અપવાદરૂપ કાગડો – નટુભાઈ મોઢા 6


અનેક માણસોના સ્વાબાનુવના પ્રસંગોમાંથી જાણવા મળે કે માણસો પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા ઘણીવાર જડ વસ્તુઓને ભાંડે છે, તેનું એક કારણ એ છે કે જવાબમાં જડ વસ્તુઓ વળતો પ્રહાર કરી શકતી નથી. કેટલાક પ્રસંગે અનાયાસે સજીવ વસ્તુઓ માટે પણ કેટલીકવાર નાપસંદ ગાળો કે અપશબ્દો મુખમાંથી નિકળી જતા હોય છે. પણ આ અલ્પજીવી હોય છે. જેમ કે, ખીલી પરનો ઘા, હથોડી ચૂકી જઈને અંગૂઠાના નખને કાળો કરી નાખે. કાગળનો ડૂચો વાળીને ઘા કરેલો બોલ કચરાપેટીમાં પડવાને બદલે ખૂણામાં જઈ પડે. રસ્તે ચાલતાં, શંકુ આકારના ભૂંગળામાંથી શેકેલી મગફળીનો બગડી ગયેલો છેલ્લો દાણો મોં નો સ્વાદ થૂ થૂ કરી નાખે. ભેલપૂરીના ઢગલામાંથી એકાદ વાંકડિયો વાળ આપણી જ પ્લેટમાં જ મોઢું કાઢે..

અગત્યના દસ્તાવેજોને પીન કરવા સ્ટેપલપીન મશીનનો ઉપયોગ કરતી વખતે પીન વગરના ખાંચામાંથી ‘ખપ” કરતો અવાજ આવે. સોયમાં દોરો પરોવતી વખતે અચાનક સોય જમીન પર પડી જાય. ઑફિસે જવા મોડું થતું હોય ને બૂટની વાદળી દગો દે. મૂડ જામ્યો હોય અને કંઈક લખવા બેસીએ ત્યારે જ બૉલપેનની રિફીલ રિસાઈ જાય. એરપોર્ટ પહોંચતાં જ બેગનું હેન્ડલ તૂટી જઈને આઘાત આપે. ખાસ પ્રસંગે જવા દાઢી કરતી વખતે બ્લેડનો લસરકો પડી જાય. પેટ સાફ કરવા જૂલાબ લીધો હોય અને હાજતે જતી વખતે જ ટૉઈલેટનું બારણું બંધ જોવા મળે. રસ્તામાં અચાનક બેધ્યાનપણે એકાદ નાનકડો પત્થર પગ નીચે આવી જતાં ગડથોલિયું ખાતાં માંડ બચી જવાય. ધ્યાન રાખી રસ્તો ઓળંગતા હોવા છતાં કોઈ સ્કૂટર કે કાર વાળો અચાનક ચીચીયારી કરતી બ્રેક મારીને આપણી લગોલગ આવીને ઊભો રહી જાય.

લગ્નમાં જવા શણગાર સજીને નીકળેલી કોઈ બહેનો રીક્ષાનો ઈંતજાર કરતી હોય અને દરેક રીક્ષાવાળો લગ્નની વાડીએ જવા ના ભણે. ઉનાળામાં ઘરે મહેમાન આવે ત્યારેજ ગાડી રિપેરમાં જાય કે ઘરના પંખા કે એરકંડીશ્નર બગડી જાય. સારા કે માઠા પ્રસંગે ચાલીને જતાં રસ્તામાં પગ લચકી જાય. સુંદરલાલ જેવો સાળો અચાનક ટપકી પડે અને પૈસાની ઉઘરાણી કરે.

ફિલમ જોવા ટીકીટો બુક કરાવી હોય અને બૈરીએ ઑફિસેથી ટાઈમસર આવી જવાની તાકીદ કરી હોય અને અચાનક તારક મહેતાના બેમાથાળા બૉસ જેવો તમારો બૉસ તમને તેની કેબિનમાં બોલાવીને કોઈ અરજન્ટ કામ સોંપે. અચાનક સિનેમા જોવાનો પ્રોગ્રામ કરીને હાંફતા હાંફતા થીએટર પહોંચીએ અને ‘હાઉસફૂલ” કે ‘સોલ્ડઆઉટ’નું પાટિયું જોવા મળે. ઈમરજન્સીમાં કોઈ બાળક કે બીજા દરદીને રીક્ષામાં લઈને આપણા ફેમીલી દાકતર પાસે પહોંચીએ ત્યારે બારણે તાળું જોવા મળે, અને બારણાં ઉપર હાથે લખેલી નોટીસ વાંચવા મળે કે ડૉકટર ત્રણ દિવસ સુધી નહિ મળે. વરસોથી અબોલા હોય એવી કોઈ વ્યક્તિનો અચાનક ભેટો થઈ જાય.

આ સમયે મગજ સમતુલા ગુમાવે છે અને મોઢામાંથી ન બોલવાના શબ્દો સરી પડે છે. એકાદ ગાળનો ટપ્પો માત્ર જડ વસ્તુઓ કે સજીવ પૂરતોજ મર્યાદિત નથી. આવું ક્યારેક પશુ કે પક્ષીઓ પ્રત્યે પણ થાય છે. સાયકલ કે સ્કૂટર પર જતી વખતે રસ્તાનું કૂતરું ભૂરાયું થઈને પાછળ દોડીને પગનો લોચો કાઢવાની કોશિષ કરે. ગાયની બાજુમાંથી પસાર થતી વખતે ગાયની ઢીંકમાંથી માંડ બચી જઈએ. અંધારામાં જાડી દોરીને બદલે સર્પ સરકતો જોવા મળે. આવા તો અનેક પ્રસંગોનો આપણે જીવનમાં સામનો કર્યો જ હશે. ઉનાળામાં ધોમ ધખતા તડકામાં ઝાડના છાંયડાનો આશ્રય લઈને, તમે પસીનો લૂછવા ઊભા રહીને હાથમાંથી રૂમાલ કાઢો ત્યાંજ એક ડાળ કે ઝાડ પરથી ઉડતો કાગડો વગર ઈરાદે અજાણતા વરસાદના છાંટાંને બદલે તેની ચરકનો ચીકણો લોંદો આશીર્વાદ રૂપે ટપકાવે.

જો કે એવું માનવામાં આવે છે કે કાગડાઓ આ ભવમાં આપણા પૂર્વજો છે અને તેના અનુચિત કાર્ય બદલ ઠપકા માટે અપવાદરૂપ ગણાય છે.

– નટુભાઈ મોઢા


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “અપવાદરૂપ કાગડો – નટુભાઈ મોઢા

  • P.P.Shah

    What a fine narration of our own all most all accidental events encountered by us causing a sort of unhappiness.
    Many a time we face sudden chasing of stray dogs at night or early morning making a fall or loosing balance from the two wheelers, all of a sudden kite thread seen while driving, All of a sudden cows running after us, some time when under a tree birds/monkeys leaves dirt etc. Simlarly, our great gutka chewers coloring our clothes and auto vehicles in rainy days sprinkling waters and designing our white shirts even faces while passing through. These all causes irritation but no way but a part and parcel of our lifestyle.

  • Harsukhlal Thanki

    માનનિયશ્રી નટુભાઈ
    આપની લેખનશૈલી ખુબ સુંદર છે. કુદરત આપની કલમને વધુ ધારદાર બનાવે એવી શુભેચ્છા.
    જીવનના રોજબરોજના બનાવોમાંથી સહજ હાસ્ય નિષ્પન કરી જીવનને વધારે ખુશખુશાલ બનાવી શકાય આવો સંદેશ મેળવી શકાય છે
    ધન્યવાદ !! આપનો ટૂંકો પરિચય અહીં જરૂરી જણાય છે.

  • Natwarlal Modha

    ઉપરના લેખની પહેલીજ લાઈનમાં મારી ક્ષતિ આ લેખ મેકલ્યા બાદ જાણવા મળી. એ સુધારું છું . સ્વાબાનુવ ને બદલે સ્વાનુભવ એમ વાંચવા વિનંતિ.
    લાગે છે કે અજાણતા કાગડો કામણ કરી ગયો.

  • જયેન્દ્ર પંડ્યા

    મુરબ્બી શ્રી નટુભાઈ મોઢાને અભિનંદન,
    જેવી રીતે અંગ્રેજીમાં MURPHY’S LAW છે તેવીજ રીતે નટુભાઈએ આપના જીવનની નાની નાની વિસંગતિઓ કે ક્રિયાઓ ઉપર નું અવલોકન કરી તેને રમુજી રૂપે પ્રસ્તુત કર્યું તે ખુબજ ગમ્યું. ખુબ ખુબ આભાર.