એકથી વધુ કામ, દરેકમાં અસંતોષ? – જીજ્ઞેશ અધ્યારૂ 11


તમને પણ મારી જેમ ક્યારેય એવો અસંતોષ થયો છે ખરો કે આજે કરવાના કામની યાદીમાંથી ઘણાંબધા કામ બાકી રહી ગયા હોય, અને એ પણ ત્યારે જ્યારે તમે તમારા દિવસભરના સમયમાં અત્યંત વ્યસ્ત રહ્યા હોવ? આખો દિવસ અનેક કામ માટે મહેનત કર્યા પછી પણ રાત્રે અફસોસ રહે કે અમુક અગત્યના કાર્યો તો રહી જ ગયા? આ કરવું હતું પણ રહી ગયું.. જો તમને એમ લાગતું હોય કે તમને તમારી રોજીંદી ક્રિયાઓ કરવા માટે, તમારી મનપસંદ પ્રવૃત્તિ માટે, પરિવારને સમય આપવા કે પોતાના સ્વાસ્થ્ય માટે સમય ફાળવવા દિવસના ૨૪ કલાક ઓછા પડે છે તો આ વિચારમંથન એક વખત અવશ્ય વાંચશો અને પછી તમારા પ્રતિભાવ આપો.

આપણે ક્ષણમાં નહીં, કલાકોમાં, દિવસોમાં અને વર્ષોમાં જીવીએ છીએ એમ મને લાગે છે, અર્થ એમ કે આપણે ક્ષણોને માણવાને બદલે કલાકો અને દિવસો પસાર કરીએ છીએ. આપણે જે કામ કરીએ છીએ એમાં દરેકમાં પૂર્ણતઃ સંતોષ મળે છે ખરો? અમુક કામમાં કદાચ સંતોષ મળે કારણ એ ગમતા હોય પણ વ્યવસાયિક જીવનના મોટા ભાગના કામમાં એવો સંતોષ મળતો હોતો નથી. અસંતોષ વર્તન પર, પ્રોડક્ટિવિટી પર અને ક્ષમતા પર ચોક્કસ અસર કરે છે અને એ અસર આખરે વધુ અસંતોષ આપે છે.. કરેલા કામના સંતોષ કરતાં ન કરેલા કામનો અસંતોષ અને ચિંતા વધી જાય છે.

કંપનીમાં થોડાક દિવસ પહેલા મારો વાર્ષિક મેડીકલ ચેકઅપ થયો, આશ્ચર્યકારક પરિણામ એ હતું કે મારે કોલેસ્ટ્રોલ વધારે આવ્યું. ડોક્ટરે તો અનેક સલાહો આપી પણ મેં મારી જાતને શું સલાહ આપી? મેં ખુદને પૂછ્યું કે શું હું એવી જીવનપદ્ધતિ જીવી રહ્યો છું જેમાં મને કામને અંતે આનંદ મળવાને બદલે તણાવ મળે છે? સંતોષને બદલે અસંતોષ મળે છે? સ્વસ્થતાને બદલે અસુરક્ષિતતાની ભાવના સતત વળગેલી રહે છે? મિત્રોને બદલે સ્પર્ધકો અને ઈર્ષ્યાળુઓ વધે છે? આ બધાનો જવાબ ‘હા’ માં મળ્યો. તો મેં વિચાર્યું કે આ તણાવને, આ ભારણને અને નિષ્ફળતાના ડરને દૂર કરવાનો ઉપાય તો શોધવો જ રહ્યો.

એક ઝેન કહેવત છે, ‘જ્ઞાનપ્રાપ્તિ પહેલા લાકડાં કાપો, પાણી ભરો, અને જ્ઞાનપ્રાપ્તિ પછી લાકડા કાપો, પાણી ભરો.’ આનો અર્થ શું? બુદ્ધે કહ્યું છે કે જ્ઞાનપ્રાપ્તિ કે બોધિસત્વ પ્રાપ્ત કરવા કોઈ વિશેષ પ્રયત્નની જરૂર નથી, તમે રોજેરોજ જે કામ કરો તેને પૂર્ણ મગ્ન થઈને કરો. વળી ફક્ત પરિણામ પર આધાર રાખવાને બદલે સમગ્ર પ્રક્રિયાને માણતા શીખવું જરૂરી છે. લક્ષ્ય પ્રાપ્તિ પછી તમે જે કરી રહ્યા છો એ મૂકી દેવાની જરૂર નથી, આમ કરવાથી લક્ષ્યપ્રાપ્તિ પછી પણ સતત આગળ વધતા રહી શક્શો.

વળી આ જ વાતનો બીજો અર્થ એ છે કે જો તમે સામાન્ય કાર્યો પૂર્ણ કરવામાં પણ તમારી પૂરી ક્ષમતા નહીં લગાડો કે સંતોષ ન મેળવી શકો તો કસોટીભર્યા મુશ્કેલ કાર્યો કરવાનું મનોબળ ક્યાંથી મળશે? જ્યારે આપણે જે તે ક્ષણમાં જીવતા થઈશું, કામમાં એકરૂપ અને મગ્ન હોઈશું ત્યારે કલાકો ક્ષણમાં વીતી જશે, અને જેટલા પણ કાર્યો કરી શક્શું તેમાં સંતોષ અને આનંદ મળશે, તણાવ ઘટશે તો તેની અસર તમારા અન્ય કાર્યોની ગુણવત્તા પર અને તમારી ક્ષમતા પર અવશ્ય પડશે.

તો સૌપ્રથમ એ ઓળખીએ કે

કયા કામ કરવા ખૂબ જરૂરી છે અને અસંતોષ આપે છે અને

કયા કામ કરવા જરૂરી નથી.

દિવસ દરમ્યાન કરવાના થતા કામમાંથી બિનજરૂરી કામ બાદ કરીએ, ત્યાર બાદ જે બાકી રહે એ કામમાં પણ જે અસંતોષ આપે છે એવી જરૂરી પ્રવૃત્તિઓમાં શું ખૂટે છે એ શોધવું ખૂબ આવશ્યક છે. ફક્ત ગમતા કે જરૂરી કામ જ આ યાદીમાં રહે એ જુઓ, અને જે કામ કર્યા બાદ પણ તમને સંતોષ ન મળતો હોય એવા જરૂરી કામ કરતી વખતે તમારો રસ અને ઉત્સાહ તેમાં જળવાઈ રહે એવી રીત શોધી કાઢો. સમયનું યોગ્ય આયોજન અને જરૂરી તથા બિનજરૂરી વચ્ચેનો તફાવત ઘણી તકલીફો દૂર કરી આપશે.

હવે આ વાતનો રોજીંદા જીવન સાથેનો સંબંધ જોઈએ. આપણે એવા ઘણાં કામ કરીએ છીએ જે કરવા મજબૂરી છે જેમ કે નોકરી કરવી, તો ઘણાં કામ કરવાની ઈચ્છા હોવા છતાં એ પ્રાથમિકતા બની શક્તા નથી, જેમ કે સ્વિમીંગ કે ગિટાર શીખવું… આ બંને પ્રકારના કામનું જરૂરી એવુ સંતુલન એટલે જ સંતોષ. કામમાં આ સંતોષ માટે તમારી અંદરના અસંતોષ, નિરાશા અને નકારાત્મક લાગણીઓને હાંકી કાઢવી પડશે, એક મોટા લક્ષ્યને અનેક નાના લક્ષ્યોમાં વહેંચી એ દરેકને મેળવવાનો ચોક્કસ રસ્તો બનાવવો પડશે, એ રસ્તે ચાલવા સમયનું પૂરતું આયોજન કરવું પડશે, તંદુરસ્તી સાચવવી જોઈશે, સમયનો વ્યય થાય એવી કે અન્ય બિનજરૂરી કુટેવો ભગાવવી પડશે અને લક્ષ્યપ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરવા પડશે. આ માટે કેટલીક ગમતી વસ્તુઓ કે કાર્યોને જતાં પણ કરવા પડશે.

સતત અભ્યાસ અને અખતરાઓથી જે કેટલીક વાતો અનુભવી રહ્યો છું અને જે જરૂરી લાગશે એવી ઉપર આપેલી દરેક વાતની વિગતે ચર્ચા કરવાનો ઉપક્રમ છે. ઝેન જીવનપદ્ધતિ કોઈ લાંબી કડાકૂટ વગર સરળતાથી જીવવાના સીધા અને સચોટ રસ્તાઓ બતાવે છે અને એવા જ રસ્તાઓ આપણી જીવનપદ્ધતિ માટે શોધી કાઢવાનો આ પ્રયત્ન સતત થતો રહેશે.

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “એકથી વધુ કામ, દરેકમાં અસંતોષ? – જીજ્ઞેશ અધ્યારૂ

 • La Kant Thakkar

  कामके बीच बीचमें शांत होकर बैठा जाय ….कुछ मिनिटका विराम …
  ” सु.जा . का सूचन -इंगित इशारा उसीकी ओर है ना ? (‘…’wATCHING breath …’)
  ताकि, हमारी अपनी “भूल ” के बारेमें पता तो चले …तो फिर उपाय भी हैं ही !
  “संकल्प’ कितना भी दृढ़ क्यों ना हो !” अडचनें-अवरोध तो आने ही हैं !ये निश्चित है ही !
  रंजित- दुखी ना हों ! स्व-सुधारके वास्ते सतत-सदा प्रत्नशील बने रहें …..
  sharadbhai का विस्तारपूर्वक समजाना उनके खुदके अनुभव ( ‘स्व’यात्रा) के प्रमाण हैं ….
  बाकी तो,” अपनी अपनी जुस्तजू ..है ,अपनी अपनी आरजू है अपने अपने करम है ” जी
  -ला’कान्त …..थक ……कर /८-९-१५

 • Jigna Trivedi

  વાહ ! જિજ્ઞેશભાઈ, ક્ષણનો આનંદ માણી કાર્યમાં એકરૂપ થઇ આનંદ અને સંતોષ પામવાની પ્રેરણા આપતો સુંદર નિબંધ છે.માણવાની મજા આવી.

 • Sharad Shah

  અધ્યારુભાઈ;
  આપે એક ઝેન કહેવત અહીં ટાંકી છે.જ્ઞાન પ્રાપ્તિ પહેલાં લાકડા કાપો અને પાણી ભરો અને જ્ઞાન પ્રાપ્તિ પછી પણ લાકડા કાપો અને પાણી ભરો”
  ખુબ ગહેરી વાત ખુબ ટુંકમાં કહેવાની ઝેન માસ્ટરો (ગુરુ)ની પરંપરા રહી છે. “હાઈકુ” ઝેન ગુરુઓની જ ઈજાદ છે. ઝેન હાઈકુ ગજબના છે. ક્યારેક એકાદ હાઈકુની વાત કરીશ. આપને અને વાચકોને ગમશે. અત્યારે આ કહેવતની વાત કરીએ.
  આપણે બધા દિવસ દરમ્યાન ઘણુ બધું કરીએ છીએ. અને જે કાંઈ કરીએ છીએ તેનો એક માત્ર આશય છે સુખ, આનંદ મેળવવાનો. પરંતુ સુખ અને આનંદ જીવનમાં ક્યાંય દેખાતું નથી અને આપણે સદા મુંઝાતા રહીએ છીએ. પછી કોઈ કહે, અરે! આ બધું છોડ અને હરી ભક્તિમાં લાગ કે ધ્યાનમાં કે યોગમાં શક્તિ લગાવ સાચુ સુખ તો ભક્તિ, ધ્યાનમાંથી જ મળે છે. બધા ધર્મો, શાસ્ત્રો અને ગુરુઓ પણ આવી વાતો કરે ત્યારે એમ થાય કે નક્કી હું ખોટા માર્ગે ધનની કે પદની પાછળ પડ્યો છું. અસલી ચીજ તો ભક્તિ અને ધ્યાન છે. અને જીવ એ તરફ વળે પણ થોડા સમયે ખબર પડે કે મંજીરા ખખડાવ્યે કે રામ રામ કરવાથી કે પલાંઠી મારી ધ્યાન કરવાથી પણ કાંઈ સુખ કે આનંદનો અનુભવ નથી થતો. ત્યારે જીવ વધુ મુંઝાય છે.
  આપણે ભુલ ક્યાં કરીએ છીએ તે નથી દેખાતું. ઝેન ગુરુ એક વાક્યમાં કહે છે,” જ્ઞાન પ્રાપ્તિ પહેલાં લાકડા કાપ અને પાણી ભર, જ્ઞાન પ્રાપ્તિ પછી લાકડા કાપ અને પાણી ભર.”
  એનો અર્થ છે પ્રવૃત્તિઓ બદલે કાંઈ નથી વળવાનુ જે બદલવાનુ છે તે આપણી વૃત્તિઓ બદલવાની છે. જ્ઞાન પ્રાપ્તિ પહેલાં લાકડાં કાપતા અને પાણી ભરતા પણ બધું યંત્રવત.. એક બાજુ પ્રવૃત્તિ ચાલે અને બીજી બાજુ વિચારોનો પ્રવાહ અને લાકડા કાપતાં અને પાણી ભરતાં આપણી હાજરી ન હોય. આપણે ક્યાં ખોવાયેલાં હોઈએ વિચારોના ચકરાવે. દરેક પ્રવૃતિ કરીએ ત્યારે મન કાં ભૂતકાળની સ્મૃતિઓમાં કે ભવિષ્યકાળના સપનાઓમાં ખોવાયેલું હોય અને આપણે હાજર ન હોઈએ. આપણા દરેક કૃત્યો જોશો તો જણાશે કે બધું મિકેનીકલ થઈ રહ્યું છે. સવારથિ લઈને રાત દરમ્યાન, કરીએ છીએ તો ઘણુ બધું પરંતુ બધું આપણી હાજરી વગર બેહોશીમાં અને પરિણામ છે પીડા, દુખ.
  એટલે શું કરીએ છીએ તે મહત્વનુ નથી પરંતુ કેવી રીતે કરીએ છીએ તે મહત્વનુ છે. જ્ઞાન પ્રાપ્તિ પછી પણ પ્રવૃત્તિ તો એની એ જ રહે પણ હવે કામની ક્વોલીટી (ગુણવત્તા) બદલાઈ ગઈ. હવે કરનારની હાજરી છે. હવે દરેક કૃત્ય/કાર્ય એક પ્રાર્થના, એક પૂજા, એક ધ્યાન છે. અને હવે કામ તો એનુ એ જ છે પણ હવે આનંદનો અનુભવ દેખાવા માંડ્યો. જ્યાં સુધી આપણી હાજરી હોતી નથી ત્યાં સુધી આપણા બધા કર્યો યંત્રવત થાય છે અને તેમાંથી ક્યારે આનંદ ન મળી શકે. આ વાતને વિસ્તારથી સમજાવવા કોશિશ કરી છે જેથી વાચકો સમજી શકે.

 • ઇસ્માઇલ પઠાણ

  જીજ્ઞેશભાઇ,
  આપના જેવી વેદના મેં પણ અનુભવી છે…
  વર્તમાન સમયમાં, સમયનો વ્યય કરવા માટે વોટ્સએપ અને ફેશબુક 24 કલાક હાજર છે…

 • P.K.Davda

  આપણે જે સમયમાં જીવીયે છીયે એ સમયમાં આ “ઈનબિલ્ટ” છે. ઈચ્છા છતાં એમાંથી બહાર નીકળવું અશક્ય નહિં તો મુશ્કેલ તો છે જ.

  • Sharad Shah

   આ કથન જ સાબિત કરે છે અગાઊ મેં જે કહ્યું તેમા કેટલું સત્ય છે. જ્યાં સુધી આપણી પ્રાયોરીટી બદલાતી નથી ત્યાં સુધી આપણું મન એક યા બીજું બહાનું શોધી જ લે છે. મનની આ અવળચંડાઈ સમજમાં આવતી જાય તેમ તેમ જીવન પાટા પર આવતું જાય. ઘણાને પૂછો તો કહે શે વ્યાયામ માટે,, યોગ માટે,, ધ્યાન માટે, આરામ માટે, સમય જ નથી. પરંતુ માદા પડીયે એટલે પ્રાયોરીટી બદલાઈ જાય અને હજાર કામ પડતા મુકી આરામ કરીએ. ષરીરનુ કોઈ અંગ ઝલાઈ જાયને તે ફરી કામ કરતું થાય તે માટે ફીઝીયોથેરાપીસ્ટ જે વ્યાયામ કરવાનુ કહે તે કરીએ. પ્રાયોરીટી બદલાઈ ગઈ. એવું જ જ્યારે મન પીડાઓથી ભરાઈ જાય અને કોઈ ગુરુ ધ્યાન કરવાનુ કહે ત્યારે જ ધ્યાન તરફ રુખ કરીએ. બાકી તો અનેક બહાના આપણી પાસે સદા મોજુદ હોય જ છે. અને કોઈ કહે તો તરત સ્વ બચાવ કરીએ કે તમને મારી વાત અને પરિસ્થિતી નહી સમજાય. તમે એ પરિસ્થિતીમાં આવો તો જ ખબર પડે. વગેરે વગેરે.

 • Sharad Shah

  આપણે જે કરીએ છીએ તે આપણે કરવા માંગતા હોઈએ એટલે જ કરીએ છીએ. બીજા શબ્દોમાં કહું તો, આપણે જે કરીએ છીએ તે આપણે નક્કી કરેલી પ્રાયોરીટી પ્રમાણે જ કરીએ છીએ.. જે નથી થઈ શક્તું કે નથી કરતાં તેના માટે આપણે હજાર બહાના શોધી છીએ અને અફસોસ વ્યક્ત કરીએ છીએ.

 • હિમત પારેખ

  ધ્યાને લઇ ચિન્તન કરવા જેવો લેખ. આભાર જિગ્નેશભાઈ – હિમતભાઈ પારેખ, અમદાવાદ

 • mitsu mehta

  I completely agree with you Jignesh Bhai.We are not able to spend the time for our hobbies.Our goals other than the job goals.We don’t have time to sit for a while and introspect.We dont have time to excercise.I feel we are not much determined , or we give up easily.Like I want to excercise but ,i started manier times and if I miss one day .I lose the motivation to do it from next day and the vicious cycle again starts.The work ,personal,professional balance is difficult in most cases.

 • જયેન્દ્ર પંડ્યા

  બહુજ સરસ લેખ જીગ્નેશભાઈ. આપણો સ્વાનુભવ SHARE કરવા બદલ આભાર. આપની સલાહ અને સુચન પણ અમલ માં મુકવા જેવા છે અને આશા છે કે તે જીવનસુધારમાં કામ લાગશે.