મુક્તિ મળે કે ના મળે.. – ચિંતન – જીજ્ઞેશ અધ્યારૂ 5


મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે,
મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે…

મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે,
શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે… મુક્તિ મળે કે ના મળે..

હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંયે દોડું નહીં.
પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે… મુક્તિ મળે કે ના મળે..

આવે જીવનમાં તડકા છાંયા, સુખ દુઃખના પડે પડછાયા,
કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે… મુક્તિ મળે કે ના મળે..

જ્યારે અંતસમય મારો આવે પ્રભુ, તમ રહેજો આ નયનોની આગળ પ્રભુ,
શરણે તમારે આવીને મારે મુક્તિ આ જીવની કરવી છે… મુક્તિ મળે કે ના મળે..

– અજ્ઞાત (રચયિતાનું નામ ખ્યાલ હોય તો સૂચવશો.)

અચાનક આ ભજન સાંભળવા મળ્યું, ફરી સાંભળ્યું, ફરી ફરી સાંભળ્યું… શબ્દબ્રહ્મના રસ્તે નાદબ્રહ્મ તરફ લઈ જતા ઉંડાણભર્યા ધ્વનિને સ્પર્શવાનો પ્રયત્ન કરતો રહ્યો. આ પ્રકારના સાહિત્ય મંથનમાં કદાચ સફળતા મેળવવાની શક્યતાઓ ઓછી હોય તો પણ એ પ્રયત્નમાંય સંતોષ અને શાંતિ મળે છે. એ મંથન મનને એક અનોખા ભાવવિશ્વમાં લઈ જાય છે, અને સાથે સાથે એ આંતરીક સંવાદ બ્રાહ્ય વ્યસ્તતાને કંઈક અંશે શૂન્યતા તરફ થોડીક ક્ષણો પૂરતી પણ, લઈ જાય છે. મને લાગે છે કે આખીય રચનાનો ભાવ તેના રચયિતાની વિવિધ ઈચ્છાઓની સમાંતરે જ ચાલે છે. ઈચ્છા ઈશ્વરની સેવા કરવાની, ભક્તિમાં રત રહેવાની, પૂજા કરવાની અને અંતે મુક્તિ પામવાની.. પણ ભક્તને મુક્તિ જોઈએ? અંતિમ કડી પછી જો પહેલી કડી વાંચો તો સમજાય કે મુક્તિ તો તેણે પહેલા જ ભક્તિ માટે જતી કરી છે, મુક્તિ એ સૌથી મહાન અપેક્ષા છે, એનો અર્થ કે હવે કોઈ અપેક્ષા નથી રહી. ઝેન કહે છે, મને કોઈ અપેક્ષા નથી એમ કહેશો તો એ પણ એક અપેક્ષા જ થઈ રહેશે..

મને યાદ છે ત્યાં સુધી આ ભક્તિરચના દૂરદર્શન ગુજરાતી પર આવતી નરસૈંયો ધારાવાહિકનું થીમ હતી, ઓનલાઈન શોધીએ કે જાણકારોને પૂછીએ તો આ જ રચના જૈન ભક્તિગીત તરીકે, વૈષ્ણવ ભક્તિગીત તરીકે તથા અન્ય ઘણાં પંથોમાં બદલાયેલા સ્વરૂપે પણ મળી આવે છે. ભક્તિગીતોની પણ પોતાની એક આગવી માયાજાળ છે. એક જ ગીત, એક જ ભક્તિરચના ઈશ્વરના નામ બદલી બદલીને વિવિધ પંથો દ્વારા ઉપયોગમાં લઈ શકાય એવો અનેકતામાં એકતાનો સંયોગ ક્યાં જોવા મળે, કદાચ પરોક્ષ રીતે આ ઉપયોગ જ કહે છે કે કોઈ પણ ભક્તિરચના આખરે તો એક સર્વબ્રહ્મ સનાતન ઈશ્વર પાસે જ જાય છે. અહીં ભક્ત ઈશ્વર પ્રત્યે પોતાનું સમર્પણ દર્શાવે છે, ઈશ્વર તરફના તેના પ્રેમ પાછળ કોઈ પ્રાપ્તિની ઝંખના કે ઈચ્છા નથી, એટલે જ તો તેને મુક્તિ ન મળે તો પણ ભક્તિ કરવી છે.. પહેલી જ પંક્તિ કોનું સ્મરણ કરાવે?

હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જનમ જનમ અવતાર રે..
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે..

ઈશ્વર પોતે કદી ભક્તોને ભજન કે ધૂપ દીપ કરવાનું નથી કહેતો, પાસ થઈશ તો નાળીયેર વધેરીશ અથવા પ્રમોશન થશે તો ચાલતો મંદિરે આવીશ એવી લાલચોમાં કયા ભગવાન ફસાતા હશે? એટલે અહીં જે મેવાની વાત થઈ છે એ દુન્યવી તો નથી જ, તો કયો મેવો છે જેને સેવા માટે ભક્ત છોડી શકે? થોડાક વર્ષો પહેલા આવેલા મેટ્રિક્સમાં અંતતઃ વણાયેલા મહાભારતને જેઓ જોઈ શક્યા હશે તેમને મોર્ફિયસનો આ સંવાદ અવશ્ય સ્પર્શ્યો હશે.. I’m trying to free your mind, Neo. But I can only show you the door. You’re the one that has to walk through it. There is a difference between knowing the path and walking the path. ઈશ્વર પ્રાપ્તિ પછી પણ જો હરિના જન મુક્તિ ન વાંછતા હોય, તો એ મેવાને જતો કરવાનું કારણ કદાચ ‘મંઝિલથી વધારે સફરની મજા’ જ છે. કયા રસ્તે? સાચા માર્ગની ઓળખ હોવી, એ જાણવું પણ એક મુક્તિ જ છે, બંધ દરવાજા ખૂલે એટલે મુક્તિ નથી મળતી, મુક્તિ તરફની સફર શરૂ થાય છે, અને એ રસ્તો ખબર હોવી અને એના પર આગળ વધવું એ બંને પણ ક્યાં સમાન છે? અને એક વાર એ રસ્તે નીકળી ગયા પછી? મન વાંછે કે રસ્તો કદી પૂરો ન થાય..

ઝેન સમજણ દુ:ખ કે પીડાને જીવનનો અવિભાજીત હિસ્સો સમજે છે. રડતાં આપણે જન્મ લઈએ છીએ, માતાની હુંફાળી કૂખમાંથી ઠંડા અને દુન્યવી વાતાવરણમાં આવવાની પીડા તો થવાની જ! દાંત આવે એટલે પીડા, ચાલતા શીખીએ ત્યારે પડવું, પુખ્ત અવસ્થાની પણ પોતાની પીડાઓ હોય છે.. અને ત્યાંથી લઈને સતત, સુ:ખ હોય ત્યારે તેના જતા રહેવાની અને દુ:ખ હોય ત્યારે તેને ભોગવવાની પીડા વળગેલી રહે છે, સતત મૃત્યુના ભયમાં જીવીએ અને અંતે મૃત્યુ પણ કાંઈ ઓછું પીડાકારક નથી હોતું. જીવન દરમ્યાનમાં દુ:ખ એક આવરણ બની આપણી આસપાસ છવાયેલું રહે છે. ધુમ્મસમાં વિઝિબિલીટી ઘટી જાય ત્યારે સૂર્યપ્રકાશ આવે તો જ રસ્તો દેખાતો થાય, એવો જ કાંઈક સૂર્યપ્રકાશ એટલે આત્મ સાક્ષાત્કાર, અહં બ્રહ્માસ્મિનો સાચો અર્થ સમજાય તો પછી.. હરીની હાટડીએ મારે રોજનું હટાણું.. સાક્ષાત્કાર પછી કાયા રહે કે ના રહે…

કામ વગરની અપાર વ્યસ્તતાઓ અને રોજીંદી ઘટમાળ વચ્ચે જ્યારે આવું કાંઈક વાંચવાનો અને મનન કરવાનો અવસર મળે તો જાણે મન અને વિચારોનું ક્લિન્ઝીંગ થઈ જતું હોય એવું અનુભવાય તોય ઘણું. મારો પ્રયત્ન કાંઈ આસ્વાદ નથી, મનના વિચારોની એક પ્રસ્તુતિ કરી શક્યો એ જ ઘણું છે.

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “મુક્તિ મળે કે ના મળે.. – ચિંતન – જીજ્ઞેશ અધ્યારૂ

  • prakashvala

    ખૂબ સરસ આત્મા ના ઊંડાણમાં ડૂબકી લગાવવા માટે પ્રયત્ન કરાવવા બદલ આભાર

  • Sharad Shah

    આપણે સામાન્ય રીતે મુક્તીનો અર્થ ઘટાવીએ છીએ કે હું મુક્ત થાઈ જાઊં, આ જન્મોજન્મના બંધનમાંથી. પરંતુ એ નથી સમજાતું કે “હું” તો તોય ઊભો જ છે. અને સમસ્યા છે આ “હું”, એ નથી દેખાતું. જ્યારે બુધ્ધપુરુષો જે મુક્તિની ની વાત કરે છે તે મારી મુક્તિ નહીં, પરંતુ મારાથી કે મારાપણાના ભાવથી મુક્તિ જેને કાવ્યત્મક ભાષામાં કહેવું હોય તો બિન્દુનુ સીંધુમાં ભળી જવુ. જ્યાં હવે બિન્દુનુ કોઈ સ્વતંત્ર અસતિત્વ જ ન રહ્યું. જે મૂળ સ્રોતમાંથી તે આવ્યું હતું તે સ્રોતમાં તે પાછું મળી ગયું. પરંતુ આવી રચનાઓ, ભજનો, કે અભિવ્યક્તિઓ માનવીના અજ્ઞાનની નીપજ જ હોય છે. અથવા કહો કે બુધ્ધપુરુષોનીની વાણી ને સમજવા હજી મન અને બુધ્ધી એટલી પરિપક્વ નથી થઈ એટલે જેને જેમ ફાવે તેવા અર્થઘટનો કરી સંતોષ મેળવી લે અને સત્ય વચનોના મર્મને ચુકી જવાય છે.

  • Maheshchandra Naik (Canada)

    આ ભજન વારવાર મોરારી બાપુની કથા દરમિયાન સાંભળ્યુ હોવાથી ખુબ ગમે તો છે જ પણ શ્રી જીજ્ઞશભાઈ અધ્યારુ,તમારા દ્વારા કરાયેલુ ચિંતન દાદ માંગી જાય છે……..આભાર…….ખુબ આભાર….