સંકલિત પદ્યરચનાઓ – ટી. સી. મકવાણા 5


૧.

મેં પૂછ્યું..

પૂછ્યું મેં મોરને
તારું પીંછું મને એક દે
કહે મોર પીંછાનો મોહ મને
આખી ઢેલ તું લઇ લે..

પૂછ્યું મેં ચંદ્રમાને
ટુકડો ચાંદનીનો એક દે
વદે ચંદ્રમા અધુરો હું બિન ચાંદની
અમાસના તારા તું લે..

પૂછ્યું મેં મેઘધનુષ્યને
એકાદ તો રંગ મને દે
મલકી કહે મેઘધનુષ્ય
તારો ને મારો પ્રકાશ બેય એક
ખાલી પ્રીઝમથી તું જોઈ લે..

કહ્યું મેં કાનજીને
ઘડી બંસરી મને ના દે?
કાન્હો કહે મુક લપ બંસરીની
હું ને રાધા હવે નાચીએ “DJ” સંગ
તું પણ “DJ” ની મોજ લે..

૨.

આ પ્રેમ કે માયા જાળ

દેખી ડગમગતા અમે ખભો ધર્યો
પગથીયું બનાવી તમે ચડી ગયા
એક અશ્રુ બિંદુએ અમે બેચેન બન્યા
લોહીના આંસુએ અમને રડાવી ગયા

તમારા સાથ માટે અમે જગ છોડ્યું
હાથ બીજાનો પકડી તમે ચાલ્યા ગયા
તમ ઉદાસી સમાવી અમારા હર્દયે
અણુએ અણુએ આગ લગાવી ગયા

આપી વચન તમને કુંવારા રહ્યા
લાગ મળતા તમે વિદેશ પરણી ગયા
યાદમાં તમારી અમે ભટકતા રહ્યા
ડોલરિયા દેશમાં તમે મોજ માણતા રહ્યા

૩.

પાછું કુંવારુ કેમ ન થવાય?

જો હિંદુમાંથી મુસલમાન થવાય
અને
મુસલમાનમાંથી હિંદુ થવાય
તો
પાછું કુંવારુ કેમ ન થવાય?

પાણીની વરાળ થાય
અને રોજ એજ
વરાળનું પાણી થાય
તો
ભીની માટીમાં કૂંવારા સપના કેમ ન રોપાય ?

દિવસ માંથી રાત થાય
અને
રાત નો પાછો દિવસ થાય
તો પછી
મારી બાળપણની સખીને
ગળે કેમ ન લગાડાય?

૪.

ખોબલે ભરેલ પ્રેમ

મેં ખાબો ભરીને તેને પ્રેમ કર્યો
તેણે ચપટીક વરસાવ્યું વ્હાલ

તેને માટે જગની સામે પડ્યો
માંડ નીકળી તે ઘરની બહાર

ઢગલો મેં પ્રેમપત્રોનો કર્યો
લખી લીટી સામે તેણે ચાર

ગૂંજી ઉઠ્યા પ્રેમના પડઘા મારા
તે ગણગણી પ્રેમનું નાનું ગીત

૫.

જીવન મંત્ર

કેમ પડે છે છંદ, રદીફ, કાફિયાની ભાંગજડમાં?
લખ તું એવું કે કોઈના દિલને સ્પર્શી લે..

હરાવ્યા છે ઘણા ક્રિકેટ મેચ ગવાસ્કરે
કિતાબી શોટ રમીને
તું પણ થોડું ક્રીસ ગેઈલ જેવું રમી લે..

ફગાવી દે અંગ્રેજ મેનર્સની બેડીઓ
મોજ આવે તો જાહેરમાં નાચી લે..

ભલે ને મો મચકોડે રૂઢીવાદીઓ
તું પકડે હાથ પત્નિનો ત્યારે
તેની સામેજ એક તસતસતું ચુંબન ચોડી દે

કોને ખબર ક્યારે થશે જિંદગી બેવફા?
તેના પહેલા જ તું એને પૂરેપૂરી માણી લે..

– ટી. સી. મકવાણા

શ્રી મકવાણાની પદ્યરચના આ પહેલા વાચકોની સંકલિત રચનાઓમાં પ્રસ્તુત થઈ હતી, આજે તેમણે અક્ષરનાદને પાઠવેલી પાંચ રચનાઓ પ્રસ્તુત કરી છે. મહત્તમ અછાંદસ અને ક્યાંક લય પકડવાનો પ્રયત્ન કરતી આ રચનાઓની શાસ્ત્રીયતા કે બંધારણ વિશે કહેવા કરતા તેમના ભાવજગતની અને વિચારવિશ્વની વાતો પર ધ્યાન આપવું માણવાલાયક થઈ રહે છે. પદ્યસ્વરૂપની રચનામાં આગળ વધવા માટે તેમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “સંકલિત પદ્યરચનાઓ – ટી. સી. મકવાણા