યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨) 4


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

ઘેર પહોંચતાં સ્ટેશન પર ફરીથી એ જ બધા લોકો મને મળી ગયા. ટ્રેનના પગથિયાં સુધી પહોંચીને ડબ્બામાંથી નીચે કૂદકો મારું એ પહેલાં તો આખું કુટુંબ મને આંબી ગયું! ફરક એટલો હતો, કે વૃદ્ધ કોચવાન વૉશ અને અમારા ઘોડાઓ ક્યાંય દેખાતા ન હતા, અને મારું કુટુંબ ઘોડા વગરની નવી નક્કોર ગાડીમાંથી ઉતરતું હતું. આવી પાંચ-છ ગાડીઓ એકસાથે મેં જોઈ ન હતી, કારણ કે હું ફિલિપાઇન્સ ગયો ત્યારે તો મારા ગામમાં આવી ગાડીઓ જવલ્લે જ જોવા મળતી! મારા કુટુંબીઓ અને આસપાસ ઊભરાતા લોકોની માફક એ ગાડી પણ મને આકર્ષી રહી! લોકોના ટોળાએ ચિચિયારીઓ વચ્ચે ગામના બેંડ દ્વારા “સાત સમંદર પાર મારા હાથ પહોંચે…” વગાડવું શરૂ થઈ ગયું. ટોળામાંના એક ટાબરિયાએ બધા સાંભળે એમ મોટેથી બૂમ પાડીને કહ્યું, ‘અરે, એણે તો યુનિફૉર્મ પણ નથી પહેર્યો…’ એ સાંભળીને મને પણ ખૂબ જ સંકોચ થયો.

એક વાત મને સ્પષ્ટ થઈ રહી હતી, કે ગામ લોકો મારી પાસેથી ઘણી વધારે અપેક્ષા રાખતા હતા!

બસ, એક મારી મા એવી ને એવી દેખાતી હતી! સતત હસતી રહેતી હતી અને બહુ ઓછું બોલતી હતી. મને ગળે વળગાડતી વખતે એની આંખમાં તગતગતાં આંસુ સ્પષ્ટ રીતે ચમકતાં હતાં. પિતાજીએ મારી પીઠ વહાલથી થપથપાવીને મારા બંને હાથ પકડી લીધા.

“બેટા, તને પાછો ફરેલો જોઈને બહુ આનંદ થયો.”

પિતાજીની હાલત જોઈને હું ગમગીન બની ગયો. એમની ઉંમર બહુ વધી ગઈ હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. ચહેરો સાવ ઝાંખો પડી ગયો હતો. મારી બહેન મેબલ પણ બહુ બદલાઈ ગઈ હતી. હજુ ચાર વર્ષ પહેલાં તો એક પાતળી અને ઊંચી તાડ જેવી બાળકીને છોડીને હું ગયો હતો. આજે એ બાળકી, એક આકર્ષક યુવતીમાં પલટાઈ ચૂકી હતી! મારા જેવા બિનઅનુભવી માટે પણ આ આશ્ચર્યની વાત હતી. તદ્દન જુદો જ લિબાસ, લાંબી ઝાલરવાળી બાંય, ચપોચપ કમર, જમીન સાથે ઘસાતું ઘેરદાર સ્કર્ટ અને માથે સુંદર મોટી ટોપી. એની ટોપી પર બંને બાજુએ પાંખો ચોંટાડેલી હતી. લગભગ તેર વર્ષનો થઈ ગયેલો ટોમ બીજા છોકરાઓની જેમ લાંબો અને પડછંદ દેખાતો હતો. મોટા જુવાનિયાની માફક મારી સાથે મુઠ્ઠી ટકરાવીને એ હસ્યો.

“બંદુક ચલાવવાનો મોકો તમને મળ્યો હતો કે નહીં?” મળતાવેંત એણે પુછપરછ ચાલુ કરી દીધી. કેટલા ‘ફિલિસ્ટાઇન’ને મેં માર્યા અને મને સોનું મળ્યું કે નહીં એ જાણવામાં એને વધારે રસ પડતો હતો. છાપાઓમાં એ ટાપુઓ પરના ખજાના વિષે બહુ છપાતું હતું. આખરે પિતાજીએ તેને બોલતો અટકાવ્યો, અને આજુબાજુ ઊભરાતા ટોળામાંથી મેયર અને અન્ય બે-ચાર સાથે મારી ઓળખાણ કરાવી.

સ્પેનિશ-અમેરિકન વૉરમાં મારી શરૂઆત એક પરેડથી થઈ હતી, અને એક બીજી પરેડથી એનો અંત આવી રહ્યો હતો. અમે બેઠા હતા એ કારનું કૅન્વાસનું છાપરું સંકેલીને પાછળની ઊંચી સીટના ભાગમાં વાળી દીધું હતું. આગળ બેંડ વાગી રહ્યું હતું. પાછળ મારું સ્વાગત કરવા આવેલા સોએક લોકો ભેગા થઈ ગયા હતા. ટોમે કારનું એંજિન ચાલુ કર્યું. એંજિનનો અવાજ કોઈ જૂની બંદુક જેવો આવતો હતો. ગામની મુખ્ય બજારમાં થઈને અમે કીડીની ગતિએ જઈ રહ્યા હતા. દુકાનદારો અને ગ્રાહકો દુકાનોમાંથી બહાર ફૂટપાથ પર આવીને અમારી સામે હાથ હલાવતા હતા. ફાયર હાઉસની સામે ગામના બગીચા પાસે અમે રોકાયા. ત્યાં આવેલું બેંડ સ્ટેન્ડ આજ સુધી મારી નજરે પડ્યું ન હતું! કંઈ પણ સ્પષ્ટતા કર્યા વગર, બહાર આવીને મંચ પર ચડી જવાનું મને આમંત્રણ અપાયું. હરખાતાં લોકો સાથે અમે બેંડ સ્ટેન્ડ સામે બેઠાં અને મેયર અને બીજા સ્થાનિક નેતાઓએ ભાષણો આપ્યાં. એમને તો હું ઓળખતો પણ ન હતો! મને એટલો સંકોચ થઈ રહ્યો હતો, કે ધરતી માર્ગ આપે તો એમાં સમાઇ જાઉં એવું મને તો લાગતું હતું! અને એમાં એમણે મને મંચ પરથી બોલવા માટે ઊભો કરી દીધો!

એ બધાંને મેં સાવ નિરાશ કર્યાં. એ બિચારા ભોળા લોકો મારી પાસેથી યુદ્ધની ખૂનખાર વાતો સાંભળવા ઇચ્છતા હતા. જે માનવશિકારીઓની વાતો વર્તમાનપત્રોમાં છપાતી હતી એમના વિષે વધારે ને વધારે જાણવાની એમને ઉત્કંઠા હતી. અને મારી આંખ સામે તો લ્યુઝનનાં નાનાં-નાનાં શહેરોની શાંત બજારો અને પત્થરોનાં જૂનાં દેવળો, નીપા તાડમાંથી બનેલાં એમનાં મકાનો અને ડાંગરનાં ખેતરો અને ભેંસને હળ સાથે જોડીને ખેડાતાં એ ખેતરો… બસ એવાં દૃશ્યો જ આવતાં હતાં. હું તો બસ ત્યાંના લોકો, મને જેમને ઘેર ઉતારો મળેલો એ વૃદ્ધ કોચેરો, મેક્સિમિનો નોલેસ્કો અને મારી મીઠડી કેરિટાના જ વિચાર કરતો હતો… કેરિટા સાથે તો બસ હું લગ્ન કરવાનો જ હતો… ફિલિપાઇનના લોકોના તો બસ મારે વખાણ જ કરવાના હતા. મારા શ્રોતાઓ જો કે બહુ વિવેકી હતા, પણ મને ખબર છે કે મારું ભાષણ તદ્દન ફિક્કું હતું.

છેવટે એમણે અમને રજા આપી. અને છતાંયે, મહિનાઓ સુધી એવું બનતું, કે ગામની શેરીઓમાં લોકો મને ઊભો રાખીનેને પ્રશ્નોની ઝડી વરસાવતા! ટોમ જોકે બહુ ખેપાની હતો. એ દિવસ-રાત પાછળ પડ્યે રાખતો. ટુકડે-ટુકડે કરીને, એણે મોટાભાગની વાત મારી પાસેથી કઢાવી લીધી હતી. કેરિટા વિષે મારી લાગણીઓ પણ એણે જાણી લીધી હતી.
“તમે એની સાથે લગ્ન કેમ નથી કરી લેતા?” હસતા-હસતા એણે પૂછ્યું. “તમને તો આજે પણ એ ગમે જ છે. મને પણ એ બહુ ગમે એ.”
એ સરસ હતી. હું એ જાણતો હતો. એના તરફથી સમાચાર આવવાની હું રાહ જોતો હતો. અમે બંનેએ એકબીજાને પોતપોતાની ભાષા થોડી-થોડી શીખવી હતી. એ પોતાની તાગાલોગ ભાષા શીખવતી અને હું એને અંગ્રેજીમાં સૂચનાઓ આપતો. અમે નક્કી કર્યું હતું કે એ મને અંગ્રેજીમાં પત્ર લખશે અને હું એનો જવાબ તાગાલોગમાં આપીશ. પણ મહિનાઓ વીતી ગયા, અને એના તરફથી કોઈ પત્ર ન આવ્યો.

ચાર વર્ષે હું યુદ્ધમાંથી પાછો આવ્યો હતો, એટલે મારા કુટુંબીઓએ તો જાણે એ સ્વીકારી જ લીધું હતું કે મારે થોડો આરામ જોઈએ! થોડો સમય મેં ખેતરોમાં અને અન્ય કામો પાછળ રખડવામાં વિતાવ્યો. મારા પિતાની માલિકીનાં બે ખેતરો હતાં. અમે એને ઉત્તરી અને દક્ષિણી ખેતર તરીકે ઓળખતા. ઝારીકામાં એમનો ટ્રકોનો અને ગોદામોનો વ્યવસાય હતો. મારી ગેરહાજરીમાં ધંધો સારો એવો વિકસ્યો હતો. નજીકના શહેરોમાં પણ પિતાજીએ કેટલીક શાખાઓ ચાલુ કરી હતી. સોએક ટ્રકો અને વાન, અને ખાસ્સા ગોદામો સાથે એમનો ધંધો જોરદાર ચાલતો હતો. જાતજાતની વસ્તુઓની હેરફેર એ કરતા. ખાદ્ય સામગ્રી, ખાણ-ઉદ્યોગના યંત્રો કે રાચરચીલું… ધંધો જામતો જતો હતો.

એક સવારે હું પિતાજી સાથે ઓફિસે પહોંચ્યો. ગોદામના બીજા માળે ઘોડાનો તબેલો હતો. એમાંથી બસ્સોએકથી વધારે ઘોડા લાંબા-લાંબા ઢાળિયા પર થઈને નીચે આવી રહ્યા હતા. ઘોડાની રાહ જોઈને ભોંયતળિયે વાન અને ગાડાં ઊભાં હતાં. પીઠ ઉપર ચમકતા સાજ લાદેલા ઘોડાના એ ટોળાને નિહાળવા, એ પણ એક લહાવો હતો! હું આમતેમ ફરતો હતો ત્યાં પિતાજીએ આજની ટપાલ તપાસી લીધી. રાહ જોતા-જોતા હું બારીની બહાર જ્યાં ગાડીઓ ખાલી થઈ રહી હતી એ ગોદામોના ઓટલા તરફ તાકી રહ્યો હતો.
“નેડ,” પિતાજી બોલ્યા, “તું એકલો મળે એની જ હું રાહ જોઈ રહ્યો હતો. બોલ, શું કરવાનું વિચારી રહ્યો છે તું?”

“કંઈ સમજાતું નથી. મને નથી લાગતું કે ફરીથી કોલેજમાં જઈને હું અધૂરો અભ્યાસ પૂરો કરી શકું. એક તો મારી ઉંમર થઈ ગઈ છે; અને બીજું એ કે યુદ્ધને કારણે મારામાં પણ બહુ ફરક પડી ગયો છે.”

“મારી સાથે જોડાઈ જવા અંગે વિચાર્યું છે કંઈ?. મેં તો મારી જાતે આ ધંધો ઊભો કર્યો છે એટલે હું સારી રીતે જાણું છું, કે સારો ધંધો છે આ.”

આતુરતાપૂર્વક એ મારી સામે જોઈ રહ્યા. પોતાની રાજગાદી એ મને સોંપી રહ્યા હતા. હું સમજી શકતો ન હતો, કે હું એમનો ધંધો સંભાળી શકીશ કે નહીં! મેં એમને મારી મુંઝવણ કહી દીધી. એક તરફ હું મારી જાતને સતત ઉખડી-ઉખડી અનુભવતો હતો. ક્યાંય સ્થાયી થવાનો વિચાર કરવો મારા માટે અઘરો હતો. પણ મેં એવું કંઈ એમને કહ્યું નહીં. પોતાનું સર્વસ્વ સોંપી રહેલા પિતા સામે કોઈ એવી વાત કેવી રીતે કહી શકે! એમના પ્રસ્તાવ બદલ આભાર માનીને વિચારવા માટે થોડો સમય મેં માગી લીધો.

“ચોક્કસ નેડ, હું પોતે પણ એમ જ કહું છું કે તું વિચાર કરી જો. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. તું પૂરતો સમય લે…”

એક અઠવાડિયાના અંતે મેં એમની સાથે રહી જોવાની તૈયારી બતાવીને, જો ફાવી જાય તો એમની સાથે જોડાઈ જવાની હા પાડી. એ સાથે જ પિતાજીએ જાણે ગાંઠ વાળી લીધી, અને ઝનૂનપૂર્વક મને તાલીમ આપવામાં એ લાગી ગયા!

એમનું સ્વાસ્થ્ય સારું ન હતું એટલે જ આવો સઘન પ્રયાસ એ કરી રહ્યા હતા એ હું સમજતો હતો. અથવા કદાચ હું એવું માનતો હતો. એ ડૉકટરને બતાવતા ન હતા એ હું જાણતો હતો; આખી જિંદગી એમણે દવા પીધી ન હતી. એમની એ જીદને કારણે મારી મા પણ સતત ચિંતામાં રહેતી હતી. પિતાજીને દવા લેવા મનાવવાનું કામ માએ મને સોંપ્યું. મેં પણ પ્રયત્નો કરી જોયા, પણ પિતાજીએ વિવેકપૂર્વક ના કહી દીધી, એમ કહીને, કે એમની તકલીફો એ જાણે છે, અને એની દવા પણ એ જાતે જ કરી રહ્યા છે! એ શિયાળો પૂરો થાય એ પહેલાં તો એ પથારીવશ થઈ ગયા. છેવટે અમે ડોક્ટરને બોલાવ્યા ત્યારે હસતા-હસતા એમણે ડૉકટરને મદદ કરવાની દરખાસ્ત પણ મૂકી. હોરેસ વિંડલ એક યુવાન ડૉક્ટર હતો. અમે શાળામાં સાથે હતા. એણે મને કહ્યું કે પિતાજીની વાત સાચી હતી, અને પિતાજીની પીડા ઓછી કરવા સિવાય એ કંઈ જ કરી શકે તેમ ન હતો! એ પછીના ઉનાળામાં પિતાજીનું અવસાન થયું. ખેર, પિતાજીએ જે રીતે તેમનો વ્યવસાય ઊભો કર્યો હતો અને છેવટ સુધી જે રીતે સંભાળ્યો હતો, એ જોતાં મને લાગ્યું હતું કે, ખરેખર એ જબરા માણસ હતા.

હું એમના ધંધામાં લાગી ગયો. ટોમને પણ ધંધો ગમતો હતો, એટલે એ પણ શાળા સિવાયનો મોટાભાગનો સમય ત્યાં જ વિતાવતો. મને પાછા આવ્યે સાત-આઠ મહિના થઈ ગયા હતા. કેરિટાને મેં બે પત્રો લખ્યા હતા પણ એકનોયે જવાબ આવ્યો ન હતો. એમાં એક દિવસ મારા મિત્ર બોબ સેલાર્સનો પત્ર મને મળ્યો. પોલિસદળ સાથે જોડાઇને એ તો ફિલિપાઇન્સમાં જ રોકાઈ ગયેલો. દક્ષિણી લ્યુઝનમાં હમણાં જ એ પાછો આવ્યો હતો. આવીને એ નોલેસ્કો કુટુંબને પણ મળ્યો હતો. મને કોઈ સંદેશો લખી ન શકવાનું કારણ કેરિટાએ બોબ દ્વારા જણાવ્યું હતું – કેરિટાના નાના ભાઈ સાંચોને રક્તપિત્ત થયો હતો. ‘મોન્ટાના બૉય્ઝ’ને સંદેશો પહોંચાડવા સમયે જે રક્તપિત્તિયાંના ઘરને મેં જોયું હતું, એ જ ઘરમાં હવે સાંચોને મોકલી આપવામાં આવ્યો હતો. છતાંયે કેરિટાને ડર હતો કે કદાચ ઘરના બીજાને પણ એનો ચેપ લાગ્યો હોય તો! અને એ ચિંતામાં જ એણે જવાબ લખ્યો ન હતો.

હું તો આઘાતથી દિગ્મૂઢ થઈ ગયો. રક્તપિત્ત…! એ એક શબ્દે મારા આખા શરીરમાં ધ્રુજારી ફેલાવી દીધી હતી. બિચારાં મેક્સિમિનો અને કુમળી કેરિટા! અચાનક, થોડા સમય પછી મને ખ્યાલ આવ્યો, એ ઘરમાં તો હું પણ રહી ચૂકયો હતો! એ જમીન પર હું પણ સૂતો હતો, એમનું રાંધેલું અન્ન મેં ખાધું હતું! ક્ષણ વાર માટે મારા શરીરમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું. સાંચોના સમાચાર વાંચીને ખાસ્સી વારે હું મારી હાલત વિશે ગંભીરતાપૂર્વક વિચારી શક્યો. મને પાછા આવ્યાને આઠ મહીના વીતી ચૂક્યા હતા અને હજુ સુધી હું સંપૂર્ણપણે સ્વસ્થ હતો, એ વિચારે મારા વિશેનો મારો ડર ઊડી ગયો. હવે હું સાંચો વિશે વિચારવા લાગ્યો. એ તો હજુ સાવ બાળક હતો! હું તો માનતો હતો, કે રક્તપિત્ત એ જાતીયરોગોની માફક શરીર સંબંધો દ્વારા ફેલાતો રોગ હતો. પણ એના માટે સાંચો તો બહુ નાનો હતો! એને વળી કઈ રીતે એ રોગ વળગ્યો હશે! સાંચોની ચિંતા તો મેં છોડી દીધી, પણ કેરિટા ઉપર ઝળુંબતા ભયના વિચારો મારો પીછો છોડતા ન હતા. જરૂર કેરિટાને પણ આ વાતનો ડર હશે જ! અને એટલે જ એણે પત્રનો જવાબ વાળ્યો નહીં હોય! એ સુંદર, કોમળ ચહેરાને આવી ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો પડે એ વિચાર જ મારા માટે અસહ્ય હતો.

ઘોડો પલાણીને હું ગામની બહાર દૂર-દૂર ચાલ્યો ગયો અને મોડી રાત્રે છેક પાછો ફર્યો. કેરિટાનું નામ લઈને ટોમ મારી સાથે મજાક કરવા લાગ્યો. મેં એને સાચી હકીકત જણાવી દીધી. એ ગમગીન થઈને મારી વાત સાંભળતો રહ્યો. મારી મજાક કરવા બદલ એણે માફી માગી લીધી. એ બહુ જ સમજણો થઈ ગયો હતો. ફરી ક્યારેય એણે નોલેસ્કો કુટુંબનો ઉલ્લેખ મારી સામે ન કર્યો. મારી સાથેનું એનું વર્તન પણ સાવ જ બદલાઈ ગયું. મારું દુઃખ એ સમજતો હતો.

દિવસે-દિવસે મારું જીવન વધારે ને વધારે વ્યસ્તતા વચ્ચે ધેરાતું ચાલ્યું. અમારું કામ વધતું ચાલ્યું હતું. બે ખેતરોનું કામકાજ અને એક ધંધો અમારે સંભાળવાનો હતો. ‘અમે’ શબ્દ હું એટલા માટે વાપરું છું, કે ટોમ ખરેખર મારી મદદમાં હતો. શાળાનો અભ્યાસ પૂરો કરીને એ થોડે દૂર કોલેજમાં દાખલ થયો હતો, પરંતુ વેકેશનમાં એ પૂર જોશથી કામે લાગી જતો. અઢાર વર્ષની ઉંમરે તો એ પૂરો જવાબદાર માણસ બની ગયો હતો. અમને બધાને તેના માટે બહુ ગર્વ હતો.

મને યુદ્ધમાંથી પાછા આવ્યાને નવ વર્ષ વીતી ગયા હતા. અચાનક એક ઘડીમાં જ તદ્દન શુષ્કતાથી ભરી મારી જિંદગીમાં જાણે વીજળીનો ચમકારો થયો. હા, એ ચમકારો એક છોકરીને કારણે જ થયો હતો. એક સામાજિક મેળાવડામાં એ પોતાના ભાઈની સાથે આવી હતી. જે ક્ષણે મારી નજર એના પર પડી, બસ, એ પછી મને બીજું કંઈ દેખાતુ જ ન હતું. આજ સુધીમાં મેં જોયેલી સૌથી સુંદર યુવતી હતી એ! એના અવાજમાં એક રંગીન હળવાશ હતી. આટલી સુંદર અને ખુશમિજાજ યુવતી મેં આજ સુધી જોઈ ન હતી. જેન સાથેનું મારું સંવનન, માઉન્ટ પોલિસ અને લ્યુઝનની પહાડીઓમાંના એગ્વિનાલ્ડો પાછળના અમારા ભ્રમણ જેવું જ હતું -તોફાની અને વેગવાન! હા, એગ્વિનાલ્ડો તો ક્યારેય અમારે હાથ ન લાગ્યો, પણ એક મહિનામાં જ મેં અને જેને લગ્ન કરવાનું નક્કી કરી લીધું.

“હમણાં નહીં” એણે કહ્યું.”મારું શાળાનું ભણતર પૂરું કરવાનું મેં મારા માતા-પિતાને વચન આપ્યું છે.”

પૂર્વ વિસ્તારની શાળામાં સંગીત વિશેષજ્ઞનું શિક્ષણ એ લઈ રહી હતી. પિયાનો વાદનમાં એ પ્રવીણ હતી અને કેટલાંક ગીતો પણ એણે બનાવ્યાં હતાં. તેના કુટુંબે હમણાં જ અમારી નજીક એક મોટું ખેતર લીધું હતું. તેને લાગતું હતું કે તેના કુટુંબે તેને આ શાળામાં મૂકવા માટે બહુ ભોગ આપ્યો છે, અને એટલે તેણે આ શિક્ષણ પૂરું કરવું જ રહ્યું! એક રાત્રે એણે મને એની નવી તરજ સંભળાવી. મેં સાંભળેલ ગીતોમાં વારંવાર ગણગણવું ગમે એવું સૌથી પ્રભાવશાળી એ ગીત હતું.

“આ કયું ગીત હતું?” મેં પૂછ્યું. “આ પહેલાં તો મેં આ સાંભળ્યું નથી!”

જેન હસી પડી. “નહીં જ સાંભળ્યું હોય તેં, પ્રિયે! આ તો હમણાં જ લખ્યું છે, ખાસ તારા માટે!”મેં ફરી-ફરીને એ ગીત એની પાસેથી સાંભળ્યું. શીખી ગયા પછી આખો દિવસ હું એ ગીત સીટીમાં વગાડતો રહેતો.

એ અવિસ્મરણીય વાતાવરણે અમને વશમાં કરી લીધાં હતાં. ઈસ્ટર વેકેશનમાં હું અને જેન ફરીથી મળ્યાં. વેકેશન પૂરું થતાં અભ્યાસ કરવા માટે એ પાછી જતી રહી અને ઉનાળામાં ફરીથી આવી. મારા જીવનનો એ સૌથી આનંદદાયક ઉનાળો હતો.

સપ્ટેમ્બરની શરૂઆતમાં એક રાત્રે અમે ગાડી લઈને સંગીતના એક જલસામાં ઝારીકા ગયા હતા. ઘેર પાછા ફરતાં અમે મારી ઓફિસે ગયા. ઓફિસની બારી પાસે બેસીને જેન કંઈક ગણગણતી હતી, ત્યાં જ અમને આગની ચેતવણી સંભળાઈ. ઊભા થઈને અમે ઓફિસનો મુખ્ય દરવાજો ખોલી નાખ્યો. રાતનો ચોકીદાર અમારા ભણી દોડતો આવતો હતો.

“ગોદામના ત્રીજા માળે આગ લાગી છે. કદાચ તબેલા સુધી પહોંચી જશે…”

તબેલામાં રાત્રીના એ સમયે અમારા બુઢ્ઢા કોચવાન વૉશ અને બીજા બે, એમ કુલ ત્રણ માણસો ફરજ પર હતા. અમે ગોદામની અંદર આવ્યા એ સમયે જ વોશ ઢોળાવ પરથી નીચે ઊતરતા હતા.

“કંઈક થયું છે, મી. લેંગફર્ડ. લાગે છે કે પાછળના ભાગમાં આગ લાગી છે.”

“તમે બંને છોકરાઓ ઢાળ પર જ રહો,” બીજા બંને માણસોને નીચે આવતા જોઈને મેં બૂમ પાડી. “હું અને વૉશ ઉપર જઈને ઘોડાઓને છોડીએ છીએ. તમે એમને ફટકારીને નીચે ઊતારજો.”

વૉશ અને હું ઘોડાની દિશામાં ભાગ્યા. રસ્તામાં જેન મળી ગઈ. ઉપર ન જવા માટે એ અમને સમજાવવા લાગી. પરિસ્થિતિ બહુ ખરાબ લાગતી હતી. ગોદામ બહારથી સળગી ઊઠયું હતું, પણ તબેલા હજુ સુરક્ષિત હતા. જેનને મેં દૂર હટાવી પણ એ અટકી નહીં. એ રડવા લાગી અને અમારી સાથે આવવા લાગી. બરાબર એ ક્ષણે ટોમ ક્યાંકથી ટપકી પડ્યો. એ પણ ઉપર જઈ રહ્યો હતો.

“ટોમ, અહીં આવ!” મેં બૂમ પાડી. “હું ઘોડા સંભાળું છું – તું જેનને સંભાળ.” પહેલા માળે પહોંચતાં મેં જોયું કે ટોમ જેનને પોતાના ખભે કોથળાની માફક લટકાવીને ઊભો હતો. જેન એના ખભેથી નીચે ઉતરવા માટે ધમપછાડા કરતી હતી.

“છેક છેલ્લી લાઇનના ઘોડાને પહેલા છોડો, વૉશ! વૉશ, ક્યાં છો તમે?”

“હં… હા, હા. એમ જ કરું છું…” કતારમાં પહેલા ઊભેલા ઘોડાના વાંસા પર પડતી વૉશની હથેળીની થપાટોનો અવાજ મને સંભળાયો અને એક ભૂખરા રંગનો ઘોડો ખખડાટ સાથે બહાર નીકળીને ઢાળ તરફ સરક્યો. એક પાવડો હાથમાં પકડીને હું પણ વૉશની સાથે થઈ ગયો. નીચેથી બૂમો સંભળાઈ. મદદ આવી પહોંચી હતી. બીજા બે માણસો ઉપર આવી પહોંચ્યા, અને એ સાથે જ ગોદામની છત પડવાનો અવાજ અમને સંભળાયો.

અમને પાછા બોલાવવા માટે નીચેથી લોકો બૂમો પાડતા હતા. તબેલામાં એક નાનકડી ઘોડી પણ હતી, અને નસીબજોગે એ દૂરના ખૂણે હતી. હું એના સુધી પહોંચ્યો ત્યાં સુધી તો છત સળગી ઊઠી હતી. વ્યગ્ર થઈ ચૂકેલી ઘોડીને સંભાળવી મુશ્કેલ હતી. એની ગમાણમાં એક તણખો પડ્યો, અને ઘાસ સળગી ઊઠયું. મેં એને હાંકવાનો પ્રયત્ન કર્યો, પણ એણે મને ગમાણની બાજુમાં ધકેલી દીધો. મારો શ્વાસ ચડી ગયો હતો. સળગતા ઘાસમાં મારો હાથ પડ્યો, અને મારા ખભામાં જાણે શૂળ ભોંકાઈ હોય એવી પીડા થઈ આવી. ઘોડીના મોં પર મેં એક થપ્પડ ચોડી દીધી અને એ સાથે જ ભાગી! વૉશ બીજી બાજુ જઈને ઊભો. તબેલાની વચ્ચેના રસ્તા ઉપર અમે એને લઈ આવ્યા. બીજા બધા ઘોડા નીચે ઉતરી ગયા હતા. ઘોડીને લઈને જેવા અમે નીચે ઉતર્યા, કે અમારી પાછળ ગોદામ આખું આગનો દરિયો બની ગયું.

જેન તો જાણે પાગલ જેવી થઈ ગઈ હતી. ટોમે હજુ પણ એને પકડી રાખી હતી. એની નજર મારી સળગી ગયેલી બાંય અને પછી મારા હાથ પર પડી. એ બહુ ગભરાઈ ગઈ હતી. પરાણે મારા બાવડા પર એ હાથરૂમાલ બાંધવા લાગી.”બહુ દુઃખે છે નેડ?”

“અરે… મારા હાથમાં બહુ ભયાનક પીડા થાય છે…”

“પણ તારું બાવડું તો જો! આગળ અને પાછળ બંને બાજુએ તું સખત દાઝી ગયો છે…!”

મારું બાવડું ફેરવીને જોયું તો ત્યાં હું બહુ જ દાઝી ગયેલો હોય એવું દેખાતું હતું. પણ ત્યાં તો મને કોઈ જાતની પીડા થતી ન હતી!

ત્યાં જ હોરેસ વિન્ડેલ કારમાં આવી ગયો. જેને એને બોલાવી લીધો અને ક્ષણવારમાં પોતાની બેગ ખોલીને એણે મારા બાવડાની સારવાર શરૂ કરી દીધી.

“પહેલાં હાથની સારવાર કર ડોક્ટર,” મેં કહ્યું.” હાથમાં બહુ ભયાનક દર્દ થાય છે.”

“તો-તો બાવડા પર તને બમણું દર્દ થતું હશે, નહીં?”

“બાવડા પર કંઈ નથી થતું મને,” મેં બૂમ પાડી. “પહેલાં હાથ જો. મને ખબર પડે છે મને ક્યાં દુઃખે છે એ.”

એણે બંને જગ્યાએ સારવાર કરી. થોડી વાર અમે ત્યાં ઊભા રહ્યા પછી એણે કહ્યું. “જેમ બને એમ જલદી મારી ઑફિસે આવ, ત્યાં હું બરાબર દવા કરી શકીશ. તું બહુ સખત દાઝી ગયો છે…”

“તમે ડૉક્ટરની સાથે જ જાવ,” ટોમે કહ્યું. “માણસોને બોલાવીને હું ઘોડા એકઠા કરી લઉં છું.”

જેન અને હું કાર લઈને વિન્ડેલના દવાખાને ગયા. ફરી વખત એણે મારા આખા હાથની બરાબર સારવાર કરી. આખા બાવડાને બરાબર તપાસ્યું. દાઝવા છતાં બાવડા પર આગળની એક જગ્યા સંવેદનશૂન્ય લાગતી હતી.

“હવે બોલ નેડ. તને ખાતરી છે કે ત્યાં ફિલિપાઇનમાં લડાઈ સમયે આ જગ્યાએ ક્યારેય ગોળી કે ચપ્પુનો ઘા નહોતો વાગ્યો? કે પછી કોઈ ખચ્ચરે માર્યું હોય અહીં…?”

“ના રે ગાંડા. તને એવું શા માટે લાગે છે?”

“આમ તો એવું કંઈ અજુગતું નથી દેખાતું. પણ આમ સાવ… કોઈ કારણ વગર… આ રીતે શરીરનો કોઈ ભાગ સંવેદનહીન નથી બની જતો! ખેર, અત્યારે તો એને કારણે જ તું આ દાઝવાની પીડામાંથી ઉગરી ગયો છે, એટલો એનો પાડ માનવો રહ્યો!”

જેન અમે હું ગોદામ પર પાછા ફર્યા અને ટોમને સાથે લઈ લીધો. “આગ ઠરી ગઈ છે, નેડ, અને બધા ઘોડા પણ મળી ગયા છે.”

“જેન,” મેં કહ્યું. “આજે મને જો કંઈ થઈ ગયું હોત તો મારો આ નાનો ભાઈ બધું કામકાજ સંભાળી લે એમ છે.”

“અરે…” ટોમ બબડ્યો, “એની વાત માની ન લેતી, હં કે જેન!”

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨)