ચાર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 5


૧.

રોજ ભલેને નભને તાકો,
થાય નહીં કંઈ એમ કડાકો.

છાની માની બેંચો નીરખે,
મેડમ ફોડે કેમ ટચાકો?

ફૂલોની જ્યાં છાપ પડી’તી,
થ્યો અચાનક એમાં ધડાકો!

સુકાન દીધું એના હાથે
આવે છો ને લાખ વળાંકો

ઊંઘ ઉડી છે દીવાલોની
લીક થયો જ્યાં ઘરનો ટાંંકો!

ઝીરોની સંગ રમ્યો એમાં,
બગડાને રાખ્યો છે વાંકો.

એણે અમથી કુટીર બાંધી,
લીલોછમ્મ થયો ઈલાકો.

ઈચ્છાનું મેં પહેરણ સીવ્યું,
ખૂટ્યો આખે આખો તાકો.

ગરુડની વસ્તીમાં જઈને
પારેવાએ કર્યો ભડાકો.

૨.

હુંફ દઈને ઠૂંઠવાતા ભાલને,
કેટલી શાતા વળી આ શાલને!

એ હશે કેવા ગજાનો જાદૂગર?
ગુમ કરે જે કંઈક માંના લાલને!

યુદ્ધમાં એણે જવું છે કે નહીં?
કોઈ પૂછતું નથી પણ આ ઢાલને.

મનમાં રાખી ક્યાં સુધી ફરતો રહીશ,
ક્યાંક વાવી દે હવે તો ખ્યાલને.

સ્વાદ કેવો હોય ફળનો એ વિશે
કંઈ ખબર ક્યાં હોય છે ખુદ છાલને!

છેક પહોંચ્યાની બધે વાતો કરે,
એમની જોયા કરું છું ચાલને.

રણમાં મંડાયો અચાનક મેહુલો
જાણે લોટરી લાગી કંગાલને.

૩.

બૉસનું સન્માન કરવાનું ભલા,
એમનાથી થોડું ડરવાનું ભલા.

ધ્યાથી વાતો બધાની સાંભળી,
મનમાં આવે એ જ કરવાનું ભલા.

કામ ફૅવીકોલ પણ ક્યાંથી કરે?
પાંદ પીળું છે એ ખરવાનું ભલા.

માટલામાં, ડોલમાં કે ગ્લાસમાં,
કાળ ઢાળે એમ ઢળવાનું ભલા.

એમને ફળિયામાં બેઠા જોઈને,
આપણે મનમાં જ બળવાનું ભલા.

એ ઊભા જળમાં ચરણ ડૂબાવીને,
મન થવું આજે પીગળવાનું ભલા.

ચીસ, ટહુકા એવું સાંભળ્યા કરે,
મોઘું છે બહું એમાં પડવાનું ભલા!

તું બરફમાં જઈને વસ જા તે છતાં,
એમ કૈં મન થોડું ઠરવાનું ભલા.

૪.

લ્હેરખીની વાતમાં આવી ગયો,
એટલે તો આટલો દાઝી ગયો!

તોય એની ગમગીની જાતી નથી,
એ ‘ગીતા’ તો ત્રણ વખત વાંચી ગયો!

જે કશા આશય વિના બેઠો હતો,
એ જે માણસ આખરે ફાવી ગયો.

કોઈની વાડીમાં ફૂલો તોડતા,
હું સ્વયંને એક દિ’ ભાળી ગયો!

આ નદીનો સાવ સૂક્કોભઠ્ઠ પટ,
કેટલાંય સ્વપ્નને તાણી ગયો!

લઈ જતા’તા એક ગુનેગારને,
એ નિહાળી ‘જીવલો’ લાજી ગયો!

સહેજ ચાલ્યો હોત તો સારું હતું,
આજ બેસી બેસીને થાકી ગયો.

કોઈ દિ’ નો’તી ઉતાવળ જેમને,
કોણ જાણે ક્યાંક એ ભાગી ગયો.

– રાકેશ હાંસલિયા

રાજકોટના પ્રસિદ્ધ ગઝલકાર મિત્ર રાકેશભાઈ હાંસલિયાની કલમે અવતરેલી ચાર તરોતાઝા ગઝલો તેમણે અક્ષરનાદને પાઠવી છે. આશા છે વાચકમિત્રોને આ નવી રચનાઓ ગમશે. રાકેશભાઈ સદાય તેમની નવીન રચનાઓ અક્ષરનાદ વાચકો સાથે વહેંચે છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ચાર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા

  • Kalidas V. Patel { Vagosana }

    રાકેશભાઈ,
    સચોટ ગઝલો આપી. શબ્દોની પાસેથી જબરું કામ લીધું છે , બાપુ ! … સલામ !
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Bankimchandra Shah

    આની પહેલા પણ લખી ચુક્યો છુ કે રાકેશ કમાલ કરે છે, શબ્દોથી ધમાલ કરે છે..અપરિગ્રહનુ આનાથી યોગ્ય ઉદાહરણ ક્યા મળે ? “ઇચ્છાનુ…….તાકો” મજા આવી ગઈ…..

  • mitul thaker

    બહુ જ અનોખી ગઝલો…. પહેલી તો ખરેખર બેમિસાલ….. રાકેશભાઇ લિખતે રહો ભાયા…….

  • urvashi parekh.

    સરસ રચનાઓ…
    પહેલ માં તાકો ખુટવાનિ વાત બિજા માં ખયાલ ને વાવવાની વાત. ત્રીજી રચના માં બોસ ની વાતો સાંભળી ,મનનુ જ કરવાનુ અને ફેવીકોલ ની વાત,અને લાસ્ટ મા ગીતા ત્રણ વખત વાંચવા છતા ગમગીનિ નથી જતી આ વાતો ખુબ ગમી.
    સરસ.