વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૬} 2


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

‘…અને આ છે આપણાં વિશલિસ્ટનું છેલ્લું સ્ટોપ, પેરીસનું કોસ્મોપોલીટન સબર્બ સાઉ ક્લુ, પીસીએથી માત્ર પંદર કિલોમીટરના અંતરે અને હા, એનું બેસ્ટ ફીચર એ છે કે આ ભાગમાં વસે છે દુનિયાભરથી આવેલાં વસાહતીઓ… યુરોપિયન ઓછા પણ અમેરિકન, એશિયન અને હા મૂળ તો ઇન્ડિયન્સ ને પાકિસ્તાનીઓ. એટલે હોમ અવે ફ્રોમ હોમ જેવું વધુ લાગશે..’

એસ્ટેટ એજન્ટ સોફી સાથે છેલ્લાં એક અઠવાડિયાથી માધવીને રોમા સમય કાઢીને હોમ હન્ટિંગ ડ્રાઈવ પર હતા. રોજ બે ત્રણ અપાર્ટમેન્ટ જોયા પછી પણ હાથે લગતી હતાશા. માધવીને અચાનક યાદ આવી ગયો વર્ષો પૂર્વેનો એ સમય, જયારે પોતે મુંબઈમાં એક ફ્લેટ લેવા માટે ચપ્પલ ઘસી ચૂકી હતી. એનો ગુનો એટલો હતો કે એ સિંગલ વુમન હતી. એકલી રહેવા માંગતી યુવતી જેની સામે માત્ર શંકાથી જોવાતું. પણ હવે તો સમય પણ જુદો હતો ને સ્થળ પણ, ને રોમાની સ્થિતિ એવી તો હરગીઝ નહોતી, કારણકે ઓથે પોતે હતી અને નાના વિશ્વજીત સેન મૂકી ગયેલા તે વિશાળ સંપત્તિ. રોમાએ એ સંઘર્ષ કરવાનો નહોતો જે પોતે કર્યો હતો.

‘મમ, ક્યાં ગુમાઈ ગયા?’ રોમાએ માધવીને ખભે ટપલી મારી : ‘વોટ અ પ્લેસ, અમેઝિંગ નહીં?’

સોફીએ મહેનત કરવામાં કોઈ કચાશ ન રાખવી હોય તેમ પેરીસના ડાઉન ટાઉન, સિટી સ્ક્વેરથી માંડીને ઉત્તર, દક્ષિણે આવેલાં ઘણાં સબર્બમાં સંખ્યાબંધ પ્રોપર્ટી બતાડી દીધી હતી, પણ ક્યાંય દિલ નહોતું ઠરી રહ્યું માધવીનું. પેરીસની પશ્ચિમી દિશાએ આવેલા આ સબર્બમાં પગ મૂકતાવેંત મા-દીકરીને એક સાથે જ કોઈક હાશકારો અનુભવાયો. મેઈન સિટીથી માત્ર પંદર કિલોમીટર દૂર હોવા છતાં સહુથી અદભૂત વાત હતી વનરાજીની. પગ મૂકતાં સાથે જ લાગ્યું કે જાણે કોઈ ગાર્ડનમાં વસ્યું હતું આ ઉપનગર.

સોફીએ આ વાત બીજા ફ્લેટ્સ બતાવતી વખતે કરી તો હતી જ : ‘આ બધાં સબર્બ જોઈ લેવામાં વાંધો શું છે પણ તમે જોજો ને, દિલ તો સાઉ ક્લુમાં જ લાગવાનું. એસ્ટેટ એજન્ટ સોફી હતી માંડ વીસની, અન્ય ફ્રેંચ પ્રજાથી બિલકુલ અલગ, જબરી હસમુખી અને વાતોડિયણ. એ સ્વભાવ પરથી જ ખબર પડી કે રાઝ સોફીના ડીએનએમાં છુપાયેલો હતો. એ હતી ફ્રેંચ, પણ મિક્સ્ડ મેરેજથી. ફ્રેંચ મા ને સરદાર પિતાની દીકરી, એટલે જયારે રોમા માટે જગ્યા ભાડે લેવાની વાત આવી માધવીની પહેલી પસંદગી સોફી પર ઉતરી હતી. : ‘આખરે હાફ ઇન્ડિયન તો ખરી ને, હું અહીં ન હોઉં ને અચાનક અડધી રાત્રે જરૂર પડી તો? સંબંધ કેળવાયો હોય તો ઉભી તો રહે તારી પડખે…’

પેરીસની પશ્ચિમ દિશાએ અડોઅડ આવેલું સબર્બ માધવીને રોમા બંનેને રહી રહીને ઘરની યાદ અપાવતું રહ્યું. મુંબઈમાં બાન્દ્રા બેન્ડસ્ટેન્ડની સામે જ ઉભેલા ગુલિસ્તાનની બાલ્કનીમાંથી સામે ઘૂઘવતો દરિયો નજરે ચડતો ને અહીં શાંત, શાલીન રીતે વહી જતી સીન નદી. દૂર ક્ષિતિજે દેખાતો એફિલ ટાવર, પેરિસમાં હોવાની હરદમ પ્રતીતિ કરાવતો હોય એમ દેખાતો હતો. ત્રણે બાજુથી ખુલ્લું અપાર્ટમેન્ટ અને બાલ્કનીમાં ઉછેરેલો નાનો સુંદર ગાર્ડન.

‘આમ તો બધું સારું જ છે…’ માધવીના મનની વાત સોફીએ વાંચી હોય તેમ જરા સ્મિત કરતી રહી. એટલે આ સબર્બને ઇન્ડિયન્સ કહે છે સેન્ટ કલાઉડ…

‘બધી રીતે સારું છે, આના જેટલું ગ્રીન સબર્બ બીજું કોઈ નથી અને હા, તમારી પહેલી ચોઈસ પીસીએની બાજુમાં જ અકોમોડેશન માટે છે, તે પહેલી નજરે સમજી શકાય તેવી વાત છે પણ મારું માનો તો ત્યાં રોમાને નહીં ગમે. સોફીએ એક નજર માધવી ને રોમા પર વારાફરતી નાખી લીધી: ‘એકદમ ગીચ, જૂના બિલ્ડીંગ અને તે પણ લીફ્ટ વિનાના… ગ્રોસરી હશે કે ફર્નિચર, બધો લગેજ જાતે ઊંચકીને લઇ જવો પડે તે ફાવશે?’ સોફી જાણે ભાડૂતોની નસ નસ જાણતી હોય તેમ સમજાવી રહી હતી. ‘આ સબર્બ થોડું દૂર ખરું, પણ બાય કાર એક કલાક ને મેટ્રો લો તો તો માંડ ચાલીસ મિનીટ, એમાં લાઈફ સ્ટાઈલમાં ફર્ક પડી જાય છે ને!!’

માધવીએ ફરી એકવાર હજાર ફીટના ફ્લેટમાં ચક્કર માર્યું. બે બેડરૂમ, હોલ, નાનકડું કિચન અને વિશાળ બાલ્કની જેમાંથી સીન નદી અને એફિલ ટાવર નજરે ચડતા હતા. એકદમ શાંત, સુંદર, હરિયાળીથી મઢેલી પિક્ચર ફ્રેમ જાણે.

રેન્ટ પણ ધાર્યું એટલું બધું નહોતું. અગર હોત તો પણ માધવીની પસંદગી ઉતર્યા વિના રહેવાની નહોતી, સૌથી મહત્વની વાત હતી સલામતીની. નાના શાંત સબર્બમાં રોમા એકલી પણ રહે તો ડર નહીં ને!! અને આ એજન્ટ સોફી પણ આસપાસમાં જ ક્યાંક રહેતી હતી.

કોલેજ શરુ થવાને તો હજી એક આખું અઠવાડિયું બાકી હતું પણ ઘર ગોઠવવામાં જ બે ચાર દિવસ તો નીકળી ગયા. એ બેચાર દિવસમાં માધવીએ નહીં નહીં ને પણ ચારથી છ ચક્કર લગાવીને જોઈ લીધું કે ગ્રોસરી સ્ટોર ક્યાં છે અને મેડીકલ ઈમરજન્સી માટે સહુથી નજીક ક્લિનિક ક્યાં છે. બસ, અસંતોષ માત્ર એક વાત નો હતો કે અડોશ પડોશમાં વસ્તી હોવા છતાં કોઈ માનવ ચહેરો ભાગ્યે જ નજરે ચઢતો.

જો કે એ કોઈ મોટી વાત નહોતી, મુંબઈમાં પણ તો એ જ પરિસ્થિતિ હતી. ફરક એટલો હતો કે મુંબઈમાં માધવીને છોકરીઓ કોઈ સાથે હળતાભળતાં નહીં અને અહીં હળવુંમળવું હતું ત્યાં કોઈ દેખાતું નહોતું.

દિવસ પાણીની જેમ વહી રહ્યા હતા. રોમાની કોલેજ પણ શરુ થઇ ગઈ હતી. પહેલા થોડું અડવું લાગ્યું પણ રોમા આખા આ નવા અધ્યાયથી ખુશ હતી. કોલેજ શરુ થયાને મહિનો પણ નહોતો થયો ને રોમા તો એવી રીતે પેરીસના રંગમાં ઢળી ગઈ હતી જાણે અહીં જ જન્મીને મોટી થઇ હોય.

માધવીને હવે રહી રહીને મુંબઈ સાંભર્યું હતું એવું તો નહીં પણ એની વિઝાની અવધી પણ પૂરી થતી હતી ને! રોમા તમામ રીતે સેટ થઇ ચૂકી હતી અને બાકી હોય તેમ સોફીની અવરજવર એટલી વધી રહી કે બંને વચ્ચે મિત્રતા ગાઢ થઇ રહી હતી.

એર ફ્રાંસની ફ્લાઈટ એ.એફ. ૨૨૬ ચાર્લ્સ દ ગોલ એરપોર્ટથી ટેક ઓફ થઇ ને માધવીએ ઠંડા કૉલોનવાળા સુગંધી નેપકીન્સ ચહેરા પર હળવે હળવે પસવાર્યો. મહિનાનો થાક જાણે ઉતરી જતો હોય એમ પૂરા સિત્તેર દિવસે ઇન્ડિયા પછી ફરી રહેલી માધવીના મનમાં એક સંતોષની ભાવના છવાઈ રહી હતી. : ‘હવે રોમા તો સારી રીતે સેટ થઇ જશે એમાં કોઈ શંકાને સ્થાન નહોતું, બસ હવે રિયા સરખી રીતે સેટ થઇ જાય!!’

રિયાની સેટ થવાની વાતે જ માધવીને ફરી અસ્વસ્થ કરી નાખી, ચિંતાએ ઉથલો માર્યો : રિયાને શેમાં રસ છે એ ક્યારેય સમજાય તો લાઈન નક્કી કરાય ને!! એ છોકરીને તો જાણે કોઈ ચીજમાં રસ જ નહોતો…. પણ, પોતે ક્યાં કદીય એ છોકરીમાં જરા સરખો રસ લીધો? માધવીને પોતાને જ એ વિચાર આવતાની સાથે ગુનાહિત લાગણી સાથે શરમ પણ આવી. મા તરીકેની ફરજ એ રિયા માટે હંમેશ ચૂકી હતી એ પણ હકીકત હતી. એ બિચારીનો દોષ શું હતો? માત્ર રાજાની પ્રતિકૃતિ હોવાનો ? માધવીનું નામ પસ્તાવાની લાગણીથી ઘેરાઈ રહ્યું, માધવીએ મનોમન કોઈક નિર્ણય લઇ લીધો હોય તેમ આંખો બંધ કરી ને ઊંઘવાનો નિરર્થક પ્રયાસ કરવા માંડ્યો.

‘માસી, એક રીતે સારું જ થયું કે રોમાને જે મનમાં હતું તે કરવા મળ્યું, બાકી તો દરેક ક્યાં એટલા નસીબદાર હોય છે કે શોખ કારકિર્દી તરીકે મળે?’ પેરીસથી આવ્યા પછી અઢી મહિનાનો થાક ઉતારવાનો હોય તેમ માધવીએ અઠવાડિયા પછી જ આર્ટ ગેલેરી પર જવું એવું મનોમન નક્કી કરી નાખ્યું હોય તેમ જવાને બદલે આરામ જ ફરમાવતી રહી, સાથે સાથે માસીને અઢી મહિનાનો હિસાબ આપવાનો હોય તેમ વાતો પણ તો ક્યાં ખૂટતી હતી.

‘પણ માસી મને આ ન સમજાયું !’ એક સવારે ચા પીતાં માધવીએ માસીને પૂછ્યું : ‘આ રિયા ગઈ છે ક્યાં? બે દિવસ થયા મને આવ્યા ને મેં એને એકવાર ઘરમાં નથી જોઈ.’

‘મધુ, તું ભૂલી ગઈ ?’ આરતીએ માધવીને ટોણો મારવાનો મોકો ન ચૂકવો હોય તેમ સંભળાવી દીધું : ‘બે દિવસ થયા તને આવ્યા ને પણ તે એક વાર રિયા માટે પૂછ્યું પણ ખરું? તેં ન પૂછ્યું ન મેં કહ્યું!..’ આરતીએ રિયાના રૂમ તરફ નજર કરી : ‘આવી ગઈ છે, કાલે રાત્રે જ… કદાચ સૂતી હશે!’

માધવીએ જવાબથી સંતોષ થયો હોય તેમ માથું ધુણાવ્યું. મનમાં ઘૂમરાઈ રહેલી વાત માસી સાથે કરવા માટે આ જ તો સમય હતો. હજી માધવી કંઇક બોલે ત્યાં તો આરતીને તક મળી ગઈ સમજાવવાની : ‘મધુ, જેવું ધ્યાન રોમા પર આપે છે એમાંથી પચાસ ટકા તો આ છોકરી પર આપ..’ માન્યું કે તારા મનમાં એને માટે જે હોય તે પણ છે તો તારી જ દીકરી ને! જેવી રોમા એવી રિયા…’

આરતીને થયું કે પોતાની સમજાવટ માધવીના મનમાં ઉતરી રહી છે, પણ અમને નહોતી ખબર કે માધવીના મનમાં હકીકતે તો ગિલ્ટ હાવી થઇ ચૂક્યું હતું. ખાસ કરીને રોમાને પેરિસમાં સેટ કરી આવ્યા પછી રિયા તરફ ભેદભાવ થઇ રહ્યો છે એ વાત જ ચૂભી રહી હતી.

‘હા, તમારી વાત તો સાચી, મને પણ હવે રહી રહીને લાગી રહ્યું છે કે મેં જાણે અજાણ્યે જ ખરેખર બહુ અન્યાય કરી દીધો રિયાને.’ માધવી સામેથી કબૂલાત કરતી હોય તેમ બોલી : ‘પણ, તમને તો ખબર છે ને કે એ માટેનું કારણ શું હતું? રિયાનો નાક નકશો, દેખાવ, સ્વભાવ મને એની યાદ અપાવી જાય છે, વર્ષો થઇ ગયા એ આખી વાતને પણ હજી એ આખી વાત અંગારાની જેમ જલ્યા જ કરે છે. જાણે એની પર રાખ વળવાની જ ન હોય! માધવીના અવાજમાં હળવો રંજ હતો પણ તરત જ પોતાની જાતને સાચવી લેતી હોય તેમ એને વાત જૂદી જ દિશામાં ફેરવી : ‘મને ખબર છે કે વેરનું મારણ વેર નથી. અને એમાં આ માસૂમનો તો કોઈ વાંક પણ નથી…’

આરતી અવાચક રહીને માધવીની વાત સાંભળી રહી હતી. ‘અચાનક આવું પરિવર્તન? એવું તો શું થઇ ગયું?’

‘સાચું કહું છું માસી, આ વખતે મેં મનથી નક્કી કર્યું છે કે રાજાના ગુનાની સજા રિયાને નહીં આપું…. હું વચન આપું છું કે હું હવે પછી ક્યારેય આવા ભેદભાવ નહીં કરું…. રિયાને પણ પાસે બેસાડીને પૂછીશ…. એને જેમાં રસ પડે એ ફિલ્ડમાં કરિયર બનાવવી હોય હું એની સાથે ઉભી રહીશ, જેમ હું રોમાની પડખે ઉભી રહી એમ જ….’

માધવીના અવાજમાં એક સચ્ચાઈનો રણકો હતો, એ એમ જ નહોતી બોલી રહી, ખરેખર મનમાં રહેલી ગુનાહિત લાગણીની અંધારગલીનો અંત આવી ગયો હોય તેમ.

લિવિંગરૂમને અડીને પોતાના રૂમ સુધી જતાં પેસેજમાં ઉભી રહીને છાની રીતે મમ્મી ને નાનીની વાતચીત સાંભળી રહેલી રિયાની આંખો ભીની થઇ ગઈ. મમ્મીએ મોડે તો મોડે પણ પોતાની ભૂલ તો સમજી… હવે વધુ છૂપાવવાનો અર્થ નહોતો. જયારે મમ્મી પોતે જ મનગમતી કરિયર માટે હા પડવાનું મન બનાવી ચૂકી છે તો પછી??

આ જ મોકો છે… રિયા, ડોન્ટ મિસ…. મનમાં કોઈ ટકોરાં પાડી રહ્યું હતું. આ વિચાર સાથે જ રિયાના ચહેરા પર ખુશીની એક લહેર દોડી ગઈ. જે એના હોઠ પર છલકાઈ રહી હતી. રિયાને થયું કે વળગી પડે મમ્મીને ગળે અને કહી દે : ‘મમ, આઈ લવ યુ સો મચ…’

રિયા મમ્મી ને નાની બેઠા હતા ત્યાં આવીને ઉભી રહી. એના ચહેરા પર સાફ દેખાઈ રહ્યું હતું કે કોઈક વાત કરવા માંગે છે. માધવીએ રિયા સામે ધ્યાનથી જોયું. હમેશ લઘરવઘર ફરનારી રિયા બિલકુલ જૂદી દેખાતી હતી. ઢીલાં ટીશર્ટ ને પજામા નાઈટ સુટમાં પણ રિયા સુંદર દેખાઈ રહી હતી. ઊંઘમાંથી ઉઠ્યા પછી વાળ સરખા ન કર્યા હોય તેમ વિખરાયેલા હતા જે ખેંચીને રિયાએ બન સ્ટાઈલમાં બાંધ્યા હતા… માધવીએ નોધ્યું કે રિયા થોડી ટ્રીમ એન્ડ ફીટ લાગતી હતી. પહેલા હતી તે ચરબી જાણે કાપીને કાઢી નાખી હોય એટલી પાતળી અને સુડોળ, સ્વાભાવિકપણે એટલે ઊંચાઈ વધુ લાગી રહી હતી. એનો વર્ણ પણ ઘેરો શ્યામ લાગવાને બદલે સોનેરી છાયાવાળો તામ્ર વર્ણ લાગી રહ્યો હતો. ને ગોળ ગોળ દેખાતી આંખો અચાનક જ બદામ જેવી ઘાટીલી દેખાઈ.

‘રિયા, હમણાં કોઈ ડાયેટ કે ગ્રૂમિંગ કોર્સ કર્યો છે કે શું?’ માધવીના ચહેરા પર હળવું મીઠું સ્મિત તરી આવ્યું, જે સામાન્ય રીતે રોમા માટે જ અનામત રહેતું ને રિયાના ભાગ્યે જ આવતું. માધવીએ રિયાને પાસે આવકારતી હોય તેમ પોતાની પાસે બોલાવવા હાથ આગળ કર્યો.

રિયા એક ક્ષણ માટે ખંચકાઈ, મમ્મી એને આમ ગળે લગાવવા પાસે બોલાવી રહી હતી? આ સપનું હતું કે હકીકત?

‘રિયા, મા છે તારી…’ પ્રતિભાવમાં મોળી ન પડે તેની તકેદારી કરતાં નાનીએ ટોકી પણ ખરી. પહેલીવાર બન્યું કે રિયાએ માધવીની હૂંફ આટલી નિકટથી મહેસૂસ કરી હોય. અજબ ખામોશીનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું.

નાની, મમ્મી ને પોતે… રિયાને લાગ્યું કે અચાનક જ વર્ષોથી જોયેલાં તમામ સપનાં એક સાથે સાકાર થવાનો યોગ આવી ગયો, અને તે પણ આટલો જલ્દી? માધવીનું દિલ પહેલીવાર આ દીકરી માટે ભરાઈ આવ્યું હોય તેમ એને રિયાને પાસે ખેંચીને એનું માથું ચૂમી લીધું.

‘જો રિયા, રોમાએ તો એને ગમતી મનગમતી લાઈન પસંદ કરી લીધી, તારા માટે નિયમો જૂદા નહીં હોય! સમજી ને?’ માધવીના સ્વરની મીઠાશની આદત રિયાને નહોતી. એની આંખોમાં ઘડીકભર દહેશત છવાઈ રહી : ‘મમ્મી દાઢમાં તો નથી બોલી રહી ને!’

‘તેં પણ કંઇક વિચાર્યું તો હશે જ ને! શું છે તારા મનમાં?’ માધવીનો ડાબો હાથ હજી હળવે હળવે રિયાના વાળ પસવારી રહ્યો હતો. રિયા હજી સ્તબ્ધ હતી. પરિસ્થતિ પામવાનો પ્રયાસ કરી રહી. કોઈક સપનું તો નહોતું ને આ?

‘બોલ… હવે જ્યારે બોલવા મોકો મળ્યો છે ત્યારે મોઢામાં મમરા ભરીને બેસી ગઈ….’ આરતીને ડર લાગ્યો કે ક્યાંક રિયાની ચૂપકીદીને કારણે આ લાખેણો મોકો રોળાઈ ન જાય.

‘મમ્મી, હું ફિલ્મ્સ કરવા માંગું છું…’ રિયાએ માધવીનો બદલાયેલો વર્તાવ જોઈને જે મનમાં હતું એ નિસંકોચપણે દીધું.

‘શું?’ રિયાના વાળ પસવારી રહેલો માધવીનો હાથ અચાનક વીજળીનો કરંટ લાગ્યો હોય તેમ ખેંચાઈ ગયો.

‘તું શું બોલી રિયા?’ માધવીનો અવાજ સપાટ હતો પણ એમાં વર્તાઈ રહેલાં કંપન આવનારાં તોફાનની આગાહી જેવા લાગ્યા આરતીને . પણ એનો ખ્યાલ રિયાને હજી નહોતો આવ્યો.

‘હા મમ, મને ગ્લેમરવર્લ્ડમાં કરિયર બનાવવી છે. રોમાને જેમ કલર્સનું વળગણ છે એમ મને આ માધ્યમનું…’

‘રિયા, તને ખ્યાલ પણ છે આ દુનિયા શું ચીજ છે?’ માધવીએ પોતાના મગજ પર લગામ ખેંચી રાખી હતી. આ બેવકૂફ છોકરી પોતે ગમે એટલો સંયમ વર્તે ગુસ્સે થવા જેવી હરકત કરીને જ રહેવાની છતાં વાત ગોળની ગાંગડીથી પતી જતી હોય તો ગોળીની જરૂર નહોતી.

આરતીને અચાનક દેખાઈ રહ્યા હતા વિશ્વજિત, જાણે હળવેકથી માધવીમાં પ્રવેશી ચૂક્યા હોય. એ જ નીચો અવાજ, એ જ ભરેલા અગ્નિ જેવી શાંતિ, પોતાના મનમાં શું ચાલે છે તે છતું ન થઇ જાય તેની મુત્સદગીરી…

રિયા પોતાની દુનિયામાં મસ્ત હતી. છેલ્લાં થોડાં દિવસોથી બદલાઈ ગયેલી દુનિયાના કેફમાં, જેની જાણ માત્ર ને માત્ર નાનીને હતી.

‘મમ, હું જાણું છું… નાની તમે કહો ને!’ રિયાએ નાની સામે જોયું. માધવીએ નજર ફેરવી. હવે એની રેન્જમાં આરતી હતી.

‘તમે જાણો છો આ બધું?’ એના સ્વરમાં રોષભરી કુતુહલતા તરી રહી હતી, જે કદાચ રિયાને ન સમજાઈ પણ આરતી તો પારખી શકતી હતી ને!

આરતી હજી કોઈ જવાબ આપે એ પહેલા તો રિયા કૂદી પડી : ‘મમ, એ ગુડન્યુઝ તમને ફોન પર નહોતા આપી દેવા એટલે મેં જ નાનીને રીક્વેસ્ટ કરી હતી કે મમ્મી અહીં આવે પછી જ કહીશું.’ ખરેખર તો માધવીના ગુસ્સાથી ફફડતી હતી એટલે નાનીને વિનંતી કરી હતી.

‘એટલે વાત શું છે? કોઈ સરખી રીતે કહેશે મને?’ માધવી સીધી રીતે તો ગુસ્સો કરી શકે એમ હતી નહીં એટલે માસીને સુણાવી દેવાનું ન ચૂકી.

‘વાત એ છે કે રિયાને થયું કે પોર્ટફોલિઓ કરાવી રાખવામાં શું હર્જ છે ને થોડા ગ્રુમિંગ કલાસીસ કર્યા, બાકી રહી વાત એક્ટિંગની તો એ ભૂત તો આ ઉંમરમાં કોને ન ચઢે? ને ઉતરતાં વાર પણ ક્યાં લાગે?’ આરતીએ તો સાહજિક રીતે વાત વાળી લેવાના આશયથી કહ્યું હતું પણ માધવીને લાગ્યું કે માસીએ લાગ જોઇને પોતાને ચોપડાવી દીધી હતી. અને તે પણ એ હદે કે રિયાની સામે પોતે કંઈ બોલી પણ ન શકે.

‘ના નાની, મેં કોઈ શોખ માટે આ બધું નથી કર્યું, મને ખરેખર કરિયર બનાવવી છે. આઈ મીન ઈટ. મેં તમને કહ્યું હતું ને….’ રિયાના ચહેરા પર અજબ દ્રઢતા જોઇને માધવી પોતે એક ક્ષણ ઠંડી પડી ગઈ : ‘આ છોકરી ભલે રાજા પર ગઈ હતી પણ જીદ તો મારા જેવી જ કરી જાણે છે.’

‘રિયા, તને ખબર નહીં હોય કે મમ્મી આ બધાથી પરિચિત છે. હજી તો ઓડીશન, કાસ્ટિંગ કેટકેટલી ફ્રન્ટ પાર કરવાની આવશે. એમ જ ફિલ્મો નથી મળતી.’ માધવીએ શામ દામ દંડ ભેદથી કામ લેવું નક્કી કરી રાખ્યું હતું.

‘હા મમ્મી, તમને ખબર હશે એની ના નહિ પણ હવે તો મને પણ ખબર છે.’

‘એટલે? તું ઓડીશન આપી આવી છે?’ હેરતમાં પડી ગઈ માધવી .

જવાબ આપવાને બદલે રિયા ગુનેગારની જેમ નીચું જોઈ ઉભી હતી. મૌન રહીને યુદ્ધ કરવાની કોઈક વ્યૂહનીતિ બનાવવી હોય તેમ. એથી તો માધવી વધુ ગિન્નાઈ ઉઠી.

‘વ્હોટ નોનસેન્સ… આર યુ મેડ?’ માધવીના ગમે એટલા પ્રયત્ન પછી પણ મનની સ્વસ્થતા ખોરવાતી જઈ રહી હતી. રિયા ઘા ખાઈ ગઈ, મમ્મી હમેશા પોતાને આટલી નીચી કેમ સમજે છે? પોતે શું કરીને આવી છે એ મમ્મીને કોણ સમજાવે? કેવી રીતે સમજાવે?

‘તને ફિલ્મ મળી? આયનામાં મોઢું જોયું છે તારું? કોન્ટ્રેક્ટ સાઈન કરીને આવી છે? વાત કરે છે, ફિલ્મ મળી ગઈ છે. હહ… માધવીએ ભારોભાર તિરસ્કારથી કરેલો તુચ્છકાર રિયાના દિલને ચચરાવતો સાંગોપાંગ ઉતરી ગયો. એનો ચહેરો પડી ગયો, મમ્મી ફરી એ જ મમ્મી બની ચૂકી હતી.

‘માધવી, મારી એક વાત માનશે?’ મા-દીકરી વચ્ચે વણસતી વાતને ધ્યાનમાં રાખીને ફરી આરતીએ વાતમાં વચ્ચે ન ચાહવા છતાં ઝુકાવવું પડ્યું : ‘પહેલા એની વાત તો સાંભળી લે, પછી તું જે કહેવું હોય તે કહેજે ને! એને ક્યાં ના પાડી તારી વાત ન માનવાની?’

નાનીની વાત સાંભળીને રિયાની ડોક ટટ્ટાર થઇ અને નસકોરાં ફૂલી ગયા. ‘નાની કેવી નાખી દેવા જેવી વાત કરો છો?’ પોતાને નમાલી ચીતરીને નાની બચાવી લેશે, ફરી એકવાર એની એ જ વાત.

‘અરે! કોઈ તક મળે ત્યારની વાત ત્યારે છે ને!’ આરતીએ વિધાન તો વાત ઠંડી પાડવા કર્યું પણ એને ખબર નહીં કે એ તો આગમાં ઘી હોમવા જેવું કામ કરી જશે.

‘નાની… હવે મને બોલવા દો પ્લીઝ…’ રિયાના ચહેરા પર કોઈ અજબ ભાવ હતા. કેસરિયા કરવાની તૈયારી સાથે યુધ્ધે જઈ રહેલા યોધ્ધા જેવા. હવે કોઈ પારોઠના પગલાં નહીં… હવે આ પાર કે પેલે પાર.

‘મમ્મી, એ વાત સાચી કે મેં કોન્ટ્રક્ટ સાઈન નથી કર્યો પણ એ પણ નહીવત સમયમાં કરીશ.. અને એ પણ જેવાતેવા બેનર સાથે નહીં… પણ એથી તમે શું કામ ખુશ થાવ? તમને તો રોમા સિવાય કોઈ દેખાતું જ નથી ને! રોમા માટે તમે બધું કરતા રહ્યા છો, તમે મને એકવાર પૂછ્યું સુધ્ધાં છે કે મારે શું કરવું છે? મારી શું મરજી છે?’ રિયાને જાણે હિસ્ટીરિયા અટેક આવ્યો હોય તેમ બોલી રહી હતી. એના આંખ, કાન, નસકોરાં લાલઘૂમ થઇ ગયા હતા. શ્વાસ ભરાઈ ગયો હતો. અસ્ફુટ રીતે બહાર પડતાં શબ્દ સમજવા મુશ્કેલ હતા. છતાં એ રડી નહોતી રહી. એ લડી રહી હતી.

‘હું કામિયાબ થઈને બતાવીશ, તમારા જોર પર નહીં, આપમેળે, પોતાની તાકાત પર. કારણકે હું રોમા નહીં રિયા છું. અને મમ્મી માત્ર તમારી જાણ માટે કહું કે ભલે આજે મારી પસંદગી ભલે ન થઇ હોય, કદાચ કાલે પણ ન થાય અને શક્ય છે કે મારે લાંબા રીજેકશન પછી રીજનલ ફિલ્મો કરવી પડે કે ડબ્બામાં કેદ થવા જ સર્જાતી ફિલ્મો નસીબ થાય પણ એક દિવસ જોજો ને હું બોલીવુડના બેતાજ બાદશાહ કહેવાય એવા કૃષ્ણકાંત દેસાઈ જેવા મસાલા ફિલ્મમેકર હોય કે ઋષિ ભટ્ટાચાર્ય જેવા આર્ટ ફિલ્મ બનાવનાર કે પછી સહુના માથા પર બેસી ગયેલા આર સેતુમાધવન જેવા દિગ્ગજોના ફિલ્મોની હિરોઈન હોઈશ..’

રિયા તો જાણે સંવાદ બોલતી હોય તેમ ટૂંક સમયમાં નહીવત જાણેલા ક્ષેત્રના મોટાં નામ ટપકાવી રહી હતી પણ એને ખબર નહોતી કે છેલ્લું નામ એની માની અંદર માંડ માંડ શાંત પડેલી જ્વાળા પ્રગટાવી જશે.

‘કોની? કોની? ફરી બોલ જોઈએ.’ આર. સેતુમાધવનના નામ સાથે પાણી પી રહેલી માધવીને અંતરાસ ચઢી આવી. પોતાની સાથે છળ રમી ગયેલો આ દીકરીઓનો બાપ રાજા જ મહેરાનો જમાઈ શું બન્યો, જ્યોતિષોની સલાહથી રાજાની બદલે આર. સેતુમાધવન લખતો થયેલો એ વાતની જાણ તો માસીને પણ નહીં હોય, અન્યથા સેતુમાધવનના માં સાથે રિયાની જીભડી ન ખેંચી લેત! એની આંખમાં એક તિખારો હતો. : ‘માસી, આ ડેવલપમેન્ટની તમને જાણ છતાંય મારાથી વાત છૂપાવી?’

આરતી અવાચક રહી ગઈ હતી. રિયાએ પોતાને પણ ક્યાં આ બધી વાતો કરી હતી કે પોતે માધવીને કહે?

‘માસી, હું તમને પૂછું છું, તમે આ બધી વાતો જાણતાં હતા કે નહીં? માધવીના અવાજમાં ગજબની કરડાકી હતી : ‘તમે જાણતાં હતા તો મને કહ્યું કેમ નહીં કે આ છોકરીના મનમાં શું ચાલી રહ્યું છે?’

સૌના મૌનથી વાતાવરણ ડોહળાઇ ગયું. આખરે માધવીએ જ ચૂપકિદી તોડી : ‘મને ઊંડે ઊંડે આ વાતની આશંકા હમેશ કોરી નાખતી હતી. હતું જ કે એક દિવસ તો પેલો વેરી ફરી આવશે જ, પણ આ રીતે?’

વેરી? આ શબ્દ સાંભળીને માત્ર આરતી જ નહીં રિયા પણ ચમકી.

કોઈ જબરદસ્ત વિસ્ફોટ થયો હોવાનું રિયાએ અનુભવ્યું. મમ્મી શું બોલી ગઈ? કોણ વેરી?

એને આંખોથી નાની સામે જોયું, જવાબ આપવો ન પડે એટલે એ નજર ચુકાવી ને બારી બહાર તાકી રહ્યા હતા.

આ વેરી કોણ? મમ્મીના એક શબ્દે રિયાના અસ્તિત્વને ખળભળાવી કાઢ્યું હતું. એ પિતા તો નહીં જેને પાપે પોતે વિના કોઈ વાંકગુનાએ હમેશ હડધૂત થતી રહી હતી?

કોણ હતો આ વેરી ?

(ક્રમશઃ)

આજે માણો વેર વિરાસત નવલકથાનો સોળમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૬}

  • Tushar Mehta

    Respected Sir,

    I am reffering to the display list pages of Ver Virasat – A novel by Pinki Dalal.
    [ http://www.aksharnaad.com/category/novel/ver-virasat/page/2/ (ch 1 – 15) and http://www.aksharnaad.com/category/novel/ver-virasat/ (ch 16 – 33 ).

    You have put 3 links for 3 other chapters of the novel. Well, that is fine and thank you for the same.

    However, I would like to bring to your notice the illogical and improper method of displaying these links :

    I would express myself by an actual example – as under:

    At the bottom of Chapter 16 page {http://www.aksharnaad.com/2015/11/23/ver-virasat-16/}, THE LINKS DIPLAYED ARE FOR Ch. 4, Ch. 9 AND Ch. 12.
    NONE OF THESE DISPLAYED LINKS ARE IN CONTINUATION OF THE CHAPTER 16(which is the fully displayed chapter on this page.)

    I feel, that a logical display would be (Displayed chapter 16 page):
    1. Link of one PREVIOUS chapter (for example, link for ch. 15)
    2. Link of one NEXT chapter (chapter 17)
    3. The last (that is, the most recent) chapter included into the series. (chapter 33 – as on today)

    One of the side – advantage of following the suggested method is that, perhaps, you may avoide putting up 2 pages of disply link list on the web and save on server memory and programming length.

    Please give this a positive consideration.

    You are doing a wonderful and highly appreciable work.
    My sincere thanks and regards for the same.

    Gujarati language, literature, folk-literature, poetry etc. need very serious and consistent efforts to take them to next generations and preserve them.

    The key is more more things for FREE DOWNLOAD and cheap selling of e-books on line.
    You are very well aware that when a book is sold as a digital copy, the production cost is substantially less and that can increase the
    sales volume protecting the healthy and reasonable earning of the content producer and the digital publisher / retailer.

    Again, thanks and regards.

    – Tushar Mehta
    tvmehta01@gmail.com
    +91 75060 96850.
    Mumbai.