સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧૦) 1


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૮)

મૂળ પુસ્તક – પુરાતન જ્યોત

પહેલા પ્રસ્તુત થયેલ ભાગ ૯થી આગળ…

Courtesy Jhaverchandmeghani.com

Courtesy Jhaverchandmeghani.com

દેવીદાસજીને બહારવટિયા પકડી ગયા? બહારવટિયાને શો કસ કાઢવાનો હોય? અમરબાઈ ચિંતામાં પડ્યા.

સંસારને તજ્યા પછી પણ પાછી નવી સ્વજનપ્રીતિ તો લાગી જ પડી હતી. દેવીદાસને એ પોતાના નવજન્મના પિતા જ નહીં, પણ માતાય ગણતી હતી. અમરબાઈને હંમેશાં એવું થતું કે પોતે દેવીદાસના ખોળામાં તાજું જન્મેલ બાળક રમે તે ભાવે રમે છે. આજ એનો પિતા ગુમ થયો હતો. નજીકમાં જ્યાં જ્યાં ચોકિયાતોનાં થાણાં હતાં ત્યાં જઈને એણે રાવ કરી કે મારા દેવીદાસ બાપુ ગુમ થયા છે.

‘કોણ છે આ દેવીદાસ!’ અધિકારીઓ તપાસ કરતા, ‘અરે આ તો પેલો દવલો રબારી, બે છોકરાંનો બાપ બની પછી આ જગ્યા બાંધી બેઠો છે.’

વાત સાચી હતી. ગીરકાઠાંના શોભાવડલા ગામમાં જીવો નામે રબારી રહેતો ગયો. ગાયો, ભેંસો, બકરાં, ગાડર અને ઊંટ : માલધારીની એ પાંચેય લક્ષ્મી એની પાસે હતી. અઢારસોના સૈકામાં એકાશિયો કાળ પડતાં સામતાં ઢોરને ગામની આસપાસમાં ચારો પૂરો ન પડ્યો એટલે જીવો રબારી માલ લઈને ગિરનાર ભણી ચાલી નીકળ્યો.

ગિરનારની તળેટીમાં બીલખાની નજીક રામનાથને નાકે એણે પૂરતો ચારો દીઠો, દિલ ઠર્યું, ત્યાં મુકામ કીધા. રામનાથનું મંદિર તે કાળમાં ગીચ ઝાડી વચ્ચે વીંટળાયેલું હતું. પગથિયાં નહોતા બંધાયાં. લોકોની અવરજવર ઓછી હતી. રામનાથની એવી વિકટ, વિકરાળ અને સૂનકાર જગ્યામાં થોડાએક સુપાત્ર સાધુઓ જ રહેતા અને તે સહુના ગુરુ જયરામગરજી હતા.

બહુ નાની વયમાં જગરામગરજીનું ત્યાં આવવું થયું હતું, વખત જતે તે જોગીએ નજીકમાં ગધેસિંગના ડુંગરા ઉપર વસતા એક વૃદ્ધ ફકીર નૂરશાહનો સત્સંગ સાધ્યો હતો, અને નૂરશાહની મદદથી પોતે યોગાભ્યાસમાં પણ આગળ વધ્યા હતા. મુસ્લિમ ગુરુ અને હિંદુ ચેલાની વચ્ચે એકાત્મતા તો એટલી બધી આવી ગયેલી કે જયરામગરજીનું નામ પણ ‘જયરામશાહ’ બની ગયું હતું. લોકોની જીભ ઉપર હિંદુ-મુસ્લિમ સંસ્કારોનો ‘અભેદ’ આવી લાક્ષણિક રીતે અંકિત થઈ ચૂક્યો હતો. પંથદ્રષ્ટિમાંથી છૂટી ગયેલા પ્રભુપંથીઓ કેટલા આસાનીથી એકરસ બની જતા‍! ભેદબુદ્ધિનું ઝેર પી જનારા આવા સંતો આજે નથી રહ્યા – હશે તો જગતને એની જાણ નથી. ખેર! લોકવાયકા એવી છે કે જીવા રબારીનું વાંઝિયા-મહેણું આ જયરામશાહની દુઆથી મટેલું ને જીવાનો પુત્ર દેવો લગ્નસંસાર માંડી, બે દીકરાનો પિતા બન્યા પછી જ જગતનાં દુખ્યાં ભૂખ્યાંની ચાકરી કરવા ઘર તજી ગયો હતો.

પ્રથમ એણે ચોડવડા ગામની હદમાં ઝૂંપડી બાંધી. કહેવાય છે કે જયરામશાહે જીવાને એક બિયું આપેલું, ને એ સાચવી છેવટે દેવો માગે ત્યારે આપવા કહેલું. માતાપિતાની પાસેથી મળેલું એ બિયું આ દેવાએ ચોડવડા પાસેની પોતની ઝૂંપડી સન્મુખ વાવ્યું.

જે પ્રદેશમાં પશુધારીઓ વસે છે તે પ્રદેશમાં વરસાદ, છાંયડી તેમજ વિશ્રામ આપનાર વૃક્ષ ને રોપવું એ પરમ ધર્મક્રિયા બરોબર લેખાતું. દેવાએ પોતાના કર્તવ્ય – જીવનનું મંગલ મુરત એક વૃક્ષરોપણ વડે કર્યું તે વસ્તુ મર્મની છે.

લોકસેવાની દિક્ષા ત્યારે દોહ્યલી હતી. હરેક યુગને એની પોતાની કસોટીઓ ને સાધનોની નીતિરીતિઓ હોય છે. તે કાળના સોરઠી યુગમાં દીક્ષિતોને માથે ગિરનારની સાત પરકમ્મા કરવાનો આદેશ હતો. દેવો રબારી પરકમ્માએ ઊપડ્યો.

અક્કેક પરકમ્મા પૂરી થયે એ ઝૂંપડીએ આવીને એકાદ-બે દિવસ રોકાતો. ફરી પાછો નીકળતો. પ્રત્યેક પ્રદક્ષિણાએ દેહને ચકાસ્યો. પચીસેક ગાઉની એક્કેક લાંબી મજલમાં પહાડની પ્રકૃતિએ એને ગેલ કરાવ્યા તેમ જ ભયાનક અનુભવો કરાવ્યાં. દેવો એકાંતનું બાળ બન્યો. દેવાએ વિકરાળ પશુઓથી બાંધવતા બાંધી. દેવાને અઢાર ભાર વનસ્પતિ જોડે કુટુંબભાવ બંધાયો. દેવાની દ્રષ્ટિમાં ગંભીરતાના અંજન આંજનારું અનંત આકાશ રાત્રી દિવસ એની જોડે રંગોની ભાષામાં વાત કરતું હતું. એવી તો સાત પરકમ્માઓ દેવાએ પૂરી કરી. સાતમીવાર, કહેવાય છે કે, લોહલંગરી નામના સાધુએ પોતાની ઝોળીમાંથી રામરજનો પાસો કાઢીને દેવાને લલાટે તિલક કર્યું ને આદેશ દીધો કે ‘દેવા! દેવોના દાસ! વાવડી ગામની હદમાં દત્તાત્રેયનો ધૂણો છે, અને સંત જસા વોળદાનની સમાત છે, ત્યાં જઈ જગા બાંધજે, ને જગત જેને પાપિયાં ગણી ફેંકી દે છે, તેમને ટુકડો આપવો શરૂ કરજે.’

એ રીતે દેવાએ – દેવીદાસે – પરબ વાવડીની જગ્યા સ્થાપી અને અપરિગ્રહવ્રત આચર્યું. કશો જ સંઘરો, સંચય કે ગામગરાસ ન કરવાનું આવું વ્રત દેવીદાસ સિવાય બીજા કોઈએ લીધું જાણ્યું નથી; કેમ કે લોકવાણી એ આ પ્રકારનું બિરુદ એક દેવીદાસને જ ચડાવેલ છે કે –

(દોહો)
કે’ને ખેતર વાડિયું, કે’ને ગામ ગરાસ,
આકાશી રોજી ઊતરે, નકળંક દેવીદાસ.

(કોઈ સેવકોને વાડી-ખેતરો હશે. કોઈને ગામગરાસ હશે. પણ એ બધાથી નિષ્કલંક રહેલા દેવીદાસને તો આકાશવૃત્તિનું જ વ્રત હતું.)

ને અમરબાઈના દેહ પરથી દાગીના ઊતરી પડ્યા, તેમ જ દિલના ભીતરથી જોબનના મનોરથો દડી ગયા. તે બનાવને આ ગ્રામ્યબાલા પોતાના નર્યા વૈરાગ્યનું જ ફળ નહોતી માનતી. એ માનતી હતી કે સંત દેવીદાસની કોઈ ગુપ્ત સિદ્ધિએ જ પોતાનામાં આવું પરિવર્તન આણ્યું હતું. એ માનતી હતી કે રક્તપિત્તના રોગની જોડે ખેલ કરનાર આ જોગીને કોઈ ચમત્કારની શક્તિ વરેલી છે. એ તો રાહ જોતી હતી કે જૂનાગઢ રાજનું બંદીખાનું ભેદી હમણાં જ બાપુ આવી પહોંચશે. દેવીદાસનું રૂંવાડું પણ ખાંડું નથી થવાનું તે વાતની એને આંધળી શ્રદ્ધા હતી.

પણ જેમ જેમ મોડું થતું ગયું તેમ તેમ એની ધીરજ ઓછી થવા લાગી. એ ચોમેર ખબર આપવા દોડી.

એને ખ્યાલ નહોતો રહ્યો કે પોતાની આગળ એક બીજું માનવી પણ ગયું છે. એ હતો બગેશ્વરનો કાઠીરાજ. એ દિવસે પ્રભાતે પલાયન કરીને રસ્તેનાં ગામડામાં તેમજ ખેતરો- વાડીઓમાં એને વાત ફેલાવી દીધી હતી કે જગ્યામાં પારકી વહુદીકરીને રાખવાના અપરાધ કારન સંતને રાજે પકડી મંગાવ્યો છે.

એ વતની લોકવાયકા બંધાઈ ગઈ. અને લોકવાયકાને તો પવનની પાંખો હોય છે. એતલે અમરબકઈ જ્યાં જઈ ઊભાં રહ્યાં ત્યાં ત્યાં એમણે હસાહસ દીઠી. લોકોએ કહ્યું, ‘અમર મા! આ ખટપટમાં શીદ પડ્યાં ? આવા ભેખથી તો સંસાર શું ખોટો?’

અનેકોએ કહ્યું કે ‘રબારો જોગની સિદ્ધિઓ તો દેખાડો જ કરતો’તો ને આજ સુધી? પકડવા આવનારને ત્યાં ને ત્યાં પથરા કેમ ન બનાવી દીધાં?’

ગામડાંને ચોરે અને પાદરે ધૂણી ધખાવી બેઠેલા બાવાઓએ ત્રાડ મારી કે ‘આ જાવે તો સહી કોઈ હમકો પકડને કો! ભસ્મ કર ડાલેં! માલૂમ?’

અમરબાઈને ન સતાવ્યાં ફક્ત નાનાં બાળકોએ. ચણીબોર અને આંબલીના કાતરાની ખોઈ ભરી ભરી ગોવાળના કિશોર બાળકો વગડાને માર્ગે ‘અમરમા’ની વાટ જોતાં ઊભાં. તેઓએ આ જંગલી મેવો જોગણને હોંશ હોંશ વહોરાવ્યો. તેઓએ નિત્યનાં અમરબાઈને કશા જ ભેદ વગર ભાવમાં નવડાવ્યાં. છોકરાંએ પૂછ્યું : ‘હેં અમરમાં! દેવીદાસ બાપુને સપારડાં લઈ ગયાં એ સાચું?’

‘સાચું; ભાઈ!’

‘તયેં હાલોની, અમે સંધાય લાકડિયું લઈ લઈને તમારી ભેરે આવીએ. આપણે એ સપરડાં માથે એક મોટું કટક જાયેં.’

‘હા, હા, હાલો સરવે.’ બધાં જ ગ્રામ બાળકો કિકિયારી કરી ઊઠ્યાં.

‘તમને દેવીદાસ બાપુ આટલા બધા કેમ વહાલા લાગે છે, હેં બચ્ચા?’

અમરબાઈ રસ્તે ચાલતી ચાલતી પોતાની પછવાડે દોડ્યાં આવનાર બાળકોને પૂછતી, ‘કેમ વા’લા લાગે છે? કહું? ઊભાં રો’, કહું! દેવીદાસ બાપુએ ઠેકઠેકાણે ઝાંડવા વાવેલ છે ને એટલે અમને છાંયો મળે છે. અમારે ઓળકોળાંબો રમવાની મજા પડશે કે નહીં? એટલે વા’લા લાગે છે.’

‘અને બચ્ચાંઓ!’ અમરબાઈ હસીને સમજાવતાં, ‘આ ઝાડ મોટાં થશે તે દી તમેય મોટાં થઈ નહીં ગયાં હો? પછી મોટપણે ઓળકોળાંબે કેમ કરી રમશો?’

‘હા એ સાચું,’ છોકરાં જાણે નવીન સત્ય સમજી ગયાં. ‘ત્યારે તો પછેં દેવીદાસ બાપુ આપણને શા સાટું વા’લા હોવા જોવે?’

‘પણ ભાઈ,’ અમરબાઈએ છોકરાઓને ખુલાસો કરતાં કહ્યું: ‘તમારાં છોકરાં તો તે દી રમવા જેવાં થશે ને?’

‘હા, એ પણ સાચું,’ છોકરાં નવું સત્ય સમજતાં.

એ નિર્દોષો નિ-સ્વાર્થી ભાવે જોગણને ચાહતાં. એમની આસ્થા કોઈ ચમત્કારની માન્યાતા ઉપર નહોતી મંડાયેલી.

એમાંથી અમરબાઈને પણ શીખવાનું મળ્યું. દેવીદાસમાં ચમત્કાર – સિદ્ધિઓનો જે અભાવ થોડીવાર પહેલાં ખૂંચ્યો હતો, તે ખૂંચતો મટી ગયો. અમરબાઈએ આ વનબાળો જેવી સાદી સ્નેહલાગણીનો આશરો લીધો. એક વિભૂતિહીન માનવી તરીકે દેવીદાસ વધુ વહાલા લાગ્યા.

(ક્રમશઃ)

– ઝવેરચંદ મેઘાણી

આ નવલકથાના બધા જ ભાગ સંગ્રહ કડી ‘સંત દેવીદાસ‘ પર ઉપલબ્ધ છે અને આવનાર ભાગ પણ જેમ જેમ ઉપલબ્ધ થતા જશે તેમ તેમ અહીંથી વાંચી શકાશે.

{આજની પ્રસ્તુત કથા દેવીદાસ બાપુની પૂર્વાવસ્થાની વાત કરે છે, ચમત્કારોથી નહીં પણ સતત સમર્પણ અને દરેક પ્રત્યેનો પ્રેમ અને સદભાવ જ તેમને આવી વિભૂતિ બનાવી શક્યો છે એ સમજણ તેમની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સોરઠી સંત સાહિત્યમાં સેવા અને ભેખના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ ઉદાહરણ વિલક્ષણ અને આગવું છે.}


આપનો પ્રતિભાવ આપો....

One thought on “સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧૦)

  • Akbarali Narsi

    ગુજરાતી વાંચન પીરસવાનાં અમુલ્ય પ્રયત્નો અને અણથક પ્રયાસો બદલ અભિનંદન
    ઝવેરચંદ મેઘાણીની નવલકથા “વસુંધરાનાં વહાલા દવલા” વાંચવા મળશે તો આનંદ થશે.
    લેખક તોલ્સતોયની ટુંક Biography જેવુ કઈ વાંચવા મળશે તો આનંદ થશે,આભાર સહિત