વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૫} 1


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

‘હલો માસી… ગુડ ન્યુઝ આપવા જ ફોન કર્યો. રોમાને પીસીએમાં એડમીશન મળી ગયું….’ રાત્રે જમી પરવારીને ટીવી જોઈ રહેલી આરતી આ જ સમાચારની રાહ જોઈ રહી હતી. રોમાને માધવી પેરીસ તો પહોંચી ગયા હતા, પણ એકદમ નવા શહેરમાં, નવા માહોલમાં એક વાર એડમીશન મળી જાય તો પણ રોમા સેટ કેવી રીતે થશે એની ચિંતા માધવીને પજવી રહી હતી. ને આજે એ બધી ચિંતાનો અંત આવી જતો હોય તેમ ફાઈનલી એડમિશનની ચિંતા તો પતી ગઈ હતી.

‘હવે તો શાંતિ થઇ કે નહીં?’ માસીએ માધવીને પૂછી લીધું. સમયની સાથે સાથે માધવીના સ્વભાવમાં પણ વિશ્વજિતની ખાસિયતો વિકસી ચૂકી હતી. જે વાત માટે જરૂરી ન હોય છતાં એ વિષે ઝીણું કાંતવાની અને ફિકર કરવામાં જાણે કોઈ અનેરી લિજ્જત આવતી હોય તેમ માધવી પિતાની જેમ જ ન હોય ત્યાંથી ટેન્શન ઉભું કરી લેતી.

‘ઓહો માસી, તમે એમ સમજો છો કે એડમીશન થયું એટલે વાત પતી ગઈ? અરે! મને તો એ વાત તો હવે ખરેખર ટેન્શનની શરુઆત જેવી લાગી રહી છે…’ માધવીના અવાજમાં હળવી ચિંતા હતી.

‘કેમ? હવે વળી પાછું શું થયું?’ આરતી વિમાસણમાં પડી.

‘થાય શું? પેરીસ હોય કે મુંબઈ, આ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ બધે જ સરખી…. જુઓને પહેલાં ક્યાંય જણાવ્યું નહોતું કે વિદેશથી આવતાં અન્ડર ગ્રેજ્યુએટસ કેન્ડીડેટ્સ માટે હોસ્ટેલ કે કેમ્પસમાં એકોમોડેશનની વ્યવસ્થા નથી… ફી ભરાઈ ગઈ, બધી ફોર્માલીટી પતી ગઈ પછી એ લોકો આ વાત જણાવે છે… હવે તમે કહો કે ચિંતા ન થાય તો શું થાય??’ માધવીએ બોલતાં બોલતાં રોમા સામે નજર ફેંકી, એ પણ તો સાંભળે કે એની મા એને માટે શું પાપડ વણે છે. પણ રોમા એ બધી વાતોથી બેખબર પોતાની દુનિયામાં મસ્ત હોય તેમ કાન પર ઇઅરફોન લગાવી સફરજન ખાઈ રહી હતી…. એનું ધ્યાન વિન્ડો પાસે ઉભી રહીને વાત કરતી મમ્મી પર નહીં વિન્ડોની બહાર રેલાઈ રહેલી પેરીસની સાંજ પર હતી. ગુલાબી અને નીલા રંગનો અદભૂત સમન્વય રોમાની આંખોમાં ઉતરીને દિલોદિમાગ સુધી છવાતો જતો હતો.

‘છે કોઈ અસર આ છોકરીને મારી ચિંતાની? ‘ માધવી સ્વગત બોલતી હોય તેમ ફોન પર બબડે જતી હતી. દરેક વાતમાં સાઉન્ડીંગ બોર્ડ જેવા માસીતો કંઈ નક્કર સુઝાવ આપવાના જ હતા.

‘માધવી, તો હવે શું કરવાનું વિચાર્યું છે?’ પરિસ્થતિ સમજ્યા પછી તો આરતી પણ વિચારમાં પડી.

‘કરી તો શું શકાય? ફી ભરાઈ ગઈ છે, અને હવે તો ઇન્ડિયા આવવાની વાત રોમાના ઉત્સાહ જોઇને કરવી સાવ નકામી છે.’

‘તો પછી..?’

‘માસી, હું પણ અવઢવમાં છું. જોઈએ હવે આગળ શું થાય છે. પણ મને લાગે છે કે પેયીંગ ગેસ્ટ અકોમોડેશન લેવું પડે એમ લાગે છે. બાકી તો…’ માધવીના અવાજમાં મૂંઝવણ છતી થઇ રહી હતી. ‘સમસ્યા એ છે કે યુ એસ કે ઓસ્ટ્રેલીયા હોય તો પીજી માટે ઇન્ડિયન પાર્ટનર મળી જાય, પણ આ તો રહ્યું પેરીસ, ને કોલેજ પણ આર્ટસની, સમ ખાવા પૂરતો પણ ઇન્ડિયન ચહેરો ન દેખાયો ને વળી ભાષાની સમસ્યા..’

‘મધુ, પણ આટલી મહેનત કરી છે તે પારોઠના પગલાં ભરવા માટે નહીં ને! કોઈ રસ્તો શોધવો જ રહ્યો…’ આરતીએ શીખ ન આપી હોત તો પણ માધવી એ જ સંદર્ભમાં વિચારી રહી હતી.

‘હા માસી, વાત તો એ સાચી જ અને હું પણ એ જ વિચારતી હતી. મને થાય છે કે અહીં કોઈ રેન્ટ પર સારી જગ્યા મળી જાય, તો રોમા સરખી સેટલ થઇ જાય… એને આમ એકલી મૂકી દેતા મારો જીવ નથી ચાલતો… ‘

‘એટલે પછી તું ત્યાં રોમા સાથે રહી જવાનો વિચાર કરે છે?’

‘રહી તો શું જાઉં? મને કંઈ રોમાની જેમ સ્ટુડંટ વિઝા ને પરમીટ મળ્યા નથી પણ એને સેટલ કરવા શટલ સર્વિસ કરવી જ પડશે ને, ઇન્ડિયા આવી ને પછી જતી આવતી રહું તો વાંધો નહીં આવે, અને ત્યાં બધું સાચવી લેવા તમે તો છો જ ને…!’ માધવીએ તો રિયા પરત્વેની પોતાની તમામ ફરજો જાણે અજાણે માસીના ગળે નાખી દીધી.

આ વાતચીત ચાલી રહી હતી ત્યારે રિયા પણ લિવિંગ રૂમમાં ટીવી સામે જ ગોઠવાયેલી હતી, તેના હાથમાં હતી કોઈ રોમેન્ટિક નોવેલ અને કાન હતા મા ને નાનીની વાતચીત પર.

ફોન પર થઇ રહેલી વાતચીતના અંશ પરથી રિયા એટલું તો સમજી શકી હતી કે મમ્મી મુંબઈ નિર્ધારિત તારીખે આવી શકવાની નથી એટલી વાત તો નક્કી, અને એટલે એ સમય મળ્યો તે બોનસ, એનો જેટલો ઉપયોગ થઇ શકે રોકડો કરી લેવાનો હતો.

‘હલો માયા, તો થઇ જાય આજે એક્સપોઝમાં એક વિઝીટ…’ બીજે દિવસે સવારે માયા ને રિયા ફોન પર વાત કરી રહ્યા હતા, તેમના પ્લાનિંગની. રાત્રે નાની ને મમ્મી વચ્ચે થયેલી વાતચીત રિયાના મન પર તાજી હતી. આટલી અનૂકુળ પરિસ્થિતિ તો આપમેળે જ ઉભી થઇ ગઈ એનો અર્થ કે કુદરત જ મહેરબાન થવા માંગે છે.

નિયત કરેલા પ્લાન પ્રમાણે માયા આવી ગઈ હતી. લિવિંગરૂમના વરંડામાં નાનીને ચા પીતાં જોઇને થોડી ખંચકાઈ ગઈ.

‘કેમ માયા? સવાર સવારમાં, સવારી કઈ બાજુ?’ નાનીએ તો સહજરીતે પૂછ્યું પણ માયા કંઈક બફાટ ન કરી નાખે તેવી બીકથી કાનમાં બુટ્ટી પહેરી રહેલી રિયા એ જ હાલતમાં દોડતી બહાર આવી : ‘ઓ હો નાની, વેકેશન છે. કદાચ મૂવી માટે જઈએ, મોર્નિંગ શોમાં..’

‘પણ રિયા હજી ગઈકાલે તો મોર્નિંગ શોમાં એક ફિલ્મ જોઈ ને? આજે ફરી? મમ્મી ઘરમાં ન હોય એટલે આમ મનમાની કરવાની? આ વળી શું ઉપાડો લીધો છે?’ આરતીના ચહેરા પર છવાઈ રહેલા સ્પષ્ટ અણગમાને જોઇને માયા થોડી સહેમી ગઈ. રિયાને પહેલીવાર નાનીના આ મિજાજનો પરિચય મળ્યો, નાની જરૂર પડે વઢે પણ ખરા એનો ખ્યાલ આવી ગયો.

‘સવાર સવારમાં ફિલ્મ જોવાની… વાહ. હજી તો નવ પણ નથી થયા, તે હું પૂછું આટલો વહેલો શો હોય છે ખરો?’ નાનીમાનું લોજીક રિયાને પણ હતું, વધુ કોઈ ઉલટતપાસ શરુ થાય એ પહેલા જ નાની કોઈક કામ માટે ઉઠીને અંદર ગયા કે છોકરીઓને ભાગવાનો મોકો મળી ગયો.

‘જુહુ તારા રોડ…’ બિલ્ડીંગની થોડે દૂર જઈ રીક્ષામાં બેઠાં પછી રિયાનો શ્વાસ હેઠો બેઠો. નાનીને કહ્યા વિના આમ નીકળી જવા માટે અંદરથી કશુંક ડંખી રહ્યું હતું. થોડીવારમાં તો રીક્ષા ઉભી રહી. બંને છોકરીઓએ નીચે ઉતરીને સીધી એક્સપોઝની ઓફિસમાં ઘૂસી ગઈ.

સંતોષે પોતાનો બોલ્યો બોલ પાળ્યો હતો. વાયદો તો કરેલો બે ચાર કાસ્ટિંગ એજન્ટ સાથે કોન્ટેક્ટ કરાવી આપવાનો પણ તેને બદલે એણે તો આ બે છોકરીઓ માટે જાણે અભિયાન આદરી દીધું હતું. એને તો દસ હજારની લોટરી લાગવાની હતી ને. ‘આ છે મિસ રીતુ.’ સંતોષે પોતાની ઓફિસમાં જ ઓળખાણ કરાવી હતી પોતાનો બોલ્યો કોલ પાળતો હોય તેમ.

‘રીતુ મેમ, મેં વાત કરી હતી ને કે મારી પાસે બે નવા ચહેરા છે! એ આ બે, રિયા ને માયા…’ સંતોષે પોતે બનાવેલાં પોર્ટફોલિઓ એના હાથમાં મૂકતાં કહ્યું.

માથાથી પગ સુધી રિયા ને માયાને પરખતી હોય તેમ રીતુ જોઈ રહી.

‘એક્ટિંગ કલાસીસ કર્યા છે કોઈ? કે પછી એમ જ મન થઇ ગયું?’ રીતુનો પહેરવેશ જેટલો સ્ટાઈલીશ હતો ભાષા એટલી જ બરછટ હતી.

‘ના, કોઈ કલાસીસ તો નથી કર્યા…’ માયા જરા ઝંખવાઇને બોલી.

‘હંમ…’ રીતુએ પોતાના ગળામાં સ્ટ્રીંગ સાથે ઝૂલી રહેલાં રીડીંગ ગ્લાસીસ ચઢાવ્યા ને પોર્ટફોલીઓમાં રહેલી તસ્વીરો ફેરવવા લાગી. વાતાવરણ ખામોશીથી બોઝિલ બની રહ્યું હતું.

‘ખરેખર તો કલાકાર જન્મે, એ કંઈ મેડ ટુ ઓર્ડર થોડાં હોય…?’ ક્યારની ચૂપ રહેલી રિયા અચાનક જ બોલી. કદાચ રીતુના વ્યવહારથી છેડાઈ ગઈ હોય કે પછી તડ ને ફડ જ પરિણામ લાવી શકશે એવી કોઈક ખાતરી હોય.

અવાક થઇ જવાનો વારો રીતુ અને સંતોષનો હતો. આ તો ઝીણું મરી હતી…

રિયાની હાજરજવાબી હોય કે પછી ખરેખર રસ પડ્યો હોય તેમ રીતુએ એક એક ફોટોગ્રાફ્સ ધ્યાનથી જોયા : ‘સંતોષ, વિડીયો ફૂટેજ પણ છે?’ રીતુના પ્રશ્નનો અર્થ એ થયો કે ફોટોગ્રાફ્સને હા પડી ચૂકી છે, હવે વાત વિડીયો ફૂટેજની.

પૂરા એક કલાક પછી રીતુએ પોતાનું વિઝીટીંગ કાર્ડ બંનેના હાથમાં થમાવ્યું : ‘કાલે મને ફોન કરો. લગભગ એકની આસપાસ… ઓકે?’ બંને છોકરીઓના ચહેરા પર એ સાથે ઝગમગ ઝગમગ થઇ રહ્યા.

રિયા અને માયા એક્સ્પોઝ્ની ઓફિસમાંથી બહાર નીકળ્યા હશે ને સંતોષે રીતુ સાથે વાતનો દોર સાધી લીધો : ‘કેમ? શું લાગે છે?’

‘હ્મ્મ, સંતોષ કોઈકવાર તું કામ સારું કરે ખરો…’ રીતુ હસી, ‘ખરેખર જોવા જઈએ ને તો આ બેમાંથી પેલી થોડી શામળી છોકરી મને વધુ પ્રોમિસિંગ લાગી.

‘કોણ? રિયા?’ સંતોષને નવાઈ ન લાગી. રિયા રંગે ભીનેવાન હતી ને વળી જરા ભરાવદાર કહી શકાય તેવી પણ ખરી. એની સામે માયા પાતળી, ગોરી ને નાજુક તો હતી.

‘મારા ખ્યાલથી બંને પોતપોતાની રીતે જામી શકે….’ સંતોષ રીતુની વાત સાથે સહમત ન હોય તેમ થોડી અવઢવ સાથે બોલ્યો.

‘ના સંતોષ, તું ત્યાં જ ભૂલ કરે છે… ‘ રીતુ પોતાના મત પર અફર લાગી : ‘જો હું તને કહું? આ જે છોકરી છે ને, જે તને બિલકુલ ઓર્ડીનરી લાગે છે… એ છોકરીને તક મળીને તો જબરું કાઠું કાઢી જવાની… તું કહે તો હું તને તાંબાના પતરાં પર લખીને આપી શકું….’

‘અચ્છા? હ્મ્મ’ રીતુની વાત પર સંતોષ વિચાર કરતો રહ્યો, એવું તો રીતુ મેડમે આ રિયામાં શું જોઈ લીધું?

‘જો સંતોષ, હમણાં મારે પણ મારી નવી એજન્સીનો સિક્કો જમાવવાનો છે, બીજા થોડાં આવા થોડા ચહેરા મળી જાય તો મારું પણ કામ થઇ જાય. પેલા શાસ્ત્રીના બચ્ચાને પાઠ ભણાવી શકું કે એજન્સી પોતાની જાતને હિરોઈન સમજી બેઠેલી બેવકૂફ છોકરીઓના મત પર ન ચાલે…’ રીતુના અવાજમાં રોષનો તણખો હતો.

સંતોષને પરિસ્થતિ સમજતા વાર ન લાગી કે હવે રીતુ આ બંને છોકરીઓનું નહીં તો એકનું તો કરી ને જ રહેશે.

રીતુ આહુજા ને શાંતનુ શાસ્ત્રીએ ભારે મહેનતથી ગ્લેમરહન્ટ ઉભી કરી હતી, ટેલેન્ટ એજન્સી, ચૌદ વર્ષ એક સાથે રહીને ચલાવી હતી. નસીબ રીતુની સાથે હતું. એને નવી ટેલેન્ટ આકસ્મિક રીતે મળી જતી. રીતુ ને શાંતનુ શાસ્ત્રી પાર્ટનર હતા ગ્લેમરહન્ટના અને અચાનક સીધીસટ જઈ રહેલી એજન્સીને બ્રેક લાગી શાંતનુંની જિંદગીમાં થયેલી નવી એન્ટ્રીથી. એક્ટ્રેસ બનવા આવેલી નવોદિત જૂહીના પ્રેમમાં શાંતનુ એવો તો ગરક થઇ ગયો કે એજન્સીની રોજીંદી બાબતો બાજુ પર રહી જતી અને એ તો જૂહીને લઈને પ્રોડ્યુસરોને ત્યાં લાઈનમાં પોતે ધક્કા ખાતો થઇ ગયો હતો, વળી બાકી હોય તેમ ઓફિસમાં એની હાજરી ઘટતી ગઈ ને નવી આવેલી, કોઈ વાતમાં ખાસ ન સમજતી જૂહીનો હસ્તક્ષેપ વધતો ગયો એટલે કંટાળીને રિતુએ પંદર વર્ષની પાર્ટનરશીપ તોડવાનો નિર્ણય કમને લેવો પડ્યો હતો. વાત હવે વટ ને કટ પર આવીને ઉભી રહી ગઈ હતી. રીતુ પોતે નવી ઉભી કરેલી એજન્સી ટૂંક સમયમાં ગ્લેમરહન્ટને પછાડી દે તે માટે કોઈ પણ હદ સુધી જઈ શકતી હતી. છેલ્લાં થોડા મહિનાથી ગ્લેમરહન્ટને ઘસરકા જ પડ્યા હતા પણ હવે રીતુનો ઈરાદો ગોબાં પાડી નાખવાનો હતો અને એટલે જ રીતુની ચકોર આંખોએ રિયામાં રહેલા સ્પાર્કને પકડી પાડ્યો હતો.

‘સંતોષ, આ છોકરીને તે પોતે કેમેરાની આંખે જોઈ છે તો ય તું ન પકડી શક્યો?’ રીતુના મનમાં કોઈક વાત વમળ લઇ રહી હતી. ‘આ ગોરી નથી, ચુસ્ત નથી પણ સંતોષ, તું માને કે ન માને પણ આ છોકરીની આંખોમાં કોઈક વાત તો જરૂર છે.. જરૂરી છે એને કોઈ ચેનલ મળે…. અને એ ચેનલ આ રીતુ આહુજા બનશે….’

સંતોષ થોડા વિસ્મયથી રીતુ સામે તાકી રહ્યો. રીતુ મેડમ એની જૂની ક્લાયન્ટ હતી. પોતે જે ફોટોશૂટ કરતો તેને ઓડીશન માટે રેડી કરવાની તમામ જહેમત રીતુ ઉઠાવતી. એક વાત તો નક્કી હતી કે રીતુ પાસે ટેલેન્ટ પારખવાની પાણીદાર આંખ હતી ને એટલે જ કેટલીય પ્રતિભાઓ રીતુએ જન્માવી હતી, હા એ વાત દૂરની હતી કે એ માટે રીતુ ને ન તો કોઈ ક્રેડીટ મળતી કે કોઈ યાદ કરતું. હવે સમયને પારખીને રીતુએ માત્ર કાસ્ટિંગ માટે ટેલેન્ટ શોધવાનું કામ સીમિત ન રાખતાં મળી આવતાં રફ હીરાને પાસાંદાર બનાવી પોતાના લેબલ નીચે ઝળકાવવાની શરૂઆત કરી હતી. ગ્રૂમિંગ અને એક્ટિંગ કલાસીસ ચાલુ કરીને, જ્યાં ઘડાતાં આવતીકાલના આવી રહેલાં હીરો અને હિરોઈનના ભાવિ.

બીજે દિવસે રીતુની નવી ઓફિસમાં રિયા ને માયાની શરુ થઇ હતી નવી ઇનિંગ, ઓડીશન માટેના કોચિંગ કલાસીસ શરુ થયા હતા.
કઈ રીતે ઉભા રહેવું, કઈ રીતે ચહેરો અમુક એન્ગલથી ત્રાંસો રાખી વાત કરવી, કયા સીન માટે, આંખના ક્યા ખૂણેથી નજર કરવી. કઈ રીતે પગલું ભરવું, કઈ રીતે બેસવું, હસતી વખતે કેટલા સેન્ટીમિટર હોઠ ખોલવા, કેટલા દાંત દેખાડવા, આ બધી વાતો માત્ર રીલ પર જ જરૂરી નથી, રીયલ લાઈફમાં ઉતારી લેવાય તો ત્યાં પણ ડ્રામેટિક પરિણામ તો આપે જ… આ વિચાર ક્યારનો રિયાના મનમાં ઘૂંટાતો રહ્યો હતો.

વેકેશન હતું એટલે ખબર ન પડી બાકી રિયાનું ઘરમાંથી રોજ પાંચ છ કલાક ગાયબ રહેવું આરતીની ચકોર નજરથી છૂપું રહે શક્ય જ નહોતું.

‘સો, ફાઈનલી તમારી ટ્રેઈનિંગ હવે પૂરી થવામાં ગણતરીના દિવસો બાકી છે. એ પછી પહેલું સ્ટેપ હશે સ્ક્રિનિંગ…’ રીતુના એક એક શબ્દને ધ્યાનથી બંને છોકરીઓ સાંભળી રહી હતી.

‘હમણાં એક નામાંકિત બેનર માટે સ્ક્રીન ટેસ્ટ ચાલી રહ્યા છે…. એક મેગા બજેટ ફિલ્મ આવી રહી છે, તેને માટે….’ રીતુ એક એક શબ્દ સાચવીને બોલી હતી.

ક્લાસમાં માયા અને રિયા જેવા બીજા દસેક ઉમેદવારો હતા. તમામના ચહેરા પર એક જ ફડક હતી: આપણે માટે એ તક હશે કે નહીં? ‘હું અત્યારે પ્રોડક્શન કંપનીનું નામ નહીં કહું પણ તમે સહુ એ રીતે પરફોર્મ કરશો કે જાણે તમે પસંદગી પામી ચૂક્યા હો! સમજો છો?’

‘જી હા…’ બારેબાર નાભિમાંથી આવેલો અવાજ રીતુને પ્રસન્નતા આપી ગયો. બારમાંથી બાર તો ક્યારેય નહીં પણ માત્ર બે જણ પણ પાસ થયા તો આ વર્ષે પોતાનો સકસેસરેટ ગ્રાફ ગ્લેમરહન્ટને પછાડી જવાનો હતો.

* * * * *

સવારના સાડા સાત થયા હશે અને સૂર્ય નમસ્કાર પતાવી ને આરતીએ હજી ચાનો કપ હોઠે લગાવ્યો ત્યાં તો વાવાઝોડાની જેમ રિયા ધસી આવી : ‘નાની, નાની, નાની….. જલ્દી મને આશીર્વાદ આપો…’

‘અરે, અરે, સવાર સવારમાં શું માંડ્યું છે આ બધું?’ આરતીએ અખબારમાંથી નજર ઉંચી કરી, સામે ઉભેલી રિયાને જોઇને ક્ષણ માટે થયું કે ક્યાંક એને હાથમાં ઝાલેલો કપ છૂટી ન જાય! હમેશા જીન્સ ને ટીશર્ટમાં રહેતી રિયા આજે તો શ્યામગુલાબી રંગના સલવાર કમીઝમાં સજ્જ હતી! હંમેશ બેફિકરાઈ બયાન કરતાં વિખરાયેલા વાળ શેમ્પૂ કરીને તાજાં બ્લો ડ્રાય કર્યા હોય તેમ લાગતું હતું. ચહેરા પર હળવો મેકઅપ તો ચોક્કસ હતો. રિયા પર રહેલા મેકઅપે તેની આંખોને એટલી તો મોહકતા બક્ષી હતી કે મૂળ રિયા તો ક્યાંય નજરે નહોતી ચઢતી.

‘ઓહો! આજે સુરજ તો કંઈ પશ્ચિમમાં ઉગ્યોને કંઈ!’ આરતીએ વિસ્મયને કાબૂ કરીને કરીને પૂછ્યું : ‘આ બધું શું છે? ક્યાં જવાનું છે?’

‘ઓહો નાની, તમે તો જ કહો છો કે સારું કામ કરવા જતી વખતે નો પૂછ પૂછ…. તો કેમ પૂછી રહ્યા છો?’ રિયાએ સલુકાઈથી જવાબ આપવાનું ટાળ્યું.

સાચું કહેવાને બદલે નાનીથી વાત છુપાવવી ડંખી રિયાને, પણ આ ઘડી જાળવી લેવાની હતી. નાની સાથે નહીં મમ્મીની ગોળીબારીમાંથી બચવા માટે. નાનીને ગમે એટલી લાગણી ભલે હોય પણ મમ્મીથી આ વાત તો ન જ છુપાવે ને કહી દે તો??

‘તને કહું છું રિયા, તારું ધ્યાન ક્યાં છે?’ અચાનક નાનીનો અવાજ કાને પડ્યો. ક્યારના પૂછી રહ્યા હતા ને પોતે વિચારોમાં ગૂમ હતી, સાંભળ્યું જ નહોતું.

‘હું એમ પૂછી રહી છું કે આમ તૈયાર થઈને જાય છે ક્યાં? અને આ બધું કરવાનું ક્યાંથી શીખી લાવી?’ આરતીનો ઈશારો રિયાના મેકઅપ અને ડ્રેસ પર હતો.

‘ઓહ નાની, તમે પણ…’ રિયાએ લાડ કરતી હોય તેમ સોફા પર બેઠેલાં નાનીના ખભે માથું ટેકવી દીધું.

રિયાના પરફ્યુમની આછેરી સુગંધ નાનીના મન મગજને તર કરતી ગઈ : ‘રિયા, શું વાત છે? કોઈને મળવાનું છે?’

આરતીનો પ્રશ્નમાં શંકા ઉઠી હતી. રિયા કોઈના પ્રેમમાં પડી તો નથી ગઈ ને! રિયા એ સાંભળીને જોરથી હસી.: ‘એટલે જ તો કહું છું કે આશીર્વાદ આપો. ને નાની, હું પ્રેમમાં છું…’ રિયા એટલું બોલી ચૂપ રહી, આરતીનો પ્રતિભાવ જાણવા માંગતી હોય તેમ.

આરતી હેરતભરી નજરે રિયાને જોઈ રહી : અચાનક આ છોકરીને શું થઇ ગયું હતું?

‘નાની, પ્રેમમાં પડી છું… મારા પોતાના પ્રેમમાં… એટલે જ કહું છું કે આશીર્વાદ આપો અને હા, મારા માટે તમારી પેલી ખાસ પ્રાર્થના તો જરૂર કરજો જે તમે મમ્મી મુસીબતમાં હોય છે ત્યારે કરો છો…. મારા કામમાં હું સફળ થાઉં..’

‘રિયા એટલે તું મને ન કામ કહે, ન કારણ, છતાં મારે બેસીને પ્રાર્થના કરવાની એમ ને? અરે, આ કોઈ હોમ ડિલીવરી પાર્સલ છે કે ઓર્ડર કરો ને પહોંચી જાય?’ આરતીના સ્વરમાં થોડો ઠપકો હતો.

‘ઓહ માય સ્વીટ સ્વીટ નાની… પ્લીઝ પ્લીઝ પ્લીઝ…. મને ખબર છે તમે ગમે એવો ગુસ્સો કરો પણ મારા માટે પ્રાર્થના તો કરશો જ ને? બાય ધ વે આ આખી વાત શું છે તે હું તમને પછી આવી ને કહીશ. અત્યારે બહુ જ મોડું થઇ રહ્યું છે…’ આરતી હજી કંઈ પણ બોલે એ પહેલાં તો રિયા ઝડપભેર બેગપેક લઈને બહાર નીકળી ગઈ હતી.

‘છે ને આ છોકરી પણ…’ આરતીએ મનોમન વિચારીને અખબાર બાજુ પર મૂકી દીધું : ‘આખરે આમ પણ પૂજાનો સમય થઇ રહ્યો હતો અને આજે તો કોઈ દિવસ કોઈ ચીજ ન માંગતી રિયાએ એની સફળતા વાંછવાની વાત કરી હતી, એટલું તો એને મળવું રહ્યું ને!’

‘અરે શકુ, મારા અનુષ્ઠાનનો સમાન આજે તૈયાર કરજે તો….’ આરતીએ ઘરકામ સંભાળતી બાઈને સૂચના આપી ને તૈયાર થવા ઉભા થયા.

‘રિયા, માયા, ઓલ સેટ? જો ક્યાંક નાની સરખી ભૂલ ન થાય!’ રીતુ ખુદ આજે આ રિયાને લેવા આવી હતી. જે ઘડીએ રિયા ને માયા કારમાં ગોઠવાઈ એટલે રીતુની નજર બંનેનો એક્સરે લેતી હોય તેમ ઉપરથી નીચે ફરી વળી. ‘આ ઉપરાંત બીજો એકાદ ડ્રેસ રાખ્યો છે ને સાથે?’

રિયાએ ડોકું ધુણાવીને હા ભણી એ સાથે રિતુએ કાર સ્ટાર્ટ કરી.

‘આજે ઓડીશન છે, નર્વસ નહીં થવાનું… બી કૂલ…’ રીતુનો છેલ્લી મિનિટની શિખામણનો મારો એક સરખો ચાલુ હતો. : ‘કાસ્ટિંગ ડિરેક્ટર મહેર મારી દોસ્ત છે, પણ અહીં દોસ્તીબોસ્તી કંઈ ન ચાલે, અહીં તો માત્ર કામ બોલશે. બહુ મોટું બેનર છે, પણ સમયના વહેણમાં તો ભલભલા ચમરબંધી ઝીરો થઇ જાય છે એવું જ આ લોકોનું છે. એક મોટો જુગાર ખેલવો છે, પણ જોઈએ એટલું ફાઈનાન્સ નથી. હીરો માટે કદાચ મોટું નામ લેશે પણ હિરોઈનમાં પૈસા બચાવી લેશે. નવો ચહેરો લોન્ચ કર્યો એમ કરીને… આ બધી ટ્રેડ સિક્રેટ કહેવાય, પણ આપણાં માટે એ તક… સમજી?’

રીતુની વાતોમાં રિયા હા તો ભણતી રહી પણ અચાનક જ ન સમજાય તેવો ડર એની છાતીમાં ગઠ્ઠો થઈને જામી રહ્યો હોય તેવી અનુભૂતિ થતી રહી.

મઢ આઈલેન્ડના એક ખાનગી બંગલોમાં કોઈક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું, ત્યાં જ આ ઓડીશન પણ હતું. હજી કોઈ ખાસ અવરજવર નહોતી. લાગતું હતું કે ઓડીશન નિર્ધારિત સમયના બે કલાકથી વધુ મોડું સ્ટાર્ટ થવાનું. ‘ઓડીશન માટે આવ્યા હોવાનું જાણીને કોઈકે બહાર પેટીઓમાં મૂકાયેલી ચેર્સ બતાડી. હવે ઇન્તઝાર હતો વારો આવે એનો.

‘રીતુ મેમ, એક વાત પૂછું?’ રિયાથી કુતુહલતા ન દબાવતી હોય તેમ સાવચેતી વર્તીને પ્રશ્ન પૂછી લીધો: ‘ધારો કે અહીં સિલેક્ટ ન થવાય તો? પછી શું કરવાનું? ભૂલી જવાનું આ દુનિયાનું સ્વપ્ન?’

રીતુ ઘડીભર નિર્દોષ કિશોરીનો ચહેરો જોતી રહી: હવે આ છોકરીને શું કહેવું? ‘રિયા, સાચું કહું?’ રીતુના મનમાં ગડમથલ ચાલી રહી હતી. આ ઉંમર નથી હોતી સાચી વાત જોઈ કે સમજી શકવાની, પણ જે ફિલ્ડમાં પગ મૂકી રહ્યા છો તેમાં તો આ બધું ડગલે ને પગલે થવાનું. બહેતર છે કે એ ગેમમાં ઉતારવા પૂર્વે એના નિયમો શીખી લઈએ.

‘અને એક સાચી વાત કહું? મારો તો અનુભવ છે કે આ ફિલ્ડમાં રૂપ, ટેલેન્ટ કે કોન્ટેક્ટસ તો ખરા પણ સહુથી વધુ કોઈનો સિક્કો ચાલે છે ને તે છે નસીબ. એટલે જો આજે તમે બંને અહીં સિલેક્ટ ન થાવ તો નિરાશ તો હરગીઝ ન થતા, અરે… ભલભલાં સ્ટાર્સ આ પહેલીવહેલી ટેસ્ટમાં ઉડી ગયા હતા. પણ, છતાં આજે એ લોકો છે સ્ટાર્સ છે. સિક્કા પડે છે એમના…’

રીતુની વાત સાંભળીને રિયા ને માયા તો ઠરી જતાં હોય તેમ લાગ્યું. પોતે તો અત્યાર સુધી એ ભ્રમમાં હતી કે પસંદગી થશે જ થશે ને આજે આ રીતુ તો કોઈ જુદો જ રાગ આલાપી રહી હતી. એમના ચહેરા પરથી ઉડી રહેલો રંગ જોઇને રિતુએ પલટી મારી.

‘ જો કે આપણી પાસે બીજો પણ એક વિકલ્પ તો છે જ…’ રીતુ કદાચ જૂઠું તો નહોતી બોલી રહી એવું છોકરીઓને લાગ્યું. ‘આજકાલ તો તમિલ ને તેલુગુ ફિલ્મો જે રીતે બની રહી છે, એ રીતે એ પણ ખોટું નહીં, આપણી કેટલીય હિરોઈનો એમ જ બેક ડોર એન્ટ્રી કરીને જ ડ્રીમગર્લ બની ગઈ ને!’

‘મારો અનુભવ અને મારું જજમેન્ટ આજ સુધી કદી ખોટા રહ્યા નથી. અને હા, દિલ મજબૂત જોઈએ, ના સાંભળીને એને જીરવવાની તાકાતવાળું, ને એ પછી પણ દિલથી મહેનત કરી તો યાદ રાખજો મારા શબ્દ, આ ઘડી ને આ જગ્યા… યુ વિલ બી સમવ્હેર વન ડે…’

રિયાના મગજમાં અચાનક જ કોઈક નશો છવાઈ રહ્યો. એ સામે ઘૂઘવી રહેલાં સમુદ્રનો હતો કે રીતુના બોલનો?? સમુદ્રને જોઇને આફરીન થઇ ગયેલી રિયાનું મન કલ્પનાને હિંચકે ઝૂલવા લાગ્યું હતું. પોતાની પણ આવી એક વિલા હોય, સામે દરિયો હોય, જ્યાં જુઓ ત્યાં ચંપા ને બોગનવેલ ખીલ્યા હોય ને વિલાની નેમપ્લેટ પર નામ હોય : રિયા સેન.

‘રીતુ જી, આ જાઈએ, કાદરી સર આ ગયે..’ કોઈક હેલ્પર જેવો છોકરો રીતુને બોલાવવા આવ્યો હતો. એક વાત સાફ હતી કારણ ગમે તે હતું પણ રીતુને સહુ કોઈ ભાવ વધુ આપતા હોય તેમ લાગ્યું. ‘રિયા, હવે બાજી તારા હાથમાં છે… મારો રોલ અહીં સુધીનો હતો. હવે આગળની મંઝીલ તારે પોતે તરાશવાની છે. ઓલ ધ બેસ્ટ…’ રીતુએ થમ્સ અપની સાઈન બતાડી. રીતુની પાછળ પાછળ રિયા એક મોટા હોલમાં પ્રવેશી, ગ્લેમર વર્લ્ડનું પ્રથમ પગથિયું આ હોલમાં હતું.

(ક્રમશઃ)

આજે માણો વેર વિરાસત નવલકથાનો પંદરમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧૫}