૧૦ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૮) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 7


(૧૦૧)

‘હાઉ ટુ બી પોઝીટીવ’ પુસ્તકના ૫૬ અને ૫૭મા પાનાની વચ્ચે આંગળી રાખી પુસ્તક ખસેડતા રધુભાઇ બોલ્યા.. “તમે ગમે તે કહો, મારો દિકરો સંસ્કારી તો ખરો જ.. આમ છો ફોન ન કરે, પણ એની વર્ષગાંઠે મને અહીં ઘરડાઘરમાં પગે લાગવા ચોક્કસ આવે જ.. બોલો..”

(૧૦૨)

અતિઆધુનિક મંદિરમાં જ આવેલ કેફેટેરિયામાં ફરાળી પિઝા અને સમોસા જેવી ૭૨ વિવિધ ફરાળી વાનગીઓનું લિસ્ટ જોતો હતો ત્યારે જ અંદરના આલિશાન હોલમાં ચાલતા પ્રવચનમાં ગુરુજી કહેતા સંભળાયા, ‘ઉપવાસ એ સંયમ શીખવતી સીડી છે.’

(૧૦૩)

“દાન આપનારે બદલાની અપેક્ષા ન રાખવી બેટા, કોઇપણ પ્રકારના લોભ વગર થાય એને જ દાન કહેવાય.”

હજી બે મિનિટ પહેલા દિકરાને આ શબ્દો કહેતા વિરંચીલાલને અચાનક શું યાદ આવ્યું તો તરતજ વળતો ફોન લગાડિને દિકરાને કહ્યું “રિસિપ્ટ લઇ લેજે ૮૦ જી હેઠળ ટેક્ષ માફી મળશે..”

(૧૦૪)

એક અતિ ધનાઢ્ય વ્યક્તિના સ્વર્ગવાસ બાદ તેમના જીવનના સાવ સાદા પ્રસંગોને કોઇપણ ભોગે પ્રેરણાદાયી બનાવીને ૪૦૦ પાનાનું પુસ્તક લખવા માટે અંકિતને ૩૫,૦૦૦ રુપિયા રોકડા મળ્યા..

અંકિતને આ ફીલ્ડ કમાવા જેવુ લાગ્યું.

(૧૦૫)

ક્લાસની બારી બહાર લહેરાતા પવની સાથે ઝૂમી રહેલ ફૂલોની વચ્ચે કળા કરતા મોરને એકધારી નજરે જોઈ રહેલા દિવ્યમનો કાન મરડીને ક્લાસ ટિચરે ઝબકાવ્યો.

ક્લાસની બારી જોરથી બંધ થઈ અને એટલીજ જોરથી ભવિષ્યને એક ક્રિએટિવ માણસ મળતો મળતો રહી ગયો…

(૧૦૬)

“બોલ જોય, આજે તારી બર્થડે વિશ શું છે?” સવારમાં ઉઠતા જ આંખોના પોપચા બન્ને હાથે દબાવી, પથારીમાંજ નાનકડા રુતુલને મમ્મીએ પૂછ્યુ..

સાવ ભોળા મનથી તેણે કહ્યુ, “હે ભગવાન, એક દિવસ માટે મમ્મી અને પપ્પાનો સ્માર્ટફોન બગડી જાય એટલે એ મારી જોડે વાત કરી શકે.”

(૧૦૭)

“બળ્યું, આ ફેસબુક શું છે?” ૬૦ વર્ષે પહેલીવાર પત્નિએ ટેકનોલોજીમાં રસ લઈને પૂછેલો પ્રશ્ન સાંભળી કાંતિલાલે લેપટોપ ખોલી, સોશીયલ વેબસાઈટના ફાયદા સમજાવ્યા..

વળતી જ પળે સુમનબેન બોલ્યા, “લો, આમા નવુ હું છે. કોણે હું કર્યુ? કોને હું ગમે એવી પંચાત તો અમ રોજ હાંજે ભજન પછી કરિયે છીયે.”

(૧૦૮)

આખુ કુટુંબ આજે સ્તબ્ધ હતું. કાલે રોમાના લગ્નના ગરબામાં અચાનક જ દાદાજીને શું થયુ કે ગાંડાની જેમ નાચવા લાગ્યા. સંયમ અને કડકાઇના પહેરેદાર એવા દાદાજીનું આ વર્તન કોઇના માન્યામાં આવ્યુ નહીં.

કુટુંબ અને મહેમાનોને આ અસમંજસ વચ્ચે મૂકી, ચુપકેથી દાદીને રૂમમાં હાથ ખેંચીને લઇ જઇ દાદા બોલ્યા “જિંદગીમાં આપણને ચેલેન્જ નહીં આપવાની શું? ચલ હવે, શરતની પપ્પી કર..”

(૧૦૯)

હોસ્પિટલની પથારીમાં સૂતા સૂતા અમરતલાલે બાજુવાળા પેશન્ટને બ્રહ્મજ્ઞાન આપ્યું.. “સાલું એવું નથી લાગતું કે ઘણીવાર કેન્સર જ સ્મોકિંગને મટાડે છે…”

(૧૧૦)

વશીકરણ, મુઠમારણ સાથે ૧૦૦% રિઝલ્ટની ગેરેન્ટી આપતા અને જન્માક્ષર જોઇને ક્લાયન્ટનું સચોટ ભવિષ્ય કહી આપતા ગીરીશ પંડિત આજે પોતે સંતાડીને મોકલેલા પ્રેમપત્રનો જવાબ ‘હા’ આવશે કે ‘ના’ એની ચિંતામા હતા.

– ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

મે ૨૦૧૫માં ૧૦૦ માઈક્રોફિક્શન વાર્તાઓ લખવાનો આગવો કીર્તિમાન બનાવ્યા પછી હાર્દિકભાઈ લાંબા સમયે આજે તેમની દસ માઈક્રોફિક્શન સાથે ઉપસ્થિત થયા છે. તેમની આગવી સર્જનક્ષમતાનો ચમકારો તેમની આ બધી જ વાર્તાઓમાં છે. તો આજે માણીએ તેમની ૧૦૧ થી ૧૧૦ ક્રમની માઈક્રોફિક્શન વાર્તાઓ..

ડૉ. હાર્દિક યાજ્ઞિકની સો માઈક્રોફિક્શનની આ સફરની પહેલાની કડીઓ… Gujarati Microfiction stories
ભાગ ૧ભાગ ૨ભાગ ૩ભાગ ૪ભાગ ૫ભાગ ૬ભાગ ૭


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “૧૦ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૮) – ડૉ. હાર્દિક યાજ્ઞિક