અષ્ટવિનાયક બોટની જળસમાધિ.. – વિષ્ણુ ભાલીયા 16


૧૬૦૦ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવતું ગુજરાત આજે મત્સ્યઉદ્યોગમાં ઘણું આગળ છે. આટલા વિશાળ દરિયાકિનારાનો લાભ ગુજરાતને ખૂબ મળે છે. આ વિશાળ દરિયાઈ પટ્ટી પર અનેક નાના મોટા બંદરો અને દરિયાઈ ઉદ્યોગો છે, પ્રવાસન પણ વિકાસને પંથે છે. આ વિશાળ દરિયાકિનારાના અનેક નાના મોટા બંદરો પર મચ્છીમારી કરી દેશને કરોડો રૂપિયાનું હૂંડિયામણ કમાઈ આપતા હોય તો એ છે અહીંના ખારવાઓ. ગુજરાતનો દરિયો અને અહીંના ખારવાઓ સદીઓથી એકબીજાનો પર્યાય બની રહ્યાં છે. દરિયાના આ વિશાળ વિસ્તારમાં નિર્ભિક ફરીને જીવના જોખમે માછલી પકડવા જતા આપણા આ ખારવાઓની અનેક સાહસકથાઓ સદીઓથી દેશવિદેશમાં પ્રચલિત છે.

દરિયો એટલે હોડી, ખારવો અને હોનારતનો અનોખો ત્રિવેણીસંગમ. દરિયાઈ હોનારતોની વાત આવે એટલે વિદેશીઓને ‘ટાઈટેનિક’ કે આપણને ‘હાજી કાસમની વીજળી’ યાદ આવે પરંતુ આ સફરો પ્રવાસ સાથે મનોરંજન માટેની હતી. આ હોનારતો અસામાન્ય અને ભયાનક હતી, અને ઈતિહાસમાં ડગલે ને પગલે એ વિષય પર અથવા એવા અકસ્માતો વિશે ઘણું લખાયું છે અને સતત લખાતું રહે છે. પણ એકલ દોકલ ખારવાના જીવનમાં સતત જેનો ભય છવાઈ રહેતો હોય અને જે રોજ દરિયામાં જાય ત્યારે જીવ જોખમમાં મૂકીને જ જતો હોય, તેના જીવનમાં બનેલી કરુણાંતિકાઓ કે અકસ્માતો વિશે ભાગ્યે જ કોઈ ખાસ નોંધ લેવાય. અખબારમાં કે સામાન્ય કક્ષાની ચેનલોમાં તત્પૂરતા એ સમાચાર આવે – ન આવે અને ભૂલાઈ જાય. ઈતિહાસ માં એને માટે ન તો કોઇ નોંધ મળે કે ન તેના વિશે કાંઈ લખાય.

આવી જ એક ભયાનક અને હ્રદયદ્રાવક હોનારત જાફરાબાદ બંદરથી દૂર દરિયામાં ૨૦૧૪માં સર્જાઈ હતી, એ ગોઝારી ઘટનાને શબ્દરૂપ આપવાનો આ પ્રથમ પ્રયત્ન છે. શ્રી ગુણવંતરાય આચાર્ય જેવા સિદ્ધહસ્ત લેખક જ આવા વિષય પર ઈતિહાસ સાથે વફાદાર રહીને, સુંદર નવલકથા સર્જી શકે.

૨૦૧૪નો ૨૭ ઓક્ટોબરનો દિવસ જાફરાબાદ બંદરના દરેક ઘરમાં ગમગીની અને શોકનું વાતાવરણ લઈને ઉગ્યો. આમ પણ નાના વિસ્તારમાં દુર્ઘટના બને ત્યારે વાત વાયુવેગે દરેક સુધી પહોંચી જતી જ હોય છે. આજે દરેકની જીભ પર એક જ ચર્ચા હતી, ‘અષ્ટવિનાયક’ બોટને એક અજાણ્યા જહાજે ટક્કર મારી હતી.

રાતના અંધારામાં અષ્ટવિનાયક પર ઝળાહળાં થતી લાલ લાઈટ ઝબકતી હતી, એ સિવાય બધુ તદ્દન શાંત હતું. આઠેય ખલાસી પોતાનું કામ આટોપીને થોડો આરામ કરવા આડે પડખે થયા હતાં. તેમને ક્યાં ખબર હતી કે આજે તેમની આંખ કાયમ માટે મીંચાઈ જવાની હતી! અફાટ સમુદ્રના મોજાઓ વચ્ચે હાલકડોલક થતી હોડીમાં માત્ર ખારવો જ નિરાંતે સૂઈ શકે. આકાશમાં ટમટમતા તારલાઓને નિહાળતા એ ખલાસીઓ દિવસના થાકને લીધે તરત જ સૂઈ ગયાં. સૂસવાટા મારતા ઠંડા પવનને લીધે વહાણ પર ફરફરતી નાની વાવટીનો અવાજ માત્ર ગૂંજતો રહ્યો, એ સિવાય ચારે કોર તદ્દન નિરવ શાંતિ પ્રસરી રહી. એકાદ બે કલાક વીત્યા હશે કે એકાએક પ્રચંડ અવાજ સાથે એક અષ્ટવિનાયક બોટ મોજાંઓ સાથે ઉછળી. એક મહાકાય સ્ટીમરની ટક્કરથી બોટ આંચકા સાથે ઉછળી અને ઊંધી થઈ ગઈ. મીઠી નિંદર માણતા ખારવાઓને બચવાનો એકાદ મોકો પણ આપવા ન માંગતા હોય અને પોતાનામાં ખેંચી લેવા માંગતા હોય તેમ દરિયાદેવ વિફરી ગયા. પેલી સ્ટીમર તો પોતાના રસ્તે આગળ જતી રહી, જાણે તેણે આંખ પર પાટા બાંધી લીધા. જીવ બચાવવા અષ્ટવિનાયકના ખલાસીઓ વલખાં મારતા રહ્યાં. બોટમાંની વસ્તુઓ એક પછી એક દરિયાના પેટાળમાં જમા થવા માંડી.

જોરદાર ટક્કરને લીધે બોટ ઊંધી વળી ગઈ, અને તરતી રહી. તેમાં અંદર પૂરાયેલા ખલાસીઓ ઘડીભર એકબીજાનો હાથ પકડી બહાર નીકળવાનો વ્યર્થ પ્રયાસ કરતા રહ્યા. વિધિની વક્રતા તો જુઓ કે આજે પ્રથમ વાર પિતાને બદલે માત્ર એક જ વાર ફિશિંગ કરવા આવેલો બોટનો સૌથી નાની વયનો ખલાસી કે જેણે હજુ યુવાનીમાં માંડ પગલું માંડ્યું હતું, તે કૈલાસના ડૂસકાં પણ પાણીમાં જ ડૂબી રહ્યાં હતા. સુકાની નિતિન કેબિનમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયત્ન કરતો રહ્યો. પહાડી મોજા સાથે વહાણ પછડાટ લેતું અને તેની સાથે તે પણ જ્યાં ત્યાં અથડાતો રહ્યો.

થોડે દૂર ફિશિંગ કરી રહેલી અર્જુન નામની બોટના ખલાસી અને સુકાની રામભાઈએ આ દ્રશ્યની તાદ્દશ કલ્પના કરી લીધી. તરત વાયરલેસ પર સંદેશો તરતો મૂકી તે ઘટનાસ્થળે ઝડપભેર આવી પહોંચ્યા. પરંતુ પરિસ્થિતિ અકલ્પનીય હતી, બોટ ઊંધી થઈ ગઈ હતી, આજુબાજુ જાળ તરતી હતી, અને તેથી બોટની નજીક જવું ખૂબ જ જોખમી થઈ ગયું હતું. ડૂબકી લગાવી બોટ સુધી પહોંચવુ પણ મુશ્કેલ હતું કારણ કે આજુબાજુ તરતી જાળમાં ફસાઈ જવાય તો વળી નવી મુસીબત ઉભી થાય. તો હવે એ લોકોને બચાવવા કઈ રીતે? કાળી ડિબાંગ રાત્રીમાં મોત સામે ઝઝૂમી રહેલા આઠ ખલાસીઓ અને તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહેલા અર્જુન બોટના આઠ ખલાસી!

બોટને ફરી સીધી કરવી અસંભવ હતું. અર્જુન બોટ અષ્ટવિનાયકની સરખામણીએ નાની હતી. એક જ ઉપાય દેખાયો, તેના પાટીયા તોડી, તેમાં જગ્યા કરીને કોઈને બચાવી શકાય. આવી અંધકારભરી રાતમાં પવનના સૂસવાટા પણ સતત વધતાં રહ્યાં, સતત ઉંચા થઈ રહેલા મોજાના હિલોળા સાથે અર્જુનમાંના ખલાસીઓના જીવ પણ અધ્ધર થઈ જતાં, તો પણ અંદર રહેલા ખલાસીઓને મરવા થોડા દેવાય? આખરી શ્વાસ સુધી લડે નહીં તો તે ખારવો શેનો? બે ખલાસી હિંમત કરી અષ્ટવિનાયકના બહાર દેખાતા પડાણ પર ઉભા રહી કુહાડીથી તેના મજબૂત પાટિયાને તોડવાનો પ્રયત્ન કરવા લાગી ગયા. કાંડાની પૂરી તાકાત સાથે ઘા પર ઘા પડવા લાગ્યા, અંદર શ્વાસ લેવા માટે વલખાં મારતા ખલાસીઓને ‘ઠક ઠક’નો અવાજ સંભળાયો.

ઘણી મહેનત પછી આખરે પાટીયું તૂટ્યું અને આંચકાભેર તેને ખેંચવામાં આવ્યું. બહારની થોડી તાજી હવા અંદર અપ્રવેશી તે સાથે કાના અને રામદાસે શ્વાસ ભરી લીધા. પાટીયું તૂટતાની સાથે ઉપરના ખલાસીઓને અષ્ટવિનાયકમાંથી બહાર આવતો એક હાથ દેખાયો, અંદર કોઈક જીવે છે તેવા સંકેતો મળતા હિંમત ખૂબ વધી ગઈ.

અષ્ટવિનાયક બોટ ઉંધી વળી ત્યારે રામદાસ સફાળો આમ તેમ અથડાતો રહ્યો. મગજ ઘડીભર કામ કરતું બંધ થઈ ગયું! ક્યાંથી નીકળવું? ક્યાં જવું તેની મૂંઝવણમાં તે બોટના કોલ્ડરૂમમાં ઘૂસ્યો. કહો કે બોટની નીચે તરફના ભાગ તરફ, તેમાં વધુ ઉંડે ઉતર્યો, ઉંધી વળેલી બોટનો એ જ ભાગ સપાટી રતફ હતો. ‘રામ રાખે એને કોણ ચાખે!’ કોલ્ડરૂમમાં નીચેનું ઢાંકણ ખોલીને તે નાનકડી સાંકડી જગ્યામાં પોતાનું ભરાવદાસ શરીર ઘસડીને બોટના આગળના ભાગ તરફ વધ્યો, જ્યાં ઉપરની તરફથી અર્જુનના ખલાસીઓ પાટીયું તોડી રહ્યાં હતાં. એકાએક રામદાસની સાથે કોઈક અથડાયું, કાનો તેની બાજુમાં પહોંચ્યો હતો. આંખના ઈશારે તેણે સંકેત આપ્યો કે ઉપરથી કોઈ પાટીયું તોડે છે. બંને મનમાં કુળદેવીને પ્રાર્થના કરતા રહ્યાં અને શ્વાસ લેવા વલખાં મારતા રહ્યા. આખરે પાટીયું તૂટ્યું અને તેમના અદ્ધર થઈ ગયેલા જીવમાં જીવ આવ્યો, ફેફસાં ભરીને તેમણે શ્વાસ લીધો..

અષ્ટવિનાયક બોટ ટક્કર સાથે ઉથલી ત્યારે પછી સૌથી પહેલો બહાર આવ્યો હતો આકાશ, કદાચ બોટ સાથે એ પણ થોડે દૂર સુધી ફંગોળાઈ ગયો હશે, જાળમાં અટવાઈ ન જાય એ ધ્યાન રાખતો એ મહામુસીબતે દૂર તો જઈ શક્યો પણ અફાટ મહાસાગરમાં આશરો કોનો? તેને એકાએક અર્જુન બોટ નજીક આવતી દેખાઈ અને તેના જીવમાં જીવ આવ્યો. એણે હતી એટલી પૂરી તાકાતથી પગ હલાવ્યા, ‘બચાવો, બચાવો’ના દેકારા કરતો તે દરિયામાં દૂર તણાવા લાગ્યો, અર્જુન બોટના ખલાસીની નજર તેની પર પડી અને એ સાંભળીને તેને લેવાનો પ્રબંધ કરાયો, સૌપ્રથમ અર્જુન પર તેને જ ચડાવવામાં આવ્યો.

અર્ધમરેલી હાલતમાં રામદાસ અને કાનાને પણ અર્જુન બોટ પર લવાયા. અર્જુનના સુકાની રામભાઈની હિંમત અને સાહસથી ત્રણ ખલાસીઓની જિઁદગી બચાવી શકાઈ, પણ હજુ પાંચ ખલાસી ઉંધી પડેલી અષ્ટવિનાયકમાં જિંદગીના છેલ્લા શ્વાસ ગણતા હતા. બહારથી બધા ખૂબ જ દેકારા પડકારા કરતા રહ્યાં પણ અંદર હવે કોઈ સળવળાટ કે હલચલનો સંકેત મળતો ન હતો. રાત કાજળઘેરી બની રહી હતી. આકાશમાં ટમટમતા તારાઓ ખારવાની બહાદુરી અને મોત સાથેની રમત જોવા જાણે આ અંધકારમાં ટોળે વળ્યા હતાં. ઘણો સમય વીતવાં છતાં નિતિન, શ્યામ, કૈલાસ, નરસિંહ કે કિરણનો અણસાર ન મળ્યો.

વાયરલેસ સંદેશાને લીધે બીજી થોડી બોટ પણ મદદે આવી પહોંચી હતી, પરંતુ અષ્ટવિનાયકને સીધી કરવી હજુ પણ લગભગ અશક્ય હતી. ખૂબ જ પ્રયત્નો છતાં પણ સફળતા ન મળી, નવી આવેલી બોટ આસપાસના દરિયામાં ફરી વળી, કદાચ અષ્ટવિનાયકનો કોઈ ખલાસી બહાર તણાતો હોય, પણ અસફળતા જ હાથ લાગી! શંકા હવે વધુ મજબૂત બની કે હજુ પાંચેય ખલાસી અંદર જ હોય. ફરીથી તેને સીધી કરવાના અથાગ પ્રયત્નો થયા અને એ બધાંય સદંતર નિષ્ફળ નિવડ્યાં. આખરે અષ્ટવિનાયકને એ જ હાલતમાં મજબૂત દોરડાથી બાંધી બંદર તરફ લઈ જવાની ફરજ પડી.

જીવન મરણના જંગમાં મોતને પરાજય આપીને જીતેલા ત્રણેય ખલાસીઓને લઈને અર્જુન બોટ જાફરાબાદ બંદરે પહોંચી. થોડા સમયમાં જ સમાચાર મળ્યા કે વિશાળ મોજાને પ્રતાપે એ બંદરમાં આપોઆપ જ સીધી થઈ ગઈ. બાંધેલા દોરડાને હિસાબે અર્ધડૂબેલી હાલતમાં જ એ તરતી પડી, તેમાંથી ત્રણ લાશ મળી આવી જેને તત્ક્ષણ ઓળખવી અશક્ય હતી. હોસ્પિટલમાં લઈ જઈ ઓળખના પ્રયત્નો પછી આખરે ખબર પડી કે એ નિતિન, કૈલાસ અને શ્યામના શબ હતાં. પરંતુ નરસિંહ અને કિરણ હજુ પણ મળ્યાં નહોતા. કરુણતા તો એ હતી કે નરસિંહ બોટ માલિકનો જમાઈ હતો અને લગ્નને હજુ એકાદ વર્ષ જ થયું હતું. સંપૂર્ણ જાફરાબાદમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું. આખરે જાફરાબાદ બંદરની દરેક બોટ આસપાસનો દરિયો ખૂંદી વળી ત્યારે લગભગ બે દિવસે કિરણ અને નરસિંહના શબ પણ મળી આવ્યા. પહેલા ત્રણ અને પછી બે ખલાસીઓની ચિતા સળગી.

પાંચે ખલાસી કાયમને માટે દુનિયા છોડી ગયાં. પણ હાર માને એ ખારવો શાનો? આજે પણ મોતને મુઠ્ઠીમાં લઈ અસંખ્ય ખારવાઓ દરિયો ખેડે છે, મોતને સાતતાળી આપી આવેલા આકાશ, રામદાસ અને કાનો આજે ફરી દરિયા સાથે જંગે ચડી ગયા છે. મોત સામે સતત ઝઝૂમવાની હિંમત અને તોફાનો સામે ટકી રહેવાની ખુમારી જ ખારવાની ઓળખ છે. કદાચ આ શૌર્ય અને સાહસ એ ખારવણ માના ઉદરમાંથી જ લઈને જન્મે છે. પતિને દરીયાઈ હોનારતમાં ગુમાવી ચૂકેલી સ્ત્રી પુત્રને એ જ દરિયાદેવને ખોળે રમતો મૂકતા જરાય અચકાતી નથી, અને એ જ ખમીર છે આ ગૌરવવંતી જાતિનું..

જય દરિયાદેવ

– વિષ્ણુ એસ. ભાલીયા

હું જ્યાં નોકરી કરું છું ત્યાં, પીપાવાવ બંદરથી ખૂબ જ નજીક આવેલા જાફરાબાદ બંદરની એક બોટની આ કરુણાંતિકા છે. MV Batis નામનું ઈરાની જહાજ જાફરાબાદથી ૬૦ નોટીકલ માઈલ દૂર અષ્ટવિનાયક બોટ સાથે અથડાયું હતું, પાકિસ્તાની મૂળના તેના ખલાસીની અને જહાજ પરના ૨૨ માણસોની, એ જહાજને હજીરા બંદર પર ડીટેઈન કરાયું ત્યારે એ વિશે સઘન પૂછપરછ કરાઈ હતી. એ પછી આ વાતની વિગતે કોઈ વાત જાણમાં નથી.

જાફરાબાદના વિષ્ણુભાઈ ભાલીયા વ્યવસાયે મૂળે માછીમાર. સાથે વ્યાપાર પણ કરતા વિષ્ણુભાઈનો લેખનમાં આ પ્રથમ પ્રયત્ન છે, જેને સંપાદક તરીકે મેં મઠારવાનો યત્ન માત્ર કર્યો છે. અષ્ટવિનાયક બોટની આ વાત અમને એટલે પણ યાદ છે કે એ શોકસમયના અમે પણ સાક્ષી છીએ, એ વખતે દરિયામાં હું ડ્રેજીંગનું કામ સંભાળતો અને એટલે મારી સાથે કામ કરતા હોડી, બાર્જ, ટગ અને ડ્રેજર વગેરેના ખલાસીઓ અને કેપ્ટન વગેરે પાસેથી આ ઘટના વિશે ઘણું સાંભળ્યું હતું, પણ આટલી વિગતે વાત કરીને વિષ્ણુભાઈએ આ દુર્ઘટનાને એક દસ્તાવેજી સ્વરૂપ આપ્યું છે. લેખનના પ્રથમ પ્રયત્ન અને અક્ષરનાદ પર તેમની પ્રથમ રચના બદલ તેમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “અષ્ટવિનાયક બોટની જળસમાધિ.. – વિષ્ણુ ભાલીયા

  • Jayesh yadav

    રુવાડા ઉભા કરી દેતુ વર્ણન, અભિનંદન વિષ્ણુ ભાઇ ને….

  • Vishnu bhaliya

    મિત્રો મારા લેખ ને આટલો સારો પ્રતિભાવ આપવા બદલ સર્વે મિત્રો નો ખુબ ખુબ આભાર.મારો હેતુ એટલો જ છે કે અમ ખારવા લોકો ની શોર્ય અને સાહસ ની આવી કહાનીઓ અન્ય લોકો સુધી પોહચે..તે ક્ષણ મેં અનુભવી છે એટલે કહું છું કે ત્યારે પથ્થર દિલ નો માણસ પર રડી ઉઠે.
    અક્ષરનાદ પર ‘વાચકો ને આમંત્રણ’ તે વિભાગ જોયો ત્યાર થી જ તે ઘટના ને શબ્દરૂપ આપવા ની ઠાની લીધી અને પ્રયાસ કર્યો..સફરતા પણ મળી તે બદલ અક્ષરનાદ.કોમ તેમજ જીગ્નેશ ભાઈ નો પણ ખુબ આભાર…..કાલિદાસ ભાઈ,જય ભાઈ,વિમાલભાઈ,ભાવેશભાઈ,હરેશભાઇ,ગોપાલભાઈ,મહેશભાઈ,દિલીપભાઈ,નરેશભાઈ,પ્રતાપભાઈ,પ્રહલાદભાઈ…આપ સૌ નો ખુબ જ આભાર જો મને પ્રોત્સાહન રૂપ કૉમેન્ટ લખી…

    • Ashvin Chavda

      અશ્વિનકુમાર ભવાનભાઈ ચાવડા
      મુ.પો. વેગડવાવ, તા. હળવદ, જિ. મોરબી
      પિન કોડ નં. – 363330
      મો.- 9924222668
      અભ્યાસ – પીએચ.ડી. (ગુજરાતી) Conti.
      વિષય – કચ્છના નાના રણના અગરિયાઓ અને સૌરાષ્ટ્રનાં દરિયાઈ કાંઠાના ખારવાઓનું લોકસાહિત્ય:એક અભ્યાસ
      ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ

  • Naresh baraiya

    आ अष्टविनायक बोट हमारी हती..तेना नंबर हता GJ 14 MM 139 …आजे पण ते पल याद आवे छे तो आँख भीनी थाई जाय छे…बनेवी सहित 5 जिन्दगी बूजाई गई ते वात थी दिल दुखी थाई जाय छे….हवे ज्यारे पण ते घटना याद आवसे त्यारे आ लेख वाची लाइश…..विष्णु भाई खूब खूब आभार….

  • praheladbhai

    બહુજ સર્સ વિશનુ ભૈ , આપે મને લેખ વાચ્વાનુ કહિ ને એક પ્રેર્ના આપિ જે થિ ખર્વાઓ વિશે અને તેમ્નિ યાતનાઓથિ ભર્પુર્
    જિવન જાનિ શકાયુ , બહુજ સારિ રજુઆત શે
    આભાર

  • Pratap vanik

    આ અમારેી વાર્તા ચેી ખારવા હુ ખારવા ચ્હુ મને ગર્વ ચ્હે

  • dilip panchal

    v b sir kharekhar sarahniy kamgiri kari chhe tame khubaj umda pratibha dharavo chho tame kharekhar all rounder chho tame khalasi ona jivan ni aavi karunantikao hova chhata ane ena parinam vishe te janta hova chhata pan roje roj dariya dev na aashare ane emna sharne jay chhe koi pan prakar ni bik vagar emni himmat ne koti koti vandan ane tamne tamara aa lekh badal khub khub abhinandan. dk panchal boratvada

  • Mahesh baraiya

    बहु सरस विष्णु भाई तमारो आ लेख वांची बहु आनंद थाय छे
    जे राते घटना बनी हती ऐ दिवश पाछो याद आवि गयो
    धन्य छे भाई के तमारी माह महेन्ते तमारो लेख छापवा माँ आव्यो
    खूब सरस

  • H.k.

    Vishnubhai aa ghatna kharekhar aankh ma ashru laavi de tevi chhe, and as ghatna vise banaav banya Na thodaj samay ma mane maara mitra Bhavesh baraiya maarfate khabar padi hati te samye mane khud he suki pathaari ma aakhi raat ungh naa aavi hati to pachhi dariya Na khora ma ravine potana Jiv he bachaavava mate uthal-paathal karata aa khalashioni haalat kevi hase, te kalpana karta aaje pan mane taadh chadi jaay chhe..

    Kharwa Ni khumaari ne hu dil thi salaam Karu chhu….

  • Bhavesh Baraiya

    વિષ્ણુભાઈ ભાઈ તમારો ખુબ ખુબ આભાર કે તમે આ ઘટના ને શબ્દરૂપ આપ્યું….આજે પણ આ ઘટના યાદ આવે છે તો દિલ ભરાય આવે છે..કારણ કે તેમાનો ૨ ખલાસી સાથે અમારો ઘર જેવો સંબંધ હતો…
    ઈશ્વર ને પ્રાર્થના કે તેવો ઘોજારો સમય જાફરાબાદ માં પાછો ના દોહરાવે…….જય દરીયાદેવ…..

  • gopalkhetani

    હાયર સેકન્ડરી મા આવતી વાર્તા ‘ભણકારા’ યાદ આવી ગઇ. ખારવા ઓ ની ખુમારી ને સલામ.

  • Vimala Gohil

    “શ્રી વિષ્ણુભાઈનો લેખનમાં આપ્રથમ પ્રયત્ન” જોતા” પ્રથમ” જેવો તો નથી જ લાગ્તોપણ એક આશા બંધાઈ છે કે એક બીજા ગુણવંતરાય આચાર્ય
    મળશે. સાગરખેડ ખારવાઓની સાહસવ્રુતિને નમન.
    સાગરના આવા પાણીદાર મોતીનો પરિચય કરવવા બદલ અક્ષરનાદનો આભાર.

  • Kalidas V. Patel {Vagosana}

    ખારવાઓની જિંદગી સાહસ અને જોખમથી ભરપૂર હોય છે, તે આ લેખથી વિગતે જાણ્યું. આભાર વિષ્ણુભાઈ.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Jay

    સાગર પુત્રોના સાહસ સામાન્ય માણસની ક્લ્પનામાં આવવા મુશ્કેલ છે. અષ્ટવિનાયકન આઠ ખલાસીઓ નો અનુભવ કરુણ છે. એમની હિંમત દાદ માગે છે.