ગુજરાતી પુસ્તક લેખન અને પ્રકાશન વિશેની એક વાત ઉડીને આંખે વળગે એવી અને પછી ખટકે એવી છે. આપણે ત્યાં કયા કયા પ્રકારના કે શૈલીના પુસ્તકો લખાય છે? નવલકથાઓ, વાર્તાસંગ્રહો, લોકસાહિત્યના સદાબહાર પુસ્તકો, કાવ્યસંગ્રહો, હાસ્યનિબંધ સંગ્રહો, પોઝિટીવ થિંકીંગના અધધધ અનુદિત પુસ્તકો અને જૂજ માત્રામાં વિચારપ્રેરક ફિલસૂફીયુક્ત પુસ્તકો. આપણે ત્યાં જે ખૂટે છે, એ છે સાહસકથાઓ, નિતાંત પ્રેરણાદાયક અને મનમાં જુસ્સો ભરી દે એવી જોશથી લથબથતી સાહસકથાઓ આપણા સાહિત્યમાં ખૂબ જૂજ ઉપલબ્ધ છે. જ્યોર્જ એલિયટ કહે છે તેમ, ‘સાહસ બહાર શોધવાથી નથી મળવાનું, એ તો અંદર જ હોય છે.’ પણ એ અંદર ભંડારાયેલા સાહસ અને હિંમતને જાગૃત કરવા અને બેઠા કરવા જે પ્રેરણાની જરૂર હોય છે એ આવી આશ્ચર્યજનક સત્ય સાહસકથાઓ જ પૂરી પાડી શકે. એ સાહસકથા કોઈ એક સામાન્ય માણસની તેની અસામાન્ય સિદ્ધિઓ તરફની યાત્રા હોય કે અસંતોષમાંથી પ્રગટતી ક્રાંતિ હોય, એ અસહ્ય મુશ્કેલીઓ વચ્ચે પણ સંશોધન કરનાર વૈજ્ઞાનિકની વાત હોય કે એકલે હાથે અનેકનો સામનો કરનાર સૈનિકની વાત હોય, હૈયાફાડ મુશ્કેલીઓ સાથેનો જીવના જોખમસભર પ્રવાસ હોય કે જીવનના રસ્તે ઉભેલા મુશ્કેલીઓના એવરેસ્ટ પરનું આરોહણ હોય.. સાહસકથાઓના સત્યમાં રહેલ શૌર્ય અને હિંમત, પ્રેરણાનું આબે ઝમઝમ બની રહે છે.
હેલન કેલર જીવન વિશે કહે છે, Security is mostly a superstition. It does not exist in nature, nor do the children of men as a whole experience it. Avoiding danger is no safer in the long run than outright exposure. Life is either a daring adventure, or nothing. ઝેન પદ્ધતિમાં સહનશક્તિ ખૂબ મહત્વપૂર્ણ મનાય છે, કારણ કે જેટલું વધુ તમે સહન કરી શક્શો એટલું તમારૂ ચારિત્ર્ય વધુ ઉગી નીકળશે, અને એ સહનશક્તિના અનુભવો જ તમને જીવનની હકીકતને વધુ નિકટથી વાંચવાનો, વધુ સ્પષ્ટપણે સમજવાનો અવસર આપશે. લગભગ બધા મહાન કલાકારો, બધા મહાન ફિલસૂફો અને ધર્મસંસ્થાપકો આવી મુશ્કેલીઓનો હિંમતભેર સામનો કરીને જ તેમની રચનાઓને મહાન બનાવી શક્યા છે, કારણ કે સાહસ અને હિંમત જ તેમની સર્જનશક્તિને એ ધાર આપે છે જે જીવનની વધુ નજીક હોય, જે અન્યોને સ્પર્શી શકે, રડતી આંખે કે લોહી નીંગળતા હૈયે મુશ્કેલીઓના માર્ગને પાર કરીને જ જીવનના અંતિમ સત્યને તેઓ પામી શક્યા. આંસુ અને લોહીમાં ઝબોળાયેલી મુશ્કેલીઓની રોટલી જ્યાં સુધી ન ખાઈએ, જીવનના સ્વાદને પામવું મુશ્કેલ છે. સાહસ અને હિંમત જીવનસફરની શરૂઆતના બે અગત્યના પ્રથમ પગલાં છે, એ પોતાનું જીવન તો સુધારે જ છે, અનેકોને પ્રેરણા પણ આપતા જાય છે.
અનેક પુસ્તકોની વચ્ચે પણ પહેલા વાંચવું ગમે તે પ્રકારનું, યુવાપેઢીના જાણીતા કટારલેખક અને માહિતીસભર પત્રકારત્વના સિદ્ધહસ્ત ખેલાડી એવા લલિતભાઈ ખંભાયતાની કલમે આલેખાયેલ, સદાકાળ સથવારો આપતી અનેક સાહસિક અચંબિત કરનાર અને પ્રેરણાદાયક સત્યકથાઓનું આગવી શૈલીમાં આલેખન એટલે પુસ્તક ‘બ્રેવહાર્ટ્સ’. માનવીના આત્મબળ, મક્કમ નિર્ધાર, જીવસટોસટના સાહસોને પાર ઉતરવાની જીજિવિષા, શારીરિક બળની કસોટી અને દિલધડક સત્યકથાઓની ભીતરમાં રહેલ અદના માનવીની અગમ્ય હિંમતની વાત કહેતી વીણીને મૂકાયેલી ૨૮ સાહસકથાઓ આ પુસ્તકમાં લલિતભાઈ મૂકે છે. અને એટલે જ આવા સાહસિકો વિશેની વિશદ માહિતી અને તેનું અસરકારક, માહિતીની સત્યાર્થતા વિશેની ચોકસાઈ અને ચીવટ સાથેનું સચોટ આલેખન અનેક પુસ્તકોના ઢગલામાંથી ‘બ્રેવહાર્ટ્સ’ને નોખું પાડે છે.
માહિતીનો ઘૂઘવતો મહાસાગર વાચકોની આંગળીના ટેરવે રમતો હોય અને દિલધડક સત્યકથાઓ વિશેની માહિતી સર્વસામાન્ય હોય ત્યારે ‘બ્રેવહાર્ટ્સ’ જેવું પુસ્તક તો જ ઉદભવી શકે જો તેના વિષયવસ્તુમાં કાંઈક નોખાપણું હોય, એના લેખકમાં આવા પુસ્તકના સ્વીકાર અને સફળતા માટે ખાત્રી હોય. માહિતીની જાણકારી મેળવવી અને તેનો ઉપયોગ કરવો એ બે વચ્ચે તદ્દન પાતળી ભેદરેખા છે. ધૈવતભાઈ પુસ્તકની પ્રસ્તાવનામાં કહે છે તેમ, આ પ્રકારના પુસ્તકોના સર્જન દરમ્યાન માહિતીની પ્રસ્તુતિમાં સહેજ પણ ગફલત લેખકને ‘કોપી પેસ્ટ’ કે ઉઠાંતરી કર્યાનું કલંક આપી શકે, ખાસ કરીને ગૂગલ, ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટર જેવા સોશિયલ મિડીયા પર આવી કોઈ પણ વાત વહેતી થાય તો એ લેખક માટે અને પુસ્તક માટે બહુ મોટી નકારાત્મક બાબત પૂરવાર થઈ શકે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ એક વિશેષ સલૂકાઈ અને સમજણ માંગી લે છે, અને સાથે આ પ્રકારના કોઈ પણ પુસ્તકના લેખનમાં માહિતીના મહાસાગરનો ઉપયોગ અવશ્યંભાવી પણ બની રહે છે, લલિતભાઈએ પણ એ સ્ત્રોત ઉપયોગમાં લીધો જ હશે, પણ પુસ્તક વાંચો ત્યારે એના વિષયવસ્તુ જાણકારીમાં હોવાનો કે ઈન્ટરનેટ પરથી જે તે સ્વરૂપમાં લેવાયા હોવાની સહેજ પણ શંકા ન રહે. વિશદ રીસર્ચ અને પ્રસ્તુતિમાં આત્મવિશ્વાસ અહીં ઉડીને આંખે વળગે છે.
પુસ્તકની કેટલીક વાતો અત્યંત આશ્ચર્યજનક આપી જાય, જેમ કે જગતનું પેટ ભરવા નીકળેલા વિજ્ઞાની નિકોલાઈ વાવિલોવનું ભૂખમરાથી થયેલું મૃત્યુ, રાઈફલમેનમાંથી આજે મેજર જનરલના હોદ્દા સુધી પહોંચેલા એકલે હાથે ૩૦૦ ચીની સૈનિકોને ૭૨ કલાક લડત આપનાર અને ૧૯૬૨ના યુદ્ધમાં વીરગતી પામ્યા હોવા છતાં આજેય સરહદે ચોકી કરતા આપણા વીર યોદ્ધા જસવંતસિંહની વાત હોય, એ સંતાનો અને પરિવારને બચાવવા સિંહ-દીપડાને ભારે પડતી ગીરની માતાઓ અને દીકરીઓની સચ્ચાઈ હોય કે પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટન વતી લડેલા અને જર્મન વાયુસેનામાં હાહકાર મચાવનાર ભારતીય ફાઈટર વિમાનચાલક ઇન્દ્રલાલ રોયની વાત હોય, ૬૯ દિવસ પેટાળમાં પૂરાઈ રહેલા ખાણ કામદારોના પાતાળપ્રવેશ અને મુક્તિની દિલધડક હકીકતનું બયાન હોય કે પોતાનો જ હાથ કાપીને જીવાદોરી લંબાવનારા અનોખા યોદ્ધાની કહાની હોય, અહીં પ્રસ્તુત થયેલી એકે એક કથા ફક્ત વાર્તા કે જાણકારી ન બનતા પ્રસ્તુતિની વિશેષતા રૂપે માહિતી કે ઘટનાની સચ્ચાઈ સાથે સાથે વાચકને એ વિશેની હ્રદયંગમ અનુભૂતિ પણ આપે છે. લલિતભાઈના લેખનમાં અહીં એક પત્રકાર, વાર્તાકાર અને ફિલસૂફનો સમન્વય દેખાઈ આવે છે.
લલિતભાઈની કલમે હોલીવુડની અનેક ફિલ્મોના વિશદ અને ઉપયોગી છતાં મનોરંજક રિવ્યુ તેમની કટારમાં માણતા હોઈએ ત્યારે તેમના તરફથી આ પ્રકારનું પુસ્તક આશ્ચર્ય તો નથી જ! દિલ્હીમાં તેમને લાડલી મિડીયા એન્ડ ઍડવર્ટાઈઝીંગ અવોર્ડ સમારંભમાં મળવાનો અવસર થયો હતો ત્યારે તેમની સરળતા અને સહ્રદયતા સ્પર્શી ગઈ હતી. નવી પેઢીના પત્રકારો પાસેથી, લેખકો પાસેથી જે પ્રકારની અપેક્ષાઓ વાચકો રાખે છે તેમાં સતત કાંઈક નવું મેળવવાની ઝંખના અને માહિતીની સાથે સાથે વાંચનની ખરી મજા આવે એવું કાંઈક વાંચ્યાનો સંતોષ ‘બ્રેવહાર્ટ્સ’માંથી મળી રહે છે. આપણી ભાષામાં પ્રસિદ્ધ થતાં વિજ્ઞાનને લગતાં, સાહસકથાઓ કે પછી યુદ્ધકથાઓ વિશેના પુસ્તકો કે સામયિકો વિશે વિચારીએ તો આંગળીઓના વેઢે ગણાય એટલા જ નામ યાદ આવે, કારણકે એટલા જ છે પણ તેમના લેખનના આપણી ભાષામાં મૂલ્ય, તેમની પ્રસિદ્ધિ અને વાચક વર્ગ બહોળો છે. આ પ્રકારનું લેખન કરતા કલમ સાહસિકોની એક આગવી અને નાનકડી હરોળ છે. પુસ્તક લેખનના મર્યાદિત પ્રકારોની બહાર નીકળી ઉપયોગી માહિતી તથા ગુણવત્તાસભર લેખો ‘બ્રેવહાર્ટ્સ’માં પ્રસ્તુત કરતા લલિતભાઈને અનેક શુભકામનાઓ. અક્ષરનાદને આ પુસ્તક સમીક્ષા માટે પાઠવવા બદલ લલિતભાઈ અને બુકશેલ્ફનો આભાર.
– જીજ્ઞેશ અધ્યારૂ
(પુસ્તક પ્રાપ્તિની વિગતો – બુકશેલ્ફ, ૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ – ૯, પેજ – ૯૬, કિંમત – ૧૯૯/- રૂ.)
જશવતસિહ નુ પરાક્રમ વિસે વાચિને અને ૧૯૬૨ ના યુદ્ધ વિસ વાચિને નવાય થયિ કે આપનુ સેન્ય ૩ દિવસ સુધિ મદદ કરવા પહોચિ નહિ સક્યુ.
તમારા જેવા કૂશળ વાચકો રિવ્યુ લખે ત્યારે ખબર પડે છે કે પુસ્તકમાં મે અજાણતા ફિલસૂફી પણ વણી લીધી છે! ગીરકાંઠાના ગામડે ઉછર્યો હોવાથી મને સાહસ આકર્ષતું રહે છે. અંગત રીતે પણ મને નોખી જગ્યાઓએ જવું, અનોખા સાહસિકોની કથા જાણવી ગમે છે.. અને એટલે જ આવું લખી શકાયુ છે, શકાય છે.
ધન્યવાદ!
Prashistha gujarati rekhachitro ni ebook please
Pingback: ReadGujarati.com: જશવંતસિંહ : ૧૯૬૨ના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકની સરહદે અખંડ ચોકી ! – લલિત ખંભાયતા
વાહ! કિશોરાવસ્થા સજીવન થઈ ગઈ. માહિતી વાંચી પુસ્તક વાંચવા તલપાપડ થઈ જવાયું !
ઈ-વિદ્યાલય પર બાળમિત્રો, વાલીઓ અને શિક્ષકોની જાણ માટે આ અહેવાલનો અહેવાલ મૂકી દીધો.
http://evidyalay.net/brave_hearts/