યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૯)


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

ડૉ. રેવિનોની રાહ જોઈને એક ઘોડાગાડી ઊભી હતી. નાની એવી એ ઘોડાગાડી દેખાવમાં કંઈક જાણીતી લાગતી હતી. ગોડાગાડી જોઈને મને વૃદ્ધ જુઆન યાદ આવી ગયા. ડૉક્ટરે બાજુ પર ખસીને અંદર જવા માટે મને રસ્તો કરી આપ્યો. હું જાણે એમની પાસે સારવાર કરાવવા આવેલા દરદીને બદલે, કોઈ મહત્વનો મુલાકાતી હોઉં એમ એ મારી સાથે વાર્તતા હતા!

“સેન લાઝારો હોસ્પિટલ.”

બળવા સમયે જેમાં અકસ્માત્‌ હું પહોંચી ગયો હતો એ જ આ “રક્તપિત્ત ગૃહ” હશે કે કેમ! વિસ્મય સાથે હું જોઈ રહ્યો. થોડી પૂછપરછ પછી મને ખબર પડી, કે આ એ જ સ્થાન હતું! નાનકડી સ્પેનિશ પૂંછડી ઉછાળતો-ઉછાળતો અમારો ઘોડો એ મકાનની પાસેથી તબડક-તબડક કરતો પસાર થઈ ગયો. બંધ આંખે પણ મારે સમજી જવાનું હતું, કે હું મનિલામાં હતો! એ નાનકડી ખરીના ખદડક-ખદડક કરતાં ઝડપી અવાજ મને બીજે ક્યાં સાંભળવા મળવાના હતા! એ નાનકડા પ્રાણીઓ પાસે જીવલેણ મજૂરી કરાવવામાં આવી રહી હતી!

અંધારું બહુ ઝડપથી ઊતરી આવ્યું હતું, પરંતુ ચારે દિશાએથી ફાટ-ફાટ થઈ રહેલા નવા શહેરની ઝલક જોઈ શકાતી હતી. શહેર તો હજુયે દિવાલો વચ્ચે ઘેરાયેલું હતું, પણ ચોફેરની ખાઈ અને એમાંનો કાદવ ગાયબ હતાં! પહેલાં જ્યાં દુર્ગંધથી સડતા ઉકરડા ખદબદતા હતા, ત્યાં બગીચા દેખાવા લાગ્યા હતા. અખાત પોતે પણ નવી ઊભી કરાયેલી જમીનને કારણે દરિયામાં દૂર ધકેલાઈ રહ્યો હતો. જૂની દિવાલ અને દરિયાકિનારાની વચ્ચે પ્રકાશથી ઝળહળતી હોટેલ ઊભી હતી. પેસિગ નદીને કિનારે ઊંચી-ઊંચી ઇમારતો અને રહેણાકો ઊપસવા લાગ્યાં હતાં. જૂના ખૂબસૂરત સ્પેનિશ પૂલની સામે ઊભા રહીને અમે વાતો કરતા રહ્યા, અને જૂનો સમય જાણે ફરી એક વખત મારી સામે આવીને ઊભો રહી ગયો. ફરી એક વખત હું એ જ જૂના મનિલામાં પહોંચી ગયો. અમેરિકન આર્મિના પ્રવેશ સમયે મનિલા જેવું હતું, એમાં ખાસ કંઈ ફેરફાર થયા ન હતા.

વાતાવરણ અહીં વધારે શાંત હતું. ડૉ. રોવિનો ગાડી મોડી પડવા બદલ મારી માફી માગી રહ્યા હતા.

“મને થયું કે આ જ વધારે સારું રહેશે, મિ. ફર્ગ્યુસન! કેટલાય દર્દીઓ આજે પહેલી વખત જ આવ્યા હતા. વૉર્ડમાં એમને દાખલ કરતા પહેલાં એમની તપાસ કરવી જરૂરી હતી. અગાઉ તપાસ કરાવી હોય તો પણ અમે ફરીથી બધી જ તપાસ કરીએ છીએ. જુદા-જુદા પ્રાંતમાં નિમાયેલા અમારા આરોગ્ય અધિકારીઓને આ રોગની બહુ ઓછી જાણકારી છે. હા, અહીંની અવ્યવસ્થાને કારણે તમને બહુ અગવડ પડી હશે. પણ ચિંતા ન કરશો, હવે શાંતિથી તપાસ થઈ શકશે.”

“ઓહ, એટલે કે તમે આજે જ મને તપાસવાના છો કે!”

“હા. તમારા માટે અમે ખાસ સગવડ રાખી છે અમે. મેજર થોમ્પસને તમારા ડાઘાની થોડી સ્લાઈડ મોકલી હતી અમને.”  બીલે મને યાદ રાખ્યો હતો ખરો!

“ટાપુ પર અમારી નિમણૂંક થઈ, એ વખતે મેજર થોમ્પસને અમારી સાથે કામ કર્યું હતું. એ એક જાણીતા બેક્ટેરિઓલોજીસ્ટ છે. બેક્ટેરિયાની દૃષ્ટિએ તમારી ફેરતપાસ જરૂરી નથી લાગતી. તમે કહો તો નોંધ રાખવા પૂરતા સાદા ટેસ્ટ કરી લઈએ!”

“જો હું કહું તો…” અમે બંને એ વાત જાણતા હતા કે મારે હા પાડવા સિવાય છૂટકો ન હતો. પણ એક ફિલિપિનો વ્યક્તિ હંમેશા આમ નમ્રતાથી જ વાત કહે!

“હા, હા. ચોક્કસ!” હું બોલ્યો. “તમે કહો એમ.”

“સેન લાઝારોમાં આ સમયે તમને બહુ ભીડ લાગશે. તમે જુઓ, કે આજુબાજુના બધા જ ટાપુઓ પરથી દરદીઓને અહીં લાવવામાં આવે છે. થોડા-થોડા સમયે સરકાર અમને બોટ ફાળવે છે, એમાં થોડા દરદીને અમે ક્યુલિઅન મોકલી આપીએ છીએ. આ કારણે તમારા માટે જેટલું કરવું જોઈએ એટલું અમે કરી નથી શકતા. મને વિશ્વાસ છે કે, તમે અમને સમજી શકશો, અને સાથે-સાથે એ પણ જોઈ શકશો, કે અમારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો અમે કરીએ છીએ.”

“અરે! એટલા માટે જ તો હું અહીં આવવા માગતો હતો! હું તો અહીં આવતા પહેલાંથી જ જાણું છું, કે તમે તમારાથી બનતું બધું જ કરી છૂટશો. પણ હું તો એમ ઇચ્છીશ કે અન્ય દરદીની જેમ જ મારી સારવાર થાય. મને કોઈ ખાસ સગવડ આપવાની જરૂર નથી!”

એમને એ ગમ્યું હોય એમ લાગ્યું. એમણે વાતનો વિષય બદલ્યો.

“એક શિક્ષિત વ્યક્તિ તરીકે સેન લાઝારોમાં તમને રસ પડશે. ત્રણસોથી પણ વધારે વર્ષોથી સેન લાઝારો એક ‘સેન્ચ્યુરી ઓફ સોરો’ તરીકે ઓળખાય છે, ‘વેદનાઓનું અભયારણ્ય’!”

‘વેદનાઓનું અભયારણ્ય’! આ તો ડૉક્ટર છે કે કોઈ કવિ! પ્રાચીન સ્પેનિશ મકાનોની ઉપર ચંદ્ર આકાશમાં ચડી રહ્યો હતો. એના દૂધિયા અજવાળામાં શહેર રહસ્યમય ભાસી રહ્યું હતું. ઘોડાગાડીના લાંબા-લાંબા પડછાયાઓની પાછળથી એક વારતા કહેવાવી શરૂ થઈ! એ અવાજ આવતો જ રહ્યો, આવતો જ રહ્યો! એ વારતા સાંભળવામાં હું એટલો તો તલ્લીન થઈ ગયો, કે હું અહીં શા માટે અહીં આવ્યો છું એ જ ભૂલી ગયો! હું ક્યાં જઈ રહ્યો હતો, એ પણ ભૂલી ગયો! એ માણસના અવાજમાં જ એક પ્રકારની લયબદ્ધતા હતી, ઘોડાની નાનકડી ખરીઓના પ્લોપ્‌પ્લોપ્‌ અવાજની સાથે તાલ મિલાવતી લયબદ્ધતા!

“એ વરસે ડેરેકે વિશ્વયાત્રા શરૂ કરી હતી. સર ફ્રાન્સિસ ડેરેકની વાત છે આ! ૧૫૫૭ના વર્ષમાં સેંટ ફ્રાન્સિસ જેવા મહાન માણસ પણ આ ટાપુ ઉપર પધાર્યા હતા. તેઓ જ્યાં રહેતા હતા એ મઠમાં રહેતા સમાજસેવી કાર્યકર ફ્રા જુઆન ક્લેમેન્ટને મળવા માટે કેટલાયે ભિખારીઓ કલાકો સુધી રાહ જોઈને ઊભા રહેતા! મઠમાં સહકર્મચારી તરીકે કામ કરતા ફ્રા, ઘણીવાર એ ભિખારીઓને મદદ પણ કરતા. એવામાં, એ ભિખારીઓમાં ઘણાં રક્તપિત્તના દરદી પણ હતા, એવી ફ્રાને ખબર પડી. ખબર નહીં, શી આધ્યાત્મિક જાગૃતિ એમની અંદર પ્રગટી હશે, કે એમણે પોતાના ઉપરી પાસે એ દુ:ખી લોકો માટે આશ્રયસ્થાન બનાવવાની પરવાનગી માગી. થોડા સમય બાદ એમને મઠ સામેની જગ્યા વાપરવાની પરવાનગી મળી ગઈ. પેસિગ નદીના કિનારાની એ જગ્યા બહુ જ કાદવવાળી હતી. પણ ફ્રા જુઆન ક્લેમેન્ટ હિંમત ન હાર્યા. રક્તપિત્તના દરદીઓમાંથી તંદુરસ્ત હોય એવા લોકોને એકઠા કરી, એમની મદદ લઈને, રેતી અને માટી સારી લાવીને એમણે એ કણકવાળી પોચી જમીન ઉપર બિછાવી દીધી. થોડા સમયમાં તો એ જમીન કઠણ થઈ ગઈ. એના પર નીપા વૃક્ષનાં પાન અને વાંસનો ઉપયોગ કરીને કેટલાંક ઘર એમણે બાંધી દીધાં, અને, ઇસુ ખ્રિસ્તે જે વ્યક્તિને પુનર્જીવિત કર્યો હતો તેના નામ પરથી એમણે એ સ્થળનું નામ આપ્યું ‘લાઝારસ’!

ફ્રા જુઆન ક્લેમેન્ટ તો બીજા માનવોની જેમ મૃત્યુ પામ્યા, પણ એમના આદર્શો એમના મૃત્યુ પછી પણ જીવંત રહ્યા. આગમાં ભસ્મીભૂત થઈ ગયેલું સેન લાઝારો, શહેરની દિવાલોની બહાર ફરીથી ઊભું કરવામાં આવ્યું હતું. એ પછી, ચીનના ચાંચિયાઓએ ચડાઈ કરવાની ધમકી આપતાં, લશ્કરી પગલાં તરીકે ઈરાદાપૂર્વક એ ઇમારતને તોડી નખાઈ. સ્પેનના રાજાને રસ પડતાં રાજકીય કોષની મદદથી એ જ જગ્યાએ પત્થરો વાપરીને એક સુંદર મકાન ચણવામાં આવ્યું. આ વખતે સેંકડો દરદીઓનો સમાવેશ થઈ શકે એટલી વધારે સગવડ કરવામાં આવી હતી. સોએક વર્ષ સુધી એ હોસ્પિટલે ખૂબ સેવા આપી. ફરી એક વખત ઇંગ્લેંડના હુમલાના ભયમાં એને તોડી પાડવામાં આવી. ૧૭૮૪માં સ્પેનના રાજાના આદેશથી ફરી વખત એને ચણવામાં આવી. બસ, એ પછી પણ આગ અને પ્લેગ જેવી અડચણો આવતી રહી, પણ એનું અસ્તિત્વ ટકી રહ્યું! સત્તરમી શતાબ્દીની શરૂઆતમાં જ્યારે જાપાનમાં સામંતશાહી વ્યવસ્થાના વર્ચસ્વની શરૂઆત થઈ રહી હતી, ત્યારે ઘણાં ખ્રિસ્તીધર્મીઓને જાપાનમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. તેમની સાથે-સાથે બીજા એકસો ચોત્રીસ ધર્માન્તરીત ખ્રિસ્તીઓને પણ, સ્પેનના રાજાના તાબા હેઠળના ટાપુઓ પર મોકલી આપવા માટે જાપાનના સત્તાધીશો સહમત થયા. સ્પેનના રાજાએ એ ધર્માન્તરીત ખ્રિસ્તીઓનો પણ સ્વીકાર કર્યો. થોડા મહીનાઓ પછી એમાંના માત્ર ચાર લોકોને બાદ કરતાં, બીજા બધા લોકોને સેન લાઝારોમાં રક્તપિત્તના દરદી તરીકે ભરતી કરવામાં આવ્યા.”

પત્થરની દીવાલોમાં બનાવેલા ઝાંપામાં અમે પ્રવેશતા હતા. એ ત્રણસો વર્ષોની યાદોને સંઘરીને ઊભેલા એ ‘વેદનાઓના અભયારણ્ય’નો હું પણ હવે એક હિસ્સો હતો! ઘોડા ઊભા રહી ગયા હતા. અમે ઘોડાગાડીમાંથી બહાર નીકળ્યા. ડૉ. રેવિનોની પાછળ-પાછળ પરસાળમાં થઈને હું એક ઑફિસમાં પહોંચ્યો.

“દુર્ભાગ્યે અમારા અમેરિકન ડૉક્ટર કેન્ટ એક તપાસ માટે બહારગામ ગયા છે. તમને વાંધો ન હોય તો, હું પોતે તમને તપાસી લઉં. તમને ક્યાં ઘા થયા છે, મિ. ફર્ગ્યુસન?”

મેં એમના પ્રશ્નનો પ્રત્યુત્તર આપ્યો.

“તમે જરા તમારો શર્ટ કાઢી નાખશો તો…”

કંઈક અણિયાળી વસ્તુ વડે ચાઠાં પર દબાણ આપતાં જઈને એમણે તપાસ શરૂ કરી. મારી આંખો બંધ કરી લેવાની સૂચના એમણે આપી. એ પછી, એક પીછું ઘા ઉપર ફેરવીને ફરીથી એમણે તપાસ કરી.

“હું દિલગીર છું,” એમણે કહ્યું. “તમારી અગાઉની તપાસ બરાબર જ થઈ છે. પણ તમે નિરાશ ન થશો. અમે એક નવી સારવાર આપી રહ્યા છીએ, અને શક્ય છે કે એનાથી તમને ફાયદો થઈ જાય… હં! કદાચ ધીમે-ધીમે, પણ… થોડા વરસ પહેલાં તો સુધારો થવાની કોઈ શક્યતા જ દેખાતી ન હતી! હવે… થોડી નોંધ કરી લઈએ તમારા વિશે?”

થોડો સમય એ ચાલ્યું. થોડા પ્રશ્નો સુધી તો મેં ઘર, કુટુંબ, વગેરે વિશે ગપ્પાં માર્યાં. પણ આખરે મેં એમને મારી હકીકત જણાવી જ દીધી, કે હું અહીં ખોટું નામ વાપરી રહ્યો છું, અને મારા ભાઈ સિવાય બીજા બધાં જ મને મરી ગયેલો માને છે. એ મારી વાત સમજી શકતા હતા.

“તો, ચાલો હવે. તમને તમારી સુવાની જગ્યા બતાવી દઉં…!” અમે એક લાંબા અને સાંકડા કમરામાં પ્રવેશ્યા. કમરાની બંને બાજુએ લાકડાના પલંગ બિછાવેલા હતા. બધા જ પલંગ રોકાયેલા હતા… મારા કપાળ ઉપર ઠંડો પરસેવો બાઝી ગયો, અને માથાથી શરૂ કરીને આખી કરોડરજ્જુ સુધી એક ધ્રુજારી વ્યાપી ગઈ. બે-ત્રણ માણસો સહેજ સળવળ્યા, પણ કોઈ કંઈ બોલ્યું નહીં. મારો પલંગ દરવાજાની સહુથી નજીક હતો, અને એક મોટી ખુલ્લી બારીમાંથી ધીમો-ધીમો પવન આવી રહ્યો હતો. મેં જોયું, તો મારા એક માત્ર પલંગ પર મચ્છરદાની બાંધેલી હતી. મેં ડૉ. રેવિનો પાસે મારી અસંમતિ દર્શાવી. “તમે મારા પ્રત્યે પક્ષપાત ન કરશો. મહેરબાની કરીને આ કઢાવી નાખો.”

“જુઓ, એ જરૂરી છે,” એમણે ખુલાસો કર્યો. “અહીંના લોકો તો ટેવાઈ ગયા છે. અહીં મલેરિયાનો ખાસ ઉપદ્રવ નથી, પણ તમને તો એ કરડી ખાશે, ઊંઘ નહીં આવે તમને! બધાં આ વાત સમજી શકશે.”

મેં એમનો આભાર માન્યો, અને એમના ગયા પછી મચ્છરદાનીમાં ઘૂસી ગયો. કલાકો પછી પણ હું એ મોટી બારી બહાર તાકી રહ્યો હતો. ઓરડામાં ઘસઘસાટ ઊંઘતા માણસોનો અવાજ આવી રહ્યો હતો. એમાંના બે-ત્રણ દર્દના માર્યા પડખું ફરતાં કણસતા હતા, પણ એમનાથી મને કોઈ જ પરેશાની ન હતી. પરેશાની તો મને, હું અહીં શા માટે હતો એ પ્રશ્નથી થતી હતી! હું નેડ લેંગફર્ડ, એક રક્તપિત્તિયો, આ રક્તપિત્તિયાથી ભરેલા કમરામાં સુતો છું! જ્યારે મેં મારા મૃત્યુનું નાટક ઊભું કર્યું, ત્યારે જ ખરેખર હું શા માટે મરી ન ગયો! ખેર, હજુ પણ મરી શકાય છે! હજુ બીજી તકો મળશે… દરિયો…! હા, આ દરિયો તો છે જ છેવટે…!

કોઈના ડૂસકાં ભરવાનો અવાજ આવ્યો. મચ્છરદાનીમાંથી બહાર નીકળીને હું સામેની બાજુએ ગયો. જોયું તો એક સાવ ગભરુ કિશોર! નીચું જોઈને બે હાથ વચ્ચે મોઢું દબાવીને ડૂસકાં શમાવતો એ બેઠો હતો. એ મારાથી ડરી ન જાય એટલા ખાતર મારો હાથ એના ખભે મૂકીને હું પલંગની ધાર પર બેઠો. એનું શરીર થોડું ખેંચાયું. જેમ-જેમ હું એનો ખભો થપથપાવતો રહ્યો, એમ-એમ એનાં ડૂસકાં શમતાં ગયાં. એણે ફરીથી મારી સામે જોયું. ચંદ્રના અજવાળે હું એનું મોં સ્પષ્ટપણે જોઈ શકતો હતો. એક રુપકડો કિશોર ચહેરો! મારા હૃદયમાં એના માટે હેત ઊભરાઈ આવ્યું.

“શું નામ છે તારું?” મેં એને પૂછ્યું.

“ટોમસ, સર… ટોમસ એગ્વિલાર.”

“કેટલી ઉમર છે તારી, ટોમસ?”

“લગભગ દસ. નવ વર્ષ કરતાં તો ઘણો મોટો છું હું, સર.”

“તારું ઘર ક્યાં છે?”

“અહીં થી બહુ જ દૂર… પચાસથી પણ વધારે કિલોમિટર દૂર. કારાબાઓથી અહીં આવવું બહુ દૂર પડે છે.”

“અહીં ક્યારે આવ્યો?”

“ડૉક્ટર, સર. આ ડૉક્ટર મને આજે જ અહીં લઈ આવ્યા છે.”

ધીમાં-ધીમાં ડૂસકાં વચ્ચે એ કહી રહ્યો હતો, કે આજે પહેલી વખત જ એ ઘરથી આટલે દૂર આવ્યો છે. એનાં માતા-પિતા, એના બે મોટા ભાઈઓ અને એક નાનકડી બહેન… એણે બધી જ વાત કરી દીધી. એને એની મા અને બહેન બહુ જ યાદ આવતાં હતાં!

સવારનો પ્રકાશ ફેલાયો ત્યાં સુધી હું ત્યાં એની પાસે જ બેઠો રહ્યો. મારી નજીક સરકી આવીને એ મારા ખભાને વળગીને ઘસઘસાટ સૂઈ ગયો હતો!

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....