નામર્દ – વનુ પાંધી 3


વેરાન રણ પર રાત જામતી હતી. આકાશ સ્વચ્છ હતું અને અસંખ્ય તારા ચમકતા હતા. એન પ્રકાશમાં મરુભૂમિ ઝાંખી ઝાંખી દેખાતી હતી. દિવસના ઉકળાટ પછી રાતનો ઠંડો પવન નીકળ્યો હતો. ઊડેલી ધૂળ પાછી જમીન પર ચોંટી ગઈ હતી. ધૂંધળુ વાતાવરણ ધીમે ધીમે સ્વચ્છ થતું હતું. ખોરડાનું બારણું ખોલી ઉંબરે ઊભેલ અહમદે ખારપાતના આ કાળા મખમલી મિજાજને જોયા કર્યો, જમીન હતી તેથી વધુ સીધી સપાટ લાગી. પીલુ અને આવળના છોડવાના ઓળા ઝાંખા દેખાતા હતા. એની ચમકતી કીકીઓમાં આખો રણપ્રદેશ પળવાર ઘુમરડી લઈ ગયો. એના લોહીમાં ગરમી આવી ગઈ. શરીર તંગ થઈને વધુ ઊંચું બન્યું મનમાં ખુશીની લહેરો દોડી રહી. મજબૂતીથી બિડાયેલા અહમદના હોઠ પર સ્મિતરેખાઓ અંકાઇ ગઈ. પાછળ માથું કરી તેણે કહ્યું.

‘હમીદા.’

હમીદા આવી એની લગોલગ ઊભી રહી ગઈ. અહમદની નજર જ્યાં થંભી ગઈ હતી ત્યાં હમીદા પણ જોવા લાગી. રણકંથાર પર વિસામો લેવા થંભેલા પવનમાં એણે સૂકી ખારી વાસ અનુભવી. એના હાથ અહમદની કમર આસપાસ વીંટળાઈ વળ્યા. ધીમેથી મસ્તકને અહમદની પહોળી છાતી પર ઢાળી દીધું. હમીદાના વાળમાંથી ઊડતી ડોલરના તેલની ખુશ્બૂથી જાણે આખો રણપ્રદેશ મહેકતો હોય તેમ અહમદે અનુભવ્યું. એણે હમીદાની કમરે હાથ વીંટાળીને પોતાની વધુ નજીક ખેંચી.

‘તને ખબર છે, આજે તારે હું ક્યાં જવાનો છું?’

‘મને ખબર છે.’

‘શું ખબર છે તને?’ એના સ્વરમાં આશ્વર્ય હતું.

હમીદાએ એનાં પહોળાં જડબાં, મોટું નાક અને ભરાવદાર કાંધ પર હાથ ફેરવી એના વિશાળ ખભા પર હાથ ટેકવી એની આંખમાં પોતાની હસતી નજર પરોવતાં બોલી, ‘મારા ભાઈઓને ગોળીએ દેવા જાય છે. જાય છે કે નહીં?’

આશ્વર્યથી અહમદ સહેજ પાછો હટી ગયો.. ‘તને..તને..’

હમીદાએ મસ્તીથી કહ્યું, ‘વાયરો વાત કહી ગયો.’

અહમદ ફરી અંધકારને તાકી રહ્યો. ‘સાચું છે. તારા ભાઈઓ દગો રમ્યા ને હું બે સાલની સજા ભોગવી આવ્યો.’

વચ્ચે જ હમીદા બોલી પડી, ‘તું પાછો આવ્યો અને આઠ દી’ નીકળી ગયા ત્યારે મારા મનમાં ઉચાટ થતો હતો કે તું હજી કાં જાતો નથી.’

અગોચર – દિશાહીન રણમાં અન દીઠી કોઈ કેડીનું માપ કાઢતો હોય તેમ ઝીણી આંખે અહમદ જોઈ રહ્યો. ચાર સાલ પહેલાં મોટાપીરના મેળામાં હમીદાને ઘોડા પર ઉઠાવીને ભાગ્યો હતો. અત્યાર સુધી તે એને ખૂબસૂરત માંસલ – જુવાન અને ગરમ ઔરત લાગી હતી. એનું દીલ તો આજ પહેલી વખત એણે ઓળખ્યું. પતિની ખામોશી હમીદા સમજી ગઈ.

‘તને મારી બીક હતી નહીં?’

‘તારું દીલ ન દુખાય એટલા માટે ચાર સાલ મેં કાઢી નાંખી. એમણે મારા પર પહેલો હાથ નાખ્યો નહીંતર હું હાથ ઉપાડવાનો હતો.’

ઉંબરો ઓળંગી હમીદા આંગણે આવી. ખૂણે બાંધેલી ઘોડીનો રસ્સો છોડ્યો અને એના પર જીન મૂક્યું. એની પીઠે આવેલા અહમદે ઘોડીના તંગ વધુ મજબૂત કર્યા. સાંકળે બાંધેલો કાળિયો કૂતરો ઘૂરકતો સાંકળ તોડવવા મથામણ કરતો હતો. તેને હમીદાએ છૂટો કર્યો, ‘તું ય તારા માલિક જેવો શેતાન છો.’ કહેતાં હસીને એણે અહમદ સામે જોયું. આકાશના એક મોટા તારાનો પ્રકાશ હમીદાના ચહેરા પર પડતો હતો. એના લોહીથી ભરાયેલા ગાલ, રતુંબડા હોઠ અને ભરાવદાર છાતી અહમદને ગરમ કરી રહ્યા. ઝડપથી એણે એની ગરદન ફરતાં હાથ વીંટાળીને પોતાની પાસે ખેંચી લઈ એના હોઠ – ગાલ ચૂમવા લાગ્યો. ત્યાં બહાર પગરવ સંભળાયો. ઘોડા હણહણી ઊઠ્યા. કૂતરા ઘૂરકીને ચૂપ થઈ ગયા. બહારથી અવાજ આવ્યો.

‘અહમદ તૈયાર?’

‘તૈયાર’ કહેતો છલાંગ મારી અહમદ ઘોડી પર ચડી બેઠો. એની સાથે જ એનો કૂતરો પણ બહાર નીકળી આવ્યો. સાથીઓ સાથે એણે ઘોડીને એડી મારી અને પવનના સુસવાટા એને ઘેરી વળ્યા ત્યારે અહમદ સામેથી આગળ આવતા જતા અંધકારઘેર્યા ખારાપાટને મહોબ્બતથી જોઈ રહ્યો.

અહમદ ગયો એટલે હમીદા આંગણામાં પડેલા ખાટલા પર લેટી પડી. એન એણે વિસ્તરીને પડેલા આકાશને જોયા કર્યું. મબલખ સિતારાઓના ઠંડા પ્રકાશથી આકાશ ઝળહળતું હતું. નીચે કાળા અંધકારના ગરમ ઓથાર હતા. અંધકાર અને પ્રકાશની આ ગૂંથણી, અંધકારમાં પુરુષને આહવાન દેતી જુવાન – વસ્ત્રહીન નગ્ન ઔરત જેવી એને લાગી. પોતાના વિચારોથી શરમાઈ જઈ એણે સિતારા ગણવા માંડ્યા. ગણતાં આંગણીઓના વેઢા પૂરા થયા ત્યારે ખોવાઈ ગયેલી ક્ષિતિજો શોધવા નજર દોડાવી અને આંખ આંધળી જેવી થઈ ગઈ ત્યારે પડખું ફેરવીને ઠંડા પવનને પોતાના ગરમ સ્તન સાથે ચાંપીને ઊંઘી ગઈ.

દૂરથી આવતા ઘોડાના ડાબલાના અવાજથી તે ઝબકીને જાગી ગઈ. સિતારા ઝાંખા થતા જતા હતા. દિવસના પ્રકાશની ટશોરા ફૂટવા લાગી. ધૂંધળું વાતાવરણ ફેલાતું જતું હતું. થોડી વારે ઘોડી આવી ઊભા. કાળિયો ઝાંપાની દીવાલ કૂદીને અંદર આવી ગયો. ઝાંપો ખોલી હમીદાએ અહમદના હાથમાંથી ઘોડી લઈ લીધી. કૂતરાને સાંકળે બાંધ્યો અને અહમદના હાથમાંથી બંદૂક પોતાના હાથમાં લીધી ત્યારે તેની નાળમાંથી બારૂદની ગંધ આવતી હતી. ઓરડાનું બારણું ખોલી અહમદ અંદર પ્રવેશ્યો. શરીર પરનાં કપડાં કાઢી ખૂણામાં ફેંક્યાં. હમીદાએ ઠંડા પાણીનો ઘડો એના હાથમાં મૂક્યો. પાણી ગટગટાવી તે બહાર જઈ હાથ મોં ધોઈ ખાટલા પર હાથનું ઓશીકું કરી લેટી પડ્યો. હમીદાએ મોટા પ્યાલામાં છલકાઈ જાય ત્યાં સુધી શરાબ ભર્યો. એકશ્વાસે અહમદ તે પી ગયો. ઓરડામાં શરાબની ગંધ પ્રસરી રહી. બારણે સાંકળ દઈ હમીદા એની બાજુમાં લેટી પડી. એની સામે જોતાં અહમદે કહ્યું, ‘તારા એક ભાઈને ફૂંકી દીધો છે…’

‘ને બીજાને?’ હમીદાએ પૂછ્યું.

‘તારા બાપનો વંશ કાયમ રહે એટલા સારું બીજાને જતો કીધો છે.’

હમીદાએ આંખ મીંચી દીધી.

* * * * *

વરસાદની ખેંચ પડી. ખેતરોમાં વાવેલા અનાજના છોડ બહાર નીકળીને દાણા પેદા કર્યા વિના સુકાઈ ગયા. રણપ્રદેશ હતો તેથી વધુ ભેંકાર થવા લાગ્યો. પાણીથી ધોવાયેલાં પીલુનાં વૃક્ષોનાં પાન ફરીથી ધૂળથી મેલાં થવા લાગ્યાં. નિર્જન પ્રદેશના મૌનને હોલા(પક્ષી)ના અવાજે વધુ ગંભીર બનાવી દીધું. ફરીથી ધૂળની ડમરીઓ ઊડવા લાગી. ઉષા- સંધ્યા રંગહીન નિસ્તેજ બની ગઈ. દંગામાં અનાજની ખેંચ પડી ગઈ. એક દિવસ હમીદાએ કહ્યું, ‘ઘરમાં અનાજ ખતમ થયું છે અને રોકડ પણ નથી રહી.’

અહમદ આંખ બંધ કરીને બેસી રહ્યો. ચૂલા પર ચઢેલી હાંડલીમાં પકાતા માંસની સોડમથી ઓરડો ભરાઈ ગયો હતો. બારણા વચ્ચે લાંબા પગ કરી કાળિયો ઘડીક અહમદ સામે તો ઘડીક હમીદા જોઈ માથું  ઢાળી ચૂલા સામે તાકતો હતો.

અહમદે જવાબ ન દીધો એટલે હમીદા બોલી, ‘કેમ જવાબ નથી દેતો? દંગાનો તું મુખી છો તી બધાના ટાણા તારે ઉકેલવા પડશે.’

ચૂલામાંથી ધૂમાડા કાઢતાં અહમદે કહ્યું, ‘અબ્દુલના બેટાની શાદી લેવાની છે તે અબ્દુલ પણ મને જોગવાઈ કરી આપવા કહી ગયો છે. વરસાદ થયો નહીં.’

રોટલાનો લોટ મસળતાં તે બોલી, ‘તી આમ તેતર મારવાથી કંઈ વળવાનું નથી. કાંક ઉકેલ કાઢ.’

જમી કરી અહમદ વિચારતો બેસી રહ્યો. સૂરજ સહેજ નમ્યો ત્યારે એણે વાસમાંથીબે માણસને બોલવીને ગામમાં મોકલ્યા. સૂરજ આથમ્યો ત્યારે બંને જણે પાછા વળી આવી અહમદના કાનમાં વાત કરી. દંગાના પાંચ જણને લઈ અહમદ દૂરના પીલુના વૃક્ષ નીચે બેસી રાત પડી ત્યાં સુધી મસલત કરતો રહ્યો. રાત્રિનો અંધકાર વધુ પ્રગાઢ બન્યો ત્યારે અહમદે કપડાં ચઢાવ્યાં. ગજવામાં છરી મૂકી અને બોલ્યો, ‘હું જરા બહાર જાઉં છું.’

‘જા ભલે, પણ વરસ આખું પછી બીજે હાથ નાખવો ન પડે એવી ત્રેવડ કરતો આવજે.’

અહમદ મૂછમાં હસ્યો. ‘તુંય ભારે બુઝણ થઈ ગઈ છો. તને મનની વાત કેમ સમજાઈ?’

હમીદા બોલી, ‘વાયરો વાત કહી ગયો.’

‘ભારે છે આ તારો વાયરો. એને કહેજે કે કાં’ક મણે પણ કહે.’

બંને જણ હસ્યાં. હમીદાએ હંમેશ મુજબ એના ખભે બંદૂક ભરાવી. ઘોડી છોડીને એના હાથમાં લગામ દીધી. ઘોડી ઠેકી તે ચડ્યો ત્યારે કાળિયો સાંકળ તોડાવવા મથી રહ્યો હતો. જોરથી તે ઘૂરકતો હતો. હમીદાએ વહાલથી એનું શરીર પંપાળ્યું.

‘આમાં તારું કામ નૈ… માઢ કરીને પડ્યો રે.’

અહમદ ઝાંપા બહાર નીકળ્યો ત્યારે ચાર ઘોડા ઊભા હતા. પળવાર એણે ઝાંપે ઊભેલી હમીદા સામે જોયું અને પછી એડી મારી ઝડપથી ઘોડી દોડાવી દીધી. નિ:સ્તબ્ધ રણપ્રદેશ પર ઘોડાના દાબડાનો અવાજ થોડી વાર ગાજતો રહ્યો. અને પછી બધું શાંત થઈ ગયું. હમીદા આગળ આંગણામાં ખાટલા પર લેટી પડી. આંગળીઓના વેઠા ખલાસ થઈ ગયાં ત્યાં સુધી તારા ગણતી રહી અને પછી પડખું ફેરવી ઊંઘી ગઈ.

ઘોડાના દાબડાના અવાજથી એબી ઊંઘ ઊડી. અંધકારમાં પહેલાં પાસે હાંફતા ઘોડા ઊભા હતા. ઝડપથી અહમદ છલાંગ મારીને નીચે ઉતર્યો. સાથીદારો પણ એને પગલે અંદર આવ્યા. હમીદા ઊઠીને બારણું પકડી ઊભી રહી ગઈ. બધા ખાટલા પર બેઠા. અહમદે ચાદર પર થેલાની અંદરની વસ્તુઓ ઠાલવી દીધી. હમીદા ફાનસ લાવી ત્યારે એ જોતાં આંખમાં ચમક આવી ગઈ. દંગાના બધા માણસો બારે મહિના લહેર કરે તેટલો માલ એમાં હતો. સાથીદારોમાંથી એક બોલ્યો, ‘અહમદ, તારો ફેરો કોઈ દી’ ખાલી નથ ગીયો, હોં…’

બીજો બોલ્યો, ‘જમીનમાં દાટ્યું તારી આંખ ખોળી કાઢે છે.’

અહમદ હસ્યો, ‘વાત ન વધાર, આને ઝપાટે ઠેકાણે પાડ. તારો બાપ ભૂટક્યો નથી એટલીવાર છે.’

ગાંઠડી વાળી સાથીદારો ઊઠ્યા અને થોડીવારમાં ખારપાટમાં ફરીથી અદ્રશ્ય થઈ ગયા.

અહમદ ઓરડામાં દાખલ થયો ત્યારે હમીદાએ એના હાથમાંથી બંદૂક લઈ લીધી. આદત મૂજબ એની નાળ સૂંઘી જોઈ, પણ આજ એમાં બારૂદની ગંધ ન હતી, ‘આજ કોઈની લોથ નથી ઢાળી લાગતી?’

અહમદે કહ્યું, ‘ભડાકો તો ન કરવો પડ્યો, પણ…’ કહેતાં એના કપાળમાં રેખાઓ ઊપસી આવી.

‘બોલતાં કેમ અટકી ગયો?’

અહમદે માથાપરથી રૂમાલ છોડ્યો, ‘કૂતરા પગ સૂંધી ગયા છે તે ભૂટકશે ખરાં….’

હમીદાએ પાણી આપ્યું. અહમદ કપડાં બદલી ખાટલા પર આડોપડ્યો. હમીદાએ એના હાથમાં શરાબનો પ્યાલો મૂક્યો. અહમદને વિચારોમાં ખોવાઈ જતો જોઈ તે બોલી, ‘મર્દ થઈને મોં વાળવા ક્યાં બેઠો….’

અહમદે એક નજર શરાબના છલકતા જામ તરફ ફેંકી. એ લાલ પ્રવાહીમાં હમીદા ઓગળી જતી લાગી. પ્યાલાની દિવાલો તૂટી જતી અનુભવી અને પ્રવાહીનાં મોજાં તરફ ઘૂઘવાટ કરતાં અફળાઈ રહ્યાં. એના બાહુની લોખંડી ભીંસમાં હમીદા નાની અને વધુ નાની થતી સમાઈ ગઈ.

* * * * *

અને અહમદને ભય હતો તે જ પ્રમાણે સિપાહીઓની ગિશ્તે ત્રીજે દિવસે દંગાને ઘેરી લીધો. બેબાકળી આવીને હમીદાએ ઘોરતા અહમદને ઊઠાડ્યો, ‘જલદી જા નૈતર ઈ છોરાને ગુડી નાંખશે.’

માત્ર લુંગીભેર જ અહમદ દોડતો બહાર આવ્યો. તો ચોગાનમાં ટોળું એકઠું થઈ ગયું હતું અને તેની વચ્ચેથી ચીસો ઊઠતી હતી. અહમદને આવતો જોઈઅ ટોળાએ માર્ગ દઈ દીધો. ટોળાની વચ્ચે એક જૂવાન છોકરો જમીન પર પડ્યો હતો અને જમાદાર લાતોના પ્રહાર કરતો હતો. એના મોંમાંથી ગાળો વરસતી હતી.

‘બોલ માલ કિયાં છે?’

જુવાન કરગરતો હતો, ‘સા’બ માલ અમારી કને કેવો?’

જમાદાર ગર્જ્યો, ‘ફાડીને બે ચીરિયાં કરી દઈશ. નહીં બોલે એમ?’

કહેતાં જમાદારે બાજુમાં ઊભેલા સિપાહીના હાથમાંથી કોરડો પોતાના હાથમાં લઈ લીધો. ચામડાની ગઠા ગુંથેલી એની દોરીઓમાં વીજ જેવો સબાકો થયો. ઊભેલાના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ, પણ એ સપાટો હવામાં અધ્ધર જ રહી ગઈ, કોઈ પોલાદી પંજાએ જમાદારનું બાવડું પકડી લીધું. જમાદારે છીકોટા દઈ પોતાનો હાથ છોડાવવા મરણિયો પ્રયત્ન કીધો, પણ હાથ છટકી ન શક્યો.. પાછળથી હસતા અહમદે કહ્યું.

‘સા’બ છોકરું છે. મૂકી દ્યો. મને પૂછો તો બતાવું.’ કહેતાં તે વધુ હસ્યો. ફાટેલી આંખે જમાદારે બરાડો પડ્યો,

‘તો ભસી મરને….’

અહમદે હસતાં હસતાં ખારપાટ તરફ હાથ ફેલાવી કહ્યું, ‘જમાદાર, આમાં ક્યાંક પડ્યો હશે. ગોતી લ્યો.’

અહમદના હાવભાવથી અને બોલના વ્યંગથી ટોળું આખું ખળખળાટ હસી પડ્યું. હમીદા પણ ખખડાત હસી રહી. મર્મ પામી જતાં જમાદારના ક્રોધે માઝા મૂકી. એની સાથે બીજા સિપાહીઓ જોડાયા અને અહમદના શરીર પર લાકડીઓ વરસી પડી. અહમદે થોડીવાર ઊભા રહેવા પ્રયત્ન કર્યો, પરંતુ આખરે જમીન પર ઢળી પડ્યો. એની ખુલ્લી વિશાળ પીઠ ઘાથી છેદાવા લાગી. બે દાંત તૂટી ગયા અને લોહીનું ખાબોચિયું ભરાયું. અહમદે બીજી તરફ મોં ફેરવ્યું ત્યારે હમીદાએ એના સખત રીતે દાંત વચ્ચે બિડાયેલા હોઠ મગરૂરીથી ચમકતી આંખની કીકીઓ જોઈ. ગાળ દેતી હમીદા ધસતી હતી તેને કોઈએ પાછળથી પકડી લીધી. થોડીવારે સિપાહીઓની ગિશ્ત પાછી ચાલી ગઈ ત્યારે દોડીને હમીદાએ અહમદનું મસ્તક પોતાની છાતી સાથે ચાંપી દીધું. એના ચહેરા પર જામેલા લોહીના થર એણે લૂછી નાંખ્યા ત્યારે હસતી આંખે અહમદે પોતાનું મસ્તક હમીદાની વિશાળ ભરાવદાર છાતીમાં ગરમ હૂંફમાં મૂકી દીધું. ટોળાએ એને ઉપાડ્યો અને ખોરડે લાવ્યા. એના ઘા ને શરાબથી ધોયા. આખા શરીરે મૂઢમાર પડ્યો હતો ત્યાં લેપ ચોપડ્યો. રાત આખી અહમદ વેદનાથી કણસતો રહ્યો. એના ખાટલા પર હમીદા અને નીચે કૂતરો જાગતાં બેઠાં હતાં. ગામ આખું રાત સારી આંગણામાં બેઠું હતું. વચ્ચે વચ્ચે બુઢ્ઢો ઇલિયાસ અહમદના મોંમાં દવા રેડી જતો હતો.

પરોઢ થઈ ત્યારે અહમદે આંખ ખોલી. એણે પૂછ્યું, ‘કૂતરાં ગયાં?’

માથૂં હલાવીને હમીદાએ હા પાડી. બેઠા થવા એણે પ્રયત્ન કર્યો, પણ વેદનાથી તે પાછો પડી ગયો. હમીદાએ એને પોતાની ભરાવદાર છાતીનો આશરો દીધો અને બીજે હાથે શરાબનો પ્યાલો એના હોઠ પર મૂક્યો. સહેજ હસીને તે બોલી, ‘આજ ધીમે ધીમે પીજે…’

અહમદ હસ્યો. આંગણે બેઠેલા માણસો અંદરથી આવતી વાતચીતનો અવાજ સાંભળી અંદર દોડી આવ્યા અને અહમદને શરાબ ગટગટાવતો જોઈ બુઠ્ઠો ઇલિયાસ હેબ્બત ખાઈ બોલ્યો, ‘યા અલ્લા.. તાજુબ… રાત વચમાં બેઠો થઇ જતો આદમી આ જ દીઠો…’

બધા આનંદથી હસ્યા. અહમદની આજુબાજુ વીંટળાઈને બેસવા જતા હતા તેને ઇલિયાસે રોક્યા, ‘હાલતા થાવ હવે… એની ઓરત રાત આખી એમ જ બેઠી છે તે નથી જોતા?’

બધા ફરીથી હસ્યા. અહમદ પણ હસ્યો. હમીદા શરમાઈ ગઈ. બધા ગયા એટલે હમીદાએ બારણું વાસી દીધું. અહમદનાં જુલ્ફા રમાડતી તે બોલી, ‘તને મારતા હતા ત્યારે એમનું લોહી પી જવાનું મન થાતું હતું મને.’

અહમદે શરીરને ઢીલું મૂકી દીધું.

‘વચ્ચે હું ન પડ્યો હોત તો છોકરા બચારાને ગુડી નાખત’

બહાર રણપ્રદેશનો ખૂંખાર પવન સુસવાટા દેતો હતો. ખાટલા પર લંબાઈને પડેલા અહમદનું શરીર આખા ખારપાટને આવરી દેતું હમીદાને લાગ્યું. એણે અહમદના ગરમ ગાલ પર પોતાના ગાલ મૂકી દીધા ત્યારે તેની આંખ ભીની બની હતી અને હોઠ હસતા હતા.

એક મહિને અહમદ હરતો ફરતો થયો. એના ઘા રુઝાયા અને શરીરમાં નવું લોહી ભરાવા લાગ્યું. એક દિવસ તે સવારે ઘોરતો હતો ત્યારે હમીદા પાણી ભરી લાવવા બેડું ઉઠાવીને નીકળી તો આંગણામાંનું દ્રશ્ય જોઈ તાજુબ થઈ ગઈ. અંદર દોડી તેણે અહમદને જગાડ્યો.

‘બહાર જો તો ખરો.’

અહમદ ઊઠીને બહાર આવ્યો તો આંગણામાં કાળિયો ચોતરફ ઘૂમતો હતો. અને સફેદ રંગની એક મજાની કૂતરી અંદર ઊભી હતી. હમીદાએ જઈને કૂતરીને પોતાની બાથમાં લઈ લીધી, ‘કાળિયો રૂપાળી લાડી લાવ્યો.’

પૂંછડી પટપટાવતો કાળિયો અહમદના પગમાં ભરાયો. અહમદે વહાલથી તેના માથા પર હાથ ફેરવ્યો. હમીદા હસતી હતી, ‘જો, તારી જેમ જ એ લાડી ઉપાડી લાવ્યો છે અને તારી જેમ જ કરે છે ને?’

અહમદ ખડખડાટ હસી પડ્યો. એનું હાસ્ય હજું પૂરું થાય ત્યાં તો ચાર પાંચ ડાઘિયા કૂતરાં ઝાંપા સુધી ધસી આવ્યા. પગથી ધૂળ ઉડાડી ડાંચિયાં કરવા લાગ્યા. અહમદનાં પગમાં ભરાયેલો કાળિયો જોરથી ધસ્યો. અહમદ પડતાં રહી ગયો. ખુન્નસથી કાળિયો એમના પર તૂટી પડ્યો. ધૂળની ડમરીમાં શું બની રહ્યું છે તે થોડીવાર દેખાયું જ નહીં. થોડીવારે ડમરી શાંત થઈ તો કાળિયા સિવાય ત્યાં બીજું કંઈ જ ન હતું. કાળિયો પાછો આવ્યો ત્યારે તેની દાઢો પર લોહી જામ્યું હતું અને ગળામાંથી લોહી ટપકતું હતું. હાંફતો હાંફતો જઈને તે કૂતરી પાસે ઊભો રહ્યો. તાળીઓ પાડતી હમીદા બોલી, ‘ખરો બા’દર, તારી જેમ જ લાડી સારું ધીંગાણું કર્યું.’

અભિમાનથી કૂતરા પાસે જઈ એના શરીર પર હાથ ફેરવ્યો અને એના ઘા ને શરાબથી ધોઈ પાટા બાંધી દીધા. કાળિયો અને કૂતરી ખોરડા પાછળ ચાલ્યાં ગયાં. કૂવા પર પાણી ભરતાં જેટલી સ્ત્રીઓ મળી તેને હમીદાએ રસપૂર્વક આ બનાવ કહ્યો અને ન મળી તેને ઘેર જઈને વાત કરી.

* * * * *

ચોમાસું કોરું જ વીત્યું. રણની રેત ભીની ન થઈ એટલે અસંતોષથી એણે આકાશને રેતીથી ધૂંધળું કરી દીધું. અવાજનાં પીળાં ફૂલો મોટાં થઈ ગયાં. પીલુના છોડ ઝાંખરાં જેવાં થઈ ગયાં. દુકાળે બાવળના વૃક્ષે વસંત આવી.એનાં અંગ અંગ પર કાંટા ફૂટી નીકળ્યા. હડકાયા કૂતરાની નાસભાગ કરતી ધૂળની ડમરીઓ, કાળો ભાંઠ પડી ગયેલો, ખારોપાટ, અંગ બાળતા લૂ-વાયરા, શુષ્ક વાતાવરણ અને નિષ્પ્રાણ આસમાનને જોતો અહમદ બારણામાં જ થંભી જતો.

શિયાળો બેઠો. ઠંડીથી બેબાકળો બનેલો પવન ગરમી મેળવવા ચોતરફ શરીર ઘસવા લાગ્યો. ઠંડી વધતી ચાલી. રણની રેત સફેદ સફેદ થઈ ઊઠી. ક્ષિતિજો પર જાણે સફેદ પરદો પડી ગયો. વૂક્શો ઠૂંઠવાઈ ગયાં અને જ્યારે હિમ પડ્યું અને હાડ ગાળી નાંખતી ઠંડીમાં પવનનો ઝંઝવાત ઊઠ્યો ત્યારે દંગાના ભૂંગાઓમાં લોકો ભરાઈને બેસી ગયા. અંદર તાપણાં સખત સળગતાં રહયાં. ચૂલા પરના ખુશબોદાર ગરમ માંસની સોડમ લેતો અહમદ ખાટલા પાસે લેટતો રહેતો. એના એક હાથમાં શરાબ રહેતો અને બીજા હાથમાં હમીદા. નશો, હૂંફ અને ગરમીએ અહમદની પ્યાસને રણની તરસ દીધી. ખારપાટની ગરમીની તૃષ્ણા, ઉત્તેજના, વ્યાકુળતા અહમદના લોહી બુંદબુંદમાં ઊભરાઈ ઊઠી. ઠંડી એ હમીદાને બહાવરી બનાવી દીધી. બહાર ઠંડી વધુ જલદ હતી. અંદર એના શરીરનો દાવાનળ ખૂબ ગરમ હતો. એની આંખમાં શરાબનો નશો અને દીલમાં અફીણનો કેફ ઊભરાતા હતા. ઠ6ડીથી બરછટ બનેલા એના ભરાવદાર માંસલ શરીરમાં લોહીની પ્રચંડ વેગથી ધસતું હતું. એના રૂવેરૂંવે વરાળ વછૂટી. એના જોબનની ધીખતી ભઠ્ઠીમાં અહમદ સળગી ઊઠ્યો – સળગી ગયો. અહમદના બાહુપાશમાં હમીદાએ ખારપાટની વર્ષાની તૃપ્તિ અનુભવી એના શરીરનો ઉન્માદ શમ્યો, લોહીનો આવેગ સ્થિર થયો. એના દિલની ધડકનો પોઢી ગઈ. અહમદની સોડમાં બોજીલ બંધ આંખે પણ હમીદાને ઝગમગતા સિતારા દેખાયા. એના હોઠની વરાળે અહમદના શ્વાસમાંથી સવાલોના જવાબ શોધી લીધા. કિનારા તોડી આવેગથી ધસતા એના પ્યારમાં અહમદ ઢસડાઈ ગયો.

શિયાળાની એક મધરાતે અહમદની હૂંફમાંય અચાનક હમીદાની આંખ ખૂલી ગઈ. બહાર કાળિયો રઘવાયો થઈ બરાડા પાડતો હતો. હમીદાએ ફાનસની વાટ ઊંચી કરી અને બહાર આંગણામાં આવી તો ખૂણામાં પડેલી કૂતરી ધીમું ધીમું કણસતી હતી. કાળિયો વાકું મોં કરી ત્યાં જોતો ઊભો હતો. હમીદાએ વધુ નજીક આવીને જોયું તો આશ્વર્યથી એની આંખો પહોળી થઈ ગઈ અને હાથ છાતી પર દબાઈ ગયા. કૂતરીના પગ વચ્ચે ચારેક રૂપાળાં બચ્ચાં પડ્યાં હતાં. આનંદથી ચીસ પાડતી હમીદા અંદર ઘસી ગઈ અને અહમદને ઉઠાડ્યો.

‘જો તો ખરો કાળિયાની વહુ વિયાણી!’

અહમદ પણ બહાર દોડી આવ્યો. હમીદાએ બચ્ચાં હાથમાં લેવા પ્રયત્ન કર્યો. પણ કૂતરીએ ઘૂરકિયું કર્યું. અહમદ બોલ્યો, ‘મેલી દે, હવે મા થઈ છે તે થોડા દી કોઈનો વિશ્વાસ નહીં કરે.’

હમીદાએ છણકો કર્યો, ‘તે ઓછી જ હું એનાં બચ્ચા લઈ લેવાની હતી.’

અહમદના પગ પાસે ઊભો ઊભો કાળિયો મગરૂબીથી બચ્ચાં જોતો હતો તે પર નજર પડતાં હમીદાએ કહ્યું, ‘જો શેતાન કેવો સીનો તાણી ને ઊભો છે.’

અહમદ હસ્યો, ‘બાપ થિયો છે તી.’

ઘરમાં જઈ હમીદાએ એક તૂટેલું ગોદડું લાવી કૂરતી પર નાંખ્યું. આખી રાત અહમદના પડખામાં લેટતી હમીદાના મનમાં બચ્ચાં રમતાં રહ્યાં. સવારે અહમદ ઊઠ્યો ત્યારે હમીદા ત્યાં બેઠી હતી. અહમદ શિકાર કરવા જતો હતો ત્યારે કાળિયો ઝાંપો ખૂલે તેની રાહ જોયા વિના અંદર કૂદી પડતો અને જઈ બચ્ચાંને સૂંઘવા લાગી જતો. હમીદા રસપૂર્વક આખા દિવસની કૂતરી અને બચ્ચાંની પ્રવૃત્તિની વાત અહમદને કહેવા બેસી પડતી. બચ્ચાં મોટાં થયાં અને આંગણામાં ફરવા લાગ્યાં ત્યારે તો હમીદાના આનંદની સીમા ન રહી. બારણે ઉંબરે બેસી તે કૂતરી અને બચ્ચાં કાળિયાની રમત જોવામાં ખોવાઈ જતી. બચ્ચાં ઝાંપા બહાર દોડવા ત્યારે કૂતરી પહેલાં ઘૂરકતી અને પછી દોડીને બચ્ચાંને મોંથી પકડી લેતી ત્યારે હમીદાનો શ્વાસ અધ્ધર થઈ જતો. ખૂણેખાંચરે બેઠેલો કાળિયો પણ ઝડપથી દોડતો આવતો. રૂંછળાંવાળાં, ધીંગા અને રૂપાળા બચ્ચાંને હાથમાં લઈ ગાલ સાથે ચાંપવાની હમીદાને ખૂબ મજા આવતી. અહમદની બૂમ એનાથી ન સંભળાતી અને તે બહાર આવીને બરાડા પાડતો ત્યારે ગુમસુમ થઈ, ઊતરી ગયેલા ચહેરે હમીદા અંદર ચાલી જતી. એના હોઠ સૂકા – બરછટ બની જતા. અહમદ જોટો તો હમીદાની નજર ત્યાં જ થંભી જતી. જલદીથી પાછી ન વળતી. સામેની વસ્તુ ઘરનો ખૂણો હોય તા વિસ્તૃત ખારોપાટ હોય, પણ એની નજર ખોવાયેલી ત્યાં અટકી જતી. અહમદ શિકારે જતો ત્યારે એના ખભે બંદૂક મૂકતાં અને ઘોડીની દોરી એના હાથમાં મૂકતાં એની નજર ઝડપથી પાછી વળી જતી. રાત્રે શરાબનો પ્યાલો પાતાં અધૂરો રહી જતો અથવા તો શરાબ નીચે ઢોળાઈ જતો. પોતાની ભીંસમાં હમીદાનું શરીર ઢીલું થઈ જતું જણાતું ત્યારે અહમદ ઝંખવાણો પડી જતો. બીજી તરફ પડખું ફેરવી હમીદા તરફ એને ખૂબ જ ગુસ્સો આવતો. અહમદના મજબૂત શરીર અને વિશાળ છાતી પર ફરતા હમીદાના હાથ અટકી જતા. ઘણી વખત રાત્રે અહમદ જાગી જતો ત્યારે હમીદા જાગતી દેખાતી. આ બધું જોતાં, અનુભવતાં અહમદ મૂંઝાઈ જતો, નાખુશ થતો, પણ બોલી ન શકતો. શું કહેવું એની સૂઝ એને ન પડતી.

એક રાતે દંગામાં જલસો જામ્યો. યાકુબને ઘેર દીકરો આવ્યો તેની ખુશાલીમાં મિજબાની ગોઠવાઈ અને દંગાનાં સ્ત્રી-પુરુષો ભેગા મળ્યાં. જુવાન ઓરતો રાસ રમવામાં મશગૂલ થઈ ગઈ. મર્દો ચલમો ફૂંકતા વાતોએ ચઢ્યા. શરાબ પાણીની જેમ ઢોળાઈ રહ્યો. ચોકમાં ચૂલા પર હલાલ થયેલાં બે બકરાંની દેગ ચડી હતી તેની વાસ વાતાવરણમાં રમતી હતી. રાત જામતી ગઈ અને શરાબનો નશો વધતો ચાલ્યો. પુરુષ ઊઠીને સ્ત્રીઓ રાસ લેતી હતી તેમને ઘેરી લઈ હોંકારા દઈ પોરસ ચઢાવવા લાગ્યા. ખારપાટની જોબનની નોબત દાંડી પડી. કુંવારી છોકરીઓએ કલ્પનાના દોર ગીતોમાં છૂટા મેલ્યા. પરણેલી હતી તેમણે અનુભવગીત ગાયાં. પુરુષોના મનમાં શરાબના બારૂદને અગ્નિ ચંપાયો.

રાસ અટક્યો અને ઓરતો બધી યાકુબના દીકરાનું મોં જોવા ચાલતી થઈ. હમીદા પણ એમની સાથે સાથે અંદર ગઈ. યાકુબની ઓરત પોતાના દીકરાને પડખામાં લઈ સૂતી હતી. બધાં સામે જોઈ મરકી અને દીકરાના મોં પર ઢાંકેલું કપડું હટાવી લીધું. બધી સ્ત્રીઓએ એકી અવાજે કહ્યું, છોકરો રૂપકડો છે અને જન્મતાં આવડું મોટું શરીર છે તો મોટો થતાં લોંઠકો થવાનો. હમીદાએ વધુ નજીક આવીને છોકરાને જોયો. એની નજર પાછી ફરીને એની માની નજરમાં ભળી ગઈ. માની આંખમાં આનંદ, અભિમાન અને સંતોષ ઊભરાતાં એણે દીઠાં. હમીદાની નજર ત્રાટક કરી રહી. માનો હાથ મમતાથી દીકરાના શરીર પર ફરી રહ્યો. છોકરાનાં કાંડા પર હમીદાએ સોનાની પોચી પહેરાવી દીધી. હમીદા તરફ જોઈ સહેજ હસીને તે બોલી, ‘મુખી જેવો ઈય મોટો ભડ થાશે.’

હમીદા વધુ સાંભળી ન શકી. ઝડપથી તે પોતાને ઘેર પાછી વળી આવી. મોડી રાતે જલસો પૂરો થયો અને બધાં વીખરાયાં અહમદ પોતાને ઓરડે આવ્યો ત્યારે હમીદાને ખાટલા પર લેટતી એણે જોઈ. પૂરી લંબાઈ લઈ લેટતી, હમીદા, એન અગજબ આકર્ષણ ઊભા કરતા શરીરના ભરપૂર વળાંકો, ઝાકળભીનું ઠંડુંમસ્ત વાતાવરણ અને ઓરડાની અંદરની અંધકારની ચૂપકીદી અહમદનાં તન-બદન ને તંગ કરી રહ્યાં. તે એની બાજુમાં જ લેટી પડ્યો. હમીદાનો ગરમ શ્વાસ એના ચહેરા પર ફેલાઈ ગયો. હમીદાની આંખ બંધ અને હોઠ અર્ધખુલ્લા હતા. વાતાવરણ અકળાઈ ઊઠ્યું. અહમદે ઝડપથી એને પોતાની પાસે ખેંચી લીધી. હમીદાની આંખ ખુલ્લી જ હતી, માત્ર પાંપણ વિચારોના ભારથી ઢળી પડી હતી. ખુલ્લી થતી કીકીઓ જોતાં અહમદ દાઝી ઊઠ્યો, છળી પડ્યો. રણકંઠાર પવન જેવો ભોમિયો અહમદ નજરની કેડીઓમાં ભૂલો પડી ગયો. પડખું ફેરવી જતી હમીદાને એણે બાવડેથી પકડી પાછી પોતાની તરફ ખેંચી ત્યારે ચીસ જેવા અવાજે હમીદા બોલી, ‘છેટો રે. ઘણા દી….’

અહમદ ઝંખવાણો પડી ગયો. એણે પોતાની ભીંસ વધારી. હમીદાનું આખું શરીર એણે જકડી લીધું. હમીદા તરફડી ઊઠી. ‘કીધું ને છેટો રે… પાંચ પાંચ વરસ થયાં ખાટલે રહ્યો, પણ વેંત એક નો છોકરોયે પેદા ન કરી શક્યો?’

સાંભળતાં જ સડાપ દઈને અહમદ ઊભો થઈ ગયો. એના શરીરનાં રૂંવેરૂંવે જાણે આગ લાગી. દેહ આખો થર થર ધ્રુજી રહ્યો. ચહેરા પર પરસેવાના રેલાઓ વહી નીકળ્યા. એની આંખના ડોળા બહાર નીકળી આવ્યા. એના વિશાળ પંજા હમીદાની ગરદનપર બિડાઈ ગયાં. હાંફતો તે બોલ્યો, ‘બોલ… બીજીવાર બોલ.’

ખારપાટની ડમરીની જેમ હમીદા ઊઠીને ઊભી થઈ ગઈ. ચીસ પાડતી તે બરાડી, ‘તું… તું મર્દ નથી. મર્દ હોત તો..’

સાંભળતા અહમદના પંજાનાં આંગળાં ઢીલાં થતાં ગયાં. પકડ છૂટી ગઈ. હાથ નીચે ઢળી પડ્યા. આંખ મીંચાઈ ગઈ. શરીર ઠંડું હિમ જેવું થઈ ગયું. છાતીમાંથી જાણે સઘળો શ્વાસ ભાગી છૂટ્યો હોય તેવી ગુંગળામણ એને ઘેરી વળતી લાગી. શરીર ચેતનહીન બની ગયું. એના હોઠ ખારા રણ જેવા સૂકા બની ગયા. થોડીવાર તે એમ જ સ્થિર ઊભો રહી ખાટલા પર ઊધેં માથે ઢળી પડેલી હમીદાને જોતો રહ્યો. પછી શરીરને મહામહેનતથી ઢસડતો ઓરડાના બારણા સુધી લાવ્યો. બારણું ખોલી આંગણાંમાં આવ્યો ત્યારે એના પગમાં કાળિયો, કૂતરી અને બચ્ચાં અટવાઈ ગયાં. આંગણાને ઝાંપો ખોલી તે બહાર આવ્યો ત્યારે એની નજર સાથે અગોચર, વેરાન અને ઘેરા મૌનભર્યા ખારોપાટ અથડાઈ પડ્યો. મરુભૂમિનું આ નવું સ્વરૂપ એનાથી સમજી ન શકાયું.

– વનુ પાંધી (‘મમતા’ સામયિકમાંથી સાભાર, અંક ડીસેમ્બર ૨૦૧૪)

ધીરેન્દ્ર મહેતાના સંપાદનમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘વનુ પાંધીની સાગરકથાઓ’નું પ્રકાશન ૨૦૦૯માં કર્યું, રઘુવીરભાઈ ચૌધરી આ વિશે કહે છે તેમ નોકરીને કારણે થયેલી રઝળપાટે તેમની અનુભવસમૃદ્ધિ વધારી એની વિગતો પણ ધીરેન્દ્રભાઇએ સંપાદકીયમાં આપી છે. સાગરકથાઓ એ વનુ પાંધીનું આગવું પ્રદાન છે. ‘છીપલાં’ અને ‘આવળ-બાવળ’ એ બે વાર્તાસંગ્રહો ઉપરાંત ગ્રંથસ્થ ન થયેલી પણ જુદાં જુદાં સામિયકોમાં પ્રગટ થયેલી સત્તર વાર્તાઓ તેમજ એક અપ્રગટ વાર્તામાંથી ધીરેન્દ્રભાઇએ તેર સાગરકથાઓ પસંદ કરી છે. તેમની વાર્તા ‘સઢ અને સુકાન’ અત્યંત પ્રસિદ્ધ થઈ છે, તો રણની જીવનશૈલી, આગવી પરિસ્થિતિઓ અને તેમાં લોકજીવન સાથેના પ્રસંગ વર્ણવતી પ્રસ્તુત વાર્તા ‘નામર્દ’ પણ વાચકના મનમાં આગવી છાપ ઊભી કરે છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “નામર્દ – વનુ પાંધી