વાચકમિત્રોની પદ્યરચનાઓ.. – સંકલિત 1


૧.

જખમ સંજોગ લાવે તે, કસોટી પર ચડાવી જો,
ખમેલી વેદનાઓને સમય આપી શમાવી જો.

મનોરથ હો અડગ, ગોબા ભલેને સોણલે થાતાં:
બની યોગી કરમનું હાથમાં ભાથું થમાવી જો.

રઝળપાટો હજારો ને છતાં ધાર્યું નથી થાતું ;
સનાતન એ કથા સાચી, મગજને આજમાવી જો.

‘નથી આ ને નથી પેલું’ બધા છે મન તણા ખેલો;
બધી ઓછપ વિસારી રોફ મરદાની જમાવી જો.

ન લાચારી તને શોભે, ખુમારી બાવડાંની જો,
સિકંદર થૈ જગે સાચો, જગતને તું નમાવી જો.

૨.

ઝાંઝવે જળબિંદુઓ આવી મળે તોયે ઘણું,
એક આશા થૈ ખરી, આવી મળે તોયે ઘણું.

ભીડમાં ભૂલો પડી ભટકી ગયો જે માનવી,
કાશ તેને પણ દિશા સાચી મળે તોયે ઘણું.

ભોગજીવનમાં કર્યું તાળે બધું માનવપણું
ભાવજીવન જીવવા ચાવી મળે તોયે ઘણું.

ગંદવાડેથી ઉપાડી પેટ ભરનારા કહે,
“ભૂખ પણ ભોજન બની, ખાવી મળે તોયે ઘણું.”

જે વિચારો કાગળે ભાષા બનીને અવતર્યા,
તે ગઝલ જો એક દિ ગાવી મળે તોયે ઘણું.

આણ ભારતભોમની આખા જગત પર જે હતી,
એ જ સાહેબીગિરી પાછી મળે તોયે ઘણું.

૩.

ગ્રંથના મેળે જવાનું મન થયું,
ચોપડીઓ વાંચવાનું મન થયું.

જ્યાં પહેલો પ્રેમ હૈયે ઓળખ્યો,
આંખડીઓ જોડવાનું મન થયું.

ત્યાં કિતાબોમાં પડ્યા ઝાંઝર હતા
જે પહેરી નાચવાનું મન થયું.

વ્યાકરણ જાણી ગઝલને સાંથિયે,
રંગ ભાષાના થવાનું મન થયું.

થોકમાં વાંચન તણો આનંદ લૈ,
ને કલમ કંડારવાનું મન થયું.

– ગુણવંત વૈદ્ય

૪.

વરસાદને બોલાવ ને એક સાદ મોકલાવ,
આ નભ ઓકે અંગાર ને મારી ભીતરે ભભૂકે અગનજાળ.
આ ધરતીને તરસ વરસાદની ને મને આશ તારા સાદની. તું વરસાદને બોલાવ…

ધરતી જલે ને આ દેહ નીતરે,
અહીં હૈયું જલે ને આંખ નીતરે.
દખણાદા વાયરા વાશે, કાળા ડીબાંગ વાદળ આકાશે,
વિજળીની ગર્જના ને તેજના લિસોટા, ક્ષિતિજોએ એકાકાર થાશે. તું વરસાદને બોલાવ…

માજમ રાતમાં મેહુલીયો વરસે, આ ધરતીને પૂરી ભીંજવશે.
પૂર્ણત્વ પામેલી નારના અરમાન સમ આ ધરતીને લીલુડાં અંકુર થાશે.
અહીં ધરતી સમ તું ને વરસાદ સમ હું
– એટલે જ –
તું વરસાદને બોલાવ ને એક સાદ મોકલાવ.

– હિતેષ ત્રિવેદી

૫.

અનુભૂતિ એ શબ્દની અતિશય નજીક છે,
પ્રતિકૃતિ ખુદાંની તું સૌથી સટીક છે.

વર્ષો થયા જીવું છું તને હું એ જિંદગી,
તો ય એમ કેમ લાગે?,”હજી તો જરીક છે”.

મારા કપાળ પર મેં લખીને રાખેલ છે,
“આ માનવી તો ભાઇ ઘણો ધાર્મિક છે”.

એના ઉપર પડી ગઈ મારી જ બદનજર,
ભીતર ઉઠ્યો અવાજ, “તું તો બર્બરિક છે”.

આંસું છે એની આંખમાં ને હાથમાં કલમ,
શાયરની આ સદાં ય અદા “લાક્ષણિક” છે.

જે જોઇતું હ્તું એ બધું જ મળી ગયું,
સમજાયું એ પછી જ કે આ તો ક્ષણિક છે.

– વિશાલ પારેખ

વાચકોની કાવ્યરચનાઓ અંતર્ગત આજે ગુણવંતભાઈ વૈદ્યની ત્રણ કાવ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. ગુણવંતભાઈની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે અને વાચકો તેમની કલમને સુપેરે જાણે છે. આ સાથે જીએચસીએલમાં કેમિસ્ટ તરીકે કાર્ય કરતા શ્રી હિતેષભાઈ ત્રિવેદીએ પણ ઉંમરના પાંચ દાયકા પછી તેમની લખવાની ઈચ્છાને પ્રથમ વખત સાકાર કરી છે. તો સાથે સાથે મોરબીના વિશાલભાઈ પારેખ પણ પ્રથમ વખત ગઝલરચના પર હાથ અજમાવી રહ્યા છે. વાચકો જ જ્યારે સર્જન કરવા પ્રેરાય એ હેતુ આ રચનાઓ મળ્યે સાકાર થતો દેખાય એ આનંદ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “વાચકમિત્રોની પદ્યરચનાઓ.. – સંકલિત

 • rAMESH CHAMPANERI

  khub sarsas rchna bani.

  aa rachna lakhti vakhatna manibhavna kampan shodhvaanu koi meater hoy to.

  raxhnanna ma shabdp pan chhe, ane svaash saathe hraday na udgaaro pan akshardeh saathe pragat thaya.

  aksharnaad j aavi tako aapi shake.

  good
  traney rachiyata ne abhinanadan

  -Rashmanjan