ઝેરી લોકો સાથે કામ પાર પાડવાની રીતો.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 9


એવા લોકોને શું કહેશો કે જે સતત તમારો દોષ કાઢ્યા કરતા હોય, જે સતત તમારા પ્રયત્નો પર તમને હતોત્સાહ કરવાનો પ્રયત્ન કરતા હોય, તમને તમારા વિશે ખરાબ લાગણી આપતા હોય કે તમારી સામે ઊંચે સાદે નકારાત્મક બોલતા પણ હોય?

આવા લોકોને તમે ઝેરી કે કડવા કહી શકો.

આવા કડવા લોકો આપણી આસપાસ ઘણી જગ્યાએ જોવા મળી આવશે. તમારી પ્રગતિથી ઈર્ષ્યા પામતો કોઈ સહકર્મચારી હોય કે તમારા વિસ્તારમાં રહેતો સ્વભાવે અસંતોષી પડોશી હોય. આવા લોકોની સાથે કામ પાર પાડવું ક્યારેય સરળ હોતું નથી. પણ આ એક એવી મોટી મુશ્કેલી છે કે તેમની સાથે કામ લેવાના કેટલાક રસ્તાઓ વિશે આપણે વિચારવું જ રહ્યું. એક વાચકે મને પૂછેલું, ‘આવા લોકો મારા સંબંધીઓ પણ હોય તો મારે શું કરવું? જો મારી પાસે તેમનાથી ઉંચે ઉઠવાની ધીરજ ન બચી હોય તો મારે એમને આવું કરતા કેમ રોકવા?’

મારે કહેવું જોઈએ કે આવા લોકોને રોકવાનો કોઈ જ સરળ રસ્તો નથી, એ ધીરજ માંગી લેશે. વિષભરેલા લોકોથી બચવાના કેટલાક આવા જ રસ્તાઓ અહીં સૂચવું છું..

૧. જ્યારે તમે ખરાબ અનુભવો ત્યારે પોતાના પ્રત્યે કરુણા રાખવાનો પ્રયત્ન કરો..

મારે માટે સૌથી કારગર અને ઉપયોગી એવો આ ઉપાય તમારે પણ એક વખત વિચારવા યોગ્ય ખરો. બીજાના ખરાબ વર્તનને લીધે જો તમને ખરાબ લાગ્યું હશે તો તમે તમારો ગુસ્સો અને ચીડ તમારા શબ્દો અને ક્રિયાઓમાં કાઢશો. કદાચ એથી પેલો માણસ વધુ નિષ્ઠુર અને ઝેરી બનશે. તમારી આ ખરાબ લાગણી ફક્ત તમારા જ નહીં, પરંતુ પરિસ્થિતિને સંભાળવા માટે પણ ખરાબ છે. તો જ્યારે અન્યના વર્તન કે શબ્દો તમને ખૂંચે એવા હોય, હેરાન કરતા હોય ત્યારે આ ઉપાય અજમાવી જુઓ; તમારી અંદર જુઓ અને તમારી લાગણીઓને અવગણવાને બદલે તેની નોંધ રાખો, થોડીક ક્ષણ પછી તમારી જાતને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો. ખુશ થવું અને તમારી તકલીફોનો અંત આવવો જરૂરી છે એવું અનુભવો. તમારી જાત માટે આનંદ અને શાંતિપૂર્ણ જીવનની આશા રાખો. આથી કાંઈ જાદુ નહીં થાય કે તમારી તકલીફો પૂરી નહીં થઈ જાય પણ શરૂઆત કરવા માટે આ સચોટ ઉપાય છે.

૨. અન્ય લોકો સાથે સંવાદ કરો

મેં ઘણી વાર એવું અનુભવ્યું છે કે જ્યારે મારું મન ઘવાયેલું હોય ત્યારે એ વાત અન્યો સાથે વહેંચવી મને નથી ગમતી, એ મને અસહજ લાગે છે, પણ પછી જ્યારે હું કોઈ સાથે એ વિશે વાત કરું તો ખરેખર હળવાશ પણ અનુભવાય છે. એટલે હિંમત કરો અને એ વિશે વાત કરો. તમને જેની સાથે ગમે તેની સાથે એ લાગણી વહેંચો, તેમને સાંભળવા કહો અને જરૂર લાગ્યે તેમની સલાહ પણ લો. જો કે એ સલાહ તમારી વાત સાંભળવા અને એ જોડાણ જેટલી અગત્યની ન ગણશો.

૩. સહાનુભૂતિ અને કરુણા અજમાવો

તમને નિરાશ કે હતોત્સાહ કરવાનો પ્રયત્ન કરતો હોય એ જ માણસ પર કરુણા કરવાનો પ્રયત્ન કરી જુઓ. તેને દયાની દ્રષ્ટિથી જુઓ. તમારા મનમાં તેમના માટે ખુશીની જ કામના કરો કારણ કે તમારી જેમ એ પણ મુશ્કેલીઓમાંથી જ પસાર થઈ રહ્યો છે, એટલે જ એનું વર્તન એ પ્રકારનું છે. તેમની તકલીફોનો અંત આવે એવી કામના કરો, તેમને સરળ અને સુખી જીવન મળે એવી ઈચ્છા રાખો.

૪. એ ઝેરી માણસ સાથે પણ વાત કરો

એક વાર તમે અન્યો તરફ દયા અનુભવો, એટલે તેમની સાથે વાત કરો. હા, કદાચ તેઓ તમારી સાથે એ રીતે ન વર્તે જે રીતે તમે તેમની સાથે વર્તી રહ્યા છો, પણ તમે તમારી ભલમનસાઈ ન છોડશો. તમે અનુભવશો કે એ પોતાનામાં જ દર્દ ભોગવી રહ્યાં છે અને એ દુઃખને લીધે ન કરવું જોઈએ એવું વર્તન કરી રહ્યાં છે. તેમની સાથે જોડાવાનો પ્રયત્ન કરો, તેમને એ વાતનો અહેસાસ કરાવો કે તમારો પણ સમય કસોટીનો છે અને તેમનો સાથ તમારે જોઈએ છે. આ કદાચ દર વખતે સફળ રીત ન પણ હોય, પણ જો તમે તેની લાગણી સાથે સાચી રીતે જોડાઈ શક્શો તો તેઓ તેમનું હ્રદય તમારી પાસે કદાચ ખોલી તેમની અંગત તકલીફ તમારી સાથે વહેંચે.

૫. જે વર્તનની અપેક્ષા તમે અન્ય પાસેથી રાખતા હોવ એ કરીને બતાવો

જ્યારે બીજા લોકો મારા પર ગુસ્સે થાય કે મને ન ગમતું કરી બેસે ત્યારે હું તેમના તરફ ગાંડો થઈ જાઊં છું, અને ત્યારે હું પણ એ જ કરી બેસું છું જે એ લોકો મારી સાથે કરે છે.. તેમની સાથે ખરાબ વર્તન કરું છું કારણ કે તેઓ મારી સાથે ખરાબ વર્તન કરે છે. ભલે મને લાગે કે વાંક તેમનો છે, મારું વર્તન પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે. એટલે હું પ્રયત્ન કરીશ કે તણાવ અથવા નિરાશાને કઈ રીતે કાબૂમાં રાખવી એ હું તેમને બતાવી શકું, તેમના તરફ સહજ રહું, પરિસ્થિતિઓ સાથે હકારાત્મક રીતે ગોઠવાઈ શકવાનો રસ્તો તેમને બતાવું. ભલે એ તરત જ શક્ય ન હોય પણ મહદંશે તે અસરકારક પૂરવાર થાય છે.

૬. વધુ હકારાત્મક મિત્રો બનાવો

અને જો ઉપરોક્ત ઉપાયો કારગર ન નિવડતા હોય, તો તમે જે રીતે જીવવા માંગો છો એ રીતે વિચારતા અને તમને સમજતા એવા લોકોને તમારી આસપાસ શોધો. એવા લોકો કે જેઓ સર્જનાત્મક હોય, સાહસિક અને ઉદ્યમી હોય, સક્ષમ હોય, વસ્તુઓ પ્રત્યે ઉત્તેજીત હોય, હકારાત્મક, તંદુરસ્ત, ખુશ હોય. તમારા મિત્રમંડળમાં, યોગક્લાસ કે જીમમાં, સ્વૈચ્છિક સંસ્થાઓમાં કે તમારા શોખના ક્ષેત્રમાં આવા લોકોને શોધી કાઢો. ઓનલાઈન પણ ઘણી સુંદર કોમ્યુનિટીમાં તેમને શોધી શકો. શરૂઆત કરો અને સંવાદ દ્વારા તેમની મિત્રતા કેળવો. ચાની ચુસકીઓ સાથે મિત્રતા કેળવો. એક પછી એક પગલે મિત્રતાના આ નવા સંબંધને કેળવો જે તમારા જીવનમાં હકારાત્મક ફેરફારો લાવી શકે અને તેમના માટે તમે અસરકારક હકારાત્મક બદલાવ બની શકો. આ એક પ્રયત્ન પણ ઘણો મોટો ફેરફાર લાવી શકે છે.

૭. તેમની બાદબાકી કરો

જો કે આ વિકલ્પ થોડોક કઠોર અને રૂક્ષ લાગી શકે છે પણ એ હકીકત છે કે ઉપરોક્ત બધાજ ઉપાયો અજમાવ્યા છતાં એ વ્યક્તિ જેને મારી સાથે તકલીફ છે, જે મારી તરફ સતત કડવાશ, ગુસ્સો અને ઈર્ષ્યા રાખે એ બદલાવા ન માંગતા હોય, તો હું તેમને કોઈ પણ પ્રકારનો ભાવ આપીશ નહીં. હું મારું ધ્યાન અન્યત્ર કેન્દ્રિત કરીશ, નવા હકારાત્મક અને પ્રોત્સાહક મિત્રો તરફ આગળ વધીશ. એ કરવું મુશ્કેલ હશે કારણ કે અમુક આવા કડવા લોકો તમારા જીવનનો ન બદલી શકાય એવો હિસ્સો હશે. તેઓ ભલે ન કરે પણ તમે તેમના તરફની કડવાશ ઓછી કરવા બહાર નીકળો, કુદરતની અઢળક સંપત્તિને માણો, ધ્યાન કરો, યોગ કરો, દોડવા જાવ, રચનાત્મક કાર્યો કરો. એ ઝેરી અને કડવા લોકો તરફન તમારો વિચાર આખોય દિવસ તમને બિનઉત્પાદક ન બનાવી દે એ ધ્યાન રાખો. તમારા મગજને શાંત, સર્જનાત્મક અને હકારાત્મક વિચારો પર કેન્દ્રિત કરવાનો સતત પ્રયત્ન કરતા રહો.

– ભાવાનુવાદ જીજ્ઞેશ અધ્યારૂ, મૂળ કૃતિ લિઓ બબૌતા (ઝેનહેબિટ્સ)

સ્વભાવની કડવાશ નકારાત્મક લાગણીઓને ખૂબ પ્રોત્સાહન આપે છે, અને એ અંતે અધોગતિ તરફ દોરી જાય છે, કડવાશનો જવાબ કડવાશથી આપવો એ પણ એક પ્રકારની નકારાત્મકતા જ છે. આવી નકારાત્મક લાગણીને દૂર કરવાનો ઉપાય છે હકારાત્મક વિચારો, લોકો અને પરિસ્થિતિઓથી સતત ઘેરાયેલા રહેવું જેથી અન્યોનો મુકાબલો કરતા આપણે આપણો મૂળભૂત સ્વભાવ ગુમાવી કડવા ન બની બેસીએ. પતંજલીના યોગસૂત્રો જોઈએ કે બૌદ્ધ ધમ્મપદની ચાર વિભાવનાઓ – મૈત્રી, કરુણા, હર્ષ અને ઉપેક્ષા – આ ચાર જીવનસાર તરીકે દર્શાવાયા છે અને ઉપરના લેખમાં જોશો તો ક્યાંક એ ચારેયને જોઈ શક્શો. ધર્મશાસ્ત્રો કે માન્યતાઓની આથી વધુ સરળ અને પ્રાયોગિક ઉપયોગીતા કઈ થઈ શકે? આશા છે આજનો આ લેખ હકારાત્મક બનવા વિશેના કેટલાક સચોટ અને પ્રાયોગિક સૂચનો આપી શક્શે. ઝેનહેબિટ્સ પરથી લેવાયેલ લીઓ બબૌતાના આ લેખ નો ભાવાનુવાદ જીજ્ઞેશ અધ્યારૂએ કર્યો છે. લિઓ બબૌતાનો આવો જ જીજ્ઞેશ અધ્યારૂ દ્વારા અનુદિત લેખ, ‘કેમ રહેવુ શાંત એક સંતની જેમ..‘ પણ વાંચવાયોગ્ય છે.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “ઝેરી લોકો સાથે કામ પાર પાડવાની રીતો.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

 • Sharad Shah

  જો તુમ્હેં ધોખા દે સમજનાકી વહ ગરીબ હૈ, તુમસે જ્યાદા ગરીબ હૈ.
  જો તુમસે છલ કરે, ધોખા કરેં, સમજનાકી બડા દીન હૈ,
  તુમસે બડા ભિખારી હૈ,ઉસપર દયા કરના, ઉસપર કરુણા કરના.
  ઈસલિએ નહીં કી તુમ્હારી દયા-કરુણાસે વહ બદલ જાયેગા,
  વહ બદલે યા ન બદલે તુમ બદલ જાઓગે.
  ઔર અસલી બાત યહી હૈ કી તુમ બદલ જાઓ.
  ઔર તુમ ઐસી સ્થિતિમેં આજાઓ કી દુનિયા તુમ્હારે સાથ કુછભી કરે, તુમ વિચલિત ન હો સકો.કૈસેભી તુફાન ઉઠએ તુમ ડાંવાડોલ ન હો સકો.
  ઓશો.

 • સુરેશ જાની

  પદ્મમુદ્રા….
  યોગાસન પતી જાય પછી અને પ્રાણાયમ શરૂ કરતાં પહેલાં આ મુદ્રા કરવાની હોય છે. બન્ને હાથના અંગૂઠા અને તર્જનિ (સૌથી નાની આગળી) ભેગાં કરીને હાથનો આકાર પદ્મ ( કમળ) જેવો બનાવવાનો અને હૃદયની આગળ અડકાડીને રાખવાનો. પછી આંખો મીંચીને જેમનો ઉપકાર આપણી ઉપર હોય તેમનો આભાર માનવાનો.

  પરમ તત્વ જે આપણા કોશે કોશમાં શ્વસી રહ્યું છે.
  માતા અને પિતા ; જેમણે જન્મ આપ્યો, પાળ્યા, પોષ્યા, સંસ્કાર અને શિક્ષણ આપ્યાં.
  ભાઈ બહેન જેમણે જીવનના સૌથી સભર ભાગમાં સાથ આપ્યો.
  કુટુમ્બીજનો – પતિ/ પત્ની અને સંતાનો જે જીવનભર સુખ દુઃખમાં ભાગીદાર રહ્યા.
  મિત્રો જેમના સાથ અને પ્રેરણા જીવનમાં અમૃત સિંચન કરતા રહ્યા.
  દુશ્મનો જેમના પ્રતાપે જીવન સંઘર્ષો સર્જાયા અને જે અંતર યાત્રા કરવા પરિબળ બન્યા
  નામી અનામી અનેક વ્યક્તિઓ , જેમના પ્રદાન થકી જીવન જરૂરિયાતની, સગવડની અને મોજશોખની ચીજો આપણને હાથવગી થઈ શકે છે.
  કુદરતી તત્વો – પ્રાણીઓ, પક્ષીઓ, હવા, પાણી વિ. જેમના વિના આપણે જીવી જ ન શકીએ.

 • જયેન્દ્ર પંડ્યા

  હકારાત્મક વલણ અપનાવવું થોડું મુશ્કેલ હશે પણ અશક્ય નથી. પહેલા તો આપણે ઝેરી અથવા તો આકરા સ્વભાવ વાળા લોકો ને સાંભળવા ની કળા શીખવી પડશે અને કોઈ પણ સંજોગો માં તેની પ્રતિક્રિયા ન કરવી જોઈએ. તેમને સાંભળ્યા પછી તેની વાત ને વાગોળો, વિચાર કરો અને વાત ને તેની નઝર થી જોવાનો પ્રયત્ન કરો. પછી શાંત ચિત્તે તેની વાત નો સમાધાન નો વિચાર કરશો તો જરૂર કોઈ રસ્તો નીકળશે. આમ કરવા થી ઝેરી માણસો ના જેરની અસર NEUTRALIZE થઇ જશે અને તેનો અહમ સંતોષાઈ જશે…
  બાકી આપણે રોજ હકારાત્મક શબ્દો નો સમૂહ ભેગો કરી અને વાતાઘાટમાં ઉપયોગ કરવો જોઈએ જેથી આપણી વાણી વિવેકસભર બની રહે.
  આપનો ભાવાનુવાદ ગમ્યો. બીજી ભાષા કે દેશના લેખકોને પણ અક્ષર્નાદ માં સમાવેશ કરવાની આપણી સુજ અભિનંદન, અભાર અને ધન્યવાદ ને પાત્ર છે.

 • GAURANG DAVE

  Excellent & worth imbibing in oneself. Congratulations for such a simple translation that it goes staright into within….