આશ્વાસન ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૮ – સાગર પંડ્યા 10


૧.

એક સમયે રાજા મહારાજાઓના મનોરંજન માટે મજબૂરીથી નાચતી સકીનાબાઈ આજે તેની પૌત્રીને કોઈ ચેનલના ડાન્સ રિયાલિટી શો ના ગ્રાન્ડફિનાલેમાં પરફોર્મ કરતી જોઈ વિધિની વક્રતા સામે હસવું કે રડવું તે નક્કી કરવા મથી રહી છે.

૨.

‘આધુનિક ઉપકરણો – એક અભિશાપ’ વિષય પર લેક્ચર આપી પાછાં ફરતાં ભૂલકણા પ્રોફેસર ટેક્સીમાં બેસી જ્યારે રસ્તો ભૂલી રઝળી પડ્યા ત્યારે તેમણે પોતાનો લેટેસ્ટ મોબાઇલ કાઢી GPS સિસ્ટમનો ઉપયોગ કરી ઘર તરફનો માર્ગ પકડ્યો.

૩.

પોતાની મસ્તીમાં તરતી માછલીને આકાશમાં મહાલતા હંસલાએ પૂછ્યું, “અરે ઓ માછલી. તું તો સતત પાણીમાં જ રહે છે. શું તને પણ તરસ લાગે છે?”

માછલીએ મલકાઈને કહ્યું, “હા. મને પાણી બહાર રહેતી તારી આ તાજગીસભર હવાની તલબ છે. હું અમથી જ પાણીમાં રહેલા ઑક્સીજનને પરપોટા સ્વરૂપે બહાર નથી મોકલતી.”

૪.

બાલમંદિરના બાળકોના નાદાન તોફાનથી કંટાળી સ્ટાફરૂમ તરફ પાછાં ફરતાં શિક્ષિકા બબડતાં હતાં – “આ આજકાલના બાળકોમાં મેચ્યોરિટી જેવું કઈ છે જ નહીં. સાવ ચાઈલ્ડીશ વર્તન કરે છે.”

– સાગર પંડ્યા

અંગ્રેજીમાં લખાયેલ સૌપ્રથમ માઈક્રોફિક્શન ફક્ત છ શબ્દોની હતી, વાર્તાની લંબાઈ અને તેની અસરકારકતા એ બંને પરિબળો જ્યારે એકસાથે ત્રાટકે ત્યારે સર્જનની મજા અનોખી બની રહે છે. ૨૫૦ શબ્દોની છૂટ છતાં ખૂબ જ માઈક્રો સ્વરૂપમાં લખાયેલી આ વાર્તાઓ વાચકોને ખરેખર થોડાક શબ્દોમાં એકથી બીજા ભાવવિશ્વમાં સરસ સફર કરાવશે એ ચોક્કસ. અક્ષરનાદ સ્પર્ધામાં ભાગ લઈ આવી સુંદર કૃતિઓ સ્પર્ધામાં પાઠવવા બદલ રાજકોટના સાગરભાઈનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “આશ્વાસન ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૮ – સાગર પંડ્યા