ગતાંકથી આગળ…
ઇલેવન્થ એવન્યુ સુધી ચાલીને મેં રસ્તો ઓળંગ્યો. રેલવેના પાટાને કારણે એ જગ્યા ડેથ એવન્યુ તરીકે ઓળખાતી હતી. સાવચેતી રાખતાં હું એક ડબ્બામાં ચડ્યો.
દેશ આખાને ઓળંગીને પૂરી કરેલી એ મુસાફરી એક દુઃસ્વપ્નની માફક આખી જિંદગી મને યાદ રહેવાની હતી! સૂમસામ મધરાતે નાના-નાના સ્ટેશને ઊતરવું, રેલવેના બ્રેકમેનથી બચતા રહેવું, ઠંડીથી બચવા કોલસાના ખાલી ડબ્બામાં લપાઈને સૂઈ રહેવું, જ્યાં-ત્યાંથી ખાવાનું શોધતા રહેવું, ખેતરોમાં ખાવાનું માગવું, અને પૈસા ચુકવવા જતાં શંકાશીલ નજરોથી છેદાવું, ટ્રેનના સળિયાને કચકચાવીને પકડી રાખવું, કડકડતી ઠંડીમાં બુઠ્ઠા થઈ ગયેલા હાથે સળિયો પકડી રાખવા કે છોડી દેવાની ચર્ચાઓ કરવી, મિત્રાચારી માટે પાછળ પડી જતા મવાલીઓથી બચવું! અને છેલ્લે-છેલ્લે તો, ટ્રાન્સકોન્ટિનેન્ટલ એક્સ્પ્રેસમાં મળતી બધી જ સુવિધાઓ ખરીદી શકાય એટલા પૈસા ગજવામાં હોવા છતાંયે, જહાજ ક્યાંક ચૂકી તો નહીં જવાયને, એ ભયમાં ગભરાતા રહેવું…! પણ એમ કરવા જતાં કોઈને ચેપ લગાડી બેસવાનો ભય હંમેશા રહેતો! આ રીતે ભટકતાં-ભટકતાં મુસાફરી કરવાથી હૃદયમાં એ ભાર તો નહોતો રહેતો, છેવટે!
જહાજ ઉપડવાનું હતું એ દિવસે જ હું સેન ફ્રાન્સિસ્કો પહોંચ્યો, અને ઝપાટાબંધ ધક્કા પર પહોંચી ગયો. જહાજ પર જવા માટે મૂકેલા પાટિયા પાસે જ એક સૈનિકે મને રોકી પાડ્યો.
“ક્યાં જવું છે તમારે?”
“મારે આ જહાજમાં જવાનું છે.”
“અરે વાહ, શું વાત છે!”
“હા, મારી રાહ જોવાઈ રહી છે.”
“હા, હા! અહીં તો કુતરાં-બિલાડાંની પણ રાહ જોવાઈ રહી છેને! ચાલતી પકડ સાલા! સૈનિકો માટેનું જહાજ છે આ!”
“હું જાણું છું કે આ સૈનિકોનું જહાજ છે. હું પણ એક વખત સૈનિક હતો…”
“હતોને? આજે તો નથીને?”
હું જીવ પર આવી ગયો હતો. કોઈ જાણી જશે એની જાણે મને ચિંતા જ રહી ન હતી!
“હું રક્તપિત્તિયો છું.”
“પાગલ થઈ ગયો લાગે છે.”
હું મગજ ગુમાવી બેઠો.
“ડૉ. સિડનીને કહે, કે નેડ ફર્ગ્યુસન આવ્યો છે.”
મેં જહાજના ડૉક્ટરનું નામ લીધું, એટલે કુતૂહલથી એ મારી સામે શંકાસ્પદ નજરે જોઈ રહ્યો. બે-ચાર ડગલાં આગળ-પાછળ ચાલીને પાટિયાને સામે છેડે ઊભેલા ચોકીદારને એણે બોલાવ્યો. “ડૉ. સિડનીને બોલાવ.”
થોડી વારે મેડિકલના ચિહ્નો પહેરેલી એક વ્યક્તિ દેખાઈ.
“ફર્ગ્યુસન?”
“હા, સર.”
“ઉપર આવી જાવ.”
જહાજ પર ચડતી વખતે મોં બગાડી રહેલા ચોકિયાત પર મારી નજર પડી. એનો ધીમો અવાજ મારા કાને પડતો હતો, “હે ઇશ્વર, શું થવા બેઠું છે!”
“તમે પહોંચી ગયા એ મને ગમ્યું. મને તો ચિંતા થતી હતી થોડી…! આવો હું તમને તમારી કૅબિન બતાવી દઉં.”
જે એકાકી કૅબિનમાં મારે રહેવાનું હતું ત્યાં સુધી એ મને દોરી ગયા. નાનકડી પણ અનુકૂળ કૅબિન હતી એ. અંદર અલાયદું બાથરૂમ હતું. ટોમ અને બીલે મોકલેલાં પાર્સલ અંદર પડ્યાં હતાં. એને મેં ત્યાં જ પડ્યાં રહેવા દીધાં, ફક્ત કપડાં બેગમાંથી કાઢીને ગોઠવી દીધાં. વાળ સાવ ખરાબ થઈ ગયા હતા. મને ખબર હતી કે હવે વાળ કાપતાં તકલીફ પડવાની હતી! ન્યુયોર્કમાં તો હું જાતે જ મારા વાળ કાપી લેતો હતો, પણ રસ્તામાં મેં વાળની દરકાર કરી ન હતી. એટલે છેવટે અહીં આવીને વાળ કાપવાની શરૂઆત કરી.
બ્યુગલનો અવાજ સંભળાયો. ઉપરથી કુચ કરતા સૈનિકોના અને સંગીતના અવાજો સાંભળીને મારા હાથમાંથી કાતર છટકી ગઈ! પંદર વર્ષ પહેલાં મેં આવી જ એક કુચ કરેલી, તૂતક ઉપર! ખખડધજ ‘ચાઇના’ જહાજ ઉપર હજારથી વધારે માણસો હતા; આજે પણ જહાજ ઉપર હજારથી વધારે માણસો છે, એક હજાર અને એક, હું! ડ્રમના અવાજો સાથે કાંપતા મારા હાથે જાતે વાળ કાપવા સંભવ ન હતા, પણ ડ્રમનો અવાજ બંધ થતાં સ્થિર હાથે સારું કામ થયું. એ કામ પૂરું થતાં જ એંજિન શરૂ થયું. દોડીને હું એક બારી પાસે ગયો. બારી ખોલી નાખી. સેન ફ્રાન્સિસ્કોનો અખાત બહુ ઝડપથી મારી નજર સામેથી સરકી રહ્યો હતો. એ અદ્ભૂત બંદર પસાર થઈ રહ્યું હતું. અમે ગોલ્ડન ગેટમાંથી પસાર થઈ રહ્યા હતા. હું જાણતો હતો, કે મારા વતનને આજે હું છેલ્લી વખત જોઈ રહ્યો હતો!
*
દરવાજે ખખડાટ થયો. ડૉ. સિડની આવ્યા હતા. પ્રભાવશાળી વ્યક્તિત્વના એ માલિક હતા. ઠીંગણા, જાડા શરીર ઉપર એમનું ટાલિયું માથું ચમકતું હતું. ચાળીસીના પાછલાં વર્ષોમાં સુઘડ રીતભાત અને આનંદી સ્વભાવ! મને જોઈને હસવા લાગ્યા.
“બાપ રે! એક માણસમાં આટલો ફરક પડતો મેં ક્યારેય નથી જોયો! વાળ જાતે કાપવા પડ્યા કે શું તમારે? પણ તોયે તમે સારા કાપ્યા છે!”
“ખૂબ આભાર તમારો. અને ડૉ. સિડની, મને માત્ર નેડ કહીને જ બોલાવજો, હં કે?”
“એ તો મને ખૂબ ગમશે, નેડ! હવે તમારો નિત્યક્રમ જોઈ લઈએ. તમારું જમવાનું તમને અહીં પહોંચાડવામાં આવશે. તમારા વાસણો તમારે જાતે સાફ કરવાના રહેશે. નળમાં ખૂબ જ ગરમ પાણી આવે છે. તમારો એકમાત્ર મુલાકાતી અહીં હું જ હોઈશ! હા, કેપ્ટન ઇચ્છે તો દરવાજા સુધી આવીને તમારી સાથે વાત કરી શકે છે.”
“ભલે, જરૂરથી આવે એ.”
ડૉ. સિડનીની મુલાકાતો થતી રહેતી, અને છતાં મારો સમય વીતતો નહોતો. વધારાના સમયમાં મારા પાર્સલ અને પત્રો કામ લાગતાં હતાં. મારું થાળીવાજું અને ટાઈપરાઈટર હેમખેમ આવી ગયું હતું એનો મને બહુ આનંદ હતો. બીલના પત્રમાં એમણે લખેલું કે ફિલિપાઇનના એક ડૉક્ટર રેવિનોને એ ઓળખતા હતા. એમણે એમને પત્ર પણ લખી દીધો હતો. ટોમે થોડી રેકર્ડ્ઝ અને એક ટૂંકો પત્ર મોકલ્યા હતા. બિચારો ટોમ! મને તો શું બીજા કોઈને પણ પત્ર લખવાનો સમય એને ક્યાં મળતો હતો! માની તબીયત ફરીથી સારી થઈ ગઈ હતી. મેબલે લગ્ન કરી લીધા હતા. એનો પતિ કદાચ ધંધામાં જોડાવાનો હતો. જેન ક્લેવલેંડની શાળામાં સંગીત શીખવવા ચાલી ગઈ હતી.
થોડા દિવસો પછી કેપ્ટન રોબિન્સન મને મળવા આવ્યા. એમણે ઔપચારિક પુછપરછ કરીને મને શુભેચ્છાઓ પાઠવી. એ સમયે મેં સફેદ સૂટ પહેર્યો હતો. મારો દેખાવ જોઈને એ આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયા. એક રક્તપિત્તિયા વિશે એમણે કંઈક જુદી જ ધારણા બાંધી હશે!
એ સાંજે થાળીવાજું વગાડતા-વગાડતા અચાનક જ મને કંઈક થતું હોય એવું લાગ્યું. અત્યાર સુધીમાં આવું ક્યારેય થયું ન હતું. ઊલટી અને બળતરા…! ખૂબ ચક્કર આવવા લાગ્યા. મહામહેનતે કપડાં કાઢીને જોયું તો પગ ઉપર એક જગ્યાએ સોજો ચડી ગયો હતો. મારા હાથ ઉપરનાં ચાઠાં પણ લાલઘૂમ થઈ ગયાં હતાં. શું થઈ ગયું હશે એ વિચારતાં-વિચારતાં હું પથારીમાં આડો પડ્યો. ડૉ. સિડની આવ્યા ત્યારે એમને પણ કંઈ સમજાયું નહીં.
“બહુ ઉત્તેજનામાંથી તમે પસાર થયા છો. આવી કઠીન મુસાફરી પછી કોઈ કાચું-પોચું તો એક-બે દિવસમાં જ પડી ભાંગે! થોડો આરામ કરો, સારું થઈ જશે તમને.”
થોડી દવા આપીને એ ગયા. એનાથી મને ઘણું સારું લાગ્યું. ઊંઘ્યા જ કર્યું, ઊંઘ્યા જ કર્યું મેં. થોડા દિવસમાં ફરીથી તબીયત બરાબર થઈ ગઈ. મહિનાઓ પછી મને તો ખબર પડી, કે એ મારું પહેલું ‘લિપર્સ રિએક્શન’ હતું. રક્તપિત્ત સાથે જોડાયેલાં કેટલાયે અનિષ્ટોમાનું એ એક હતું.
*
સાજોસમો થઈને હું નવી રેકોર્ડ્ઝની મજા લેતો હતો. એક રેકર્ડનું ટાઈટલ જાણીતું ન હતું, પણ ઓરકેસ્ટ્રાએ વગાડેલા કેટલાક સ્વરો સાંભળતાં જ હું ગીતને ઓળખી ગયો. મારું જ ગીત હતું એ તો, અમારું ગીત! જેન અને મારું સહિયારું ગીત! ધુનમાં થોડા ફેરફાર હતા, એક અંતરો નવો હતો જે પહેલાં ન હતો. જરૂર, જેને જ એ ફેરફાર કર્યા હશે! ફરી એક વખત હું મારી જૂની દુનિયામાં ખોવાઈ ગયો! એ રેકર્ડ સાંભળતાં-સાંભળતાં, હું જેન સાથે રખડતો હતો, એની સાથે ઘોડેસવારી કરતો હતો; એની ભૂખરી-નીલી આંખોનો ઝબકારો, એ પોતાના માથાને આમ ઝટકો મારતી હતી…! સાથે મળીને અમે ઘરની ગોઠવણ કરતાં હતાં…! અને એ સાથે જ રેકર્ડ પૂરી થઈ ગઈ . પીન ઘસાવાનો ચચરાટ સંભળાતો હતો. વાજું બંધ કરીને રેકર્ડ હાથમાં પકડીને હું બેઠો રહ્યો. એ જ સમયે કેબિનનું બારણું ખૂલ્યું.
“શું વાત છે, નેડ? તબીયત ફરીથી બગડી છે કે શું? કોઈ ભૂત-બુત જોયું હોય એમ આટલો ફિક્કો કેમ પડી ગયો છે?”
“હા, મેં ભૂત જોયું… હમણાં જ!” હું બબડ્યો.
ડૉ. સિડની બહુ સમજદાર હતા. એ કંઈ જ બોલ્યા નહીં.
હોનોલુલુ પહોંચતાં લગભગ એક અઠવાડિયું લાગ્યું. કેટલાક સૈનિકો ત્યાં ઉતરવાના હતા. કૅબિનમાં બેઠાં-બેઠાં જ બંદર અને એની પાછળના ટાપુની ઝલક હું જોઈ શકતો હતો. એક આખો દિવસ અમે હોનોલુલુ રોકાયા. મનિલા જવાના હતા એ સૈનિકોને આરામ આપવામાં આવ્યો હતો, એટલે એમની આવ-જા થતી રહેતી હતી.
વધુ ત્રણ અઠવાડિયાં પસાર થઈ ગયા. જાણે અનંતકાળ જેટલા લાંબા એ ત્રણ અઠવાડિયાં લાગ્યાં હતાં! ક્યારેક પાંજરામાં પુરાયેલા પ્રાણીની માફક ક્યાંય સુધી હું આમતેમ આંટા મારતો રહેતો, તો ક્યારેક કલાકો સુધી બે હાથમાં માથું પકડીને વિચારતો, ઉદાસ થઈને ધૂંધવાતો બેઠો રહેતો! એ સમયે ડૉ. સિડની મારી વહારે આવતા, એમની અલકમલકની વાતો લઈને! ભાતભાતના ટુચકા એ મારા માટે ગોખીને આવતા, અને એમની સંગતમાં હું બધાં દુખો ભૂલીને ઉદાસીમાંથી બહાર આવી જતો!
મનિલા પહોંચ્યા ત્યારે હું થોડો નિરાશ થઈ ગયેલો, કારણ કે મારી કૅબિન બંદર તરફ હતી. કોરિજીડરનો કિલ્લો અને બંદર જોવાની મને ઘણી ઇચ્છા હતી. મારી કૅબિનમાંથી તો ઉબડખાબડ દરિયાકિનારો અને એની આજુબાજુમાં ગીચોગીચ ઊગી નીકળેલી ઝાડી જ નજરે પડતી હતી. અમે જમણી બાજુ એ સ્ટારબોર્ડ તરફ ઊભા હતા, એટલે ધક્કાને બદલે મને માત્ર અખાતમાં લાંગરેલાં જહાજો જ દેખાતાં હતાં. લશ્કરી બૅંડ વાગવું શરૂ થયું અને એ સાથે જ સૈનિકોની કૂચકદમના અવાજો સંભળાયા. હું મારી કેબિનમાં રાહ જોતો બેઠો રહ્યો.
મારા જીવનનો એ બહુ ખરાબ સમય હતો. કલાકોના કલાકો પસાર થઈ ગયા! ગુંગળાઈ જવાય એવી ગરમીમાં બપોરથી છેક મોડી સાંજ સુધી હું બેઠો રહ્યો. પંદર વર્ષ પહેલા હું આ બંદરે ઉતર્યો હતો એ દૃશ્યને હું મનોમન યાદ કરી રહ્યો! એ સમયે હું એક યુવાન હતો, વિશ્વને પાઠ ભણાવવાના કાર્યમાં પોતાની ભૂમિકા ભજવવાનો ભાર લઈને નીકળેલો એક ઉત્સાહી યુવાન! અને આજે ફરી એક વખત, એ જ કિનારે હું એક નવી લડાઈ લડવા જઈ રહ્યો હતો! એક અદીઠ શત્રુ સામે લડવા માટે! અને આ વખતે મારું સ્વાગત કરવા માટે કોઈ બ્યૂગલ કે ઢોલ વાગતાં ન હતાં!
એ લાંબી સાંજ પૂરી થઈ, છેક ત્યારે ડૉ. સિડની આવ્યા. અગત્યના કામમાં રોકાઈ જવાને કારણે સમય ક્યાં ગયો એની ખબર ન રહી, એવું કારણ એમણે જણાવ્યું. એક આરોગ્ય અધિકારી મારો સંપર્ક કરવાના હતા, એ સિવાય બીજી કોઈ વ્યવસ્થાની એમને પણ જાણ ન હતી!
“તારા ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે, નેડ! મોડું એટલું થઈ ગયું છે, કે કદાચ તું જમવાનું ભૂલી પણ જાત! બસ, એ લોકો આવતા જ હશે!”
ભોજન પણ જાણે સમય પસાર કરવાનું એક સાધન બની રહ્યું! ભૂખ તો રહી જ ન હતી. ડૉ. સિડની ફિલિપાઇનના એક માણસને લઈને આવ્યા ત્યારે બહાર અંધારાં ઊતરી આવ્યાં હતાં.
“મિ. ફર્ગ્યુસન,” ડૉ. સિડની વિવેકભર્યું બોલ્યા, “આ ડૉ. રેવિનો છે, મેજર થોમ્પસનના મિત્ર. તમે જ્યાં જઈ રહ્યા છો, ત્યાંના એ મુખ્ય ચિકિત્સક છે.”
ડૉ. રેવિનોએ ખૂબ જ નમ્રતાથી અભિવાદન કર્યું. બેઠી દડીના અને એકવડીયા બાંધાના ડૉ. રેવિનો અર્ધ-સ્પેનિશ હોય એવું લાગ્યું. બહુ જ નમ્ર દેખાતા ડૉ. રેવિનો બીજા લોકોથી બહુ જુદા અને થોડા સંકોચશીલ પણ લાગતા હતા.
“અહીં રહીને તમારા દેશની સેવા કર્યા બાદ, તમારે મનિલામાં આ દુર્ભાગ્ય સાથે પાછા ફરવું પડે છે એ બદલ હું ખરેખર દિલગીર છું. હું તમને ખાતરી આપું છું કે તમારા માટે અમારાથી જે કંઈ થઈ શકશે, એ અમે કરી છૂટીશું.”
મેં એમનો આભાર માન્યો. રાત્રે જરૂર પડે એવી ચીજવસ્તુઓ પેક કરીને સાથે લઈ લેવાની એમણે મને સૂચના આપી. વધારાના સામાન માટે કોઈ બીજી વ્યવસ્થા એમણે કરી હતી. અમે ત્રણેય ચાલી નીકળ્યા. બંને ડૉક્ટરો પરસાળમાં મારી આગળ થયા. કેબિનની બહાર આવ્યા ત્યારે બંધ ગોદામની એક દિવાલ, જહાજ પરથી ઊતરવાનું પાટિયું અને જહાજના કઠોડાનો એક ભાગ દેખાતો હતો. કઠોડાને અઢેલીને પાંચ-છ ખલાસીઓ ઊભા હતા. અમને જોઈને એ લોકો ચમકી ગયા. ઊંડો શ્વાસ લેતાં એકનો અવાજ સંભળાયોઃ
“હે ઇશ્વર, આ તો પેલો રક્તપિત્તિયો!”
કઠોડો છોડીને ઝપાટાબંધ એ લોકો છૂ થઈ ગયા. ડૉ. રેવિનોએ મારો હાથ પકડીને ઇરાદાપૂર્વક મને બીજી દિશામાં ફેરવી દીધો. એ પૂછતા હતા, “તમને આ અખાત યાદ છે કે? ચાંદની રાતે આ કેવો સુંદર લાગે છે!” પણ એ થોડા મોડા પડ્યા. પેલા પાંચ-છ લોકોના ચહેરા ઉપરના અણગમા અને ભયને હું જોઈ ગયો હતો તેને એ રોકી ન શક્યા.
ડૉ. સિડનીએ પણ ઝડપથી વાત બદલી. “ક્યારેક આવી ચડીશ ક્યુલિઅન, તને મળવા. આ કંઈ આપણી છેલ્લી મુલાકાત નથી. અને હા, હું ડૉ. બીલને પત્ર લખવાનો છું.”
“ડૉ. સિડની, મને આશા છે કે આપણે જરૂર ફરીથી મળીશું. મારા માટે તમે જે કંઈ કર્યું છે તેને માટે હું તમારો આભારી છું.”
પૂલ પરથી હું એમને જતાં જોઈ રહ્યો. ફરી એમને મળી શકવાની કોઈ શક્યતા મને દેખાતી ન હતી.
(ક્રમશઃ)
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.
Brilliant & Bravo… i don’t want to miss a single word.
આભાર મિત્ર, મારી મહેનત લેખે લાગી ખરી!
-અશ્વિન ચંદારાણા