મુંબઈનો વરસાદ તો આમ પણ ભારે તોરીલો હોય ને તેમાં પણ પહેલો વરસાદ.
એ તો તૂટી પડ્યો હતો કોઈ ઝનૂની વિરહી પ્રેમીની જેમ.
જબરદસ્ત ઘેરાયેલાં આકાશે તો બપોરને રાત કરતાં વધુ ગહેરી બનાવી દીધી હતી. બોઝિલ વાતાવરણમાં હતી ઘૂમરાઇ રહેલી ઉદાસી, માધવીના મનની સ્થિતિ જેવી જ હતી. શશીએ રાજાના લગ્નના સમાચાર નહોતાં આપ્યા બલકે એને તો બોમ્બ ઝીંક્યો હતો, જેમાંથી ઉડેલી ઝીણી ઝીણી તીણી કરચો તન મન છેદતી આરપાર ઉતરી ગઈ હતી. તનમન જાણે બધીર થઇ ગયા હતા. ન કંઈ સ્પર્શી રહ્યું હતું ન કંઇક સમજાઈ રહ્યું હતું. કેટલા સમય પછી માધવીને હોશ આવ્યા તે ન સમજાયું. જાતે ઉઠીને જ ફોનનું લટકી રહેલું રીસીવર ફરી ક્રેડલ પર ગોઠવ્યું. સામે છેડે જો પ્રિયા હોતે તો અત્યાર સુધીમાં તો દોટ મૂકીને અહીં આવી પહોંચી હોત પોતાની પાસે… શશી પણ મિત્ર હતો પણ તેની પાસે આવી અપેક્ષા રાખવી વ્યર્થ હતી. એ મિત્ર જરૂર હતો પણ એક સલામત અંતર રાખીને ચાલતો, મુંબઈમાં અંતરંગ કહી શકાય એવી એકમાત્ર પ્રિયાને તો હવે પરદેશી થઇ ચૂકી હતી ને એને સંપર્ક પણ કેવી રીતે કરવી એ પણ નહોતું સમજાઈ રહ્યું.
‘પ્રિયા…’ નામ સાથે જ માધવીનું ગળું રૂંધાયું હોય તેમ અવાજ તરડાઇ ગયો. એ તો વારંવાર ચેતવતી રહી હતી ને પોતે સમજતી રહી કે પ્રિયા કોઈ જલનથી પ્રેરાઈને એના કાન ભંભેરતી હતી, પણ હવે એ બધી વાતો યાદ કરીને શું ફાયદો?
માધવી બેસી રહી સૂનમૂન… મગજ જાણે બહેર મારી ગયું હતું : રાજા ખરેખર આવું કરી શકે? કે પછી પોતાની સાંભળવામાં કોઈ ભૂલ તો થઇ?
હવે રાજા નિર્દોષ હતો અને દુનિયા દોષી એવું વિચારવાનો સમય વહી ગયો હતો. હવે સામે હતું નગ્નસત્ય, બિહામણું, પોતાની કલ્પનાથી જોજનો દૂર, જેનો સ્વીકાર કર્યા વિના છૂટકો નહોતો. પહેલીવાર એવું બની રહ્યું હતું કે રાજાના વિચારની સાથે સાથે આરતીમાસી અને બંને દીકરી યાદ આવતી રહી, બંનેએ માસીને ઠરવા નહીં દીધા હોય તો? ક્યાંય સુધી આશ્રમ પર ફોન લગાવવાનો પ્રયત્ન કરતી રહી પણ વ્યર્થ, લાઈનો ફરીથી ખરાબ હતી.
સતત બે દિવસ આકાશ ઘેરાયેલું રહ્યું, માધવીના મનમાં ઘેરાયેલી વ્યથાની જેમ. કોઈએ મૂઢ માર માર્યો હોય તેમ શરીરનું અણુએ અણુ કળી રહ્યું હતું.
સમજાતું જ નહોતું કે આખરે રાજે આ રમત કેમ રમી? એ રમત જ હશે કે કોઈક મજબૂરી? ‘મૂર્ખ, હવે તો આંખ ખોલ. એ આટલો સમય ખેલતો જ રહ્યો હતો ને એ વાત આખી દુનિયા જોઈ, સમજી શકતી હતી, માત્ર તું નહીં. માધવીને લાગ્યું કે ડ્રેસિંગ ટેબલના મિરરમાંથી પ્રિયા સામે ઉભી ઉભી કહી રહી છે.
મનમાં ધરબાયેલો સંતાપ વરસાદની જેમ જ વરસી રહ્યો હતો અનરાધાર, છતાંય દિલ હળવું થવાનું નામ નહોતું લેતું. બે દિવસથી અન્નનો દાણો સુધ્ધાં મોઢામાં નહોતો ગયો. માધવીને ફરી આંખ સામે કાળાં વાદળો ઘેરાતા લાગ્યા, પણ અચાનક જ કોઈ પ્રકાશનું કિરણ ક્યાંકથી ફૂટી નીકળ્યું હોય તેમ ડોરબેલ વાગી.
‘શશી?’ બારણું ખોલતાં માધવીનું આશ્ચર્ય બેવડાયું : આવા વરસાદમાં તું? અહીં?
‘અંદર આવું કે?’ શશીના હાથમાં કશોક સમાન હતો.
‘ઓહ… આવ આવ..’ ખસીને શશીને અંદર આવવા માર્ગ કરી આપ્યો પછી માધવીને ખ્યાલ આવ્યો પોતાના ચહેરાનો, પોતે કેટલું રડી હશે એની ચડી ખાય જાય તે પહેલા સ્વસ્થ થવું જરૂરી હતું : બેસ, હું હમણાં આવી.
શશીને બેસવાનો વિવેક કરીને એ સીધી બાથરૂમમાં દોડી. આયનો ક્યાં કોઈની શેહમાં આવે કે જુઠું બોલે? કલાકો સુધી રડતી રહી હોવાને કારણે સૂજી ગયેલી આંખો આખી વાત સાફ બયાન કરતી હતી. ગરમ પાણીની છાલક ચહેરા પર મારી છતાં આંખો પરથી ઉદાસીનું આવરણ સંપૂર્ણપણે તો ન હટ્યું પણ થોડી તાજગી તો વર્તાઈ.
‘અરે આ શું?’ બાથરૂમમાંથી બહાર નીકળીને માધવી લિવિંગ રૂમમાં આવી તો જોયું કે શશી તો ડાઈનિંગ ટેબલ પર સાથે લાવેલા સામાનમાંનું પેકેટ ખોલી રહ્યો હતો. બાકી હોય તેમ જાતે જ કિચનમાંથી પ્લેટસ લઇ આવીને મૂકી દીધી હતી.
‘બે દિવસથી કોળીયો મોઢામાં નહીં મૂક્યો હોય, ખરું ને?’ શશી એવી રીતે બોલતો હતો જાણે પ્રિયા પુરુષવેશમાં આવી પહોંચી હોય!
‘અરે શશી… હું એટલી…’ માધવીને કહેવું હતું કે પોતે કોઈ પણ આઘાત સહન કરવા સક્ષમ છે પણ બોલે એ પહેલા તો હિંમત જવાબ દઈ ગઈ અને આંખોમાં મહાસાગર ઉમટ્યો.
‘મારું માને ને તો માધવી હવે એ સંબંધી કોઈ વાત નહીં, ચલ… ખાઈ લે… ગરમાગરમ ઉપમા ને કોફી છે…મદ્રાસ કાફેમાંથી પેક કરાવીને લાવ્યો છું,’ શશી વાતાવરણને હળવું બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
‘અરે, તું મારા ઘરમાં મને જ મહેમાનની જેમ ટ્રીટ કરી રહ્યો છે…’ પરાણે હસવાનો પ્રયત્ન માધવીએ કર્યો : ‘મને આ બધાની આદત નથી.’
‘આદત તો મને પણ નથી માધવી, પણ ફ્રેન્ડ ઇન નીડ ઈઝ ફ્રેન્ડ ઇન્ડીડ…. સાચું કહું તો ફોન મુક્યો ત્યારે પણ મને આ ખયાલ નહોતો આવ્યો નહીં તો ત્યારે જ આવતે પણ પછી…’
શશીનું ધ્યાન ગયું માધવી ચમચીભર ઉપમા લઇ મોઢામાં મૂકી રહી હતી. કોઈ પણ દુઃખને ચકનાચૂર કરવા ભૂખ અને ઊંઘ જેવા જબરદસ્ત તેજાબ બીજા ક્યાં હોય જ શકે? ને તેમાં પણ માધવીએ વિના કોઈ રકઝક કોળિયો ભર્યો એટલે એક વાત નક્કી હતી કે બે દિવસમાં રાજાની બેવફાઈ પચાવી શકવાની તાકાત થોડી બહુ પણ વિકસી તો ચૂકી હતી.
‘મને હતું કે હું થોડા દિવસ પછી જરા તું સ્વસ્થ થાય તે પછી વાત કરીશ પણ મને લાગે છે કે તું તારી જાતને, પરિસ્થતિ સમજીને સાંભળી શકે છે એટલે કહેવામાં વાંધો પણ નથી…’શશીએ ફ્લાસ્ક્માં રહેલી ગરમાગરમ કોફી બંને મગમાં રેડી, માધવીના હાથમાં એક મગ થમાવી પોતે ચૂસકી લીધી.
માધવીની નજર શશી પર સ્થિર હતી : ‘હં, તો?’
‘જો, તને પહેલા થોડાં રીઝર્વેશન હતા તે તો મને ખબર છે. પણ હવે પરિસ્થિતિ ફરી ચૂકી છે. હવે ન તો કોઈ બંધન છે ન તારે કોઈના ફરમાનને અનુસરવાનું છે… તો મારી વાત માનીશ?’
શશી જે કંઈ બોલી રહ્યો હતો તે પૂરી નિષ્ઠા અને સચ્ચાઈથી બોલી રહ્યો હતો એટલું તો માધવી અનુભવી શકી.
‘હવે એક વાત સ્પષ્ટ સમજી લે માધવી, રાજા ઈઝ હિસ્ટ્રી ફોર યુ. જે થયું એને યાદ કરીને ફાયદો નથી પણ હવે વિચારવાનું છે વોટ નેક્સ્ટ… હવે શું કરવું.’ શશી કોઈક પ્લાન લઈને આવ્યો હતો એમ લાગી રહ્યું હતું.
‘મને ખ્યાલ છે તેમ તારા પેરેન્ટ્સ ક્યાંક વિદેશમાં છે, એટલે તારે શું કરવું છે? તું ઇન્ડસ્ટ્રીને ગુડબાય કરી તેમની પાસે જતી રહેવા માંગે છે કે પછી તું તારું નામ બનાવવા માંગે છે, જેને માટે તું અહીં એક દિવસ આવી હતી!
માધવી ચૂપચાપ શશીને સાંભળી રહી હતી. પોતે ક્યાં આ બધું વિચાર્યું જ હતું? બૈજનાથથી મુંબઈ સુધીના લાંબા પ્રવાસમાં આંખો બંધ હોય કે ખુલ્લી, સપનું તો એક અને માત્ર એક જ રમતું રહ્યું હતું ને મુંબઈમાં પગ મૂકવા સાથે જે ભૂકંપે તેની દુનિયા ધમરોળી નાખી હતી.
‘સાચું કહું તો શશી, મેં એ વિષે કંઈ વિચાર્યું જ નથી…’ માધવી આમ ન કહેતે તો પણ શશી સમજી શકતો હતો. એ સાફ હતું કે માધવીના દિલને લાગેલો સદમો ભારે હતો પણ એમાંથી મુક્તિ જો કોઈ અપાવી શકે તો તે એકમાત્ર હતું કામ, કામ ને કામ.
‘હા, સમજી શકાય એવી વાત છે પણ મારું માને તો નિર્ણય કરવામાં વાર ન લગાડતી કારણ કે સોનેરી તક વારંવાર નથી આવતી…’ શશીએ જરૂરી લાગી એ શિખામણ આપી પોતાની કોફી પૂરી કરી.
‘અચ્છા તો હું નીકળું? …વરસાદ પણ જરા ધીમો થયો છે અને તું પણ જરા સ્વસ્થ લાગે છે. પણ માધવી, આઈ એમ જસ્ટ વન કોલ અવે… કોઈ પણ કામ હોય, અડધીરાતે પણ મને ફોન કરતાં ન અચકાઇશ પ્લીઝ…’ શશીએ ટેબલ પર છોડેલી પોતાની કાર કીઝ હાથમાં લીધી.
‘ઓહો, શશી? તું કારમાં ફરતો થઇ ગયો? …તારી ડાર્લિંગ બાઈક ક્યાં ગઈ?’ માધવીએ હસીને પૂછ્યું. શશીની ઓળખ બાઈકપ્રેમીની હતી.
‘ઓહ લે, તેં તો એ પણ જોઈ લીધું…’ શશી મુક્તમને હસ્યો : ‘સાચું કહું ને તો બાઈકપ્રેમ તો ખરો જ, પણ ગજવામાં કમ્ફર્ટ થાય પછી કાર માટે વિચારાય ને!! અને ટચ વુડ છેલ્લાં થોડા સમયથી સ્ટાર્સ બહુ સારાં ચાલી રહ્યા છે.’
‘અચ્છા તો એમ વાત છે! એટલે કોઈ નવી પ્રપોઝલ?’ માધવી હવે મૂળ મિજાજમાં આવી રહી હતી તે શશીએ નોધ્યું.
‘હા, છેલ્લાં ચાર મહિનામાં જ બધું ડેવલપમેન્ટ થયું. મેં તને કહ્યું ને કે મારા સિતારા હમણાં બુલંદ છે! બે ફિલ્મ ફ્લોર પર છે, એકનું શૂટ શરુ થઇ ચૂક્યું છે ને બીજીનું કાસ્ટિંગ ચાલુ છે. એટલે જ મેં તને પૂછ્યું કે તું શું કરવા માંગે છે, પાછી જવા માંગે છે કે પછી?’ શશી પ્રશ્નાર્થ નજરે માધવી સામે જોતો રહ્યો : ‘મારા મનમાં તારા માટે કંઇક પ્લાન છે…’
વાત કહી દીધા પછી શશીએ થોડી હળવાશ અનુભવી. કહેવી હતી એ વાત માધવીની માનસિક સ્થિતિ જોયા પછી કહેતા જીભ ઉપડી નહોતી પણ સંજોગ જ એવા અનૂકૂળ ઉભા થઇ ગયા કે વાત પણ થઇ ગઈ.
શશીના પ્રશ્ને માધવીને વિચારતી કરી દીધી. રાજાના પ્રેમમાં પોતે પોતાના વિષે, પોતાની કારકિર્દી વિષે તો ક્યારેય વિચાર્યું જ નહોતું ને!
‘શશી, તું મને થોડો સમય આપી શકે? એકાદ બે દિવસ?’ માધવીએ જવાબ ન સૂઝતાં વાત લટકતી રાખવી યોગ્ય સમજી.
‘નોટ અ પ્રોબ્લેમ, હજી થોડાં ન્યુ કમર્સના તો સ્ક્રીન ટેસ્ટ ચાલે છે, પણ મારું માને તો ડોન્ટ ગીવ અપ …. ઓ કે?’ શશીના અવાજમાં સલાહનો સૂર ઓછો અને સહાનુભૂતિ વધુ હતી.
માધવી શશીને જતાં જોઈ રહી, જેને પ્રેમ કર્યો તેને પામવા જેટલી ભાગ્યશાળી પોતે ભલે ન હોય પણ મિત્રોના પ્રેમમાં તો અવ્વલ હતી જ ને!
વરસાદ ઓછો થયો હતો અને મન પણ થોડું સ્વસ્થ. જીવ ફરી ફરીને દીકરીઓમાં જતો હતો. ઉપરનું દૂધ નહીં ફાવ્યું હોય તો? સોરાઈ રહી હશે તો?
‘હલો કુસુમ, જલ્દી માસીને બોલવી રાખ. ફરી ફોન કરું છું…’ માધવીના મનમાં હાશકારો થયો. આશ્રમ સાથે સંપર્ક થઇ જવાથી કહો કે પછી શશીએ આવીને બંધાવેલી આશાથી પણ મન એવું માયૂસ પણ નહોતું.
વધુ વિચારે એ પહેલા જ રીંગ વાગી: ‘મધુ, કેમ છે બેટા, બધું ગોઠવાઈ ગયું છે? ફોન ચાલુ થઇ ગયો?’ માસીનો ઉમળકાભર્યો અવાજ સંભળાયો.
‘હા માસી, ભારે વરસાદ છે, ખરેખર તો આ મોસમમાં ભલભલા ફોન ઠપ્પ થઇ જાય પણ મારો ફોન ચાલુ થઇ ગયો… કદાચ ભગવાનને ખબર હશે કે મારી બબ્બે માતાજીઓ તમને પરેશાન કરતી હશે.’ માધવી માસીને ધરપત આપવા બોલી : કાશ માસી રાજાના સમાચાર પૂછે જ નહીં તો કેટલું સારું!
જવાબમાં સામેથી માસી મલક્યા હોય તેમ લાગ્યું : ‘એ તો ઠીક, બંને દીકરીઓ મારી ખરેખરી ડાહી છે, પણ એ બધી વાત તું છોડ, મુદ્દાની વાત કહે.. રાજા સાથે વાત કરી?’ માસીનો પ્રશ્ન અનપેક્ષિત હતો એવું તો નહોતું પણ છતાં જવાબ વાળતાં જીભ ઝલાઈ જતી લાગી : ‘માસી.. એ.. એ..’
‘માધવી, જે હોય તે ખુલીને બોલ. શું કહ્યું એને? લગ્ન માટે ઇનકાર કરે છે ને? એમ જ ને?’ માસી સામેથી અટકળ લગાવી રહ્યા હતા. પોતાને મળેલાં અંદેશને પુષ્ટિ મળતી હોય તેમ.
‘માસી, એ ઇનકાર તો કરે ને જ્યારે એ અહીં હાજર હોય!’ માધવી એક એક શબ્દ સાચવીને બોલી.
‘કેમ હજી એ એના ગામથી પાછો ફર્યો નથી એવું છે? હું આ વાત માનવા તૈયાર નથી…’ માસીને લાગ્યું કે ભલે માધવીને વાંધો પડતો પણ હવે પોતાને મળતા સંકેત જણાવવાનો સમય આવી જ ગયો છે.
‘ના, એ ગામથી તો ક્યારનો પાછો આવી ગયો હતો… પણ…’
‘પણ શું?’
‘માસી, એ મારો રાજ નથી રહ્યો. એણે લગ્ન કરી લીધા, એક મોટા પ્રોડક્શન હાઉસના માલિકના જમાઈ બનવા માટે થઈને…’ માધવીને પોતાને નવાઈ લાગી રહી કે એને આ બોલતા કોઈ લાગણી જ નહોતી અનુભવાઈ રહી.. ન દુ:ખ ન રોષ ન નફરત… હા, સંતાપની હળવી છાંટ અવાજમાં જરૂર હતી. છાતીમાં ધડકતાં હૃદયને બદલે જાણે પથ્થર ગોઠવાઈ ગયો હતો.
‘હ્મ્મ, મને આ વાતનો ડર તો હતો જ.’ સામે છેડેથી માસીનો સ્વગત બોલતા હોય એવો દબાયેલો સ્વર કાને પડ્યો : એટલે માસીને શું ખબર હતી કે રાજા આમ કરશે?
માસી કદાચ કોઈ વિચારમાં પડ્યા હોય તેમ કોઈ વાતચીત ન થઇ, થોડી ક્ષણ એમ જ પસાર થઇ ગઈ.
‘એ તો ઠીક, જે થયું તે થઇ ગયું. હવે સાંભળ શું કરવાનું છે…’ માસી બોલતા રહ્યા અને માધવી એક ચિત્તે તેમની વાત સાંભળતી રહી.
ફોન મૂક્યા પછી આરતીએ કુસુમને બોલાવી : ‘કુસુમ, આજથી આ બંને દીકરીઓની જવાબદારી આપણી, માધવી કદાચ મહિનામાં પણ આવે કે છ મહિને… અને હા, હવે દર પૂર્ણિમા પર અનુષ્ઠાનની તૈયારી કરવાની ચૂકતી નહીં.’
કુસુમ તો જી કહી બહાર નીકળી ગઈ પણ એને પોતાની આરતીદીદીનો ચહેરો જોયો હોત તો ખ્યાલ આવતે કે આ કયો જોગ આદરવાની તૈયારી ચાલી રહી છે.
* * * *
‘શશી, માધવી હિયર… તું તે દિવસે વાત કરતો હતો ને…’ જિંદગીમાં કદીય સામે ચાલીને કામ ન માંગનાર માધવીને ઘડીભર ક્ષોભ થઇ આવ્યો. રાજા હતો ત્યારે પરિસ્થતિ જુદી હતી. એમાં તો જ્યાં રાજા કહે ત્યાં માત્ર સાઈન કરીને શરૂઆત કરવાની રહેતી, પણ આ તો હવે નવી જિંદગી હતી, નવી ચુનૌતી.
‘ઓહ, વોટ અ વન્ડરફૂલ સરપ્રાઈઝ… બોલ, તું નહીં માને પણ હું તને આજે ફોન કરવાનો જ હતો માધવી..’ સામેથી શશીનો ઉમળકાભર્યો અવાજ કાને પડ્યો.
‘એમ શું વાત છે?’ શશીનું વર્તન માધવીને જરા આશ્ચર્ય પમાડી રહ્યું.
‘અરે! મેં તને કહેલું ને મારા મનમાં તારા માટે એક પ્લાન છે! યાદ છે કે નહીં? શશી અતિશય ખુશ હતો.
‘હા, પણ તેનું શું?’
‘અરે, યાર… તું કેવી ઠંડકથી પૂછે છે! હવે ગુડ ન્યુઝ સાંભળ…’ શશી ખુશીથી માર્યો ઉછળી રહ્યો હતો. મેં જે વિચારી રાખેલો તે રોલ ખાસ દમદાર નહોતો પણ મને થયું કે ગમેતેમ પણ તને એક મોટા બેનરની ફિલ્મ મળી જાય એટલે એ સંદર્ભમાં વિચારતો રહ્યો હતો… પણ બે દિવસમાં તો આખી બાજી જ પલટાઈ ગઈ. તું આટલી લકી હશે એવી તો મને કલ્પના નહીં…’
‘શશી, આગળ તો બોલ… મને ખબર તો પડે કે હું કેવીક લકી છું? એટલે શું મને રોલ મળી જવાનો છે? પણ હવે આગળ બોલ…’ માધવીના મનમાં પણ ઉત્સુકતા વધી રહી હતી.
‘થયું એમ કે આ ફિલ્મમાં બે હિરોઈન છે, એક ભલે મુખ્ય હોય પણ બળકટ રોલ તો સેકંડ લીડ માટે છે. અને તને શું કહું હવે? એ રોલ કરતી હતી રાજશ્રી, પણ રાજશ્રીએ ગઈકાલે એની બર્થડે પાર્ટીમાં પોતાના લગ્નની જાહેરાત કરી અને એટલું જ નહીં, એ ક્ષેત્રસંન્યાસ તો નથી લેવાની પણ એ પોતાના પતિ સિવાય કોઈ હીરો સાથે કામ નહિ કરે તેમ પણ જાહેરાત કરી ચુકી છે.’
‘તો એમાં હું ક્યાં આવી?’ માધવીને કારણ હજી સમજાયું નહોતું.
‘અરે, તું તો સાવ ભોળી રહી… તું ન સમજી? જો સમજાવું…’ શશી વધુ પડતો જ ઉત્સાહમાં હતો : રાજશ્રીએ આવી બેતૂકી જાહેરાત કરી એટલુ જ નહીં એને તો જે જે ફિલ્મો સાઈન કરેલી તેની સાઈનિંગ અમાઉન્ટ પણ હવે રીટર્ન કરી દેવાની વાત કરી છે. એટલે જે સેકંડ લીડ એ કરતી હતી તે બધી જગ્યા હવે ખાલી સમજ….
‘હં, એટલે તું મારું નામ સજેસ્ટ કરશે એમ જ ને?’ માધવી હવે શશીનો પ્લાન સમજી હોય તેમ બોલી.
‘યેસ, એક્ઝેક્ટલી… પણ સજેસ્ટ કરીશ નહીં, કરી દીધું છે, અને ગુડ ન્યુઝ એ છે કે એ લગભગ ફાઈનલ છે…’
શશીની વાત સાંભળીને માધવીએ એક હળવો ધક્કો અનુભવ્યો. પોતે કદી રાજની પરમીશન વિના કોઈ રોલ વિષે વિચારી પણ શકે એવું તો ક્યારેય બન્યું નહોતું ને!
‘શશી…’ એ વચ્ચે કંઇક બોલવા ગઈ.
‘પ્લીઝ માધવી, જો કારકિર્દી બનાવવી જ હોય તો હવે આમાં પાછીપાની ન કરીશ. જિંદગીએ તક આપી છે, વારંવાર નહીં આપે…’
શશીની વાત ખોટી પણ નહોતી, માધવી વિચારતી રહી.. પણ ગણતરીના દિવસમાં આખી જિંદગીનું ગણિત નવેસરથી મંડાઈ રહ્યું હતું.
હવે કારકિર્દી વિષે ગંભીરતાથી વિચાર્યા વિના બીજો વિકલ્પ પણ નહોતો. મમ્મી-ડેડીનું બારણું સદા માટે બંધ થઇ ચૂક્યું હતું અને માથે આવેલી નવી જવાબદારી.. બે દીકરીઓના ભવિષ્યની, માસી પર ક્યાં સુધી બોજ નાખતી રહેશે એ?
શશી સાથે વાત કર્યા પછે આ વાત માસીને જણાવવી જરૂરી હતી. આશ્રમમાં ફોન તો લાગ્યો પણ કુસુમ મળી. માસી તો કોઈક વિધિવિધાનમાં વ્યસ્ત હતા.
‘દીદી, માધવીદીદીનો ફોન હતો. વાત કરવી હતી…’ કુસુમે આરતી જેવી અનુષ્ઠાન પતાવી બહાર આવી સંદેશ આપ્યો.
‘ઠીક છે, હું ફોન કરી લઈશ…’ આરતીએ લાલ કોઠી તરફ જવા ચપ્પલ શોધવા માંડી.
‘ના દીદી, માધવીદીદીએ ખાસ કહ્યું હતું કે એ તમને ફોન કરશે, આજે એક મહત્વની મિટિંગ છે અને પછી કાલથી શૂટિંગ શરુ થશે, એમને કોઈ બહુ સારો બ્રેક મળ્યો છે…’ કુસુમે માધવીનો કહેલો મેસેજ અક્ષરશ: કહી સંભળાવ્યો.
‘અચ્છા? એણે આવું પોતે કહ્યું?’ આરતીએ કુસુમ સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું, પોતાના તપની સિદ્ધિ આટલી અકસીર હશે એ તો પોતે જ વિસરી ચૂકી હતી. પણ એક ફોન આરુષિને કરી દેવો જરૂરી હતો.
‘બેન, બધું બરાબર તો છે ને? અચાનક આ સમયે ફોન કર્યો?’ આરુષિ આરતીનો ફોન આવ્યો એટલે જરા ગભરાઈ ગઈ હતી.
‘આરુષિ, સોળ વર્ષની નથી રહી હવે તું, ને વિશ્વજિતથી આમ નાહકનું ફફડવાનું બંધ કર.’ આરતી જરા ચિડાઈ હતી. ‘મેં માત્ર તને જણાવવા ફોન કર્યો કે માધવી મુંબઈ છે. અને મહત્વની વાત એ છે કે પેલો રાજા બીજી કોઈને પરણી ચૂક્યો છે..’
‘ઓહ ના, ના હોય… તો હવે?’ આરુષિને સત્તર ડિગ્રી ટેમ્પરેચરમાં પરસેવો વળવા માંડ્યો : તો આ બે છોકરીઓને લઈને… .
‘એક વાર માધવી આર્થિક રીતે થોડી સદ્ધર થાય તો એ પોતાનું ઘર લઇ શકે ને પછી આ બે દીકરીઓ મા સાથે રહી શકશે..’ આરતીએ મનની વાત કરી દીધી.
‘આરતી, બેન તું સમજ, મુસીબત ત્યાં જ તો શરુ થાય છે…’ આરુષિનો ગભરાટ ફરી તેજ થઇ રહ્યો હતો.: વિશ્વ કહેતા હતા કે એમની યુ.કે. ખાતેની પોસ્ટીંગમાં ટ્રાન્સફર આવી શકે છે. આ વખતે કદાચ સોમાલિયા જવું પડે એમ છે. આફ્રિકન દેશ અને આ જિબુટી જેવા ગામડિયા શહેરમાં તો કેમનું ગોઠશે એવું કંઇક કાલે કોઈની સાથે ચર્ચી રહ્યા હતા એટલે એમનો વિચાર ઇન્ટરીમ પોસ્ટીંગ દિલ્હી માંગવાનો વિચાર છે. જો ઇન્ડિયા આવ્યા તો? આ બધું કેમનું થશે એ ફિકરમાં હું અડધી થઇ ગઈ છું…’
આરુષિ સાંભળીને તો આરતી પણ વિચારમાં પડી ગઈ. આ વાત તો ખરેખર વિચાર કરાવે એવી હતી પણ ચિંતા કરવાથી કોઈ અર્થ નહોતો સરવાનો.
‘આરુષિ, જરા તો પોતાનામાં ઇષ્ટદેવમાં વિશ્વાસ રાખ. અને એ પણ ન હોય તો કમ સે કમ પોતાની જાતમાં, પોતાના લોહી પર તો રાખ…’ આરતીને નાની આરુષિની ગભરુગીરી પર ક્યારેક ચીડ ચઢી આવતી પણ નાની ઉંમરમાં પરણીને આખી જિંદગી પતિના પડછાયા બનીને કાઢનાર એક આદર્શ ગૃહિણી પાસે આશા પણ શું રાખી શકાય? એને પોતાની જેમ તડકીછાંયડી જોઈ હોત તો ને! આરતીએ મનમાં રોકેટની સ્પીડ પર ચાલી રહેલા વિચારો ખંખેરી નાખવા પડ્યા.
‘અરુ, જો સાંભળ, હાલ પૂરતી તો વ્યવસ્થા ગોઠવાઈ છે તે પ્રમાણે માધવીને સારી તક મળી છે. એ મુંબઈ રહેશે, આ બે બાળકીઓ મારી પાસે અહીં રહેશે. બેએક વર્ષ નીકળી જાય ને એ પોતાનું ઘર લઇ શકે પછી આગળ વિચારી શકાશે… ત્યાં સુધીમાં કોઈને કોઈ વ્યવસ્થા તો થઇ જ જશે ને!’ આરતી કોઈક પ્રચંડ વિશ્વાસથી બોલી રહી હતી. જાણે માધવીની કારકિર્દીનો ચાર્ટ એના હાથમાં હોય!
બાળકીઓ માધવી સાથે નહીં ને આરતી પાસે રહેશે એ સાંભળીને થોડી શાંતિ તો થઇ પણ જો વિશ્વનું પોસ્ટીંગ ઇન્ડિયામાં હોય ને આ ન્યૂઝ ક્યાંક લીક થયા તો શું કયામત આવી પડે તેનો વિચાર જ આરુષિને ધ્રુજાવી ગયો.
(ક્રમશઃ)
આજે માણો વેર વિરાસત નવલકથાનો આઠમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.
excellent
Bahu lambavo nahi varta dheeme……
Dheeme jai rhi che
Good