક ઉતારતા જઈને એમણે ડાબી તરફ ઊભા રાખ્યા.
“આ પોલિસ દેખાય છે, એ પણ અહીંના દરદીઓ જ છે.” માર્શલે સમજાવ્યું. “નવા આવેલા દરદીઓને અલગ રાખવામાં આવે છે.”
“રક્તપિત્તના કારણે?”
“અરે ના! બીજો કોઈ ચેપ ન લાગે, એ માટે. રક્તપિત્તને કારણે ભાગ્યે જ કોઈનું મોત નીપજે છે. લગભગ બધા જ કિસ્સામાં, રક્તપિત્તના દરદીનું મૃત્યુ કોઈ બીજી જ બીમારીને કારણે થતું હોય છે. અને રક્તપિત્ત હોય એટલે બીજો કોઈ રોગ ન જ થાય એવું થોડું છે! બીજી કોઈ તકલીફ જો ન હોય, તો રક્તપિત્તનો દરદી બાકીનું પોતાનું જીવન સ્વસ્થતાથી જીવે છે. ખાસ કરીને અહીંયાં, કે જ્યાં એમની બરાબર સારવાર થતી હોય છે.”
બોટ ચાલકો સરળતાથી અને ફટાફટ દરદીઓને કતારબંધ ઉતારતા હતા. મુસાફરો ડૉ. માર્શલની રાહ જોતા હતા, પણ ડૉક્ટરે હાથના ઇશારે એમને આગળ જવા સૂચના આપી. છેલ્લે એ મારી અને ટોમસની પાસે આવ્યા અને અમને પણ ઉતરવા કહ્યું. છેક છેલ્લે એ પોતે ઉતર્યા. ધક્કા પર એમણે પગ મુક્યો, એ સાથે જ ખુશનુમા વાતાવરણ વાયોલિનના સુરોથી ગુંજી ઊઠયું. આગળના મુસાફરોની પાછળ અમે પણ કતારમાં જોડાઈ ગયા. અમને આવકારવા માટે સ્વાગત-સમિતિના લોકોને ઊભેલા જોઈને મને અત્યંત આશ્ચર્ય થયું. સૌથી પહેલાં મેડિકલ સ્ટાફે અમારું સ્વાગત કર્યું. વસાહતના ઉપરી એક અમેરિકન ડૉક્ટરની આગેવાની હેઠળ ફિલિપાઇનના બીજા ડૉક્ટરો આવ્યા. એ બધા જ પોતાના સફેદ સર્જન-ગાઉનમાં સજ્જ હતા. એ પછી બધી નર્સ, અને એ પછી બીજા લોકો. હું તો એમાંના કોઈને ઓળખતો ન હતો. રોમન કેથલિક સંપ્રદાયના એક પાદરી પણ ગાઉન પહેરીને આવ્યા હતા. નર્સના પણ બે સમુહ દેખાતા હતા. એક સમુહ સેંટ પૉલ દ ચાર્ટર્સની સિસ્ટરના પહેરવેશમાં હતો. બીજો સમૂહ ફિલિપાઇન આરોગ્ય ખાતાની નર્સોનો હતો. સૌથી પહેલાં એમણે ડૉ. માર્શલનું સ્વાગત કર્યું, અને પછી બધા દરદીઓની કતાર ભણી વળીને એક-એક દરદી સાથે વાતચીત કરવા લાગ્યા. દરેક ડૉક્ટર નવા આવેલા દરેક દરદીનું સ્વાગત કરતા હતા, એ જોઈને મને બહુ જ આશ્ચર્ય થયું. સફેદ ગાઉનમાં સજ્જ, ખાસ્સા ઊંચા દેખાતા વસાહતના ઉપરી ડૉ. વિંટન ઉઘાડે માથે મારી પાસે આવીને થોડી મિનિટો માટે ઊભા રહી ગયા.
“તમે તો બહુ તંદુરસ્ત લાગો છોને!” એમણે કહ્યું. “ખેર! એ જ તો આકરી કસોટી હોય છેને! પણ અહીં તમે ગમે તે દૃશ્ય જુઓ, જરા પણ નાહિંમત ન થશો. તમારા માટે આ અલગ રહેવાનું ટાળી શકાયું હોત તો મને ગમત! આપણે પછી મળીએ છીએ. બનશે તો બપોર પહેલાં હું તમને મળવા આવીશ. તમારા રહેણાકો માટે થોડી સૂચનાઓ આપવાની છે મારે. હું રજા લઉં હવે? મારે આ બધાની પણ દેખરેખ રાખવાની છે!”
મેં જેમ-તેમ એમનો આભાર માન્યો. એ પણ માર્શલની જેમ જ બહુ ચીવટ અને ત્વરાવાળા દેખાતા હતા. ભૂખરી આંખે આપણી સામે આંખથી આંખ મેળવીને એ જોઈ રહેતા! ઉંમર તો એમની સાવ ઓછી દેખાતી હતી, મારા કરતા પણ ઓછી. એક જુવાનજોધ માણસ માટે આ તે કેવી નોકરી!
એમના ગયા પછી પાદરી મારી નજીક આવીને થોડીવાર રોકાયા. “મિ. ફર્ગ્યુસન, મારું નામ મેરિલો છે. તમારે અહીં આવવું પડ્યું, એનું અમને બહુ દુખ છે. પણ અમને આશા છે, કે તમે અહીંયાં આવીને જરૂર આનંદની અનુભૂતિ કરી શકશો.”
મને અચાનક વિચાર આવ્યો, એ પાદરી જરૂર સાંચો વિશે જાણતા હશે.
“અહીં સાંચો નોલેસ્કો નામે કોઈ દરદી છે કે?”
“હા, છેને! એ અહીંની હોસ્પિટલમાં છે. પણ… તમે એને કેવી રીતે ઓળખો?”
“હું આર્મિમાં હતો, ત્યારે એના કુટુંબને ઓળખતો હતો. તમે એને મારો એક સંદેશો પહોંચાડશો?”
“જરૂર પહોંચાડીશ, દીકરા!”
“તો ફાધર, તમે એને એટલું કહેજો, કે સાર્જન્ટ નેડ અહીં આવ્યા છે. કહેજો કે એને મળવા હું શક્ય એટલો જલદી આવીશ.”
એક સાદા સમારંભમાં ઓછાં ભાષણ અને વધારે સંગીતભર્યા વાતાવરણ વચ્ચે બધાએ ખૂબ મજા કરી! અમને બધાને ખાતરી થઈ ગઈ કે અહીં આ ટાપુ ઉપર અમારું આગમન એ એક સુખદ ઘટના હતી. જે કોઈ દરદીએ ક્યુલિઅન વિશે જાતજાતની અફવાઓ ઊડાડી હતી, એ લોકો સામે મેં ખાસ ધ્યાનપૂર્વક જોયું. એ લોકો પણ ખરેખર તો આશ્ચર્યમાં પડી ગયા હતા! કદાચ એમને એમ પણ થતું હશે કે આ તો અમને સિંહ સામે ફેંકી દેતા પહેલાં પઠ્ઠા બનાવવામાં આવી રહ્યા છે!
સમારંભ પૂરો થયા પછી અમે બધા કતારબંધ એક અલાયદા મકાનમાં પ્રવેશ્યા. મકાનમાં છેક સુધી વચ્ચે આડભીંત ઊભી કરેલી હતી. આડભીંતની એક તરફ સ્ત્રીઓ અને બીજી તરફ પુરુષો એકઠાં થયાં. તાડપત્રીના બનાવેલા પલંગ અને હાથ-મોં ધોવા માટે થોડા બાઉલ પણ હતા. મુખ્ય રસોડામાંથી મગાવેલું ભોજન તૈયાર હતું. ટોમસ અને હું કેળના પાનમાં સરસ રીતે વીંટાળેલું ભોજન લઈને નજીકની એક સહેજ ઊંચી ટેકરી જેવી જગ્યાએ ચડીને બેસી ગયા. પપૈયાના ઝાડના છાંયે બેસીને, અમે જાણે ફરવા આવ્યા હોઈએ એ રીતે વનભોજન લીધું. અમે જમતા હતા, ત્યાં જ ઉપરની બાજુએથી એક અવાજ સંભળાયો.
“શું ચાલે છે? બરાબર જમો છોને?”
મેં ઉપર તરફ નજર કરી. મુખ્ય ડૉક્ટર વિંટન આવતા દેખાયા. ટેકરી ઊપરથી સરકતા-સરકતા એ અમારી તરફ નીચે ઊતરી રહ્યા હતા. સફેદ ગાઉન બદલીને એમણે હવે અડધી બાંયનો ખુલ્લા ગળાનો શર્ટ ચડાવી લીધો હતો. પીળાશ પડતા રાતા રંગની બ્રીચિઝ સાથે પગમાં ઘોડેસવારીમાં વપરાતાં એવા જ રંગનાં ઊંચાં જૂતાં એમણે પહેર્યાં હતાં.
“માફ કરજો, હું વહેલો ન આવી શક્યો. બોટમાં એક સાથે આટલા બધા લોકો આવે ત્યારે બહુ કામમાં પડી જવાય છે. તમારે લાયક એક સરસ જગ્યા મારા ધ્યાનમાં છે. તમારી સાથે એ બાબતે મારે થોડી વાત કરવી હતી. અહીંયાં હંમેશા ગિરદી જ રહે છે, અને દરેક માટે યોગ્ય રહેઠાણ શોધવું એ એક બહુ મોટું કામ બની જાય છે. અમારી પાસે થોડા સહિયારાં રહેઠાણો છે. મોટાભાગના લોકો તો પોતાને માટે અલાયદા ઘર બાંધી લેતા હોય છે. ચાર-પાંચ વ્યક્તિઓનું કુટુંબ હોય, કે પછી થોડા મિત્રો સાથે મળીને એમાં રહેતા હોય છે. કોલોની તરફથી ઘર બનાવવા માટેની સામગ્રી અને સાધનો પૂરા પડાય છે, અને સાથે મળીને સૌ જાતે ઘર બાંધી લે છે. એક નવી બોટ આવે એટલે લગભગ બસ્સો માણસો ઉમેરાય! એ બધા માટે સગવડ કરવી એટલે ખાસ્સું મોટું કામ વધી જાય!
હવે તમારી વાત! પહેલાં અહીં એક અમેરિકન માણસ હતો… એની વિગતે વાત હું પછી ક્યારેક કહીશ! થોડા મહિના પહેલાં જ એ અવસાન પામો, ટયૂબર્ક્યુલોસિસથી. છેલ્લા શ્વાસ લેતી વેળાએ એણે મને કહેલું, કે એનું મકાન કોઈ અમેરિકનને મળે… એ મકાન એણે પોતાના હાથે બાંધેલું, એટલે મેં પણ એને વચન આપેલું. અને એટલે જ અત્યાર સુધી એ મકાન ખાલી રખાયું હતું! તમને જો એ ગમે, તો આજથી એ તમારું! બહુ સરસ જગ્યાએ છે એ! અને બીજા ફિલિપિનો ઘર કરતાં સાવ જુદું જ છે એ! ઘર સાથેની આખી જગ્યા તમને મળી જશે!”
“પણ… બીજા લોકો માટે શું વ્યવસ્થા થઈ છે?” મેં પૂછ્યું. “જુઓ, મારે તો અહીં જ રહેવાનું છે. અને આવી કોઈ ખાસ સગવડને કારણે કોઈ સાથે મનદુઃખ ઊભાં થાય એવું હું નથી ઇચ્છતો…”
“એવી કોઈ જ ચિંતા કરવાની તમારે જરૂર નથી. એ મકાન અમેરિકનના મકાન તરીકે જ ઓળખાય છે. વળી તમે એમાં ન રહો, તો જ એમને કંઇક અજુગતું લાગશે. તમને એ મકાન મળે એમાં એમની પણ સહાનુભૂતિ તમારી સાથે હશે. ફિલિપાઇનના લોકો વ્યક્તિ તરીકે બહુ જ મળતાવળા હોય છે. એમને એકલા રહેવું જરાયે ન ગમે! ઈર્ષાનો તો છાંટોયે જોવા ન મળે એમનામાં! અને એ બધા જ જાણે છે, કે વિલ્કિંગ્સને એ મકાન બાંધેલું, અને એની જ એવી ઇચ્છા હતી, કે પોતાનો કોઈ બંધુ અહીં આવે તો એને એ મકાન મળે!”
“મને તો જાણે ગોળનું ગાડું મળી ગયું હોય એવું લાગે છે.”
“હં…” એ થોડું હસ્યા.”સાવ એવું પણ મને નથી લાગતું. એ જગ્યા ખાસ્સું સમારકામ માગી લેશે. વિલ્કિંગ્સનની તબીયત ઘણા સમયથી ખરાબ હતી! મહીનાઓ સુધી તો એ હોસ્પિટલમાં જ હતો! એક કામ કરીએ. આપણે અત્યારે જ જઈને જોઈ લઈએ એ જગ્યા. તમને ગમે તો ભલે! ન ગમે, તો આપણે બીજું કઈંક વિચારીશું. બીજી જગ્યાએ મકાન તમે બનાવો, ત્યાં સુધી તો તમે ત્યાં રહી જ શકશો.”
ફિલિપાઇનના માણસોમાં આત્મવિશ્વાસનો અભાવ એ સહજ વાત લાગતી હતી. એને કારણે જ, ટોમસ અમારી વાતચીતથી સાવ અળગો-અળગો જ રહેતો હતો. ડૉ. વિંટન એની તરફ ફર્યા.
“ટોમસ, તું થોડી વાર અહીં અમારી રાહ જોજે. મિ. ફર્ગ્યુસન હમણાં આવી જશે.”
કહ્યાગરો ટોમસ આરામ કરવા જતો રહ્યો, અને અમે એ ઊંચી ટેકરી પર ચડી ગયા. વચમાં ક્યારેક વાંકા વળીને ચાર પગે પણ ચડવું પડ્યું. આ સમયે મને ખ્યાલ આવ્યો, કે વિંટન બને ત્યાં સુધી ટૂંકો રસ્તો જ લેતા હતા. અને એ સાથે જ એમના રખડું જેવા પહેરવેશનું રહસ્ય પણ મને સમજાઈ ગયું. થોડું ચાલીને અમે મુખ્ય માર્ગ સાથે જોડાતા એક નાનકડા રસ્તા ઉપર આવી ગયા. જમણી તરફ વળીને એ રસ્તો હોસ્પિટલ અને વહીવટી ઓફિસના મકાન તરફ જતો હતો. અમે ડાબી બાજુએ વળી ગયા. એક વખત એ પહાડી પર ચડી જઈએ, એટલે પાછા જવા માટે તો ઘણા બધા રસ્તા હતા.
“અહીં કાચા રસ્તાઓ તો ઘણાં છે, પણ પાકા રોડ નથી,” વિંટને કહ્યું. “આ પગદંડીઓ અંદરના એવા-એવા વિસ્તારો તરફ જાય છે, જ્યાં ભાગ્યે જ કોઈની અવર-જવર રહે છે.”
ધીમા પગલે અમે ટહેલતા-ટહેલતા ચાલતા રહ્યા. રસ્તાની બંને ધારે નાળિયેરી અને કેળની ગીચ વનરાજી સાથે ચમકતાં મોટાં-મોટાં જાસુદનાં વૃક્ષો આખા રસ્તાને છાંયામાં ઘેરીને ઊભાં હતાં. રસ્તામાં ક્યાંક ક્યાંક ખુલ્લી જગ્યામાં વાંસ અને પાનમાંથી બનાવેલાં છૂટાછવાયાં મકાનો આવતાં રહેતાં હતાં. મોટાભાગનાં આવાં મકાનો છેક બબ્બે માળ જેટલી ઊંચાઈ પર બનાવેલાં હતાં. ઉપર પહોંચવા માટે ત્રાંસી સીડી, કે પછી આડાંઅવળાં પગથિયાં બનાવેલાં હતાં. મકાનની નીચે થોડી મરઘીઓ અને એક-બે ખસુડિયાં કુતરાં ફરતાં હતાં. રસ્તામાં માણસો ખાસ દેખાતા ન હતા. રસ્તે મળતાં બધા જ લોકો અમારી સામે હસીને ‘કેમ છો’ પૂછી લેતા હતા. “ગુડ આફ્ટરનૂન, ડૉક્ટર,” કહીને પછી મારી સામે નમ્રતાપૂર્વક ડોક નમાવીને એ લોકો ચાલ્યા જતા હતા. એક મકાનની ઓથે છાંયામાં પલાંઠી મારીને બેઠેલો એક માણસ બહુ જ ધીરજથી કૂકડા લડાવતો હતો. આજુબાજુમાં થોડી નાની-નાની દુકાનો હતી. બજાર જેવું વાતાવરણ હતું. ટિંડા નામે ઓળખાતી એ દુકાનોમાં કેન્ડી, સિગારેટ કે ખોટાં ઘરેણાં જેવી ચીજ-વસ્તુઓ વેચાતી હતી. અત્યારે જો કે બધી જ દુકાનોનાં બારણાં બંધ હતાં.
“બપોરનો સમય… આ આરામથી ઊંઘવાનો સમય છે,” વિંટને ફોડ પાડ્યો. “જો કે… હું ક્યારેય બપોરે ઊંઘતો નથી. આવી ઘણી દુકાનો છે અહીં. કમાણી તો કંઈ થતી નથી અહીં, પણ દરદીઓને કંઈક પ્રવૃત્તિ મળી રહે છે આને કારણે. પ્રવૃત્તિનો અભાવ એ અહીંની બહુ મોટી સમસ્યા છે! હા, એમાં અપવાદરૂપે, ચાઇનીઝ લોકો એનો ઉપાય પણ શોધી કાઢે છે. એ લોકો તો જન્મજાત વેપારી હોય છે!”
“પણ આ દરદીઓ કામ કરી શકે એટલા સ્વસ્થ હોય છે ખરા?”
“હા! લગભગ બધા જ દરદીઓ થોડું-થોડું કામ કરી શકવા માટે તો સક્ષમ છે જ! હા, પરાણે કામ લઈ શકાય નહીં એમની પાસેથી.”
ન્યુયોર્કમાં ગાળેલા એક વર્ષનો યાતનામય સમય મને યાદ આવી ગયો. જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ માટે બે-ચાર કલાકો તો બહુ થઈ રહેતા! એ સિવાયના સમયમાં હું ચાલતો, બેઝબોલ રમતો, વાંચતો… અને છતાં દિવસ કેટલો લાંબો લાગતો હતો!
“ડોક્ટર, મારી ઇચ્છા છે કે હું શક્ય એટલો વ્યસ્ત રહું, અને મારી તબીયત તો એકદમ સારી છે…!”
“તમારી એવી ઇચ્છા હશે, તો તમને કામ મળી જ રહેશે, મને એની ખાતરી છે. પણ તમારે કામ જાતે જ શોધી કાઢવું પડશે. કામ અહીંયાં ભોજનની જેમ વહેંચવામાં નથી આવતું. જો કે અમે કામની વહેંચણી કેમ નથી કરતા, એ હું નથી સમજી શકતો! મને લાગે છે કે એવું કરી શકાય. લો, આ તમારું ઘર આવી ગયું. આવો, આપણે જરા જોઈ લઈએ…”
ચીરેલા વાંસ વડે બનાવેલી વાડ સાથેના ભાંગ્યા-તૂટ્યા ફાટકને એમણે ધક્કો માર્યો. વાંસની વાડ હચમચી ગઈ હતી. જંગલી વનસ્પતિ અને આડેધડ ઊગી નીકળેલાં છોડવાંની પાછળ ઘર તો જાણે સાવ સંતાઈ જ ગયું હતું! વચ્ચેથી માર્ગ કરતા-કરતા અમે આગળ વધ્યા, ત્યાં રસ્તાથી લગભગ પચાસેક ફૂટ અંદર એક મકાન દેખાયું.
“તમારા આવતા પહેલાં થોડી સાફસૂફી નથી કરાવી રાખી એ બદલ દિલગીર છું હું. પણ તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, પણ આ ટાપુ મને થકવી દે છે.”
“મારા માટે આટલો સમય તમે ફાળવો છો એનું જ તો મને આશ્ચર્ય થાય છે.” મેં જવાબ આપ્યો. “મને કોઈએ કહેલું, કે અહીં તમારી દેખરેખ હેઠળ લગભગ અઢી હજાર લોકો છે. એટલા તો દરદીઓ! બીજા સ્વસ્થ લોકો તો જુદા, એમની તો હજુ હું વાત પણ નથી કરતો…!”
“સાચી વાત છે. એટલા લોકો હશે જ અહીં! અને આ જુઓને, તમે લોકો આવ્યા એ ગણીએ, એટલે સત્તાવીસ સો થયા…!”
વાત એમની પ્રશંસાની હતી, પણ મેં જોયું કે એમણે વાત બદલાવી નાખી. એ રીતે એ આવી જગ્યા માટે બહુ જ યોગ્ય માણસ લાગતા હતા. મને એમના માટે માન થઈ આવ્યું.
અમે મકાનની સામે આવીને ઊભા રહ્યા. પગથિયા ચડવાની શરૂઆત એમણે જ કરી દીધી. એક, અને બીજા પગથિયે ચડ્યા, કે તરત જ પગથિયું તૂટી ગયું. એ ફસડાઈ પડ્યા. પણ હાથ લાંબો કરીને હું એમને ઊભા કરું એ પહેલાં તો એ ઊભા થઈ ગયા.
“કંઈ વાગ્યું તો નથીને!”
“હા, વાગ્યુંને! મારું અભિમાન ઘવાયું જરા! આ હું, કોલોનીનો મુખ્ય અધિકારી, અહીં આપવડાઈ કરી રહ્યો હતો અને આ એક મકાને મને પછાડી દીધો… દોસ્ત, આ મકાનમાં રહેવું હશે, તો બહુ મહેનત કરવી પડશે તમારે! મિ. ફર… હું માત્ર નેડ કહું તો ચાલશેને?”
“બરાબર છે… તમે મને માત્ર નેડ કહેજો.”
દરિયા કિનારાનો મારો આ અગાઉનો અનુભવ તો બહુ જ ખરાબ હતો. એટલે, આ આખું મકાન સાવ ખંડિયેર હાલતમાં હોય, તો પણ આ જગ્યા મને બહુ ગમી ગઈ હતી. મકાનની પાછળની જમીન છેક દરિયા સુધી ફેલાયેલી હતી, અને ડૉ. વિંટનના કહેવા મુજબ તો આ આખી જગ્યા મને મળી શકે એમ હતી. અગાઉના મકાનમાલિક તો બિમારીને કારણે એની સંભાળ લઈ શકે એમ ન હતા. વીસ બાય ચાળીસ ફૂટનું એ લંબચોરસ મકાન માત્ર મોટાં-મોટાં પાન અને વાંસ વાપરીને જ બનાવેલું હતું. રસ્તા તરફની આખી લંબાઈમાં બેઠક અને ભોજનખંડ બનાવ્યા હતા. આગળની પરસાળ પણ એટલી લંબાઈમાં જ સમાઈ જતી હતી. નીપાના પાનને સીવીને બનાવેલી બારીઓને ઉપરની બાજુએ મિજાગરાં વડે જોડેલી હતી. ઊંચી કરીને ખોલીએ એટલે ઓરડો આખો જાણે બહાર ખૂલીને વાતાવરણનો ભાગ બની જતો હતો. પાછળના ભાગમાં બે સુવા માટેના નાના નાના ઓરડા અને વચ્ચે પરસાળ હતી. વચ્ચેની એ પરસાળ છેક સામેની દિવાલ સુધી લંબાતી હતી. એની સામે રસોડું અને નાનકડો સ્ટોરરૂમ હતો. બસ, એક બાથરૂમની વ્યવસ્થા ન હતી. વિલ્કિંગ્સન ક્યાં નહાતો હતો એ બાબતે મેં ડૉક્ટરને પૂછી જોયું. જવાબમાં એમણે તો દરિયાકિનારા સામે આંગળી ચીંધી દીધી!
લોખંડના બે પલંગ, થોડાં ટેબલ, ખુરશી અને પાટલીઓ, બસ આટલું રાચરચીલું હતું ઘરમાં. રસોડામાં કાટ ખાધેલો એક સ્ટવ, કાટવાળાં થોડાં વાસણો અને માટલાં, અને પચરંગી તુટેલાં-ફૂટેલાં કપરકાબી!
“મેં ધાર્યું હતું એ કરતાં પણ વધારે ખરાબ છે આ તો!” ડૉક્ટર બોલી ઊઠ્યા. “સાજી-સમી જગ્યાને એમ જ છોડી દઈએ તો કેવા હાલ થઈ જાય છે!”
“કંઈ નહીં. આ તો અમે તરત સાફ કરી લઈશું.”
“તો ભલે. સારું ત્યારે, જો તમને આ જગ્યા ગમી જ ગઈ હોય, તો તમારો એકાંતવાસ તમે અહીં જ પસાર કરી શકો છો, મતલબ કે અહીં બહાર જ રહેવું પડશે હમણાં તો! બોટ પરથી તમારા સામાન સાથે નવાં ગાદલાં, ચાદરો અને ભોજનસામગ્રી મોકલવાનો બંદોબસ્ત હું કરી દઉં છું.”
“મતલબ કે હું અત્યારથી જ અહીં રહી શકું છું?” પેલા એકાંતવાસની ઝૂંપડીમાં રહેવા જવાનો વિચાર મને જરા પણ ગમ્યો ન હતો.
“જરૂર. પણ બીજી એક વાત છે. પેલો છોકરો… ટોમસ. એ કહે છે કે તમને એની સાથે સારું ભળે છે. તમે એને પણ અહીં તમારી સાથે લઈ લ્યો, તો કેવું? તમારું કામકાજ પણ એ કરી આપશે. તમારી પાસે પૈસા હોય તો થોડા આપજો એને. મને લાગે છે કે, તમે એને અહીં રાખશો, તો એને પણ જરૂર ગમશે.”
ધક્કા પર એના નાનકડા કુમળા હાથના સ્પર્શનું દબાણ હું હજુ પણ અનુભવી રહ્યો હતો. અમે બંને જરૂર સાથે રહીશું!
“અરે! એમાં કંઈ કહેવાનું હોય કે? મને પણ ગમશે એ મારી સાથે રહેશે તો! બહુ મજાનો છોકરો છે એ તો. મને ગમે છે એની સાથે…”
“તો પછી નક્કી ગણું છું. હું એને તમારી પાસે મોકલી આપીશ.” કહીને એ તો નીકળી ગયા. મારા નવા ઘરમાં હવે હું એકલો જ હતો. બહાર નીકળીને કિનારા તરફ ચાલ્યો ગયો. પાછો આવ્યો ત્યારે ટોમસ આવીને મારી રાહ જ જોતો હતો.
“એમણે… એટલે કે મુખ્ય… એટલે કે ડૉક્ટરે મને કહ્યું કે હું અહીં તમારી સાથે રહીશ, સાચી વાત છે?”
“ચોક્કસ!” મેં સંમતિ આપી. “જો ટોમસ, આપણી પાસે આ ઘર તો છે, પણ ભાંગ્યું-તૂટ્યું! તું તારી જાતે જ જોઈ લે. ડૉ. વિંટન હમણાં થોડો સામાન મોકલી રહ્યા છે. પણ એ પહેલાં આપણે જો આ પગથિયું જોડી શકીએ, તો એ સામાન આવે એટલે આપણે અંદર લઈ જઈ શકીએ. સૌથી પહેલાં તો, તું આટલામાં આંટો મારીને ક્યાંકથી પીવાના પાણીની વ્યવસ્થા કર.”
એક પતરાનો ડબ્બો શોધીને એ અદૃશ્ય થઈ ગયો. મારા આશ્ચર્ય વચ્ચે અમારો સામાન બહુ જલદી આવી પહોંચ્યો. બાકીનો દિવસ અમે એને ઠેકાણે પાડવામાં વ્યસ્ત થઈ ગયા. રાત પડતા પહેલાં અમે લગભગ ગોઠવાઈ ગયા હતા. હું તો સખત થાકી ગયો હતો. આગલી ત્રણ રાતથી હું સૂઈ શક્યો ન હતો, અને આજનો આખો દિવસ કામમાં પસાર થયો. ટોમસ અને મેં ભોજન પતાવ્યું. મારી સાથે જમવા બેસતાં ટોમસને સંકોચ થતો હતો. એક નાનકડા ખોખા પર મારી થાળી મૂકીને એ રસોડામાં ચાલ્યો ગયો.
ભોજન પતાવીને હું સિગાર સળગાવીને બેઠો. ઉષ્ણકટિબંધની એ સુંવાળી રાત મને ચારેબાજુએથી ઘેરી વળી. અખાતના શાંત જળમાં તારલાઓનું પ્રતિબિંબ પડતું હતું. ખુશનુમા વાતાવરણની હૂંફ વરતાતી હતી. બગાસાં શરૂ થઈ ગયાં હતાં. ઊભો થઈને હું પલંગમાં પડ્યો અને ઊંઘી ગયો.
(ક્રમશઃ)
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.
amazing.. bravo
આભાર મિત્ર! વાંચતા રહેજો!
મુરબ્બી શ્રી અશ્વિનભાઇ, પ્ર્ત્યુતર બદલ ખુબ આભાર. જ્યાર થી “યાતના ઓ નું અભયારણ્ય” અક્ષરનાદ પર થી પ્રસ્તુત થઈ છે ત્યાર થી દર સપ્તાહે નવા હપ્તાની કાગડોળે રાહ જોઇએ છીએ. આપનો તથા જિગ્નેશભાઇ નો આભાર.