ગતાંકથી આગળ…
ડર જોકે મારી રગેરગમાં વ્યાપી ગયો હતો, પણ શબ્દોમાં એને વ્યક્ત કરી શકવાની મારી હિંમત રહી ન હતી. મારા એક-એક વર્તનમાં હવે આ ડર ડોકિયાં કરી જતો હતો. બીજા લોકોને મારાથી દૂર રાખવા માટે મેં અલાયદી સગવડ મળે એવો ડબ્બો પસંદ કરેલો. બારી બહાર અંધારું થતાં જ પહેરેલાં કપડે હું પથારીમાં આડો પડી ગયો. ઊંઘ આવવી તો શક્ય જ ન હતી! વહેલી સવારે ટ્રેન સેંટ લુઇસ પહોંચી. ટ્રેનમાંથી ઊતરીને હું ચાલવા લાગ્યો, બસ ચાલતો જ રહ્યો. છેવટે હિંમત એકઠી કરીને ડૉક્ટરની ઑફિસ જવાનો રસ્તો પકડ્યો. ડૉક્ટરને વહેમ પડે એવું કંઈ ન કહેવું એવું મને મનમાં અને મનમાં થતું હતું, પણ એમ લાગતું હતું કે મનમાં પેસી ગયેલો પેલો ડર બધું જ ડૉક્ટરને કહી દેવા તલપાપડ હતો!
છેવટે મકાનમાં પ્રવેશીને, ત્રીજા માળે આવેલી ડૉક્ટરની ઑફિસમાં હું ગયો. ઓફિસ બહુ સમજપૂર્વક સજાવેલી હતી. સ્વાગત-ખંડમાં અડધોએક ડઝન સ્ત્રી-પુરુષો રાહ જોઈને બેઠાં હતાં. પરસાળમાં બીજા કમરાઓના બારણાં પડતાં હતાં. એમાંના એક બારણા ઉપર ‘વૉટકિન્સ’ના નામની તકતી લાગેલી હતી. એમને જ મારે મળવાનું હતું. નર્સ આવે ત્યાં સુધી મારી ટોપી હાથમાં રમાડતાં-રમાડતાં કમરાની મધ્યમાં જ હું ઊભો રહ્યો.
મેં મારું નામ કહ્યું ત્યાં જ નર્સે જણાવ્યું કે, ડૉક્ટર મારી જ રાહ જોતાં હતાં, અને એ શક્ય એટલા જલદી મને મળવા બોલાવશે. ત્યાં સુધી રાહ જોવા એણે મને જણાવ્યું, પણ મને કોઈ વાતે શાંતિ ન હતી. હું એક બારી પાસે ગયો, અને બહાર દેખાતા શહેર પર નજર નાખી, કંઈ જ જોયા વગર… મારે જેનને પત્ર લખી જણાવવું જોઈતું હતું? પત્રો તો અમે દરરોજ લખતાં હતાં. આજે મારે એને પત્ર લખી નાખવો જ જોઈએ! અને મારી માતા? મારા આમ આ રીતે અચાનક ચાલી નીકળવાને કારણે એ પણ દુઃખી હશે! હું એને પણ પત્ર લખી નાખીશ. પેલી વીમાવાળી બાબત… ખેર, એ તો ટોમ સંભાળી લેશે… બરાબર એ જ ટાણે નર્સ આવી પહોંચી અને મને અંદર બોલાવ્યો.
પરસાળમાંના છેલ્લા એક કમરાની અંદર એ મને લઈ ગઈ. મારું નામ બોલી, અને એ અદૃશ્ય થઈ ગઈ. એક વ્યક્તિની સામે હવે હું ઊભો હતો. હશે પચાસ-પંચાવનની ઉંમર… ભૂખરા વાળ, પણ માણસ જુવાન લાગતો હતો! ચહેરા પર આત્મવિશ્વાસ અને સફળતા છલકતી હતી. એક ક્ષણમાં જ મારી શંકાઓનું જાણે કે સમાધાન મળી ગયું મને! આ માણસ ચોક્કસ મને સાજો કરી દેશે!
“ડૉ. ડિક્સને મને તમારા વિશે તાર કર્યો હતો, મિ.લેંગફર્ડ. બહુ સજ્જન માણસ છે ડૉ. ડિક્સન. માત્ર મને મળવા માટે જ તમારે અહીં આવવું પડ્યું એ બદલ મને દુખ થયું. આવો જરા જોઈ લઇએ. હું તમારી કંપની અને થોડા મહીનાઓ પહેલાં લાગેલી આગ અંગે જ વાંચતો હતો. એ ઘોડાને બચાવી લઈને તમે બહુ સરસ કામ કરેલું. ઘોડા મને બહુ જ પ્રિય છે.”
કમર સુધીનાં કપડાં કાઢીને હું ઊભો હતો. એમણે એ ડાઘ તપાસ્યા.
“આટલા જ છે…?”
“એક ડાઘ પગ ઉપર છે,” કહીને મેં પેંટ પણ ઉતાર્યું. ચાઠાં ઉપર દબાવી-દબાવીને એમણે ફરી-ફરીને મને તપાસ્યો. મારા આરોગ્ય અને મારા કુટુંબ વિશે એમણે પૂછ્યું. ફિલિપાઇન્સમાંની મારી નોકરી બાબતે હું એમને જણાવવા માગતો ન હતો, પણ એ ત્યાં સુધી પહોંચીને જ રહ્યા! એ વિષય પકડી રાખીને એ પ્રશ્નો પૂછતા જ ગયા, પૂછતા જ ગયા. છેવટે એમણે કપડાં પહેરી લેવા કહ્યું.
“હવે જુઓ,” એમણે કહ્યું.”મારા અત્યાર સુધીના અનુભવમાંની આ સહુથી અસાધારણ બાબત છે. આવા ચાઠાં માટે કેટલીક બાબતો કારણરૂપ હોઈ શકે છે, પણ દેખીતી રીતે જ એ તમને લાગુ પડતી નથી. મને નથી સમજાતું કે હું તમને શી મદદ કરી શકીશ. અને એથી પણ ખરાબ બાબત એ છે કે હું એ પણ નથી જાણતો, કે તમને હું શું સલાહ આપું!”
હું એમની સામે તાકી રહ્યો. મારી સામે એક નિષ્ણાત માણસ બેઠો હતો, મૂંઝાયેલો! એથી આગળની વાત એ હતી, કે એ માણસ એક બહુ જ પ્રામાણિક વાત કરી રહ્યો હતો. પોતાની અસમર્થતા માટે એ કેટલો ચિંતિત હતો એ સ્પષ્ટ દેખાતું હતું. હું એની સામે દરદીના રૂપમાં આવ્યો હતો, અને એની મદદ માગી રહ્યો હતો. એને એ વાતની ખબર પણ હતી. મને મદદ કરવા એ આતુર પણ હતો. એક વાત મારા મનમાં સ્પષ્ટ થઈ ચૂકી હતી, કે જો હું એને મદદ કરું, તો જ એ મને મદદરૂપ થઈ શકે તેમ હતો!
“ડૉક્ટર,” મેં શરૂઆત કરી; મારો અવાજ અસ્વાભાવિક અને વિચિત્ર હતો. “ડૉક્ટર, શું આ રક્તપિત્ત હોઈ શકે છે?”
આશ્ચર્યચકિત નજરે એ મને જોઈ રહ્યા. ખાસ્સી વારે એ બોલ્યા. એમની તીક્ષ્ણ અને પ્રામાણિક નજર સીધી મારી આંખોમાં પરોવાઈ ગઈ. “કેમ તમે આમ પૂછો છો?”
અને પછી બધી જ વાતો આપમેળે આવતી ગઈ, સાંચો અને કેરિટા વિશે; એ ટાપુ પરનાં ચાર વર્ષો, ઉપરથી આવતા હુકમ પ્રમાણેની એક જગ્યાએથી બીજી જગ્યાની રઝળપાટ, ત્યાંના વતનીઓના મકાનોમાં ગાળેલી રાતો; કે પછી લાંબી કુચ પછી કોઈ નાનકડા ગામની બજારોમાં વિતાવેલી રાતો, બીજા સૈનિકો અને મુસાફરો સાથે ખીચોખીચ બોટમાં બે ટાપુઓ વચ્ચેની મુસાફરી દરમ્યાન વિતાવેલી રાતો, પહાડોમાં અને સ્પેનના કિલ્લાની વાતો, અને કેવી રીતે પેલા રક્તપિત્તિયાંના મકાનમાં જતાં-જતાં હું બચી ગયેલો તેની વાતો મેં તેમને કરી.
“બોબ સેલાર્સનો પત્ર ન આવ્યો હોત,” નિસાસા સાથે મેં વાત પૂરી કરી, “તો આ બધી બાબતોને હું આમ સાંકળી શક્યો જ ન હોત! આમ જ હોઈ શકે એવું સતત મને લાગ્યા કરે છે. બીજું કોઈ આ વાત જાણતું પણ નથી, અને આવતા જૂનમાં મારા લગ્ન થવાના છે.”
છેલ્લા કેટલાયે મહિનાઓથી હું નર્કમાં જીવી રહ્યો હતો. અને જે અર્થપૂર્ણ રીતે એમણે મારી સામે જોયું, એના પરથી મને લાગ્યું, કે મારી પરિસ્થિતિને એ બરાબર સમજી શકતા હતા. “મારા દિકરા…,” -વર્ષોથી મને કોઈએ “દિકરા” કહીને સંબોધ્યો ન હતો- “મારી આખી જિંદગીમાં મેં રક્તપિત્તનો માત્ર એક જ કિસ્સો જોયો છે. હું કોલેજમાં ડૉક્ટરીની તાલીમ લેતો હતો, ત્યારે એક કેસ અમારી પાસે આવ્યો હતો. એટલે કે… એ રક્તપિત્ત જ છે, એવું ત્યારે કહેવાયું હતું. એ રોગ વિશે ત્યારે વાંચવામાં આવ્યું હતું. પણ સાચું કહું તો, આ રક્તપિત્ત છે કે નહીં, એવું હું કહી નથી શકતો. આ શહેરમાં એવું નિદાન કરી શકે તેવું પણ કોઈ મારા ધ્યાનમાં નથી.” એ બારી પાસે જઈને થોડી વાર બહાર તાકી રહ્યા. પછી એ મારા તરફ ફર્યા.
“હવે જુઓ. એમ કરો… મને થોડો સમય આપો. તમે બહાર જાઓ અને થોડી વાર માટે બધું જ ભૂલી જાઓ. બે-એક કલાકમાં પાછા આવો. ચિંતા ન કરશો. કોઈ યોગ્ય વ્યક્તિ મારા ધ્યાનમાં આવશે, તો તેમને મળવાનું આયોજન હું તરત કરી રાખીશ.”
જેવો આવ્યો હતો, એવો જ અનભિજ્ઞ, કોરોકટ્ટ, હું તેમની ઑફિસમાંથી બહાર નીકળ્યો. પણ એક હિતચિંતક મને મળી ગયો હતો. અને છેવટે… આ બાબતે વાત કરવાની હિંમત મને મળી ગઈ હતી. જીભનો ચોકી પહેરો કરવામાંથી મુક્તિ મેળવીને આજે હું ખુલ્લી હવામાં રાહતનો શ્વાસ લઈ શક્યો હતો! બે કલાક સુધી હું શેરીઓમાં ભટકતો રહ્યો, ડૉક્ટરની ઑફિસની નજીકના બાગમાં બેસી રહ્યો. વિચારતો રહ્યો, કે કેવા વિચિત્ર સંજોગોમાં, કેવા કામ અંગે હું આ શહેરમાં ખેંચાઈ આવ્યો હતો! હું આ ડૉક્ટરો વિશે પણ વિચારતો રહ્યો! લોકો આપણી પાસે મદદ માટે આવતા હોય, અને આપણે એમને માટે કંઈ જ કરી ન શકીએ, એ કેવી નિસહાય પરિસ્થિતિ હશે! આ માણસ… એને પણ પત્ની અને બાળકો હશે, એની પોતાની જિંદગી હશે… અને છતાં હું જાણે એનો કોઈ સ્નેહી હોય એમ મારી મદદ કરવાનું એણે બીડું ઝડપ્યું હતું…!
હું પાછો પહોંચ્યો ત્યારે કોઈ મુલાકાતી બાકી ન હતું. નર્સ મને તરત જ અંદર લઈ ગઈ. ડૉ. વૉટકિન્સ ઉત્સાહમાં અને સંતુષ્ટ લાગતા હતા.
“એક યોગ્ય માણસ મળી ગયો છે મને તમારા માટે,” ચહેરા પર સ્મિત સાથે એમણે કહ્યું. “મેજર થોમ્પસન. વર્ષો સુધી એ આર્મિમાં મેડિકલ વિભાગમાં હતા, અને થોડો સમય એ ફિલિપાઇન્સમાં પણ હતા. આર્મિમાંથી તો એ નિવૃત્ત થઈ ગયા છે, પણ અહીં શહેરમાં એમણે પ્રેક્ટિસ શરૂ કરી છે. હું જાતે તો એમને નથી ઓળખતો, પણ એ યોગ્ય માણસ હોવાની પૂરતી તપાસ મેં કરી છે. મને લાગે છે કે આ બાબતે તેઓ જરૂર સ્પષ્ટતા કરી શકશે. એ તમારી રાહ જ જોઈ રહ્યા છે, તમે ટૅક્સી કરી લેશો તો જરૂર સમયસર તેમને મળી શકશો.”
એમનો આભાર માનવાની કે તેમને કંઈ ચુકવવાની વાત કરવી અર્થહીન હતી. આભાર માનવાનું કોઈ કારણ ન હતું, અને તેઓ કંઈ લેશે નહીં, એવું એમણે જ કહી દીધું હતું. એમણે મારી સાથે હાથ મિલાવ્યા -એ કારણસર પણ હું એમનો હંમેશા ઋણી રહીશ. હકીકત જાણતા હોવા છતાં પણ એમણે મારી સાથે હાથ મિલાવવાનું જોખમ લીધું હતું!
મેજર થોમ્પસન એક એવા માણસ હતા, જેને ગમે તેવા સંજોગોમાં પણ મેં ઓળખી કાઢયા હોત! કડક, વાસ્તવવાદી, ખડતલ! મેલેરિયા અને કોલેરાગ્રસ્ત ટાપુઓમાં લશ્કરને હેમખેમ જાળવી રાખનારાઓમાંના એક એ હતા! પોતાના વિચારોને એ નિષ્ઠુરતાપૂર્વક વળગી રહ્યા હતા. એક-બે જિંદગીના ભોગ લેવાય તો ભલે, પણ રોગ પર વિજય મેળવવો એ એમના માટે મહત્વનું હતું!
“તમે સેનામાં હતા એ વાત વૉટ્કિન્સે મને કરી છે. કોની સાથે હતા તમે…!”
“શરૂઆતમાં કૉલરાડો વોલેન્ટિઅર્સના સાથે… બળવાખોરોના યુદ્ધ સુધી હું કાયમી આર્મિ સાથે સાથે રહ્યો. પહાડી વિસ્તારમાં ઘણો સમય હું રહ્યો હતો.”
“તો તો તમે લોકો એગ્વિનાલ્ડોને પકડી નહીં શક્યા હોય, બોલો લાગી શરત? એ બુઢ્ઢો તમારા કરતાં બહુ ચાલાક હતો.” હું અંદરથી સળગી ઊઠ્યો.
“જુઓ મેજર, ડૉ. વૉટસને મને શું થયું છે તેની તપાસ કરવા તમારી પાસે મોકલ્યો છે. હું એગ્વિનાલ્ડોની વાત કરવા અહીં નથી આવ્યો. આ ડાઘ શાના છે તે જાણવા જ હું તમારી પાસે આવ્યો છું.”
“હું દિલગીર છું. પણ અહીં પ્રેક્ટિસ શરૂ કર્યા પછી ફિલિપાઇન્સ સાથે જોડાયેલું કોઈ આવ્યું હોય તો તમે પહેલા જ!. “ચાલો, તમને તપાસી જોઈએ અને જોઈએ કે અંકલ સેમ એને માટે જવાબદાર છે કે નહીં!”
એમણે મારાં ચાઠાં ટાંકણી ઘુસાડીને તપાસ્યાં, અને હું આંખો બંધ મીંચીને બેસી રહ્યો.
“તમે ફિલિપાઇન્સના ઘરોમાં રહ્યા હતા?”
મેં ફરીથી એ વાતો દોહરાવી. મેક્સિમિનો અને સાંચો અને કેરિટા…
“હં… તો એ છોકરી તમને ગમી ગઈ હતી, નહીં?”
“હા મેજર. એક સમયે તો તેની સાથે લગ્ન કરીને એ ટાપુ પર વસી જવાનો પણ નિર્ણય મેં કરી લીધો હતો.”
“હં… ઇલોકોસ સર ખાતે સર્વોન્ટસમાં મને પણ એવી એક છોકરી મળી ગઈ હતી. ત્યાં ગયા છો ક્યારેય?, નહીં? હવે… હું એક જરા જેટલો નમૂનો હું લઇશ, આ ચાઠાં ઉપરથી એક જરા જેટલી ચામડી…”
“તમારે જેટલું જોઈએ એટલું ખોતરી લો એમાંથી… મારે જાણવું છે કે મને શું થયું છે… અને હું અહીંથી ત્યાં ભટકીને થાકી ગયો છું, અને કોઈને આની કંઈ ખબર નથી…”
એણે બધાં જ ચાઠાં ઉપરથી થોડો-થોડો ભાગ ખોતરીને લઈ લીધો. મને પીડાનો કોઈ અનુભવ ન થયો. રૂના પૂમડાં મારા નાકમાં બંને બાજુ નાખી, સહેજ ગોળ ફેરવીને એમણે બહાર કાઢી લીધાં.
“થોડી રાહ જોવડાવવી પડશે તમને મારે… જરા આની ચકાસણી કરી લઉં.”
કાચની એક પટ્ટી ઉપર રંગીન પ્રવાહી રેડીને એને સૂકવવા માટે એમણે થોડીવાર હાથ ઊંચો કરીને પકડી રાખી. હું ઉત્સુકતાપૂર્વક એમને જોઈ રહ્યો. પછી નળ નીચે રાખીને એમણે પટ્ટીને ધોઈ નાખી. પટ્ટીને કોરી કરીને એક સાંકડા ટેબલ સામે પડેલી ખુરશીમાં બેસી ગયા. ટેબલ ઉપર માઈક્રોસ્કોપ રાખેલું હતું. એક કાચને માઈક્રોસ્કોપમાં ભરાવી બાજુમાંના સ્ક્રુને આગળ-પાછળ ફેરવ્યો. હું મુગ્ધભાવે જોઈ રહ્યો. બહારનો શહેરી ઘોંઘાટ શાંત થઈ ગયો. જે કમરામાં અમે બેઠા હતા એ કમરો પણ સંકોચાઈને સાવ નાનકડો બની ગયો! અમે બે સાવ એકલા પડી ગયા! નીચા નમીને માઈક્રોસ્કોપમાં જોતા મેજર, અને એમને જોઈ રહેલો, રાહ જોતો બેસી રહેલો હું! એક પટ્ટી કાઢીને એમણે બીજી પટ્ટી માઈક્રોસ્કોપમાં નાખી…
વીંધી નાખવા માટે બંદૂકો લઈને ઉભેલી સૈનિકોની ટુકડીની સામે, આંખે પાટા બાંધીને ઊભા રાખી દેવામાં આવેલા માણસની એક વાર્તા વર્ષો પહેલાં મેં સાંભળી હતી. આજે મને એ વાર્તા યાદ આવી ગઈ હતી!
અચાનક ખુરસી પાછી ખસેડીને એ ઊભા થઈ ગયા.
“શંકાને કોઈ જ સ્થાન નથી, જરા પણ નહીં. આ તો એ જ જુનો હેન્સન બેસિલસ છે, આ તમે ઊભા છો મારી સામે એટલી ખાતરીથી હું કહું છું, એ જ છે!”
મારું મગજ ચક્કર-ચક્કર ફરવા લાગ્યું. એક તીવ્ર અણગમો મારા મનમાં ફરી વળ્યો. ડૉક્ટરને મારી નાખવાનું મને મન થઈ આવ્યું. બાર વરસે બાવો બોલ્યો, કે જા બેટા દુકાળ પડશે! અને આ દુકાળ પાછો મારા એકલા ઉપર જ હતો! મારી પાસે બંદુક હોત તો મને લાગે છે કે આજે મેં ડૉક્ટરને ઉડાવી જ દીધો હોત! લથડિયું ખાતો હું બારણા તરફ ફર્યો. મેં બારસાખને પકડી લીધી. ડૉક્ટર અચાનક જ મારી પડખે ઊભા રહી ગયા.
“અરે ભગવાન! ઓ સૈનિક, હું ખૂબ જ દિલગીર છું. અહીં આવ, બેસ. મારી પાસે નેપોલિયન બ્રાન્ડિની એક નાનકડી બોટલ છે. હું તને નિરાશ કરવા નથી માગતો. આપણે પહેલાં એક-એક પેગ મારીએ, અને પછી નિરાંતે બધી વાત કરીએ.”
બ્રાન્ડિની મારા પર કોઈ અસર થઈ નહીં. અસર કરી પેલી વાતના ખુલાસાએ! મારા ખભે હાથ વીંટાળીને એમણે મને ખુરસી પર બેસાડ્યો. એક જ ઘૂંટડામાં હું બ્રાન્ડિ ખતમ કરી ગયો, અને ગ્લાસ આગળ ધરી દીધો, ફરીથી એક ભરવા માટે, ફરી એક… ફરી એક…
“ડૉક,” હું અસ્પષ્ટ અવાજે બબડ્યો, “આ… ખરેખર આનો કોઈ ઉપાય નથી? આની કોઈ જ દવા નથી?”
“છે, એક નવી દવા શોધાઈ છે. અને એ દવા કામ આપશે એવી આશા પણ બંધાઈ છે.” એ બોલતા જ ગયા, બોલતા જ ગયા. એમનો એ મિજાજ મારામાં પણ ફરી વળ્યો. હું ધીરે-ધીરે પીઠ સીધી કરીને બેઠો, અને સરળતાથી શ્વાસ લેતો થયો.
“તું બહુ સમયથી વિચારો કરી રહ્યો છે. થોડું વધારે વિચારવું પડશે તારે. હવે હું થોડી સગવડો ઊભી કરી લઉં, જેથી આવનારા થોડા દિવસોમાં આપણે સારો એવો સમય સાથે વિતાવી શકીએ. છેવટે આગળ જતાં મારે તારા કેસ અંગે આરોગ્ય ખાતાને જાણ કરવી જ પડશે. તારે પણ થોડા દિવસો જોઈશે એને માટે તૈયારી માટે. નદી કિનારે એક નિર્જન સ્થાને એક ઝૂંપડી મેં જોઈ છે. આજે બપોરે જ આપણે એ ઝૂંપડી જોવા જઈએ તો કેવું? તું ત્યાં રહી શકે એ માટે, ખાધાખોરાકીનો સામાન હું પહોંચતો કરી દઈશ. અને આનો ઉપાય મળે ત્યાં સુધી હું ત્યાં દરરોજ આવ-જા કરતો રહીશ.”
એ જે કહે તે કરવાની તૈયારી મેં બતાવી.
નદીને કિનારે-કિનારે અમે કાર હંકારી. શહેર બહુ જલદી પાછળ છૂટી ગયું. હવે તો છૂટક-છૂટક, રંગરોગાન વગરના ખેતરમાંના મકાનો અને લાંબી-લાંબી ઓરડીઓ નજરે પડતાં હતાં. હાઈવે છોડીને અમે નદી તરફ વળતા એક કાચા રસ્તે વળી ગયા. કાર ઊભી રહી. હજુ પણ દિગ્મૂઢ એવો હું ઊભો રહી ગયો. થોમ્પસન કેટલીક ચીજ-વસ્તુઓ લઈને વાડ બાંધેલા એક ઝુંપડા તરફ ચાલતા થયા ત્યાં સુધી તો હું ઊભો જ રહ્યો. એમણે વાતો ચાલુ જ રાખી. થોડા સમય પછી એમણે કહ્યું. “મારે હવે જવું પડશે. હું તારી સાથે રહી નહીં શકું એ બદલ હું દિલગીર છું. આવતી કાલે હું વહેલો નીકળી જઈશ, અહીં આવવા માટે…” એટલું કહીને એમણે કાર હંકારી મૂકી.
એમને જતાં જોતો હું ક્યાંય સુધી એમ જ ઊભો રહી ગયો. સમયની કોઈ સુધ-બુધ મને રહી ન હતી. કદાચ એકાદ કલાક પણ થઈ ગયો હશે. પાછળ વળીને ક્ષિતિજે ફેલાયેલી મિસિસિપી તરફ મેં નજર નાખી. નદીને સામે કિનારે, કે પછી કોઈ ટાપુ ઉપરનાં ખાસ લીલાં નહીં એવાં વૃક્ષોની હારમાળા નજરે પડતી હતી. ફરી કેટલોક સમય પસાર થઈ ગયો, અને છતાંયે હું ત્યાં જ, એ વૃક્ષોને તાકતો ખોડાઈ રહ્યો. નદીના ઉપરવાસ તરફ હું ચાલતો થયો. મારા ચલવાથી પંખીઓ ચમકીને માળામાંથી બહાર નીકળીને ઝાડીઓ ઉપર ચકરાવા લાગ્યા. ક્યાંક-ક્યાંક પાણીમાંથી ઊછળતી માછલી દેખાતી હતી… વસંત ઋતુ હતીને આ!
એક વળાંક વળીને હું ઊભો રહી ગયો. નદીના કિનારે અને જમીન ઉપર જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી કચરાના ઢગલા જ દેખાતા હતા. સેંકડો ડબ્બા, જૂના કરંડિયા, જુનો લોખંડનો ભંગાર, સડેલા ફળો અને શાકભાજી, આસપાસના શહેરોનો બધો જ કચરો અહીં ચોફેર પથરાયેલો હતો. ભયાનક વાસ આવતી હતી. એને જોતો હું ઊભો જ રહ્યો. બાપ રે, કેટલો બધો ભંગાર પડ્યો હતો અહીં! મારા પગ પાસે એક તૂટેલી-ફૂટેલી બાબાગાડી પડી હતી -એક બાબાગાડી! લાકડાનું એક ખોખું ઊંધું પડ્યું હતું એના પર હું બેઠો. ફરીથી સમય વહેવા લાગ્યો. છેક છેલ્લે મને વિચાર આવ્યો. હું શું આ ભંગારને લાયક બની ગયો હતો!? ના… ના… હું આ નહીં સ્વીકારું… હું નેડ લેંગફર્ડ છું… નેડ…”
હું ફરી-ફરીને વિચારતો રહ્યો. આ બની રહ્યું છે… હજુ એ પડદા પાછળ છુપાયું છે, આભાસી… અને દૂર-દૂર ઊભો રહીને હું એને જોઈ રહ્યો હતો! એ પછી પેલા ઢગલા સામે મેં નજર ન કરી. હું જાણતો હતો કે હું એ કચરાના ઢગલાનો જ હિસ્સો હતો હવે! સૂર્ય આથમી રહ્યો હતો; આથમી જ ગયો હતો, પરંતુ આકાશમાં ચંદ્ર પ્રકાશિત થઈ ગયો હતો. એના અજવાળે હું નદી કિનારે પાછો ફર્યો. નદીને જોઈ રહેવા ઇચ્છતો હતો હું. નદીની એક-એક લહેરો વારાફરતી કિનારાને અડી-અડીને પાછી જતી રહેતી હતી. દરેક લહેર સાથે થોડી-થોડી માટી પાણી સાથે વહી જતી હતી. કાદવ… કાદવ… બસ, આ જ રીતે કાદવ બનતો હશે…! કાદવ… અખાતમાં વહી જઈને એ કાદવ જ ફરીથી નવી જમીન સ્વરૂપે બહાર આવતો હશે! વૃક્ષનું એક થડ પાણીની સાથે વહી જતું હતું. હું બેસી પડ્યો. કોઈને કોઈ વસ્તુ સતત પાણીના પ્રવાહ સાથે ઘસડાયે જતી હતી. લાકડાના ટુકડા, ડબ્બા, કપડાના ટુકડા… અને સમય વહેતો ગયો, વહેતો ગયો… નદીની મધ્યમાં પ્રવાહ બહુ વેગવાન હતો. ત્યાં તરી રહેલો માણસ જો એક વખત પ્રવાહમાં તણાઈ જાય, તો પાણી અને કાદવ સાથે ખેંચાઈને છેક અખાતમાં જ નીકળે, ગયો જ સમજો એ તો!
ઉપરવાસથી આવતા પ્રવાહની સાથે તણાઈને નજીક આવી રહેલી એક નાનકડી ગોળાકાર વસ્તુ ઉપર મારી નજર રોકાઈ. એ શું હશે એ કળી શકાતું ન હતું. પાણીનો પ્રવાહ એને કિનારા તરફ ઢસડી લાવ્યો, અને થોડી ક્ષણો માટે એ પાણીની સપાટી ઉપર ઊછળતી-ઊછળતી મારા પગ પાસે આવી ગઈ. મારા શરીરમાં એક ધ્રુજારી વ્યાપી ગઈ. હું પાછો ખસી ગયો. ઉંદર પ્રત્યે મને તીવ્ર અણગમો હતો, અને આ તો પાછો મરેલો ઉંદર હતો! મૃત્યુએ એને ક્ષતવિક્ષત કરી નાખ્યો હતો. શક્ય છે કે એ ઝેરથી મરી ગયો હોય! શક્ય છે કે નદીના વમળમાં તણાઈને એ મરી ગયો હોય…! કદાચ ઉંમરને કારણે પણ મરી ગયો હોય… કે પછી કોઈએ પાંજરામાં પકડીને પછી કચરા સાથે અહીં ફેંકી દીધો હોય એને…! કદાચ… કદાચ… વિચારો આવતા જ રહ્યા… આવતા જ રહ્યા… પવન વધી રહ્યો હતો પાણીની ઘૂમરીઓ સાથે ઉંદરનો મૃતદેહ દૂર વહી ગયો…
ઉંદર દૂર વહી ગયો. ચંદ્ર સામા કાંઠે પહોંચીને વૃક્ષો પાછળ સંતાઈ ગયો એ પછી પણ હું નદીના કિનારે બેસી ગયો. નદી ઉપર એ ઉંદરનો હક્ક હતો. એ મારાથી પહેલા નદીમાં પહોંચી ગયો હતો. નદી એની હતી, મારી નહીં. જરૂર હું ફરીથી ચાલવા લાગ્યો હોઈશ! કારણ કે હું તો ફરીથી પાછો કચરાના એ ઢગલા પાસે જ પહોંચી ગયો હતો, પેલા ખોખા ઉપર બેઠો હતો! પગની ઘૂંટી પરથી કંઈક દોડી જતું મને અનુભવાયું. એ એક ઉંદર હતો, જીવતો ઉંદર! નદીમાં તણાઇને વહી જતો ઉંદર નહીં, પણ એક ભૂખ્યો, કચરાના ઢગ વચ્ચે જીવતો ઉંદર! ત્યાં બીજા ઉંદરો પણ હતા. છલાંગ મારીને હું ઊભો થઈ ગયો, બૂમો પાડતો, પગ પછાડતો… ચિચિયારી કરતા ઉંદરો ભાગી ગયા. કચરાના ઢગલા વચ્ચેના તેમના દરોમાં સડસડાટ દોડી જતા ઉંદરોનો અવાજ હું સ્પષ્ટપણે સાંભળી શકતો હતો.
પૂર્વ દિશામાંથી આવતા ઝાંખા અજવાળે ફંફોસતાં-ફંફોસતાં મેં મારી ઝૂંપડી શોધી કાઢી. બારણું ખુલ્લું જ હતું. નજીક જતાં કોઈનો પગરવ સંભળાયો. ઝુંપડામાંથી કથ્થઈ રંગના ઉંદરોનું એક મોટું ધાડું નાસભાગ કરતું બહાર આવ્યું અને મારી પાસે થઈને કચરાના ઢગલાની દિશામાં ચાલ્યું ગયું. છેલ્લે બચેલા ઉંદરોને ડરાવવા ઝૂંપડાની દિવાલ સાથે પગ પછાડીને હું અંદર ગયો અને સાંકળ વાસી દીધી. ઝાંખા અજવાળામાં ઝીણી આંખે હું જોવા લાગ્યો. દૂર ખૂણે એક મોટો શયતાન ઉંદર હજુ પણ ભરાઈને બેઠો હતો, જાણે ઝૂંપડીના માલિકીપણાનો વિવાદ મારી સામે ઉખાળીને બેઠો ન હોય! હું દરવાજો ખોલવા આગળ વધ્યો, અને ત્યાં જ કોઈ જાતની ચેતવણી વગર એ મારા પર ત્રાટક્યો! જોરદાર તાકાત સાથે એ મારા પગ સાથે અથડાયો, અને પેન્ટની આરપાર દાંત ઘુસાડીને મારા પગ ઉપર એણે બટકું તોડી લીધું. એક વખત તો હું લથડિયું ખાઈ ગયો, પણ બીજા પગ વડે જોરદાર લાત લગાવીને એને સામેની દિવાલ સુધી ફગાવી દીધો. તીણા અવાજે ચિચિયારી નાખીને એ ફરીથી મારી ઉપર ત્રાટક્યો. પાસે પડેલી એકમાત્ર ખુરશી ઊંચકીને મેં એના પર ખુરશીનો ઘા કર્યો. ખુરસીના ટુકડે ટુકડા થઈ ગયા. પાછો ફરીને ઉંદર ફરી એક વખત મારી તરફ લપક્યો. આ વખતે એણે ઊંચો કૂદકો માર્યો હતો. એ મારા કોટ સાથે વળગ્યો એ સાથે જ મેં મારી મુઠ્ઠી વાળીને એની સાથે અફળાવી. એ જમીન ઉપર પડી ગયો. મેં એને લાત મારી દીધી, પણ એ મારા કરતાં વધારે ચપળ નીકળ્યો. હું ખુરસીનો પાયો લેવા માટે ઊભો રહ્યો, અને લાગ જોઈને એ વીજળીવેગે ત્રાટક્યો, અને મારા હાથ પર બટકાં ભરી લીધાં. આવેશમાં આવીને મેં એને ગળેથી પકડી લીધો. મારો હાથ એના ગળે ભીંસાતાં એણે લોહી થીજી જાય એવી ભયાનક ચિચિયારી પાડી. બરાબર લડત આપી એણે! નખોરિયાં ભરી લીધાં, લોહીની ધાર વહેવા લાગી ત્યાં સુધી એણે મારો હાથ છોડ્યો નહીં. એના પરથી હાથ હટાવતાં મને ડર લાગતો હતો. આમ તો એ સાવ મરી ગયા જેવો ઢીલો પડી ગયો હતો, છતાં મેં એને છોડ્યો નહીં. હાથ ફંગોળીને મેં એનો જોરદાર ઘા કરી દીધો. એનો મૃતદેહ બારીનો કાચ તોડીને બહાર ફેંકાઈ ગયો.
કાચ તૂટવાના ‘ખડીં…ગ’ અવાજની સાથે જ મારી ભીતર પણ જાણે કે તૂટવાનો એક અવાજ આવ્યો! એકલો… હવે આખી જિંદગી તું એકલો…! મા, મેબલ, ટોમ, જેન! જેન… જેન… જીવનમાં કદાચ પહેલી વખત ડૂસકું મુકાઈ ગયું! સામે પડેલા લાકડાના પલંગ તરફ સડસડાટ દોડી જઈને મેં પડતું મૂક્યું, અને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો.
(ક્રમશઃ)
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.
ગુજરાતીમાં લખાતી નવલકથાઓ પ્રવાહિતા , માંડણી , પાત્રાલેખનમાં ઉચ્ચ આયામો સિધ્ધ કરે છે છતાં આવા વિષયવસ્તુને આલેખતા , નોખા વિશ્વને આલેખતા સર્જન ઓછાં થયાં છે .
એ દુષ્ટિએ પણ આવા અનુવાદ ભાવક માટે નવાં દ્વાર ખોલી દે છે .
સંજય પંડ્યા
આભાર સંજયભાઈ, આપની રસપ્રદ છણાવટ મારા અનુવાદને વધારે રસપ્રદ બનાવશે!