૨૦૧૧માં શરૂ કરેલી વાચકમિત્રોને ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ વિશે જણાવવા માટેની શ્રેણી શરૂ કરવા પાછળનો મૂળ હેતુ હતો ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો, જે તેના વધી રહેલા વપરાશકારોને જોતા ઉપયોગી બની રહે. એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીઓમાં જોઈ, આ શ્રેણી હવે ફરીથી આગળ વધારવાનો પ્રયત્ન છે, એ જ શૃંખલાને આગળ વધારતા એવી અન્ય ઉપયોગી એપ્લિકેશન્સ વિશે જાણીએ.
અનેક મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ જે સંચાલન પદ્ધતિનો ઉપયોગ કરીને મોબાઈલ તથા અન્ય સાધનોને વધુ સગવડભર્યા અને સરળ બનાવે છે એ સતત અપગ્રેડ થતી ઉપયોગી ટેકનોલોજી એટલે એન્ડ્રોઈડ સંચાલન પદ્ધતિ અથવા ઓપરેટીંગ સિસ્ટમ. આજકાલ એન્ડ્રોઈડનું બજાર અન્ય ઓપરેટીંગ સિસ્ટમને ભારે ટક્કર આપી જોરશોરથી આગળ વધી અને વિસ્તરી રહ્યું છે, તેના વપરાશકારો મોબાઈલથી લઈને ટેબલેટ સુધી તેને ઉપયોગમાં લઈ રહ્યા છે, ગૂગલની આ ધરોહર એપલને ટક્કર આપે છે. અહીં મોબાઈલ ફોનના મૂળભૂત સંચાલન ઉપરાંત અનેક વધારાની સુવિધાઓ આપતી એપ્લિકેશનને સિસ્ટમ આધાર આપે છે. અવનવા ઉપયોગો સાથેની અહીં સૂચવેલી એપ્લિકેશન્સ ગૂગલના એન્ડ્રોઈડ માર્કેટમાંથી નિ:શુલ્ક ઉપલબ્ધ છે.
અહીં સૂચવેલ અપ્લિકેશન્સ સર્ચ દ્વારા અથવા અહીં ક્લિક કરીને ઈન્સ્ટોલ કરી શકાય છે. પ્રસ્તુત શૃંખલામાં સૂચવેલી એપ્લિકેશન મેં મારા સેમસંગ ગેલેક્સી નોટ ૪માં ઈન્સ્ટોલ કરી છે, છતાં ફોન બદલાતા તે એપ્લિકેશનની પ્રતિક્રિયાઓ બદલાઈ શકે છે.
અમદાવાદ પુસ્તકમેળામાં ગુજરાતી લેક્સિકોનની ટીમે મારા મોબાઈલમાં ગત વર્ષે નાખી આપેલી આ નિઃશુલ્ક ઉપલબ્ધ એપ્લિકેશન લેક્સિકોન ટીમની એક આગવી ઉપલબ્ધી છે. ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી એમ બંને તરફ શબ્દોના અર્થ જાણવા વાપરી શકાતી આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી અને હાથવગી થઈ રહે છે. તેની વિશેષતા એ છે કે એ ઓફલાઈન પણ વાપરી શકાય છે. વ્યવસાયિક કાર્યો માટેના ડ્રાફ્ટીંગ દરમ્યાન ગુજરાતી શબ્દોના અર્થ જાણવા હોય કે કોઈ અનુવાદ માટે મુશ્કેલ અંગ્રેજી શબ્દનો અર્થ જોઈતો હોય, આ હાથવગી એપ્લિકેશનનો કોઈ મુકાબલો નથી. એટલે જ આ નવી શ્રેણીની ઉપયોગી એપ્લિકેશનની યાદીમાં એ મારી સૌપ્રથમ એપ્લિકેશન છે. તમારા મોબાઈલમાં જો એન્ડ્રોઈડનું જૂનું વર્ઝન હોય તો પણ આ એપ્લિકેશન ગુજરાતી બરાબર દર્શાવી શક્શે.
સેલ્ફી પાડવાનો ક્રેઝ આજે જે રીતે થઈ રહ્યો છે એ જોતાં આ એપ્લિકેશનની ઉપયોગીતા અનેકગણી વધી જાય છે. વિવિધ પ્રકારોમાં, અનેકવિધ ટેમ્પ્લેટ્સ, ફ્રેમ્સ, ફોટો કૉલાજ વગેરે જેવી સુવિધાઓ સાથે ખૂબ સરસ રિઝલ્ટ આપતી આ એપ્લિકેશન તેની અનેક પ્રકારના અનેક સેલ્ફી મોડ્સ સાથે ખૂબ સરસ રીતે ઉપલબ્ધ કરાવાયેલ છે. તમે તમારી બનાવેલી સેલ્ફી ઈમેજને ૯૬૦ x ૯૬૦ના રેઝોલ્યૂશનમાં સેવ કરી શકો છો. એપ્લિકેશનમાંથી જ વધારાની ટેમ્પ્લેટ્સ અને અન્ય સહાયક એપ્લિકેશન્સ ડાઊનલોડ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આપણે સૌએ બાળપણમાં એ કોયડો ઉકેલ્યો છે, જેમાં પૂછાયેલું કે નદીની એક તરફ ત્રણ રાક્ષસ અને ત્રણ સાધુઓ છે. એ બધાને નદી પાર કરાવવા એક નાનકડી હોડી છે જેમાં ફક્ત બે જણ જઈ શકે છે અને એક જણ એ હોડી લઈ પાછું આવે છે જેથી બીજાઓ જઈ શકે. વળી આ દરમ્યાનમાં સાધુઓથી રાક્ષસોની સંખ્યા વધે તો રાક્ષસો તેમને મારી નાંખશે. તો આ સમૂહને નદી પાર કરાવવી કઈ રીતે? આ અને આવા અનેક અનોખી બુદ્ધિની કસોટી કરી લેતા કોયડાઓનો સમૂહ એટલે રિવર ક્રોસિંગ ગેમ. સરળ ગ્રાફિક્સ, રમવાની સહજતા અને અનેક કોયડાઓ કે જે ઓફલાઈન પણ રમી શકાય એ આ ગેમની વિશેષતા છે. આ ગેમનો બીજો ભાગ પણ હવે ઉપલબ્ધ છે.
ફોનમાં ઉચ્ચ ગુણવત્તાવાળા વોલપેપર હંમેશા મારી મોટી કમજોરી રહી છે, હું સારા અને સતત બદલાતા વોલપેપર માટેની એપ્લિકેશન શોધી રહ્યો હતો અને એક મિત્રએ પ્રચલિત વેબસાઈટ 500px ની આ અનોખી એપ્લિકેશન સૂચવી. અને એ સૂચન અક્સીર હતું, 500px પરથી સતત આ એપ્લિકેશન ફોટા મેળવીને તમારા મોબાઈલ પર વોલપેપર તરીકે મૂકી આપે છે. વોલપેપરને વિવિધ વિશેષ વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે જેથી શોધવામાં સહેલું થઈ રહે છે, વળી એડીટર્સની પસંદ પણ સરસ ગુણવત્તાવાળી ઈમેજ શોધી આપે છે. જો કે સતત હાઈરેઝોલ્યૂશન ઈમેજ બદલતું હોવાને લીધે અહીં ભારે ડેટા વપરાશ થાય છે અને વળી એપ્લિકેશન પોતે પણ વધુ મેમરી વપરાશ કરે છે. પણ આખરે ગુણવત્તાને બદલે બાંધછોડ ન કરતી મારી મનપસંદ એપ્લિકેશન.
કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ શ્રેણીમાં http://naturesoundsfor.me વિશે જાણકારી આપી હતી. એન્ડ્રોઈડ પર આવી જ રીતે કુદરતી અવાજનો આનંદ માણવા, તણાવભર્યા જીવનની વચ્ચે કુદરતની તાજગીનો અહેસાસ મેળવવા તમારા મોબાઈલમાં આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરો, હેન્ડસફ્રી લગાવો અને ઓફિસમાં પણ વહેતા પાણીનો, જંગલનો, વરસાદનો કે અન્ય એવા જ કુદરતી વાતાવરણનો અહેસાસ તેના અવાજ દ્વારા મેળવો. વધુ પ્રકારના અવાજ ડાઊનલોડ કરી શકાય છે અને એકથી વધુ અવાજોને મિશ્ર કરી સાંભળી શકાય છે. અનિંદ્રાને ભગાવવા આ એપ્લિકેશનમાં તમે સમય સેટ કરી શકો છો જેટલા વખત પછી મોબાઈલમાં એપ્લિકેશન આપોઆપ બંધ થઈ જાય, આમ તમે સૂતી વખતે આ કુદરતી અવાજોના આનંદ સાથે તણાવમુક્ત થઈ ઉંઘી શકો છો.
ટાઈમલેપ્સ વિડીયો એટલે જેમાં તમે સમયને સંકોચીને ઝડપથી વિડીયો દોડે એવી અસર લાવી શકો. આ પ્રકારના વિડીયો તમે બે ગણી, ચાર ગણી, આઠ ગણી કે સોળ ગણી ક્ષમતા સુધી ઝડપી કરી શકો છો. ઉદાહરણ તરીકે તમે કોઈ એક વિશેષ સ્થળની સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની બધી જ પ્રવૃત્તિઓને થોડીક સેકન્ડ્સમાં દર્શાવી શકો તો! ઈન્સ્ટાગ્રામ પર કે અન્ય વિડીયો સાઈટ્સ પર પણ ટાઈમ લેપ્સ વિડીયો ખૂબ પ્રચલિત છે અને માટે એન્ડ્રોઈડ મોબાઈલ પર માઈક્રોસોફ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી આ એપ્લિકેશન આગવી અને અનોખી છે. હાલતાચાલતા, દોડતા કે અન્ય કોઈ પણ એવી રીતે લીધેલા વિડીયોને તે સ્ટેબિલાઈઝ કરી ટાઈમલેપ્સ કરી આપે છે. મેં મુંબઈમાં મુંબઈ સેન્ટ્રલથી ચર્ચગેટ વચ્ચે ટેક્સીમાંથી લીધેલ ૫૦ સેકન્ડનો અને ઝડપ વધારીને ૧૫ સેકન્ડનો, ઈન્સ્ટાગ્રામ પર મૂકેલો વિડીયો અહીઁ મૂક્યો છે.
Plz share iPhone best Apps…waiting eagerly .
ખુબ ખુબ ધન્ય્વાદ્….
As were the earlier applications useful, this one is also very useful. I like Ambio the most. I have not tried yet. Thanks for valuable sharing.