પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ… – સમીરા પત્રાવાલા 10


૧) મેક – અપઃ

“બહુ મોડું થાય છે રીતુ, કેટલી તૈયાર થઈશ?” સુહાસ બહાર બૂમો પાડતો હતો મારા લેટ થવા પર. પાડે જ ને? એને તો એ જ સૂટ પહેરવાનો હતો અને પુરુષોને આપણી જેમ કયાં મેક અપ? હું પણ મેક અપ કરતાં થાકી ગયેલી.. મને ક્યાં આદત જ હતી?

આજે સોસાયટીની પાર્ટીમાં જવાનું હતું, ખબર નહીં શું સૂઝ્યું હશે પ્રિયાને કે અમને કપલ રેમ્પ વોક આપી દીધી. પણ મનમાં પતંગિયા ઉડવા લાગ્યા. હરીફાઈ જીતવાની આશા જાગી ઉઠી.

“આવી… બસ થોડી વાર…” મેં ત્રીજી વાર એને આવું કહ્યું હતું. “જલ્દીથી મેક-અપ કર ને તારા ભાઈ બૂમો પાડે છે બહાર” એણે મને ઉતાવાળ કરાવી.

મેં ચહેરા પર પ્રાઈમર લગાડ્યું હતું, થોડું કન્સીલર અને ઉપર ફાઉન્ડેશનનાં થપેડા. આઈ શેડ્સ અને નકલી આઈલેશીશ. લિપ્સટિકથી હોઠ પણ ચમકાવી દીધા, ચહેરા પર મહોરું પહેર્યું જાણે, પછી પાછલા દિવસોમાં ફંક્શનની તૈયારી રૂપ કરેલા ડાયેટિંગવાળા શરીર પર પહેરેલી સાડીને વધુ તંગ કરી.

બહાર નીકળી તો સુહાસ પહેલી જ વાર જોતો હોય એમ નીરખી રહ્યો, ઉંચી સેન્ડલ પહેરી બહાર નીકળી ત્યાં જ કમરે સુહાસનો હાથ વીંટળાઈ ગયો અને ચહેરા પર આછું અભિમાન ચમકવા માંડ્યું. મને અમારા ડેટિંગ નાં દિવસો યાદ આવી ગયા. હું યે વિચારતી રહી, આજે તો સુહાસે પણ મેક અપ કર્યો છે.

૨) પરપોટો:

હું તો સાબુનાં પાણીનો પરપોટો! નાનાકડી મીનીએ ફુંક મારી મને જન્મ આપ્યો અને હું આ ઉડયો બધાનું આકાશ જોવા…

પેલા જ મને પરમ મળ્યો. મને જોઈ એનું મન જાણે અંજલિને યાદ કરી ઉઠ્યું. એણે એને પ્રપોઝ પણ આ જ રીતે કરેલું… પરપોટા વહેતા કરી ‘આઈ લવ યુ’ કહેલું અને અંજલિ પણ માની ગયેલી… પણ અંજલિનો પ્રેમ પણ મારી જેમ પરપોટો જ નીકળ્યો… બિચારો પરમ.. એની પાસે એની પત્ની ગીતા દેખાય… મને જોઈ એની આંખોમાં ચમક આવી ગઈ જાણે. એને મારામાં સુંદર કવિતા દેખાતી લાગે છે…. અને એ નીચે મીની દેખાય… હું હવામાં ઉડું એ મીનીને બહુ ગમે અને મોટે મોટે થી બોલે.. “પપ્પા મારે આ પરપોટામાં બેસી ઉડવું છે.” હું હળવો થઈ થોડો અદ્ધર ઉડ્યો. મીની પકડવા જાય પણ હું પકડાઉં નહીં.

હવે બસ ઉપરની સિલિંગમાં મારે અંત વહાલો કરવાનો હતો. થોડા ખુલ્લા આકાશમાં ઉડાડ્યો હોત તો વધુ જીવત. મીની “એ… એ… એ ફૂટ્યો” એમ કિકિયારી કરતી હતી અને જતાં જતાં મારી નજર ઘરમાં ખુલ્લા ફરતાં પોપટ પર ગઈ. એની પાંખ કાપેલી લાગતી હતી. અરે વાહ! મુકત પંખી?? .. પણ લાગે છે એને પણ મારા જેટલું જ આકાશ હતું…

3) ડુંગળીઃ

“સાહેબ માફ કરી દો મારા કિશનને! હવે પછી ક્યારેય ચોરી નહીં કરે. એ ચોર નથી, નાદાનીમાં ઉંધું કામ કરી બેઠો.” ધોકા મારતા હવાલદાર ને રવજી ખેડુત આજીજી કરતાં બોલ્યો.

“તારા પૂતે વિક્રમ ઠાકોરના ગોડાઉનમાં હાથ માર્યો છે અને ખબર છે ને અહીં એની જ સરકાર ચાલે છે? બોલે છે મારા બાપની મેહનત અહીં સડે છે…. સાલ્લો… બે ચોપડી વધુ ભણ્યો ને બગાવતી થઈ ગયો.”

“સાચું જ છે. અમારે ખેડૂતોએ સાવ ઓછા મૂલે ડુંગળી વેચી ને કરજામાં ડુબવાનું અને સરકાર નફોય રળે અને ઉપરથી માલ પણ છુપાવે કે વધુ ફુગાવો થાય… હવે નહિં ચાલે અમારો માલ….” હવાલદારનો આ વખતનો મુક્કો કિશન સહન ન કરી શક્યો અને ક્ળ વળી ભોંયે પડ્યો અને ડુંગળીની તિખાશ રવજીને આંખે વળગી!

4) રોંગ નંબર:

“તમારો મોબાઈલ આપશો?” આજે પહેલી વખત એમણે મારી સાથે વાત કરી. હું જ્યારે વૃદ્ધાશ્રમ આવતો ત્યારે એમની સાથે વાત કરવાની કોશિશ કરતો પણ કંઈ જવાબ ન મળતો.

એ ક્યારેય કોઈથી વાત ન કરતાં, ન કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેતાં અને મન પડે તો જમે અને પાછા પોતાનાં વિચારોમાં વિલિન થઈ જતાં. સાંભળ્યું હતું કે એમનો દીકરો અપૂર્વ જ્યારથી એમને અહીં છોડી ગયો હતો ત્યારથી એ આમ જ હતાં. કયારેક આશ્રમનાં લેન્ડલાઈન ફોનથી તો ક્યારેક કોઈ આગંતુકનો મોબાઈલ માંગી કોઈને ફોન કરતાં.

અહીં આવ્યા પછી દીકરાને ફોન કરતાં તો શરમનો માર્યો પહેલા ફોન ન ઉઠાવતો, ક્યારેક રોંગ નંબર કહેતો અને છેલ્લે તો એણે નંબર જ બદલી નાંખ્યો હતો ત્યારથી કાકા એને યાદ કરી રેન્ડમ નંબર ડાયલ કરતાં અને “રોંગ નંબર” સાંભળી અટ્ઠહાસ્ય ફરી હળવા થઈ જતાં.

એક વખત મેં અપૂર્વનાં નામે ખોટો ફોન કર્યો ત્યારે કાકાને તો જાણે નવું જોમ આવ્યું એમ દોડતાં દોડતાં આવ્યાં અને અધીરાઈથી પૂછ્યું, “કોણ અપૂર્વ?”

મેં હા કહ્યું અને અવાજ સાંભળતા જ એ બોલ્યા, “ના, તું અપ્પુ નથી.” આગળ એક પણ શબ્દ બોલ્યા વગર એમણે ગુસ્સામાં ફોન પટકી દીધો.
છેવટે મેં અને શિખાએ અમારી વગથી એમના દીકરાની ભાળ મેળવી એમને ફોન કરવા મનાવ્યો.

આ વખતે ફરી એ જ જોમથી કાકા આવ્યા, અને હરખથી પુછ્યું, “કોણ અપૂર્વ??” અને અપૂર્વ અચકાતાં બોલ્યો “હા… પપ્પા…”

એ કાંઈ આગળ બોલે એ પહેલા જ કાકા બોલી ઉઠયાં… “સોરી.. રોંગ નંબર!” અને કાકાનું અટ્ટહાસ્ય કાબૂમાં જ ન આવ્યું.

એ સાંજે જ કાકાને મેન્ટલ હોસ્પિટલ લઈ જવા પડ્યા.

5) પુત્રવધૂ:

“બેશરમ! આવું કરતાં મા-બાપનો જરાય જ વિચાર ન કર્યો તે? સમાજ શું કહેશે.. અરે.. જીવવા નહીં દે.. કંઈ નહીં તો આ બે બહેનોનો તો વિચાર કરવો હતો? દીકરી જાતને આ બધું શોભા દે?”

“દીકરી? આજે પહેલીવાર તો તે મને દીકરી બોલાવી. ભૂલી ગઈ ભઈલુના ગયા પછી તે મને દીકરો જ તો બનાવી ને રાખી હતી.” ગુડ્ડુ ખડખડાટ હસી પડી.

હતાશ થઈ ગુડ્ડુ લીલીનો હાથ પકડી ઘરની બહાર નીકળી ગઈ. મા રડતી આંખે ઘડીભર મરેલા પુત્રના ફોટો અને ઘડીભર જમાઈની જ્ગ્યાએ આવેલી વિદેશી પુત્રવધૂને જોતી રહી.

– સમીરા પત્રાવાલા

આજે પ્રસ્તુત છે વૈવિધ્ય વિષયવસ્તુ અને સુંદર વિષદ વાર્તાફલક ધરાવતી પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ. અક્ષરનાદને આ માઈક્રોફિક્શન પાઠવવા બદલ સમીરાબેન પત્રાવાલાનો ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ… – સમીરા પત્રાવાલા