વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૬} 1


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

સાડા ચીડિયા દ ચમ્બા વે
બાબુલ અંસા ઊડ જાણા
સાદી લમ્મી ઉડાઈ વે
બાબુલ કીદે દેસ જાણાં

પ્રિયાની વિદાઈ ચાલી રહી હતી. સુખદ જીવનની શરૂઆત હીબકાંમઢ્યા આંસુથી થઇ રહી હતી. એક નાના સરખાં ગુરુદ્વારામાં માંડ પચાસેક સ્નેહી સંબંધીઓની હાજરીમાં પ્રિયા ને અજિત પરણીને ઉતર્યા હતા. જે પણ બધી ધામધૂમ કરવાની હતી તે હવે કેનેડા જઈને કરવાની હતી. અજિત વર્ષોથી ત્યાં સેટલ હતો, એના કુટુંબી મિત્રો સ્નેહી બધા જ ત્યાં હતા.

‘માધવી, તું કેનેડા આવી શકે?’ લગ્નના શ્યામગુલાબી રંગના જરીયાળા જોડામાં શોભતી પ્રિયાએ થોડી અવઢવ સાથે પૂછ્યું હતું, એ જવાબ જાણતી હોવા છતાં જાણે કંઇક ચમત્કાર થઇ જવાનો હોય તેમ પૂછી રહી. માધવીને સામાન્ય સંજોગમાં પ્રિયાનું કહેણ બિલકુલ સ્વાભાવિક લાગ્યું હોત પણ અત્યારે પરિસ્થિતિ જૂદી હતી. એને શું જોઇને મને પૂછ્યું હશે? મને જલાવવા જ ને? કે પ્રેગનેન્ટ હું ને લગ્ન એ કરી રહી છે…

‘પ્રિયા, ભલે હું ન આવી શકું પણ તને તો ખબર જ છે ને કે તું જ્યાં જશે ત્યાં, ને હું જ્યાં હોઈશ ત્યાં એકબીજાના સ્મરણમાં તો હોઈશું જ ને…’ સિફતપૂર્વક જવાબ તો વાળ્યો પણ એમાં રહેલી ધાર પ્રિયાને છરકો કરી ગઈ. પોતે એવી તો શું દૂભવી દીધી માધવીને? એક મિત્રને નાતે માધવીને માત્ર સચ્ચાઈ જણાવી હતી ને, પણ માધવીનું વર્તન એવું હતું જાણે પોતે સચ્ચાઈ જણાવીને કોઈ અપરાધ કરી દીધો હોય.

બાજુમાં ઉભેલો, હવે પતિ બની ગયેલો અજિત બંને સહેલીઓની નોકઝોંકમાં સૂર પુરાવતો હોય તેમ હસીને બોલ્યો પણ ખરો : અરે હા માધવીજી, તમારે માટે પણ ત્યાં જ ઠેકાણું શોધી કાઢીએ, બંનેને એકલું નહીં લાગે, કેમ ખરું ને પ્રિયા?

વાત તો માત્ર મજાક હતી પણ માધવીના દિલ પર હળવો ઘસરકો જરૂર કરી ગઈ : પોતાના ભાગ્યમાં આ બધું લખાયું હશે કે કેમ?

એક અઠવાડિયું તો આંખ બંધ કરીને ખોલે એમ પસાર થઇ ગયું હતું. હજી કાલે તો મંગની થઈને પ્રિયા આજે પરાઈ થઇ જઈ રહી હતી. બધું એટલું ઝડપભેર બની રહ્યું હતું કે જાણે કાલની તો વાત હતી. મનમાં કશુંક વલોવાતું રહ્યું, પણ શું? પ્રિયાના ભાગ્ય માટે થઇ રહેલી હળવી ઈર્ષ્યા હતી?

પ્રિયાના લગ્નમાંથી ઘરે આવતાવેંત માધવીએ બેડ પર પડતું મૂક્યું. શરીરમાં અજબ પ્રકારની અશક્તિ વર્તાઈ રહી હતી.

‘થાકી ગઈ બેટા?’ આરતીમાસી નજીક આવીને બેઠા : પ્રિયા ક્યારે જાય છે?

‘બસ, બે ચાર દિવસમાં.. પણ માસી હું એને હવે નહીં મળું બસ…’ માધવીનો અવાજ જરા ભારે થઇ ગયો.

‘હમ્મ, એ તો બરાબર છે પણ તારે મળવું હોય તો પણ ક્યાં હવે શક્ય છે?’ થોડીવાર વિચાર કર્યા પછી માસી બોલ્યા જે વાત સમજાઈ ન હોય તેમ માધવી એમની સામે પ્રશ્નાર્થભરી નજરે તાકી રહી.

‘આપણે નક્કી કર્યું છે તેમ જો આશ્રમ જવું હોય તો હવે વિલંબ કરવાનો અર્થ નથી..’ આરતીમાસીનો ગંભીર ચહેરો કહેતો હતો કે તેમના મગજમાં કોઈક પ્લાન જડબેસલાક બની ચૂક્યો છે.

‘પણ માસી…’ માધવીને કંઇક કહેવું હતું હતું પણ જરા ખંચકાઈ.

‘હં શું? શું કહેવાનું છે હવે?’

‘કદાચ મનમાં પ્રશ્ન થતો હશે કે રાજા આવશે તો કઈ રીતે તને સંપર્ક કઈ રીતે કરી શકશે એમ જ ને?’ માસીનો ચહેરો ગંભીર હતો, માધવીને ઘડીભર તો લાગ્યું કે માસી કોઈક વ્યંગ તો નથી કરી રહ્યા ને?

‘તું ચાહે તો પેલા એના મદદનીશને આશ્રમનો નંબર, એડ્રેસ તો આપી શકે છે ને! માત્ર ફોન શું કામ, રાજા ચાહે તો ત્યાં જાતે આવી શકે છે ને… કોણ રોકે છે એને?’ આરતીમાસી પાસે જાણે તમામ પ્રશ્નોના જવાબ હતા, પૂછવા ચાહેલા – ન પૂછવા ચાહ્યા હોય તેવા પણ.
.
‘હું ઉતાવળ કરું છું કારણ કે હિમાચલના પહાડી વિસ્તારમાં આવેલા આ આશ્રમમાં જવા માટે ઠેકઠેકાણે સડક કાચી છે. અહીંથી ચંદીગઢ તો પહોંચી જઈશું પણ ત્યાંથી બાય રોડ પૂરા છ સાત કલાકની મુસાફરી . ને આ અવસ્થામાં આટલી લાંબી મુસાફરી ..! એટલે મારું માને તો જેટલા જલ્દી પહોંચી જવાય એ જ બહેતર છે.

માસી ભાણેજ વચ્ચે વધુ સંવાદ ન થયો. માધવીએ કપડાં બદલી બેડમાં લંબાવ્યું . સાઈડમાં રહેલા લેમ્પને ઓફ કરવાથી અંધકારનું સામ્રાજ્ય છવાઈ રહ્યું, જાણે રૂમમાં અન્ય કોઈની ઉપસ્થિતિ જ ન હોય : કાશ એવું મન સાથે પણ થઇ શકતું હોત !!

* * * *

કાંડાથી કોણી સુધીના રાતાં, સોને મઢેલાં ભારેખમ ચૂડા ને મેહંદીભર્યા હાથ, શ્યામ ગુલાબી સલવાર કમીઝમાં નવીનવેલી દુલ્હન પ્રિયાની આતુર આંખો એરપોર્ટ પર પણ સખીને શોધતી રહી.

માધવીને ખબર હતી કે પોતે ક્યારે ટોરન્ટો જાય છે, આડે ચાર દિવસ હતા છતાં એકવાર ન મોઢું દેખાડ્યું.

અચાનક શું થઇ ગયું મધુને?

લગ્નનો પ્રસંગ સાદાઈથી છતાં વિના કોઈ વિઘ્ને પત્યો હતો. ઘરના વડીલોને પણ અજિત પરફેક્ટ મુરતિયો લાગ્યો હતો ને! ન કોઈ વિરોધ, ન કોઈ ઘર્ષણ, બસ આનંદમંગળથી બધું સંપન્ન થઇ રહ્યું ને હવે મુંબઈ એરપોર્ટ પર ટોરન્ટો જતી એરકેનેડાની ફ્લાઈટ પ્રિયાને લઈને ટેક ઓફ થઇ રહી હતી. મનગમતી ચાહત ફળવાનું સ્વપ્ન પૂરું થયું હતું છતાં પ્રિયાના મનમાં ઉદાસીનું જાળું ન વિખેરાયું તે ન જ વિખેરાયું. કારણ બીજું કોઈ નહીં ને માધવી જ હતી : એને એવું તો કઈ વાતનું ખરાબ લાગી ગયું? કે પછી પોતાથી અજાણતાં રાજાની બદબોઈ થઇ ગઈ એ કારણ હતું? જે હોય તે, પણ કોઈ સાવ આ રીતે છેડો ફાડી નાખે? મહેંદીમાં, લગ્નમાં માધવીનું વર્તન જ એટલું ઠંડુ હતું જાણે પરાણે લગ્નપ્રસંગે હાજરી આપવા આવેલા કોઈક મહેમાન!!

ઘરે કદાચ મહેમાનોની ભીડમાં આવવાનું ટાળ્યું હોય પણ એરપોર્ટ પર પણ ન આવી? પ્રિયાના મનના પ્રશ્નોનું સમાધાન થયું હોત જો માધવીએ દિલ ખોલીને કોઈક વાત કરી હોત. મુંબઈથી વિદાઈ લઈને કેનેડા જઈ રહેલી પ્રિયાને ક્યા ખબર હતી કે માધવીને સખીનો પર્યાય પોતાની માસીમાં પૂરો થતો દેખાયો હતો. અને એટલે જ પ્રિયા મુંબઈ છોડીને જાય તે પહેલા તો માધવી મુંબઈની વિદાય લઈને નીકળી પડી હતી?

ચંદીગઢથી પાલમપુર, પૂરા સાત કલાકની થકવી દેનારી મુસાફરી પછી આશ્રમના દર્શન થયા. ચારે તરફ પહાડી વચ્ચે, આછા પાતળાં ચીડના વૃક્ષોના વનમાં લપાઈને બેઠેલું સંકુલ, એક વિશાળ મેદાન અને તેમાં ઈંટના બનેલા કોટેજ, એક તરફ હતી ગૌશાળા, આશ્રમ હોવા છતાં ન કોઈ મંદિર હોવાનું જણાયું કોઈ ક્રિયાકાંડ થતા હોય એવું લાગતું તો નહોતું. મેદાનની ચારે બાજુ નાના નાના પંદર વીસ કોટેજ અને જમણી તરફ એક એવું જ સાદગીભર્યું એક મોટું કોટેજ, એ હતો આરતી માસીનો આશ્રમ : સ્વરૂપ વિદ્યાશ્રમ.

આશ્રમ પહોંચ્યા ત્યારે સાંજ ઢળી રહી હતી. નવી જગ્યા, નવું વાતાવરણ અને સમ ખાવા પૂરતાં પણ ન દેખાય તેવી પાંખી અવરજવર. માધવીનું દિલ અકારણે જ ગભરામણ અનુભવી રહ્યું : જંગલના કયા ખૂણે આવ્યો હશે આ આશ્રમ, ફોન નંબર અબીરને આપ્યો તો છે પણ ફોનલાઈન તો ચાલતી હશે ને! એવામાં રાજા પોતાને શોધશે પણ ક્યાં?

લાંબી મુસાફરીએ માધવીની હાલત બગાડી હતી. કાચા પાકા રસ્તાવાળા હેરપીન વળાંક અને બાકી હોય તેમ પેટમાં થઇ રહેલો ચૂંથારો, પાણી સુદ્ધાં ટક્યું નહોતું. બાકી હોય તેમ હળવું બ્લીડીંગ પણ શરુ થયું હતું. મુંબઈથી દિલ્હી, દિલ્હીથી ચંડીગઢ ને ત્યાંથી પાલમપુર, મુસાફરીમાં સતત ચોવીસ કલાકથી વધુ થઇ ગયા હતા. પાંચ મહિનાની ગર્ભવતી માટે અત્યંત વિકટ એવી મુસાફરી આખરે પૂરી તો થઇ પણ માધવીની હાલત બગાડીને.

પ્રાઇવેટ એમ્બેસેડર ટેક્સી આશ્રમના ચોગાનમાં પ્રવેશી એવી જ બે યુવાન છોકરીઓ આરતીને આવકારવા દોડી આવી : દીદી આવી ગયા… બંનેએ પાસે આવીને તેમના ચરણસ્પર્શ પ્રણામ કરીને આદેશની રાહ જોતી હોય તેમ એક તરફ ઉભી રહી ગઈ. ટેક્સીમાંથી ઉતરતાં જ માધવીને આશ્રમ અદ્રશ્ય થઇ જતો લાગતો હોય તેમ દ્રષ્ટિ ધૂંધળી થતી ચાલી.

‘માસી, મને કંઇક થઇ જાય છે…’ માધવીની આંખો બિડાઈ રહી હતી. ઘડીભર માટે તો થયું કે એ જ્યાં ઉભી છે ત્યાં જ ઢગલો થઇ પડશે. આરતીએ લપકીને જમીન પર ફસડાઈ જતી બેહોશ માધવીને ઝાલી લીધી : ગૌરી, કુસુમ… જલ્દી આવો…

માસીના એક જ બોલ પર બંને યોગિનીઓ દોડતી આવી. ત્રણેએ મળીને બેહોશ માધવીને એક કોટ પર સુવાડી.

‘દીદી, હાલત તો….’ બેમાંથી નાની લાગતી કુસુમ થોડી વ્યગ્ર થઇ જઈ બોલી.

‘શ.. શ.. શ..’ પોતાની ડાબા હાથની તર્જનીને હોઠ પર રાખી કુસુમને શાંત રહેવાની સંજ્ઞા કરતા આરતી માસીએ ગૌરી સામે જોયું : ઉપચારની જરૂર તો પડશે જ. બેહોશીની પક્કડ વધુ સખત થઇ કે શું પણ એ પછી શું થયું તે માધવીથી અજાણ્યું હતું.

માધવીએ જયારે આંખો ખોલી ત્યારે સવાર થઇ ચૂકી હતી. આગલે દિવસે અનુભવાઈ રહેલી પીડા ગાયબ હતી. માધવીએ આસપાસ નજર નાખી. વાતાવરણ કોઈ અજબ સુગંધથી છલકાતું હતું અને બાકી હોય તેમ પંખીઓનો કલરવ, નાની કુસુમ જાણે એના જાગવાની રાહ જોતી બેઠી હોય તેમ માધવીએ આંખો ખોલી છે એ જોઇને દોટ મૂકી. એ કેમ મૂકી એ તો માધવીને ત્યારે સમજાયું એ જયારે પોતાની સાથે માસીને લઈને પછી ફરી.

આંખો ખોલવા સાથે માધવીએ બેઠા થવાનો પ્રયાસ કર્યો. પણ એમાં સફળતા ન મળી : રહેવા દે થોડીવાર રહીને શક્તિ વર્તાય પછી… માસીનો અવાજ પીઠ પર અથડાયો.

માધવી જોઈ રહી માસીના નવા વેશને. એ પણ પેલી યુવાન સાધિકાઓની જેમ જ સંપૂર્ણપણે શ્વેત સુતરાઉ સાડી જેવા વસ્ત્રમાં સજ્જ હતા, સવારના સૂર્યપ્રકાશમાં ત્રણેના ચહેરા અસામાન્ય તેજથી નીખરી રહ્યા હતા. વાતાવરણમાં હતો પંખીઓનો મીઠો કલરવનો શોર અને મનને તરબતર કરી નાખતી ભીની ભીની કોઈ ફૂલની સુગંધ.

આંખ ખુલતાં જ ચિંતાઓનો હલ્લો થયો હોવા છતાં પહેલીવાર જાણે કંઈ જ સ્પર્શી ન રહ્યું હોય તેમ મન ભાર વિનાનું જણાયું.

થોડીવારે માધવી ઉભી થઇ શકી. શક્તિએ પોતાનું કામ કર્યું હતું. હળવે હળવે પગલે માધવી બહાર ફેલાયેલા વરંડા સુધી આવી. સવારના ઉજાસમાં આશ્રમ કંઇક જુદો જ લાગી રહ્યો હતો. ચિત્રકારની પીંછી ફરી વળી હોય તેવું ચોખ્ખું નીલું આકાશ ને તેમાં હળવે હળવે મહાલી રહેલા વાદળ જાણે આશ્રમના મહેમાન બનવા આવી રહ્યા હોય તેમ સરકી રહ્યા હતા. ઊંચા કદાવર ચીડના વૃક્ષો નીચે પસાર થતાં રસ્તાને હસીને જોઈ રહ્યા હોય તેમ ઉભા હતા. જ્યાં જુઓ ત્યાં સંગીત જીવંતતાનું હતું. વસંતનો પગરવ જાણતો હોય તેમ વનરાજી પર નવી કુંપળો ફૂટી રહી હતી. વાતાવરણમાં હતી એક ઉર્જા, જાણે પ્રત્યેક પરિબળને જીવવાનું બળ આપી રહી હોય તેવી, એ પછી વનરાજી હોય કે પશુ પંખી,નાના મોટા પંખીઓ કોઈ ચિંતા વિના ચોગાનમાં પોતાની મસ્તીમાં ફરી રહ્યા હતા.

પોતાની પાસે આરતી માસી આવીને ઉભા રહી ગયા છે એ તો માધવીને પાછળ જોયા વિના સમજાઈ ગયું. ‘આ છે મુક્તાંગન… કોઈ ને પણ માટે, પશુ હોય પંખી હોય કે માનવ … ગુરુજીની આ એક માત્ર શીખ છે, આ પૃથ્વી સહુ કોઈની છે, જેટલી માનવની એટલી જ આ તમામ જીવસૃષ્ટિની પણ… એ જ છે સાચો ધર્મ… જીવો ને જીવવા દો.’

‘ગુરુજી?’ માધવીએ પીઠ ફેરવી માસી સામે જોયું : ‘તમારા ગુરુજી?’

‘હા, સહુના… એમ કહું તો વધુ યોગ્ય…’ આરતી મોટા દેખાતાં લાલ રંગની ઈંટવાળા કોટેજ તરફ જોઇને બોલી.

‘ત્યાં રહે છે ગુરુજી….?’ મનમાં પ્રશ્ન થયો. એની નજર પેલા મોટા કોટેજ પર હતી.

આરતીએ જવાબમાં માત્ર ડોકું ધુણાવ્યું, હા કે ના કંઈ ફલિત ન થયું.

‘એમ? કોઈકવાર મળી શકાય એમને?’ માધવીએ સાહજિકરીતે પૂછ્યું.

‘ગુરુજી તો હંમેશા સાથે જ હોય છે ને… ચલ હવે તું તૈયાર થઇ જા હું તને આશ્રમ દેખાડું..’ આશ્રમ જીવનનો પરિચય આપવો હોય તેમ આરતી માસી ત્યાંથી આગળ આગળ ચાલતા રહ્યા.

દિવસ ઉગતા અને આથમતા રહ્યા. સવાર પડતી પંખીઓના કલરવ વચ્ચે અને રાત પડતી શાસ્ત્રીય સંગીતના સમન્વયમાં ગવાયેલી ઋચાઓ સાથે.

‘જેવા વાતાવરણમાં રહીએ જીવ એવો બંધાય, પણ હા, પૂર્વસંચિત કર્મ તો કોઈ જીવનો પીછો નથી છોડતાં એ વાત પણ સાચી.’ માધવીને ગર્ભસંસ્કાર વિષે માહિતી આપતાં માસી કહેતા, માસી ભાણેજ વચ્ચે એક અજબ સંવાદ રચાતો જતો હતો. જેવો કે એક માદીકરી વચ્ચે હોય.

‘સાચે? એવું સાચે હોય શું? કે તમે એવું માનો છો?’ માધવીની આંખોમાં નાના વિદ્યાર્થીની આંખમાં હોય તેવી મુગ્ધતા હતી.

‘જો એમ ન હોત તો તારી મમ્મી આરુષિ ને મારા જીવન આમ ઉત્તરદક્ષિણ હોત?’ હોઠે આવી ગયેલો મનમાં ઉગેલો જવાબ આરતીએ ગળી જવો પડ્યો: આરુષિએ દીકરીને પોતાના બાળપણ વિષે કે પોતાની માત્ર સાત મિનીટ મોટી જોડિયા બહેનની વાત ન કરી હોય તો એવા સંજોગોમાં પોતે કંઇક કહેવું બિલકુલ અનુચિત હતું. જો આ વાત છેડાઈ તો એની સાથે જોડાયેલાં એક એક તંત આપમેળે ખુલી જાય તો? વિશ્વજીતની મરજી હશે દીકરીને આ બધાથી અલિપ્ત રાખવાની, તો પછી પોતે કોણ એ રાઝ ખોલનાર?

‘માસી… શું થયું? ક્યાં ગુમાઈ ગયા? એમ ચૂપ થઇ જાવ એટલે એનો અર્થ એક જ થાય કે તમારી પાસે એનો જવાબ નથી, એ ન ચાલે.’ માધવી સમજી કે પોતાના પ્રશ્નની યથાર્થતાએ આરતીને ચૂપ કરી દીધી. માસી ભાણેજની ઉંમરમાં તફાવત જુઓ તો બાવીસ વર્ષનો હતો પણ કોઈક પોઈન્ટ પર એ ભેદ બિલકુલ વિસરાઈ જતો. આરતી માસીની ઉપસ્થિતિ એ એક કામ બહુ સારું કર્યું હતું. પ્રિયાના જવાની ખોટ ખબર પણ ન પડે તે રીતે ભરાતી ચાલી હતી.

રોજ સવાર ખુશનુમા ઉગતી અને સાંજ સાત્વિકરીતે આથમતી. ફરિયાદનું કોઈ કારણ પણ નહોતું, છતાં ભોળાં પારેવાં, ખિસકોલી, ચકલી ને પોપટને દાણાં નાખતી વખતે મનમાં ક્યારેક પ્રિયા યાદ આવી જતી. રાજા તો રોજ જ યાદ આવતો ને મનમાં ફરિયાદ પણ ઉઠતી.

સાધના ખંડ અને નાનું સરખું કાર્યાલય હોવાથી મોટું કોટેજ લાલ ઈંટની ભીંતોવાળું હતું એટલે લાલ કોઠી તરીકે ઓળખાતું. જેમાં ટેલીફોન લાઈન છે કે નહીં એની તપાસ તો માધવીએ જતાંવેંત તરત જ કરી લીધી હતી. મનમાં અદમ્ય ઈચ્છા ઉઠતી કે એક ફોન રાજાને કરીને વાત કરી લે, એનો અવાજ સાંભળે, જાણે એક યુગ વીતી ગયો હાય તેવું અંતર અનુભવાતું હતું. ફોનલાઈન હતી ખરી પણ સદાકાળ ઠપ્પ રહેવા માટે. અબીરને આપેલું એડ્રેસ અને નંબર યાદ આવી જતા. માનો કે રાજા ફોન કરવા પ્રયત્ન કરતો પણ હોય અને ન લાગતો હોય એમ પણ બને ને! ના ના, તો એક પત્ર તો લખી શકે ને? માધવીનું મન અને દિલ ફરી તુમુલ દ્વંદમાં ઉતરી પડતા.

અહીં આવ્યાને દિવસો હવે મહિનામાં પલટાઈ ચૂક્યા હતા. એ જોઇને રોજ એકવાર તો વિચાર ઘૂમરાતો જ : કોણ જાણે આવનાર બાળક પોતાના પિતા સાથે શું વિયોગ લખાવીને આવ્યું છે?

‘બાળકની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે પણ માનું ખુશહાલ રહેવું ખૂબ જરૂરી છે. તેને બદલે હું જ્યારે જોઉં છું ત્યારે..’ માસીની ચિંતા વ્યાજબી હતી એ તો માધવીને પણ સમજાતું હતું. રાજાના વિચાર સાથે મ્લાન થઇ જતા ચહેરાને દિલના હાલની ચાડી ખાતાં રોકવો કેમ?

જો કે એમાં ઝાઝી મહેનત ન કરવી પડી. માધવી પાસે એક રામબાણ ઉપાય હતો સ્વપ્ન જોવાનો, ઉઘાડી આંખોના સ્વપ્ન…

બાળક જન્મે ને પોતે મુંબઈ જાય, રાજની સાથે લગ્ન ને બાળક સાથે હનીમૂન માટે કેનેડા… ચહેરા પરનું સ્મિત હોઠ સુધી સીમિત ન રહેતા આંખ ને કાન પર પણ સ્પર્શ્યું. અહીં આવીને તો આખું વિશ્વ બદલાઈ ચૂક્યું હતું. પ્રિયા યાદ કરીને ફોન કરશે અને દિવસો સુધી કોઈ સંપર્ક નહીં થશે એ શું વિચારશે? એ વિચાર માધવીને રોમાંચિત કરી દેતો.

‘મધુ, મેડીટેશનનો સમય થઇ ગયો, અને પેલી સ્તુતિઓ સાંભળી લીધી?’ એક એક મિનીટનો હવાલો આરતી માસીના હાથમાં હોય તેમ માધવીનો દિવસ સવારથી સાંજ ભરચક્ક રહેતો.
મેડીટેશન, સંતુલિત ખાણીપીણી, વ્યાયામ અને વાંચન. બાળક તંદુરસ્ત અને સ્વસ્થ આવે તેની પૂર્વ તૈયારીરૂપે, કારણ સાફ હતું, જે સ્ટ્રેસમાંથી, જે અસલામતીમાંથી ગુજરી રહી હતી એવા સંજોગોમાં આ બધું જરૂરી હતું. દિવસ પાણીના રેલાની જેમ સરતા હતા.

‘આજે નહીં, માસી પ્લીઝ… મને કઈંક સારું નથી લાગતું..’ માધવી આમ તો ડાહી કહ્યાગરી દીકરીની જેમ વાત સાંભળતી પણ એ દિવસે એના જીવને ચેન નહોતું.

‘શું થાય છે? કોઈ દુખાવો? કંઇક બોલે તો સમજ પડે ને બેટા…’ આરતી માથે, પીઠ પર, ઉદર પર હળવે હળવે હાથ પસવારતાં પૂછી રહી.

‘ના, કંઈ જ નથી થતું પણ…’ માધવીની આંખો છલકાઈ રહી : ‘ખબર નહીં, શું થાય છે મને! પણ કંઇ ગમતું જ નથી..’

‘પણ એટલે શું થાય છે તે તો બોલ…’ આરતી પરાણે વાતમાં ઘસડવાનો પ્રયત્ન કરતી બોલી જેથી માધવીનું ધ્યાન બીજે ક્યાંક ફંટાય.

‘મને ખબર નથી પડતી પણ મારો જીવ બળે છે, જાણે કંઇક અમંગળ થવાનું હોય… માસી, ડર લાગે છે, શેનો ખબર નહીં! મમ્મી, ડેડી તો બરાબર હશે ને? કે પછી પ્રિયા? પ્રિયા જોડે તો કંઇક અઘટિત નહીં થયું હોય ને?’ એક શ્વાસે માધવી સહુને યાદ કરતી રહી, માત્ર ન બોલી એક માત્ર રાજાનું નામ : રાજનું અમંગળ થઇ જ ન શકે, રોજ સવારે ધ્યાનમાં મન ઓમ પર કેન્દ્રિત થવાને બદલે રાજની સુખાકારી જ માંગતું રહેતું હતું. ને આરતી માસી જ કહેતા ને કે માંગવા પર તો ભગવાન પણ મળે, તાકાત માંગનારની પ્રાર્થનામાં હોવી જોઈએ.

‘માસી, પ્લીઝ લાલ કોઠીમાં જઈ ને ફોનલાઈન ચાલુ હોય તો મમ્મી ડેડીને લંડન એક કોલ તો કરો, બધું ઠીક તો છે?’ માધવીના સ્વરમાં હળવી ધ્રુજારી હતી. અમંગળ એંધાણના વર્તારાથી એ હચમચી ગઈ હતી.

‘મધુ, તું કોઈ ચિંતા ન કર, બધું બરાબર…’ હજી તો આરતીના શબ્દ પૂરાં થાય એ પહેલાં માધવીની ઊંહકારભરી ચીસ વાતાવરણને ચીરી રહી… ત્રણ સ્ત્રીઓએ મળીને માધવીને કોટ પર સુવાડી અને પછી તો નાના સરખા આશ્રમમાં ચહલપહલ મચી રહી.

જરૂર પડે પૂરા દિવસે હોસ્પિટલ જવું એવું વિચારીને આરતીએ નજીક પડતાં બૈજનાથની એક નાની એવી હોસ્પિટલમાં નામ તો લખાવેલું હતું, બૈજનાથ નાનું સરખું ગામ હતું, આશ્રમથી માત્ર વીસ મિનીટ દૂર, પણ હવે ત્યાં પહોંચાય એવી સ્થિતિ નહોતી.

‘ગભરાવાનું કોઈ કારણ નથી, કુસુમ તું પાણી ગરમ કરવા મૂક, ને ગૌરી તું ડોક્ટર વિદ્યાવતીની હોસ્પિટલમાં ફોન કર. જરૂર પડે તો એમને તેડી લાવવા માણસ મોકલ. મને લાગે છે, સમય થઇ ગયો છે.’ આરતીએ મોરચો સાંભળી લીધો હતો. એની અટકળ બિલકુલ સાચી હતી. માધવીને લેબર પેઈન શરુ ગયું હતું, હવે માત્ર રાહ જોવાઈ રહી હતી ડોક્ટર વિદ્યાવતીની.

ડોક્ટરને આવવા જેટલી પણ રાહ ન જોવી હોય તેમ માધવીની કોખમાં રહેલું બાળક અધીરું થઇ ગયું હતું. આરતી અને તેની મદદમાં ઉભેલી કુસુમ અને ગૌરી એ ઘડીના સાક્ષી બની રહ્યા.

‘દીદી, આ તો લક્ષ્મીજી પધાર્યા…’ ગૌરી રક્તભીનાં માનવબાળને અવતરતાં જોઈ રહી હતી.

‘ચલો, જેવી પ્રભુઈચ્છા…’ આરતીએ બાળકીને હાથમાં લીધી ને ત્યાં ડોક્ટર વિદ્યાવતીનું આગમન થયું.

‘અરે વાહ, લો કરો વાત, મારું કામ તો તમે જ પતાવી દીધું…’ ડોકટરના શબ્દ હજી પૂરેપૂરા નીકળે એ પહેલાં તો માધવીના ઉંહકારા ફરી તેજ થયા. તેની દર્દભરી ચીસ કોટેજમાં ફરી વળી.

‘આ શું?’ ગૌરી ને કુસુમ અવાચક થઈને જોઈ રહ્યા, નવાઈ ન તો ડોક્ટરને લાગી ન આરતી ને : ઓહ આ તો જોડિયા છે…

જેટલી સરળતાથી પહેલી બાળકી બહાર આવી તેના અડધા સમયમાં બીજા બાળકનું માથું દેખાયું. વધુ કોઈ વાટ ન જોવડાવવી હોય તેમ બીજી જ ક્ષણે બાળક બહાર હતું. વિના કોઈ તકલીફ બાળકીઓ જન્મી ચૂકી હતી.

‘ઓહ લક્ષ્મીજી તો પધાર્યા, સાથે સરસ્વતી પણ…’ કુસુમ ને ગૌરી સહિત સહુના ચહેરા પર સંતોષનું સ્મિત હતું અને બાળકીઓએ મોટે અવાજે રડવાનું શરુ કર્યું, જાણે દુનિયાને પોતાના આગમનની જાણ છડી પોકારીને કરવી હોય…

આ બધાથી જો કોઈ બેખબર હોય તો તે હતી માધવી, જે સરી ગઈ હતી બેહોશીના આગોશમાં… રાત્રે વીજળી ગૂલ થઇ ગઈ હતી. ઠંડીનો પારો પાંચ ડિગ્રી પહોંચી ચૂક્યો હતો. કટકા પડે તેવાં ઠંડા અંધકારના સામ્રાજ્યમાં માત્ર એક ઉજાસ હતો, આરતીના કોટેજમાં. મીણબત્તીના સોનેરી પ્રકાશમાં આરતી બે નવજાત બાળકીઓની કુંડળી માંડી રહી હતી.

જન્મ તારીખ ૩૧ ડિસેમ્બર ૧૯૮૦, સમય : ૧૨:૩૬, ૧૨ઃ૩૯, જન્મસ્થળ : પાલમપુર, હિમાચલ પ્રદેશ… ગણિત મંડતું જતું હતું.

કહેવાય છે કે જોડિયા બાળકોના નસીબ પણ સરખા જેવા જ હોય છે, પણ પરંતુ માત્ર ત્રણ મિનિટના અંતરે જન્મેલી આ બે બહેનોની નિયતિ તેમને કેવી ઉત્તરદક્ષિણ દિશામાં લઇ જવાની હતી એ ક્યાં કોઈને ખબર હતી?

(ક્રમશઃ)

આજે માણો વેર વિરાસત નવલકથાનો છઠ્ઠો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૬}

  • Uday B Shah, Navsari,

    આ વાર્તા વર્ષો પહેલા લખાઈ ત્યારે વાંચવાનો જેટલો રોમાંચ થતે તેમાં જરાય ઓટ આવી નથી. માનવીય સ્વભાવની ઊંચાએ અને ઊંડાઈને ખૂબ સરસ રીતે પ્રસ્તુત કરાઇ છે.