સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૮)
મૂળ પુસ્તક – પુરાતન જ્યોત
આ પહેલા પ્રસ્તુત થયેલ ભાગ ૮થી આગળ…
આજારોને સુવારી દઈ અમરબાઈ પરોણાંઓના બિછાના પાથરવા ગયાં. મુખ્ય ઘરથી થોડે છેટે એક મઢૂલી ઉતારા તરીકે વપરાતી. ગરીબી એ જગ્યાના સંચાલકોનું જીવનવ્રત હતું. પણ એ વ્રતના અભિમાનમાં તણાઈને દેવીદાસે પરોણાઓને પણ ગરીબીવ્રતમાં જકડ્યા નહોતા. આથી કરીને અતિથિગૃહમાં તો ખાટલા અને ગાદલાં પણ બબે વસાવી લીધાં હતાં. સંતે એક વખત કપાસની મોસમમાં ખળાવાડે ઝોળી ફેરવી હતી. ભલા ખેડૂતો મશ્કરી કરતા કે ‘બાપુ, આમ છોકરાની રમત શું કરો છો! લઈ જાઓને એક એક કળ પાસેથી મણ મણ કપાસ!’
સંત હસતા : ‘દોથો દોથો જ દ્યોને ભાઈ! દૂઝણી ધેનુઓ જેવા છો, તો પાછાં વે’લાં વે’લાં વસૂકી જાશો, જો મણ મણ ઉઘરાવીશ તો.’
ખાટલાનાં લાકડાં પણ પોતે જ જંગલમાંથી કાપી આવેલ ને ભીંડી પણ પોતે જ ભાંગીને વાણ (રસી) બનાવી દીધું હતું.
અતિથિગૃહમાં દીવો પેટાવીને અમરબાઈ જ્યારે પથારીઓ પાથરતી હતી, ત્યારે ત્યારે એની ચીવટ હરકોઈ જોનારાને સંશયમાં નાખે તેવી હતી. ખાટલાં ખંખેર્યા, ગાદલાં ઝાપટ્યાં, ગાદલાંને અને બાલોશિયાને ખૂણેખૂણેથી જીવાત જોઈ નાખી. અને તે ઉપર રજાઈઓ બિછાવી પોતાના હાથ આખી પથારી ઉપર દાબી જોયા, એકલી એકલી બોલી : ‘ક્યાંય ગાંઠોગડબો તો રહ્યો નથી ને?’
‘કેટલી બધી કાળજી!’ અમરબાઈની પીઠ પાછળથી કોઈએ ટીકો કર્યો.
પછવાડે જોયું તો રૂપાળો કાઠી મહેમાન બારણા બંધ કરીને અંદર ઊભો હતો. બારણાંને એણે પોતાના શરીરથી દબાવી રાખ્યાં હતાં.
પ્રથમ તો અમરબાઈને પોતાની આંખો ઉપર જ અવિશ્વાસ આવ્યો. આ શું જગ્યાનો મહેમાન જ છે, જેને હજુ હમણાં જ ગાયનું તાજું દૂધ પિવરાવ્યું, તે જ આ માણસ છે? આ માણસ આટલો બધો રૂપાળો છે છતાંય શું એનામાં લંપટતા હોઈ શકે?
મહેમાન સામે ઊભો ઊભો મોં મલકાવી રહ્યો હતો. દીવાની જ્યોતમાં એક જંગલી જીવડું સડસડ સળગતું હતું, અતિથિનો દેહ કેમ જાણે કોઈ કાળા ચોગઠામાં મઢ્યો હોય તેવો એનો કાળો પડછાયો ભીંત પર એની પછવાડે પડતો હતો; ને જગત પણ તે સમયે કોઈ કાવતરાખોરના કલેજા જેવા અંધકારમાં સપડાયું હતું. માત્ર થોડા તારાઓ જ કરોડો જોજન દૂરથી છૂપા હોઠ પટપટાવીને જગતને સાનમાં કહેતા હતા કે, ‘હિંમત હારીશ ના!’
અમરબાઈએ ફક્ત એટલું કહ્યું, ‘સત દેવીદાસ.’
બહુ પ્રયત્ને એના ગળામાંથી સૂર નીકળ્યો. એ સૂર જાણે કે એનો સાથી બન્યો. અમરબાઈને તુરંત એમ લાગ્યું કે અહીં કોઈક મારો મદદગાર છે, જેણે આ શબ્દોનો જવાબ દીવાલોમાંથી વાળ્યો. અંધારી સાંકડી ગલીમાંથી પસાર થતું માનવી ગાય છે, ગાઈને પોતાની એકલતા મિટાવે છે.
કોઈએ દઝાડ્યો હોય ને જાણે! એવી દાઝ દાખવતો કાઠી પોતાના મોં પરનો મલકાટ સંકેલી લઈ સહેજ ઉગ્ર આંખે અમરબાઈ તરફ વધ્યો. એની ભુજાઓ આ એકલી સ્ત્રીના દેહ પ્રત્યે પહોળાયેલી હતી. એના જુલફાં મોંને ઢાંકતા હતાં.
‘સત દેવિદાસ ! સત દેવિદાસ ! સત દેવિદાસ !’ એના અક્કેક પગલે અમરબાઈએ આ બોલ રટ્યા. એ બોલના ધ્વનિએ અતિથિને ઉશ્કેર્યો – બંદૂકમાંથી છૂટતી ગોળી વાઘને ઉશ્કેરે તે રીતે.
‘બોલ મા એ બોલ,’ એણે કહ્યું, ‘મારાથી એ સાંભળ્યા જાતા નથી. તું મારણના જાપ જપછ એમ ને? મારો પ્રાણ નીકળી પડે છે, ખબર નથી પડતી? મારા માથામાં દુ:ખાવો ઉપડ્યો છે. શૂળ પરોવાય છે, મને પડવા દે પથારીમાં.’
આવું આવું વિચિત્ર ભાષણ કરતો કરતો મહેમાન બિછાના પાસે પહોંચ્યો ત્યારે એ પોતાના શરીર પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. એ ભફ દેતો બિછાનામાં પડ્યો. એણે પોતાનું માથું બે હાથોમાં જકડી લીધું. હજુ તો હમણાં હસતું હતું એ જ મોં ઓચિંતાનું રિબાતું, ઓશિયાળું બની ગયું.’
અમરબાઈ એની સામે ચૂપચાપ ઊભેલી હતી. પડ્યાં પડ્યાં મહેમાને એને નિર્ભય ઊભેલી નિહાળી. એના હોઠ બિડાયેલા હતાં, એની આંખોમાં કોઈ જાતની અધીરાઈ નહોતી.
‘તું ભાગતી કેમ નથી? તું હજુ મારી સામે ઊભવાની હિંમત શી રીતે રાખી રહી છો?’ માથમાં શૂળો ભોંકાતા હતા તેની અરેરાટી કરતાં કરતાં મહેમાને પૂછ્યું.
અમરબાઈએ માત્ર માથું ધૂણાવ્યું.
‘તેં મને આ શું કરી મૂક્યું?’મહેમાન કષ્ટાતો કષ્ટાતો કહેતો હતો. માર્ગે મારાં ઘોડાંને ભૂલાં પાડ્યાં તારા એ શબ્દે જ, અત્યારે મને આ દુ:ખાવામાં નખાવ્યો એ પણ તારા આ શબ્દે જ.’
અમરબાઈને પહેલી જ વાર ખબર પડી કે પોતાની પછવાડે ઘોડા દોડાવનારો બગેશ્વરનો કાઠીરાજ આ પોતે જ હતો. હવે એને સમજાયું કે ‘સત દેવિદાસ’ ના બોલે એ એના માથામાં શૂળો શા કારણે પરોવ્યાં હતાં, જંગલમાં એ બીનો હતો તે જ વાતની અસર અત્યારે થઈ હતી.
‘ભલી થઈને તારા મરણજાપ પાછા વાળી લઈશ?’
અમરબાઈ રોગીના એ શબ્દો સામે શાંતિથી હસી.
વાડ્યની બહાર એ વખતે ચારેક ઘોડાઓના ડાબલાઓ પછડાયા.
ઝાંપા ઉપર ઘોડાં ખડાં રહ્યાં, અસવારોએ બહાર ઊભા ઊભા હાક મારી, ‘સત દેવિદાસ!’
‘સત દેવિદાસ !’ અમરબાઈનો સામો સૂર આ અતિથિગૃહમાંથી ઊઠ્યો.
‘મને- મને-‘ કાઠીએ લાચારીભર્યાં સ્વરે કશુંક કહેવાનો પ્રયત્ન કર્યો, પણ માથું નીકળી પડતું હતું, નસો ખેંચાતી હતી, બાલોશિયાની નીચે માથાને દાટીને એ વેદના સહેતો હતો. જાણે જીવતો સળગતો હતો. વધારામાં એણે બહાર વા’ર આવી સાંભળી. એને પોતાનું મોત છેલ્લી છલાંગો ભરતું દેખાયું.
‘હમણાં જ તમારા માથાના દુ:ખાવાની દવા લાવું છું.’ એટલું બોલીને અમરબાઈએ બારણાં ખોલ્યાં. પાછાં ધીરેથી બંધ કરી બહારથી સાંકળ ચડાવી. સાંકળ ચડી તેનો અવાજ અંદર સૂતેલા પરોણાંએ સાંભળ્યો. એને પોતાનાં બૂરા તકદીરની ખાતરી થઈ ચૂકી.
ઝાંપે જઈને એણે તારોડિયાના પ્રકાશમાં અસવારો માંયલા મુખ્ય અસવારને ઓળખી લીધો.
‘સત દેવીદાસ, આપા શાદુલ ખુમાણ !’
‘કેમ બાપ, અસૂરા આવવું પડ્યું, આવી મેઘલી રાતે?’
‘ઓલ્યો અસૂર આજ તમારી પાછળ પડ્યો’તો ને?’
‘કોણ?’
‘બગેશ્વર વાળો,,,’
‘કોણે કહ્યું? મને તો ખબર નથી ભાઈ !’
‘ત્યારે મને શું ખોટા સમાચાર મળ્યા? ગામેગામથી ખેપિયા દોડ્યા’તા કે પરબ વાવડીવાળી જોગણની વાંસે બગેશ્વરવાળાનાં ઘોડાં છૂટ્યાં છે. એ સાંભળીને જ હું મારતે ઘોડે ભેંસાણથી આવ્યો.’
‘ના રે ના, આપા શાદુળ, કોઈકે બનાવટ કરી. નાહક તમારાં ઘોડાંને તગડ્યાં ! ખમા માડી ! ઊતરશો?’
‘કહો તો ઊતરીએ, જરૂર હોય તો રાત વાસો રહીને જઈએ, બાકી તો દોડાદોડ કરી રહ્યા છીએ દેવીદાસ મહારાજની શોધમાં.’
‘કેમ શોધમાં? જૂનાગઢ લઈ ગયા છે ને?’
‘ના રે ના, નામ દીધું જૂનાગઢ પોલીસનું, પણ કઈ ગયા છે કોઈક બહારવટિયા!’
‘બહારવટિયા?’ અમરબાઈને અચંબો થયો : ‘બહારવટિયા દેવીદાસજીને શા માટે લઈ જાય?’
‘હવે એ જાતે દા’ડે જાણશો.’
કોઈપણ ગર્ભિત અર્થવાળી અથવા માર્મિક વાણીનો અર્થ ન કઢાવવો એવી અમરબાઈની પ્રકૃતિ હતી. એ જવાબ આપ્યા વિના જ ઝાંપો ઝાલીને ઊભી હતી.
ફરી એક વાર અસવારે કહ્યું : ‘ભે નથી લાગતી ને? નીકર બે જણા ને આંહી મૂકી જાઉં.’
અતિથિ ગૃહની પથારીમાં પડ્યો પડ્યો આ વાત સાંભળી રહેલ પરોણો લગભગ ઊભો થઈ ને ગોદડામાં સંતાવાની તૈયારી કરતો હતો. એનું આખું શરીર પસીને રેબઝેબ થઈ ગયું હતું. ત્યાં તો એને પોતાના. મૃત્યુખંડમાંથી મુક્તિશબ્દ સાંભળ્યો : ‘ના ભાઈ! તમે તમારે જાવ, બાપુની શોધ કરો. અહીં તો મારે રામના રખવાળા છે.’
‘ઠીક ત્યારે, સત દેવીદાસ.’
‘સત દેવીદાસ.’
એ શબ્દે અમરબાઈએ વિદાય દીધી. થોડી વારમાં જ ઘોડાંના ડાબલાં ચૂપ બન્યાં. અમરબાઈ પાછાં અતિથીગૃહમાં દાખલ થયાં. પળેપળ જેની જુગજુગ જેવડી જતી હતી, મોતને અને જેણે તસુવા છેટું હતું, જેની જીવાદોરી પોતે દૂભાવેલી એક સ્ત્રીના હાથમાં પડી ગઈ હતી, તે માણસે જાણે કે પોતાનાં વેરાઈ ગયેલાં હાડકાં પાછાં એકઠાં કર્યા.
‘તમારે માટે આ ડીંડલા થોરનું દૂધ લાવી છું, ભાઈ ! લ્યો હું માથે ચોપડી દઉં.’
એમ કહીને અમરબાઈએ કાઠીની પથારી પર એક પાંદડાના પડિયા સાથે લળી. થોરનું દૂધ એને લમણે ચોપડીને પોતે થોડી વાર સ્થિર ભાવે ઊભી રહી. સૂતેલા મહેમાનની આંખોમાં અબોલ લાચારી હતી. પછી અમરબાઈએ ફરીથી કહ્યું, ‘હવે હું સૂવા જાઉં છું, વીર ! ને જરૂર હોય તો મને યાદ કરી કહેજો કે ‘સત દેવીદાસ !’ એટલે હું ભરનીંદરમાંય એ શબ્દ સાંભળીશ.’ ચાલી જતી એ જુવાન વેરાગણનો શબ્દેશબ્દ અક્કેક તમાચા જેવો લાગ્યો.
પ્રભાતે અમરબાઈ જ્યારે જાગ્યાં ત્યારે કાઠીરાજ અને એનો સાથી નાસી ગયા હતા.
(ક્રમશઃ)
– ઝવેરચંદ મેઘાણી
આ નવલકથાના બધા જ ભાગ સંગ્રહ કડી ‘સંત દેવીદાસ‘ પર ઉપલબ્ધ છે અને આવનાર ભાગ પણ જેમ જેમ ઉપલબ્ધ થતા જશે તેમ તેમ અહીંથી વાંચી શકાશે.
{અહીંથી પ્રસ્તુત કથા દરેક ઘટનાએ અમરમાંની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સંત દેવીદાસ સાથે રક્તપીતિયાંની સેવા કરવા આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ સંસારની સઘળી વ્યવસ્થાઓ અને સુખ ત્યજીને એ સમયે જે સાહસ દેખાડ્યું એ તેમના દ્રઢ નિશ્ચયનું દ્યોતક છે અને તેમના એ હ્રદયપરિવર્તનનું સચોટ વર્ણન શ્રી ઝવેરચંદ મેઘાણી અહીં આલેખી રહ્યા છે. સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી. સ્ત્રીઓના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ સોરઠી ઉદાહરણ વિલક્ષણ છે.}
અદ્ભુત! આભાર.