ડૂમો… – વિશાલ ભાદાણી 14


આજે સવારે ફેસબુક પર સ્ટેટસ અપ-ડેટ કર્યું: “ટુડે ઇઝ માય બર્થ ડે!!”

ઘણા બધાંએ અભિનંદન પાઠવ્યા. અંગત મિત્રોએ વ્યાજબી વાંધો ઉઠાવ્યો, “ખોટી વાત, આજે ૨૯મી મે નથી.” એમની વાત સાચી. પણ, ગઈ કાલે જે જાણ્યુ એ પછી મે મારો જન્મ દિવસ બદલવાનું નક્કી કર્યું છે, બાકી મારો વૈજ્ઞાનિક જન્મ દિવસ છે ૨૯ મે, ૧૯૮૭. પણ વાત એમ કઈ “નાની” નથી.

પેલ્લેથી કહું? એટલે બહુ પેલ્લેથી હોં?

હં…તો સમય છે જાન્યુઅરી ૧૯૮૭. સ્થળ છે સણોસરા. જી. ભાવનગર.

મારું અસ્તિત્વ. મારું મારાં વિશેનું બધુંય બાના પેટમાં આકાર લઇ રહ્યું હતું. બા એ સમયે મને ગીતાના પાઠ સંભળાવતા એવું તેમણે મને કાલે કીધુ. મારે સૌથી મોટી બેન. પછી એક ભાઈ. વળી એક બેન. અને હું? હું તો હજુ નક્ષત્રો સાથે બાથ ભીડીને ક્યાંક ધ્યાનાવસ્થામાં પીછાં ઊગવાની રાહ જોતો’તો. મારી નાભિમાંથી ધીમે ધીમે “હું” બનતો હતો. એક સમંદર ઘૂઘવતો હતો અંદર અને એક…

આ વખતે પણ બા સુવાવડ માટે મામાના ઘેર જશે.

મારાં અસ્તિત્વ વિશે બહાર હવે ગોઠવણી થવા લાગી. તેની અનુભૂતિ મને છેક નક્ષત્રો સુધી થઈ. જે દિવસે બાને તેડવા આવવાના હતાં તે દિવસે સવારમાં બેનથી દૂધનું વાસણ ઢોળાઈ ગયેલું. દાદીમાએ એક વળગાડી દીધેલી. બાના મોઢામાંથી સહજ ખમ્મા નીકળી ગયેલું.

અને દાદીમાએ સાસુવાળી કરી. બાને બહુ વઢી લીધું. ઘણુંય કીધું. નો કહેવાનું પણ કીધું. પણ બાએ વહુવાળી નો કરી અને બધું જ સાંભળી લીધું. કેટલુંક આંખોથી છલકાઈ પણ ગયેલું. મારાં બા.

મામા તેડવા આવ્યાં. હું ‘ને બા તો ઉપડ્યા. છેલ્લે ડેલીએ આવીને દાદીમાએ બાને કીધું: “સોકરો થાય તો આવજે નકર નઈ…”

બાના ગાળામાં ભરાયેલો એ ડૂમો છેક મામાના ગામ સુધી વલોવાણો – મારી જેમ. એ ડૂમો બહારની બદલે અંદર દબાણ કરવા લાગ્યો.

“બા? આ ડૂમો મને દુખે છે..” મે કીધું. બાએ સાંભળ્યું અને ડૂમો વધુને વધુ ભીંસ કરવા લાગ્યો.

“બા..!બા…!” મે ફરિયાદ શરૂ રાખી. પણ બાએ ડૂમાને રડવાનો માર્ગ નો દેખાડ્યો.

મામાને ઘરે બા આરામ કરવા લાગ્યા. મારો “હું” વધુ “હું” થવા લાગ્યો અને… અને એ ડૂમો પણ વધુને વધુ મોટો થવા લાગ્યો. લગભગ મારા જેવડો જ થઈ ગયો હશે.

“બા? આ ડૂમો…” મે જેવી ફરિયાદ કરી કે, મારું આખુંય નક્ષત્ર “સોકરો થાય તો આવજે નકાર નઈ…” એ એક વાક્યનું વાવાઝોડું બનીને મને દબાવવા લાગ્યું.

“બા? આ વાવાઝોડું…” મારી ફરિયાદ પહુંચે ત્યાંતો ડૂમો મારાં કરતા બમણી ગતિએ વધવા લાગ્યો. બાએ હવે નક્કી કર્યું, “સોકરોય નથી જોતો અને સોડીએ નથી જોતી.” આ નિર્ણયે ડૂમાને મારાં પર હાવી કરી દિધો. જોતજોતામાં હું અને ડૂમો એક થઈ ગયા. હવે હું મારાથી જ ભીંસાવા લાગ્યો. ખબર જ્ નોતી પડતી કે કઈ બાજુથી દબાણ થાય છે.

બાએ એક સાથે ગર્ભપાતની આઠ ટીકડીઓ ખાધી. કહેવાય છે કે ગર્ભપાત માટે ચાર જ બહુ છે. બાના બળતા જીવમાં મારો જીવ બળવા લાગ્યો. પણ આનાથી બાની બળતરા વધી કે ઘટી એ ખબર નો પડી. પણ હવે બે મહિનાથી જે ડૂમો મારી ઉપર રાવણ થઈને બેઠોતો એ નાશ થઈ ગયો એવું મે માની લીધું. અને હું?

કદાચ હવે “હું” કહી શકાય એટલો પણ “હું” નઈ હોઉ. મારું શરીર પીઘળવા લાગ્યું. હું નક્ષત્રોમાં ફરી ભળી જવા તૈયાર જ હતો કે.. બાની તબિયત કથળી. દાક્તર આવ્યા.

“તમે કંઇક બહુ ગરમ વસ્તુ ખાધેલી છે” દાક્તરે ડારો કર્યો.

નાનીમાને શંકા પડી. એને માતાજીના સમ ખવડાવીને પૂછ્યું. બાએ જેમ બળતા જીવે ટીકડીઓ ખાઈ લીધેલી એમ સમ પણ ખાઈ લીધેલા અને બા ખોટું બોલ્યા. મારાં બા…

“બા?” તે દિવસે રાતે મે કીધું. બહુ વાર સુધી મારો અવાજ પડઘાતો રહ્યો. પછી તરત જ બા ઝબકી ગયા. બાએ ઊંંડો શ્વાસ લીધો. બાને એમ થયું કે એને ભ્રમ થયો.

“બા, ડૂમો ગયો”!

“અને તું?” પેલી વખત બાએ વળતો જવાબ આપ્યો અને પૂછ્યું. “હું? હું જાવ છું. આ જુઓને… મારાં પીંછા સળગી રહ્યા છે…”

મારી અંદર સુધી પેસી ગયેલાં ડૂમાને મે બહાર ધાકો માર્યો. મારી નાભિમાંથી નક્ષત્ર સુધી બધુંય એક થઈ ગયુ. ડૂમાને સાચી દિશા મળી ગઈ હોય એમ બાએ જોરથી ચીસ પાડી, બા રોયા. બહુ રોયા. મારાં બા. માતાજીની માફી માગી. મારાં નામની કેટલીય માનતાઓ રાખી.

મે મહિનાની ૨૯ તારીખ ૧૯૮૭. બાની ટીકડીઓ પર બાનો પસ્તાવો ફરી વળ્યો અને મે નક્ષત્રોનો ત્યાગ કરી ધરતી પર પહેલો શ્વાસ લીધો. મામા, નાના, નાની, માસીઓ બધાએ મારી સામે જોયું અને તેમનાં મોમાંથી અરેરાટી નીકળી ગયેલી. આખા શરીર પર દાઝ્યાનાં નિશાન હતાં. નાનીમાએ બા સામે જોયું પછી માતાજીની છબી સામે જોયું. એક ઊંડો નિસાસો નાખ્યો.

નવા પીછાં આવતાં અને મને સામાન્ય બાળક બનતા ઠીક ઠીક સમય લાગેલો. – અને બાને પણ! મારા બા.

આજેય મારા શરીર પર કેટલાક નિશાન છે.

ગઈ કાલે મારાં નામની છેલ્લી માનતા પૂરી થઈ. મે માતાજીને શ્રીફળ વધેર્યું પછી બાએ માંડીને આ બધી વાત કરી. દાદીમાં સ્વર્ગે સિધાવી ગયાં છે. સ્વર્ગે જ ગયા હશે!

પ્રશ્ન એ છે કે આ પચ્ચીસ વર્ષથી હું દર ગુરુવારે માતાજીના મઢે જે શ્રીફળ વધેરતો આવ્યો છું એ શું હતું? મારા જીવના ઇન્સ્ટોલમેન્ટસ?

“આજે હું ન પણ હોત” આ ભાવનો એક ડૂમો મારી અંદર સળવળે છે….

– વિશાલ ભાદાણી

વિશાલભાઈની અક્ષરનાદ પર પ્રથમ કૃતિ આજે પ્રસ્તુત થઈ રહી છે ત્યારે તેમનું અને તેમની કલમનું સ્વાગત છે. આપણે ત્યાં નારી સંવેદનાના વિષય પર અનેક વાર્તાઓ લખાય છે, કન્યા બૃણહત્યા અને ગર્ભપાત વિશે, સાસુ વહુના સંબંધો વિશે…. એ શ્રેણીની અંદર અને બહાર એમ બંને બાબતોને સ્પર્શીને તેના પરિઘ પર એક ભૃણની વાત કરતી આ વાર્તા એક સુંદર પ્રયાસ છે એ બદલ વિશાલભાઈને શુભેચ્છાઓ.


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “ડૂમો… – વિશાલ ભાદાણી