મનનીય શે’ર સંકલન – જિતેન્દ્ર પ્રજાપતિ 7


કાગળ ઉપર બધાય વિચાર ના ઉતાર દોસ્ત
ક્યારેક ઝાંખ શબ્દની જઈ આરપાર દોસ્ત
નબળું હશે તો વિશ્વ કદી નોંધ ના લેશે,
લખવું જ હો તો લખ સતત ધારદાર દોસ્ત.

*

સમયના નામની તક્તી અમારા નામની આગળ રહે છે કાયમી,
ક્ષણોની ઊડતી ચકલી અમારા નામની આગળ રહે છે કાયમી.
લખી છે વાત મેં તારા સબબ, કેવળ અને કેવળ હવે તારા સબબ,
છતાં એ વાતની ભરતી અમારા નામની આગળ રહે છે કાયમી.

*

રિવાજો ના પ્રભાવે મેળવી હું ના શક્યો;
નહીંતર આમ ઉમ્રભર મેં ચાહી છે તને.
હજી પણ કૈંક એ રીતે જ ધબકે છે હ્રદય;
કે લાગે જન્મજન્માંતર મેં ચાહી છે તને.

*

ઘણું પામ્યું, ઘણું ખોયું તમારો હાથ ઝાલીને,
જીવન શું છે, જીવી જોયું તમારો હાથ ઝાલીને.
સળગતી આગ લઈને રાત મેં વીતાવી છે હમણાં,
હું નાનું કોડીયું; રોયું, તમારો હાથ ઝાલીને.

*

જીવનની સાથમાં મૃત્યુની લાચારી જરા રાખી,
મને આફત દીધી, ‘ને એય અણધારી જરા રાખી.

*

આયનાની રૂબરૂ જ્યારે જવાનું થાય છે,
દોસ્ત! ત્યારે ત્યાં ખરેખર ના થવાનું થાય છે.

*

પથ્થર મટીને જ્યારે એ ઈશ્વર બની જશે,
ધર્મો બધા તરતજ છૂમંતર બની જશે.

*

કરચલી દેહ પર તેમજ સફેદી વાળમાં આવી,
શ્વસન કરવાની પીંજણમાં જતનનો અર્થ મેં ખોયો.

*

છે હલેસું તૂટવાનો ડર હવે,
નાવનું ગભરાય છે ભીતર હવે.
પુષ્પ અંદર શ્વાસ એનો કેદ છે,
કરગરે છે છૂટવા અત્તર હવે.

*

શ્વાસની છે નગ્નતા ને ચામડી પહેરી ઊભું હોવાપણું,
આમ જુઓ તો શરીરે આખરે ગણવેશ જેવું કૈં નથી.

*

સાવ સીધી સચોટ બાબત છે કે,
શ્વાસ પર શ્વાસ લઈ, ઈમારત ઊભી.
એમ કઈ રીતથી એ જીવ્યો’તો કે-
આ કયામત ક્ષણે ઈબાદત ઊભી?

*

એમ નૂતન પેઢીનું ચણતર થયું,
પેન પાટીમાં સિમિત ભણતર થયું.
ઠેસ વાગ્યાનો સબબ છે એટલો
આગલું ડગલું તરત પગભર થયું.

*

કદાચ તેથી જ મારી જાતને માફી નથી દીધી,
તમારી જેમ બીજા કોઈને ચાહી નથી શક્તો.

*

એક ઈચ્છાને ઢબૂરી સાચવી છે,
મેં ગઝલ મારી અધૂરી સાચવી છે.
દૂર જઈને એટલું મેં જોઈ લીધું,
ક્યાં કદી એણેય દૂરી સાચવી છે.

*

હું હતો હમણાં સુધી તો વૃક્ષનો આકાર દોસ્ત,
લૈ કુહાડી આપે કીધો, વૃક્ષમાંથી દ્વાર દોસ્ત.

*

જેમ કાપું એમ વધતી જાય છે,
રેઢિયાળ કો’ ઘાસ છે આ આરઝૂ.

*

કૈંક શોધ્યા મેં રહસ્યો જગ મહીં,
જાત ખોળી ના શક્યો, નિષ્ફળ રહ્યો.

*

તુલસીનો છોડવો આજેય લીલોછમ છે,
એમ લાગે એનામાં ઊગી ગઈ છે બા હવે.
એક સાંધો તેર તૂટે એમ કૈં જીવન મહીં,
રોજ થોડી થોડી થૈ તૂટી ગઈ છે બા હવે.

– જિતેન્દ્ર પ્રજાપતિ

જિતેન્દ્રભાઈની છંદબદ્ધ, ગઝલની પૂરેપૂરી શિસ્ત સાથે ઉતરતી, અર્થસભર અને ચિંતનપ્રેરક ગઝલરચનાઓનો હું હંમેશાથી મુરીદ રહ્યો છું. તેમની ગઝલરચનાની સફરને નજીકથી જોવાનો અને અનુભવવાનો અવસર મળ્યો છે. અક્ષરનાદ પર પણ તેઓ સતત અને નિયમિતપણે ગઝલરચનાઓ પાઠવતા રહ્યા છે. ગત મહીને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત તેમનો પ્રથમ ગઝલસંગ્રહ, ‘હું હવે કાગળ ઉપર’ તેમણે પાઠવ્યો છે. થોડાક દિવસોમાં ગઝલસંગ્રહનો આસ્વાદ અક્ષરનાદ પર માણીશું, આજે પ્રસ્ત્તુત છે તેમાંથી થોડાક, ‘વાહ’ કહેવા મજબૂર કરી દે એવા મનનીય શે’ર.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “મનનીય શે’ર સંકલન – જિતેન્દ્ર પ્રજાપતિ