સેતાન, સાગરીત અને દારૂ – લિઓ ટોલ્સટોય, અનુ. નટુભાઈ મોઢા 8


એક ગરીબ ખેડૂત પોતાનું ભાતું સાથે લઈને ખેતર ખેડવા ઘરેથી વહેલી સવારે ખેતરે જવા નીકળી પડ્યો, ખેતર ખેડવા માટે હળ તૈયાર કર્યું અને ભાતું કોટમાં વીંટાળીને કોટને ઝાડીમાં મૂક્યો અને કામમાં જોડાઈ ગયો. થોડા સમય પછી જ્યારે તેનો ઘોડો થાક્યો ને પોતાને ભૂખ લાગી એટલે ઘોડાને ચરવા છૂટો મુકી પોતાનું ભાતું લેવા ગયો.

તેણે કોટ ઉંચક્યો, પણ ભાતું ગુમ હતું. તેણે આજુબાજુ જોયું, અને કોટને આમતેમ ફંફોસ્યો, પણ ભાતું ગુમ હતું. ખેડૂતને કંઈ સમજણ ન પડી.

તેણે વિચાર્યું, ‘આ સાલું ગજબ કહેવાય; કોઈ અહિં આવ્યું નથી, મેં કંઈ જોયું નથી અને છતાં ભાતું ગુમ છે.’

એ સેતાનનો સાગરીત હતો, જે ખેડૂત ખેતર ખેડતો હતો ત્યારે ઝાડી પાછળ સંતાયો હતો, અને ખેડૂત સેતાનને આડીઅવળી ગાળો ભાંડે એની રાહ જોતો હતો.

ખેડૂતે તેનું જમવાનું ગુમાવ્યું તેથી ગમગીન થયો, પણ હવે કોઈ રસ્તો ન હતો. તેણે મનમાં ને મનમાં વિચાયું કે હું ભૂખથી કંઈ મરી જવાનો નથી! જે કોઈ લઈ ગયું હશે તે જરૂર ખૂબ ભૂખ્યો હશે. ‘ભગવાન એનું ભલું કરે.’

તેણે કૂવે જઈને પાણી પીધું અને થોડો આરામ કર્યો. ફરી તેણે ઘોડાને હળે જોડીને ફરીથી ખેતર ખેડવાનું ચાલુ કર્યું. ખેડૂત વડે કંઈ પાપ ન કરાવી શકવાથી સાગરીત હતાશ થઈ ગયો અને સેતાનને જણાવવા ગયો.

સેતાન ગુસ્સે થયો, અને કહ્યું કે તારા કરતાં તો ખેડૂત ચતુર હતો. તારી ભૂલ હતી, તને કામની કંઈ સમજ પડતી નથી! જો બધાજ ખેડૂતો અને તેમની પત્નિઓ આમ જ અનુસરે તો આપણી તો નામોશી જ ગણાય ને! આને આમ છોડી ન દેવાય. સેતાને સાગરીતને કહ્યું, તરત જ પાછો જા, અને તારી ભૂલ સુધાર.. જો ત્રણ વરસમાં તું ખેડૂત વડે પાપ નહિ કરાવી શકે તો તારું તો આવી જ બનવાનું. સાગરીત ડરી ગયો. તે પોતાની ભૂલ કેવી રીતે સુધારી શકે એમ વિચારતો ઝડપથી પાછો ધરતી પર ગયો, ને આખરે સરસ યુક્તિ વિચારી કાઢી.

તેણે મજૂરનો સ્વાંગ બદલીને ગરીબ ખેડૂત પાસે નોકરી લઈ લીધી. (લાયકાતમાં હવામાનનો વરતારો કાઢવાની કુનેહ) પહેલા વર્ષે ખેડૂતને તેણે ભેજવાળી જમીનમાં મકાઈ વાવવાની સલાહ આપી. ખેડૂતે તેની સલાહ મુજબ ભેજવાળી જમીનમાં મકાઈ વાવી. એ વરસ સારું ગયું. બીજા ખેડૂતના પાક સળગતા તાપમાં સુકાઈ ગયા. જ્યારે એના ખેતરમાં મબલખ પાક ઉતર્યો જે તેને આખું વરસ ચાલે ઉપરાંત ઘણો વધી પડે તેમ હતું.

બીજે વરસે સાગરીતે ખેડૂતને ટેકરી ઉપર બીજ વાવવાની સલાહ આપી; એ વરસે કમોસમી વરસાદ થયો. બીજા બધા ખેડૂતોના પાક નમી પડ્યા, ડૂંડા જ ન આવ્યા અને બધું સડી ગયું. જ્યારે પેલા ખેડૂતનો ટેકરી ઉપરનો પાક સારો થયો અને ડૂંડા પણ મોટા અને ભરાવદાર આવ્યાં. આ વરસે પણ પહેલાંની જેમ જ થયું અને તેનો પાક ખૂબ જ વધી પડ્યો. તેને ખબર ન પડી કે આ વધારાના પાકનું શું કરવું!

સાગરીતે તે ખેડૂતને મકાઈ કચડી, ગાળી અને દારૂ કેમ બનાવવો તે શિખવ્યું; ખેડૂતે કડક દારૂ બનાવી પોતે પીધૌ અને તેના મિત્રોને પાયો.

સાગરીત હવે સેતાન પાસે જઈ પોતાની ભૂલ કેવી રીતે સુધારી તેના બણગાં ફૂકવા લાગ્યો. સેતાને કહ્યું કે તે જાતે જ આવીને બાબત શું છે તે જોશે.

સેતાન ખેડૂતના ઘરે આવ્યો અને જોયું કે તેણે તેના પૈસાદાર મિત્રોને આમંત્રણ આપ્યું હતું અને દારૂ પાઈને તેમની સરભરા કરતો હતો. તેની પત્નિ તેના મહેમાનોને દારૂ પીરસતી હતી, અને જેવી તે દારૂ પીરસવા ફરી કે તે ટેબલ સાથે અથડાઈ અને એક ગ્લાસ ઢોળી નાખ્યો.

ખેડૂત ગુસ્સે થયો, અને ઠપકો આપીને કહ્યું કે, ‘આ તું શું કરે છે, આ કંઈ મેલું, ગંધાતું પાણી નથી કે તને ફાવે તેમ જમીન પર ઢોળી નાખે?’

સાગરીતે સેતાનને કોણીનો ગોદો માર્યો અને કહ્યું, ‘જુઓ, આ એજ ખેડૂત છે જેને પોતાનું ભાતું ગુમાવવાનો કોઈ રંજ ન હતો.’

ખેડૂતે પત્ની પર ગુસ્સો ઠાલવતા દોડીને, પોતે દારૂ પીરસવાનું શરૂ કર્યું. એજ વખતે એક થાકેલો ગરીબ ખેડૂત વિના આવકારે અંદર આવી ગયો. તેણે લોકોનું અભિવાદન કર્યું, અને બેસી ગયો, અને જોયું કે બધા દારૂ પીતા હતા. દિવસના થાકથી તેને લાગ્યું કે તેને પણ ચાગળું પીવા મળે. તે બેઠો રહ્યો, તેના મોઢામાં પાણી આવવા લાગ્યું, પણ યજમાન તેને દારૂ આપવાને બદલે ગણગણ્યો: ‘ગમે તે ચાલ્યા આવે એને અહીં કંઈ પીવાનું મળવાનું નથી.’

સેતાન આથી રાજી થયો; પણ સાગરીત મલક્યો અને કહ્યું, ‘થોડી રાહ જુઓ, હજી ઘણું બાકી છે!’

પૈસાદાર ખેડૂતોએ દારૂ પીધો અને તેના યજમાને પણ પીધો, અને એકબીજા માટે તેઓ બનાવટી અને ચીકણીચૂપડી વાતો કરવા લાગ્યા. સેતાને બધું સાંભળ્યા કર્યું અને સાગરીતની પ્રસંશા કરી.

સેતાને કહ્યું, ‘આ દારૂ જો બધાને આમ શિયાળવા જેવા લુચ્ચા બનાવી એકબીજાની વંચના કરતા કરી દે તો તેઓ બધા આપણા કબજામાં.’

સાગરીતે કહ્યું; ‘હજી શું થવાનું બાકી છે તેની રાહ જુઓ. દારૂનો હજી એક બીજો દોર થઈ જવા દો. પછી બધા પૂંછડી હલાવતા શિયાળવા જેવા બની એકબીજાની પાછળ ગોળ ગોળ ફર્યા; પણ હવે તમે તેમને જંગલી વરૂની માફક વર્તતા જોશો.’

ખેડૂતોએ બધાએ બીજો એક એક ગ્લાસ પૂરો કર્યો. હવે તેમની ચીકણીચૂપડી વાતો ઉગ્ર અને બરછટ બની ગઈ, અને એક બીજાને ભાંડતાં ઘૂરકિયા કરવા લાગ્યા. તરત જ તેમાં મારામારી શરૂ થઈ અને એકબીજાને નાક પર મુક્કા મારવા લાગ્યા. યજમાને પણ તેમાં જોડાઈને માર ખાધો.

સેતાન આ બધું જોઈને રાજી થયો. તેણે કહ્યું, ‘આ સરસ છે.’ પરંતુ સાગરીતે કહ્યું: ‘જરા રાહ જુઓ – શ્રેષ્ઠ આવવાનું બાકી છે. ત્રીજો દોર પૂરો થાય ત્યાં સુધી રાહ જુઓ. હવે તેઓ વરૂની માફક ધિંગામસ્તી કરશે, અને હજી એક વધારાનો જામ પીધા પછી સૂવર જેવા બની જશે.’

ત્રીજો ગ્લાસ પીધા પછી બધા તદૃન જંગલી બની ગયા. એકબીજાને સાંભળવાનું ભૂલી જઈને કંઈ પણ કારણ વગર બબડાટ અને રાડો પાડવા લાગ્યા.

પછી મિજબાની પૂરી થવા આવી. કોઈ એકલ કોઈ દોકલ અને કોઈ વળી ત્રિપુટીમાં ગલીમાં લથડિયાં ખાતાં છૂટા પડ્યાં. યજમાન બધાને જલ્દી ભગાડવાની પેરવીમાં ખાબોચિયામાં નાકભર પડ્યો અને માથાથી પગ સુધી ખરડાઈ ગયો, અને સૂવરની જેમ કણકણાટ કરતો પડ્યો રહ્યો. સેતાનને આથી વધુ મજા પડી.

તેણે સાગરીતને કહ્યું: ‘વાહ, એક નંબરનું પીણું શોધી કાઢીને તેં તારી આગલી ભૂલ સુધારી લીધી છે. પરંતું તું મને કહે, કે તેં આ બધું કર્યું કેવી રીતે! પહેલાં તો તેં શિયાળનું લોહી નાખ્યું હશે: જેથી તેઓ શિયાળ જેવા લુચ્ચા બની ગયા. પછી હું ધારું છું કે તેં વરૂનું લોહી ભેળવ્યું હશે: કારણ કે તેઓ વરૂ જેવું જંગલી વર્તન કરતા હતા. અને તેમનું સૂવર જેવું વર્તન જોઈ મને લાગે છે કે તેં ચોક્કસ સૂવરનું લોહી ઉમેર્યું હશે.’

સાગરીતે કહ્યું; ‘ના, મેં એમ નથી કર્યું. પહેલાં તો મે જોયું કે તેને તેની જરૂરીયાત કરતાં વધારે મકાઈ મળી. પશુનું લોહી તો માણસમાં હંમેશાં હોય છે જ – જ્યાં સુધી તેની જરૂરીયાત પૂરતી મકાઈ હોય – પણ તે તેની મર્યાદામાં રહે છે. પણ જ્યારે તેની જરૂરીયાત કરતાં મકાઈ વધી પડી ત્યારે તે તેમાંથી મજા માણવાનો રસ્તો શોધવા લાગી ગયો. જે મેં તેને બતાવ્યો અને જ્યારે તે ઈશ્વરની દીધેલી બક્ષિસને પોતે મજા માણવા માટે દારૂમાં રૂપાંતર કરવા લાગ્યો — ત્યારે તેનામાં રહેલ શિયાળ, વરૂ અને સૂવરનું લોહી ઉછળવા લાગ્યું. જે દારૂ જ પીધા રાખે છે તે હંમેશાં પશુ જ રહે છે.

સેતાને, સાગરીતની આગલી ભૂલ માફ કરી દઈ તેને ઊંચી સન્માનભરી જગ્યા આપી.

– મૂળ કૃતિ લિઓ ટોલ્સટોય, અનુ. નટુભાઈ મોઢા, મૈસૂર

અક્ષરનાદને આ અનુવાદ પાઠવતા નટુભાઈ મોઢા કહે છે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, દારૂની માઠી અસર, બૂટલેગરો અને દારૂ માટે થતાં ખૂન વિગેરેથી આપણે સૌ સારી રીતે વિગત છીએ. દારૂ પીવો કે ન પીવો, માફકસર દારૂ હાર્ટ માટે સારો એ બધાના વિશ્લેષણની વાત મારે કરવી નથી. હું ૧૯૫૮ માં ઈન્ટર કોમર્સમાં ભણતો ત્યારે અમારી ઈંગ્લીશ ટેક્સ્ટમાં સર લિઓ ટોલ્સટોયની એક મજાની ટૂંકી વાર્તા હતી જે મને આજ સુધી અક્ષરશ: યાદ છે, જે હું આજે પણ મારા મિત્રો અને નવા પરિચિતોને ટૂંકમાં કહી સંભળાવું છું. આજે આટલા વર્ષો બાદ તે વાર્તાને ખોળી કાઢી તેનું ભાષાંતર કરી વાચકો સમક્ષ રજૂ કરવાની ઈચ્છા થઈ આવી, જે આપની સમક્ષ રજૂ કરું છું.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “સેતાન, સાગરીત અને દારૂ – લિઓ ટોલ્સટોય, અનુ. નટુભાઈ મોઢા