૧૩ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૭) – ડૉ. હાર્દિક યાજ્ઞિક : (માઈક્રોફિક્શનની સદી) 10


૮૮.

પાછળથી બહુ જ ચૂપકીદીથી આવી ફાઇલ પર બેઠેલ મચ્છરને એકજ ઝાટકે મ્હોં મા દબાવી જાડી ગરોળી અહિંસાના પૂજારી ગાંધીજીના લટકતા ફોટા પાછળ જતી રહી.

લગભગ દરેક સરકારી ઓફિસોમાં આ રોજનુમ થયું.

૮૯.

“પપ્પા, રીતુફોઇને કોઇ અજાણ્યો વ્યક્તિ રોડ ઉપર મારે અને લોહીલુહાણ કરે તો તમે શું કરો ?”

“હું રીતુનો ભાઈ છું? એ માણસને શોધીને એની પથારી ફેરવી નાખું..” પપ્પાએ છાપામાંથી માથું સહેજ ટટ્ટાર કરીને કહ્યું.

પૂરા થતા રામાયણ કાર્ટુનની ચેનલ બદલતા કશું ભળતુ જ સમજેલા જીમીએ પપ્પાને બીજો પ્રશ્ન કર્યો, “તો તો પપ્પા, રાવણે શું ખોટુ કર્યુ?”

૯૦.

ટોલ ટેક્સવાળાએ જ્યારે છુટ્ટા પૈસાની જગ્યાએ ૪ ચોકલેટ હાથમાં પકડાવી ત્યારે સુરેશભાઈને પેલા ભાઈ પર એટલો ગુસ્સો ન ચડ્યો જેટલો પોતાના શરીરમાં પ્રસરેલા ડાયાબિટિસ ઉપર ચડ્યો.

આખા રસ્તે થોડી થોડી વારે ડેસ્ક ઉપર મૂકેલી ચોકલેટ ઉપર ધ્યાન જતુ ગયુ. છેલ્લે ચાર રસ્તે ઉભેલા છોકરાને મિલ્કત વંહેચતા હોય એમ ચોકલેટ આપતા મ્હૉં બગાડી બોલ્યા, “આપણે એવુ કંઈ નહીં. છોકરા ખુશ તો આપણે પણ..”

૯૧

સ્મશાનથી પાછા આવતાની સાથે જ રમણિકલાલ ખાલી હિંચકો જોઇને ઢીલા થઇ ગયા. હમણાં જ વળાવેલ પત્નીને યાદ કરતા ગુપચુપ નીચુ મોં કરીને હિંચકે બેઠા.

કોલેજમાં ભણતા પૌત્રે એક ખૂણામાંથી મોબાઈલવાટે આ દ્રશ્યનો ફોટો પાડી એને ફેસબુક પર અપલોડ કર્યો. કેપ્શન હતું “બા ઇઝ નો મોર.. દાદાજી ઇસ મિસિંગ બા…”

લગભગ ૪ મિનિટમાં ૩૧ જેટલી લાઈક્સ મળી..

૯૨.

“આ દારુબંધીમાં પોલીસનું રિસ્ક વધી ગયું છે એટલે મેં પણ ભાવ વધાર્યા સે.. હવે પોટલીના દહ નહીં વિહ લઇહ.. હું હમજ્યો?” પહેલી ધારનો હાથમાં રાખી પકો બોલ્યો..

મોં બગાડતા ફાટેલા ખિસ્સામાં રહેલી છેલ્લી ૧૦ની નોટ એને આપતા જીતુ બબડ્યો “મારી હાળી ચૂંટણીય નહીં આવતી હમણાંતો.. આવે તો મહિના બે મહિના માટે હોન્તી…”

૯૩.

મેઈન રોડ અને મંદિરની વચ્ચે આવેલા ત્રણેય ઝાડ જડમૂળથી કાપી નાખવાનું ગઇ કાલે ટ્રસ્ટી મિંટીગમાં નક્કી થયું.

એ લોકોનુ માનવું હતું કે ઝાડ કાપી નાખવાથી મંદિરના ગર્ભગૃહમાં રહેલ ઈશ્વરના દર્શન લોકોને રોડ ઉપરથી પણ થશે.

૯૪.

એમ્પલોયમેન્ટ બ્યુરો દ્વારા યોજાયેલ શેક્ષણિક રીતે બેકાર શિક્ષીત વ્યક્તિઓના નોંધણી કાર્યક્રમમાં હજારો યુવાનોને આવેલા જોઇ નેતાજી ખુશ થઇ ગયા.

મનમાં મમળાવ્યું, “હાશ! લોકો વધારે છે, ભાષણ કરવામાં મઝા આવશે..”

૯૫.

આજે શશીના મનમાં ઉમંગ સમાતો ન હતો. રોજ કરતા આજે રસોઈ બનાવવામાં પણ ઉત્સાહ વધુ હતો. કોણ જાણે કેમ આજે એને સાસરુ પોતાનું ઘર લાગવા લાગ્યું હતું.

અને લાગે પણ કેમ નહીં?.. લગ્નના ૩ વર્ષે આજે પહેલી વાર ઘરમાં સાસુએ શશીને વાતવાતમાં “બેટા” કહીને સંબોધી હતી.

૯૬.

હજારો માણસોને એકસાથે મારી શકાય એટલા એક્સ્પ્લોઝિવ્સનો જથ્થો આપતા એ બોલ્યો, “લે,, ઉપરવાલેકા નામ લે કે સ્વિચ દબાના..”

અને બે હાથ ઉઠાવી ઉપર જોતા શું વિચાર આવ્યો કે એણે ફરી કહ્યું “એક કામ કર, નામ મત લેના… યું હી સ્વિચ દબા દેના..”

૯૭.

“સંગીત એક કળા છે. સંગીતમાં ઈશ્વરના હોવાનો અનુભવ છે. સંગીત જીવનને અને મનને શાંતી અને પવિત્રતાનો અનુભવ આપે છે કે એને સાંભળતા માણસ પોતાનામાંજ ખોવાઇ જાય. આમ જુઓ તો સંગીત એક પ્રકારની પૂજા છે.” હજી તો ગુરુજીના મોં માં આ છેલ્લું વાક્ય પુરું થયું ન થયું ત્યાં તો શાસ્ત્રીય સંગીતના વર્ગોની પાછળથી એક રિક્ષા નીકળી જેમા મોટા અવાજે વાગતુ હતું..

“ચાર બોટલ વોડકા… કામ મેરા રોજ કા..”

૯૮

“મમ્મી મારા નામની પાછળ પપ્પાનુ નામ લખું છું, તો તારુ નામ ન લખાય?”

૯૯

“અમે તો એમના ખાટલાની બરોબર બાજુમાં બેલ મૂકાવડાવી દીધો છે. મારા સાસુને જરાય જરૂર પડે તો અડધી રાતે બેલ વગાડી અમને જગાડી શકે.” કીટી પાર્ટીમાં પોતાની સાસુભક્તિ રીટાએ બધાંને સંભળાવી.

ખાલી પ્યાલાઓ ટ્રેમાં પાછા લઈ જતા જીવીબા આ સાંભળી મનમાં બબડ્યા, “કઈ માં સખે સૂતેલા દિકરાને બેલ મારીને જગાડતી હશે..”

૧૦૦

આજથી થોડા વર્ષ પહેલાની વાત છે.

“ઘરડે ઘડપણમાં લાંબુ કેવી રીતે જીવી શકાય?” આ વિષયની ગહન ચર્ચા કરતા ત્રણેય વડીલોની નજર અચાનકજ એક અતિ આકર્ષક આધુનિક કપડા પહેરેલ યુવતી ઉપર પડી.

રતનલાલે ઝીણી આંખ કરીને એને જોતા જોતા સંસ્કાર, સંસ્કૃતિ અને આજના યુવાનોએ શું પહેરવુ કે ન પહેરવુ એ પરના ડાયલોગ ચાલુ કરી દીધા હતા.. સુરેશભાઇએ ચુપકીદીથી એ છોકરીને જોયા કર્યુ પણ એમનુ વધારે ધ્યાન કોઇ પોતાને જોતુ નથી તેમાં હતું. રમણિકલાલે બિન્દાસ્ત એની સામે એ ગઈ ત્યાં સુધી જોયા કર્યું.

ત્રણેય વડીલોમાંથી આજકાલ ખાલી એક જ વ્યક્તિ જીવીત છે.

– ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

જોતજોતામાં હાર્દિકભાઈનો માઈક્રો ફિક્શન સર્જનનો આંક આજે એક સદી કરી ગયો છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં શરૂ થયેલી તેમની આ માઈક્રોસર્જનની મેગા સફરનો આજે અગત્યનો પડાવ છે, સો વાર્તાઓ એટલે સો ભાવવિશ્વો, સો શક્યતાઓ, સો સત્વશીલ વિચારવિથીકાઓ અને સો અલગ અલગ સ્વાદ ધરાવતી સાહિત્યસામગ્રીનો રસથાળ. ડૉ. હાર્દિકભાઈને શુભકામનાઓ… માઈક્રોફિક્શન સ્વરૂપ માટે અક્ષરનાદને તેમણે આપેલ સહકારને સલામ… અને હા, હાર્દિકભાઈ, આ સફરનો એક પડાવ છે, મંઝિલ નથી… ચાલોને સફરની મજા લઈએ, મંઝિલ કોણે જોઈ છે?

હાર્દિકભાઈની સો માઈક્રોફિક્શનની આ સફરની બધી જ કડીઓ…
ભાગ ૧,
ભાગ ૨,
ભાગ ૩,
ભાગ ૪,
ભાગ ૫,
ભાગ ૬


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “૧૩ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૭) – ડૉ. હાર્દિક યાજ્ઞિક : (માઈક્રોફિક્શનની સદી)

 • Subodhbhai Mudiyawala

  I have shared and read majority of MICROFICTION STORIES BY DR. HARDIK PANDYA.

  STORIES WHICH I HAVE GONE THROGH FOUND MUCH INTERESTING KEEPING ME TIGHT FOR LAST 72 HOURS. AWSOME.

  Subodhbhai Mudiyawala

 • gopal khetani

  માઇક્રોફિક્શન એટલે જાણે T – 20, અને તમે હાર્દિકભાઇ T – 20 ના ક્રિસ ગેઇલ છુઓ. અદભુત.

 • Sakshar

  Congratulations Hardikbhai… You have an awesome observation power and specially a power to transform those minute observations into words. I know how difficult it is to write micro fiction and even more difficult to write with such consistency in quality. Thank you 🙂

 • Kartik Pandya

  Can’t have words for the stories by Dr.Hardik. Congratulations for the Sanctuary and all the best for a quick double. …

 • Sudha Mehta

  રાવણે શું ખોટું કર્યું – એ વાર્તાની સમજ ન પડી !!

  • Sakshar

   રામ અને લક્ષ્મણે રાવણની બહેન શુર્પણખાને લોહીલુહાણ કરી દીધી હતી એટલે જ તો રાવણે સીતાહરણ કર્યું હતું…

 • hemal vaishnav

  ૯૫,૯૯,૧૦૦ …અતિઉત્તમ …અને હા .હવે એક માઇક્રો …આપણા આ “તેન્ડુલકર” માટે …..

  “હાર્દિક ભાઈ …અક્ષરનાદ પર આપની સો માઈક્રો વાર્તાઓ આજે પુરી થશે” ..જિગ્નેશ ભાઈએ ફોન પર લોકલાડીલા લેખકને કહ્યુ …અને ડો.યાગ્નીકે ફોન મુકતા વિચાર્યુ …
  ” મે એક હજાર શબ્દો ઓલરેડી લખી નાખ્યા …?”

  સો વાર્તાઓ માટે સો સલામ ….!!!!!

 • GAURANG DAVE

  Dear Hardikbhai,
  Congratulations on maiden century.
  All the stories are really micro and very much pearcing.
  Wishing you for such endless centuries….