બે ગઝલરચનાઓ – જીજ્ઞા ત્રિવેદી 7


૧. હોય પણ ખરી

શક્યતાઓ સૌ ઠગારી હોય પણ ખરી,
ફૂલ ધારો ત્યાં કટારી હોય પણ ખરી.

જે ખોરડું દેખાડતું ‘તું રોજ આંખ,
આબરૂ એણે વધારી હોય પણ ખરી.

દ્વાર બંધ કેમ કરું આફતોને જોઇ,
મહેમાન થઇ એ પધારી હોય પણ ખરી.

લાગણીને થીજવી દે એ પ્રકારની,
કો’ પ્રક્રિયા એકધારી હોય પણ ખરી.

ગેરસમજના અટપટા રસ્તેય મિત્રો,
સમજદારોની સવારી હોય પણ ખરી.

તડકા વચ્ચે એક બે ટહુકા ઉમેરી,
જિંદગી એણે મઠારી હોય પણ ખરી.

એમ ના આંબી શકે આકાશને પીંછું,
પાંખ સ્વપ્નોએ પ્રસારી હોય પણ ખરી.

૨. બિસ્માર છે રસ્તો

સંવેદના દર્શાવતો બિસ્માર છે રસ્તો હજી.
માણસ સુધી પ્હોંચાડતો બિસ્માર છે રસ્તો હજી,

સંદેહની સૌ ફૂટપટ્ટીઓ ફગાવી દઇ બધે,
વિશ્વાસને આકારતો બિસ્માર છે રસ્તો હજી.

છે એક વત્તા એક દરિયા પ્રેમના અગિયાર બસ,
એવું ગણિત શીખવાડતો બિસ્માર છે રસ્તો હજી.

જ્યાં ત્યાં થતાં વ્યવહારમાં, આતંકવાદી સ્વાર્થના-
વિસ્ફોટથી સંભાળતો બિસ્માર છે રસ્તો હજી.

ઉપયોગ ખાડા-ટેકરાનો ઢાલ રૂપે થઇ શકે,
દૃષ્ટાંત એનું આપતો બિસ્માર છે રસ્તો હજી.

– જીજ્ઞા ત્રિવેદી

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદી પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પછી હવે બીજો સુંદર સંગ્રહ ‘શુકન સાચવ્યાં છે’ લઈને ઉપસ્થિત થયાં છે. ટૂંક સમયમાં એ સંગ્રહની ગઝલો તથા સંગ્રહનો આસ્વાદ આપણે માણીશું. આજે પ્રસ્તુત છે જીજ્ઞાબેનની બે નવી તરોતાઝા ગઝલો. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા બદલ જીજ્ઞાબેનનો આભાર અને શુભકામનાઓ. તેમના સંપર્કસૂત્ર છે, મો – ૯૪૨૭૬૧૪૯૬૯ અને ઈ-મેલ – jbt700@gmail.com


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “બે ગઝલરચનાઓ – જીજ્ઞા ત્રિવેદી

  • Kalidas V. Patel { Vagosana }

    જીજ્ઞાબેન,
    સુંદર ગઝલો આપી. આભાર.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • P.K.Davda

    પ્રથમ ગઝલના બધા પ્રતિકો યથાર્ત છે અને શક્યતાઓ લોજીકલ છે. રજૂરાત અસરકારક છે, છતાં મારકણી નથી, નરમાશથી સમજાવવાનો પ્રયત્ન છે.
    બીજી ગઝલની અંતિમ ચાર પંક્તિઓ ખૂબ જ અસરકારક છે.
    મને બન્ને ગઝલ ગમી છે.

  • UMAKANT V. MEHTA ( New Jersey)

    પંખી તો ઉડતા ભગવાન છે. સુંદર રચના.કલાપીની યાદ તાજી થઈ. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં પ્રભુ દર્શન
    ઉમાકાન્ત વિ. મહેતા. ( ન્યુ જર્સી)