તૂફાન મેલ – રાજુલ ભાનુશાલી 16


ઓહો.. આજે તો ‘તૂફાન મેલ’ આવે છે..

આ તૂફાન મેલ એટલે અમારા એક કૌટુંબિક સગાનો સાત વર્ષનો પુત્ર. નામ એનું ‘દેવ’. આ ‘દેવ’નું દિમાગ કઈ ઘડીએ કઈ દિશામાં દોડશે એ તો ફક્ત ‘દેવ’ જ જાણે. એ આજે શું ઉથલપાથલ મચાવશે એનો વરતારો કોઈ ન કરી શકે! મને એની અમુક પાછલી મુલાકાતો યાદ આવી ગઈ અને એ સાથે જ યાદ આવ્યું પેલું ફ્લાવરવાઝ જે દિકરી કોલેજની ટ્રીપમાં દિલ્હી ગયેલી ત્યાંથી લઈ આવેલી. બિચારું તૂફાન મેલની અડફેટે ચડી ગયેલું! યાદ આવ્યો દિકરાનો એ ચિંતિત ચહેરો જ્યારે પોતાની નોટબુકમાં એણે ‘એપલ’ અને ‘મેન્ગો’ ચીતરાયેલાં જોયાં. એક આખું ચેપ્ટર એને મોડે સુધી જાગીને ફરીથી લખવું પડેલું. અને એની ગિટારના એ તૂટેલા તાર… ઓહ! ત્યાર બાદ જ્યારે જ્યારે ઘરમાં દેવની પધરામણી થતી ત્યારે ત્યારે એ બન્ને પોતાની રૂમ અંદરથી બંધ કરીને ચૂપચાપ ભણવા બેસી જતાં..!

હું આગોતરી તૈયારીઓ કરવામાં પડી ગઈ અને વિચારવા લાગી કે એને કેમ કરીને ‘બીઝી’ રાખવો જેથી ઘરમાં ઓછામાં ઓછું નુકસાન થાય.. તોડફોડમાં સ્તો..!

લિવિંગરૂમમાં મુકેલા બન્ને કાચના વાઝ બેડરુમમાં કબાટની ઉપર મૂકી દીધાં. બારીઓમાં લટકતું ચકલીઓ વાળું શૉ-પીસ કપડાં સૂકવવાની ક્લીપની મદદથી પરદામાં અટકાવી દીધું. એ શૉ-પીસ મહાબળેશ્વરથી ખરીદેલું. હવાની નાની અમથી લ્હેરખીથી પણ ચકલીઓ મટકવા લગતી અને આખ્ખી બારી થનગની ઉઠતી. મને એ ખૂબ ગમતું. ખાત્રી કરી લીધી કે એનો હાથ હવે ત્યાં સુધી નહીં જ પહોંચે. સોફાના કુશન તો થોડીવારમાંજ ફુટબોલ બની જવાના હતાં પણ શું થાય, એને ક્યાં છુપાવું! કાલે ગ્લેફ બદલી કાઢીશ, બીજું શું! સ્ટડીટેબલ પર દિકરીનાં ચોપડા પડ્યાં હતાં એ એના ખાનામાં ગોઠવી દીધાં. આ જોઈને હેમલ બોલી, “મમ્મી, મારે હમણાંજ નોટ્સ લખવાની છે, શા માટે મૂકે છે અંદર?”

“દેવ આવે છે!” ટૂંકો ને ટચ જવાબ.

“ઓહ..! તો લે આ પણ મૂકી દે ઝટ..” એણે હાથમાંની બુક અને પેન આપ્યાં. હસીને મેં એ પણ ખાનામાં મૂકી દીધાં. ડ્રેસિંગ ટેબલનાં ખાનામાંથી એણે પોતાની બધી જ નેઈલપોલીશની બોટલ કાઢીને વોર્ડરોબમાં મૂકી દીધી. ગયા વખતે દેવે ઢોળેલી નેઈલપોલીશનાં ડાઘ હજુ ટેબલ પરથી પૂરેપૂરા નીકળ્યા નહોતા..!

આગમનની પૂર્વતૈયારી તો પહેલા જ થઈ ગયેલી, ચૉકલેટસ, નેચરલ’સ નો સ્ટ્રોબૅરી ફ્લેવરનો આઈસક્રીમ અને દેવને ખૂબ ભાવતી કાજુકતરી હેમલના પપ્પા સવારનાં જ લઈ આવ્યાં હતાં. છેલ્લે જ્યારે એ આવેલો ત્યારે આ બધી વાનગીઓ ખાવાનો એણે નન્નો ભણી દીધેલો અને કહેલું “આન્ટી, મને તો થેપલાની ભૂખ લાગી છે, આઈસક્રીમની નહીં.” આ વાત યાદ આવતા અનાયસ જ હસી પડાયું. થોડાક થેપલા પણ બનાવી લીધાં. આ બધું ખાવા ખવડાવવામાં થોડોક સમય તો પસાર થઈ જ જશે, શાંતિથી…

હેમલના પપ્પા રસોડામાં આવ્યા. મારી સામે જોયું. એમની આંખોમાંથી ડોકાતો યક્ષ પ્રશ્ન “સબ સલામત ને?” મને સ્પષ્ટ વંચાયો. મેં આંખોથી જ હકારનો જવાબ વાળ્યો. હેમલ હસી પડી.
ત્યાં જ ડોરબેલ વાગી. અમે ત્રણેય જણાએ એકબીજા સામે જોયુ, અને આવનારા આતંક માટે માનસિક રીતે તૈયાર થઈ ગયા.

દરવાજો ખૂલ્યો. યલો કલરનાં ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં એ મીઠડો લાગતો હતો.

“આંટી, તે દિવસે અંકલ મારા ઘરે આવ્યાં હતાં ત્યારે તમે સાથે કેમ નહીં આવ્યા?” આવતાવેંત એણે મારી ખબર લઈ નાખી. મેં નમીને એનાં ગાલ પર એક કીસ્સી કરી. “નેક્સ્ટ ટાઈમ આવીશ હોં બેટા..” મેં કહ્યું. એ હસી પડ્યો અને જમણા હાથનો અંગુઠો ‘થમ્બસ અપ’ ની અદામાં ઉંચો કર્યો. દોડીને એ સૉફા પાસે પહોંચ્યો, બધા કુશનને ફાઈટ મારીને નીચે પાડી દીધાં અને પોતે સોફા પર ચડી ગયો.

“દેવ, બેટા સોફા પર બેસી જાતો પડી જઈશ” મિત્ર સમજાવટના સૂરે બોલ્યા. એ બેઠો.

“અરે, અહીં તો રૅડ કલરનાં વાઝમાં ફ્લાવરસ હતાં ને? ક્યાં ગયાં? પાર્થે તોડી નાખ્યાં?” એણે સેન્ટર ટેબલ તરફ આંગળી ચીંધીને પૂછ્યું. પાર્થ એટલે મારો ત્રેવીસ વરસનો દિકરો.. જે હજુ ગયા મહીને જ હાયર સ્ટડીઝ માટે અબ્રોડ ગયો હતો. એનો રુપાળો, હસમુખો ચહેરો મારી આંખોની સામે ફરી વળ્યો, “હા બેટા, પાર્થે તોડી નાખ્યાં, બહુ મસ્તી કરે છે હોં એ આજકાલ.” હસીને મેં જવાબ આપ્યો.

“એને વઢજો હોં, આંટી. કેવાં ફાઈન ફ્લાવર્સ હતાં.” બધાં હસી પડ્યા.

થોડીક પરિવારના ખબર અંતરની અને થોડીક બીજી આડીઅવળી વાતો સાથે નાસ્તા, ચા-પાણીનો દોર ચાલ્યો. મારું ધ્યાન વાતોમાં ઓછું અને ‘દેવ’માં વધારે હતું. થોડોક આઈસક્રીમ ખવાયો બાકીનો સોફા પર ઢોળાયો. બારીની બહાર કેબલના તાર પર બેઠેલા કબૂતરોને પણ આગ્રહ કરીને કાજુકતરી ખવડાવવામાં આવી. નાનકડા ચોકલેટવાળા હાથ સોફા પર લૂછાવાની તૈયારીમાં જ હતાં કે મેં ઝાલી લીધાં! “આવ બેટા, આપણે હાથ ધોઈ આવીએ.” હું તેડીને એને બેઝીન પાસે લઈ ગઈ, હાથ ધોવડાવ્યા અને નેપકીન લંબાવ્યો.

“ઉહુંહું.. મારા ઘરે તો હું પિંક નૅપકીનથી જ હાથ લૂછું છું ગ્રીન કલર મને ગમતો નથી.” તૂફાનમેલ ઉવાચ.

પિંક નેપકીન તો..

“લાવ આંટી તને ઓઢણીથી લૂછી આપે?”

એ હસી પડ્યો. એણે ઓઢણીથી હાથ અને મોં લૂછ્યાં. મને પાર્થ નાનો હતો, અદ્દલ આના જેવડો ત્યારના દિવસો સાંભરી આવ્યા. એ પણ દોડીને આવતો અને મારી ઓઢણીથી હાથ મોં લૂછતો, કદીજ નેપકીન લેતો નહીં અને હું દરેક વખતે એને ટોકતી!

એ થોડોક વધુ મીઠડો લાગ્યો.

બહાર બિઝનસની વાતો ચાલુ હતી. એમાં આ નાનકડા શેતાનની મસ્તીથી ખલેલ ન પડે એટલે એને લઈને હું પાર્થના રુમની બાલ્કનીમાં આવી. એના રૂમની બાલ્કની બિલ્ડીંગની પાછળની સાઈડ પડતી. ત્યાં નાનકડો બગીચો હતો. એક પીપળાનું ઝાડ હતું જેની બે ચાર ડાળીઓએ છેક બાલ્કનીની જાળીમાં અંદર સુધી પગપેસારો કરેલો. એના પર કાયમ એક ખિસકોલી દોડાદોડી કરતી. પાર્થને બાલ્કનીમાં બેસવું ખૂબ ગમતું. ત્યાં એક ખુરસી પડી રહેતી, અને મોડે સુધી એ એના પર બેસીને ભણતો.

દેવને મેં એ ખુરસી પર બેસાડ્યો. એના બાલ્કનીમાં આવવાથી જાણે એક દોઢ મહિનાથી નિઃશબ્દ થઈ ગયેલી આ જગ્યા જીવંત થઈ ગઈ હતી! જાળીમાંથી અંદર સુધી ધસી આવેલી પીપળાની નાનકડી ડાળના કુમળા કુમળા લીલા પાન પર મેં હાથ ફેરવ્યો. દેવ કુતુહલથી મને જોઈ રહ્યો હતો.

“તને ગ્રીન કલર કેમ ગમતો નથી? જો આ ટ્રી ના લીવ્ઝ પણ ગ્રીન છે. કેવા બ્યુટિફુલ લાગે છે ને?” મે કહ્યું. અચાનક એ ફૂલ જેવા ચહેરાનું હાસ્ય વિખરાઈ ગયું. એની બોલકી આંખો જાણે સાવ ખાલીખમ થઈ ગઈ. હું એ વિલાયેલા ચહેરાને જોઈ રહી.

“શું થયું દિકરા તને?”

અને એણે મંદ સ્વરોમાં જે કહ્યું એ એના ગયાના બે કલાક પછી પણ મારા હ્રદયમાં પડઘાયા કરે છે. “આંટી, જુઓને આ લીફ કેવા શીવર કરે છે.. તમને ખબર છે, એમને ખૂબ ઠંડી લાગે છે ને એટલે..! મને ઠંડી લાગે ને તો મારી મમ્મા મને તરતજ શૉલ ઓઢાડી દે છે. આ બેબી લીફને એની મમ્મા લીફ કેમ શૉલ નથી ઓઢાડતી? શું એ પોતાના શોના બેબીને લવ નથી કરતી? ”

બે માસૂમ આંખો પ્રશ્નાર્થ નજરે મને તાકી રહી જવાબની આશામાં..

મારી પાસે કોઈ જ જવાબ ન હતો.

“મારી બાલ્કનીમાં પણ જે ટ્રી છે ને એના લીવ્ઝ ને પણ ઠંડી લાગે અને એ શીવર કરે.. એમની મમ્મા પણ એમને શૉલ નથી ઓઢાડતી. એટલે જ મને ગ્રીન કલર નથી ગમતો.” ખુરસી પરથી જમ્પ મારીને એ નીચે ઉતર્યો અને બહાર જઈને સૉફા પર બેસી ગયો.

હું ત્યાંજ ઉભી રહી. અવાચક. પીપળાના ‘ગ્રીન લીવ્ઝ’ ને તાકતી.

– રાજુલ ભાનુશાલી


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “તૂફાન મેલ – રાજુલ ભાનુશાલી