ખોડાઆતાની પ્રેમકથા.. – મિતુલ ઠાકર 30


“તું મને ઓળખતો નથ્ય અય્ટલે આમ બોલસ !”

“લે કરો વાત ? ગામના માણહ ગામના માણહને નો ઓળખે!”

“ગામની ક્યાં મા પૈણાવસ, હું તો તને આઝુબાઝુંના બાર ગામની વાત કરું સું !”

“ક્યાં ગામની?”

“ક્યાં ગામની એટલે મોવા(મહુવા)ની !”

“લે તમે તો ખરી કરી આતા, મવે’ય તમને બધા ઓળખે ?”

“તી ઓળખેઝ ને!” ખોડા આતા નો લેહકો બાર ગામ ના ધણી જેવો હતો

“ઈતો વાત કરું તો તમારી ઝીણકી ઝીણકી આંખ્યું સેને ફાટી રેહે ” ખોડાઆતા એ નીચે પાથરેલું ફાળિયું થોડું સરખું કર્યું

* * * *

ટીલો આમતો આજ ગામનો પણ દસમું ભણી લીધા પછી કામ ધંધો કરવા ભાવનગર સ્થાયી થઇ ગયો હતો, થોડું જીવન સેટ થયેલું અને ઇંટોના ભઠ્ઠાની દલાલીમાં ઈમાનદારીથી સારું કમાયો હતો, ભણવાનો રસ બહું પણ બાપની હાલત જોઈ ને ભણવાનું માંડી વાળ્યું અને તે તેજસ્વીતાને ધંધામાં પરોવી આજે ભાવનગર જેવા શહેરમાં કેવાય એવું દુરના પરામાં એક રૂમ રસોડુંવાળુ ઘર પોતાનું કરી શક્યો હતો પણ તેને પોતાના ગામની, વતનની માયા બહુ એટલે વારે તહેવારે આવી પૂગતો અને અહી તેને લંગોટિયા ભાઈબંધો સાથે વાડી, તળાવે અને ક્યારેક તો ગામથી બે ગામ છેટે દરિયા કિનારે પાલ્ટી (પાર્ટી) કરવા પહોંચી જતો. રોટલા સૌ સૌના ઘેર થી અને દૂધ – દહીં જેને ઘેર થતા હોય તે લાવે. અલક મલકની વાતો, શેર ક્યાં પોગી ગયું અને આપ ણું ગામ હજી ક્યાં છે ? તે વિષય હંમેશા કેન્દ્રમાં રહેતો, ટીલો આ બાબતે યુવાનોને ટોકતો અને કૈક નવું કરવા સલાહ સૂચનો આપતો પણ ગામના ઉતાર જેવા બે ત્રણ મોટા માથા હમેશા આ યુવાનો ને કેવા આડા આવે તે ગામના બેરુબંધ બધા જણાવતા ત્યારે ઊંડા નિસાસા સાથે ચર્ચાનો કરુણ અંત આવતો.

આજ તે સાતમ આઠમની રજાનો મેળ કરી ગામે આવ્યો હતો, સવારમાં ગામની બહાર, તળાવ કિનારે શીતળા માતા ને પૂજવા જઈ પાછા આવતા ગામના સ્ત્રી વૃંદોને ઠંડા શરબત ભાગોળે પીવડાવ્યા અને વૃદ્ધ ડોશીઓના આશીર્વાદ અને પૌઢ સ્ત્રીઓના હેતલ વાક્યોની સાથે સાથે યુવાન ભાભીઓ સાથે ગમ્મત કરી અને અંતે કૈક સારું કામ કાર્યના સંતોષ સાથે તે ભાઈબંધની દુકાને બેઠો અને રાતના દરિયા કિનારે ‘ગોટા પાલ્ટી’ નું નક્કી કરી ને ઘેર આવ્યો.

સાંજે એક નાનો છોકરો ટીલાને બોલવા આવ્યો ને ટીલો ભાઈબંધની દુકાને પહોંચ્યો ત્યાં બધી તૈયારી સાથે છકડામાં સામાન ગોઠવાતો હતો. પ્રાયમસ, વાસણ અને કાચું સીધુ ભરી છકડાને દોરી મારી. બધા ભાઈબંધો સાનુકુળ જગ્યામાં ગોઠવાઈ ગયા.

જેવો છકડો ગામને ઝાંપે આવ્યો ત્યા કોઈને બીડી લેવાનું યાદ આવ્યું એટલે ફરી ઉભો રહ્યો. સામે ખોડા આતા ખાંભી ટેકો દઈ બીડીના ઊંડા કશ લઇ રહ્યા હતા. ઉંમરમાંતો લગભગ એંસી વટાવી ગયા હશે પણ તેની રમુજી સ્વભાવ ને લીધે ગમે તેની સાથે ગોઠવાઈ જતા, ટીલા ને બહુ અનુભવ નહિ તેનો, પણ ધનાથી ના રહેવાયું એટલે હાંક મારી

“આતા આવવું સે?”

“એલા એને તું ક્યાં પુસસ” બીજા સાથીદારે ધનાને કોણી મારી, પણ તીર ભાથામાંથી છૂટી ગયું હતું

“ક્યાં ઉપડ્યા હવ ?” આછા અંધારામાં ઓળખ્યા વગર સામો સવાલ કર્યો

“દરિયે પાલ્ટી કરવા!”

“લે ત્યારે, હેની પાલ્ટી?”

“ગોટા ની ”

“મારો ખોરાક ખબર સેને દીકરાવ ?”

“આતા અમારા ભાગના ખાજ્યો બસ, આવવું હોય બેહી ઝાવ”

“હાલો તારે, આયા બેહવું એમ ન્યા બેહવું ” તેના જીવન નો વર્તમાન નીચોડ અજાણતા નીચોવી ને ચોયણી ઝાટકતા છકડામાં પહોળે પાટલે બિરાજમાન થયા, ટીલાને લાગ્યું કે સરખે સરખા ભાઈબંધોમાં ખોડા’તા ખોટા હાર્યે થ્યા પણ ખોડાઆતાની ટીખળ ચાલુ થતા તેને લાગ્યું કે સોદો ખોટો નથી.

દરિયા કિનારાની ઠંડક બધાને ગઈ, સાથે આવેલા નાના ભાઈબંધો અને કામઢા બીજા બે ત્રણે તો ચોફાળ પાથરીને બધો સામાન ઉતારી લીધોને ગોટાની તૈયારી પણ ચાલુ કરી દીધી. ગોટાની સાથે સાથે ખોડા આતાની વાતોના વડા પણ તળાવા લાગ્યા.

ટીલાનો ભાઈબંધ જયારે પ્રાયમસ ધીમો થાય ત્યારે પંપ મારી ને પીન અડાડી ને ધીમો ના થવા દે એમ આતાને પણ પંપ મારી ને ધીમા ન પડવા દેય. હાસ્યના હુલ્લડ વચ્ચે ગોટા બન્યા, બધાયે ધરાઈ ને ખાધા, ખોડાઆતાને બહુ પ્રેમથી આગ્રહ કરી ખવડાવ્યા અને એમાં કોક બોલ્યું કે …..

“હજી બે ગોટાનો ખાવ તો તમને મોંધીઆઈ ના હમ સે” ને આ વાક્ય થી ટીલાના કાન ચમક્યા, કારણ કે ખોડાઆતાના ઘરવાળાનું નામ તો મીઠીઆઈ હતું તો આ મોંધીઆઈ કોણ ? પોતાના પ્રશ્ન ને મનમાં દબાવી બેઠો રહ્યો , બધાયે પોતપોતાના વ્યસન ને યોગ્ય ન્યાય આપ્યો.
“હા તો આતા તમે હું કેતાતા, કે ઈતો વાત કરું તો તમારી ઝીણકી ઝીણકી આંખ્યું સેને ફાટી રેહે ? તો કરો વાત, ભલે આંખ્યું ફાટી રેય !”
“તો વાત ઈમ સે કી એક દાણ હું મવે (મહુવા) ગેલો, તારે આપડા ગામના ઓલા નટુ શેઠનો બનેવી કવડ્યી દુકાનનો માલેક સે ઈ તો તમને બધાને ખબર્ય સેને ?”

“હા હો આતા, બવ મોટી દુકાન સે હંધુય મળે ન્યા” રવલો ભોળા ભાવે બોલ્યો

“તો પશી, ઈવડા ઈ શેઠ મને એની દુકાને ભાળીને ઉભા થઇ ને આવકારેલો બોલો !!!” આતા એ પોરસાઈ ને બીડી નો ઊંડો કશ માર્યો

“હું વાત કરો સો આતા ?” ટીલો એનું હંસવું દબાવી રહ્યો હતો

“લે ત્યારે, પશી એને ઉભા ઉભા એનું ધોતિયું ઝંઝેડ્યું તો માલીપા થી કહારી (કંસારી – એક જીવડું) નીકળી …..ને પછી ઈ બેઠા ”

“તી આતા એવું તો નો’તું ને કે એ શેઠ કહારી કાઢવા ઉભા થ્યા હોય ને તમને એવું થ્યું કે …” માધા એ પીન અડાડી

“હાલ્ય હાલ્ય હવે, મારી ઠોળ્ય કરસ, ખોડા’તા ને તમી હજી ક્યાં ઓળખો સો ? ”

વાસ્તવિકતા ને ખોડાઆતા સ્વીકારે એ વાતમાં માલ નહિ એ વાત ત્યાં બેઠેલા બધાને ખબર હતી પણ મોજ પડતી હતી એટલે કોઈ વિરોધ કરવાને બદલે આતા ને ઉશ્કેરતા હતા.

“તી આતા એક શેઠ તમને ઓળખે એમાં કાઈ નવાઈ નો કેવાય, આપડા ગામના હગા એટલે તમને જાણતા નો હોય ?” છગના એ સળી કરી

“તમે આજ કાલ્ય ના સોકરાવ મોટાની વાતું નો હમઝો, હાલ્ય તારી વાત માની લઉં કે ઈ શેઠ ઓળખાણ પાણખાણ વાળો હતો પણ ઓલો બગીસાસોકવાળો ખોઝો તો આપડા ગામનો નથ્ય ને ? ”

“કેમ એના લેંઘામાંય કંહારી હતી ? ”

“તું હવે ગાંડીનો થતો સાનોમાનો બેહી રેની!” ખોડા આતાએ છગનને જે સબંધ માં દુર નો ભત્રીજો થતો હતો એને મા સમાણી નિર્દોષ ગાળ આપીને બધા હસવાં માંડ્યા.

“આતા, હાલો ઈ તો બધા માની ગ્યા કે તમારો મોભો બૌ ઉંસો પણ તમીં અતારે આપડા ગામના હવથી હારા જુવાનીયાવની ભેળા બેઠા સો બરોબર્ય?”

“બરોબર્ય ” આતા ને ટાપશી પૂરી

“તો કાંક વાત એવી કરો કે અમને મઝા આવે !”

હવે ઝાવ ઝાવ બધાય ભેગા થઇ ગયઢા માણહ ની ઠેકડી ઉડાડો સો ” આતા એ પૂરી થયેલી સળગતી બીડી દરિયાની ભીની રેતીમાં મસળી નાખી

“ના રે આતા, તમને ઠેકડી ઉડાડવા થોડા ભેળા લાવ્યા સઈ” ટીલા ના ચતુરાઈ ભરેલા વાક્યો ભાભાને ટાઢા રાખતા હતા

“ભાઈ, વાત તો તારી હાશી પણ એવી તો હું વાતું હોય કે તમ જેવા નવા ઝમાનાના જુવાનીયાવ ને મઝા આવે હેં?”

“પ્રેમ ની વાતું આતા પ્રેમ ની…..” ધનાની વાત હવે મોંધીઆઈ તરફ જતી હોય એવું ટીલાને લાગ્યું એટલે તેને પોતાનો સવાલ મનમાં દબાવી દીધો.

“હા આતા, તમારા ઝમાનાની પ્રેમની વાતું કરો ને, પ્રેમ થોડો ઝુનો થાય, અમને કાંક નવું શીખવા મળે ….” છગને આતા ને પીપળે ચડાવ્યા

“સોકારવ તમે હવે ખરેખર મને ઉડાડો સો હો ” આતા જરાક ચેત્યા.

“ના આતા ના, તમે ઓલી મોંધીઆઈ વળી વાત કરો ને ! એ તમારી પ્રેમ કથા ઝોરદાર સે હો !” આખરે ધના એ કહી નાખ્યું.

“હમણા ખાહડું નાખીહ ને તો ઝડબું ફરી જાહે તારું” આતા ઓચિંતા ગરમ થઇ ગયા અને ફાળિયું ભેગું કરી ઉભા થવા માંડ્યા.

“અરે આતા ક્યાં જાવ સો ?” ટીલા ને આતાનું બાવડું પકડ્યું પણ આતા એ ઝાટકી નાખ્યું.

“એલા ધનાભાઇ તમે ભારે કરી, હવે આતા ને તમેજ હમજાવો.”

“એ આતા નાના સોકરા જેવું નો કરો, ટીલાભાઈની વાત માનો અને બેહી જાવ, લ્યો ધોળી બીડી પીવો ” ધના એ દુર બેઠા બેઠા સિગારેટ કાઢીને આતા સામે ધરી.

“નથ્ય પીવી તારી ધોળી બીડી” આતા ખાટ્ટા થઇ ગયા.

“આતા સોરું કસોરું થાય, તમી ય પણ ભારી હઠીલા હો !!” ટીલા એ સમજાવટ ના સુરમાં થોડું ધખી લીધું

“હઠીલા તો થાય જ ને, ભીંગડા ખોતરીને રુઝાયેલું ગુમડું બેઠું થાય તો તમારે થોડી પીડા ભોગવવી સે ” આતા એ ધના ની સામે જોઈ બોલ્યા, હવે તેની આંખમાં રોષ નહોતો પણ દુઃખ ની આછેરી ઝલક હતી

“એ હારું આતા, ભૂલી ઝાવ બધું, આપને આંય ગોઠય કરવા ભેગા થીયા છઈ ને તમે ઢીલા થઇ જાવ એમ કેમ હાલે?” ટીલાને તે દુઃખી થયેલા વૃદ્ધને સમજાવ્યા.

ખોડાઆતા એ ફાળિયું પાછું નીચે ફગાવી ને ઉપર બેઠા અને પછી નીચું ઘાલી બેસી રહ્યા, બધા એકબીજાનું મોં તાકતા ગંભીર થઇ ગયા.
ધનાને લાગ્યું કે કાંક બોલવું જોશે એટલે તે બોલવા ગયો કે આતા બોલ્યા “ગામમાં જી વાતું થતી હોય એ પણ આખી વાતનો ભેદ કોઈને નથ્ય ખબર્ય સોકરાવ!”

બધા શાંત ચિતે આ વૃદ્ધના ગંભીર ચહેરાને તાકી રહ્યા. આતાએ વાત આગળ ચલાવી.

“તમને બધાને ગલગલીયા થાય એવીજ વાતો વંટોળે ચડેલી પણ હાશી વાતનો સાહેદી મારો આત્મો જ છે.”

“હશે આતા, તમે આમ ઢીલા નો પડો, હાલો આપણે કૈક બીજી વાતું કરીએ.”

“ના, હવે મને દરિયાદેવ ની સાખ્યે વસન દ્યો કે હું જે વાત કરું તે કોઈને એટલે કોઈને કેવાની નહિ, એટલા વરસો ના વહાણા વાઈ ગ્યા તોય હાળું પાકેલા ગુમડા જેવું દરદ કાળજામાં થ્યા કરે સે, કદાશ તમારી મોર્ય મનનો ભાર હળવો કરું ને પછી સુખેથી મરી હકુ, હાલો ધ્યો વસન…” આતા એ એટલું બોલી તેના જમણા હાથની હથેળી આગળ ધરી અને ટીલા સામે જોયું. તરત ટીલાએ હથેળીમાં પોતાનો હાથ મુક્યો અને એનું અનુકરણ બધાયે કર્યું. ટીલો બોલ્યો “આતા, અમે બધા ભાઈબંધ દરિયાદેવની સાખીયે તમને વસન આપીએ છઈ કે આ વાત અમારા પેટમાં મરતા લગણ રે’શે.”

આતા ને ભરોસો બેઠો એવું લાગ્યુઈ એટલે બધાના હાથ પર પોતાનો ડાબો હાથ મુક્યો ને થપથપાવ્યો. બધા ગોઠણભેર ગયા અને એક બેયે તો પાછા નવા મસાલા કાઢી ને જેમતેમ ચોળી ગલોફામાં ઘાલ્યા, ધનાયે ય તે આતાને એક ધોળી સિગરેટ આપીને ને એક સળગાવી, થોડી વાર આતા ઉંચે ઉડતા તેની સિગારેટ ના ધુમાડાને તાકતા બેસી રહ્યા.

“વાત તો બવ જૂની સે, અત્યારે તો મોંઘી ય ભગવાનના ધામમાં સે અને મારી હડોત ના હવે ગામમાં કોઈ નથી, હું અભાગીયો અવગતીયા જીવની જેમ આખા ગામમાં આંટા ફેર મારું સુ, પણ ત્યારની વાત જવા દ્યો, એયને જુવાની આંટો લઇ ગયેલી, ખેતરમાં મજુરો ઝાઝા એટલે બહુ કામ નો રેય પણ દાડિયા ઉપર્ય નઝર રાખવા ખેતરે રેવું પડે, અમારી શીતેર વીઘા જમીન એક શેઢે એટલે બૌ વાંધો નો આવે દેખરેખમાં.”

“ગામમાં અમારા જેવા જવાનીયાવ બૌ ઓસા, પણ પાતાળમાંથી પાણી કાઢીએ એવા બધા, ને એમ જવાન સોડીયું તો આખા ગામમાં અભરે ભરેલી પણ મોંધી તો મોંધી હતી, એના રૂપને તો ઘૂંટડે ઘૂંટડે પીવો તોય નો ધરાવ, કામણગારી કાયાને બે કાળી ભમ્મર આંખ્યું વાંહે તો આખા ગામના જવાન ગાંડા પણ મોંધી પસંદગી કઈ જેવી તેવી નોતી ભેરુડાવ, એને હું ગમતો, બોવ ગમતો, પણ આજની જેમ અમારે મળવું હોય તો નવ નેજા પાણી જાય. ને હું પાછો થોડો બીકણ અટલે મળવાનો મેળ પડે તોય બીકનો માર્યો ભાગી આવું. મોંધી મૂળ તો અમારા ખેતરમાં કામ કરતા ભાગીયા ખીમા જેઠાની એકની એક સોકરી, અમારા ખેતરમાં આખું કુટુંબ બાર મહિના કામે આવે, પણ ગામમાં પાણી મોળા થતા શિયાળો ઉનાળો આખું કુટુંબ કમાવા આજુ બાજુના કે દુરના ગામડાઓમાં જાય જ્યાં પાણી હારું હોય. ઠેઠ સોમાસુ ઢુંકડું આવે એટલે આખું ગામ ભર્યું ભર્યું થઇ જાય અને ત્યારે મારી મોંધી પણ આવે એટલે ગામ ભારી રૂડું લાગે. એનો બાપ મારી ઘેર આવે ને કાંતો ડુંગળી લસણ કે કાંક બીજું લેતો આવે ને સોમાસા પુરતું ખેતર એના હવાલે બાપા કરે. અમારી જમીન હારી એટલે ત્રીજા ભાગમાં પણ ઈવડા એ હારું કમાઈ લેય.”

“હું વાડીયે આંટો દેવા જાવ ત્યારે કૈક ને કૈક કામ કાઢીને ને મોંધી કુવે આવી જાય અને ત્રાંસી આંખ્યે મને જોતી જાય એમ ને એમ આખું સોમાહું પૂરું થઇ ગ્યું પણ તમારો આ આતો મોઢા માંથી બે વેણ નો ફાટી હક્યો. ને પાક લેવાઈ ગ્યો ત્યાં લગણ હું મુંજાયા કર્યો ને એમ ને એમ ઇને કમાવા જાવાનો દી’ ઢુંકડો આવી ગ્યો, તે દી હું મવે (મહુવા) હટાણું કરવા ગ્યો ને વાળું ટાણે પાસો આવ્યો ત્યારે ખબર પડી કે મોંધીનું આખું ઘર મોરબી કામે વયું ગ્યું. છોકરાવ તે દી મને જે એકલવાયું લાગ્યું ઈ આજ લગણ નથી ભૂલાણું. પ્રેમ કેવો હોય તે દી મને ખબર પડી પણ હવે તો આઠ મૈના કાઢવાના હતા, કામમાં જીવનો વળગે અને એક એક દિવસ ગણું ભાઈ !”

અને જે દી સુરજથી ધરતીમાતા તપ્યા ને નભમાં વાદળાં ઘેરાયા, મોરલાએ વરસાદની સાખી પૂરી તે દી મારા મન માંહેનો મોરલો સોળે કળાએ ખીલી ઉઠ્યો, દિન ગણાતા રાત્ય લાંબી લાગવા માંડી ને મોંધી ના આવવાના પડઘા મારી સુકી સીમમાં પડઘાવા લાગ્યા, સાંજ પડે ને ગામને પાદરે બેહું ને ‘એ આવી હમણા…’ એવા મનસુબામાં રાત્ય પડી જાયને ઢીલા પગે પાસો ઘેર આવી બટકું રટલો ખાઈ ખાટલામાં પડું, ઊંધ અને મારે છેટું પડી ગયું તું ભાઈ!” આતા જાણે પોતાની એ દુનિયામાં જતા રહ્યા હોય એમ સ્વગત બબડી રહ્યા હતા, ત્યાં બેઠેલા બધાયને આજે સાચો પ્રેમ કેવો હોય તે પ્રત્યક્ષ થઇ રહ્યું હતું, આજ કાલ તે લોકો ગામની છોકરીઓ ને તાકતા અને પોતાની કરી લેવા જે હોડ બકતા તેની સામે આ ભોળા ગામડિયાના જુનવાણી માનસમાં અંકાયેલા પ્રેમ ના અભિષેકમાં તે લોકો જાણે નહાઈ ને પવિત્ર થઇ રહ્યા હોય તેમ તન્મય થઇ આતાની વાત સાંભળી રહ્યા.

આમ ને આમ પંદર દી’ ના વ્હાણા વાયા ત્યારે એક દિવસે વાળું ટાણે હું ખેતરેથી ખેડીને થાક્યો પાક્યો ઘેર આવ્યો ત્યારે મોંધીની મા મારી મા હાર્યે ગોઠડી કરતી બેઠી હતી, મારી મા રોટલા ટીપતી હતી ને મોંધી ની મા દાતરડેથી રીંગણા કાપતી હતી, હામે જ મારા બાપા હોકલી પીતા પીતા બેય બાયુંની વાત પર કાન દઈ સાંભળતા બેઠા હતા. હાથ પગ ધોતા ધોતા જે મારા રૂવાંટા ઉભા થ્યા ને ક્યારે મોંઘીનું મોઢું જોવ એવા થનગનતા પગે હું ઓશરીમાં પગ મુકું ત્યાં જ મોંઘીની માએ મારા ખબર અંતર પુશીને ઘેર સા પીવા આવવાનું નોતરું દીધું. આ બંદાને તો ભાવતું તું ને દાક્તરે એ જ ફરુટ ખાવાનું કીધું. મેં બાજુના ઓરડામાં જઈ ને ભગવાનને દીવાબત્તી કર્યા ને હાવ હાસું કવ તો એક ગુજરાતી ગાણા ને ધીમા સાદે ગાઈ ગરબાની એક ઠેક પણ મારી લીધી.

બીજે દી’ મેહુલો ભરપુર વરસ્યો, ધરતી માતાને ધરવી નાખી, ગામના તળાવ ને સલકાવી દીધું, ગામમાં ખબર પડી કે વાવણી જોગ વરસાદ થઇ ગયો ત્યારે મારી માએ લાપશી નું આંધણ મુક્યું ને હું ધીરા ધીરા ફોરાને જીલતો ગામમાં રવાના થયો જવું તો તું મોંઘી ને ઘેર પણ પગ નો’તા ઉપાડતા, પણ કીધું સે’ને કે રામ હૌ નો રખવાળો એમ મોંઘીના બાપા ગામમાંથી બીડીયું લઇ ને આવતા સમા મળ્યા, ગમે એમ તો હું તેના ખેડુંનો દીકરો ને?

“અરે કાં ખોડા કેની પા?”

“આ જવોની વાવણી થઇ તે ભાઈબંધો પાંહે વધામણી ખાવા જાવ સું.”

“હાલ્ય ઘેર હાલ્ય, સા પીયે, પશી જાજે જ્યાં જાવું હોય ત્યાં !!” ભાયડાને તો બક્ખા થઇ ગયા સોકરાવ’. ખોડા આતા જાણે અત્યારે મોંધી ને ઘેર જતા હોય તેમ ખીલી ઉઠ્યા.

ઘેર તો ફળિયામાં પાણી ભરેલું એટલે ઓશરીમાં ખાટલે બેઠાને એના બાપાએ ‘સા’ નો ઓડર દીધો, હું આખા ફળિયામાંને ઘરમાં ડાફોળિયાં મારતો મોંધીને ગોતું પણ ખડકીમાં મોંધીની માએ પગ મુક્યો એટલે હું સાનોમાનો હેઠું જોઈ બેહી ર્યો.

એની માએ જેવો મને દીઠો ને મોઢું મલકાવી ગઈ ને ઉંસા અવાજે બોલી…. “એ મોંધી જો ખોડુભાઈ આવ્યા સે! સા મૂક્ય.” સોકરાવ ઈ કાળમુખી આ વેણ નો બોલી હોત તો હારું થાત પણ ઈ બોલી, ને હું કઈ થોડો એના મોઢે ડાટો દઈ હકું હેં ?

ખોડુભાઈ.. ભાઈ? મારો મગઝ હાવ હલી ગયો પણ બોલવું કિમ ? મોંઘી સા લઇ ને આવી, મને લાગ્યું હો કે ઈવડી ઈ રકાબીમાં રાખડી લઈને નો આવી હોય..! પણ રકાબીમાં સા રેડતા ઈ હેવી મારી હામું જોઇને હંશી કે મારા તો બારેય વાણ ડૂબી ગ્યા, અરે એમ કઈ કેવાથી થોડો હું એનો ભાઈ બની જવાનો હેં ? હાસું ને સોકરાવ?

“હાવ હાસું આતા” એક જણો બોલ્યો એટલે બધાયે માથા હલાવ્યા.

“હું એ એની હામે જોઇને હશી નાખત પણ તેના બાપના ખોંખારાએ મારે ઉનો ઉનો સા એક સબાકે પી જવો પડ્યો ને જીભડી તો દાજી ગઈ. પણ મારા વ્હાલા કાળજે ટાઢક થઇ ગઈ હો.”

બે ત્રણ દી’ પાશી વરાપ નીકળ્યો ને બધા ખેડું એના બળદોને ગોળ ખવડાવી, કંકુના તિલક કરી, શીંગડે ઘી સોપડીને શણગારી ખેતરે ઉપડ્યા. વાવણી ટાણું એટલે બાર મૈનાના પરબ જેવું. પણ મારો ઉમંગ તો બેવડાય ગયો જયારે મોંધી નવા લૂગડાં પેરી મારી હંમે આવી, રાતાચોળ કમખાને ઓઢણી ઢાંકી નો હકી ને એનું જોબન જોઈ ને મને તો કૈક નું કૈક થઇ ગયું દીકરાઓ !!!! પાશી મારી પાંહેથી જાતા જાતા જે નેણ ઉલાળતી ગઈ એ જોઇને થયું કે આ સોમાસે જો મોંધી ને મારી નો કરું તો મુશ મૂંડાવી નાખીહ.

આખો દી’ ખેતરમાં હળ હાંકતા હાંકતા એને જોઇને થાતું તું કે જઈને બાથ ભરી લઉં ને રાતાસોળ ગળે બટકું ભરી લઉં પણ બપોરે એના હાથે પીરસેલું ભાતું ખાતા ખાતા રોટલાનું બટકું ગળે અટકી ગયું!

નાનું ગામ એટલે ધોળે દહાડે મળવું વસમું ને રાત વર્ત્ય તો જવાન સોકરીને બાર્ય નીકળવું વસમું. બોવ પલાન કર્યા પણ મેળ નો ખાધો, એમાંને એમાં તો બાજરો માથા લાગી મોટો થઇ ગ્યો. એમાં નિંદામણ માટે કરેલ દાડિયાને જોવા હું ખેતરે પૂગ્યો, બપોર થતા મોંધી આવી ભાતું લઈને, બધાયે પેટ ભરી ખાધું. થોડું લાંબુ ડીલ કરીને કામે વળગ્યા, સાંજ પડતા બધા દાડિયા ઘર ભેગા થવાની તીયારીમાં પડ્યા ત્યારે મોંધીની માએ મોંધીને ઘરની ગા હાટુ ખડની ગાહડી બાંધતી આવવાનું કીધું, જેવી એ ખડ નીન્દવા બાઝરામાં ગરી કે હું ઓલા શેઢેથી સાનોમાનો ગર્યો, અને જેવો પસવાડે જઈને ઉભો કે ઈવડી ઈ બીકની મારી ઉભી થઇ ગઈ ને મને જોઇને બીવાને ને બદલે સરમાઈ ગઈ.

“તમે આયાં હું કરો સો?”

“બધી પડપુશ્ય મૂક્ય કોર્યે ને કે કે તું મને પ્રેમ કરસ ?”

“ઈ બધું કેવાનું થોડું હોય?” એટલ્યું બોલી તાં તો મોંધીની માનો ‘કેટલીવાર છે સોકરી ?’ બરાડો એને ગાહડી સોતો બાજરાની બાર્ય ખેંશી ગ્યો ને હું સાડીયાની ઘોડ્યે ઉભોર્યો પણ ઈવડી ઈ મને પ્રેમ કરે સે એ ઈના જ મોઢે હામ્ભળીને તમારો આ આતો ગાંડોતુર થઇ ગ્યો તો.
હવે બીજો મોકો મળેને તો એકવાર બથમાં લેવી આવું પાક્કું નીમ લીધું અને આ મોકો બીજે દી’જ મળી ગયો. મોંધી લેવા આવી મારી ઘેર્ય સાશ્ય ને ઘેર આપડે એકલા, જેવી ડેલીમાં આવી કે પકડીને રહોડામાં લઇ ગ્યો, મોંઘલી તો એવી શરમાઈ કે ઉંસુય નો જોવે, મારી ફેં ફાટે એને અડતા એમાંને એમાં કોને ખબર કેટલો ટેમ વયો ગયો અને પશીતો નો રેવાણુંને જેવો હાથ લાંબો કરી એને અડું ત્યાં તો ડેલી ખખડી. મેં રહોડાની ડોકાબારીમાંથી જોયું તો મોંઘીની મા! મારા તો મોતિય મરી ગ્યા, મોંઘી પણ સાશ્યનો ખાલી પાટીયો લઇ ને બાર્ય નીકળીને વાંહે વાંહે હું…. બેય ધ્રુજી ગેલા, આજ તો આવી બન્યું!

“તું તો સાશ્ય લેવા આવી’તી ને?”

“કાકી નથ્ય ઘેર….” મોંઘી માંડય એટલું બોલી હકી

“લે કાકી નથ્ય એમાં તમી બેનભારું વાતું ના વડા કરવા બેઠાને ઘેર તારો બાપ સાશ્યની વાટ જોવે છે.” મોંઘીની મા આવું બોલી ત્યાં તો વાહાંમાં લીલી હોટીનો સબાકો બોલ્યો હોય એમ હું બેવડો થઇ ગ્યોને થ્યું કે આ બધાને ભાઈ બેન શિવાયના કોઈ બીજા સબંધ નય દેખાતા હોય! ત્યાં મારી મા આવીને સાશ્ય દીધી એટલે મા-દીકરી થઇ રવાના પણ મને શેન નો પડે ભાઈ, આ મોંઘલીની મા વારે ઘડીએ મોંઘીનો ભાઈ બનાવે સે એને કેમ કરી અટકાવું. પણ આમને આમ સોમાસુ પૂરું થ્યુંને મોંઘીના ઘરનાં એ તો પેટી પટારા બાંધી કમાવા નીકળવાના હતા એની આગલી રાત્યે ભારી હિંમત કરી મેં.

ગામમાં ઉકા આતાને ઘેર ડાકલા, એટલે આખા ગામના ભાયડા મફત સા પીવાને બીડીયું સુંહવા, માતાજીના સત જોવાને બાને પોગી ગેલા. મોકો હારો હતો, મારા બાપાને એના બાપા બેય ડાકલામાં બેઠા હશે ને સા ના હબડકા લેતા હશે એવું ધારીને બાકીનું ગામ ઝંપી ઝાય એની વાટ જોતા ગામના મંદિરે એકલો બેઠો….. એટલું બોલીને આતા અટક્યા, રવજીએ કેરબામાંથી પાણીનો કળશ્યો ભરીને આતાને આપ્યું, મોટે ઘૂંટડે આખો કળશ્યો પૂરો કરતા હતા ત્યાં સુધી આતાના ગળાનો હૈડ્યો સૌ ઉંચો નીચો થતો જોઈ રહ્યા. પાણી પીય ને ઈવડા ઈ એની ધોળી પૂળા જેવી મુશ્યુંની ઉપર હાથ ફેરવી બોલ્યા કે “જવો સોકરાવ, અતાર હુધીની વાત તો મેં તમને કરી પણ હવે પશીની વાત જે કરું ઈ વાત જો કોઈને તમે કરી ગામમાં તો તમને આ દરિયાદેવની આણ્ય સે” બધાયે મુંડા હલાવી ને વસન દીધું આતાને.

“ગામમાં હાવ સુનકર થયો એટલ્યે હું ઈના ઘરની ઝાંપલી હુધી પુગી ગયોને વંડી ઠેકીને માલીપા કુદવા ગયો ત્યાં તો મને કોક આવતું હોય આણીપા એવો અણહારો થયો એટલે વશમાં માવજીની દુકાનની નરકોળીમાં ભરાય ગયો, સાતીના ધબકાર એવા વધ્યા કે ગામ ઝાગી જાહે એવી ભે લાગીને સોયણી પણ ભીની થય ગઈ, મને મારા બાપની બોવ બીક લાગતી ત્યારે તો, લાગેઝને પાંસ માણહમાં પુસાઇ એવો બાપ હતો મારો, એની સલ્યા પરમાણે આખું ગામ હાલતું, એની આબરૂના તો લીરા ઉડે જો હું પકડાઈ જાવ તો. નરકોળીમાં બોરડીના કાંટાએ વાહો શીરી નાખ્યો પણ ઉંકારો કર્યા વગર હું લપાઈ’ર્યો.

ઓલા આવનારાએ ધોળા બાસ્તા જેવા લૂગડાં પેરેલા પણ ઉપર કાળો ધાબળો ઓઢેલો માથા લગી, અને હાવ નરકોળી પાંહે આવીને ઉભો’ર્યો ને આઝુબાઝું ઝાંવા નાખીને જોયું અને હડપ લઈને મોંધીના ઘરમાં ઘુશી ગ્યો, મને તો ભાઈ બોવ નવાઈ લાગી. હું હળવેકથી ઉભો થયોને બોયડીના કાંટામાંથી પેરણ કાઢીને ભીંત હરહો લપાઈને ઠેઠ ઝાંપલી હુધી ફરી પુગી ગ્યો ફળિયામાં કોક સાનું સાનું વાતું કરતુ હોય એવું લાગ્યું, એટલે માથું ઉંસુ કરીને ડોકું કાઢ્યું એની ફળીમાં તો ઝાંખા દીવાના અંઝવાળામાં ઓળાને ઓરડાની હાંકળ ખખડાવતો ઝોયો. અને ઘડી બે ઘડીમાં તો મોંધીની માયે કમાડ ઉઘાડ્યુંને ઉભેલા જણને ભેટી પડી પશી હંભળાયા થોડા ડુસકા રોવાના. બોવ વાર હુધી એ બેય વાતું કરતા જાય અને એક બીજાને સધિયારો આપતા જાય. હાળુ મને તો કઈ હમજણ જ નો પડી. પશી ઓલો જણ મોંધીની માને અળગી કરીને પાસો વળ્યો અને ફળિયા હુધી આયવો તાં તો હું પાસો નરકોળીમાં ભરાઈ ગ્યો. જેવો ઈ બાર્ય નીકળીને હાલતો થયો કે હું એની એની વાહે હંતાતો હંતાતો હાલવા માંડ્યોને એ ઓળોતો મારી શેરી બાઝું ગયો, હું એની વાંહે વાંહે.” એટલું બોલી ને આતા ચૂપ થઇ ગયા.. અમારી બધાની જીભ તાળવે અને કાન ‘એ કોણ હતો’ જાણવા સરવા થયા.

આતા નીચું જોઈને એટલુજ બોલ્યા, “ઈ કાળમુખી રાત્યે મને મોંધીની માના વેણ યાદ આવ્યા કે મોંધી ખોડુભાઈ આવ્યા સે સા મૂક્ય…”

આતાની નિષ્ફળ પ્રેમ કહાણીએ અમને બધાને મૂઢ જેવા કરી મૂક્યા.

– મિતુલ ઠાકર

મિતુલભાઈ ઠાકરની આજે પ્રસ્તુત થયેલ વાર્તા ગ્રામ્ય વાતાવરણને તાદ્દશ રજૂ કરતી લોકબોલીમાં ગૂંથાયેલી સ-રસ કથા છે. ખોડાઆતા અને મોંઘીની પ્રેમકથા એક અનોખી ભાતની વાત રજૂ કરે છે. વાર્તાનો પરિચય આપતા તેઓ કહે છે, “વાર્તાનું પોત લગભગ સાચું જ છે, ટીલાને કેન્દ્રમાં રાખી ને લખેલી વાર્તાનો સાચો હીરો તો ખોડાઆતા જ છે, વધારે પડતા સૌરાષ્ટ્રના શબ્દો અને સંવાદો મેં આમાં લીધા છે, એટલે કદાચ વાચકોને કે જેને સૌરાષ્ટ્ર સાથે બહુ ઓછો સબંધ રહ્યો હશે તેને વાંચવામાં તકલીફ જરૂર પડશે પરંતુ વાર્તા ને ઉપસાવવામાં આ શબ્દોનું વૈવિધ્ય તમને ગમશે.” સુંદર કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ મિતુલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

બિલિપત્ર

પ્રેમને પામવાનો કોઈ માર્ગ નથી, પ્રેમ એ જ માર્ગ છે. – ગૌતમ બુદ્ધ


Leave a Reply to Ravi DangarCancel reply

30 thoughts on “ખોડાઆતાની પ્રેમકથા.. – મિતુલ ઠાકર