શિવમહિમ્ન સ્તોત્ર : ગુજરાતી સમશ્લોકી અનુવાદ 20


મહિમા શિવ કેરો પામી શકેના જ્ઞાની પરમયે
સ્તુતિ બ્રહ્માદીયે પૂર્ણ ન કરી પામે પરમની
સમજ છે જેવી કરે સ્તુતિ તમારી તે તેવી
મારા સ્તોત્રને યે ગણી સ્તુતિ સ્વિકારો તમારી. ૧

મનો બુદ્ધિ વાણીથી પરે પ્રભુ મહિમા તમારો
ચકિત છે શ્રુતિ વર્ણન નિરાકાર નું કરતાં
નિર્ગુણ જો બ્રહ્મ કરું સ્તુતિ કયા ગુણ વિષયથી
આકર્ષે ના કોને સગુણ રૂપ સાકાર શિવનું. ૨

મધુ ઉત્તમ વાણી અમૃતમયી વેદો રચેતા
વર્ણન બ્રહ્મનું કરે શું ચકિત દેવગુરુએ
થશે પાવન વાણી ગુણ કથન કરતાં તમારું
કરું એ બુદ્ધિથી સ્તુતિ ત્રિપુરારિ હું તમારી. ૩

જગત ઉત્પત્તિ પાલન પ્રલય તારા થકી જ
તમારું ઐશ્વર્ય ત્રિવેદે ત્રિદેવે ત્રિભુવને
વરદ છતાંયે રમણ અરમણીય વાણીમાં
નિરર્થક તર્કો કરતાં જડબુદ્ધો જગતનાં. ૪

રચી શ્રુષ્ટિ કોણે કેવી રીતે કેવું રૂપ લઈને
શું એનો આધાર સાધનો સર્જનનાં કયા કેવા
ન કલ્પના જેને પ્રભુ સામર્થ્યની તમારા
કુતર્કોથી દુષ્ટો ભ્રમિત કરે જગના જનોને. ૫

અજન્મા હો લોક રહે ક્યાંથી ગુણ દોષ એમાં
સર્જનહાર વિના સંભવેના વિવિધતા અનોખી
સર્જક શ્રુષ્ટિનો હશે બીજો સાધનો પણ અન્ય
મંદબુદ્ધિ લોકો અમરવર સંદેહ કરેછે. ૬

વેદો સાંખ્યં યોગ પશુપતિ અને વૈષ્ણવ મત
વિભિન્ન માર્ગો છે અહીં તમારી પ્રભુ સાધનાના
વિભિન્ન રુચિના રુચી અનુસાર જ ગતિ કરે
તમે સાધ્ય સૌના મળતી જેમ સાગરે નદીઓ. ૭

વાઘામ્બર નંદી ત્રિશૂલ ભષ્મ ડમરું ને સર્પ
છે વળી કપાલ જેવાં તમારાં તંત્રોપકરણો
મેળવે સૌ સિદ્ધિ તવ ઈશારા માત્રથીજ દેવો
સ્વાત્મારત ના વિચલે વિષય મૃગતૃષ્ણાથી. ૮

ઘણાં માને સત્ય તો વળી બીજા મિથ્યા જગતને
પદાર્થો સૌ નિત્ય કે અનિત્ય વિષયે વિવિધતા
વિસ્મિત બધાથી સ્તવું પુરમથન હું તમને
સ્તવું પૂર્ણ ભાવે શરમ ના કોઇ ચાતુર્ય એમાં. ૯

પામવા ઐશ્વર્ય ઉપર બ્રહ્મા વિષ્ણુ ગયા નીચે
તેજસ્વી જ્યોતિનો પામી શક્યા ના પાર કદીયે
શ્રધ્ધા ભક્તિથી સ્તુતિ કરી ગીરીશ હે તમારી
પ્રગટ્યા સ્વ બ્રહ્મ શ્રધ્ધા ભક્તિ કેમે વિફળતી. ૧૦

બન્યો રાવણતો સ્વામિ ત્રિભુવન વેરી વિનાનો
અસંતોષી હાથો રોકી શક્યાના યુદ્ધ મહેચ્છા
ધર્યા તવ ચરણે શિરકમળ દશાનને તેના
અચલ ભક્તિનો ત્રિપુરહર પ્રભાવ પ્રગટ્યો. ૧૧

બાહુબળીઓ તો બન્યો પ્રભુ તમારા જ બળથી
ઉઠ્યો ઉઠાવવા નિવાસ તવ કૈલાસને એ તો
દબાવ્યો અંગુઠો સહજ તમે પાતાળ પહોંચ્યો
ખરેખર દુષ્ટો બનતા મૂઢ સમૃદ્ધિ બળથી. ૧૨

ઇન્દ્રની પરમ ઉચ્ચ ઋદ્ધિ સમૃધિ જીતીજેણે
એવા બાણાસુરે ત્રિભુવનને વશમાં કર્યુંતું
ધર્યું તવ ચરણે સઘળું નત મસ્તક થઈને
તમારી ભક્તિથી ઉન્નતિ અહીં ના થાય કોની. ૧૩

સમુદ્ર મંથને ભયગ્રસ્ત દેવાસુર બન્યા
બ્રહ્માંડ રક્ષાર્થે ત્રિનેત્ર પીધું તે વિષ સઘળું
ધરેલા કંઠે જ વિષે તો કલંક ત્યાં એક કીધું
શોભે નીલકંઠ ત્રિભુવન ભયનાશકને એ. ૧૪

કામનાં કામણ છે અજય સુરાસૂરે મનુષ્યે
તમોને મદને ગણી નગણ્ય કામણ કીધુંતું
થયો ભષ્મશાત તે તો ત્રિનેત્રે ત્રિનેત્ર તણાં
જિતેન્દ્રિય યોગીની અવજ્ઞા ન કરવી કદીયે. ૧૫

પ્રચંડ આઘાતે ચરણોના પૃથ્વીતો ધ્રૂજીગઈ
નભોમંડળયે ભુજા ભ્રમણ વેગે ભમી ગયું
જટા ઝંઝાવાતે ખળભળી ઉઠ્યા લોક ત્રણેય
જગત રક્ષાર્થે તાંડવ પ્રભુનું પણ પ્રભુતા ૧૬

સમગ્ર આકાશી તારાગણના જેવી ફીણપ્રભા
ગંગાવતરણે બન્યુતું એક દ્વીપ જગ જ્યાં
જળબિંદુ જેવી દીસે એતો તવ મસ્તક મધ્યે
અનુમાને જાણું વિશાળ દેહ કેવળો હશે એ. ૧૭

સૂર્ય ચંદ્ર ચક્રો પૃથ્વી રથનાં સારથી છે બ્રહ્મા
બાણ વિષ્ણુ રૂપી સુમેરુ પર્વત કેરું ધનુષ્ય
તણખલા જેવા ત્રિપુર બાળવાનો આડંબર
ના પરાધીનતા છે પ્રભુક્રીડા બુદ્ધિથી પરે જે. ૧૮

સહસ્ત્ર કમળો ચઢાવ્યાતા જયારે શ્રીહરિએ
ખૂટ્યું કમળ તો નેત્રકમળ કાઢી ધરી દીધું
પ્રસન્ન ભક્તિથી ચક્ર સુદર્શન તમે તો દીધું
કેવી દિવ્ય દ્રષ્ટી ત્રિપુરહર જગ રક્ષણની. ૧૯

કરેલા યજ્ઞોનું આપવા ફળ જાગૃત તમે છો
આરાધના વિના કર્મ કોઈ ફળતું નથી કદી
કરમફળતો મળેજ સાક્ષી સ્વયં ફળદાતા
એવિ શ્રધ્ધા થકી સંસારમાં સૌ કર્મ કરી રહ્યા. ૨૦

યજ્ઞ કરનારા સ્વયં કુશળ દક્ષ પ્રજાપતિ
ઋષિઓ ઋત્વિજો સદસ્ય જ્યાં દેવો બધા હતા
કર્યો ધ્વંસ યજ્ઞ શરણદ ફળદાતા તમેજ
શ્રધ્ધા વિહોણાં યજ્ઞો તો પ્રભુ વિનાશ જ પામે. ૨૧

પ્રજાનાથં બ્રહ્મા થયા કામુક સ્વપુત્રી પર જ્યાં
બની તે મૃગલી પિતા પાછળ મૃગ બની ગયા
ભૈ ભાન ભૂલેલા બ્રહ્મા પર તાણ્યું બાણ તમેજો
ભલે ભાગ્યાબ્રહ્મા ભયભીત છે આવેશે તમારા. ૨૨

સ્ત્રી સૌન્દર્ય માને કરતાં વશ તમને પાર્વતીએ
સ્વયં કામને ત્યાં તૃણવત બળતો દીઠ્યો હતો
અર્ધદેહે સ્થાન દેવીને યમનિરત તો દીધું
સ્વવશછે વરદ માને જે સ્વ વશ મૂઢ મતિ. ૨૩

સ્મશાને પિશાચો સંગેતો રહેનારા સ્મરહર
અંગે ચોળી ભષ્મ ધરી નરમુંડમાળા ગળામાં
અમંગલ લાગે સમગ્ર સંસારને બધું આ તો
સ્મરણ માત્રે છો પરમ મંગલમય તમે તો. ૨૪

વિધિપૂર્ણ મન અંત:કરણે એકચિત્ત કરી
સત્ ચિદાનંદ સત્ય શિવ સુંદર પામે યોગી
તત્વ દર્શનેતો આનંદ અલૌકિક બ્રહ્માનંદ
હર્ષાશ્રુ નૈનોમાં અવર્ણનીય તત્વ તો તમેજ. ૨૫

તમે સૂર્ય ચંદ્ર તમે છો અગ્નિ અને જળ તમે
તમે વાયુ પૃથ્વી આકાશ અને આત્મા અહીં તમે
ભલે બોલે જ્ઞાની ઘણાંએ સીમિત બુદ્ધિ થી એમ
સિવાય શિવત્વ કોનું છે અસ્તિત્વ અહીં કહો. ૨૬

ત્રિવેદો ત્રિદેવો ભુવનો ત્રણે ને વૃત્તિ ત્રણેય
અ ઉ મ ત્રિવર્ણે પ્રગટે વ્યાપકતા પ્રભુની
તુરીયંતે ધામે તત્વ તે પરમ ઓ-મ ધ્વનિથી
સમસ્ત વ્યાપક શરણદ પદ એ પ્રણવ છે. ૨૭

ભવ શર્વ રુદ્ર પશુપતિ ઉગ્ર મહાદેવ
ને ભીમ ઇશાન ગુણાનુસાર તવ આઠ નામો
વર્ણન સ્તવન પ્રત્યેકનું કરે વેદો દેવો
સમસ્ત વ્યસ્ત તેજોમય રૂપ તેને નમું હું. ૨૮

નમુ સમીપં સમીપે પ્રિયદવ દૂરાતીદૂરને
નમુ સૂક્ષ્માતીસૂક્ષ્મ સ્મરહર સ્થૂલાતીસ્થૂલને
નમું વૃદ્ધાતીવૃદ્ધ ત્રિનયન હે યુવાથી યુવાને
નમું સર્વેમાં છે રહેલો સર્વવ્યાપી પણ છેજે. ૨૯

રજત ગુણે જનમ્યું જે છે જન્મદાતા નમું
તમસ ગુણે સંહાર તેનો સંહારકર્તા નમું
સત્વ ગુણે સુખ જે પામે આનંદદાતા નમું
ગુણાતીત માયારહિત કલ્યાણકર્તા નમું. ૩૦

વિષયી સંસારે ક્લેશ યુક્ત બુદ્ધિ મારી
ગુણાતીત નિત્ય સમૃદ્ધ દિવ્ય દ્રષ્ટિ તમારી
વિસ્મિત એ વિચારે તોયે ધરું ભક્તિ ભાવે
વરદ ચરણોમાં વાક્ય પુષ્પોપહાર. ૩૧

બધા પર્વતોની શાહી સમુદ્ર રૂપી પાત્ર
કલમ કલ્પવૃક્ષની પૃથ્વી રૂપી પત્ર
લઈ લખે અવિરત શારદા સર્વકાલ
તોયે પ્રભુ ના પામે પાર તમારા ગુણોનો. ૩૨

અસુર સુર મુનીન્દ્રો અર્ચે જે ચંદ્રમૌલિ
મહિમા સર્વ હૃદયે તે નિર્ગુણ બ્રહ્મનું
અતીગુણ સંપન્ન પુષ્પદંત ભક્ત કવિ
રુચિર પ્રિય સ્તોત્ર રચી મોટેથી ગાયે. ૩૩

પરમ ભક્તિ ભાવથી શુદ્ધ ચિત્તે ધૂર્જટે
ગાયે જે ભક્ત નિત્ય આ પવિત્ર સ્તોત્ર
પામે શિવલોકને થાયે અહીં રુદ્ર તુલ્ય
ધનવાન કીર્તિવાન પુત્રવાન થાય તે. ૩૪

મહેશની પરે ન દેવ મહિમ્ન ન પરે સ્તુતિ
અઘોરની પરે ન મંત્ર તત્વ ન તવથી પરે. ૩૫

દીક્ષા દાન તપ તીર્થ જ્ઞાન યજ્ઞ ક્રિયાથી
ઉત્તમ તો મહિમ્નજ ન જે કલા સોળમી યે. ૩૬

કુશુમદશન નામે સર્વ ગંધર્વરાજ
મસ્તકે ચંદ્ર જેના દેવાધીદેવનો દાસ
થયો ભ્રષ્ટ ભૂલી ભટકી એના રોષથકી
કરે સ્તવન દિવ્યાતીદિવ્ય પ્રિય મહિમ્ન. ૩૭

સુરવર મુની પૂજે સ્વર્ગ મોક્ષ દેતું
સ્તવે જો મનુષ્ય કર જોડી અનન્ય ચિત્તે
રહે તે શિવ સમીપે પૂજાય કિન્નરોથી
મુલ્યવાન એવું સ્તોત્ર રચ્યું પુષ્પદંતે. ૩૮

સમાપ્ત આ સ્તોત્ર પુણ્યદા રચેલું ગંધર્વે
અનોપમ્ય મનોહારી શિવ ઈશ્વર વર્ણન. ૩૯

આ વાણી રૂપી પૂજા શ્રીમદ શંકર ચરણે
ધરું દેવાધીદેવને પ્રસન્ન હો સદાશિવ. ૪૦

તવ તત્વ ન જાણું હું કેવા છો હે મહેશ્વર
જેવા હો હે મહાદેવ તમોને હું નમું નમું. ૪૧

એક, બે, ત્રણ વાર જે સ્તવે સ્તોત્ર આ તમારું
થઇ પાપોથી મુક્ત એ પૂજાય શિવલોકે યે. ૪૨

શ્રી પુષ્પદંત મુખ કમલથી સરેલું
સ્તોત્ર જે પાપહારી પ્રિય પ્રભુને પણ
કંઠસ્થ કરી પાઠકરે એક ચિત્તે જો
અત્યંત પ્રસન્ન થાયે ભૂતપતિ મહેશ. ૪૩

લોકભોગ્ય ભાષામાં મેં ગાયું તવ શક્તિથીજ
ભાવ પુષ્પદંત નો છે દોષો બધાજ મારા. ૪૪

– અનુ. ભૂપેન્દ્ર પંચાલ


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “શિવમહિમ્ન સ્તોત્ર : ગુજરાતી સમશ્લોકી અનુવાદ