ફુલટાઈમ વાલીઓનું અરજીપત્રક.. – નીતિન ઢાઢોદરા 3


જોઈએ છે,
એક ફુલટાઈમ વાલી!
લાયકાત
જે બાળકને
‘બાળક’ તરીકે જ જોઈ શકે.
વાંચી શકે, સાંભળી શકે અને સમજી શકે.
વિશેષ કૌશલ્ય
જો કાળજી લેવાની
આવડત હોય તો અગ્રતા અપાશે
ઉમર
ઉમરનો કોઈ બાધ નથી
માત્ર બાળક સાથે હોય ત્યારે
તેની ઉમરનાં લાગવા જોઈએ.
અનુભવ
જીવનમાં બાળપણની
મોજનો અનુભવ આવશ્યક છે.
પગારધોરણ
ઘર અને જીવન
છલોછલ ભરાઈ જાય
તેટલો આનંદ મળશે.
ખાસ નોંધ
લાગણીની લાયકાત
ધરાવતા ન હોય
તેવા લોકોએ અરજી કરવી નહીં.
અરજી મોકલવાનું સરનામું
તમારા ઘરનું જ લખી નાખો..!
– નીતિન ઢાઢોદરા

બિલિપત્ર

પટક માયા પરી, અટક ચરણે હરી, વટકમાં વાત સુણતાં જ સાચી,
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ! એ મૂળથી ભીંત કાચી.
– નરસિંહ મહેતા

(‘વિચારવિજ્ઞાન’ સામયિક ડિસેમ્બર – જાન્યુઆરી ૨૦૧૪-૧૫માંથી સાભાર)

આજના બાળકની મનઃસ્થિતિ કેવી છે? માતાપિતા તરફથી એને શું મળવું જોઈએ અને શું મળે છે? અપેક્ષાઓ, ધારણાઓ અને આશાઓના ભારમાં એ સતત અન્યોની ઈચ્છાઓને વેંઢારતું રહે છે. સહેજ સ્નેહની આશામાં એ કેટકેટલું કરે છે? આવામાં કવિ નીતિન ઢાઢોદરા લઈને આવે છે એક ફુલટાઈમ વાલીની જરૂરતો વર્ણવતું અરજીપત્રક. અહીં પૂરી કરવાની જરૂરતો ભલે વાલી માટે વર્ણવાઈ હોય, પણ એ આખરે તો બાળકને એક અનોખું સ્નેહાર્દ્ર અને બાળસહજ વૃત્તિથી સભર બનાવવા માટેની પ્રાથમિક શરતો છે.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 thoughts on “ફુલટાઈમ વાલીઓનું અરજીપત્રક.. – નીતિન ઢાઢોદરા