૧. તમે ખાસ છો.
ખબર છે મને, કે તમે ખાસ છો.
જીવનગાન કેરો તમે પ્રાસ છો.
તમે છો હકીકત, ન આભાસ છો,
અહેસાસ છે, કે તમે પાસ છો.
સતત સાથ છે નભ, દિશા આ ધરા,
જીવનમાં તમે એમ ચોપાસ છો.
ન દેખું, ન અડકું, તમે છો ખરાં,
સુગંધિત હવાનો તમે ભાસ છો.
ન તૂટે, ન ડૂબે, ઘટે ના જરા,
અનોખો, અનેરો એ વિશ્વાસ છો,
૨. મહાત બાકી છે.
છોડના એમ, વાત બાકી છે.
આજ હજુ ખૂબ રાત બાકી છે.
કેટલા રૂપરંગ છે તારાં?
બોલ કઇ જાત-ભાત બાકી છે.
જોખમી જિંદગી રહી છે હજુ,
એક જીવલેણ ઘાત બાકી છે.
એમ દોરી શકાય ના એ ચિત્ર,
કે મુલાકાત, વાત બાકી છે.
મોજિલું પાત્ર, હોય મનગમતું,
તો પછી નાતજાત બાકી છે?
છે વફાદાર મિત્ર સહુ, પણ એ
ઠેસ, વિશ્વાસઘાત બાકી છે.
ચાલ શતરંજની ગમે તે હોય,
હજુ અમારી મહાત બાકી છે.
– કિલ્લોલ પંડ્યા
૩. કઠે છે!
(છંદ બંધારણ: લગાગા લગાગા લગાગા લગાગા)
જુદાં સૌ ધરમ હો જગે એ કઠે છે.
ઘણાં હોય ઈશ્વર મને એ કઠે છે.
હવે રાહ જોઉં કહે કેટલી હું,
મને મૌન તારૂં વધે એ કઠે છે.
ભલાને ન પૂછો નથી ગમ જરાયે,
બુરાની બધે જય વધે એ કઠે છે.
ભણાવે બધાને જ ઉંઠા ભલે એ,
છતાં લોક ઉંઠા ભણે એ કઠે છે.
બધે તું સમાયો કણેકણ મહીં છે,
છતાં લોક વેદો ભણે એ કઠે છે.
જગે જીવતાં ના મળ્યા હોય સૌ, એ
મરણ બાદ આવી મળે એ કઠે છે.
– શ્રી બાલકૃષ્ણ સોનેજી
૪. સમજું છું..
હવે સમજાય છે કેટલો અણસમજુ છુઁ,
ખરેખર તો હું મનેય ક્યાં સમજુ છું.
ઘણી વખત ના સાંભળી છે તમારા મુખેથી
તે ય કેમ એને હું હા સમજુ છું?
એટલે જ તો નિઃશસ્ત્ર આવ્યો છું તમારી સામે,
તમારા નજરબાણોને હું ક્યાં ઘા સમજું છું?
હશે પ્રેમની ભાષા જ એવી કે મને નહીં આવડતું હોય,
ક્યારેક એને પીડા તો ક્યારેક દવા સમજું છું
મારે ક્યાં કશું જોઈતું તું, કે ન મળ્યાનો શોક કરું!
તોય તમને કશુંક ખૂટ્યાની વેદના સમજું છું.
જોઉં છું કે કેટલા નિરર્થક લાગે છે શબ્દો હવે,
બધી વાતો ને હવે શાનમાં સમજું છું.
શા માટે જીભને કષ્ટ આપો છો?
આંખોથી બોલો, ઈશારામાં સમજું છું.
તમારો જ કંઈક પ્રભાવ એવો પડ્યો છે,
મિત્રો કહે છે કે હું તમારી જ ભાષા સમજું છું.
– હાર્દિક મકવાણા
૫. યાજ્ઞવલ્કય
દરેક મનુષ્ય ના દિલ માં જેમનું હતું રહેઠાણ,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
જેમણે સમાજ ને આપ્યું સાચું અને સનાતન જ્ઞાન,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
આદિ સમાજ નાં લોકો ના જે હતા તારણહાર,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
કરોડો યુવાનો ના જીવન માં પરિવર્તન લાવનાર,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
જેમણે વિકસાવ્યા હતા લોકો ના જીવન ના દરેક આયામ,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
વૈશંપાયન, સૂર્યદેવ અને સરસ્વતિ દેવી પાસેથી વિદ્યા લેનાર,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
ગુરૂ ને પણ કડવું પરંતુ સાચું કહેવામાં વિશ્વાસ રાખનાર,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
જે હતા જ્ઞાની, તપસ્વી, શાસ્ત્રકાર અને બધા આચાર્યો માં વિદ્વાન,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
જેમની કર્મકાંડીતા, પવિત્રતા અને સત્તા પર સમાજ ને હતું માન,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
પવિત્ર સંત, ક્ષોત્રિય, ઉત્તમ શિષ્ય અને એક માત્ર જાણીતા વેદકાર,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
પુરાતન પ્રથાઓ માંથી સાચો વૈદિક ધર્મ સ્થાપનાર,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
દાન, શ્રદ્ધા અને મૃત્યુ પછી ના જીવન પર પ્રકાશ પાડનાર,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
ગૃહસ્થી, જાતિઓ અને સંન્યાસી ની જવાબદારી ઓ પર ગ્રંથો લખનાર,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
યાજ્ઞવલ્કય સંહિતા, સ્મૃતિ, કૃષ્ણ યજુર્વેદ અને યોગ સસંહિતાના રચનાકાર,
એ મહાન ઋષિ નું યાજ્ઞવલ્કય હતું નામ.
૬. અંધશ્રદ્ધા
જે સાંભળ્યું તે બધું માન્યું, ના માન્યું નજરે જોયેલું ,
શું થયું છે લોકો ની સમજ ને, કરશે બધું જ લોકો એ કરેલું.
અનુકરણ કરવાની ના નથી, પણ સહેજ વિચાર તો કરો,
ના સમજણ પડે તો, દોસ્તોની સાથે જરા વાત તો કરો.
સાચી વાત ના બે સબ્દો કડવા લાગતા, લોકો કરી નાખે છે તોડફોડ,
અંધશ્રદ્ધા ની આ દુનિયા માં, કોનો થયો છે તું ને તારું થયું છે કોણ?
પ્રેમ નથી ઈશ્વર પ્રત્યે જરાક, પણ બીવે છે પ્રત્યેક,
વિશ્વાસ નથી ભગવાન પર જરાય ને, બાધા ઓ રાખે અનેક.
જો આ નહિ કરું તો શું થશે, જો પેલું નહિ કરું તો શું થશે,
જો ભગવાન ને રીસ્વત નહિ આપું, તો સાલું મારું શું થશે?
પૂજા બની ગઈ છે ટાઈમ પાસ, અને ગરબો બની ગયો છે ડાન્સ,
ભગવાન ના નામ નોત્તો, આ અંધશ્રદ્ધા એ વાળ્યો છે સત્યાનાશ.
રોજ રાત્રે ૮ વાગે ઘરે આવતી છોકરી, નવરાત્રી માં રહે બહાર આખી રાત,
માતા-પિતા, ઘર, સમાજ ની વચ્ચે કરે એ નગ્ન ડાન્સ.
ભગવાન ના નામે લોકો એ, બદલ્યા છે પોતાના વ્યવહાર,
રાણી લક્ષ્મીબાઈ ની આ વારસ્દારીઓ આ કરે કેવો પ્રચાર.
સવાલ પૂછતા એ લોકો, આપે છે એવો જવાબ ,
આ બધા માં ભાગ લઈને, અમે તો લઈએ પ્રભુ નું નામ.
નથી જાણતા એ લોકો એનું પરિણામ,
જન્મો ના જન્મો ખૂટી જશે કરવાને સંતાપ.
– વિરલ ત્રિવેદી
ગુજરાત રાજ્ય સરકારના સચિવાલયમાં સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી કિલ્લોલ પંડ્યા ગાંધીનગર, ગુજરાતના રહેવાસી છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ ગઝલરચનાઓ છે, શ્રી બાલકૃષ્ણ સોનેજીની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની વધુ એક સુંદર એક ગઝલ પ્રસ્તુત છે. ભાવનગરના શ્રી હાર્દિક મકવાણા અને શ્રી વિરલ ત્રિવેદીની અક્ષરનાદ પર આ પ્રથમ પદ્યરચના છે. સર્વે મિત્રોની રચનાઓનું સ્વાગત છે, તેમની કલમને શુભકામનાઓ.
કાવ્ય – ૩ ” કઠે છે ” ગમ્યું. ગેય કાવ્યમાં સુંદર સંદેશ આપ્યો છે. શ્રી. બાલકૃષ્ણ સોનેજીને અભિનંદન.
બાકીનાં કાવ્યો સાધારણ રહ્યાં. આટલી નાની કવિતાઓના ટાઈપ કામમાં પણ ટાઈપની ૯ {નવ} ભૂલો ખટકે છે. ટાઈપ કર્યા પછી એક વાર વાંચી જવાથી આવી ભૂલો નિવારી શકાય.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}